Tuesday, February 24, 2015

શરમ અને ગૌરવનું અવળસવળ ગણિત

‘ભારત દેશમાં ચર્ચાને લાયક બીજા કેટકેટલા મુદ્દા છે. એમાં વડાપ્રધાનના સૂટ જેવા ફાલતુ મુદ્દા વિશે આટલી ચર્ચા શા માટે?’- એવો સવાલ ગયા અઠવાડિયે ઘણાને થયો. કેમ કે, ઓબામા આવ્યા ત્યારથી વડાપ્રધાનનો સૂટ ટીકાનું કેન્દ્ર બનીને જગબત્રીસીએ ચઢ્‌યો હતો.

એનો અર્થ એવો નથી કે (મોદીભક્તો કહે છે તેમ) બાકી બધા મુદ્દા બાજુ પર રાખીને, ફક્ત સૂટ વિશે જ ચર્ચા થઇ હોય. ઉલટું, ભારત-અમેરિકા વચ્ચે થયેલી મનાતી ઐતિહાસિક પરમાણુ સમજૂતી વિશે તો પ્રસાર માઘ્યમોને વિગતો જોઇતી હતી, પણ સરકાર તરફથી તે ઉપલબ્ધ ન હતી. સાથોસાથ, એ પણ યાદ રાખવું પડે કે અમેરિકાના પ્રમુખ આવે એ દિવસે વડાપ્રધાન દિવસમાં ત્રણ વાર કપડાં બદલે અને તેમાંથી એક વાર પોતાના આખા નામથી આચ્છાદિત ‘સેલ્ફી સૂટ’ પહેરવાનું પસંદ કરે, એ કેવળ ફેશન સ્ટેટમેન્ટનો કે પોશાકનો ફાલતુ મુદ્દો નથી રહેતો. તેની સાથે આછકલાઇ, નાર્સિસિઝમ, પોતાની પ્રક્ષેપિત ભવ્ય છબીનું વળગણ- આવાં અનેક લક્ષણો સંકળાઇ જાય છે, જે જાહેરમાં મોટે ભાગે ચર્ચાપાત્ર અને ખાનગીમાં ઘણુંખરું હાંસીને પાત્ર બને છે. (મોદીભક્તોના લાભાર્થે એક સવાલ : ધારો કે અરવિંદ કેજરીવાલે કે રાહુલ ગાંધીએ કે નીતિશકુમારે આવો સૂટ પહેર્યો હોત કે મમતા બેનરજીએ આવી સાડી પહેરી હોત તો મોદીભક્તોએ કે ખુદ વડાપ્રધાને એ વિશે શું કહ્યું હોત?)

સાદી વાત એટલી હતી કે રાષ્ટ્રના વડાથી આવો, આત્મરતિના સંકેતોથી ભદ્દી રીતે અંકિત સૂટ ન પહેરાય. એ હોસ્ની મુબારક જેવા સરમુખત્યારને ‘શોભે’. લોકશાહી દેશના, બહુમતીથી ચૂંટાયેલા અને સત્તાની પૂરેપૂરી સલામતી ધરાવતા વડાપ્રધાનને ન શોભે. (તેની કિંમત દસ લાખ રૂપિયા હતી કે નહીં, એ તો બહુ પછી આવતો મુદ્દો છે.) પરંતુ ભક્તો કોને કહ્યા? તે લઇ મંડ્યા કે ‘આમાં ખોટું શું છે? અમને તો કશું ખોટું નથી લાગતું? તમને (ટીકાકારોને) તો સાહેબની ટીકા કરવાની બસ તક મળવી જોઇએ..’ વગેરે.

પૂરા સદ્‌ભાવ સાથે કહેવું પડે કે ‘વડાપ્રધાનથી આવો સૂટ ન પહેરાય’- એટલી સાદી વાત જેમને ન સમજાતી હોય, તેમનો કશો ઇલાજ નથી. તેમના માટે કેવળ પ્રાર્થના કરી શકાય કે ક્યારેક તે ભક્તિમાંથી બહાર આવે અને સાવ પાયાની બાબતો સમજી શકે.

