Monday, February 02, 2015

‘લાઇફ’નાં જગવિખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે લીધેલો ગાંધીજીના જીવનનો સંભવતઃ છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યુ

યુદ્ધવિમાન પર ચડી ગયેલાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટ /
Margaret Bourke-White

રેંટિયો કાંતતાં માર્ગારેટ બોર્ક-વ્હાઇટનું ’સેલ્ફી’ : Margaret Bourke-White

ગાંધીજીને નજીકથી જોનાર અને સમજવાનો પ્રયાસ કરનાર વિદેશી પત્રકારોમાં માર્ગારેટ બૉર્ક-વ્હાઇટનું નામ લેવું પડે. વ્યવસાયે તો એ બહાદુર-બાહોશ ફોટોગ્રાફર હતાં. ‘લાઇફ’ સાપ્તાહિક માટે તેમણે લીધેલી બીજા વિશ્વયુદ્ધની તસવીરો વિના વીસમી સદીની તવારીખ અઘૂરી ગણાય. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ૧૯૪૬માં તે ભારત આવ્યાં. ત્યાર પછી ૧૯૪૭-૪૮માં થોડા મહિના માટે ફરી પાછાં આવ્યાં. ‘લાઇફ’ અને માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ થકી ભારતીય નેતાઓ અને જાહેર જીવનના માણસોની આખી ઇન્દ્રસભાની ઉત્તમ તસવીરો આપણને મળી, જે સામાન્ય સંજોગોમાં ન લેવાઇ હોત અથવા અત્યારે મળી શકે એ રીતે ન સચવાઇ હોત.

જેમ કે, ગાંધીજીનાં બહેન રળિયાતબહેનની તસવીર, સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની કે જયપ્રકાશ નારાયણની ઉત્તમ તસવીરો, સરદાર પલંગ પર અને મણિબહેન નીચે બેઠાં હોય એવી, છાયા-પ્રકાશનું જાદુઇ સંયોજન ધરાવતી તસવીરોની સિરીઝ, કે પછી મુંબઇ કોંગ્રેસના નગીનદાસ માસ્ટરની ઘ્વજને સલામી આપતી તસવીર...આ યાદી ઘણી લાંબી છે. એ સિવાય ગાંધીજીની સૌથી યાદગાર તસવીરોમાંની એક (ચરખાના ચક્રની પછવાડે બેઠેલા ગાંધીજી) અને સરદાર પટેલનો સૌથી જાણીતો ક્લોઝ-અપ પણ માર્ગારેટ બોર્ક-વ્હાઇટના કૅમેરાની કમાલ છે.

માર્ગારેટ બૉર્ક-વ્હાઇટની તસવીરકળા જુદા લેખનો વિષય છે. આ લેખમાં વાત છે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે તેમણે લીધેલા ગાંધીજીના, સંભવતઃ છેલ્લા, ઇન્ટરવ્યુની. ‘હું ઑટોગ્રાફ લેવાની શોખીન નથી’ એવું જાહેર કર્યા પછી માર્ગારેટે લખ્યું કે ‘ગાંધીજીના બે ફોટા ‘બનાવવામાં’ એટલો કકળાટ પડ્યો હતો કે એ બે પર મારે ગાંધીજીના હસ્તાક્ષર લેવા હતા.’ તેના માટે ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ ગાંધીજીને મળ્યાં. હસ્તાક્ષર માગ્યા એટલે ગાંધીજીએ તરત કહ્યું, ‘એક (હસ્તાક્ષર)ના પાંચ રૂપિયા થશે.’

માર્ગારેટે આશ્ચર્યનો આંચકો ખાઇને પર્સમાંથી દસનું પત્તું કાઢ્‌યું. એટલે ગાંધીજીએ સમજાવ્યું કે ‘આ હરિજન ફંડ માટે છે’ અને એ વિશે થોડી વઘુ વાત કરી. માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ જાણતાં હતાં, પણ એ ચૂપ રહ્યાં. પછી તેમણે કહ્યું કે ‘આવતી કાલે મારો છેલ્લો દિવસ છે.’  અને ઘણા વખતથી તેમના મનમાં ઘોળાતા કેટલાક સવાલના જવાબ મેળવવા માટે ગાંધીજીની મુલાકાત માગી. કહ્યું કે ‘હું ભારત વિશે એક પુસ્તક લખી રહી છું.’

