Thursday, November 07, 2019

ટુકડે ટુકડે કટોકટી

મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગરના ઉપક્રમે ૧૫ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ ‘દર્શક વ્યાખ્યાનમાળા’ના ચોથા મણકામાં આપેલા પ્રવચનનો સંપાદિત પાઠ  (નિરીક્ષક, ૧ નવેમ્બર, ૨૦૧૯)

નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’--આ બંનેનાં લખાણનો પરિચય બહુ મોડેથી થયો. ભણવામાં ‘દર્શક’ની નવલકથામાંથી કે નાટકમાંથી પાઠ આવતા હશે. પણ થોડાં વર્ષ પહેલાં તેમની સોક્રેટિસ અને લોકશાહી વિશેની પુસ્તિકા વાંચીને મનમાં ઘણા ચમકારા થયા. ત્યાર પછી તેમનાં એ પ્રકારનાં વધુ લખાણ વાંચ્યાં. સાથોસાથ, ‘વાગીશ્વરીનાં કર્ણફુલ’માં તેમણે ક્લાસિક કૃતિઓનું જે રીતે (રસાસ્વાદલક્ષી) વિવેચન કર્યું, તેમાં પણ ‘દર્શક’ની સૂઝ, સ્પષ્ટતા, ઊંડાણ, ચોટદાર અભિવ્યક્તિ, સરળતા ઉપરાંત લોકશાહી અને નાગરિકધર્મ વિશેની નિસબત બહુ સ્પર્શ્યાં. એ વિષયોમાં ‘દર્શક’નાં કેટલાંક લખાણના પ્રકાશમાં આજની સ્થિતિની થોડી વાત કરવી છે.

થોડા સમય પહેલાં ક્યાંક વાંચવામાં આવ્યું : જુલિયસ સીઝર પર લોકશાહીની હત્યાનો આરોપ થયો, ત્યારે સિઝરે એ મતલબનું કહ્યું કે લોકશાહી મરેલી જ હતી. મેં તો તેનું મડદું બહાર ફેંક્યું છે. એટલે કે, એક અર્થમાં સારું થયું. લોકોને વાસ્તવિકતાની ખબર પડી કે હવે ખરેખર લોકશાહી નથી. વર્તમાન સરકારની કામગીરીનું પણ ઘણા લોકો આ ધોરણે મૂલ્યાંકન કરે છેઃ લોકશાહીનું અને બંધારણીય સંસ્થાઓનું ખૂન તો કોંગ્રેસે કરી જ નાખેલું. એ આરોપ વર્તમાન સરકાર પર મૂકી શકાય તેમ નથી.

એ આરોપ છે તો સાચો.  ન્યાયતંત્રથી માંડીને બીજી અનેક બંધારણીય સંસ્થાઓ કોંગ્રેસના, ખાસ કરીને ઇંદિરા ગાંધીના રાજમાં કોમ્પ્રોમાઇઝ્ડ થઈ. લોકશાહીનું શીલ લૂંટાયું, સત્વ ખંડિત થયું. ‘દર્શકે’ પણ ઇંદિરા ગાંધીને ‘ખરાં મેકિયાવેલિયન’ ગણાવીને લખ્યું હતું, ‘મેકિયાવેલી કહે છે, જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ... લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો...આપણાં ઇન્દિરાજી ખરાં મેકિયાવેલિયન જ હતાં. તેમણે એ રીતે જ વહીવટ ચલાવ્યો અને બરાબર ચૂંટાયાં.’ (સોક્રેટિસથી માર્ક્સ, પૃ. ૭૭)

આ વાત આગળ કરીને ઘણા એવું સૂચવે છે કે 'ઇંદિરા ગાંધીએ જે કર્યું, તે વધારે અસરકારક રીતે નરેન્દ્ર મોદી કરે છે. તેમાં આભ તૂટી પડ્યું હોય એવો કકળાટ શાનો?’ અને સોશિયલ મિડીયા કે ટીવી ચેનલો પર એવા નોકરિયાત કે ફ્રીલાન્સર પ્રશ્નકર્તાઓ પણ મળી રહેવાના કે 'ઇંદિરા ગાંધી આ બધું કરતાં હતાં ત્યારે તમે બધા ક્યાં હતા?’

