Monday, February 23, 2015

પારકી ભૂમિ પર હક અને સ્વમાન માટેે અહિંસક જંગ લડનાર જયાબહેન દેસાઇ

ગુજરાતે-ભારતે જેમને યાદ કર્યાં નથી અને બ્રિટન જેમને ભૂલ્યું નથી એવાં, બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી હડતાળનાં ગુજરાતી નાયિકાની મોટા ભાગના ગુજરાતીઓ માટે અજાણી રહેલી કથા
Jayaben Desai / જયાબહેન દેસાઇઃ ટચૂકડું કદ, બુલંદ જુસ્સો 
ગુજરાતગૌરવ, ગુજરાતની અસ્મિતા, ગાંધીનું ગુજરાત- આ બધા શબ્દપ્રયોગો સરકારી કે બિનસરકારી રાહે છૂટથી ઉછળતા રહે છે. પરંતુ તેમની વ્યાખ્યા નીતાંત સરકારી અને સગવડીયા હોય છે. ‘ગુજરાતની અસ્મિતા’નાં વાવટા ફરકાવનારાને છેવટે તો એ વાવટામાંથી પોતાના વાઘા - કે સૂટ - સીવડાવવામાં જ રસ હોય છે. આ માનસિકતાને  કારણે સમાજમાં રોલમૉડેલ - ચોક્કસ બાબતમાં પ્રેરણા આપી શકે એવાં વ્યક્તિત્વો-ની તીવ્ર ખોટ પડે છે. એ ખાલી જગ્યામાં કંઇક બાવા-બાવીઓ-કથાકારો ને ચલતા પૂર્જાઓ ગોઠવાઇ જાય છે. જે સમાજમાં ગરોળીનું કદ ધરાવતાં વ્યક્તિત્વો ડાયનોસોર બનીને ઝળુંબતાં હોય, તેની દયા ખાવા સિવાય બીજું શું થઇ શકે?

વિદેશમાં વસતા ગુજરાતીઓના નામના રાસડા લેવાની સંસ્કૃતિ છેલ્લા થોડા વખતમાં ઠીક ઠીક ફૂલીફાલી છે, પરંતુ હરામ છે જો તેમાં ક્યાંય બ્રિટનનાં જયાબહેન દેસાઇનું નામ સાંભળવા મળ્યું હોય. બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી (૬૯૦ દિવસની) હડતાળનાં ગુજરાતી- અને તે પણ સાડીધારી- સૂત્રધાર તરીતે જયાબહેન દેસાઇનું નામ બ્રિટનમાં ભારે આદરથી લેવાય છે. ઇન્ટરનેટ પર તેમના વિશેનાં અઢળક લખાણ અને તેમના ઇન્ટરવ્યુની વિડીયો પણ જોવા મળે છે. થોડા વખત પહેલાં બ્રિટનના કામદારોના સંઘર્ષ અને તેમના દસ્તાવેજીકરણના ભાગરૂપે ‘યુનિવર્સિટી ઑફ લીડ્‌ઝ’ દ્વારા દક્ષિણ એશિયાની બે મહિલાઓની લડત વિશે ચિત્રવાર્તા પ્રકાશિત થઇ. તેમાં એક નામ જયાબહેન દેસાઇનું હતું.
Striking Women/ Jaya Desai/જયાબહેન દેસાઇ
(courtesy : Vipool Kalyani / વિપુલ કલ્યાણી)

સુરત જિલ્લાનાં જયાબહેન પતિ સૂર્યકાંત દેસાઇ સાથે ટાન્ઝાનિયા છોડીને બ્રિટન પહોંચ્યાં, ત્યારે સામે સુખને બદલે સંઘર્ષ મોં ફાડીને ઊભો હતો. ટાન્ઝાનિયામાં ફેક્ટરીમાલિક પતિનાં ગૃહિણી તરીકે જીવતાં જયાબહેનને ૧૯૭૦ના દાયકાના બ્રિટનના ભેદભાવભર્યા માહોલમાં પરચૂરણ કામ કરવાનો વારો આવ્યો. પરંતુ ‘ગ્રુનવિક/ Grunwick ફિલ્મ  પ્રોસેસિંગ લેબોરેટરી’માં તેમની નોકરી ઐતિહાસિક બની રહેવાની હતી.  આ કંપનીનું કામ એવું હતું કે ગ્રાહકો ટપાલથી તેને કેમેરાના રોલ મોકલે. તેને ડેવલપ કરીને, તેની પ્રિન્ટ કાઢીને કંપની તેમને પાછા મોકલી આપે. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના સભ્ય જૉન વૉર્ડની માલિકીની આ કંપનીમાં ભારતીય કામદારોને અંગ્રેજ કામદારો કરતાં - અને સરકારી દર કરતાં- ત્રીજા ભાગનું વેતન મળે. કામ મેળવવાની તેમની ગરજનો પૂરો ગેરફાયદો ઉઠાવવામાં આવે અને મેનેજમેન્ટની જોહુકમીનો પાર નહીં.