‘કેટલા વખતથી પુસ્તકનું કામ ચાલે છે?’ ગાંધીજીએ પૂછ્‌યું.

‘બે વર્ષથી.’

‘અમેરિકન એક ચોપડી પર બે વર્ષ સુધી કામ કરે એ બહુ કહેવાય.’ ગાંધીજીએ મજાક કરી. પછી ગંભીરતાથી કહ્યું કે અગાઉ કૅથરિન મેયો નામનાં એક અમેરિકન બહેન તેમના પુસ્તક માટે ઇન્ટરવ્યુ લઇ ગયાં હતાં.

કૅથરિનના પુસ્તક ‘મધર ઇન્ડિયા’ પર ભારતમાં પસ્તાળ પડી હતી. ‘ગટર ઇન્સ્પેક્ટરનો રીપોર્ટ’ જેવું વિશેષણ પામેલું આ પુસ્તક અધકચરી હકીકતો અને જૂઠાણાંને કારણે માર્ગારેટ બૉર્ક-વ્હાઇટને પણ ઘણું નડ્યું હતું. તેમણે લખ્યું છે કે ‘લોકોને વાંચતાં પણ ન આવડતું હોય એવાં સ્થળે એ પુસ્તકની છાપ મને નડી હતી.’ ગાંધીજીએ માર્ગારેટ પાસેથી એ બોલાયેલા શબ્દોમાં તોડમરોડ નહીં કરે એનું વચન માગ્યા પછી મળવાનું કબૂલ્યું અને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ મુલાકાત ગોઠવાઇ. ‘હાફવે ટુ ફ્રીડમ - અ રીપોર્ટ ઑન ધ ન્યૂ ઇન્ડિયા ઇન ધ વર્ડ્‌ઝ એન્ડ ફોટોગ્રાફ્‌સ ઑફ માર્ગારેટ બૉર્ક-વ્હાઇટ’ / Halfway to Freedom - A Report On the New Indian In the Words and Photographs of Margaret Bourke-White (૧૯૪૯)માં ગાંધીજી સાથેની મુલાકાતનું વિગતવાર વર્ણન મળે છે.

તેમનો પહેલો જ સવાલ હતો, ‘ગાંધીજી, તમે હંમેશાં સવા સો વર્ષ જીવવાની વાત કરો છો. એ આશા તમને ક્યાંથી મળે છે?’

ગાંધીજીએ કહ્યું,‘મેં એ આશા છોડી દીધી છે. વિશ્વમાં એવા ભયંકર બનાવો બની રહ્યા છે. મારે અંધકાર અને પાગલપણાની વચ્ચે જીવવું નથી.’

વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો કાંતતા હતા. માર્ગારેટે બીજો સવાલ પૂછ્‌યો કે તેમના મતે સારો ‘ટ્રસ્ટી’ કોણ? ગાંધીજીનો જવાબ હતોઃ ‘જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોનું શબ્દો અને હાર્દથી પાલન કરે.’

‘કોઇ ભારતીય ઉદ્યોગપતિ એ પ્રમાણે વર્તે છે?’

‘મારી જાણમાં કોઇ નથી.’

માર્ગારેટે સવાલને વધારે અણીદાર બનાવતાં પૂછ્‌યું, ‘ધારો કે તમારી નજીકના વર્તુળમાંથી કોઇ કહે કે મારે ટ્રસ્ટી થવું છે, તો તમે એને શું કહેશો?’ તેમને બિરલાના દેખીતા વિરોધાભાસ અને ગાંધીજીની તેમની સાથેની નિકટતા સમજાતાં ન હતાં.

