Tuesday, February 24, 2015

શરમ અને ગૌરવનું અવળસવળ ગણિત

‘ભારત દેશમાં ચર્ચાને લાયક બીજા કેટકેટલા મુદ્દા છે. એમાં વડાપ્રધાનના સૂટ જેવા ફાલતુ મુદ્દા વિશે આટલી ચર્ચા શા માટે?’- એવો સવાલ ગયા અઠવાડિયે ઘણાને થયો. કેમ કે, ઓબામા આવ્યા ત્યારથી વડાપ્રધાનનો સૂટ ટીકાનું કેન્દ્ર બનીને જગબત્રીસીએ ચઢ્‌યો હતો.

એનો અર્થ એવો નથી કે (મોદીભક્તો કહે છે તેમ) બાકી બધા મુદ્દા બાજુ પર રાખીને, ફક્ત સૂટ વિશે જ ચર્ચા થઇ હોય. ઉલટું, ભારત-અમેરિકા વચ્ચે થયેલી મનાતી ઐતિહાસિક પરમાણુ સમજૂતી વિશે તો પ્રસાર માઘ્યમોને વિગતો જોઇતી હતી, પણ સરકાર તરફથી તે ઉપલબ્ધ ન હતી. સાથોસાથ, એ પણ યાદ રાખવું પડે કે અમેરિકાના પ્રમુખ આવે એ દિવસે વડાપ્રધાન દિવસમાં ત્રણ વાર કપડાં બદલે અને તેમાંથી એક વાર પોતાના આખા નામથી આચ્છાદિત ‘સેલ્ફી સૂટ’ પહેરવાનું પસંદ કરે, એ કેવળ ફેશન સ્ટેટમેન્ટનો કે પોશાકનો ફાલતુ મુદ્દો નથી રહેતો. તેની સાથે આછકલાઇ, નાર્સિસિઝમ, પોતાની પ્રક્ષેપિત ભવ્ય છબીનું વળગણ- આવાં અનેક લક્ષણો સંકળાઇ જાય છે, જે જાહેરમાં મોટે ભાગે ચર્ચાપાત્ર અને ખાનગીમાં ઘણુંખરું હાંસીને પાત્ર બને છે. (મોદીભક્તોના લાભાર્થે એક સવાલ : ધારો કે અરવિંદ કેજરીવાલે કે રાહુલ ગાંધીએ કે નીતિશકુમારે આવો સૂટ પહેર્યો હોત કે મમતા બેનરજીએ આવી સાડી પહેરી હોત તો મોદીભક્તોએ કે ખુદ વડાપ્રધાને એ વિશે શું કહ્યું હોત?)

સાદી વાત એટલી હતી કે રાષ્ટ્રના વડાથી આવો, આત્મરતિના સંકેતોથી ભદ્દી રીતે અંકિત સૂટ ન પહેરાય. એ હોસ્ની મુબારક જેવા સરમુખત્યારને ‘શોભે’. લોકશાહી દેશના, બહુમતીથી ચૂંટાયેલા અને સત્તાની પૂરેપૂરી સલામતી ધરાવતા વડાપ્રધાનને ન શોભે. (તેની કિંમત દસ લાખ રૂપિયા હતી કે નહીં, એ તો બહુ પછી આવતો મુદ્દો છે.) પરંતુ ભક્તો કોને કહ્યા? તે લઇ મંડ્યા કે ‘આમાં ખોટું શું છે? અમને તો કશું ખોટું નથી લાગતું? તમને (ટીકાકારોને) તો સાહેબની ટીકા કરવાની બસ તક મળવી જોઇએ..’ વગેરે.

પૂરા સદ્‌ભાવ સાથે કહેવું પડે કે ‘વડાપ્રધાનથી આવો સૂટ ન પહેરાય’- એટલી સાદી વાત જેમને ન સમજાતી હોય, તેમનો કશો ઇલાજ નથી. તેમના માટે કેવળ પ્રાર્થના કરી શકાય કે ક્યારેક તે ભક્તિમાંથી બહાર આવે અને સાવ પાયાની બાબતો સમજી શકે.

રાષ્ટ્રિય-આંતરરાિષ્ટ્રિય સ્તરે સૂટની વ્યાપક ટીકા ઓછી હોય તેમ, દિલ્હીમાં વડાપ્રધાનના ભરપૂર પ્રયાસ અને પ્રચાર છતાં ભાજપનો કારમો પરાજય થયો. કેટલાકે વળી એવું પણ કહ્યું કે સામાન્ય ચાવાળા તરીકેની છબી ઊભી કરનાર વડાપ્રધાનને  મોંઘોદાટ સૂટ પહેરવાનું ભારે પડી ગયું. વડાપ્રધાનના સૂટે દિલ્હીમાં પક્ષનાં કપડાં ઉતારી લીધાં હોવાની ગુસપુસ પણ થઇ, જે પૂરેપૂરી સાચી ન હતી. દિલ્હીમાં ભાજપની હારનાં અને ‘આપ’ની જીતનાં ઘણાં કારણ હતાં.

છતાં ‘સો વાતની એક વાત’ અંદાજમાં, દેખીતો ઔચિત્યભંગ કરનાર સૂટ પહેરવાથી વડાપ્રધાન પર એક ધબ્બો લાગી ગયો અને એ તેમને ભારે પણ પડ્યો, એવું તેમના પ્રત્યે સદ્‌ભાવ ધરાવતા લોકો પણ માનવા લાગ્યા. વડાપ્રધાન પોતે રાજકારણના વ્યવસાયમાં છે. એ આવું બઘું સ્વીકારતા ફરે તો તેમનું રાજકારણ ખતમ થઇ જાય. છતાં, ડેમેજ કન્ટ્રોલની જરૂર તેમને પણ કેટલી હદે વર્તાઇ હશે, એ ગયા અઠવાડિયે જણાઇ આવ્યું.

બે ઘટનાઓ બની, જેણે વડાપ્રધાનના ભક્તોને તેમના ટીકાકારોને ફરી (જુદી જુદી રીતે) સક્રિય બનાવ્યા : એક ઉદ્યોગપતિએ જાહેરાત કરી કે વડાપ્રધાન સાથે તેમના કૌટુંબિક અંગત સંબંધના નાતે, પુત્રલગ્નની ખુશાલીમાં તેમણે વડાપ્રધાનને આ સૂટ ભેટ આપ્યો હતો. વડાપ્રધાન લગ્નમાં તો આવી શકે એમ ન હતા, પણ ભેટનું માન રાખવા માટે તેમણે  લગ્નદિવસે  આ સૂટ પહેર્યો.

ઉદ્યોગપતિના નિવેદન પ્રમાણે લગ્ન ૨૬મીએ હતું, જ્યારે વડાપ્રધાને સૂટ ૨૫મીએ પહેર્યો હતો. એવા ઝીણા વિગતફેરને સરતચૂક કે સમજફેર ગણીને બહુ ઘ્યાન ન આપીએ. આખો મામલો અંગત કૌટુંબિક સંબંધોનો હોવાથી, એના વિશે પણ ટીકાટીપ્પણી ન કરીએ.  પરંતુ એ બધી અંગતતા બાજુ પર રાખ્યા પછી, અગત્યનો જાહેર મુદ્દો ઊભો રહે છે :  એક તરફ સ્નેહીના પુત્રના લગ્નપ્રસંગે તેમની લાગણી સાચવવા માટે સૂટ પહેરવાનો હોય અને બીજી તરફ, દુનિયાભરના મિડીયાનું ઘ્યાન તેમની તરફ તકાયેલું હોય અને સૂટ પહેરવાથી અમેરિકાના પ્રમુખ સહિત દુનિયાભરના મિડીયા સામે (વાજબી રીતે) ધજા થવાની હોય, ત્યારે કયો વિકલ્પ પસંદ થાય? મોદીભક્તો આ તબક્કે સામાજિક ટીવી સિરીયલોના અંદાજમાં સંબંધોના માહત્મ્યનાં ગાણાં ગાઇ શકે છે, પરંતુ એ સિવાયના લોકો સહેલાઇથી સમજી શકશે કે આ પ્રસંગે વડાપ્રધાનની પ્રાથમિકતા કઇ હોઇ શકે- અને તેમાં સ્નેહી પ્રત્યેનો પ્રેમ ક્યાંય વચ્ચે આવતો નથી.

સૂટ-કાંડ પછી જે રીતે વડાપ્રધાને રાજકોટમાં તેમનું મંદિર બનાવનાર સામે જરા તપારો બતાવ્યો, એ તેમના હોદ્દાની ગરીમાને શોભે એવી ચેષ્ટા હતી. પરંતુ ‘સેલ્ફી સૂટ’ પ્રત્યે તે એવી મક્કમતા બતાવી શક્યા નહીં- અથવા ભારે ટીકા થઇ એ પહેલાં તેમને પોતાને પણ એમાં કશું અજૂગતું લાગ્યું નહીં હોય એવું માની શકાય. કારણ કે કપડાંની પસંદગી અને તેના થકી રાજકીય સંદેશ વહેતા કરવાની કળામાં વડાપ્રધાન માહેર ગણાય છે.

કારણ જે હોય તે, પણ  ‘સેલ્ફી’ સૂટની જબ્બર ઘુલાઇના દિવસો પછી પણ, વડાપ્રધાનને લાગ્યું હશે કે સૂટ પ્રકરણને કાયમ માટે ‘ખૂબસુરત મોડ’ નહીં અપાય, તો તે નડતું રહેશે. એટલે લગભગ ઠરી ચૂકેલા સૂટનો વિવાદ ઉદ્યોગપતિના નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યો. ત્યાર પછી એવું જાહેર કરવામાં આવ્યું કે આ સૂટ સહિત વડાપ્રધાનને ભેટમાં મળેલી બીજી ચીજવસ્તુઓની હરાજી થશે. એટલું જ નહીં, સૂટની હરાજીમાંથી ઉપજેલી રકમ ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ જેવા પવિત્ર કાર્યમાં આપવામાં આવશે.

આ જાહેરાતથી મોદીભક્તો ફરી ગેલમાં આવી ગયા. સૂટના મુદ્દે અત્યાર સુધી રહેલી ભીંસ આ જાહેરાતથી જાણે તૂટી ગઇ હોય એમ, નવો પ્રચાર શરૂ થયો : ‘બીજો કયો નેતા પોતાની ચીજવસ્તુઓની આવી રીતે હરાજી કરીને, તેના રૂપિયા દેશ માટે આપે છે? આવો સૂટ પહેરાય કે નહીં એની પિંજણ છોડો. તેની હરાજીમાંથી દેશનું કામ થવાનું હોય તો એ કેટલું સારું કહેવાય?...પણ તમને લોકોને બઘું વાંકું જ દેખાય છે.’

બધા લોકો પાસે મુગ્ધતા કે ભક્તિભાવની આટલી સુવિધા હોતી નથી. એટલે એવું  ધ્યાન દોરવામાં આવ્યું કે સત્તાવાર રીતે વડાપ્રધાન રૂ.પાંચ હજારથી વધારે કિંમતની ભેટ પોતે રાખી શકે નહીં. તેને સરકારી ખજાનામાં- તોશાખાનામાં- જમા કરાવવી પડે. તોશાખાનામાં રહેલી ભેટોની સરકારી રાહે હરાજી થાય, એ પણ સામાન્ય રીત છે.

એટલે, વડાપ્રધાનની લોકપ્રિયતાને કારણે સૂટની આટલી ઊંચી કિંમત ઉપજી એવું ચોક્કસ કહી શકાય - અને તેનો જશ એમને આપી શકાય- પણ ‘જોઇ સાહેબની નિસબત? સૂટ પોતે રાખવાને બદલે તેની  હરાજી કરાવી દીધી?’ એવા પ્રચારને ગણકારવા જેવો નથી-- જેના બોજમાંથી છૂટકારો મેળવવાની વડાપ્રધાનને તાલાવેલી હોય, એવા સૂટના કિસ્સામાં તો ખાસ.