આપણે વાત ‘દર્શક’ નિમિત્તે લોકશાહીની અને વર્તમાન સ્થિતિની કરવાની છે.  એટલે આવા સવાલના જવાબ આપવા પણ પડે. તો, બીજા સવાલનો જવાબ પહેલોઃ તમે ક્યાં હતા? મારું તો જાણે સમજ્યા-- ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે હું બાળમંદિરમાં હતો--પણ પ્રકાશભાઈ જેવા મોટા ભાગના લોકો હોવા જોઈએ ત્યાં જ હતા--જેલમાં. ટૂંકમાં, જે અત્યારે આ સરકારની બિનલોકશાહી રીતરસમનો વિરોધ કરે છે, તેમાંના ઘણા ખરા ઇંદિરા ગાંધીની બિનલોકશાહી રીતરસમોના પણ વિરોધી હતા અથવા ધીમે ધીમે બન્યા હતા.

હવે પહેલો સવાલઃ તો આભ તૂટી પડ્યું હોય એવું કેમ લાગે છે?

કારણ કે, ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દેખીતી હતી. એટલે તેની સામેની લડાઈ સહિયારી અને એકજૂથ બની. અત્યારની કટોકટી દેખીતી નથી. કોઈ દલીલ કરી શકે, ’તમે આટલું બોલી શકો છો, એ જ દેશની ધબકતી લોકશાહીનો પુરાવો નથી? ’

પણ જેમ ચૂંટણીઓ યોજી દેવી ને મત આપી દેવો એ જ લોકશાહી નથી, તેમ આટલું બોલી શકાય છે એટલા માત્રથી લોકશાહીને ધબકતી જાહેર કરી દેવાય નહીં. કેમ કે, વર્તમાન શાસકોનો અભિગમ જુદો છે. તેમનો જ પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહું તો, તે ટુકડે ટુકડે કટોકટી આણી રહ્યા છે. ના, આણી ચૂક્યા છે. દેશની એકેએક બંધારણીય સંસ્થાઓ પહેલાં ક્યારેય નહીં એટલી ભાંગેલી (કોમ્પ્રોમાઇઝ્ડ) અથવા નિર્વીર્ય બની છે.  ન્યાયતંત્ર પ્રત્યેનો આદર જાળવી રાખવા માટે અપવાદો સામે જોવું પડે એવી સ્થિતિ છે. ઘણા વખતથી એકંદરે ઠેકાણાસરની કામગીરી કરતું ઇલેક્શન કમિશન હવે સત્તાધારી પક્ષના મેળાપીપણામાં ચાલતું ને નિર્ણયો લેતું હોય એવા આરોપ થાય છે.

દેશની નીતિ જેના આધારે ઘડવામાં આવે છે અને દેશની પરિસ્થિતિનો ચિતાર જેની પરથી મળે છે, એ છે સરકારી આંકડા. પણ આંકડા જાહેર કરતી સંસ્થાઓનો એવો ઘડોલાડવો કરી નાખવામાં આવ્યો છે કે ત્યાંથી આંકડા આવતા જ બંધ થઈ ગયા. કોઈ પત્રકાર તેનો ધર્મ અદા કરીને આંકડા લીક કરે, તો લીક કરનારને નૈતિકતાના ઉપદેશ આપવાના, પણ સાચા આંકડા પોતે બેઠક તળે દબાવીને બેસી ગયા છે, એવું નહીં કહેવાનું. લીક થયેલા આંકડા જૂઠા જાહેર કરવાના. પોતાને અનુકૂળ આંકડા ન આવે, તો ગણતરીની રીત બદલી નાખવાની.