રાષ્ટ્રિય-આંતરરાિષ્ટ્રિય સ્તરે સૂટની વ્યાપક ટીકા ઓછી હોય તેમ, દિલ્હીમાં વડાપ્રધાનના ભરપૂર પ્રયાસ અને પ્રચાર છતાં ભાજપનો કારમો પરાજય થયો. કેટલાકે વળી એવું પણ કહ્યું કે સામાન્ય ચાવાળા તરીકેની છબી ઊભી કરનાર વડાપ્રધાનને  મોંઘોદાટ સૂટ પહેરવાનું ભારે પડી ગયું. વડાપ્રધાનના સૂટે દિલ્હીમાં પક્ષનાં કપડાં ઉતારી લીધાં હોવાની ગુસપુસ પણ થઇ, જે પૂરેપૂરી સાચી ન હતી. દિલ્હીમાં ભાજપની હારનાં અને ‘આપ’ની જીતનાં ઘણાં કારણ હતાં.

છતાં ‘સો વાતની એક વાત’ અંદાજમાં, દેખીતો ઔચિત્યભંગ કરનાર સૂટ પહેરવાથી વડાપ્રધાન પર એક ધબ્બો લાગી ગયો અને એ તેમને ભારે પણ પડ્યો, એવું તેમના પ્રત્યે સદ્‌ભાવ ધરાવતા લોકો પણ માનવા લાગ્યા. વડાપ્રધાન પોતે રાજકારણના વ્યવસાયમાં છે. એ આવું બઘું સ્વીકારતા ફરે તો તેમનું રાજકારણ ખતમ થઇ જાય. છતાં, ડેમેજ કન્ટ્રોલની જરૂર તેમને પણ કેટલી હદે વર્તાઇ હશે, એ ગયા અઠવાડિયે જણાઇ આવ્યું.

બે ઘટનાઓ બની, જેણે વડાપ્રધાનના ભક્તોને તેમના ટીકાકારોને ફરી (જુદી જુદી રીતે) સક્રિય બનાવ્યા : એક ઉદ્યોગપતિએ જાહેરાત કરી કે વડાપ્રધાન સાથે તેમના કૌટુંબિક અંગત સંબંધના નાતે, પુત્રલગ્નની ખુશાલીમાં તેમણે વડાપ્રધાનને આ સૂટ ભેટ આપ્યો હતો. વડાપ્રધાન લગ્નમાં તો આવી શકે એમ ન હતા, પણ ભેટનું માન રાખવા માટે તેમણે  લગ્નદિવસે  આ સૂટ પહેર્યો.

ઉદ્યોગપતિના નિવેદન પ્રમાણે લગ્ન ૨૬મીએ હતું, જ્યારે વડાપ્રધાને સૂટ ૨૫મીએ પહેર્યો હતો. એવા ઝીણા વિગતફેરને સરતચૂક કે સમજફેર ગણીને બહુ ઘ્યાન ન આપીએ. આખો મામલો અંગત કૌટુંબિક સંબંધોનો હોવાથી, એના વિશે પણ ટીકાટીપ્પણી ન કરીએ.  પરંતુ એ બધી અંગતતા બાજુ પર રાખ્યા પછી, અગત્યનો જાહેર મુદ્દો ઊભો રહે છે :  એક તરફ સ્નેહીના પુત્રના લગ્નપ્રસંગે તેમની લાગણી સાચવવા માટે સૂટ પહેરવાનો હોય અને બીજી તરફ, દુનિયાભરના મિડીયાનું ઘ્યાન તેમની તરફ તકાયેલું હોય અને સૂટ પહેરવાથી અમેરિકાના પ્રમુખ સહિત દુનિયાભરના મિડીયા સામે (વાજબી રીતે) ધજા થવાની હોય, ત્યારે કયો વિકલ્પ પસંદ થાય? મોદીભક્તો આ તબક્કે સામાજિક ટીવી સિરીયલોના અંદાજમાં સંબંધોના માહત્મ્યનાં ગાણાં ગાઇ શકે છે, પરંતુ એ સિવાયના લોકો સહેલાઇથી સમજી શકશે કે આ પ્રસંગે વડાપ્રધાનની પ્રાથમિકતા કઇ હોઇ શકે- અને તેમાં સ્નેહી પ્રત્યેનો પ્રેમ ક્યાંય વચ્ચે આવતો નથી.

