Thursday, February 18, 2021

કોવેક્સિનમાં 'નંબર વન' ગુજરાત

ભારત સરકારે ઑક્સફર્ડની (પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યુમાં નિર્મિત) વેક્સિન કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર આપેલો છે. બંને આમ તો વેક્સિન છે અને સરકારે તે બંનેને મંજૂરી આપી છે. છતાં, મંજૂરીનો પ્રકાર જુદો છે અને આપણને સતત ‘ભારતીય વેક્સિન પર ભરોસો રાખવાનું’ કહેવામાં આવે છે.
કારણ કે--

  1. બ્રિટનમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં નિર્મિત કોવિશિલ્ડ તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા કરી ચૂકી હતી. ત્રીજા તબક્કાનાં પરિણામ ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં. એટલે બ્રિટનની સરકારે તેને મંજૂરી આપી. ત્યાર પછી ભારતે પણ તેને મંજૂરી આપી.
  2. હૈદરાબાદની કંપની ભારત બાયોટેક દ્વારા બીજી સંસ્થાઓના સહયોગથી વિકસાવાઈ રહેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલતો હતો (હજુ ચાલે છે). હજુ સુધી તેના પહેલા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જ ‘લાન્સેટ’માં પ્રગટ થયાં છે. છતાં, તેને ભારત સરકારે ઇમર્જન્સી સિચ્યુએશનમાં, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, રિસ્ટ્રિક્ટેડ યુઝ મા્ટે—એટલે કે, કટોકટીભર્યા કાળમાં, ક્લિનિકલ ટ્રાયલના ધોરણે, મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થયા નથી અને તેનાં પરિણામો નિષ્ણાતોની આંખ તળેથી નીકળીને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયાં નથી. માટે, તેની અસરકારકતા વિજ્ઞાનપ્રમાણિત નહીં, પણ ભરોસાનો વિષય છે.
  3. કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને રસીકરણ ઝુંબેશનો ભાગ બનાવવા માટે એવું કહેવામાં આવે છે કે સરકારે બધું જોઈવિચારીને, તબીબી તેમ જ નૈતિક બાબતોની તપાસ કરીને, પરવાનગી આપી છે. તે સાચું હોય તો પણ, તેનાથી કોવેક્સિનનો ડોઝ ક્લિનિકલ ટ્રાયલ મટી જતો નથી. સામાન્ય ક્લિનિકલ ટ્રાયલ અને કોવેક્સિનના સરેઆમ ક્લિનિકલ ટ્રાયલ વચ્ચે ફરક એક જ છેઃ ક્લિનિકલ ટ્રાયલમાં એક જૂથને દવા અને બીજા જૂથને સાદું-નિર્દોષ પ્રવાહી આપવામાં આવે છે અને તેમની પર થયેલી અસરની સરખામણી કરવામાં આવે છે, જ્યારે આ ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર રસી જ આપવામાં આવે છે. એટલે બીજા કોઈ સાથે સરખામણીનો સવાલ આવતો નથી.
  4. કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ માટેના નિયમો લાગુ પડે છે. તેના માટે રસી લેનારે પૂરતી જાણકારી સાથેનું સંમતિપત્ર (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ) ભરવું ફરજિયાત છે. સંમતિપત્ર સ્થાનિક ભાષામાં હોવું જરૂરી છે. રસી લેતાં પહેલાં તે શાંતિથી વાંચવાનો અને તેને લગતા પ્રશ્નો પૂછવાનો રસી લેનારનો અધિકાર છે. કારણ કે તે રસીકરણ ઝુંબેશમાં નહીં, ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિની રસી માટે પસંદગી કરવામાં આવે છે. પણ જો તે વાંચી ન શકતી હોય તો સંમતિપત્ર તેને વાંચી સંભળાવવું પડે છે.
  5. કઈ અવસ્થા ધરાવતા કે કઈ સારવાર લેતા લોકો કોવેક્સિન ન લઈ શકે, તેની પણ યાદી આપવામાં આવી છે. કારણ કે એ રસીની અસરો હજુ સુધી ભરોસાનો વિષય છે—વૈજ્ઞાનિક પુરાવાનો નહીં.
  6. રસી ચોક્કસ રોગ સામે પ્રતિકારકતા પેદા કરવા માટે લેવાની હોય છે. રસી નવી હોય કે ક્લિનિકલ ટ્રાયલના તબક્કે હોય ત્યારે મુખ્ય સવાલો હોય છેઃ તેની આડઅસર છે? તેની અસર ક્યારથી શરૂ થશે? તે ક્યાં સુધી ટકશે? આડઅસર ન થાય તે સારી બાબત છે. પણ તે રસી લેવાનો મુખ્ય હેતુ નથી, એટલું યાદ રાખવું પડે.
  7. કોવિશિલ્ડ રસીકરણ ઝુંબેશનો ભાગ છે, જ્યારે કોવેક્સિન સરકારમાન્ય ક્લિનિકલ ટ્રાયલ છે. ક્લિનિકલ ટ્રાયલમાં ફરજિયાત ભાગ લેવાની ફરજ ન પાડી શકાય, દબાણ ન કરી શકાય, 'સાહેબ નારાજ થશે'ની બીક પણ ન બતાવી શકાય. એવું કરવામાં આવે તો પછી રસી લઈ લીધાનાં બનાવટી પ્રમાણપત્રોનો ધંધો (જો શરૂ નહીં થયો હોય તો) શરૂ થઈ જશે. એના કરતાં પણ મહત્ત્વનો મુદ્દો એ કે આ ભારત છે, ચીન નથી. નથી ને?