ગાંધીજીએ કહ્યું, ‘એના માટે દૂર જવાની જરૂર નથી. આ ઘરના માલિક (બિરલા) જ છે. એ ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. એ એકલા નથી. બીજા ઘણા છે, જેે મારા કહ્યા પ્રમાણે ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. હું આશા રાખું છું કે એ મને છેતરે નહીં.’

પછી હળવેકથી, ‘જાણે પોતાના મનનો લાંબા વખતથી ભીડાયેલો દરવાજો ખોલીને તેમાં ડોકિયું કરતા હોય એમ’ ગાંધીજીએ કહ્યું, ‘મને લાગશે કે બિરલા મને છેતરી રહ્યા છે, તો હું એમના ઘરમાં નહીં રહું. હું અહીં છું કારણ કે એ જે કહે છે તે હું માનું છું. હું એમને લાંબા સમયથી ઓળખું છું- (પછી વર્ષો ગણીને)- બત્રીસ વર્ષથી- અને હજુ એ મને છેતરવાના અપરાધી લાગ્યા નથી.’

બિરલાની ફેક્ટરીઓમાં કામદારોની અસંતોષકારક દશા જોઇ ચૂકેલાં માર્ગારેટને આ જવાબોથી પૂરો સંતોષ ન થયો. ગાંધીજી રહેતા હતા એ જગ્યાએથી થોડે દૂર આવેલી બિરલા ફેક્ટરીની મુલાકાત લઇને માર્ગારેટે એક અલગ પ્રકરણ લખ્યું હતું. ગાંધીજી એ કેમ જોઇ શકતા નહીં હોય? એવું તેમને થયું, પરંતુ માર્ગારેટે નોંઘ્યું છે કે ‘આંખ આડા કાન કરવાની વૃત્તિ ફક્ત ગાંધીજી પૂરતી સીમિત નથી. ઊચ્ચ આદર્શો ધરાવતા ઘણા ભારતીય નેતાઓમાં જોવા મળે છે અને પશ્ચિમી જગત પણ એનાથી પર નથી.’ અલબત્ત, દેખીતી વિસંગતી છતાં ગાંધીજીનું સત્ય માટેનું વળગણ વાસ્તવિક હતું, એવું પણ તેમણે લખ્યું. એ માટેની તેમણે તારવેલી સમજૂતી એવી હતી કે ગાંધીજી ફક્ત બિરલા કે તમામ ઉદ્યોગપતિઓનું નહીં, એ મશીનયુગ પહેલાંની ‘ઓલ્ડ ઑર્ડર’ (જૂની વ્યવસ્થા)નું રક્ષણ કરવા માગતા હતા. સમાજનું માળખું બદલવાની તેમની કોઇ મહત્ત્વાકાંક્ષા ન હતી. એ માણસના મનને બદલવા માગતા હતા. દરેક માણસના મનમાં રહેલી સદ્‌વૃત્તિને એ સ્પર્શવા માગતા હતા.’

ગાંધીજીએ કહ્યું, ‘આ સજ્જનો (ઉદ્યોગપતિઓ)માંથી થોડાને હું કહું કે તમારે તમારું સર્વસ્વ આપી દેવાનું છે, તો એમની ખરી કસોટી થાય. ત્યાર પછી મારી સેવાની મુદત પણ પૂરી થઇ જાય.’

‘એવું કેમ?’

‘કારણ કે એ લોકો કહેશે, ‘અમને ખબર નહીં કે અંદરથી એ (ગાંધીજી) સરમુખત્યાર, હિટલર હતા (જેમણે આવો આપખુદ હુકમ આપ્યો).’