સૂટ-કાંડ પછી જે રીતે વડાપ્રધાને રાજકોટમાં તેમનું મંદિર બનાવનાર સામે જરા તપારો બતાવ્યો, એ તેમના હોદ્દાની ગરીમાને શોભે એવી ચેષ્ટા હતી. પરંતુ ‘સેલ્ફી સૂટ’ પ્રત્યે તે એવી મક્કમતા બતાવી શક્યા નહીં- અથવા ભારે ટીકા થઇ એ પહેલાં તેમને પોતાને પણ એમાં કશું અજૂગતું લાગ્યું નહીં હોય એવું માની શકાય. કારણ કે કપડાંની પસંદગી અને તેના થકી રાજકીય સંદેશ વહેતા કરવાની કળામાં વડાપ્રધાન માહેર ગણાય છે.

કારણ જે હોય તે, પણ  ‘સેલ્ફી’ સૂટની જબ્બર ઘુલાઇના દિવસો પછી પણ, વડાપ્રધાનને લાગ્યું હશે કે સૂટ પ્રકરણને કાયમ માટે ‘ખૂબસુરત મોડ’ નહીં અપાય, તો તે નડતું રહેશે. એટલે લગભગ ઠરી ચૂકેલા સૂટનો વિવાદ ઉદ્યોગપતિના નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યો. ત્યાર પછી એવું જાહેર કરવામાં આવ્યું કે આ સૂટ સહિત વડાપ્રધાનને ભેટમાં મળેલી બીજી ચીજવસ્તુઓની હરાજી થશે. એટલું જ નહીં, સૂટની હરાજીમાંથી ઉપજેલી રકમ ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટ જેવા પવિત્ર કાર્યમાં આપવામાં આવશે.

આ જાહેરાતથી મોદીભક્તો ફરી ગેલમાં આવી ગયા. સૂટના મુદ્દે અત્યાર સુધી રહેલી ભીંસ આ જાહેરાતથી જાણે તૂટી ગઇ હોય એમ, નવો પ્રચાર શરૂ થયો : ‘બીજો કયો નેતા પોતાની ચીજવસ્તુઓની આવી રીતે હરાજી કરીને, તેના રૂપિયા દેશ માટે આપે છે? આવો સૂટ પહેરાય કે નહીં એની પિંજણ છોડો. તેની હરાજીમાંથી દેશનું કામ થવાનું હોય તો એ કેટલું સારું કહેવાય?...પણ તમને લોકોને બઘું વાંકું જ દેખાય છે.’

બધા લોકો પાસે મુગ્ધતા કે ભક્તિભાવની આટલી સુવિધા હોતી નથી. એટલે એવું  ધ્યાન દોરવામાં આવ્યું કે સત્તાવાર રીતે વડાપ્રધાન રૂ.પાંચ હજારથી વધારે કિંમતની ભેટ પોતે રાખી શકે નહીં. તેને સરકારી ખજાનામાં- તોશાખાનામાં- જમા કરાવવી પડે. તોશાખાનામાં રહેલી ભેટોની સરકારી રાહે હરાજી થાય, એ પણ સામાન્ય રીત છે.

એટલે, વડાપ્રધાનની લોકપ્રિયતાને કારણે સૂટની આટલી ઊંચી કિંમત ઉપજી એવું ચોક્કસ કહી શકાય - અને તેનો જશ એમને આપી શકાય- પણ ‘જોઇ સાહેબની નિસબત? સૂટ પોતે રાખવાને બદલે તેની  હરાજી કરાવી દીધી?’ એવા પ્રચારને ગણકારવા જેવો નથી-- જેના બોજમાંથી છૂટકારો મેળવવાની વડાપ્રધાનને તાલાવેલી હોય, એવા સૂટના કિસ્સામાં તો ખાસ.