શાંતિથી વિચારનારને એ પણ સમજાય કે સામાન્ય સંજોગોમાં કોઇ વડાપ્રધાન દસ મહિનામાં તોશાખાનાની ભેટોની હરાજી ન કરાવે. સરકારમાં જમા થયેલી ભેટોની હરાજી થાય ત્યારે પણ ‘જોયું? આપણે કેવું અદ્‌ભૂત કામ કરાવ્યું?’ એવો કર્તાભાવ વડાપ્રધાન ન સેવે. કારણ કે, વડાપ્રધાને ભેટોની હરાજી કરતાં અનેક ગણાં વધારે મોટાં અને મહત્ત્વનાં કામમાં કર્તાપદ ધારણ કરવાનું હોય.

પરંતુ વર્તમાન વડાપ્રધાનને સૂટની હરાજી કરાવવાની જ નહીં, ‘આ મેં કરાવી’ એવો પ્રબળ કર્તાભાવ જાહેર કરવાની પણ ઉત્સુકતા જણાતી હતી. ગંગા શુદ્ધિકરણ તો સમજ્યા હવે. એનડીએ સરકારના અંદાજ પ્રમાણે, ગંગા શુદ્ધિકરણ રૂ. ૮૦ હજાર કરોડનો પ્રોજેક્ટ છે. તેમાં સૂટના રૂ.૪.૩૧ કરોડ ઊંટના મોંમાં જીરાના વઘાર જેવા ગણાય.  પરંતુ હરાજીનો જશ લઇને, શરમને ગૌરવમાં ફેરવવાથી મળનારી રાજકીય મૂડી વડાપ્રધાન માટે બહુ કામની હતી : હરાજીમાં આવેલી ઊંચી કિંમતથી પોતાની લોકપ્રિયતાનો છાકો પાડી શકાય અને તેના દાનની ચેષ્ટાથી પોતાની  ઉદારતા સિદ્ધ કરી શકાય. પછી, ન રહે સૂટ, ન રહે દાગ. પરંતુ આવી દેખીતી તિકડમબાજી સમજનારામાંથી એક કાર્ટૂનિસ્ટે ગંગામાં સૂટ ઝબકોળતા મોદીનું વ્યંગચિત્ર દોરીને, તેમના મોઢે લખાણ મૂક્યું, ‘હું મારા કોટથી ગંગાને સાફ કરીશ... કે પછી ગંગાથી મારા કોટને.’

‘બુંદસે બિગડી હૌજસે નહીં આતી’ એવી અકબર-બિરબલની વાર્તાનો બોધ એકવીસમી સદીમાં બદલાઇ શકે છે. કારણ કે સત્તાધીશોના સામા પક્ષે બિરબલ નહીં, ‘આટલુંય કોણ કરે છે?’નો બિનસત્તાવાર જીવનમંત્ર ધરાવતો મોટો સમુદાય છે. ‘એરણની ચોરી ને સોયનું દાન’ કરનારા ‘દાનવીરો’ને અહોભાવથી જોનારાની ખોટ નથી. એવા વર્ગને હરાજીની અને દાનની જાહેરાતથી ‘પાડી દેવાની’ વડાપ્રધાનની કે તેમના ભક્તમંડળની ગણતરી હોય તો એ ખોટી નથી. વડાપ્રધાન પોતાની ચાલ બરાબર રમ્યા છે. તેમના ભક્તો પણ રાબેતા મુજબ વર્ત્યા છે. સવાલ આપણો, નાગરિકોનો છે. રાજનેતાઓ નાગરિકોને મૂર્ખ સમજીને, બકરાને કૂતરા તરીકે ખપાવી જાય, શરમને ગૌરવ તરીકે ગણાવી જાય, દેશના ગૌરવને પોતાનું ગૌરવ અને પોતાની ટીકાને દેશની ટીકા તરીકે વેચી જાય, ત્યારે નાગરિકોએ સંમતિ અને અહોભાવમાં ડોકાં ધુણાવવાં? કે પછી ‘રાજાનાં નવાં વસ્ત્રો’વાળી વાર્તામાં સહજ ભાવે સાચું બોલી જતા બાળકની જેમ, ‘રાજા તો નિર્વસ્ત્ર છે’ એવું કહી દેવું? 

Monday, February 23, 2015

પારકી ભૂમિ પર હક અને સ્વમાન માટેે અહિંસક જંગ લડનાર જયાબહેન દેસાઇ

ગુજરાતે-ભારતે જેમને યાદ કર્યાં નથી અને બ્રિટન જેમને ભૂલ્યું નથી એવાં, બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી હડતાળનાં ગુજરાતી નાયિકાની મોટા ભાગના ગુજરાતીઓ માટે અજાણી રહેલી કથા
Jayaben Desai / જયાબહેન દેસાઇઃ ટચૂકડું કદ, બુલંદ જુસ્સો 
ગુજરાતગૌરવ, ગુજરાતની અસ્મિતા, ગાંધીનું ગુજરાત- આ બધા શબ્દપ્રયોગો સરકારી કે બિનસરકારી રાહે છૂટથી ઉછળતા રહે છે. પરંતુ તેમની વ્યાખ્યા નીતાંત સરકારી અને સગવડીયા હોય છે. ‘ગુજરાતની અસ્મિતા’નાં વાવટા ફરકાવનારાને છેવટે તો એ વાવટામાંથી પોતાના વાઘા - કે સૂટ - સીવડાવવામાં જ રસ હોય છે. આ માનસિકતાને  કારણે સમાજમાં રોલમૉડેલ - ચોક્કસ બાબતમાં પ્રેરણા આપી શકે એવાં વ્યક્તિત્વો-ની તીવ્ર ખોટ પડે છે. એ ખાલી જગ્યામાં કંઇક બાવા-બાવીઓ-કથાકારો ને ચલતા પૂર્જાઓ ગોઠવાઇ જાય છે. જે સમાજમાં ગરોળીનું કદ ધરાવતાં વ્યક્તિત્વો ડાયનોસોર બનીને ઝળુંબતાં હોય, તેની દયા ખાવા સિવાય બીજું શું થઇ શકે?

વિદેશમાં વસતા ગુજરાતીઓના નામના રાસડા લેવાની સંસ્કૃતિ છેલ્લા થોડા વખતમાં ઠીક ઠીક ફૂલીફાલી છે, પરંતુ હરામ છે જો તેમાં ક્યાંય બ્રિટનનાં જયાબહેન દેસાઇનું નામ સાંભળવા મળ્યું હોય. બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી (૬૯૦ દિવસની) હડતાળનાં ગુજરાતી- અને તે પણ સાડીધારી- સૂત્રધાર તરીતે જયાબહેન દેસાઇનું નામ બ્રિટનમાં ભારે આદરથી લેવાય છે. ઇન્ટરનેટ પર તેમના વિશેનાં અઢળક લખાણ અને તેમના ઇન્ટરવ્યુની વિડીયો પણ જોવા મળે છે. થોડા વખત પહેલાં બ્રિટનના કામદારોના સંઘર્ષ અને તેમના દસ્તાવેજીકરણના ભાગરૂપે ‘યુનિવર્સિટી ઑફ લીડ્‌ઝ’ દ્વારા દક્ષિણ એશિયાની બે મહિલાઓની લડત વિશે ચિત્રવાર્તા પ્રકાશિત થઇ. તેમાં એક નામ જયાબહેન દેસાઇનું હતું.
Striking Women/ Jaya Desai/જયાબહેન દેસાઇ
(courtesy : Vipool Kalyani / વિપુલ કલ્યાણી)

સુરત જિલ્લાનાં જયાબહેન પતિ સૂર્યકાંત દેસાઇ સાથે ટાન્ઝાનિયા છોડીને બ્રિટન પહોંચ્યાં, ત્યારે સામે સુખને બદલે સંઘર્ષ મોં ફાડીને ઊભો હતો. ટાન્ઝાનિયામાં ફેક્ટરીમાલિક પતિનાં ગૃહિણી તરીકે જીવતાં જયાબહેનને ૧૯૭૦ના દાયકાના બ્રિટનના ભેદભાવભર્યા માહોલમાં પરચૂરણ કામ કરવાનો વારો આવ્યો. પરંતુ ‘ગ્રુનવિક/ Grunwick ફિલ્મ  પ્રોસેસિંગ લેબોરેટરી’માં તેમની નોકરી ઐતિહાસિક બની રહેવાની હતી.  આ કંપનીનું કામ એવું હતું કે ગ્રાહકો ટપાલથી તેને કેમેરાના રોલ મોકલે. તેને ડેવલપ કરીને, તેની પ્રિન્ટ કાઢીને કંપની તેમને પાછા મોકલી આપે. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના સભ્ય જૉન વૉર્ડની માલિકીની આ કંપનીમાં ભારતીય કામદારોને અંગ્રેજ કામદારો કરતાં - અને સરકારી દર કરતાં- ત્રીજા ભાગનું વેતન મળે. કામ મેળવવાની તેમની ગરજનો પૂરો ગેરફાયદો ઉઠાવવામાં આવે અને મેનેજમેન્ટની જોહુકમીનો પાર નહીં.

‘ગ્રુનવિક’ના ૪૦૦ કામદારોમાંથી ૮૦ ટકા ભારતીય મૂળના હતા. પરંતુ શોષણ સામે અવાજ ઉઠાવવાને બદલે તેને તાબે થઇ જવાનો ભારતીયોનો સ્વભાવ અંગ્રેજ માલિકોને બહુ અનુકૂળ આવી ગયો હતો. ૧૯૭૬ના ઉનાળામાં ‘ગ્રુનવિક’માં માહોલ બદલાયો. કંપનીનું એરકન્ડિશનિંગ મશીન બંધ પડ્યું હતું ને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહીં. એ વર્ષે દેવશી ભુડિયા નામના ગુજરાતી કર્મચારીને ‘કામમાં ઢીલાશ’ના આરોપસર અપમાન કરીને કાઢી મુકવામાં આવ્યા. તેમની સાથે થયેલા વર્તનના વિરોધમાં બીજા ત્રણ ગુજરાતીઓ પણ કામ છોડીને નીકળી ગયા.

ઑગસ્ટ ૨૦, ૧૯૭૬નો એ દિવસ હતો. ફેક્ટરીનો સમય સાંજે પાંચ વાગ્યે પૂરો થાય. તેના બે કલાક પછી જયાબહેન દેસાઇ ઘરે જવા નીકળ્યાં, ત્યારે ગોરા મેનેજરનું તેમની પર ઘ્યાન પડ્યું. એટલે તેમણે ગુસ્સાથી કહ્યું, ‘અમારી રજા વગર તારું કામ પૂરું થઇ ગયું, એવું તે કેમ માની લીઘું? તને પણ આ ફેક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.’