‘ગ્રુનવિક’ના ૪૦૦ કામદારોમાંથી ૮૦ ટકા ભારતીય મૂળના હતા. પરંતુ શોષણ સામે અવાજ ઉઠાવવાને બદલે તેને તાબે થઇ જવાનો ભારતીયોનો સ્વભાવ અંગ્રેજ માલિકોને બહુ અનુકૂળ આવી ગયો હતો. ૧૯૭૬ના ઉનાળામાં ‘ગ્રુનવિક’માં માહોલ બદલાયો. કંપનીનું એરકન્ડિશનિંગ મશીન બંધ પડ્યું હતું ને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહીં. એ વર્ષે દેવશી ભુડિયા નામના ગુજરાતી કર્મચારીને ‘કામમાં ઢીલાશ’ના આરોપસર અપમાન કરીને કાઢી મુકવામાં આવ્યા. તેમની સાથે થયેલા વર્તનના વિરોધમાં બીજા ત્રણ ગુજરાતીઓ પણ કામ છોડીને નીકળી ગયા.

ઑગસ્ટ ૨૦, ૧૯૭૬નો એ દિવસ હતો. ફેક્ટરીનો સમય સાંજે પાંચ વાગ્યે પૂરો થાય. તેના બે કલાક પછી જયાબહેન દેસાઇ ઘરે જવા નીકળ્યાં, ત્યારે ગોરા મેનેજરનું તેમની પર ઘ્યાન પડ્યું. એટલે તેમણે ગુસ્સાથી કહ્યું, ‘અમારી રજા વગર તારું કામ પૂરું થઇ ગયું, એવું તે કેમ માની લીઘું? તને પણ આ ફેક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.’

પરાયા દેશમાં, કામની સખત જરૂર અને વિદ્રોહ માટે પ્રતિકૂળ વાતાવરણ છતાં, જયાબહેન દેસાઇ આ અપમાન સહન કરી શક્યાં નહીં. માંડ ચાર ફીટ દસ ઇંચ ઊંચાઇને કારણે, ટચૂકડા કદનાં લાગતાં જયાબહેને ગોરા ઉપરીને આપેલો જવાબ બ્રિટનની કામદાર ચળવળના ઇતિહાસમાં સૌથી યાદગાર બની ચૂક્યો છે. તેમણે સંભળાવી દીઘું,  "What you are running here is not a factory, it is a zoo. But in a zoo there are many types of animals. Some are monkeys who dance on your fingertips, others are lions who can bite your head off. We are the lions, Mr. Manager." (તમે આ ફેક્ટરી નહીં, પણ પ્રાણીસંગ્રહાલય ચલાવો છો. તેમમાં અનેક જાતનાં પ્રાણી છે. કેટલાંક તમારી આંગળીના ઇશારે નાચનારાં બંદર છે, ને તમને ફાડી ખાય એવા સિંહ પણ છે. અમે એવાં સિંહ છીએ, મિસ્ટર મેનેજર) આ વાક્યો બ્રિટનનાં તમામ પ્રસાર માઘ્યમોમાં અનેક વાર લખાયાં-બોલાયાં અને અમર થઇ ગયાં છે. ઇન્ટરનેટ પર ‘જયાબહેન દેસાઇ’ના નામે સર્ચ કરતાં આ વાક્યો અચૂક મળી આવશે.
jayaben desai / જયાબહેન દેસાઇ 
બીજા દિવસથી જયાબહેને ગ્રુનવિક ફેક્ટરીની બહાર પિકેટિંગની શરૂઆત કરી. ઉદારમતવાદી ધોળા લોકોના સહયોગ અને સલાહથી તે એક યુનિઅનનાં સભ્ય બન્યાં અને તેમની ઝુંબેશે જોર પકડ્યું.  ફેક્ટરીમાં કામ કરનારી ૧૩૬ બહેનો તેમની સાથે જોડાઇ. એ સૌ સૂત્રો લખેલાં પાટિયાં સાથે, જયાબહેનની આગેવાની હેઠળ, ફેક્ટરીની બહાર ઊભાં રહીને વિરોધ પ્રદર્શન કરે. લંડનની અન્ડરગ્રાઉન્ડ રેલવેનાં સ્ટેશનો પર જઇને પ્રવાસીઓમાં ચોપાનિયાં વહેંચે. જે બ્રિટનમાં ‘ગ્રુનવિક’ના ઉપરી જેવા ગોરાઓ હતા, એ જ બ્રિટનમાં આ હડતાળને વધાવી લેનારા ગોરા પણ હતા. દેશનાં પ્રસાર માઘ્યમોને શરૂઆતમાં સાડી પહેરેલી મહિલાઓનું આવું સાહસ જોઇને કૌતુક થતું. પછી માન થયું. ‘Strikers In Saree’ (સાડીધારી હડતાળિયાં) તરીકે તેમના અહેવાલો છપાવા લાગ્યા. ‘ગ્રુનવિક’માં ટપાલ પહોંચાડતી એક પોસ્ટ ઑફિસના ગોરા કર્મચારીઓએ પણ જયાબહેનનો પક્ષ લીધો અને કંપનીમાં ટપાલ પહોંચાડવાનો ઇન્કાર કરીને હડતાળને ટેકો આપ્યો. તેમની સામે કંપની કૉર્ટમાં ગઇ અને ટપાલ કર્મચારીઓની હડતાળને ગેરકાયદે ઠરાવતો હુકમ લઇ આવી. પરંતુ ત્યાં સુધી મામલો ગ્રુનવિકનો મટીને રાષ્ટ્રિય બની ચૂક્યો હતો.