'કેગ'ના અહેવાલની શી દશા હતી, એ પણ રાફેલના વિવાદ વખતે જોયું. એ વખતે 'ધ હિંદુ' અખબારના એન. રામ એવી વિસ્ફોટક નોંધો લઈ આવ્યા, જેમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી એવા સંકેત હતા. પછી શું થયું? કંઈ નહીં. ચૂંટણી જીત્યા એટલે બધી ચર્ચા પૂરી. એવો એક શ્લોક હતો કે સર્વે ગુણાઃ કાન્ચનમાશ્રયન્તિ. બધા ગુણો સોનામાં સમાઈ જાય છે. એવું જ. ચૂંટણી જીત્યા એટલે બધું સાચું થઈ ગયું.  હવે રાફેલનો સોદો યાદ કરો, ત્યારે રાફેલ વિમાન કેટલું સારું છે એની વાતો થાય. અલ્યા ભાઈ, એમ તો બોફર્સની તોપ ક્યાં ખોટી હતી? કારગીલ પાછું મેળવવામાં તેનો કેટલો મોટો ફાળો હતો, પૂછો કોઈ જાણકારને. એટલે તેમાં થયેલી કટકી ભૂલી જવાની?

વાત ચાલતી હતી ટુકડે ટુકડે આવી ગયેલી કટોકટીની. અત્યારે મુદ્દા એવી રીતે ઊભા કરવામાં આવે છે, જેથી વિરોધ કરનારા એકજૂથ ન થાય. સરકારને તેની બહુ ફાવટ છે. એટલે જેમને 'લીબરલ'ની ગાળ પડે છે એવા લોકો પણ વહેંચાયેલા રહે છે. કેમ કે, તે પ્રશ્ન આધારિત વિચારે છે ને એકબીજા સાથે મતભેદમાં ઉતરે છે, પણ બધા પ્રશ્નોને જોડતી અને તેના મૂળ જેવી વ્યાપક કટોકટીને તે જોઈ શકતા નથી. લોકો ગ્લોબલ વોર્મિંગને લીધે ઓગળતી બરફની ચાદરોની વાત કરે છે. એ તો ખેર બહુ અગત્યની છે, પણ ઘરઆંગણે ટુકડે ટુકડે કરીને લોકશાહીની ચાદર ઓગળી રહી છે ને આપણને ખબર પડતી નથી. આપણે એક ટુકડો જોઈએ છીએ, પણ તે ટુકડો કઈ ચાદરનો ભાગ છે અને એ આખી ચાદરમાં શું થઈ રહ્યું છે ને કેટલું બાકી રહ્યું છે, તે આપણે જોતા નથી.

લોકશાહીની એ ચાદરને ઇંદિરા ગાંધીએ ઘણું નુકસાન પહોંચાડ્યું. પણ ત્યાર પછીના ગાળામાં એ ચાદરે પોતાનું પોત ઠીક ઠીક પ્રમાણમાં પાછું મેળવ્યું હતું. આ ચાદરની એ ખૂબી છે. તે નષ્ટ થાય, તેમ ફરી બને પણ ખરી. ઉદાહરણ તરીકે, ટી. એન. શેષન ઇંદિરા ગાંધી પછીના યુગમાં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા અને તેમણે ચૂંટણી પંચના બંધારણીય દાંતનહોરનો લોકોને પરચો આપ્યો.  એવી જ રીતે, કેગની સક્રિયતા કે સીવીસી જેવી બંધારણીય સંસ્થાની સક્રિયતા પણ ઇંદિરા ગાંધીએ લોકશાહીની ચાદર છિન્નભિન્ન કર્યા પછીની છે.

વર્તમાન સરકારે આ બધું એક સાથે નહીં, એક-એક કરીને, ટુકડે ટુકડે ખતમ કર્યું છે. સરકારની સમાંતરે ચાલીને લોકશાહીને તંદુરસ્ત બનાવવામાં કે તેની બિમારી ઘટાડવામાં બંધારણીય સંસ્થાઓ મદદરૂપ બનતી હતી. વર્તમાન સરકારે તે બધી પર બિનસત્તાવાર કબજો કરી લીધો છે. રીઝર્વ બેન્કમાં પણ કેવા ખેલ ચાલ્યા હશે ને સરકારના નીમેલા ગવર્નરોએ પણ કેમ રાજીનામાં આપવા પડ્યાં હશે, તે ધારી શકાય એવું છે.