પરાયા દેશમાં, કામની સખત જરૂર અને વિદ્રોહ માટે પ્રતિકૂળ વાતાવરણ છતાં, જયાબહેન દેસાઇ આ અપમાન સહન કરી શક્યાં નહીં. માંડ ચાર ફીટ દસ ઇંચ ઊંચાઇને કારણે, ટચૂકડા કદનાં લાગતાં જયાબહેને ગોરા ઉપરીને આપેલો જવાબ બ્રિટનની કામદાર ચળવળના ઇતિહાસમાં સૌથી યાદગાર બની ચૂક્યો છે. તેમણે સંભળાવી દીઘું,  "What you are running here is not a factory, it is a zoo. But in a zoo there are many types of animals. Some are monkeys who dance on your fingertips, others are lions who can bite your head off. We are the lions, Mr. Manager." (તમે આ ફેક્ટરી નહીં, પણ પ્રાણીસંગ્રહાલય ચલાવો છો. તેમમાં અનેક જાતનાં પ્રાણી છે. કેટલાંક તમારી આંગળીના ઇશારે નાચનારાં બંદર છે, ને તમને ફાડી ખાય એવા સિંહ પણ છે. અમે એવાં સિંહ છીએ, મિસ્ટર મેનેજર) આ વાક્યો બ્રિટનનાં તમામ પ્રસાર માઘ્યમોમાં અનેક વાર લખાયાં-બોલાયાં અને અમર થઇ ગયાં છે. ઇન્ટરનેટ પર ‘જયાબહેન દેસાઇ’ના નામે સર્ચ કરતાં આ વાક્યો અચૂક મળી આવશે.
jayaben desai / જયાબહેન દેસાઇ 
બીજા દિવસથી જયાબહેને ગ્રુનવિક ફેક્ટરીની બહાર પિકેટિંગની શરૂઆત કરી. ઉદારમતવાદી ધોળા લોકોના સહયોગ અને સલાહથી તે એક યુનિઅનનાં સભ્ય બન્યાં અને તેમની ઝુંબેશે જોર પકડ્યું.  ફેક્ટરીમાં કામ કરનારી ૧૩૬ બહેનો તેમની સાથે જોડાઇ. એ સૌ સૂત્રો લખેલાં પાટિયાં સાથે, જયાબહેનની આગેવાની હેઠળ, ફેક્ટરીની બહાર ઊભાં રહીને વિરોધ પ્રદર્શન કરે. લંડનની અન્ડરગ્રાઉન્ડ રેલવેનાં સ્ટેશનો પર જઇને પ્રવાસીઓમાં ચોપાનિયાં વહેંચે. જે બ્રિટનમાં ‘ગ્રુનવિક’ના ઉપરી જેવા ગોરાઓ હતા, એ જ બ્રિટનમાં આ હડતાળને વધાવી લેનારા ગોરા પણ હતા. દેશનાં પ્રસાર માઘ્યમોને શરૂઆતમાં સાડી પહેરેલી મહિલાઓનું આવું સાહસ જોઇને કૌતુક થતું. પછી માન થયું. ‘Strikers In Saree’ (સાડીધારી હડતાળિયાં) તરીકે તેમના અહેવાલો છપાવા લાગ્યા. ‘ગ્રુનવિક’માં ટપાલ પહોંચાડતી એક પોસ્ટ ઑફિસના ગોરા કર્મચારીઓએ પણ જયાબહેનનો પક્ષ લીધો અને કંપનીમાં ટપાલ પહોંચાડવાનો ઇન્કાર કરીને હડતાળને ટેકો આપ્યો. તેમની સામે કંપની કૉર્ટમાં ગઇ અને ટપાલ કર્મચારીઓની હડતાળને ગેરકાયદે ઠરાવતો હુકમ લઇ આવી. પરંતુ ત્યાં સુધી મામલો ગ્રુનવિકનો મટીને રાષ્ટ્રિય બની ચૂક્યો હતો.

દેશભરમાંથી હડતાળને ટેકો આપવા આવતાં લોકો સમક્ષ જયાબહેન તેમને ફાવે એવા અંગ્રેજીમાં કહેતાં હતાં, ‘અમારી લડત પગારવધારા માટે નહીં, પણ આત્મસન્માન માટેની છે.’ હડતાળને તોડવા માટે કંપનીએ વધારે પગારે ગોરા કામદારોને તેમના ઘરે બસ મોકલીને તેડાવ્યા. પરંતુ બસ ફેક્ટરીની બહાર પહોંચી ત્યારે જયાબહેન અને તેમનાં સાથીદારો હાથમાં ‘SCAB’ લખેલાં પાટિયાં લઇને ઊભાં હતાં. (‘સ્કેબ’ અપમાનસૂચક શબ્દ છે, જે હડતાળમાં ન જોડાનાર કે હડતાળ પર ઉતરેલા લોકોની જગ્યાએ કામ કરનાર માટે વપરાય છે.) જયાબહેન અને સાથીદારોના ઘેરાને કારણે એક પણ કામદાર બસની બહાર ઉતરી શક્યો નહીં અને બસ પાછી ગઇ.

૬૯૦ દિવસ સુધી ચાલેલી આ હડતાળમાં દેશનાં બીજાં કેટલાંક યુનિઅન જોડાયાં, રાજકારણ પણ ભળ્યું ને સમાધાન માટે તપાસસમિતિ નીમાઇ. બ્રિટનમાં રહીને આ હડતાળનો અને તેમાં જયાબહેન દેસાઇની ભૂમિકાનો વિગતે અભ્યાસ કરનાર તથા તેના વિશે છ માસિક ‘સાર્થક જલસો’ના ઑક્ટોબર, ૨૦૧૩ના અંકમાં લખનાર કૅપ્ટન નરેન્દ્ર (http://captnarendra.blogspot.in) ના શબ્દોમાં ‘જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય, તો તેનો અંજામ કટુ જ નીવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ પક્ષો લઇને પોતાનો રાજકીય સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર યોદ્ધાઓની છે એવું કહીને પક્ષો હટી જાય છે.’ જયાબહેનની લડતમાં ડાબેરી રાજકારણીઓ થોડો સમય સાથે રહ્યા, પણ દેશમાં માર્ગારેટ થેચરના રૂઢિચુસ્ત પક્ષનો પ્રભાવ જોયા પછી એ લડતમાંથી ખસી ગયા. છેવટે લડત અનિર્ણિત રહી અને પાછી ખેંચાઇ. પરંતુ તેમાં જયાબહેનની કામગીરી એળે ગઇ ન હતી. દેશમાં કામદારોના શોષણ અને તેની સામે એક ભારતીય મહિલાએ ઉઠાવેલા અવાજની કથાઓ પ્રચલિત બની, બહારથી આવનારા કામદારો પ્રત્યેના અભિગમમાં થોડો બદલાવ આવ્યો અને રંગદ્વેષી હોવા છતાં પોતાની જાતને ન્યાયના ઠેકેદાર ગણનારા ગોરાઓને નીચાજોણું થયું.
જયાબહેન દેસાઇ / Jayaben Desai

લડત પછી પણ જયાબહેનનું નામ અને કામ બ્રિટનમાં જાણીતાં રહ્યાં. ડિસેમ્બર ૨૩, ૨૦૧૦ના રોજ જયાબહેનનું અવસાન થયું ત્યારે બ્રિટનનાં પ્રમુખ અખબારોમાં તેમને ભવ્ય અંજલિ આપતાં લખાણ પ્રગટ થયાં, પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’ કે ‘ગુજરાતગૌરવ’ની યાદીમાં જયાબહેનનો કદી સમાવેશ થયો નહીં. જયાબહેનને એની જરૂર ન હતી અને ગુજરાતના બોલકા વર્ગને સ્વતંત્રમિજાજી અને કામદારોના હક માટે લડનારાં ‘ગૌરવ’ની જાણ કે ખપ કે બન્ને ન હતાં. 

Friday, February 20, 2015

પરિવર્તન પછીની પળોજણ

(દૃષ્ટિકોણ-મંગળવાર-૧૭-૨-૧૫)

ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વની આબોહવામાં અભૂતપૂર્વ પલટા અનુભવાઇ રહ્યા છે, તો ભારતની રાજકીય આબોહવા પણ અગાઉનાં વર્ષો કે કદાચ બે-ત્રણ દાયકામાં ન જોયેલાં પરિવર્તન આંચકાજનક રીતે દર્શાવી રહી છે.

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપનો સ્પષ્ટ વિજય અને કોંગ્રેસનો સ્પષ્ટ પરાજય  એક એવી ઘટના હતી, જેનાં કારણ અને ખાસ તો, પૂરેપૂરા સૂચિતાર્થો પંડિતો હજુ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. (ભક્તોની કે પંડિતભક્તોની વાત નથી.) ‘કોંગ્રેસની બેઠકસંખ્યા સાવ બે આંકડામાં થોડી આવી જાય?’ એવી માન્યતા લોકસભાની ચૂંટણીમાં ઊંધી પડી અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાયું.

દિલ્હીમાં આંચકાજનક રીતે સત્તા પર આવેલી અને ૪૯ દિવસમાં રાજીનામું આપીને પેવેલિયનભેગી થયેલી ‘આપ’ની સરકારે વિવાદો અને ચર્ચાઓની સાથે ઘણી આશાઓ જગાવી હતી. તેમની કાર્યપદ્ધતિ અથવા કેટલાક નેતાઓની નિવેદનબાજીના પ્રશ્નો હોઇ શકે, પણ (ગુજરાત સહિતની) બીજી, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારોએ કર્યું નથી, એટલું કામ ‘આપ’ની દિલ્હી સરકારે ૪૯ દિવસમાં કરી બતાવ્યું હતું. ‘ન્યૂઝલૉન્ડ્રી’ વેબસાઇટ ચલાવતાં વરિષ્ઠ અને નિષ્પક્ષ-કડક પત્રકાર મઘુ ત્રેહને લોકસભાની ચૂંટણીઓ પહેલાં અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે દિલ્હીસ્થિત ત્રેહને ‘આપ’ સરકારની ૪૯ દિવસની કામગીરીને મુક્ત કંઠે પ્રમાણી હતી. પરંતુ ત્યાર પછી શરૂ થયેલા ભાજપના આક્રમક પ્રચારમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’નો સફાયો થઇ ગયો. કારણ કે દિલ્હી સિવાય બીજે ક્યાંય ‘આપ’નું સંગઠન કે કામગીરી ન હતાં અને દિલ્હીની લોકસભાની બેઠકો પર ‘આપ’ને ચૂંટવાથી કશો દેખીતો ફાયદો ન હતો.

વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પણ એક તરફ લોકોને આઇ-મેક્સ સાઇઝનાં સપનાં દેખાડીને તેમની આકાંક્ષાઓ પર સવાર થઇ રહ્યા હતા, તો બીજી તરફ અમિત શાહને છૂટો દોર આપીને તેમને મોરચા સોંપી દીધા હતા. આ વ્યૂહરચના પ્રમાણે તે વડાપ્રધાન તો બની ગયા, પણ ત્યાર પછી તેમણે ‘ગુજરાત મૉડેલ’ અપનાવ્યું--ગુજરાતની જેમ કેન્દ્રમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને અંગત છબીને હદ બહાર મોટી કરવાની બધી કવાયતો કરી. પોતાની જાતને ‘સામાન્ય ચાવાળા’ તરીકે રજૂ કરનારા અને રાજકીય પંડિતોને પણ તેમની નવી ઓળખથી અભિભૂત કરી જનારા વડાપ્રધાન મોદી કદી ‘કૉમન મેન’ ન જણાયા.  ભપકામાં મહાલતા,  ફેન્સી ડ્રેસમાં સજ્જ થઇને ચોરે ને ચૌટે હોર્ડિંગમાં ઝળકતા, વીવીઆઇપી સંસ્કૃતિની મૂર્તિમંત મિસાલ જેવા મોદીનો ‘ચાવાળા’ તરીકેનો દાવો ચાલી ગયો, એ તેમની પ્રચારઝુંબેશની કરામત હતી કે લોકોની ‘ઉદારતા’, એ જુદો પ્રશ્ન છે, પણ વડાપ્રધાન બન્યા પછી તે પોતાની રૉકસ્ટાર ઇમેજના પ્રેમમાં પડી ગયા.

વિદેશવિજયનો કેફ તેમને એવો ચડ્યો કે સાદો વિવેક ચૂકીને, અમેરિકાના પ્રમુખને પ્રથમ નામથી બોલાવવા સુધી તે ગયા. ઓબામા સાથે અંગત દોસ્તીનો ફુગ્ગો તેમણે બરાબર ફુલાવ્યો, પણ ઓબામાએ ટાંકણી મારીને બધી હવા કાઢી નાખી. છતાં, શોમેનનુ લક્ષણ એ છે કે તે એક શો પૂરી થઇ ગયા પછી, તેનો વિચાર કરવાને બદલે પછીના શોના આયોજનમાં પડી જાય. ખરી કરુણતા તો એ છે કે ‘શોમેન’ અને ‘રૉકસ્ટાર’ જેવાં વિશેષણ રાજકારણમાં પડેલા અને ‘સામાન્ય ચાવાળા’ની ઓળખ વટાવનાર નેતા માટે કોઇ રીતે શોભાસ્પદ ન કહેવાય, એવું ઘણાને સમજાવવું પડે છે. બાકી, ‘અમારા સાહેબ તો રૉકસ્ટાર’ના હરખમાં હિલોળા લેનારા (સંખ્યામાં) ઓછા નથી.

આ જ ભક્તોમાં આશ્ચર્યજનક રીતે સવાલો પૂછનારા જાગ્રત નાગરિકનો આત્મા પ્રવેશ્યો, તેનાં સઘળાં અભિનંદન ‘આપ’ને આપવાં પડે. નક્કર કામગીરીને બદલે ઝાકઝમાળમાં વઘુ ઘ્યાન આપનાર અને કાળાં નાણાં સહિતના બધા વાયદાને વિસારી પાડી દેનાર વડાપ્રધાનને દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જમીન પર લાવી દીધા. ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ દિલ્હીમાં ભાજપનું નાક કાપીને હાથમાં આપી દીઘું.

