Saturday, April 06, 2024

સાર્થક પ્રકાશનઃ બારમા વર્ષે

https://saarthakprakashan.com/

6 એપ્રિલ, 2013ના રોજ ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓની હાજરીમાં, યાદગાર કાર્યક્રમ સાથે શરૂ થયેલું 'સાર્થક પ્રકાશન' આજે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. 11 વર્ષ એક લાંબો સમયગાળો છે. દરમિયાન આપણી આસપાસ ઘણું બધું બદલાયું છે. પરંતુ જે ધ્યેય સાથે 'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું હતું, તે બદલાયું નથી અને તેનો બહુ આનંદ છે, સંતોષ છે. તે માટે અમને આર્થિક, નૈતિક કે બીજી કોઈ પણ રીતનું બળ પૂરું પાડનાર સૌ સ્નેહીઓ-મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

પુસ્તકસંખ્યાની દૃષ્ટિએ 'સાર્થક' નાનું અને અમારી વ્યસ્તતાઓનો ભોગ બનતું આવ્યું છે. તેના કારણે 11 વર્ષમાં પુસ્તકસંખ્યા પચાસનો આંકડો પાર કરી શકી છે. વધુ પુસ્તક થયાં હોત તો અમને ગમ્યું હોત, પણ નથી થયાં તેનો રંજ કે વસવસો નથી. બીજાં અનેક કામ વચ્ચે સમય મળ્યો, અનુકૂળતાઓ થઈ તેમ પુસ્તકો આવતાં રહ્યાં છે. 

'કટિબંધ' સિવાયની અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓ  'સાર્થક'માં પ્રગટ થઈ ચૂકી છે. 'કટિબંધ' આ મહિને છપાવા જાય એમ લાગે છે. ત્યાર પછી પણ અશ્વિનીભાઈનાં-તેમનાં વિશેનાં બે-ત્રણ પુસ્તકોની સામગ્રી છે. તેમાં અમારી અનુકૂળતા ઉપરાંત તેમના અમેરિકાસ્થિત પુત્ર નીલની અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. એટલે તેના સમયગાળા વિશે અંદાજ બાંધી શકાતો નથી. છતાં આ વર્ષે તે આવી જાય એવો અમારો પૂરો પ્રયાસ રહેશે.

એવી જ રીતે, વર્ષોથી અમારા નામે બાકી બોલતો રામચંદ્ર ગુહાના અત્યંત અગત્યના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો અનુવાદ આખરે તૈયાર છે. તેનું પ્રૂફ પણ થઈ ગયું છે. હવે ફાઇનલ ચેકિંગ ચાલે છે. તે બે ભાગમાં, આશરે હજારથી પણ વધુ પાનાંમાં, પ્રગટ થશે. તે પણ આ વર્ષે, બને તો બે-ત્રણ મહિનામાં, પ્રગટ કરવાનું આયોજન છે.

આ ઉપરાંત, આ વર્ષે પ્રકાશન માટે તૈયાર એવાં પુસ્તકોની યાદીઃ

(1) ઝવેરચંદ મેઘાણીના 'સમરાંગણ'નો અશોક મેઘાણીએ કરેલો અંગ્રેજી અનુવાદ

(2) પ્રકાશ ન. શાહના 'દિવ્ય ભાસ્કર'ની બુધવાર પૂર્તિમાં આવતા સાંસ્કૃતિક લેખોનો સંગ્રહ (જે તેમના લેખોનું પહેલું પુસ્તક હશે)

(3) બિનીત મોદીએ તૈયાર કરેલું, છેક મુંબઈ રાજ્યથી લઈને 2024 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સભ્યોની પૂરી વિગત આપતું સંદર્ભપુસ્તક

(4) ધૈવત ત્રિવેદીના 'વિસ્મય'ના વધુ બે ભાગ

આટલું તો એકદમ તૈયાર છે. તે સિવાય બીજાં કેટલાંક પુસ્તક પણ આ વર્ષે પ્રગટ કરવાની તૈયારી ચાલે છે. તેની વિગતો યથાસમય.

*

'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું ત્યારે સામયિક શરૂ કરવાનો જરાય ખ્યાલ ન હતો. છતાં, ઓક્ટોબર 2013થી છ માસિક તરીકે 'સાર્થક જલસો' શરૂ થયું. તેના 19 અંક પ્રગટ થઈ ચૂક્યા છે અને મે, 2024ની મધ્યમાં તેનો અંક નં. 20 પ્રગટ થશે. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ન સમાય એવા આ વિશિષ્ટ સામયિકના 20 અંક થાય, તેનો અમારે મન બહુ મહિમા છે.

યોગ્ય પ્રચારપ્રસારના અભાવે હજુ ઘણા પ્રેમી વાચકો 'સાર્થક જલસો' વિશે ન જાણતા હોય એવું બને. જે મિત્રોને 'સાર્થક જલસો'ની વાચનસામગ્રી ગમે છે, તેમને વિનંતી કે તે અમને તેમના એવા એક-બે વાચનરસિક મિત્રોનાં નામ-ફોનનંબર-સરનામાં મોકલાવે, જેમને 'સાર્થક જલસો' વિશે ખ્યાલ ન હોય અને જેમને આ પ્રકારની સામગ્રીમાં રસ પડે એમ હોય. (સરનામાં 98252 90796- કાર્તિક શાહ પર મોકલવાં) જે મિત્રોને 'સાર્થક'નાં નવાં આવતાં પુસ્તકો વિશે કે 'સાર્થક જલસો'નો નવો અંક પ્રગટ થાય તેની માહિતી મેળવવાની ઇચ્છા હોય તે પણ આગળ જણાવેલા નંબર પર તેમનું નામ વોટ્સએપથી મોકલી આપે.

*

અમદાવાદમાં એકાદ વાર સૌ મિત્રો-વાચકો સાથે મળી શકાય, એવા કાર્યક્રમનું આયોજન પણ આ વર્ષે ગણતરીમાં છે. તે સિવાય પોતાના શહેરમાં બીજા વાચકો સાથે મળીને આવો કાર્યક્રમ યોજવા ઇચ્છુક મિત્રો કાર્તિકભાઈનો સંપર્ક કરી શકે છે. પરસ્પર અનુકૂળ હશે તો એવી રીતે અમદાવાદ સિવાય બીજે પણ મિત્રોને મળવાનું બની શકે છે.

મળીએ. રૂબરૂ કે પછી શબ્દો થકી.

*

પછીથી સંપર્કમાં આવેલા મિત્રો 'સાર્થક પ્રકાશન'ના આરંભના યાદગાર સમારંભ વિશે જોવા-જાણવા ઇચ્છતા હોય તો તેના અહેવાલોની લિન્કઃ એક, બે, ત્રણ, ચાર, પાંચ



No comments:

Post a Comment