Friday, February 20, 2015

પરિવર્તન પછીની પળોજણ

(દૃષ્ટિકોણ-મંગળવાર-૧૭-૨-૧૫)

ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વની આબોહવામાં અભૂતપૂર્વ પલટા અનુભવાઇ રહ્યા છે, તો ભારતની રાજકીય આબોહવા પણ અગાઉનાં વર્ષો કે કદાચ બે-ત્રણ દાયકામાં ન જોયેલાં પરિવર્તન આંચકાજનક રીતે દર્શાવી રહી છે.

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપનો સ્પષ્ટ વિજય અને કોંગ્રેસનો સ્પષ્ટ પરાજય  એક એવી ઘટના હતી, જેનાં કારણ અને ખાસ તો, પૂરેપૂરા સૂચિતાર્થો પંડિતો હજુ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. (ભક્તોની કે પંડિતભક્તોની વાત નથી.) ‘કોંગ્રેસની બેઠકસંખ્યા સાવ બે આંકડામાં થોડી આવી જાય?’ એવી માન્યતા લોકસભાની ચૂંટણીમાં ઊંધી પડી અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાયું.

દિલ્હીમાં આંચકાજનક રીતે સત્તા પર આવેલી અને ૪૯ દિવસમાં રાજીનામું આપીને પેવેલિયનભેગી થયેલી ‘આપ’ની સરકારે વિવાદો અને ચર્ચાઓની સાથે ઘણી આશાઓ જગાવી હતી. તેમની કાર્યપદ્ધતિ અથવા કેટલાક નેતાઓની નિવેદનબાજીના પ્રશ્નો હોઇ શકે, પણ (ગુજરાત સહિતની) બીજી, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારોએ કર્યું નથી, એટલું કામ ‘આપ’ની દિલ્હી સરકારે ૪૯ દિવસમાં કરી બતાવ્યું હતું. ‘ન્યૂઝલૉન્ડ્રી’ વેબસાઇટ ચલાવતાં વરિષ્ઠ અને નિષ્પક્ષ-કડક પત્રકાર મઘુ ત્રેહને લોકસભાની ચૂંટણીઓ પહેલાં અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે દિલ્હીસ્થિત ત્રેહને ‘આપ’ સરકારની ૪૯ દિવસની કામગીરીને મુક્ત કંઠે પ્રમાણી હતી. પરંતુ ત્યાર પછી શરૂ થયેલા ભાજપના આક્રમક પ્રચારમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’નો સફાયો થઇ ગયો. કારણ કે દિલ્હી સિવાય બીજે ક્યાંય ‘આપ’નું સંગઠન કે કામગીરી ન હતાં અને દિલ્હીની લોકસભાની બેઠકો પર ‘આપ’ને ચૂંટવાથી કશો દેખીતો ફાયદો ન હતો.

વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પણ એક તરફ લોકોને આઇ-મેક્સ સાઇઝનાં સપનાં દેખાડીને તેમની આકાંક્ષાઓ પર સવાર થઇ રહ્યા હતા, તો બીજી તરફ અમિત શાહને છૂટો દોર આપીને તેમને મોરચા સોંપી દીધા હતા. આ વ્યૂહરચના પ્રમાણે તે વડાપ્રધાન તો બની ગયા, પણ ત્યાર પછી તેમણે ‘ગુજરાત મૉડેલ’ અપનાવ્યું--ગુજરાતની જેમ કેન્દ્રમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને અંગત છબીને હદ બહાર મોટી કરવાની બધી કવાયતો કરી. પોતાની જાતને ‘સામાન્ય ચાવાળા’ તરીકે રજૂ કરનારા અને રાજકીય પંડિતોને પણ તેમની નવી ઓળખથી અભિભૂત કરી જનારા વડાપ્રધાન મોદી કદી ‘કૉમન મેન’ ન જણાયા.  ભપકામાં મહાલતા,  ફેન્સી ડ્રેસમાં સજ્જ થઇને ચોરે ને ચૌટે હોર્ડિંગમાં ઝળકતા, વીવીઆઇપી સંસ્કૃતિની મૂર્તિમંત મિસાલ જેવા મોદીનો ‘ચાવાળા’ તરીકેનો દાવો ચાલી ગયો, એ તેમની પ્રચારઝુંબેશની કરામત હતી કે લોકોની ‘ઉદારતા’, એ જુદો પ્રશ્ન છે, પણ વડાપ્રધાન બન્યા પછી તે પોતાની રૉકસ્ટાર ઇમેજના પ્રેમમાં પડી ગયા.