‘આપ’ શું અને કેવું ઉકાળશે, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે, પરંતુ હાલના સંજોગોમાં અને તેના ૪૯ દિવસના અનુભવને યાદ રાખતાં અત્યારે તેમની દાનતના ઘણા માર્ક આપવા પડે એમ છે. શપથ લીધા પછી મુખ્ય મંત્રી તરીકેના પહેલા વક્તવ્યમાં કેજરીવાલે પોતાની પહેલી મુદત કરતાં ઘણી વધારે ટાઢકથી અને વ્યવહારુ રીતે વાત કરી. કહ્યું કે પરિવર્તનને સમય લાગશે અને એ ધીમી પણ નક્કર ગતિએ થશે.

મોદીની અવિજેય છબીની અને ભાજપની દિલ્હીમાં ધૂળચટાઇથી હતપ્રભ બનેલા તેમના ભક્તો ઘાંઘા બન્યા. હમણાં સુધી કેજરીવાલ વિશે બેફામ વિશેષણો વાપરનારા અને બીજું તો ઠીક, વાતચીતનો  સાદો વિવેક ચૂકીને કેજરીવાલનાં અપમાન કરનારા અચાનક વિવેક અને ગરીમાની વાતો કરતા થઇ ગયા. નેતા તરીકે નરેન્દ્ર મોદીના પ્રચંડ અહંકારની તથા તેમના દસ લાખ રૂપિયાના કહેવાતા ‘સેલ્ફી સુટ’ની મોટા પાયે ઘુલાઇ થઇ. શરૂઆતમાં તેમની સોશ્યલ મિડીયા ગેંગને શો જવાબ વાળવો તે સૂઝ્‌યું નહીં. ધીમે ધીમે કળ વળ્યા પછી તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે વડાપ્રધાન વિશે એલફેલ લખવું જોઇએ નહીં, વિવેક ચૂકવો જોઇએ નહીં, માપમાં રહેવું જોઇએ. આ બધી એવી શીખામણો હતી, જેની સૌથી વધારે જરૂર ભાજપની સોશ્યલ મિડીયા ટીમને અને તેમના પાયદળને છે.

જરા વધારે કળ વળી એટલે વઘુ એક વાર ‘આપ’ સરકાર વિરુદ્ધ પ્રચારભંભેરણી શરૂ થઇ ગઇ. તેનો દેખાવ એવો હતો કે ‘અમે તો નાગરિક તરીકે ‘આપે’ કરેલા દાવાઓની ચકાસણી કરી રહ્યા છીએ.’   ભક્તસમુદાયમાં કોઇ પણ રાહે નાગરિકભાવના પ્રગટે તે ઇચ્છનીય અને આવકાર્ય છે, પણ આ સમુદાયની નાગરિકભાવના અને ‘સામાન્ય બુદ્ધિ’ ‘આપ’ના દાવા પૂરતી મર્યાદિત હતી. કારણ કે તેમનો અસલી એજેન્ડા ‘નાગરિકભાવના’ નહીં, ‘સાહેબસેવા’ હતો.

વડાપ્રધાને ચૂંટણી પહેલાં છ મહિનામાં સ્વિસ બેન્કમાંથી કાળું નાણું લઇ આવવાનો વાયદો કર્યો હતો ને લોકોના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિયા જમા કરવાની વાતો કરી હતી. આવા બાળાગોળીઓ સુખપૂર્વક પી ગયેલા લોકો, જેનું રાજ હજુ શરૂ થયું ન હતું એ ‘આપ’ સરકારના દાવા વિશે આગોતરી શંકાઓ અને ટીકાઓ વીંઝવાનું શરૂ કરી દે, ત્યારે એ જાગૃતિનું લક્ષણ નહીં, પેલી બાળાગોળીની ચાલુ રહેલી અસર કહેવાય. હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેન ને ૧૦૦ સ્માર્ટ સીટીની વાતો થાય ત્યારે મોર બની થનગાટ કરનારા દિલ્હીમાં વાઇ-ફાઇના અઢીસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની વિગતો સમજ્યા વગર કે તેની મુદ્દાઆધારિત ટીકા કરવાને બદલે, ‘આપ’ની નવી સરકારને તરંગી તરીકે ખપાવવાનો પ્રયાસ કરે, ત્યારે એવા મોરલાઓને કહેવાનું થાય કે પહેલાં તમારી પૂંઠ સંભાળો.

પક્ષનાં પેઇડ કે અનપેઇડ પ્યાદાં બનવામાં અને જાગ્રત નાગરિક બનવામાં ફરક છે. જાગ્રત નાગરિક સત્તાધીશની સામે, જાણે કૃષ્ણનું વિશ્વસ્વરૂપ પ્રગટ થયું હોય એવી અહોભાવફાટી આંખથી જોઇ રહેતો નથી અને તેમનો પ્રોજેક્ટેડ પ્રતાપ ઓસરી જાય ત્યારે પોતાનો સમભાવ ગુમાવતો નથી. ભારત જેવી લોકશાહીમાં ‘નાગરિક વિરુદ્ધ સરકાર’નું સમીકરણ આદર્શ અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદીને તક આપો, અરવિંદ કેજરીવાલને તક આપો. ઠીક છે. તક આપી. પણ પછી એ નેતાની દાનત કેવી છે અને તેને આપેલી તકનું શું થયું, એ નક્કી કરતી વખતે મુગ્ધભાવથી બચવું પડે છે.

અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ હજુ શરૂ થયો છે. આ વખતે સ્પષ્ટ બહુમતી હોવાથી જનલોકપાલ હોય કે સ્વરાજ ખરડો, તેમને એ પસાર કરવામાં કશી તકલીફ પડવાની નથી. વિપક્ષમાં ભાજપના ફક્ત ત્રણ સભ્યો હોવા છતાં, તેમાંથી એકને વિપક્ષના નેતા બનાવવા જેટલી ખાનદાની ‘આપ’ દાખવશે, તો એકહથ્થુતાના પ્રેમી એવા વડાપ્રધાનને એ પહેલી ટપલી હશે. પરંતુ ‘આપ’નું કામ કેવળ ટપલા મારવાનું નથી. કામ કરવાનું છે અને કેજરીવાલે અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને વધારે પુખ્તતાથી કહ્યું છે કે બઘું રાતોરાત થઇ જાય એવી અપેક્ષા રાખશો નહીં અને કલાકોમાં હિસાબ માગશો નહીં.

વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વિકાસની વાંસળી વગાડતા હતા ત્યારે તેની ધૂનમાં ડોલનારા કેટલાને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાતની સાચી સ્થિતિ જાણવાની પરવા હતી? અને હજુ પણ સરકારના અત્યંત મહત્ત્વના અને પ્રાથમિક ફરજ જેવા આ બન્ને મુદ્દે ધરાતલની સ્થિતિ કેવી છે, એ જાણવાની તસદી લેવાઇ છે? સરકારનું કામ ફેસ્ટિવલબાજી કરવાનું નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું છે- અને નાગરિકોનું કામ ફેસ્ટિવલની ગમે તેટલી સારી ગુણવત્તાથી પ્રભાવિત થઇ જવાને બદલે એ વિચારવાનું છે કે આખરે સરકારે શા માટે ઇવેન્ટ મેેનેજમેન્ટ એજન્સી બનવું જોઇએ? શું શિક્ષણ-આરોગ્યને લગતી તેની પ્રાથમિક જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે?

દિલ્હીમાં ‘આપ’નો વિજય લોકશાહીના નાગરિકપર્વનો નાનો પણ અગત્યનો પ્રારંભ છે. પરંપરાગત રીતે ભેદભાવનો ભોગ બનતા દલિત સમાજથી માંડીને ગરીબીને લીધે દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા અનેક લોકો સુધી ‘આપે’ હજુ પહોંચવાનું છે અને પોતાની દાનત વાતોનાં વડાં કરીને નહીં, પણ કામ કરીને પુરવાર કરવાની છે. ‘આપ’ની ભવ્ય જીત પછી નાગરિકો ‘આપ’ કે કેજરીવાલના ભક્ત બનવાને બદલે, તેમની પર શત્રુભાવે નહીં પણ નાગરિકભાવે નજર રાખીને, લોકલક્ષી રાજકારણનાં મૂળીયાં ઊંડાં ઉતારવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. 

Wednesday, February 18, 2015

ભાજપની ચિંતનબેઠકનો કાલ્પનિક અહેવાલ

દિલ્હીની ચૂંટણીનાં પરિણામો પછી એવી પ્રચંડ લાગણી ઊભી થઇ કે ભાજપે ચિંતન અને આત્મનિરીક્ષણ કરવું જોઇએ. એ હેતુ માટે યોજાયેલી એક કાલ્પનિક બેઠકનો કાલ્પનિક અહેવાલ.

સાહેબની - એટલે કે તેમના આવવાની- ઘડીઓ ગણાઇ રહી છે. બેઠકસ્થળે આનંદમિશ્રિત ગરમાટો અને ચહલપહલ વરતાય છે. એવામાં ‘આવ્યા, આવ્યા’ થાય છે. એટલે સૌ સોગીયું મોં કરીને પોતપોતાની જગ્યાએ બેસી જાય છે.)

નેતા ૧ : (ગુસપુસ અવાજે) બોલો, આજે સાહેબે શું પહેર્યું હશે?

નેતા ૨ : એમની ફેશનસેન્સ ગજ્જબની છે. એટલે, આજના પ્રસંગને સૂટ થાય એવું જ કંઇક પહેર્યું હશે ને...

નેતા ૧ : (લાંબો ‘શીશ્‌’કારો બોલાવીને) આજે ભૂલેચૂકે ‘સૂટ’નું નામ ન લેતા. નહીં તો ‘શૂટ’ થઇ જશો.

નેતા ૨ : ઓહ...પણ થોડુંક વિચારતાં મને લાગે છે કે ખરેખર તો સાહેબે આવા પ્રસંગોએ તેમનો ‘સેલ્ફી સૂટ’ (તેમનું નામ છાપેલો સૂટ) પહેરીને આવવું જોઇએ. ઘરના પ્રસંગ સિવાય હવે બીજે ક્યાં એ પહેરી શકાવાનો? અને દસ લાખ રૂપિયાનો સૂટ એમ માળિયે થોડો ચડાવી દેવાય?

ખૂણામાંથી અવાજ : આખરે કરકસર જેવું પણ કંઇ હોય ને?

(બન્ને નેતાઓ ક્યાંથી અવાજ આવ્યો, એ જુએ છે પણ ખ્યાલ આવતો નથી)

નેતા ૧ : અત્યારે દલીલબાજીનો સમય નથી. સામાન્ય બુદ્ધિથી મને એટલી ખબર પડે છે કે કપડાં ઉતરી ગયા પછી સૂટની વાત ન કરાય.

(આટલી વાત પૂરી થાય, ત્યાં સાહેબ દાખલ થાય છે અને દીવાલ પર, ભીંત પર, સામે, ઉપર, બાજુમાં ચોતરફ સેંકડો અરીસા ધરાવતા શીશમહલના સેટ જેવું દૃશ્ય જોઇને ભડકે છે.)

સાહેબ : આ શું? અહીં ‘મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે’નું શૂટિંગ થવાનું છે?

ખૂણામાંથી અવાજ : ના, આ જરા જુદું ગીત છે : મોહે જનપથપે કેજરીવાલ છેડ ગયો રે...

(સાહેબ એવા ડોળા કકડાવે છે કે આજુબાજુ ઉડતી બે-ચાર માખીઓ  તેમના તાપથી જ ટપોટપ ટેબલ પર પટકાય છે.)

સાહેબ : હું પૂછું છું, આવી જગ્યાએ મિટિંગ કોણે રાખી?

નેતા ૨ : (ડરતાં ડરતાં) આવી જગ્યાએ મિટિંગ નથી રાખી, સાહેબ. મિટિંગ માટે ખાસ આ જગ્યા બનાવડાવી છે - (સાવ ધીમેથી) પાંસઠ લાખ રૂપિયાના ખર્ચે.