આમ, એક તરફ ટુકડે ટુકડે લોકશાહી ખતમ કરવાનો કાર્યક્રમ પૂરબહારમાં છે, ત્યારે નાગરિકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેની તરકીબો પણ ચાલુ છે.  હાથચાલાકીનો એ તો જૂનો નિયમ છે. ડાબા હાથમાંથી કશું ગાયબ કરવું હોય તો જમણા હાથે એવું કંઈક કરવાનું કે લોકોનું ધ્યાન જમણા હાથ પર કેન્દ્રીત થઈ જાય. સરકાર એ ખેલમાં બહુ પાવરધી છે. એટલે વડાપ્રધાન ટ્વિટર પર અમથા અમથા સક્રિય હોય, પણ તેમની સરકારની નીચે રેલો આણનારો મુદ્દો આવે એટલે તે ચૂપ થઈ જાય. વડાપ્રધાન અમેરિકા જઈને 'હાઉડી'કરી આવે, પણ ઘેર માનીતા (પાળીતા) પત્રકારો અને ઇન્ટરવ્યુકારો સિવાય બીજા કોઈ સાથે વાત ન કરે. ગાંધીજીને સ્વચ્છતાની બાટલીમાં પૂરી દે ને ઉપરથી બૂચ બંધ. હવે તો ગાંધીજીને પ્લાસ્ટિકની થેલીઓ સામેના વિરોધ ખાતે ખતવી દે. અને બુદ્ધિશાળી લોકો પણ આ પગલાની કુટિલતા સમજવાને બદલે ભોળપણથી કહે, ‘સ્વચ્છતા ઝુંબેશ તો સરસ જ છે. તેમાં ખોટું શું કર્યું?’

વર્તમાન રાજમાં નાગરિક સંગઠનોનું સ્થાન સાયબર સેલ અને સોશિયલ મિડીયા પરના ટ્રોલે લીધું છે. એટલે, સરકાર ટુકડે ટુકડે કટોકટી આણી શકી છે અને હજુ નાગરિકોમાં તેનો અહેસાસ નથી. તે દર્શાવે છે કે સૌથી મોટી કટોકટી નાગરિકતાની છે.
***

નાગરિકોના ઘડતર વિશે 'દર્શક'ના વિચારોમાં જતાં પહેલાં થોડી વાત ભારતીય સંસ્કૃતિની પણ કરી લઈએ. રાફેલના પૈડા નીચે નીચે લીંબુ કે ચંદ્રયાન-૨ની પ્રતિકૃતિ તિરુપતિના મંદિરમાં--એ ભારતીય સંસ્કૃતિ નથી. એ વ્યક્તિગત શ્રદ્ધાના કે માન્યતાના મામલા છે. તે ધર્મ કે સંસ્કૃતિ, કશું જ નથી.  એનઆરઆઈઓ માટે પરદેશમાં ફૂલેલાફાલેલા ફિરકા ને સંપ્રદાયો ભારતીય સંસ્કૃતિના સમાનાર્થી છે. પ્રાચીન ભારતમાંથી સાચું ગૌરવ લેવા જેવું એટલું બધું છે કે ગણેશની પ્લાસ્ટિક સર્જરી જેવાં તકલાદી ગૌરવ લેવાની જરૂર નથી. તેનાથી તો ઉલટું સાચી સિદ્ધિઓને ઝાંખપ લાગે છે.