વિદેશવિજયનો કેફ તેમને એવો ચડ્યો કે સાદો વિવેક ચૂકીને, અમેરિકાના પ્રમુખને પ્રથમ નામથી બોલાવવા સુધી તે ગયા. ઓબામા સાથે અંગત દોસ્તીનો ફુગ્ગો તેમણે બરાબર ફુલાવ્યો, પણ ઓબામાએ ટાંકણી મારીને બધી હવા કાઢી નાખી. છતાં, શોમેનનુ લક્ષણ એ છે કે તે એક શો પૂરી થઇ ગયા પછી, તેનો વિચાર કરવાને બદલે પછીના શોના આયોજનમાં પડી જાય. ખરી કરુણતા તો એ છે કે ‘શોમેન’ અને ‘રૉકસ્ટાર’ જેવાં વિશેષણ રાજકારણમાં પડેલા અને ‘સામાન્ય ચાવાળા’ની ઓળખ વટાવનાર નેતા માટે કોઇ રીતે શોભાસ્પદ ન કહેવાય, એવું ઘણાને સમજાવવું પડે છે. બાકી, ‘અમારા સાહેબ તો રૉકસ્ટાર’ના હરખમાં હિલોળા લેનારા (સંખ્યામાં) ઓછા નથી.

આ જ ભક્તોમાં આશ્ચર્યજનક રીતે સવાલો પૂછનારા જાગ્રત નાગરિકનો આત્મા પ્રવેશ્યો, તેનાં સઘળાં અભિનંદન ‘આપ’ને આપવાં પડે. નક્કર કામગીરીને બદલે ઝાકઝમાળમાં વઘુ ઘ્યાન આપનાર અને કાળાં નાણાં સહિતના બધા વાયદાને વિસારી પાડી દેનાર વડાપ્રધાનને દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જમીન પર લાવી દીધા. ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ દિલ્હીમાં ભાજપનું નાક કાપીને હાથમાં આપી દીઘું.

‘આપ’ શું અને કેવું ઉકાળશે, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે, પરંતુ હાલના સંજોગોમાં અને તેના ૪૯ દિવસના અનુભવને યાદ રાખતાં અત્યારે તેમની દાનતના ઘણા માર્ક આપવા પડે એમ છે. શપથ લીધા પછી મુખ્ય મંત્રી તરીકેના પહેલા વક્તવ્યમાં કેજરીવાલે પોતાની પહેલી મુદત કરતાં ઘણી વધારે ટાઢકથી અને વ્યવહારુ રીતે વાત કરી. કહ્યું કે પરિવર્તનને સમય લાગશે અને એ ધીમી પણ નક્કર ગતિએ થશે.

મોદીની અવિજેય છબીની અને ભાજપની દિલ્હીમાં ધૂળચટાઇથી હતપ્રભ બનેલા તેમના ભક્તો ઘાંઘા બન્યા. હમણાં સુધી કેજરીવાલ વિશે બેફામ વિશેષણો વાપરનારા અને બીજું તો ઠીક, વાતચીતનો  સાદો વિવેક ચૂકીને કેજરીવાલનાં અપમાન કરનારા અચાનક વિવેક અને ગરીમાની વાતો કરતા થઇ ગયા. નેતા તરીકે નરેન્દ્ર મોદીના પ્રચંડ અહંકારની તથા તેમના દસ લાખ રૂપિયાના કહેવાતા ‘સેલ્ફી સુટ’ની મોટા પાયે ઘુલાઇ થઇ. શરૂઆતમાં તેમની સોશ્યલ મિડીયા ગેંગને શો જવાબ વાળવો તે સૂઝ્‌યું નહીં. ધીમે ધીમે કળ વળ્યા પછી તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે વડાપ્રધાન વિશે એલફેલ લખવું જોઇએ નહીં, વિવેક ચૂકવો જોઇએ નહીં, માપમાં રહેવું જોઇએ. આ બધી એવી શીખામણો હતી, જેની સૌથી વધારે જરૂર ભાજપની સોશ્યલ મિડીયા ટીમને અને તેમના પાયદળને છે.

જરા વધારે કળ વળી એટલે વઘુ એક વાર ‘આપ’ સરકાર વિરુદ્ધ પ્રચારભંભેરણી શરૂ થઇ ગઇ. તેનો દેખાવ એવો હતો કે ‘અમે તો નાગરિક તરીકે ‘આપે’ કરેલા દાવાઓની ચકાસણી કરી રહ્યા છીએ.’   ભક્તસમુદાયમાં કોઇ પણ રાહે નાગરિકભાવના પ્રગટે તે ઇચ્છનીય અને આવકાર્ય છે, પણ આ સમુદાયની નાગરિકભાવના અને ‘સામાન્ય બુદ્ધિ’ ‘આપ’ના દાવા પૂરતી મર્યાદિત હતી. કારણ કે તેમનો અસલી એજેન્ડા ‘નાગરિકભાવના’ નહીં, ‘સાહેબસેવા’ હતો.

વડાપ્રધાને ચૂંટણી પહેલાં છ મહિનામાં સ્વિસ બેન્કમાંથી કાળું નાણું લઇ આવવાનો વાયદો કર્યો હતો ને લોકોના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિયા જમા કરવાની વાતો કરી હતી. આવા બાળાગોળીઓ સુખપૂર્વક પી ગયેલા લોકો, જેનું રાજ હજુ શરૂ થયું ન હતું એ ‘આપ’ સરકારના દાવા વિશે આગોતરી શંકાઓ અને ટીકાઓ વીંઝવાનું શરૂ કરી દે, ત્યારે એ જાગૃતિનું લક્ષણ નહીં, પેલી બાળાગોળીની ચાલુ રહેલી અસર કહેવાય. હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેન ને ૧૦૦ સ્માર્ટ સીટીની વાતો થાય ત્યારે મોર બની થનગાટ કરનારા દિલ્હીમાં વાઇ-ફાઇના અઢીસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની વિગતો સમજ્યા વગર કે તેની મુદ્દાઆધારિત ટીકા કરવાને બદલે, ‘આપ’ની નવી સરકારને તરંગી તરીકે ખપાવવાનો પ્રયાસ કરે, ત્યારે એવા મોરલાઓને કહેવાનું થાય કે પહેલાં તમારી પૂંઠ સંભાળો.