પ્રમુખ : કેમ ભાઇ? કિસ ખુશીમેં? દિલ્હી ગયું એટલે?

નેતા ૨ : ના, ના, સાહેબ. ફક્ત દિલ્હી જ ગયું એટલે...

(સાહેબ પહેલાં નેતા-૨ સામે ડોળા કાઢે છે અને તેની ગરમીને વાયરલેસ પદ્ધતિથી પ્રમુખ તરફ ટ્રાન્સફર કરે છે.)

પ્રમુખ : (કડકાઇથી) વાર્તા નહીં જોઇએ. મુદ્દાની વાત કરો.

નેતા ૩ : સાહેબની હાજરીમાં એ કદાચ નહીં બોલી શકે. હું જવાબ આપું?

(‘હા’નો ઇશારો થતાં)

નેતા ૩ : સાહેબ, અમને કહેવામાં આવ્યું હતું કે સાહેબ આત્મનિરીક્ષણ કરવાના છે અને એ માટે અમારે ઉત્તમ વ્યવસ્થા કરવાની છે.

સાહેબ (ગુસ્સે થઇને) : પણ એમાં સેટની શી જરૂર હતી? પૈસા કમાતાં કેટલું જોર પડે છે, ખબર છે?

ખૂણામાંથી અવાજ : કમાતાં કે કઢાવતાં?

સાહેબ (રાડ પાડીને) : ત્યાં કોણ બેઠું છે? તમે બધા શું ઘ્યાન રાખો છો? આપણે કાશ્મીરમાં ધૂસણખોરોની રાડો પાડીએ છીએ અને આમ આપણી અંગત બેઠકોમાં દેશદ્રોહી, વિકાસવિરોધી તત્ત્વો ધૂસી જાય તો આપણી- એટલે કે દેશની- આબરૂ શી રહેશે?

પ્રમુખ : આપણે સાહેબના કહેવાથી આખા ગામની જાસૂસી...

(સાહેબ એમની તરફ જુએ છે, એટલે પ્રમુખશ્રી વાક્ય અઘૂરું છોડી દે છે અને બીજા નેતાઓ સામે જુએ છે. તેમાંથી બે જણા ‘સોરી, સોરી’ કરતા ખૂણા તરફ તપાસ કરવા જાય છે.)

સાહેબ : સંઘ પરિવારની આપણી કેવી પરંપરા હતી? આપણા મોટેરા લોકો કેવી સાદગીથી જીવન જીવ્યા. બિચારા એક રૂમમાં રહ્યા ને જે મળ્યું તે જમીને જમીન પર સૂઇ ગયા. અને તમે ? (વઘુ ઊંચા અવાજે) સંઘ પરિવારમાં ચિંતન-આત્મનિરીક્ષણ આવી રીતે કરતા હતા? ભવ્ય ઇવેન્ટ મેનેજમેન્ટ ને રૂપિયાના ઘુમાડા...સત્તા આવી એટલે જૂના સંસ્કાર ભૂલી ગયા? ને બસ રૂપિયા ઉડાડવા માંડ્યા? આ તે પક્ષ છે કે રજવાડું? કોઇ કહેનાર જ નથી? આવું ને આવું કરો તો પછી ઊંધે માથે પટકાવ એમાં શી નવાઇ? જો તમે નહીં સુધરો તો પેલો નક્સલવાદી મફલરબાજ તમને એવા ભીંસી નાખશે કે શોઘ્યા નહીં જડો...

(સાહેબનો પુણ્યપ્રકોપ સાંભળીને બધા ડઘાઇ જાય છે અને એકબીજાની સામે જોવા લાગે છે. બધાની નજરમાં ‘બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે?’ પ્રકારનો પ્રશ્નાર્થ ડોકાય છે. એવામાં બીજા ખૂણેથી અવાજ આવતો હોય એવો ભાસ થાય છેે)

સાવ ધીમો અવાજ : તમને નહીં, હોં બકાઓ. તમને નહીં. આ બઘું તો સાહેબ પોતાની જાતને કહી રહ્યા છે.

(સાહેબને પણ એ અવાજ સંબળાયો હોય એવું લાગે છે. શિસ્તભંગના અંદેશાથી તે લાલચોળ થઇ ઉઠે છે)

સાહેબ : કોને પોતાનું અડવાણીકરણ કરાવવાનો બહુ શોખ જાગ્યો છે?

નેતાઓ (સામુહિક રીતે) : શું થયું સાહેબ? કોઇ કંઇ બોલ્યું? તમને કોઇએ કંઇ કહ્યું? અમને એનું નામ આપો.

સાહેબ : નામ આપું તો શું કરી નાખશો?

નેતાઓ : એને છોડીશું નહીં...‘આપ’ સામે દિલ્હીમાં ઊભો કરી દઇશું.

સાહેબ : જવા દો, તમારાથી કશું થવાનું નથી. મારે જ કંઇક કરવું પડશે.

નેતા ૩ : અમને એમ કે આપ આજે અમારી બધાની સમક્ષ ‘કંઇક’- એટલે કે આત્મનિરીક્ષણ- કરશો...

સાહેબ : અરે હા, એ વાત તો અધૂરી રહી. (ધૂંધવાઇને) આજની બેઠક માટે શીશમહલ જેવો સેટ કોણે કરાવ્યો? કરાવ્યો કોણે? ગુજરાતમાં કોઇકે મારું મંદિર બનાવ્યું. અહીં તમે શીશમહલ બનાવી દીધો. આ બધાં મને બદનામ કરવાનાં કાવતરાં છે. હું એ ચલાવી નહીં લઉં...

નેતા ૩ : સાહેબ, ખોટું ન લગાડતા, પણ આમાં અમારો કશો વાંક નથી. વર્ષોથી અમે તમને અને તમારી સ્ટાઇલને જોઇએ છીએ. અમે તેનાથી અભિભૂત છીએ. તમારા નામવાળો સૂટ જોઇને અમને થયું હતું, ‘યે બાત હૈ...એસા હોના ચાહિયે હમારા પરિધાનમંત્રી...મતલબ, પ્રધાનમંત્રી.’ તમારો ટેસ્ટ અને મિજાજ જોતાં અમને લાગ્યું કે ‘આત્મનિરીક્ષણ’ એટલે ચોતરફ અરીસા ગોઠવીને એમાં તમે કેવા લાગો છો, એનું નિરીક્ષણ કરવા તમે ઇચ્છતા હશો. એટલે અમે સારામાં સારા આર્ટિસ્ટને બોલાવીને આ સેટ કરાવ્યો. તેની ખૂબી એ છે કે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી ઓછામાં ઓછા એક હજાર કાચના ટુકડામાં તમારું પ્રતિબિંબ જોઇ શકાશે...

(ખૂણામાંથી કોરસનો અવાજ  : છૂપના સકેગા સૂટ હમારા, ચારોં તરફ હૈ ઉસકા નઝારા / ડરતા નહીં જબ કોઇ ખુદા સે, બંદોસે ઉનકે ડરના ક્યા / ખુદસે પ્યાર કિયા તો ડરના ક્યા)

Thursday, February 12, 2015

અકર્મણ્યેવાધિકારસ્તે : અકર્મનો મહિમા

કહેવત છે કે અક્કરમી (અકર્મી)નો પડિયો કાણો. આવી કહેવતો સાંભળીને, પૂરતું વિચાર્યા વિના તેમાં હા ભણી દેવી, એ પણ એક પ્રકારનું અકર્મ જ છે. બીજી અને વધારે અગત્યની વાત : હવેના જમાનામાં પડિયા રહ્યા નથી. માટે, અકર્મીઓએ કશી ચિંતા કરવાની જરૂર નથી.

ભારત કર્મના સિદ્ધાંત અને અકર્મના આચરણ માટે જાણીતો દેશ છે. કર્મનો સિદ્ધાંત છે : કર્મ કરો અને ફળની આશા ન રાખો. અકર્મનો સિદ્ધાંત છે : પહેલાં ફળ ખાવ અને પછી નિરાંતે ઊંઘી જાવ. કારણ કે સૂવું એ પણ એક કર્મ છે. (શવાસન, યુ સી?) નસકોરાં બોલાવવાથી જેટલી ઊર્જા પેદા થાય છે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, દેશમાં નવાં અણુવીજળીમથકો ન બાંધવાં પડે અને અમેરિકાની દાઢીમાં હાથ નાખવાના કર્મમાંથી બચી શકાય.

કર્મનો સિદ્ધાંત ભગવદ્‌ગીતાએ આપ્યો છે, પણ બધા ગીતા સમજતા- તેનું પાલન કરતા થઇ જાય તો, બાપડા ઉપદેશકો ને ચિંતકોનું શું થશે? એટલે, તેમને કર્મપાલનથી વંચિત રાખવાનું પાપ કરવાને બદલે, લોકો પોતે અકર્મીની ગાળ ખાઇ લે છે. સમાજના ભલા ખાતર ‘અક્કરમી’નો ઉપાલંભ વેઠનારાને કોઇ નીલકંઠ કે સોક્રેટિસ કહેતું નથી.

મોટા ભાગના કર્મ કરનારા મનમાં અર્થ, કામ કે મોક્ષની અપેક્ષા લઇને ચાલે છે. ખરેખર તો, આવી કોઇ લાલસા જ ઘણા કિસ્સામાં કર્મનું પ્રેરક બળ બને છે. તેની પરથી ફલિત થાય છે કે કર્મના રસ્તે ચાલવા જતાં માણસ લાલસાગ્રસ્ત અને તેથી પતનાભિમુખ બને છે. કર્મની લ્હાયમાં તેની આઘ્યાત્મિક અવનતિ થાય છે. જે કર્માભિમુખ નથી- જે કામ કરવાને ઉત્સુક નથી, તેને પતનની કશી ચિંતા જ નથી. એ તો ભવસાગરમાં પોતાનું નાવ ઑટો મોડમાં મૂકીને સુઇ જાય છે. એ નાવને કિનારે પહોંચવું હોય તો પહોંચે ને કોઇક નિર્દોષના નાવ જોડે અથડાવું હોય તો અથડાય, સઘળી જવાબદારી ભગવાનની રહે છે.

આપણી સંતપરંપરામાં અકર્મનો મહિમા યોગ્ય માત્રામાં ગવાયો હોવા છતાં, સક્કરમીઓ (સકર્મીઓ)નો આક્રમક પ્રચારમાં એ ઝટ પકડાતો નથી. નરસિંહ મહેતા જેવા જ્ઞાની કવિ કહી ગયા, ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા.’ સક્કરમી કાવતરાખોરોએ આ પંક્તિને અહમ્‌ સાથે સાંકળી દીધી છે, પરંતુ હકીકતમાં કવિ કહેવા માગે છે કે ‘હું કરું, હું કરું’ એવો હીન ભાવ સેવીને પાપમાં પડવાને બદલે, કર્મ કરીએ જ નહીં તો? ન રહે કર્મ, ન રહે શકટ ને ન પેદા થાય ‘હું કરું, હું કરું’નો શ્વાનભાવ. સઘળું હરિને હાથ સોંપવાની વાત આપણાં અનેક ભજનોમાં કરવામાં આવી છે, પરંતુ મતલબી સક્કરમીઓ તેનો અનર્થ કરે છે :  આપણે બિનધાસ્ત જે કરતા હોઇએ તે કરવું, ને પરિણામનો બોજ ભગવાનના માથે નાખી દેવો. સહેજ વિચારતાં જણાશે કે આને કર્મનો સિદ્ધાંત નહીં, ‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’ કહેવાય.

અક્કરમીઓ પ્રત્યે તુચ્છકાર સેવતા સક્કરમીઓ કદી સમજી શકતા નથી કે કર્મ તેમને પાડવા માટે ચડાવે છે ને ચડાવીને પાડે છે. કર્મના રસ્તે ચાલનારના મનમાં સાત્ત્વિક અહમ્‌ ક્યારે પેસે છે અને ક્યારે તામસી સ્વરૂપ ધારણ કરે છે તેની સરત રહેતી નથી. પોતાના કર્મની મગરૂરીમાં ને અક્કર્મીને ઉતારી પાડવાની હોંશમાં તે પોતાની જાતને ઊંચી અને અક્કરમીઓને નીચા માનવા લાગે છે. ધર્મધુરંધરો ને ધર્મગ્રંથો કહી કહીને થાકી ગયા કે ‘હે મનુષ્યો, તમે સૌ સરખા છો’, પણ કર્મના કેફમાં ઝૂમતા સક્કરમીઓને સમજે ત્યારે ને?