આટલી હકીકતો જાણીતી હતી. આજે સરકારી આંકડાથી એ પણ જાણવા મળ્યું કે છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ—આ સાત રાજ્યોમાં કેન્દ્ર સરકારે કોવિશિલ્ડની સાથે સાથે કોવેક્સિનના ડોઝ પણ મોકલ્યા હતા. ગુજરાતના અપાયેલા કોવેક્સિનના ૧,૫૦,૪૦૦ ડોઝમાંથી ગુજરાત સરકારે ૧,૦૬,૦૪૩ ડોઝ અત્યાર સુધીમાં લોકોને આપી દીધા છે.

બીજાં છમાંથી બે રાજ્યો છત્તીસગઢ અને કેરળે તેમને કેન્દ્ર તરફથી અપાયેલા કોવેક્સિનના ડોઝમાંથી એક પણ ડોઝ લોકોને આપ્યો નથી. ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારે ૧,૬૫,૨૮૦ ડોઝ આપ્યા હતા. તેમાંથી રાજ્ય સરકારે ફક્ત ૯,૪૫૮ ડોઝ જ લોકોને આપ્યા છે. (બાકી કોવિશિલ્ડના આશરે ૧૯ લાખ ડોઝમાંથી ૬.૬ લાખ ડોઝ ઉ.પ્ર.સરકારે લોકોને આપ્યા છે)

તો ગુજરાતમાં ફેબ્રુઆરી ૯,૨૦૨૧ સુધીમાં કોવેક્સિનના ૧,૦૬,૦૪૩ ડોઝ અપાઈ ચૂક્યા છે. તે લેનારમાંથી જે લોકો આ વાંચતા હોય તેમની પાસેથી આટલી જાણકારી આપવા વિનંતી.
  • તમે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ જોયું હતું?
  • તે ગુજરાતીમાં હતું કે અંગ્રેજીમાં કે બીજી કોઈ ભાષામાં?
  • તે ફોર્મ તમે વાંચ્યું હતું?
  • તે ફોર્મમાં તમે સહી કરી હતી?
  • ફોર્મમાં સહી વાંચીને કરી હતી કે વાંચ્યા વિના?
  • એ સિવાય બીજું કોઈ ફોર્મ ભર્યું હતું?
  • રસી લેવા માટે તમારી પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું?
આ સવાલના જવાબ ફક્ત કોવેક્સિન લેનાર અથવા તેને આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કે આધારભૂત માહિતી ધરાવતા લોકોએ જ આપવા વિનંતી.