ભારતની ખરેખરી સંસ્કૃતિ કેવી હતી? તેમાં લોકશાહી, રાજાપ્રજાના સંબંધો અને વૈચારિક સ્વતંત્રતા કેવાં હતાં? તેના વિશે 'આપણો વૈભવ અને વારસો'માં 'દર્શકે' સરસ અજવાળું કર્યું છે. 'મહાભારતના યુદ્ધ પછીના ઉપનિષદ યુગમાં ઋષિઓ પાછા અરણ્યમાં ચાલ્યા ગયા...તેમણે જીવનના ગૂઢ પ્રશ્નો વિશે જે ચર્ચાઓ કરી, અનુમાનો બાંધ્યાં, જે કાચા-પાકા, કામચલાઉ કે સ્થિર નિયમો તારવ્યા તેની નોંધ તે ઉપનિષદ છે. તેમાં એક વસ્તુ સર્વમાન્ય છે. જીવનના મર્મને ઉકેલવાની તીવ્ર જિજ્ઞાસા. જુદા જુદા મુનિઓ જુદી જુદી દિશામાં ચાલ્યા ને પોતાની મર્યાદા આવતાં અટકી પડ્યા.’  આટલું લખીને 'દર્શકે' હિંદુ ધર્મને બંધિયાર કરવા ઉત્સુક લોકો માટે સ્પષ્ટતાથી નોંધ્યું છે, 'એ કાળે વિચારનું કેટલું મોટું સ્વાતંત્ર્ય હશે એનો એ પુરાવો છે. જે લોકો એકમત હતા તેમનું જ લખાણ સચવાયું નથી. યજ્ઞનો મહિમા ગાનારા, યજ્ઞ વિશે ઉપેક્ષા સેવનારા, યજ્ઞને ઓછું મહત્ત્વ આપવાવાળા સૌ એમાં છે.’ ('આપણો વૈભવ અને વારસો', પૃ. ૬૮-૬૯)

આપણી સંસ્કૃતિનાં સૌથી ઉજ્જવળ પાસાંમાંનો એક અને વર્તમાનમાં સૌથી લાગુ પડે એવો ભાગ શાસક તથા શાસિત વચ્ચેના સંબંધનો હતો. એ વખતે લોકશાહી તો ક્યાં હતી? છતાં, રાજાશાહીમાં લોકોનો દરજ્જો 'બિચારી રૈયત'નો ન હતો. 'આપણા પૂર્વજોના મતે રાજા, એ પ્રજાએ પસંદ કરેલ સેવક હતો. એને રક્ષણ ઉપરાંત બીજાં કર્તવ્યો સોંપાયાં હતાં. ને જો એ નિષ્ફળ જાય તો પ્રજા એને પદભ્રષ્ટ કરવાને અધિકારી હતી. સાદી ભાષામાં કહીએ તો પ્રજા અને રાજા વચ્ચે એક કરાર થતો અને એ કરારના પાલન પેટે એને ઉત્પન્નનો છઠ્ઠો ભાગ મળતો હતો. શાસ્ત્રમાં આ ભાગને સ્પષ્ટપણે 'વેતન'એવું નામ આપ્યું છે.’ (આ.વૈ.વા.પૃ. ૧૬૬)

સિંહાસને બેસતાં પહેલાં રાજાને કહેવામાં આવતું કે 'રાષ્ટ્ર તમને સોંપાય છે--ખેતી માટે, વિકાસ માટે, કલ્યાણ માટે, સમૃદ્ધિ માટે. એટલે આ રાજ્ય તમારું નથી. તમને ચોક્કસ હેતુ સર સોંપાતું ન્યાસ (ટ્રસ્ટ) છે. અને ઐતરેય બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા લેવી પડતી, હું જો તમને પીડું તો મારું સઘળું પુણ્ય, મારું સ્વર્ગ, મારું આયુષ્ય ને મારી સંતતિ નષ્ટ થાઓ.’ તેમ છતાં અને વારેવારે અપાતા રાજધર્મના ઉપદેશ છતાં, રાજા ફરજ પાળશે એવું આપણા પૂર્વજો માની લેતા ન હતા. એટલે, 'દર્શકે'નોંધ્યું છે કે 'એમણે વેદકાળમાં સમિતિ-સભાની રચના કરી હતી. તે છેક બુદ્ધકાળ સુધી જુદા જુદા સ્વરૂપે ચાલુ રહી. છતાં, જે રાજા પોતાનો ધર્મ ચૂકતો તેને માટે સ્પષ્ટ હતું--મૃત્યુ. (શ્લોક) હું તમારું રક્ષણ કરીશ એમ બોલીને જે રાજા રક્ષણ કરે નહીં, તેનો હડકાયા કૂતરાની જેમ તત્કાળ સૌએ વધ કરવો.’ (આ.વૈ.વા.પૃ.૧૬૭)