ભારત પોતાનું ખોવાયેલું વિશ્વગુરૂપદું પુનઃ પ્રાપ્ત કરવાના પંથે છે, ત્યારે તેના રસ્તામાં સૌથી મોટી અડચણ ગરીબી, બેકારી, કોમવાદ કે ગંદકીની નહીં, સક્કરમીઓની છે. પશ્ચિમની ભોગવાદી-કર્મવાદી સંસ્કૃતિ ભારત પાસેથી શું કર્મના પાઠ શીખવા મીંટ માંડીને બેઠી છે? શું બરાક ઓબામા ભારતમાં કામ કેવી રીતે થાય છે, તે જોવા-શીખવા આવ્યા હતા?

કોઇ પણ વિચારશીલ ભારતીય કહી શકશે કે પશ્ચિમ ભારત પાસેથી આઘ્યાત્મિક શાંતિ ઝંખે છે. એવી શાંતિ સક્કરમીને જીવનભર નસીબ થતી નથી, જ્યારે અક્કરમીઓ પાસે એવી શાંતિના અખૂટ ભંડાર છે. સક્કરમીઓ ‘મલ્ટીટાસ્કિંગ’-એક સાથે અનેક કામ કરવાની તાલાવેલી-માં લપેટાય છે, ત્યારે આઘ્યાત્મિક ઊંચાઇએ પહોંચી ચૂકેલા અક્કરમીઓ વિમાસે છે, ‘આ લોકો શા માટે કર્મનાં બંધન અને તેની જંજાળ પેદા કરતા હશે? શું તેમને મોક્ષ વહાલો નથી?’  

બરાક ઓબામાએ સાંભળ્યું હશે કે ભારતની સરકારી જ નહીં, ખાનગી કચેરીઓમાં પણ ઘણા લોકો તદ્દન ‘અક્કરમી’ રહે છે. છતાં, દેશ ચાલે છે. તેમના જેવા પરદેશીઓને આમાં ચમત્કાર લાગે છે, એ તેમની સમજની મર્યાદા છે. બાકી, ભારતના જાહેર જીવનમાં જે પ્રકારના લોકો સક્રિય-સક્કરમી છે, તેમને જોઇને એવી મૂંઝવણ થવી જોઇએ કે આ (આવા) લોકો કામ કરે છે, છતાં દેશ શી રીતે ચાલે છે?

ભારતને તેના આધ્યાત્મિક શીખર સુધી કોઇ દોરી શકે એમ હોય તો તે દેશના રાજનેતાઓ છે. તે બરાબર સમજે છે કે આ દેશ અક્કરમીઓનો છે અને અક્કરમીપણું એ જ આપણું ગૌરવ, આપણી અસ્મિતા, આપણું સ્વ-માન અને સ્વ-ભાન છે. બધા આ હકીકત  સ્વીકારી શકતા નથી. એવા લોકો રાજકારણીઓને ગાળો દે છે. આપણાં નસીબ એટલાં સારાં છે કે ગાળો ખાઇને પણ આપણા ઘણા નેતાઓ પોતાનું અને દેશનું અક્કરમી ચરિત્ર ટકાવી રાખે છે.

ભારતની ચૂંટણીઓ ઘણી વાર અક્કરમીપણાના ઓચ્છવ જેવી બની રહે છે. તેમાં દેખાવ એવો થાય છે, જાણે સૌથી વધારે કામ કોણ કરશે એની હરીફાઇ હોય. હકીકતમાં એ સ્પર્ધા ચૂંટાયા પછી કોણ ઓછામાં ઓછું કામ કરશે એની હોય છે. કામ કરવાથી લોકોમાં અપેક્ષા જાગે છે. ગમે તેટલું કામ કર્યા પછી પણ એક તબક્કો એવો આવે છે, જ્યારે લોકોની અપેક્ષા સંતોષી શકાતી નથી. ત્યારે અપેક્ષાભંગનો તબક્કો આવે છે, જે સમાજમાં ગ્લાનિ, વિષાદ અને રોષ જેવી નકારાત્મક લાગણીઓ પ્રગટાવે છે. રાજનેતાઓ આ સમજે છે. એટલે તેમાંથી મોટા ભાગના અક્કરમીપણું અપનાવીને કશું કરતા જ નથી, જેથી અપેક્ષા અને અપેક્ષાભંગનો પ્રશ્ન ઊભો થાય.

સક્કરમીઓ ગૌરવથી કહે છે, ‘કામ કરીએ તો ભૂલ પણ થાય.’ અક્કરમી કદી એવો અહમ્‌ પાળતા નથી. દુનિયા પૂરતી બગડી ચૂકી છે. પોતે સક્કરમી દેખાવા ખાતર ભૂલો કરીને દુનિયાને વઘુ બગાડવા જેવી નથી, એવું અક્કરમીઓ દૃઢતાપૂર્વક માને છે.

કર્મનો સિદ્ધાંત ગહન છે, પરંતુ તેના વિશે ઘણાં ભાષ્યો ને ગ્રંથો લખાયા છે. અકર્મનો સિદ્ધાંત તેનાથી વઘુ ગહન છે, પણ અકર્મવાદીઓને ભાષ્યોની ખટપટમાં પડવાની પરવા હોતી નથી. એ તો પોતાની અકર્મની મસ્તીમાં મસ્ત રહીને પોતાનું કામ- એટલે કે, કર્મ નહીં કરવાનું કર્મ- કર્યે જાય છે અને ફળની ચિંતા કરતા નથી. આમ, કર્મ અને અકર્મ, એ બન્નેમાં ફળની ચિંતા (કે પરવા) ન કરવાનો ભાગ સરખો છે. એટલે આ સિદ્ધાંતો વચ્ચે ઓછામાં ઓછું પચાસ ટકા સામ્ય છે, એમ કહેવામાં ગાણીતિક રીતે કશી અતિશયોક્તિ નથી. 

Friday, February 06, 2015

સુનતા ભી દીવાના?

ભારતનું તંત્ર અત્યારે બે પાટે ચાલી રહ્યું છે. એક પાટો નીતિનિર્ધારણ સ્તરનો છે, જેમાં એનડીએની નવી સરકાર પોતાના પગ મજબૂત કરીને, નીતિવિષયક બાબતોમાં આગળ વધવા પ્રયાસ કરી રહી છે. બીજો પાટો છે હવાઇ નિવેદનો અને બેશરમી- નફ્‌ફટાઇ- ધૂર્તતા- સંકુચિતતાનો. વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના પ્રધાનો બીજા પાટે ચાલતા નથી. પરંતુ આ પાટે ચાલનારાને રોકતા પણ નથી. દૂરથી જોનારને હંમેશાં એવું લાગ્યા કરે કે હવામાં ગોળીબારો કરનારા બીજા પાટાના મુસાફરોના મનમાં ‘આપણી સરકાર’ હોવાની હૈયાધારણ છે- અને સરકાર એ હૈયાધારણને તોડવાની કોશિશ કરતી નથી.

બીજા પાટે ચાલનારાનો પ્રલાપ સામાન્ય રીતે ગંભીરતાથી લેવાનો ન હોય. ઉલટું, તેમની ટીકા કરવાથી પણ તેમનો પ્રચાર થાય અને તેમનો હેતુ સિદ્ધ થાય. પરંતુ છેલ્લા થોડા મહિનામાં થતાં આવાં આડેધડ નિવેદનોની વાત જુદી છે. તે સમતુલા ગુમાવી બેઠેલા નેતાઓનો પ્રલાપ નહીં, ‘ઉપરના’ આશીર્વાદ ધરાવતાં ‘ટ્રાયલ બલૂન’ હોય એવી શંકા પડ્યા વિના રહેતી નથી. સીધા આશીર્વાદ ન હોય તો પણ, ઉપરથી ઠપકો નહીં મળે એવી ખાતરીનો રણકો એ નિવેદનોમાં જોવા મળે છે. ટ્‌વીટરથી માંડીને આકાશવાણી સુધીનાં માઘ્યમોથી બોલતા વડાપ્રધાન, ‘ગુજરાત મૉડેલ’ પ્રમાણે, આવું કંઇ થાય ત્યારે ચૂપકીદી ધારણ કરી લે છે. ‘આવું નહીં ચાલે’ અથવા ‘આવું નહીં ચલાવી લેવાય’ એવો સીધો કે આડકતરો સંદેશો તેમના તરફથી મળતો હોય એવું લાગતું નથી. ક્યારેક એમને વાંધો પડે તો પણ તેનું કારણ નૈતિક નથી હોતું. વાંધો એટલા પૂરતો જ હોય છે કે ‘આ લોકો મારો ખેલ બગાડી રહ્યાં છે.’

‘અમારું’ બંધારણ

પ્રજાસત્તાક દિને એક તરફ અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનની ‘આત્મીયતા’ અને ‘કેમિસ્ટ્રી’નો એવો જયજયકાર ચાલ્યો કે બીજું બઘું ગૌણ બની જાય. એ વખતે એક આડચર્ચા ભારત સરકારની જાહેરખબરની ચાલી. જાહેરખબરમાં મુકાયેલા બંધારણના આમુખમાંથી  ‘સેક્યુલર’ અને ‘સોશ્યલિસ્ટ’ એ બે શબ્દો ગાયબ હતા. આ બન્ને શબ્દો ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન ભારતના બંધારણમાં ઉમેર્યા હતા. જાહેરખબરમાં છપાયેલું આમુખ દેખીતી રીતે જ ત્યાર પહેલાંનું હશે.

સામાન્ય સંજોગોમાં આ વાત ગફલત તરીકે ખપી ગઇ હોત. પરંતુ ભાજપની દાનત જોતાં એ ‘ફ્રોઇડીઅન સ્લિપ’ હોવાની- એટલે કે, હૈયે હોય એવું ભૂલથી હોઠે આવી જાય એવી- શંકા જાય. શિવ સેનાના એક નેતાએ ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવીને તેના બંધારણમાંથી આ બન્ને શબ્દોને કાયમ માટે કાઢી નાખવાનું સૂચવ્યું. એટલે જાહેર ખબર આપનાર માહિતી-પ્રસારણ ખાતાના મંત્રી રવિશંકર પ્રસાદે પણ ચર્ચામાં ઝુકાવ્યું અને કહ્યું કે ‘અમે દેશ સમક્ષ અસલ બંધારણ રજૂ કર્યું છે.’ બંધારણમાં આ બન્ને શબ્દો કેવા સંજોગોમાં ઉમેરાયા તેનો ઇતિહાસ આપતાં પ્રસાદે કહ્યું કે ‘આ શબ્દો ન હતા, ત્યારે દેશ સેક્યુલર ન હતો?’ અગાઉ કોંગ્રેસ સરકારે પણ ડૉ.આંબેડકરની જન્મજયંતિની જાહેરખબરમાં આ જ આમુખ મૂક્યું હોવાનું પ્રસાદે કહ્યું.

આ વિવાદ ભાજપની કાર્યપદ્ધતિનો તથા લોકોની લાગણીને કેવી રીતે ચગડોળે ચડાવવામાં આવે છે, તેનો નાનો છતાં ઉત્તમ નમૂનો છે. સૌથી પહેલાં તો, રવિશંકર પ્રસાદે એ સ્પષ્ટ કરવું જોઇએ કે જાહેરખબરમાં જૂનું આમુખ ઇરાદાપૂર્વક છપાયું હતું કે ભૂલથી? જો ભૂલથી છપાયું હોય તો માફી માગવી જોઇએ અને ઇરાદાપૂર્વક છપાયું હોય તો, માહિતી-પ્રસારણ ખાતાના મંત્રી તરીકે રવિશંકર પ્રસાદ સામે પગલાં લેવાવાં જોઇએ. કારણ કે, બંધારણમાં ‘જૂનું કે નવું’ જેવા વિકલ્પ નથી હોતા. બંધારણ એક જ હોય છે : વર્તમાન. તેની સામે વાંધા હોય કે અણગમો હોય તો પણ, ‘અમને અત્યારનું નથી ગમતું, એટલે અમે તો અમને ગમતા, જૂના બંધારણનું આમુખ છાપીશું’ એવું વલણ ન ચાલે. તેમાં બંધારણનું ચોખ્ખું અપમાન થાય. પરંતુ રવિશંકર પ્રસાદે તો લાજવાને બદલે ગાજવાની રાષ્ટ્રિય શૈલીમાં કહ્યું, ‘આ બન્ને શબ્દો અંગે દેશમાં વિવાદ હોય, તો ભલે એ વિશે ચર્ચા થતી. એમાં ખોટું શું છે?’