મશીનો વિશેની ચર્ચામાં ગાંધીજીએ માર્ગારેટને કહ્યું હતું કે ભારત જેવા દેશની મોટી જનસંખ્યા માટે સ્વાવલંબન એ જ સુખનો રસ્તો છે. માર્ગારેટને સૌથી વધારે ઉત્સુકતા અણુબૉમ્બ વિશે ગાંધીજીનો અભિપ્રાય જાણવાની હતી.  બીજા વિશ્વયુદ્ધનો અંત અણુબોમ્બથી આવ્યો હોવાને કારણે, એ નવા સંહારક શસ્ત્રની ચકચાર શમી ન હતી. ગાંધીજીએ અગાઉ પ્રાર્થનાસભામાં કહી ગયા હતા, એ જ વાત માર્ગારેટને કરી, ‘હું અન્ડરગ્રાઉન્ડ આશ્રયમાં જતો રહેવાને બદલે ખુલ્લામાં ઊભો રહીશ, જેથી પાયલટ મને જોઇ શકે અને હું પ્રાર્થના કરતાં કરતાં અણુહુમલામાં મૃત્યુ વહોરીશ. પાયલટ જોશે કે મારા ચહેરા પર તેના માટે કશો ધીક્કાર નથી.’

પછી તરત ગાંધીજીએ કહ્યું, ‘મને ખબર છે કે એટલી ઊંચાઇથી પાયલટને અમારા ચહેરા દેખાય નહીં.પણ પાયલટ અમને નુકસાન નહીં કરે એવી અમારા હૃદયની ભાવના એના સુધી પહોંચશે અને એની આંખ ઉઘડશે. હિરોશીમામાં મૃત્યુ પામેલા હજારો લોકોમાં જો આ રીતે ખુલ્લામાં, હૃદયમાં પ્રાર્થના સાથે મૃત્યુ પામ્યા હોત, તો યુદ્ધનો આવો નામોશીભર્યો અંત ન આવ્યો હોત. અત્યારે તો વિજેતાઓ ખરેખર વિજેતા છે કે કેમ એ સવાલ છે...આ યુદ્ધ પછી વિશ્વ શાંતિમય નહીં, વધારે ખતરનાક થયું છે.’
Gandhi By Margaret Bourke-White

આ ચર્ચાના થોડા કલાક પછી, ગાંધીજીની હત્યા થઇ. અગાઉ ગાંધીજીના ઉપવાસને લીધે અમેરિકા જવાનું પાછું ઠેલનાર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે ફરી એક વાર, છેલ્લી વાર, તેમનું સ્વદેશગમન મોકૂફ રાખ્યું અને ગાંધીજીની અંતીમ યાત્રાની કેટલીક યાદગાર તસવીરો લીધી.

પુસ્તકના અંતીમ પ્રકરણનાં અંતીમ વાક્યોમાં માર્ગારેટે લખ્યું,‘ચિતાની જ્વાળા સમક્ષ રાત ગુજારતી વખતે મને એવું માનવું ગમે છે કે ત્યાં રહેલાં લાખો હૈયામાં એક નાનકડી જ્યોત જલતી હશે. બળજબરીથી નહીં, પણ આંતરિક પરિવર્તનથી એ લોકો સચ્ચાઇના રસ્તે ચાલશે, જે ગાંધીજી ઇચ્છતા હતા. સહનશીલતા અને એકતા માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ નીવડી શકે છે. તેમણે અંધકારમાં ઉજાસ પ્રગટાવવા માટે પોતાની જિંદગી આપી દીધી.’

વાસ્તવમાં, આઝાદ ભારત માર્ગારેટ બૉર્ક-વ્હાઇટના આશાવાદથી ગોડસેના મંદિર સુધીનો રસ્તો કાપી ચૂક્યું છે.

1 comment:

  1. ગુજરાતીમાં આવા વિષયોને બહુ ઓછા લોકો અડતાં હશે.. તમે ત્યાં લઈ જાઓ છો એ માટે આભાર. આવા ઓછા જાણીતાં મુદ્દાઓ પરનાં તમે લખેલા લેખોનું અને અન્યોએ (ગુજરાતી-અંગ્રેજીમાં) લખેલાં લેખોના સંકલનવાળું એક-એક પુસ્તક થાય એવી અપેક્ષા છે. ક્યારેક પૂરી થશે એવી અભિલાષા.

    ReplyDelete