ભારતનાં ગણરાજ્યોની પરંપરાના અભ્યાસ પરથી 'દર્શકે' તારણ કાઢ્યું કે 'શક્તિ એ મુક્તિની દાસી થવી જોઈએ આ વાત ગણરાજ્યોના પ્રજાજનોને ધાવણમાં શીખવાતી હતી... આપણા આજ સુધીના ઇતિહાસના શ્રેષ્ઠ પુરુષો કહેવાય એવા ત્રણ—શ્રીકૃષ્ણ, બુદ્ધ ને મહાવીર—ગણરાજ્યોમાં જન્મ્યા ને ઉછર્યા હતા. (આ.વૈ.વા.,પૃ. ૧૭૪-૫)  ભારતીય પરંપરાની જિજ્ઞાસા અને મોકળાશ વિશે ખાસ ધ્યાન દોરતાં 'દર્શકે' લખ્યું કે તેના લીધે જ 'પુરોહિતધર્મનું ઉન્મૂલન કરનાર બુદ્ધને કે ઈશ્વરના અસ્તિત્વનો જ ઇન્કાર કરનાર સાંખ્યવાદીઓને એમના વિરોધી સમુહે ન તો પહાણા માર્યા કે ન તો સોક્રેટિસની માફક એમને ઝેર પીવાની ફરજ પાડી.’ (આ.વૈ.વા.,પૃ. ૧૭૭)

વૈદિક યુગથી બૌદ્ધ યુગ સુધી રાજાપ્રજા વચ્ચે કરાર હતો. પછી બ્રાહ્મણ પુરોહિતોએ રાજનીતિ વિશેના ગ્રંથ લખવાનું શરૂ કર્યું. તેમાં ગણરાજ્યોનો વિરોધ, એકચક્રી રાજ્યની તરફેણ અને રાજા દેવાંશી છે તેવા વિચારની સ્થાપના કરવામાં આવી અને ધીમે ધીમે બ્રાહ્મણોની સર્વોપરિતા સ્થપાઈ. (આ.વૈ.વા.,પૃ. ૧૯૯)
***

ભારતની સંસ્કૃતિમાં દર્શકે જેમ રાજાપ્રજાના સંબંધો પર અને તેના લોકશાહી મિજાજ પર પ્રકાશ પાડ્યો, તેમ ગ્રીસની અને સોક્રેટિસની વાતમાં પણ તેમણે વર્તમાન લોકશાહીની વાતનો સંદર્ભ જાળવી રાખ્યો. 'સોક્રેટીસથી માર્ક્સ'માં તેમણે એથેન્સની લોકશાહી વિશે પેરિક્લીઝનું નિવેદન આપ્યું છે કે 'આપણે ત્યાં જે નાગરિક જાહેર પ્રશ્નોમાં રસ લેતો નથી તે નિરુપદ્રવી નહીં, પણ નકામો ગણાય છે.’ દર્શકે લખ્યું હતું, ’સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાશાહીમાં, ઘેટાશાહીમાં, લાંચરુશ્ચવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો...બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી...તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ ('સોક્રેટીસથી માર્ક્સ', પૃ. ૩૫)

શું સોક્રેટિસનો જમાનો કે શું અત્યારનો, લોકોને ખોટે રસ્તે ચડાવવામાં બુદ્ધિશાળી-પ્રભાવશાળી વક્તાઓની પણ ભૂમિકા હતી. સોક્રેટિસના જમાનામાં તે 'સોફિસ્ટ' કહેવાતા. અત્યારના જમાનામાં ચિંતક કે વક્તા તરીકેની ઓળખ ધરાવતા ઘણા નમૂના આપણને આંખ સામે દેખાય. એવા લોકો સાથે ચર્ચા કર્યા પછી સોક્રેટિસે તેમને (દર્શકના ગુજરાતીમાં) ‘બુદ્ધિની વારવનિતાઓ’ ગણાવ્યા હતા અને તેમની ટૂંકી ઓળખ બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફિસ્ટ. ‘લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ-- આ બધું સોફિસ્ટો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય.’ આટલું કહીને દર્શકે લખ્યું હતું, 'લોકશાહીમાં સોફિસ્ટો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે. ' (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, પૃ.૨૨-૨૩)