કેન્દ્રીય મંત્રી ઉઠીને આવો સવાલ પૂછે અને તેમના વડા પ્રધાનને કશું કહેવાનું ન હોય, ત્યારે ચિંતા થવી જોઇએ. બાકી, બંધારણના આમુખમાંથી ‘સેક્યુલર’ અને ‘સોશ્યલિસ્ટ’ એ બન્ને શબ્દો નીકળી જાય તો કશું ખાટુંમોળું થઇ જવાનું નથી. ભારતીય અર્થમાં ‘સેક્યુલરિઝમ’ (સર્વધર્મસમભાવ) અને ધાર્મિક સ્વાતંત્ર્ય આપતી ઘણી જોગવાઇઓ બંધારણમાં છે. કટોકટી જેવા લોકશાહી માટે કલંક જેવા ગાળામાં ઇંદિરા ગાંધીએ ધૂસાડેલા આ બન્ને શબ્દો આમુખમાંથી કાઢી નાખવાથી બંધારણની ગરીમા ઘટવાની નથી.

પરંતુ સવાલ એ નથી. સવાલ આપખુદ વલણ અને દાનતની ચોરીનો છે. બન્ને શબ્દો અંગે ચર્ચા અને વિવાદ થાય, પછી વાજબી કાર્યવાહી હાથ ધરીને તેમને આમુખમાંથી રદ કરવામાં ન આવે, ત્યાં સુધી તો એ બન્ને શબ્દો ધરાવતું આમુખ છાપવું પડે કે નહીં? અને સરકાર જાણી જોઇને એવું આમુખ ન છાપે -ઉલટું, આવી બેજવાબદાર વૃત્તિને સિદ્ધાંતચર્ચાનું સ્વરૂપ આપવા પ્રયાસ કરે, ત્યારે તેમની અને તેમને નહીં ટોકનારા તેમના વડાની દાનત વિશે શંકા થવી સ્વાભાવિક છે.

પ્રજાસત્તાક દિવસનો બીજો વિવાદ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ ઘ્વજને સલામી ન આપી એ વિશેનો છે. ટ્‌વીટર-ફેસબુક પર વડાપ્રધાનની ભક્તિમાં અને કોંગ્રેસદ્વેષ-મુસ્લિમદ્વેષમાં રાચીને પોતાની જાતને સવાયા રાષ્ટ્રવાદી ગણનારા પેઇડ-અનપેઇડ પાયદળની આખી ફોજ ઊભી થઇ છે. જાણીતી કહેણીમાં સહેજ ફેરફાર કરીને કહી શકાય કે, સચ્ચાઇ હજુ કંઇ સમજે-વિચારે, ત્યાં સુધી આ પાયદળનાં જૂઠાણાં દુનિયાભરમાં ધૂમી વળે છે. એક તરફ ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, પણ તેની સાથે સામાન્ય સમજણ કે કોઠાસૂઝનું પ્રમાણ ભયંકર હદે નીચું ઊતરી ગયું હોય એમ લાગે છે. ‘ભણેલા’ કહેવાતા લોકો આંખે પાટા બાંધીને જે રીતે જૂઠાણાં ગટગટાવી જાય છે, તે રાજકારણની ગંદકી કરતાં પણ વધારે પીડાદાયક છે.

પ્રજાસત્તાક દિનની પરેડ વખતે એવું એક પડીકું તરતું મૂકાયું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ રાષ્ટ્રઘ્વજનું અપમાન કર્યું. આરોપ એ હતો કે વડાપ્રધાન સલામી આપી રહ્યા હતા ત્યારે અન્સારી હાથ નીચે રાખીને ઊભા હતા.

આમ કરવા પાછળનું સંભવિત કારણ? એ મુસ્લિમ છે, બસ.

સંઘ પરિવાર અને તેની અન્ય સંસ્થાઓ દ્વારા હાથ ધરાતી ઝેરીલી પ્રચારઝુંબેશો વિશે થોડોઘણો ખ્યાલ હોય, તેમના આવાં પડીકાંની નવાઇ ન લાગે. આ પડીકું વહેતું મૂકનારને એ વાતની પણખાતરી હોય કે સાત-સાત વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહેલા અન્સારીને પણ, કેવળ મુસ્લિમ હોવાને કારણે, દેશદ્રોહી કે રાષ્ટ્રઘ્વજનું અપમાન કરનાર તરીકે સોશ્યલ નેટવર્કની શૂળીએ ચડાવી શકાશે. એટલું જ નહીં, ત્યાં એવા હોંશીલા ‘રાષ્ટ્રવાદીઓ’ મળી આવશે, જેમને માટે અન્સારી મુસ્લિમ છે, એ સિવાયની બધી વિગતો ગૌણ બની જશે.

સારું છે કે કેટલાંક પ્રસાર માધ્યમોએ તસદી લીધી અને જણાવ્યું કે નિયમ પ્રમાણે, મુખ્ય હોદ્દેદારો (વડાપ્રધાન-રાષ્ટ્રપતિ)એ તથા ગણવેશધારી લોકોએ સલામી આપવાની હોય. બાકીના બિનફૌજીઓએ હાથ નીચે રાખીને અદબપૂર્વક ઊભા રહેવાનું હોય. ઉપરાષ્ટ્રપતિ એ જ પ્રમાણે વર્ત્યા હતા, પણ ઝેર જ ફેલાવવું હોય ત્યાં આ બધી પંચાતમાં કોણ ઉતરે? સવાલ એ થાય કે ઉપરાષ્ટ્રપતિ જેવાએ પણ મુસ્લિમ હોવાને કારણે દેશભક્તિ સાબીત કરવાની થાય - અને એ વિશે વાચાળ વડાપ્રધાનને કશું જ કહેવાનું ન હોય?

અદ્ધરતાલ આદર

હવામાંથી ઝેર ફેલાવી શકાય, તેમ હવામાંથી અહોભાવ પણ પ્રસરાવી શકાય છે. કિરણ બેદી આ વાતનું જાણીતું ઉદાહરણ છે. પહેલાં મહિલા આઇપીએસ તરીકે કિરણ બેદીનો ભારતમાં હદ બહારનો જયજયકાર થયો. પાઠ્યપુસ્તકમાં તેમના પાઠ આવી ગયા. પ્રેરણાભૂખ્યા અને વીરપૂજા માટે તલસતા દેશમાં આવાં ચરિત્રોનો બહુ ખપ હોય છે. તેમની એક સારી બાબત ઉપર બીજી દસ કાલ્પનિક સિદ્ધિઓનો ઢોળ ક્યારે ચડી જાય અને વ્યક્તિ પોતે ‘હોઉં તો હોઉં પણ ખરી’ના મૂડમાં આવી જાય, એ કહેવાય નહીં. કિરણ બેદી દિલ્હી ટ્રાફિક વિભાગમાં હતાં ત્યારે કોઇની શેહમાં ન આવવા અંગે એવી દંતકથાઓ વહેતી થઇ કે તેમનું લાડકું ઉપનામ ‘ક્રેન’ બેદી પડી ગયું. તેમની ટૂંકામાં ટૂંકી ઓળખમાં એ વાત અચૂક આવતી હતી કે ‘તેમણે વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ગાડી રસ્તા પરથી ટો કરાવી લીધી હતી.’ પરંતુ ગયા અઠવાડિયે એનડી ટીવી હિંદીના રવીશકુમારને (માંડ માંડ) આપેલા ઇન્ટરવ્યુમાં  સતત અસુખ અને અસલામતી અનુભવતાં કિરણ બેદી બોલી ગયાં કે ‘ઇંદિરા ગાંધીની ગાડી મેં ઉપડાવી ન હતી- નિર્મલસિંઘે ઉઠાવી હતી, જે એસીપી તરીકે નિવૃત્ત થયા.’ સાવ અણધાર્યું રહસ્યોદ્‌ઘાટન થતાં રવીશકુમારે વઘુ પૂછપરછ કરી, ત્યારે કિરણ બેદીના મોઢેથી જ સાંભળવા મળ્યું કે એ કાર ઇંદિરા ગાંધીની વ્યક્તિગત ન હતી, પણ વડાપ્રધાનની કચેરીની અનેક કારમાંની એક હતી. કિરણ બેદીની કોઇ કમાલ હોય તો એટલી જ હતી કે તેમણે નિર્મલસિંઘ સામે કશાં પગલાં ન લીધાં.

વગર સોશ્યલ નેટવર્કે, આટલા વર્ષથી ચાલતી એક અફવાનો અંત આવ્યો, પણ હવે એવી અફવાઓ રોજિંદા ધોરણે અને ઘણી વાર સત્તાવાર ઢબે ઉત્પાદિત કરવામાં આવે છે. તેની ખરાઇ કે પ્રતિકારની મહેનતને બદલે તેમનો આંખ મીંચીને સ્વીકાર કરવો એ સહેલો રસ્તો છે, પણ સલાહભરેલો છે? એ આપણે નાગરિકોએ વિચારવાનું છે.  

Monday, February 02, 2015

‘લાઇફ’નાં જગવિખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે લીધેલો ગાંધીજીના જીવનનો સંભવતઃ છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યુ

યુદ્ધવિમાન પર ચડી ગયેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટ /
Margaret Bourke-White

રેંટિયો કાંતતાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટનું ’સેલ્ફી’ : Margaret Bourke-White

ગાંધીજીને નજીકથી જોનાર અને સમજવાનો પ્રયાસ કરનાર વિદેશી પત્રકારોમાં માર્ગારેટ બૉર્ક-વ્હાઇટનું નામ લેવું પડે. વ્યવસાયે તો એ બહાદુર-બાહોશ ફોટોગ્રાફર હતાં. ‘લાઇફ’ સાપ્તાહિક માટે તેમણે લીધેલી બીજા વિશ્વયુદ્ધની તસવીરો વિના વીસમી સદીની તવારીખ અઘૂરી ગણાય. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ૧૯૪૬માં તે ભારત આવ્યાં. ત્યાર પછી ૧૯૪૭-૪૮માં થોડા મહિના માટે ફરી પાછાં આવ્યાં. ‘લાઇફ’ અને માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ થકી ભારતીય નેતાઓ અને જાહેર જીવનના માણસોની આખી ઇન્દ્રસભાની ઉત્તમ તસવીરો આપણને મળી, જે સામાન્ય સંજોગોમાં ન લેવાઇ હોત અથવા અત્યારે મળી શકે એ રીતે ન સચવાઇ હોત.

જેમ કે, ગાંધીજીનાં બહેન રળિયાતબહેનની તસવીર, સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની કે જયપ્રકાશ નારાયણની ઉત્તમ તસવીરો, સરદાર પલંગ પર અને મણિબહેન નીચે બેઠાં હોય એવી, છાયા-પ્રકાશનું જાદુઇ સંયોજન ધરાવતી તસવીરોની સિરીઝ, કે પછી મુંબઇ કોંગ્રેસના નગીનદાસ માસ્ટરની ઘ્વજને સલામી આપતી તસવીર...આ યાદી ઘણી લાંબી છે. એ સિવાય ગાંધીજીની સૌથી યાદગાર તસવીરોમાંની એક (ચરખાના ચક્રની પછવાડે બેઠેલા ગાંધીજી) અને સરદાર પટેલનો સૌથી જાણીતો ક્લોઝ-અપ પણ માર્ગારેટ બોર્ક-વ્હાઇટના કૅમેરાની કમાલ છે.

