Thursday, March 28, 2024

(શાકા)હાર અને જીત

પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ

‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’
‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.

શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.

ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.

અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.

મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.

રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.

ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.

આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.

રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?

એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?

No comments:

Post a Comment