સત્તાનું વિકેન્દ્રીકરણ બહુ જાણીતો પ્રયોગ છે, પણ દર્શકે તેને વધારે સ્પષ્ટતાથી અને જુદી રીતે સમજાવ્યો હતો, 'લોકશાહી પોલીસેન્ટર્ડ સોસાયટી (બહુકેન્દ્રી સમાજ) છે. લોકશાહીમાં સત્તાનાં વિવિધ કે્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાં જુદાં સત્તાનાં--બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલીસેન્ટર્ડ સોસાયટીનો ખાયલ જ ન હોય અને એકકેન્દ્રી (અત્યારની પરિભાષામાં કહીએ તો, સમરસ) સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે...આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.' (સદીનું સરવૈયું, પૃ. ૯૦-૯૧)

લોકશાહીમાં યેનકેનપ્રકારેણ, મતદારોને બહેકાવીને અથવા તેમને અવળા પાટે દોરીને ચૂંટણીઓ જીતી જનારા નેતાઓ પછી જનતાજનાર્દનનો મહિમા કરતા જોવા મળે છે. એ સ્થિતિ નવી નથી. તેના વિશે દર્શકની તપાસ અને નિદાન સ્પષ્ટ હતાં. એક તો, તેમણે કહ્યું કે ટોળાશાહીના નામે લોકશાહીને ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. બીજું, તેમણે કેટલીક પાયાની માન્યતાઓ સામે સવાલ ઉઠાવ્યા. આ માન્યતાઓ કઈ?

૧) મતદારો સર્વસામાન્ય હિત સમજી શકે છે. ૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. ૩) આવું કોઈમાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે. અને તેમણે લખ્યું કે, 'જે આવી સમજાવટ કરે નહીં,ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને?' (સોક્રેટિસઃ લોકશાહીના સંદર્ભમાં, પૃ. ૮)

સોક્રેટિસ વિશે વાત કરતાં અને એ સિવાય પણ દર્શકે સૌથી વધુ ભાર મતદારોની કેળવણી પર મૂક્યો હતો. સોક્રેટિસને ટાંકીને તેમણે લખ્યું હતું, 'મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે... લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. એટલે જ હું રાજનીતિમાં પડ્યો નથી. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની એ રાજકારણીઓને પસંદ પડતું નથી.'

દરેક સમયનો સવાલ એ હોય છે કે મતદારોને કેળવવા કેવી રીતે? ચારેક દાયકા પહેલાં 'દર્શકે' લખ્યું હતું, 'કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી.' અને 'પ્રોપેગન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. કારણ કે મતદારને આપણે તું વિચારીને મત આપ તેમ કહીએ છીએ. પ્રચારનાં માધ્યમો રાજ્યનાં છે. શિક્ષણનું તમે રાષ્ટ્રીયકરણ કરો એટલે પછી બધા એકસરખો વિચાર કરતા થઈ જશે. અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય... જ્યારે તમે મતદારોને કેળવણી નથી આપતા ત્યારે તમારે મતદારોને કોઈ ને કોઈ રીતે રીઝવવા પડે છે...લોકશાહીમાં મતદારોને ન કેળવો તો એની સમજદારી વિશે આશા ન રાખવી અને તો આ બધી જ ગરબડો ચાલુ રહેવાની.' (સદીનું સરવૈયું, પૃ. ૮૯-૯૦)

ચૂંટણીશાહી બનીને રહી ગયેલી લોકશાહીમાં એક સમજ એવી પણ બની છે કે લોકોને તેમને લાયક હોય એવા નેતાઓ મળે છે. પણ એ બાબતમાં દર્શકનું દર્શન જુદું હતું. તેમણે લખ્યું હતું, 'કોઈ પણ સમાજ ઉન્નત થાય તે પહેલાં તે સમાજના નેતાઓ તે પરિસ્થિતિ, તે પ્રજા ને તેમના પ્રશ્નો કરતાંયે ચાર આંગળ ઊંચાં આવે તે પ્રથમ જરૂરિયાત છે. સમગ્ર પ્રજાનો સ્તર ઊંચે આવતાં બહુ વાર લાગે છે. પણ તે છતાંયે તે સમાજની આગેવાની દીર્ઘદર્શી ને નિઃસ્વાર્થ હોય તો પ્રગતિ અટકતી નથી. ને નેતાઓ જ જ્યારે હીન કક્ષાએ ઊતરી પડે છે ત્યારે પ્રજા પરાજિત થાય તે વાતની ઈતિહાસે વારે વારે સાહેદી આપી છે.' (વાગીશ્વરીનાં કર્ણફુલ, પૃ. ૧૪૮)