માર્ગારેટ બૉર્ક-વ્હાઇટની તસવીરકળા જુદા લેખનો વિષય છે. આ લેખમાં વાત છે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે તેમણે લીધેલા ગાંધીજીના, સંભવતઃ છેલ્લા, ઇન્ટરવ્યુની. ‘હું ઑટોગ્રાફ લેવાની શોખીન નથી’ એવું જાહેર કર્યા પછી માર્ગારેટે લખ્યું કે ‘ગાંધીજીના બે ફોટા ‘બનાવવામાં’ એટલો કકળાટ પડ્યો હતો કે એ બે પર મારે ગાંધીજીના હસ્તાક્ષર લેવા હતા.’ તેના માટે ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ ગાંધીજીને મળ્યાં. હસ્તાક્ષર માગ્યા એટલે ગાંધીજીએ તરત કહ્યું, ‘એક (હસ્તાક્ષર)ના પાંચ રૂપિયા થશે.’

માર્ગારેટે આશ્ચર્યનો આંચકો ખાઇને પર્સમાંથી દસનું પત્તું કાઢ્‌યું. એટલે ગાંધીજીએ સમજાવ્યું કે ‘આ હરિજન ફંડ માટે છે’ અને એ વિશે થોડી વઘુ વાત કરી. માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ જાણતાં હતાં, પણ એ ચૂપ રહ્યાં. પછી તેમણે કહ્યું કે ‘આવતી કાલે મારો છેલ્લો દિવસ છે.’  અને ઘણા વખતથી તેમના મનમાં ઘોળાતા કેટલાક સવાલના જવાબ મેળવવા માટે ગાંધીજીની મુલાકાત માગી. કહ્યું કે ‘હું ભારત વિશે એક પુસ્તક લખી રહી છું.’

‘કેટલા વખતથી પુસ્તકનું કામ ચાલે છે?’ ગાંધીજીએ પૂછ્‌યું.

‘બે વર્ષથી.’

‘અમેરિકન એક ચોપડી પર બે વર્ષ સુધી કામ કરે એ બહુ કહેવાય.’ ગાંધીજીએ મજાક કરી. પછી ગંભીરતાથી કહ્યું કે અગાઉ કૅથરિન મેયો નામનાં એક અમેરિકન બહેન તેમના પુસ્તક માટે ઇન્ટરવ્યુ લઇ ગયાં હતાં.

કૅથરિનના પુસ્તક ‘મધર ઇન્ડિયા’ પર ભારતમાં પસ્તાળ પડી હતી. ‘ગટર ઇન્સ્પેક્ટરનો રીપોર્ટ’ જેવું વિશેષણ પામેલું આ પુસ્તક અધકચરી હકીકતો અને જૂઠાણાંને કારણે માર્ગારેટ બૉર્ક-વ્હાઇટને પણ ઘણું નડ્યું હતું. તેમણે લખ્યું છે કે ‘લોકોને વાંચતાં પણ ન આવડતું હોય એવાં સ્થળે એ પુસ્તકની છાપ મને નડી હતી.’ ગાંધીજીએ માર્ગારેટ પાસેથી એ બોલાયેલા શબ્દોમાં તોડમરોડ નહીં કરે એનું વચન માગ્યા પછી મળવાનું કબૂલ્યું અને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ મુલાકાત ગોઠવાઇ. ‘હાફવે ટુ ફ્રીડમ - અ રીપોર્ટ ઑન ધ ન્યૂ ઇન્ડિયા ઇન ધ વર્ડ્‌ઝ એન્ડ ફોટોગ્રાફ્‌સ ઑફ માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ’ / Halfway to Freedom - A Report On the New Indian In the Words and Photographs of Margaret Bourke-White (૧૯૪૯)માં ગાંધીજી સાથેની મુલાકાતનું વિગતવાર વર્ણન મળે છે.

તેમનો પહેલો જ સવાલ હતો, ‘ગાંધીજી, તમે હંમેશાં સવા સો વર્ષ જીવવાની વાત કરો છો. એ આશા તમને ક્યાંથી મળે છે?’

ગાંધીજીએ કહ્યું,‘મેં એ આશા છોડી દીધી છે. વિશ્વમાં એવા ભયંકર બનાવો બની રહ્યા છે. મારે અંધકાર અને પાગલપણાની વચ્ચે જીવવું નથી.’

વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો કાંતતા હતા. માર્ગારેટે બીજો સવાલ પૂછ્‌યો કે તેમના મતે સારો ‘ટ્રસ્ટી’ કોણ? ગાંધીજીનો જવાબ હતોઃ ‘જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોનું શબ્દો અને હાર્દથી પાલન કરે.’

‘કોઇ ભારતીય ઉદ્યોગપતિ એ પ્રમાણે વર્તે છે?’

‘મારી જાણમાં કોઇ નથી.’

માર્ગારેટે સવાલને વધારે અણીદાર બનાવતાં પૂછ્‌યું, ‘ધારો કે તમારી નજીકના વર્તુળમાંથી કોઇ કહે કે મારે ટ્રસ્ટી થવું છે, તો તમે એને શું કહેશો?’ તેમને બિરલાના દેખીતા વિરોધાભાસ અને ગાંધીજીની તેમની સાથેની નિકટતા સમજાતાં ન હતાં.

ગાંધીજીએ કહ્યું, ‘એના માટે દૂર જવાની જરૂર નથી. આ ઘરના માલિક (બિરલા) જ છે. એ ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. એ એકલા નથી. બીજા ઘણા છે, જેે મારા કહ્યા પ્રમાણે ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. હું આશા રાખું છું કે એ મને છેતરે નહીં.’

પછી હળવેકથી, ‘જાણે પોતાના મનનો લાંબા વખતથી ભીડાયેલો દરવાજો ખોલીને તેમાં ડોકિયું કરતા હોય એમ’ ગાંધીજીએ કહ્યું, ‘મને લાગશે કે બિરલા મને છેતરી રહ્યા છે, તો હું એમના ઘરમાં નહીં રહું. હું અહીં છું કારણ કે એ જે કહે છે તે હું માનું છું. હું એમને લાંબા સમયથી ઓળખું છું- (પછી વર્ષો ગણીને)- બત્રીસ વર્ષથી- અને હજુ એ મને છેતરવાના અપરાધી લાગ્યા નથી.’

બિરલાની ફેક્ટરીઓમાં કામદારોની અસંતોષકારક દશા જોઇ ચૂકેલાં માર્ગારેટને આ જવાબોથી પૂરો સંતોષ ન થયો. ગાંધીજી રહેતા હતા એ જગ્યાએથી થોડે દૂર આવેલી બિરલા ફેક્ટરીની મુલાકાત લઇને માર્ગારેટે એક અલગ પ્રકરણ લખ્યું હતું. ગાંધીજી એ કેમ જોઇ શકતા નહીં હોય? એવું તેમને થયું, પરંતુ માર્ગારેટે નોંઘ્યું છે કે ‘આંખ આડા કાન કરવાની વૃત્તિ ફક્ત ગાંધીજી પૂરતી સીમિત નથી. ઊચ્ચ આદર્શો ધરાવતા ઘણા ભારતીય નેતાઓમાં જોવા મળે છે અને પશ્ચિમી જગત પણ એનાથી પર નથી.’ અલબત્ત, દેખીતી વિસંગતી છતાં ગાંધીજીનું સત્ય માટેનું વળગણ વાસ્તવિક હતું, એવું પણ તેમણે લખ્યું. એ માટેની તેમણે તારવેલી સમજૂતી એવી હતી કે ગાંધીજી ફક્ત બિરલા કે તમામ ઉદ્યોગપતિઓનું નહીં, એ મશીનયુગ પહેલાંની ‘ઓલ્ડ ઑર્ડર’ (જૂની વ્યવસ્થા)નું રક્ષણ કરવા માગતા હતા. સમાજનું માળખું બદલવાની તેમની કોઇ મહત્ત્વાકાંક્ષા ન હતી. એ માણસના મનને બદલવા માગતા હતા. દરેક માણસના મનમાં રહેલી સદ્‌વૃત્તિને એ સ્પર્શવા માગતા હતા.’

ગાંધીજીએ કહ્યું, ‘આ સજ્જનો (ઉદ્યોગપતિઓ)માંથી થોડાને હું કહું કે તમારે તમારું સર્વસ્વ આપી દેવાનું છે, તો એમની ખરી કસોટી થાય. ત્યાર પછી મારી સેવાની મુદત પણ પૂરી થઇ જાય.’

‘એવું કેમ?’

‘કારણ કે એ લોકો કહેશે, ‘અમને ખબર નહીં કે અંદરથી એ (ગાંધીજી) સરમુખત્યાર, હિટલર હતા (જેમણે આવો આપખુદ હુકમ આપ્યો).’

મશીનો વિશેની ચર્ચામાં ગાંધીજીએ માર્ગારેટને કહ્યું હતું કે ભારત જેવા દેશની મોટી જનસંખ્યા માટે સ્વાવલંબન એ જ સુખનો રસ્તો છે. માર્ગારેટને સૌથી વધારે ઉત્સુકતા અણુબૉમ્બ વિશે ગાંધીજીનો અભિપ્રાય જાણવાની હતી.  બીજા વિશ્વયુદ્ધનો અંત અણુબોમ્બથી આવ્યો હોવાને કારણે, એ નવા સંહારક શસ્ત્રની ચકચાર શમી ન હતી. ગાંધીજીએ અગાઉ પ્રાર્થનાસભામાં કહી ગયા હતા, એ જ વાત માર્ગારેટને કરી, ‘હું અન્ડરગ્રાઉન્ડ આશ્રયમાં જતો રહેવાને બદલે ખુલ્લામાં ઊભો રહીશ, જેથી પાયલટ મને જોઇ શકે અને હું પ્રાર્થના કરતાં કરતાં અણુહુમલામાં મૃત્યુ વહોરીશ. પાયલટ જોશે કે મારા ચહેરા પર તેના માટે કશો ધીક્કાર નથી.’

પછી તરત ગાંધીજીએ કહ્યું, ‘મને ખબર છે કે એટલી ઊંચાઇથી પાયલટને અમારા ચહેરા દેખાય નહીં.પણ પાયલટ અમને નુકસાન નહીં કરે એવી અમારા હૃદયની ભાવના એના સુધી પહોંચશે અને એની આંખ ઉઘડશે. હિરોશીમામાં મૃત્યુ પામેલા હજારો લોકોમાં જો આ રીતે ખુલ્લામાં, હૃદયમાં પ્રાર્થના સાથે મૃત્યુ પામ્યા હોત, તો યુદ્ધનો આવો નામોશીભર્યો અંત ન આવ્યો હોત. અત્યારે તો વિજેતાઓ ખરેખર વિજેતા છે કે કેમ એ સવાલ છે...આ યુદ્ધ પછી વિશ્વ શાંતિમય નહીં, વધારે ખતરનાક થયું છે.’
Gandhi By Margaret Bourke-White

આ ચર્ચાના થોડા કલાક પછી, ગાંધીજીની હત્યા થઇ. અગાઉ ગાંધીજીના ઉપવાસને લીધે અમેરિકા જવાનું પાછું ઠેલનાર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે ફરી એક વાર, છેલ્લી વાર, તેમનું સ્વદેશગમન મોકૂફ રાખ્યું અને ગાંધીજીની અંતીમ યાત્રાની કેટલીક યાદગાર તસવીરો લીધી.

પુસ્તકના અંતીમ પ્રકરણનાં અંતીમ વાક્યોમાં માર્ગારેટે લખ્યું,‘ચિતાની જ્વાળા સમક્ષ રાત ગુજારતી વખતે મને એવું માનવું ગમે છે કે ત્યાં રહેલાં લાખો હૈયામાં એક નાનકડી જ્યોત જલતી હશે. બળજબરીથી નહીં, પણ આંતરિક પરિવર્તનથી એ લોકો સચ્ચાઇના રસ્તે ચાલશે, જે ગાંધીજી ઇચ્છતા હતા. સહનશીલતા અને એકતા માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ નીવડી શકે છે. તેમણે અંધકારમાં ઉજાસ પ્રગટાવવા માટે પોતાની જિંદગી આપી દીધી.’

વાસ્તવમાં, આઝાદ ભારત માર્ગારેટ બૉર્ક-વ્હાઇટના આશાવાદથી ગોડસેના મંદિર સુધીનો રસ્તો કાપી ચૂક્યું છે.