શાંતિથી વિચારનારને એ પણ સમજાય કે સામાન્ય સંજોગોમાં કોઇ વડાપ્રધાન દસ મહિનામાં તોશાખાનાની ભેટોની હરાજી ન કરાવે. સરકારમાં જમા થયેલી ભેટોની હરાજી થાય ત્યારે પણ ‘જોયું? આપણે કેવું અદ્‌ભૂત કામ કરાવ્યું?’ એવો કર્તાભાવ વડાપ્રધાન ન સેવે. કારણ કે, વડાપ્રધાને ભેટોની હરાજી કરતાં અનેક ગણાં વધારે મોટાં અને મહત્ત્વનાં કામમાં કર્તાપદ ધારણ કરવાનું હોય.

પરંતુ વર્તમાન વડાપ્રધાનને સૂટની હરાજી કરાવવાની જ નહીં, ‘આ મેં કરાવી’ એવો પ્રબળ કર્તાભાવ જાહેર કરવાની પણ ઉત્સુકતા જણાતી હતી. ગંગા શુદ્ધિકરણ તો સમજ્યા હવે. એનડીએ સરકારના અંદાજ પ્રમાણે, ગંગા શુદ્ધિકરણ રૂ. ૮૦ હજાર કરોડનો પ્રોજેક્ટ છે. તેમાં સૂટના રૂ.૪.૩૧ કરોડ ઊંટના મોંમાં જીરાના વઘાર જેવા ગણાય.  પરંતુ હરાજીનો જશ લઇને, શરમને ગૌરવમાં ફેરવવાથી મળનારી રાજકીય મૂડી વડાપ્રધાન માટે બહુ કામની હતી : હરાજીમાં આવેલી ઊંચી કિંમતથી પોતાની લોકપ્રિયતાનો છાકો પાડી શકાય અને તેના દાનની ચેષ્ટાથી પોતાની  ઉદારતા સિદ્ધ કરી શકાય. પછી, ન રહે સૂટ, ન રહે દાગ. પરંતુ આવી દેખીતી તિકડમબાજી સમજનારામાંથી એક કાર્ટૂનિસ્ટે ગંગામાં સૂટ ઝબકોળતા મોદીનું વ્યંગચિત્ર દોરીને, તેમના મોઢે લખાણ મૂક્યું, ‘હું મારા કોટથી ગંગાને સાફ કરીશ... કે પછી ગંગાથી મારા કોટને.’

‘બુંદસે બિગડી હૌજસે નહીં આતી’ એવી અકબર-બિરબલની વાર્તાનો બોધ એકવીસમી સદીમાં બદલાઇ શકે છે. કારણ કે સત્તાધીશોના સામા પક્ષે બિરબલ નહીં, ‘આટલુંય કોણ કરે છે?’નો બિનસત્તાવાર જીવનમંત્ર ધરાવતો મોટો સમુદાય છે. ‘એરણની ચોરી ને સોયનું દાન’ કરનારા ‘દાનવીરો’ને અહોભાવથી જોનારાની ખોટ નથી. એવા વર્ગને હરાજીની અને દાનની જાહેરાતથી ‘પાડી દેવાની’ વડાપ્રધાનની કે તેમના ભક્તમંડળની ગણતરી હોય તો એ ખોટી નથી. વડાપ્રધાન પોતાની ચાલ બરાબર રમ્યા છે. તેમના ભક્તો પણ રાબેતા મુજબ વર્ત્યા છે. સવાલ આપણો, નાગરિકોનો છે. રાજનેતાઓ નાગરિકોને મૂર્ખ સમજીને, બકરાને કૂતરા તરીકે ખપાવી જાય, શરમને ગૌરવ તરીકે ગણાવી જાય, દેશના ગૌરવને પોતાનું ગૌરવ અને પોતાની ટીકાને દેશની ટીકા તરીકે વેચી જાય, ત્યારે નાગરિકોએ સંમતિ અને અહોભાવમાં ડોકાં ધુણાવવાં? કે પછી ‘રાજાનાં નવાં વસ્ત્રો’વાળી વાર્તામાં સહજ ભાવે સાચું બોલી જતા બાળકની જેમ, ‘રાજા તો નિર્વસ્ત્ર છે’ એવું કહી દેવું? 

1 comment:

  1. બાળકે કહીં દીધું કે રાજાતો નાગડો છે. લાગે છે એ રાજાએ કપડાં વેંચાણ કે લીલામમાં જરુર રાખ્યા હશે. રાજા અને પ્રજાને ખબર ન પડી તે ન પડી....

    ReplyDelete