પક્ષનાં પેઇડ કે અનપેઇડ પ્યાદાં બનવામાં અને જાગ્રત નાગરિક બનવામાં ફરક છે. જાગ્રત નાગરિક સત્તાધીશની સામે, જાણે કૃષ્ણનું વિશ્વસ્વરૂપ પ્રગટ થયું હોય એવી અહોભાવફાટી આંખથી જોઇ રહેતો નથી અને તેમનો પ્રોજેક્ટેડ પ્રતાપ ઓસરી જાય ત્યારે પોતાનો સમભાવ ગુમાવતો નથી. ભારત જેવી લોકશાહીમાં ‘નાગરિક વિરુદ્ધ સરકાર’નું સમીકરણ આદર્શ અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદીને તક આપો, અરવિંદ કેજરીવાલને તક આપો. ઠીક છે. તક આપી. પણ પછી એ નેતાની દાનત કેવી છે અને તેને આપેલી તકનું શું થયું, એ નક્કી કરતી વખતે મુગ્ધભાવથી બચવું પડે છે.

અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ હજુ શરૂ થયો છે. આ વખતે સ્પષ્ટ બહુમતી હોવાથી જનલોકપાલ હોય કે સ્વરાજ ખરડો, તેમને એ પસાર કરવામાં કશી તકલીફ પડવાની નથી. વિપક્ષમાં ભાજપના ફક્ત ત્રણ સભ્યો હોવા છતાં, તેમાંથી એકને વિપક્ષના નેતા બનાવવા જેટલી ખાનદાની ‘આપ’ દાખવશે, તો એકહથ્થુતાના પ્રેમી એવા વડાપ્રધાનને એ પહેલી ટપલી હશે. પરંતુ ‘આપ’નું કામ કેવળ ટપલા મારવાનું નથી. કામ કરવાનું છે અને કેજરીવાલે અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને વધારે પુખ્તતાથી કહ્યું છે કે બઘું રાતોરાત થઇ જાય એવી અપેક્ષા રાખશો નહીં અને કલાકોમાં હિસાબ માગશો નહીં.

વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વિકાસની વાંસળી વગાડતા હતા ત્યારે તેની ધૂનમાં ડોલનારા કેટલાને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાતની સાચી સ્થિતિ જાણવાની પરવા હતી? અને હજુ પણ સરકારના અત્યંત મહત્ત્વના અને પ્રાથમિક ફરજ જેવા આ બન્ને મુદ્દે ધરાતલની સ્થિતિ કેવી છે, એ જાણવાની તસદી લેવાઇ છે? સરકારનું કામ ફેસ્ટિવલબાજી કરવાનું નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું છે- અને નાગરિકોનું કામ ફેસ્ટિવલની ગમે તેટલી સારી ગુણવત્તાથી પ્રભાવિત થઇ જવાને બદલે એ વિચારવાનું છે કે આખરે સરકારે શા માટે ઇવેન્ટ મેેનેજમેન્ટ એજન્સી બનવું જોઇએ? શું શિક્ષણ-આરોગ્યને લગતી તેની પ્રાથમિક જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે?

દિલ્હીમાં ‘આપ’નો વિજય લોકશાહીના નાગરિકપર્વનો નાનો પણ અગત્યનો પ્રારંભ છે. પરંપરાગત રીતે ભેદભાવનો ભોગ બનતા દલિત સમાજથી માંડીને ગરીબીને લીધે દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા અનેક લોકો સુધી ‘આપે’ હજુ પહોંચવાનું છે અને પોતાની દાનત વાતોનાં વડાં કરીને નહીં, પણ કામ કરીને પુરવાર કરવાની છે. ‘આપ’ની ભવ્ય જીત પછી નાગરિકો ‘આપ’ કે કેજરીવાલના ભક્ત બનવાને બદલે, તેમની પર શત્રુભાવે નહીં પણ નાગરિકભાવે નજર રાખીને, લોકલક્ષી રાજકારણનાં મૂળીયાં ઊંડાં ઉતારવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. 

1 comment:

  1. મુળ હું કચ્છ બાજુનો છું. નર્મદાનું પાણી કચ્છના ગામડાંને પીવામળશે એવી વાતો છેલ્લા ૧૫-૨૦ વરસથી બણંગા ફુકી ફુકી ભાજપા વાળા કહે છે. દીલ્લીમાં કેજરીવાળાએ નરેન્દ્ર મોદીને જમીન પર લાવી દીધા એ બરોબર કર્યું.

    ReplyDelete