દેશભરમાંથી હડતાળને ટેકો આપવા આવતાં લોકો સમક્ષ જયાબહેન તેમને ફાવે એવા અંગ્રેજીમાં કહેતાં હતાં, ‘અમારી લડત પગારવધારા માટે નહીં, પણ આત્મસન્માન માટેની છે.’ હડતાળને તોડવા માટે કંપનીએ વધારે પગારે ગોરા કામદારોને તેમના ઘરે બસ મોકલીને તેડાવ્યા. પરંતુ બસ ફેક્ટરીની બહાર પહોંચી ત્યારે જયાબહેન અને તેમનાં સાથીદારો હાથમાં ‘SCAB’ લખેલાં પાટિયાં લઇને ઊભાં હતાં. (‘સ્કેબ’ અપમાનસૂચક શબ્દ છે, જે હડતાળમાં ન જોડાનાર કે હડતાળ પર ઉતરેલા લોકોની જગ્યાએ કામ કરનાર માટે વપરાય છે.) જયાબહેન અને સાથીદારોના ઘેરાને કારણે એક પણ કામદાર બસની બહાર ઉતરી શક્યો નહીં અને બસ પાછી ગઇ.

૬૯૦ દિવસ સુધી ચાલેલી આ હડતાળમાં દેશનાં બીજાં કેટલાંક યુનિઅન જોડાયાં, રાજકારણ પણ ભળ્યું ને સમાધાન માટે તપાસસમિતિ નીમાઇ. બ્રિટનમાં રહીને આ હડતાળનો અને તેમાં જયાબહેન દેસાઇની ભૂમિકાનો વિગતે અભ્યાસ કરનાર તથા તેના વિશે છ માસિક ‘સાર્થક જલસો’ના ઑક્ટોબર, ૨૦૧૩ના અંકમાં લખનાર કૅપ્ટન નરેન્દ્ર (http://captnarendra.blogspot.in) ના શબ્દોમાં ‘જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય, તો તેનો અંજામ કટુ જ નીવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ પક્ષો લઇને પોતાનો રાજકીય સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર યોદ્ધાઓની છે એવું કહીને પક્ષો હટી જાય છે.’ જયાબહેનની લડતમાં ડાબેરી રાજકારણીઓ થોડો સમય સાથે રહ્યા, પણ દેશમાં માર્ગારેટ થેચરના રૂઢિચુસ્ત પક્ષનો પ્રભાવ જોયા પછી એ લડતમાંથી ખસી ગયા. છેવટે લડત અનિર્ણિત રહી અને પાછી ખેંચાઇ. પરંતુ તેમાં જયાબહેનની કામગીરી એળે ગઇ ન હતી. દેશમાં કામદારોના શોષણ અને તેની સામે એક ભારતીય મહિલાએ ઉઠાવેલા અવાજની કથાઓ પ્રચલિત બની, બહારથી આવનારા કામદારો પ્રત્યેના અભિગમમાં થોડો બદલાવ આવ્યો અને રંગદ્વેષી હોવા છતાં પોતાની જાતને ન્યાયના ઠેકેદાર ગણનારા ગોરાઓને નીચાજોણું થયું.
જયાબહેન દેસાઇ / Jayaben Desai

લડત પછી પણ જયાબહેનનું નામ અને કામ બ્રિટનમાં જાણીતાં રહ્યાં. ડિસેમ્બર ૨૩, ૨૦૧૦ના રોજ જયાબહેનનું અવસાન થયું ત્યારે બ્રિટનનાં પ્રમુખ અખબારોમાં તેમને ભવ્ય અંજલિ આપતાં લખાણ પ્રગટ થયાં, પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’ કે ‘ગુજરાતગૌરવ’ની યાદીમાં જયાબહેનનો કદી સમાવેશ થયો નહીં. જયાબહેનને એની જરૂર ન હતી અને ગુજરાતના બોલકા વર્ગને સ્વતંત્રમિજાજી અને કામદારોના હક માટે લડનારાં ‘ગૌરવ’ની જાણ કે ખપ કે બન્ને ન હતાં. 

No comments:

Post a Comment