'દર્શક'ની કમાલ એ છે કે તેમણે ઉત્તમ સાહિત્યનું જે વિવેચન કર્યું તેમાં પણ લોકશાહી માટેની અને નાગરિકઘડતર માટેની તેમની નિસબત દેખાઈ આવે છે. 'વાગીશ્વરીનાં કર્ણફૂલ'માં તેમણે 'વોર એન્ડ પીસ' (ટોલ્સ્ટોય) અને 'ઘરેબાહિરે' (ટાગોર) જેવી મહાન કૃતિઓનું વિવેચન કર્યું. વિવેચન કેટલું માર્મિક, રસાસ્વાદ કરાવનારું, વિશ્લેષણ કરનારું અને છતાં પરિભાષાથી મુક્ત, સરળ હોઈ શકે તેનો એ ઉત્તમ નમૂનો છે. સાથોસાથ, 'ઘરેબાહિરે'ના તેમના વિવેચનમાંથી તેમણે ટાંકેલા ફક્ત ત્રણ નમુના આપું છું. તે પાત્રના સંવાદ છે, પણ તેમાં વ્યક્ત થતી રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશના લોકો વિશેની સમજને કારણે ટાગોરની સાથોસાથ 'દર્શક' માટે પણ વિશેષ ભાવ થાય. બંગભંગની ચળવળ પછીના અરસામાં 'રાષ્ટ્રવાદ'ની ભરતી અને તેનાં ભયસ્થાનો ચીંધતાં નવલકથાનું એક પાત્ર કહે છે, ‘જ્યારે તમે દેશને દેવ તરીકે મનાવીને, અન્યાયને કર્તવ્ય તરીકે, અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો ત્યારે મારા હૃદયને આઘાત લાગે છે.’(વા.ક., પૃ. ૧૧૯) એ જ પાત્ર અન્ય પ્રસંગે કહે છે, ’દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ જુલમ કરવો’. (વા.ક., પૃ. ૧૨૫) અને લોકશાહી જ નહીં, સ્વતંત્રતાને વ્યાખ્યાયિત કરતો આ સંવાદ, ‘માણસે કેવાં કપડાં પહેરવાં, કઈ દુકાનેથી માલ ખરીદવો, શું ખાવું, કોની સાથે બેસીને ખાવું, એ પણ જો ભયના દોર વડે નક્કી કરવામાં આવે તો માણસની સ્વતંત્રતાનો ધરમૂળથી જ ઇનકાર કરવામાં આવે છે એમ કહેવાય.’ (વા.ક., પૃ. ૧૨૫)

છેલ્લે તેમની પુસ્તિકા ’આપણો સ્વરાજધર્મ’માંથી સૌના વિચાર માટે થોડા મુદ્દા ટાંકીને સમાપન કરું.
- લોકશાહીની સાચી કસોટી, પ્રતિકૂળ વિચારો કે યોજનાઓ સીધા કે આડકતરા દબાણ વિના પ્રગટ કરવાની મોકળાશમાં છે.
-સાચું સ્વરાજ થોડા માણસો સત્તા પ્રાપ્ત કરે તેમાંથી નહીં આવે, પણ સત્તાનો દુરુપયોગ થાય ત્યારે તેનો વિરોધ કરવાની સૌ શક્તિ મેળવે તેનાથી આવશે. (ગાંધીજી)
-અવતારવાદ ધાર્મિક ક્ષેત્રમાંથી આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં આવ્યો છે.
-નાગરિકને વામણો કરીને કદી મહાન ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં.