Friday, October 30, 2009

દિવાળી પછી કામના પહેલા દિવસે

અષાઢસ્ય પ્રથમ દિવસે, ઘેરાયેલાં વાદળો જોઇને વિરહી યક્ષના હૈયામાં થઇ હશે, એવી જ ઉથલપાથલ વેકેશન પછીના ઉઘડતા (પહેલા) દિવસે અનેક લોકોના મનમાં થાય છે. ખોટ હોય તો એ લાગણીને મહાકાવ્ય સ્વરૂપે ઢાળનાર કાલિદાસની.

‘ડોન ઝખ્મી હૈ તો ક્યા હુઆ, ડોન આખિર ડોન હૈ’ એવા ડોન-ન્યાયે, વેકેશન લાંબું હોય કે ટૂંકું, વેકેશન આખરે વેકેશન હોય છે- એ પછી વિદ્યાર્થી અવસ્થામાં આવતું દોઢ મહિનાનું હોય કે નોકરિયાત અવસ્થામાં આવતી બે-ચાર દિવસની રજાઓનું. લાંબાટૂંકા વેકેશનની મઝા ઓછીવત્તી હોઇ શકે, પણ એ પૂરૂં થયા પછી કામે ચડવાનો દિવસ આવે ત્યારે એકસરખી કીડીઓ ચડે છે.

‘મોડાં ઉઠશું, મોડાં જમશું, કાલે કરશું સારાં કામ’ એ વેકેશન દરમિયાન મોટા ભાગના લોકોનો જીવનમંત્ર હોય છે. રોજ જે સમયે માણસ કર્મચારી બની જાય, એ સમયે વેકેશનમાં તેનો માણસ અવતાર ચાલતો હોય છે. સવારે આઠ-નવ વાગ્યે પથારીમાં પડી રહેલા માણસનાં નસકોરાંના અવાજમાંથી પણ જાણે ‘ઘરેડ... ભાંગ...ઘરેડ...ભાંગ’ એવો ઘ્વનિ સંભળાય છે. સરકારી આયોજનોમાં પાંચમી યોજનામાં ધારેલાં કામનાં છઠ્ઠી યોજનામાં ઠેકાણાં ન હોય, એવું વેકેશનમાં થાય છે. રોજના પરવારવાના સમયે માણસ ઉઠેલો પણ હોતો નથી અને રોજના ઓફિસમાં પહોંચીને ચા પીવાના સમયે વેકેશનમાં ઘરની ચાનું ઠેકાણું હોતું નથી. આખા સમયપત્રક પર જાણે ‘વેકેશન હોવાથી રદ’નો મોટો, લંબચોરસ લાલ રંગનો સિક્કો મારીને તેને વાંધાજનક દસ્તાવેજો સાથે ફાઇલ કરી દીઘું હોય એવો માહોલ સર્જાય છે.

દિવાળીના વેકેશનમાં સમયપત્રક ખોરવી નાખવાનું ઘણાને ખટકે છે. ‘સપરમા દહાડે અઘોરીની જેમ પડી રહેવાતું હશે? ઉઠો, સાત વાગી ગયા’ એવાં પ્રેરક વચનોથી દિવાળીના તહેવારોમાં વેકેશનગ્રસ્ત સભ્યોને ઉઠાડવાના પ્રયાસ થાય છે, પણ સૂતેલાંને જગાડવાનું કામ કેટલું અઘરૂં છે એ સૌ જાણે છે. તેમાં જગાડનાર સૂઇ જાય એવી પૂરી શક્યતાઓ રહે છે. ‘દિવાળીના દિવસોમાં એક વાર તૈયાર થઇને બેસી જાવ. પછી તમારે જે કરવું હોય તે કરજો.’ એવી આભાસી લાલચ ઘરનો મહિલાવર્ગ આપે છે, પણ અનુભવીઓ જાણે છે કે સૌથી મોટું અને મુખ્ય કામ પથારીમાંથી ઉઠવાથી તૈયાર થવા સુધીનું જ હોય છે. એમાં વિલંબ થાય તો જ વેકેશન જેવું લાગે. બાકી, આઠ વાગ્યામાં પરવારી ગયા પછી ‘જે કરવું હોય તે’માં બાકી શું રહે?

ઘણા ખરા નોકરિયાતો માટે ‘દિવાળી છે માટે રજા છે’ એમ નહીં, પણ ‘રજા છે એટલે દિવાળી છે’ એ વાક્ય વધારે સાચું હોય છે. કાલિદાસે ભલે ભારતીયોને ઉત્સવપ્રિય ગણાવ્યા હોય, પણ સરેરાશ ભારતીય નોકરિયાતો ઉત્સવપ્રિય કરતાં રજાપ્રિય વધારે હોય છે. તેમના માટે દરેક રજા ઉત્સવ હોય છે ને રજા ન હોય એવો કોઇ ઉત્સવ તેમનામાં ઉલ્લાસ પેદા કરી શકતો નથી.

દિવાળીનો ઉત્સવ અને તેનું વેકેશન બીજી રજાઓ કરતાં કેટલીક બાબતોમાં જુદાં પડે છે. કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મની જેમ દિવાળી માટે ‘આવે છે...આવે છે...ટૂંક સમયમાં આવે છે’નો પ્રચાર બહુ વહેલો શરૂ થઇ જાય છે. કેટલાક ઉત્સાહીઓ નવા વર્ષે નવું કેલેન્ડર (કે નવો દટ્ટો) લાવે ત્યારે સૌથી પહેલાં આવતા વર્ષે દિવાળી ક્યારે- કયા વારે છે એ જોઇ લે છે. દિવાળી આડે પહેલાં મહિના, પછી અઠવાડિયાં અને છેવટે દિવસો ગણાય છે. બીજી ચીજોની સાથે ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’, ‘બજારમાં ગઇ સાલ જેવો માહોલ લાગતો નથી’ એ પ્રકારના સંવાદો પણ મનના માળીયામાંથી ઘૂળ ખંખેરીને કાઢવામાં આવે છે. વી.આઇ.પી.ની ગાડી પહેલાં આવતી પાયલોટ કારની જેમ દિવાળી પહેલાં નવરાત્રિ આવે છે અને દિવાળીના આગમન વિશે સૌને ઢંઢોળી મૂકે છે. શરદપૂનમથી જાણે દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે અને દિવાળી પહેલાંની અગિયારસથી વેકેશનોત્સુક હૈયાંને થાય છે,‘બસ, હવે બે-ચાર દિવસ કામ કર્યું- ન કર્યું ને પછી વેકેશન.’

ઉર્દુ શાયરીમાં ‘વસ્લકી રાત’ (મિલનની રાત)ની જે સ્થિતિ હોય છે, એવું જ કંઇક મોટા ભાગના લોકોને દિવાળીની બાબતમાં લાગે છેઃ ‘દિન ગિને જાતે થે જીસ દિન કે લિયે’ એ દિવસો આટલા ટૂંકા! આટલા ઓછા! બે-ત્રણ દિવસની રજા હોય એવા લોકોને તો ‘વેકેશન’ શબ્દ વાપરવામાં પણ સંકોચ થાય છે. એમને દિવાળી વરસાદની શક્યતા ધરાવતાં પણ વરસ્યા વગર જતાં રહેલાં વાદળો જેવી લાગે છે- ‘આવે છે...આવે છે..’ વાળી મલ્ટીસ્ટાર ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધી પડે ત્યારે તે ક્યારે આવીને ક્યારે જતી રહી એની ખબર પડતી નથી. દિવાળીની રજાઓ માટે પણ એવું બની શકે છે. દિવાળીમાં ફક્ત બે દિવસની રજા હોય તો ‘દો આરઝૂમેં કટ ગયે, દો ઈંતઝારમેં’ની જેમ, એક દિવસ આગલા દિવસોનો ભાર ઉતારવામાં જતો રહે છે અને બીજો દિવસ આવનારા કામના દિવસોના માનસિક ભાર તળે વીતે છે. એમ કરતાં નવા વર્ષમાં પહેલી વાર ઓફિસે જવાની ઘડી આવી પહોંચે છે.

દિવાળીમાં લાંબી રજા ભોગવનારા અને સુખી થવાની ક્ષમતા ધરાવતા લોકો લગભગ ભૂલી ગયા હોય છે કે એ ક્યાંક નોકરી કરે છે. રજાઓ પૂરી થવા આવે એટલે તેમને ફરી યાદ આવે છે અને ‘ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ’ જેવી પણ તેનાથી સાવ અવળી લાગણી (ફરી એ જ સવાર, એ જ બોસ, એ જ કકળાટ) તેમને ઘેરી વળે છે. ‘લીટી ભેગો લસરકો’ કરવાની- આટલી રજાઓ ભેગી એક વઘુ રજા ખેંચી કાઢવાની- તેમને ઇચ્છા થાય છે, પણ ઘરમાંથી કોઇ અને કોઇ ન મળે તો તે જાતે શ્રીકૃષ્ણની ભૂમિકા ધારણ કરે છે અને ‘ઉઠ, જાગ અને કામધંધે જા. એ તારો ધર્મ છે અને તેમાં તારૂં શ્રેય છે’ એવો ઉપદેશ પ્રસારિત કરે છે.

આખરે એ દિવસ આવી પહોંચે છે, જ્યારે અગાઉથી વિવિધ યુક્તિપ્રયુક્તિઓ દ્વારા તૈયાર કરેલું મન કામે ચડવા માંડ તૈયાર થાય છે. સવારે વહેલા ઉઠ્યા પછી રણમેદાને ચડતા યોદ્ધાની અદાથી અને ‘પાછો આવું કે ન પણ આવું’ની ગંભીરતા સાથે ચા-પાણીનો કાર્યક્રમ ચાલે છે. નોકરીએ જવા માટે સ્નાન કરતી વખતે આખા વેકેશનના નામનું નાહી નાખ્યું હોય એટલો શોક થાય છે. વેકેશન પછીના પહેલા દિવસે સફેદ કે કાળાં વસ્ત્રો પહેરીને ઓફિસે જવાની ઇચ્છા થાય છે, પણ વ્યવહારની બીકે એ વિચાર માંડવાળ કરવો પડે છે. બસમાં ઓફિસે જવાનું હોય અને થોડા વખત સુધી બસ ન આવે તો ‘આજે બધી બસો બગડી ગઇ હશે? બસસર્વિસ બંધ હશે? કોઇ વીવીઆઇપીનું મૃત્યુ થયું હશે? રજા પડી ગઇ હશે? હું ઘેર જતો રહું?’ એવા પ્રશ્નો હારમાળા સ્વરૂપે મનમાં જાગે છે. વાહન લઇને ઓફિસે જતા લોકો, વાહન ચાલુ થવામાં થોડી પણ વાર લગાડે એટલે વિચારે છે,‘વાહનની ઇચ્છા લાગતી નથી. પાડી દઊં રજા?’ કોઇ બળ તેમને ઘર તરફ ખેંચતું હોય એવું લાગે છે, પણ અદૃશ્ય હાથ જાણે પાછળથી ધક્કા મારીને ઓફિસ તરફ મોકલે છે.

એ નાજુક છતાં બળવાન હાથ લક્ષ્મીના હોય છે અને ખિસ્સામાંથી નીકળીને પેટ સુધી પહોંચે છે.

Wednesday, October 28, 2009

શબ્દકોશમાં ન હોય એવા પ્રચલિત ‘ગુજરાતી’ શબ્દોનો ઇ-સંગ્રહઃ લોકકોશ

Lokkosh team with Ashok Karania (standing extreme right)(sitting L to R) Pradip Khandwalla, Ratilal Chandaraya, Nita Shah

Ratilal Chandaraya / રતિલાલ ચંદરયા

અંગ્રેજી વિશ્વભાષા બની તેનું રહસ્ય શું છે? વિશ્વભરમાં પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્ય ઉપરાંત અંગ્રેજી ભાષાનું ખુલ્લાપણું તેની સૌથી મોટી તાકાત છે. એક અંદાજ પ્રમાણે, દર ૯૮ મિનીટે અંગ્રેજી ભાષામાં એક નવો શબ્દ ઉમેરાય છે, જે મોટે ભાગે અંગ્રેજી નથી હોતો. દર ૯૮ મિનીટને બદલે ૧૯૮ કે ૨૯૮ મિનીટે નવો શબ્દ ઉમેરાતો હોય તો પણ મૂળ મુદ્દામાં કશો ફરક નથી પડતો. એ મુદ્દો છે પરિવર્તનશીલતા અને ગતિશીલતાનો. ગુજરાતી ભાષા એ બાબતમાં ઘણી પાછળ રહી છે.

ગાંધીજીપ્રેરિત સાર્થ જોડણીકોશ પહેલી વાર ૧૯૨૯માં બન્યો. ત્યાર પછી છેક સમય સાથે ઉમેરા કરવામાં તે ઘણો પાછો અને કાચો પુરવાર થયો છે. ગુજરાતનાં ઈંગ્લીશ ડિક્શનેરી વાપરતાં કેટલાં ઘરમાં સાર્થ જોડણીકોશ વાપરવાના રિવાજ હશે એ તો વળી જુદો જ મુદ્દો છે. આ સ્થિતિમાં, ભાષાના વહેતા પ્રવાહને શબ્દકોશના સ્વરૂપે નોંધવા અને હાલના શબ્દકોશમાં ન હોય છતાં બોલચાલમાં કે લખવામાં વપરાતા હોય એવા શબ્દોને સંગ્રહિત કરવા માટે ‘લોકકોશ’નો વિચાર કરવામાં આવ્યો.

ઇન્ટરનેટ પર ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, જોડણીકોશ અને ભગવદ્ગોમંડલ શબ્દકોશ જેવાં ભગીરથ કામ પાર પાડી ચૂકેલા ૮૮ વર્ષના રતિલાલ ચંદરયા અને અશોક કરણીયાની આગેવાની હેઠળ તેમની ટીમે એક મહિનામાં આ કોશનું માળખું ઇન્ટરનેટ પર મૂકી દીઘું છે. આજે તે વેબસાઇટનું વિધિવત્ રતિકાકા, પ્રદીપ ખાંડવાલા, નીતાબહેન શાહ, અશોક કરણીયા અને તેમની ટીમની હાજરીમાં વિધિવત્ લોન્ચિંગ થયું.

અશોક કરણીયાએ તેમના મુદ્દાસરના પ્રેઝન્ટેશનમાં લોકકોશને વિકીપીડિયા, યુટ્યુબ જેવા એક ઓપન પ્લેટફોર્મ તરીકે ઓળખાવ્યો. કારણ કે તેમાં લોકો દ્વારા બોલાતા શબ્દો, લોકો પોતે મોકલી શકશે. ‘લોકો દ્વારા, લોકો માટે, લોકોના’ આ કોશમાં નવો શબ્દ ઉમેરવાની સાથે, તે મોકલનારનું નામ પણ સાથે મૂકવામાં આવશે. લોકો દ્વારા મોકલવામાં આવેલો દરેક શબ્દ કોશમાં સામેલ કરતાં પહેલાં નિષ્ણાતોની એક સમિતિ એ શબ્દ અને તેના પ્રયોગોના ઔચિત્ય વિશે નિર્ણય લેશે.

રતિકાકાએ તેમના પ્રવચનમાં કહ્યું તેમ, ‘સાક્ષરો આવા શબ્દો ઉમેરીને પોતાની ચોપડી બગાડવા તૈયાર નથી.’ એટલે લોકકોશમાં સામેલગીરી માટેના માપદંડો ઉન્નતભ્રુ નહીં હોય. રતિકાકાએ પોતાના પ્રવચનમાં જ્યારે ઠેકઠેકાણથી જાકારો મળતો હતો ત્યારે પહેલી વાર પ્રોત્સાહન આપવા બદલ નીતાબહેન શાહનો આભાર માન્યો, ગુજરાતી લેક્સિકોન વાપરનારાની સંખ્યા ૩૫ લાખ સુધી પહોંચી તેનો સંતોષ વ્યક્ત કર્યો અને (એમના શબ્દોમાં) ‘ફૂલીને ફાળકો થવાને બદલે’, આખા પ્રોજેક્ટ પર કામ કરનાર અશોક કરણીયા અને પાંચ યુવતીઓની બનેલી તેમની ટીમને પોતાની સાથે બોલાવીને બિરદાવી.

Ratikaka with Karania Jr.- symbol of GenNext Gujarati--
for whom he has envisaged Lokosh; Mrs. Karania looks on

પ્રદીપ ખાંડવાલાએ મેનેજમેન્ટના દૃષ્ટિબિંદુથી વાત માંડતાં કહ્યું કે શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં અડધોઅડધ જેટલું ઓછું છે. આ ઘટ મુખ્યત્વે આઘુનિક અને પ્રોફેશનલ ક્ષેત્રોના શબ્દોની છે. જો એ ખોટ સરભર થાય તો ગુજરાતી છોડીને અંગ્રેજી તરફ વળી ગયેલો લોકોનો પ્રવાહ ફરી ગુજરાતી તરફ વળી શકે. કારણ કે ગુજરાતીમાં તેમને એ બધું મળી રહે, જે અત્યારે ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. યુરોપના દેશોએ પોતાની સ્થાનિક ભાષાઓ છોડ્યા વિના, તેમાં નવા જમાનાના અંગ્રેજી શબ્દો ઉમેરીને ભાષાઓને વઘુ સમૃદ્ધ અને વઘુ અદ્યતન બનાવી છે. ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશનના જમાનામાં લોકકોશ ગુજરાતીને સમૃદ્ધ કરે, તો ગુજરાતની પ્રગતિમાં તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે એવું પ્રદીપભાઇએ કહ્યું.

વક્તવ્ય પૂરૂં કરતાં તેમણે અંગ્રેજી કોશકાર સેમ્યુઅલ જોન્સનને યાદ કર્યા અને કહ્યું કે શબ્દકોશના કામમાં ગળાડૂબ રહેતા જોન્સનને સ્નાન કરવાનો પણ સમય મળતો ન હતો. છતાં, તેમનો દરજ્જો એવો હતો કે લોકો તેમની ‘સુવાસ’ નિભાવી લેતા હતા. એક વાર પાર્ટીમાં તેમની બાજુમાં કોઇ ડચેસ બેઠાં હતાં. પંદર-વીસ મિનીટ સુધી વાસ સહન કર્યા પછી ડચેસથી ન રહેવાતાં તેમણે કહ્યું,‘સર, યુ સ્મેલ.’ શબ્દકોશકાર જોન્સને તરત જવાબ આપ્યો,‘યુ સ્મેલ, મેડમ. આઇ સ્ટીન્ક.’ (વાસ તમારામાંથી આવે છે. હું તો ગંધાઊં છું) પ્રદીપભાઇએ હળવાશથી અશોકભાઇને કહ્યું કે જોન્સન જેવી સ્થિતિ થાય એટલા વ્યસ્ત ન થઇ જશો.

લોકકોશના કામની એક વિશિષ્ટતા એ છે કે તેની ટીમમાં પાંચેપાંચ યુવતીઓ છે. રતિકાકાએ કહ્યું તેમ, ફક્ત ‘નોકરી’ કરનારાથી આ કામ થાય એવું નથી. કાર્યક્રમ પૂરો થયા પછીની વાતચીતમાં પાંચે જણે સારા કામનું શ્રેય ટીમ વર્ક અને એકબીજા સાથેના સરસ ટ્યુનિંગ (મનમેળ)ને આપ્યું.

લોકકોશ વિશે વિસ્તૃત વર્ણન લખવાને બદલે, તેની સાઇટ પર જઇને જોવામાં વધારે મઝા છે. કોશ પર શરૂઆત પૂરતા ૫૧ શબ્દો મૂકવામાં આવ્યા છે. તેમાં આ બ્લોગના ‘શબ્દાર્થપ્રકાશ’ વિભાગમાંથી પ્રકાશ ન. શાહ દ્વારા વપરાયેલા અવનવા શબ્દો પણ છે.

લોકકોશની આખી ટીમને અભિનંદન.

Monday, October 26, 2009

આંખે ડાબલા ઉર્ફે Blinkered vision

અંગ્રેજીમાં બ્લીન્કર્સ અને ગુજરાતીમાં ડાબલા તરીકે ઓળખાતી ચીજ હવે મોટે ભાગે બોલચાલમાં અને લખવામાં જ રહી ગઇ છે. એટલે ડાબલા ખરેખર કેવા હોય અને ડાબલા પહેરવાથી દૃષ્ટિ શબ્દાર્થમાં કેવી રીતે મર્યાદિત થઇ જાય, તેનો કદાચ ઘણાને ખ્યાલ ન હોય અથવા એ જોયાને બહુ વખત થઇ ગયો હોય એવું બને. હમણાં ડાકોર જવાનું થયું, ત્યારે ઘણા વખતે ડાબલા જોયા. ડાકોરમાં બસ સ્ટેશન પાસે હજુ એક ઘોડાગાડી ચાલે છે. તેના ડાબલાધારી ઘોડાની આ તસવીરો

Saturday, October 24, 2009

અંધશ્રદ્ધાના અન્નકુટ

ધર્મસ્થાનોમાં થતા સંપત્તિના દેખાડા બહુ વરવા લાગે છે. દિવાળી પછી બેસતા વર્ષે મંદિરોમાં થતા અન્નકુટ એવો જ એક કાર્યક્રમ છે. ભૂખમરાથી પીડાતા દેશમાં ‘ભગવાન’ સમક્ષ છપ્પન, ચોંસઠ કે વધારે પકવાનોના ભોગ ધરવામાં આવે એ દૃશ્ય આંખની કીકી તો સ્વીકારી લે છે, પણ મન તેને ખચકાટ વિના સ્વીકારી શકતું નથી, મંદિરો ધર્માદા પ્રવૃત્તિઓ ચલાવતાં હોય તો પણ એટલા કારણથી તેમને સંપત્તિનો દેખાડો કે બગાડ કરવાનું લાયસન્સ મળી જતું નથી. કેમ કે, એમાં મોટે ભાગે ‘એરણની ચોરી ને સોયનું દાન’ જેવો હિસાબ હોય છે. જેમ માણસ ધનિક તેમ તે મોટો ભક્ત ગણાય. જેમ ભક્ત મોટો, તેમ મંદિર મોટું ને એ ભગવાન પણ મોટા- વી.આઇ.પી. આ પોસ્ટ સાથે સંબંધ નથી એવી એક આડવાત તરીકે, મંદિરોના રાષ્ટ્રિયકરણનો વિચાર પણ આવી જાય છે. ધર્મસ્થાનોની સંપત્તિ અને તેમનાં સંસાધનો જરૂરતમંદો માટે વપરાય તો એકેય એજન્સીની કે ફોરેન ફંડની જરૂર ન પડે.

પણ વાત દિવાળી પછીના અન્નકુટની હતી. મહેમદાવાદમાં મારા ઘરથી સાવ નજીક, ‘બેંક રોડ’ તરીકે ઓળખાતા મુખ્ય રસ્તા પર શોપિંગ કોમ્પ્લેક્સની બહાર એક દીવાલ છે. બિપીનભાઇ (શ્રોફ)ની ખાતરની દુકાન હતી, તેની બરાબર સામે. એ દીવાલ પર એક ‘મંદિર’ થોડાં વર્ષ પહેલાં ઉભું કરી દેવામાં આવ્યું છે. આડા દિવસે ત્યાં થોડી ચુંદડીઓ, ગોખલા અને માતાજીની ટાઇલ્સ-પોસ્ટર તસવીરો સિવાય ભાગ્યે જ કંઇ જોવા મળે. પણ આ બેસતા વર્ષે જોયું તો રસ્તા પરની એ દીવાલ પર એક આડું પાટિયું લગાડીને તેની પર છપ્પન ભોગના પડિયા ખડકી દેવાયા હતા. પાટિયાના એક છેડે ડીવીડી પ્લેયર પર કોઇ ધાર્મિક સીડી વાગતી હતી, જેનો ઘોંઘાટ બે નાનાં સ્પીકર દ્વારા રસ્તા પર રેલાતો હતો અને જતાઆવતા લોકોને શ્રવણલાભ આપતો હતો. માતાજી, સાઇબાબા અને બીજા ભગવાનોની વચ્ચે બે ગોખલામાં મુખ્ય મુર્તિઓ હતી. તેમના માટે છપ્પન ભોગ ઓછો પડશે એમ લાગવાથી, તેમની સામે થમ્સ અપ, લિમ્કા અને ફેન્ટાની સૌથી નાની સાઇઝની બાટલીઓ મૂકવામાં આવી હતી.

દારૂના ધંધામાં મહેમદાવાદની ‘પ્રતિષ્ઠા’ જોતાં આ પીણાં ખરેખર સોફ્ટ ડ્રિન્ક હશે એવું માનવામાં પણ બે ઘડી શંકા ઉદભવી શકે. આ બધો તાયફો સાચવવા અને એ નિમિત્તે કલેક્શન કરવા માટે બે ભાઇઓ સામસામા છેડે ખુરશી પર છટાથી બેઠા હતા. તેમાંથી એક ભાઇ ડાંગ પકડીને ખુરશી પર એવી છટાથી બેઠા હતા, જાણે કોઇકની પચાવી પાડેલી જમીન પર કબજો જમાવીને આરામ ફરમાવતા હોય. રસ્તા પરથી પસાર થતી વખતે સૌથી પહેલી નજર ગોખલામાં ‘ધરાવેલી’ ત્રણ બોટલ પર પડી. પછી આખો ખેલ ધ્યાનથી જોયો.
હવે નવાઇની ન કહેવાય એવી સૌથી અગત્યની વાત એ હતી કે આ દીવાલ-મંદિર અને તેના ઇન્સ્ટન્ટ અન્નકુટ સામે પણ અનેક જતાંઆવતાં લોકો માથાં ટેકવતાં હતાં ને નાનાં બાળકોને ઉંચાં કરીને પગે લગાડતાં હતાં. તેમાંથી ઘણા લોકો ગામડાના હતા એવું આ ચોક્કસ મંદિર પૂરતું કદાચ સાચું પણ હોય, છતાં એકંદરે આ બાબતમાં ભણેલા અને અભણ વચ્ચે ખાસ તફાવત હોતો નથી. ઉલટું, ભણેલા અને પહોંચેલા માણસોમાં અસલામતીનું અને તેના કારણે જ્યાં ને ત્યાં માથું ટેકવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

બેસતું વર્ષ પૂરું થતાં જ ઘટોત્કચના માયાબજારની જેમ બધી ઝાકઝમાળ અદૃશ્ય થઇ, પણ ટાઇલ્સ-પોસ્ટરવાળું મંદીર અને અંધશ્રદ્ધાના છપ્પન ભોગ એટલી સહેલાઇથી અદૃશ્ય થવાના નથી.

Friday, October 23, 2009

મહાત્મા અને મોં બ્લાં: એક ‘શાહી’ કથા

રંગભેદ સામેની લડતમાં આખી જિંદગી ખર્ચી નાખનાર નેલ્સન મેન્ડેલના નામનું ‘ફેરનેસ ક્રીમ’- ત્વચા ગોરી બનાવવાનું ક્રીમ- બજારમાં મૂકાય તો કેવું લાગે? કંઇક એવી જ લાગણી વિખ્યાત પેન કંપની ‘મોં બ્લાં’ના ‘ગાંધી કલેક્શન’ વિશે જાણીને થઇ શકે.
પાંચ- છ- સાત આંકડા સુધીની કિંમતની ધરાવતી ‘મોં બ્લાં’ની પેન સંપત્તિનો દેખાડો કરનારા વર્તુળમાં જાણીતી જણસ છે. વખતોવખત કંપની દ્વારા નવાં ‘લિમિટેડ એડિશન’ કલેક્શન મૂકવામાં આવે છે. જેમ કે, ગાંધી કલેક્શન અંતર્ગત રૂ.૧૧.૩૯ લાખની કિંમતની પેન તૈયાર કરવામાં આવી છે. આ જાતનાં ફક્ત ૨૪૧ નંગ બનાવાયાં છે. (કારણ? અમદાવાદથી દાંડીનું અંતર ૨૪૧ કિ.મી. થાય છે.)

રૂ.૧૧.૩૯ લાખની એક પેન ન પોસાય એવા લોકો જરા સસ્તા ભાવે ગાંધીસ્મૃતિનો ઓચ્છવ કરવા માગતા હોય તો તેમના માટે રૂ.૧,૬૭,૫૦૦ની કિંમતની પેનનાં ૩ હજાર નંગ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. (અહીં લખેલી કિંમત ૩ હજાર નંગની નહીં, એક નંગની છે.)

મોં બ્લાંનું ગાંધી કલેક્શન ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના હાથે મૂકવામાં આવ્યું એ તો બે કારણથી કદાચ બહુ વિરોધાભાસ ન લાગે. ૧) ગાંધીજી જેવી હસ્તીના પ્રપૌત્ર પણ ગાંધીજીના માર્ગે ચાલે એવી અપેક્ષા રાખવી વઘુ પડતી કહેવાય ૨) તુષાર ગાંધી ભૂતકાળમાં એવું ઘણું કરી ચૂક્યા છે, જે ગાંધીજી તો ઠીક, તેમના પૌત્રો રાજમોહન ગાંધી કે દેવદાસ ગાંધીની ગરીમા કરતાં પણ ઘણું ઉતરતું હતું. મોંઘો પેનસેટ બજારમાં મૂકવાનું કામ તો તેમની લાંબી યાદીમાં વઘુ એકનો ઉમેરો છે.

ગાંધીજીના કાગળો કે તેમની ચીજવસ્તુઓની હરાજી થાય ત્યારે ઝાઝી કાગારોળ મચાવવા જેવું કે દુઃખી થવા જેવું પણ લાગતું નથી. કારણ કે એક દેશ તરીકે, એક પ્રજા તરીકે વારસાની જાળવણીમાં આપણે કેટલા રેઢિયાળ છીએ તેનો પૂરેપૂરો ખ્યાલ છે. પરંતુ ગાંધીજીના બ્રાન્ડ નેમ સાથે, ભલે તેમને અંજલિ આપવાનો ઉમદા આશય આગળ ધરીને પણ, રૂ. ૧૧ લાખની ની પેન બજારમાં મૂકાય, એ વાત કોઇ રીતે હજમ થાય એવી લાગે છે?
ધારો કે મોં બ્લાંને બદલે કોઇ ચાલુ કંપની પંદર લાખ રૂપિયાને બદલે પંદર રૂપિયાની કિંમતની પેન ગાંધીજીના ચિત્ર સાથે બહાર પાડે અને તેને ‘ગાંધી કલેક્શન’ નામ આપે તો? એમાં પણ ગાંધીજીના વ્યાવસાયીકરણનો મુદ્દો તો ઉભો જ રહે છે. પરંતુ ગાંધીજીના નામે મહામોંઘી પેન વેચવી એ લગભગ ગાંધી બ્રાન્ડનો શરાબ વેચવાની કક્ષાનો દોષ છે. કારણ કે તેમાં ગાંધીજીના નામનું વ્યાવસાયીકરણ તો થાય છે જ. સાથોસાથ, તેમનું નામ એવી ચીજ સાથે જોડવામાં આવે છે, જે તેમના જીવનદર્શનથી વિરૂદ્ધ હતી. વરવા વ્યાપારીકરણની આ ચરમ નહીં તો પણ, સીમા તો છે જ.

ગાંધીજી શરાબના વિરોધી હતા, તો ભપકાને પણ તે અનિષ્ટ લેખતા હતા. બીજી બાબતો છોડો, ફાઉન્ટન પેન વિશે ગાંધીજીના વિચારો મોં બ્લાંની રૂ. ૧૧ લાખની ની પેન સાથે તીવ્ર વિરોધાભાસ ઉભો કરે એવા છે. ગાંધીજી સાથે બે-અઢી દાયકાનો સંપર્ક ધરાવતા અને મહાદેવભાઇના અવસાન પછી થોડા સમય માટે તેમના મદદનીશ રહેલા બ્રજકૃષ્ણ ચાંદીવાલાએ નોંઘ્યું છે કે ‘તેઓ (ગાંધીજી) કદી ફાઉન્ટન પેનથી લખતા નહોતા. તેમની સહી લેવા માટે ઉતાવળમાં હું તેમને ફાઉન્ટન પેન આપી દેતો, તો પણ તે ન વાપરતાં તેઓ હોલ્ડરથી સહી કરતા. એમનો શાહીનો ખડિયો પણ બહુ નાનો હતો. પ્રવાસમાં જવાનું હોય ત્યારે એ ખડિયામાંની શાહી કોઇ શીશીમાં ભરી લેવાતી અને મુકામે પહોંચીને પાછી ખડિયામાં કાઢવામાં આવતી. એક કલમદાનમાં એમની કલમો, પેન્સિલ, ચપ્પુ ને બીજી જરૂરી વસ્તુઓ રહેતી. તે કલમદાન એમની ખાદીની થેલીમાં રહેતું અને એ થેલી હંમેશાં એમની સાથે રહેતી. એ એમનું દફતર કહેવાતું.’ જરૂરી કાગળપત્રો અને કલમ-શાહી ધરાવતું એ દફતર હંમેશાં ગાંધીજીની સાથે રહેતું હતું. ચાંદીવાલાએ લખ્યું છે કે ‘પ્રવાસમાં બીજી બધી વસ્તુઓ પાછળ રહે તો ચાલે, પણ થેલી તો રેલગાડીમાં કે મોટરમાં એમની સાથે જ રહેવી જોઇએ. સામાન ઉતારતી વખતે સૌથી પહેલાં થેલી સંભાળવામાં આવતી હતી.’

એ તો જાણીતી વાત છે કે ગાંધીજી બસમાં અને મોટરમાં પણ નવા જમાનાની ફાઉન્ટન પેનને બદલે જૂની પદ્ધતિની લાકડાની કલમથી લેખનકાર્ય ચાલુ રાખતા હતા અને જમણો હાથ થાકે ત્યારે ડાબા હાથે લખવાનું શરૂ કરતા હતા. ‘મોં બ્લાં’ને દેખીતી રીતે જ આ બધી બાબતો સાથે કશી લેવાદેવા ન હોય. પણ એટલો ખ્યાલ ન હોવો જોઇએ કે જે માણસે દૃઢ નિર્ધારપૂર્વક કદી ફાઉન્ટન પેન વાપરી જ ન હોય, એના નામની ફાઉન્ટન પેન કાઢવામાં- અને એ પણ અંજલિના નામે- ઔચિત્યનો ભંગ થાય છે. આ પેન કલેક્શન - અને આ વ્યાવસાયિક પ્રપંચને બજારમાં મૂકવાનું સ્વીકારીને તુષાર ગાંધી પણ દોષના ભાગીદાર બન્યા છે. આ કિસ્સામાં તુષાર ગાંધી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તરીકેની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.

કંપનીએ પેન બજારમાં મૂકવા માટે તુષાર ગાંધીની પસંદગી શા માટે કરી? સીધી વાત છેઃ ગાંધીજી એમના પરદાદા હતા એટલે! શા માટે કંપનીએ ગાંધી પરિવારમાં એક પેઢી પાછળ જઇને ગોપાલકૃષ્ણ ગાંધી કે રાજમોહન ગાંધી જેવા ગાંધીજીના પૌત્ર પાસે આ કારસો પાર ન પડાવ્યો? કંપનીએ તેમની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે નહીં, એ જાણવા મળ્યું નથી. પણ એ બન્ને એટલા ઠરેલ અને સજ્જ છે કે પોતાના દાદાના અને મહાત્મા ગાંધીના વરવા વ્યાપારીકરણમાં ન પડે.

વૈશ્વિકીકરણ અને આઘુનિકીકરણના વાયરામાં એક વર્ગ એવો પણ ઉભો થયો છે, જે એવું માને છે કે મોં બ્લાં જેવી કંપનીએ પોતાની રૂ. ૧૧ લાખ રૂપિયાની પેનની નીબ ઉપર મહાત્મા ગાંધીને સ્થાન આપ્યું, એ ગાંધીજીની સિદ્ધિ કહેવાય અને શક્ય હોય તો ગાંધીજીના વારસદારોએ અથવા ભારત સરકારે મોં બ્લાંનો આભાર માનવો જોઇએ. એ વધારે પડતું લાગતું હોય તો પણ, આપણા રાષ્ટ્રપિતાનું આવું બહુમાન જોઇને હૈયે હરખની હેલી ટાઇપનું કંઇક તો ચડવું જ જોઇએ.

આ પ્રકારના લોકોમાં કેટલાક એવાનો પણ સમાવેશ થાય છે, જે ‘મોં બ્લાં’ એવો ફ્રેન્ચ ઉચ્ચાર કરી શકવાની પોતાની આવડતને લગભગ સિદ્ધિ ગણે છે. (કેમ કે, અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે તેનો ઉચ્ચાર ‘મોન્ટ બ્લાન્ક’ થાય છે.) મોં બ્લાં ઇટાલી અને ફ્રાન્સની વચ્ચે આવેલા આલ્પ્સ પર્વતનું સૌથી ઊંચું શીખર છે. પણ મોં બ્લાંની પેનની કિંમત સુધી પહોંચવાનું ઘણાને મોં બ્લાંની ટોચ સુધી પહોંચવા કરતાં અઘરૂં લાગે છે.

ગાંધીજીના અપમાનની બૂમ પાડતી વખતે મનમાં સતત ખતરાની ઘંટડી વાગ્યા કરે એવું વાતાવરણ ઘરઆંગણે છે. ગાંધીજીના અપમાનમાં આપણને કોઇ પહોંચી શકે એમ નથી. મોં બ્લાંના સ્પેશ્યલ કલેક્શન જેવી ઘટનાઓ આ અહેસાસ વઘુ ને વઘુ તીવ્ર બનાવવાનું કામ કરે છે.

Thursday, October 22, 2009

વિક્રમ સંવતના નવા વર્ષે

નવું વર્ષ હવે 1 જાન્યુઆરીથી અને નવું નાણાંકીય વર્ષ 1 એપ્રિલથી ગણાય છે. છતાં દિવાળી પછી આવતા વિક્રમ સંવતના બેસતા વર્ષનો ઉત્સવ-મહિમા ઓછો થયો નથી. આગળપાછળની રજાઓ, ઔપચારિક-અનૌપચારિક શુભેચ્છાઓની આપ-લે, કુટુંબીઓ-મિત્રો સાથે મસ્તીમઝા...આ બધાં કારણથી દિવાળીનો ખાસ આનંદ ટકી રહ્યો છે.
ઘણા સમય સુધી પોસ્ટ કાર્ડ પર હસ્તાક્ષરોમાં એકાદ સારો શેર લખીને દિવાળીની શુભેચ્છા મોકલવાની પદ્ધતિ રાખી હતી. સો-સવા સો પોસ્ટ કાર્ડ હાથથી લખવાનું કામ દિવાળીના એક-બે અઠવાડિયાં પહેલાં – અને યોગ્ય શેર શોધવાનું કામ એથી વહેલું શરૂ થઇ જતું હતું.
પહેલાં કેટલાક સંપર્કો કેવળ દિવાળી કાર્ડના તંતુ પર ટકી રહેતા હતા. રતિલાલ બોરીસાગર જેવા વડીલ હાસ્યલેખક તરફથી દર વર્ષે એકાદ કવિતાની ઉત્તમ પેરડી દિવાળીકાર્ડના સ્વરૂપે મળતી હતી. કાર્ડ લખવાનું બંધ થયા પછી એની ખોટ અવશ્ય સાલે છે. પણ કાર્ડલેખનમાં ઔપચારિકતાનું તત્ત્વ ઘણું વધારે લાગતાં એ ધીમે ધીમે બંધ થયું. બલ્કમાં એસ.એમ.એસ.- મેઇલ મોકલવાનું મન થાય પણ ખરું અને મન પાછું પણ પડે. આ વખતે કોઇને શુભેચ્છા મોકલી નથી. કેટલાંક સગાંસ્નેહીમિત્રો સાથે ફોનથી વાત થઇ જાય તો ઠીક. બાકી આખું વર્ષ નવું જ છે.
બ્લોગની આ બીજી દિવાળી છે. તેમાં ઉત્તરોત્તર વધતી મિત્રોની સામેલગીરી અને કમેન્ટ્સનું ઉતરતું સ્તર અત્યાર સુધી મોટે ભાગે સાક્ષીભાવે જોઇ રહ્યો છું. નવા વર્ષમાં સૌને શુભેચ્છા સાથે, થોડી મુદ્દાની વાતો પણ કરી લેવા ઇચ્છું છું.

  • બ્લોગ શરૂ કર્યો ત્યારે મારો આશય એક મારું પોતાનું અભિવ્યક્તિ માધ્યમ ઉભું કરવાનો હતો.
  • અભિપ્રાયાત્મક લખાણ હોય ત્યારે વિચારભેદ માટે તૈયાર રહેવું પડે. મારો પ્રયાસ મુદ્દાસર, શાલીનતાથી અને મુદ્દાસર (હા, બે વાર ‘મુદ્દાસર’) વિચારભેદની ચર્ચા થઇ શકે એ દિશામાં હતો. ગુજરાતમાં એ લુપ્ત થઇ રહેલી પરંપરા છે. એને ટકાવી રાખવામાં કોઇ પણ રીતે, ગમે તેટલા નાના પાયે નિમિત્ત બની શકાતું હોય તો ઠીક.
  • મૈત્રીભાવે સહેજ ગરમાટાથી ચર્ચા થાય તે એક વાત અને દ્વેષભાવથી કે બીજી કોઇ માનસિકતાથી- કેવળ પોતાની હાજરી પુરાવવા કે સામેવાળાને ઝુડવા માટે થતી ટીકા બીજી વાત છે. કમેન્ટ્સમાં એ પ્રકારની ટીકાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને મુદ્દાની વાતો ભાગ્યે જ થાય છે.
  • બેફામ કે આડેધડ ટીકા કરનારા મિત્રોને એટલું જ કહેવાનું કે મારે કશું સાબીત કરવાનું ન હતું અને નથી- મારી તટસ્થતા પણ નહીં ને ખુલ્લાપણું પણ નહીં. માટે, એ બાબતમાં ખોટેખોટા પડકારો ફેંકવાની તસ્દી લેવી નહીં.
  • સીધો હિસાબ છેઃ જેમને ગમે તેમનું ઉમળકાભર્યું સ્વાગત, ન ગમે તેમને ભાવભીની વિદાય. મેં માત્ર ખુલાસા કરવા કે આરોપીના પાંજરામાં ઉભા રહેવા માટે બ્લોગ શરૂ કર્યો છે, એવી ગેરસમજણ કોઇએ રાખવી નહીં. આપણે સૌ અંશતઃ સરખા કે જુદા વિચારવાળા મિત્રો છીએ. મિત્રોની જેમ વર્તીએ એમાં મઝા છે.
  • સૌને વિનંતી કે કમેન્ટ્સ અવશ્ય લખો, પણ તમારે ખરેખર કંઇક કહેવાનું હોય તો અને આ બ્લોગની પૂરી ગરીમા જાળવીને. સાચું કહેવામાં કોઇની આમન્યા રાખવાની જરૂર નથી, પણ મોઢે જે કહેતાં ખચકાટ થાય એવું કંઇ પણ લખતાં પહેલાં વિચાર કરવો જોઇએ.
  • છેલ્લા ઘણા વખતથી અકારણ મોકૂફ રહેલો વિભાગ ‘શબ્દાર્થપ્રકાશ’ (પ્રકાશ ન.શાહની શબ્દસૃષ્ટિ) ટૂંક સમયમાં ફરી શરૂ કરવા ધારું છું. એમાં પડેલો ખાડો મનમાં ખટકે છે, કારણ કે એ બ્લોગને કારણે શરૂ થયેલું એક મઝાનું કામ હતું, જેમાં પ્રકાશભાઇના ચાહક ન હોય એવા ઘણા લોકોને પણ રસ પડતો હતો.
  • નવા વર્ષથી બ્લોગ પરની મારી જૂની તસવીર બદલીને, મિત્ર સંજય વૈદ્યે પાડેલી એક તસવીર મૂકું છું. (આમ તો એ તસવીરને પણ એકાદ વર્ષ થશે.) તસવીર બદલાઇ છે. માણસ એનો એ જ રહેશે એની ખાતરી.

Wednesday, October 14, 2009

ફાધર વાલેસઃ થોડી બીજી વાતો


ફાધર વાલેસ/ Father Valesની ત્રણ-ચાર દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગ્યે જ કોઇ ગુજરાતી લેખકને મળે એવું મીડિયા કવરેજ તેમને મળ્યું એ આનંદની વાત હતી. રમેશ તન્નાએ દૂરદર્શન માટે તેમનો ઇન્ટરવ્યુ પણ કર્યો. ‘ગુજરાત સમાચાર’ માટે મારે ફાધરનો ઇન્ટરવ્યુ કરવાનો હતો. એ પહેલાં વિદ્યાપીઠના ફંક્શનમાં ફાધરનું પ્રવચન સાંભળ્યું હતું. અડધા કલાકના પ્રવચનને અખબારી અહેવાલોમાં બે-ચાર ફકરા ફકરીમાં સમાવવાનું હોય એટલે કેટલીક મુદ્દાની વાતો બાકી રહી જાય.
એ દિવસોમાં નવરાત્રિ ચાલતી હતી. ફાધરે પ્રવચનમાં કહ્યું હતું કે ‘નવરાત્રિના દિવસોમાં મારા ક્લાસમાં ઝોકાં ખાતી છોકરીને જગાડવાનું પાપ મેં કદી કર્યું નથી.’ એટલે સ્વાભાવિક રીતે જ આ વાત સૌથી વધારે ચમકાવવામાં આવી.
પ્રવચનમાં ફાધરે એક અગત્યની અને પ્રમાણમાં ઓછી જાણીતી વાત એ કરી કે ગુજરાતમાં તેમનું આગમન બરાબર ૧ મે, ૧૯૬૦ના રોજ, ગુજરાતના સ્થાપના દિવસે જ થયું. ફાધર દક્ષિણ ભારતના કોઇ સ્થળેથી (મદ્રાસથી?) મુંબઇ આવ્યા. ત્યાંથી અમદાવાદ આવવાની તેમની ટિકીટની વ્યવસ્થા થઇ ગઇ હોવાનું કોઇ માણસે તેમને કહ્યું હતું, પણ છેલ્લી ઘડીએ એ માણસ સ્ટેશન પર દેખાયો નહીં. ૧લીની સવાર હતી. અમદાવાદ આવવાની ટ્રેનમાં ભીડનો પાર નહીં. ટિકીટ બીજા પાસેથી મળશે એવી આશાએ ફાધર આવી ગયા હતા ને પછી ટિકીટ લેવા જવાય એવો સમય નહીં હોય. ટ્રેનમાં પણ તે માંડ દાખલ થઇ શક્યા. શાલીન સેન્સ ઓફ હ્યુમરનો પરચો આપતાં ફાધરે કહ્યું હતું કે ‘આમ તો મને ટ્રેનમાં સૂતો હોઊં તો પણ ઊંઘ આવતી નથી. તે દિવસે મને ઉભાં ઉભાં ઊંઘ આવી ગઇ. કારણ કે ભીડ એટલી હતી કે હું પડી જઊં એવી કોઇ શક્યતા જ ન હતી.’ ફાધરે કહ્યું, ‘ગુજરાતમાં-અમદાવાદમાં મારો પ્રવેશ તેની સ્થાપનાના પહેલા દિવસે અને વગર ટિકીટે થયો.’ આ આખો કિસ્સો ફાધરે તેમની સ્પેનિશ છાંટ ધરાવતા ઉચ્ચારો સાથે કહ્યો, ત્યારે ઓડિયન્સમાં જબરી હસાહસ થઇ હતી.
ફાધરના ગુજરાતી ઉચ્ચારો સ્પેનિશ, પણ એક કિસ્સો વર્ણવતાં ફાધરે કરસનદાસ માણેકની એક કવિતા લલકારી, ત્યારે કવિતામાં આવતા શબ્દોના તેમના ઉચ્ચાર બહુ સ્પષ્ટ હતા. (એ વખતે મને ‘કમીને’નો સીન યાદ આવ્યો, જેમાં ખચકાઇને બોલતો શાહીદ કપૂર ગાતી વખતે બિલકુલ ખચકાતો નથી. એટલે પોલીસ ઉલટતપાસના જવાબો ગાઇને શાહીદને આપવાનું કહે છે.)
ફાધરનું વલણ ધાર્મિક-આઘ્યાત્મિક. ઝેવિયર્સમાં તે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જ રહેતા હતા. સાંજે વિદ્યાર્થીઓ સાથે ભજન કરાવતા હતા. તેમનાંનો જ એક વિદ્યાર્થી વર્ષો પછી ફાધરને રીલીફ રોડ પર મળી ગયો, ત્યારે બન્ને જણે એકબીજા સાથે કોઇ જાતની વાત કે વિનયવ્યવહાર કરવાને બદલે, સામેવાળાએ કરસનદાસ માણેકના ભજનની એક પંક્તિ ગાઇ. ફાધરે સામે બીજી પંક્તિ ગાઇ.એમ કરતાં બન્ને જણે સામસામે કડીઓ ગાવા લાગ્યા. આખું ભજન પૂરૂં થયું, એટલે પેલા માણસે બીજી કોઇ પણ વાત કર્યા વિના ચાલતી પકડી. ફાધરનો મુદ્દો એ હતો કે વિદ્યાર્થી અવસ્થામાં પડેલા સંસ્કાર વિદ્યાર્થીકાળ પૂરો થયા પછી પણ ટકી રહે છે.
તહેવારોની વાત નીકળતાં તેમાં છૂપાયેલા ગુઢાર્થોને પણ ફાધરે ઉકેલી બતાવ્યા. જેમ કે, દશેરાને તેમણે ‘સીમોલ્લંઘનના પર્વ’ તરીકે ઓળખાવ્યું.- પોતાની સીમાઓનો વિસ્તાર કરવાનું પર્વ. ગણેશોત્સવ અને ગણેશવિસર્જન વિશે ફાધરે કહ્યું કે દરેક વર્ષે ભગવાન વિશેની આપણી જૂની માન્યતાઓનું વિસર્જન કરવું અને તે નવીનતમ કરતા રહેવું, એ મૂળ ઘ્વનિ છે.
ફાધરનો સન્માન કાર્યક્રમ હતો. બીજા દિવસે સવારે મેં ઝેવિયર્સના રેકોર્ડંિગ સ્ટુડિયોમાં તેમનું કામ પૂરૂં થયા પછી તેમનો ઇન્ટરવ્યુ કર્યો. માંડ અડધો કલાક વાતચીત થઇ હશે. સમય બહુ ઓછો પડ્યો. બાકી ફાધરને ઘણું પૂછવાનું હતું. ફાધરની કેટલીક માન્યતાઓ અને તેમાં રહેલી હકારાત્મક આત્યંતિકતા મને પૂરેપૂરી સ્વીકાર્ય લાગતી ન હતી. ફાધરની મંગલમય અથવા ‘મંગલ, મંગલ’ વાતો પછી મારે એમને જ્ઞાતિપ્રથા, કોમી ઘુ્રવીકરણ અને કહેવાતા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિશે ઘણું પૂછવાનું હતું. છતાં, એ બધી ચર્ચા માટે જે પ્રકારનો માહોલ ઉભો થવો જોઇએ, એવો માહોલ ઉભો થયો ને ફાધરની સાથે આવેલા તેમના સંરક્ષક-સ્નેહી દેવેન્દ્રભાઇ પીરે ઇન્ટરવ્યુ પૂરો જાહેર કરી દીધો. તહેવારોના ગૂઢાર્થ વિશે મેં એમને પૂછ્યું પણ ખરૂં કે ‘તમે જે અર્થ કાઢી બતાવ્યા એ બહુ સરસ છે. બહુ ગમે એવા છે. પણ લોકો અત્યારે જે રીતે તહેવારો ઉજવે છે, તેમાં આ ભાવના ક્યાંય પ્રતિબિંબિત થતી નથી. તો આવા ગૂઢાર્થથી ખરેખર કશો ફરક પડે ખરો?’
ફાધરે મનોવૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું કે ‘જે ચીજ સભાનતાપૂર્વક કરવામાં આવે તેની અસર તો પડે જ, પણ જે અભાનતાપૂર્વક કરવામાં આવે તેની છાપ વધારે પડે.’ તેમનું કહેવાનું હતું કે આ રીતે તો આ રીતે, પણ ઉત્સવો ઉજવાય એટલે તેના હાર્દની અભાનપણે લોકો પર અસર પડે. આ વાત મને બહુ ગળે ન ઉતરી. પણ સમયનો સખત અભાવ હતો.
ઇન્ટરવ્યુ દરમિયાન અને ત્યાર પછી પણ તસવીરકાર મિત્ર સંજય વૈદ્ય તસવીરો લેતા હતા. ઇન્ટરવ્યુ પૂરો થયા પછી કુદરતી પ્રકાશમાં ફાધરની થોડી તસવીરો પાડવાની તક મને પણ મળી. આગલા દિવસે ફાધર ધાર્મિક પોશાકમાં હતા, પણ રવિવારે ફાધરે સરસ રંગીન શર્ટ પહેર્યું હતું. એ તસવીરો આ પોસ્ટના આરંભે મૂકી છે.
ફાધરના પ્રેમીઓ તેમની વેબસાઇટ http://www.carlosvalles.com/ પર જઇને તેમનો સંપર્ક સાધી શકે છે. વિદ્યાપીઠના પ્રવચનમાં કરેલી બીજી કેટલીક વાતો ફાધરે તેમના નવા પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’માંથી જ કહી હતી. વઘુ રસ ધરાવતા મિત્રોને એ પુસ્તક વાંચી જવા ભલામણ.
***
બીજાનું અપનાવવા માટે પોતાનું છોડી દેવાની જરૂર નથીઃ ફાધર વાલેસ
૮૪ વર્ષના સ્પેનિશ ફાધર કાર્લોસ જી.વાલેસને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓ ફાધર વાલેસના નામે ઓળખે છે અને ચાહે છે. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ફાધર વાલેસે અઢી-ત્રણ દાયકા સુધી લખેલી કટાર ‘નવી પેઢીને’ ગુજરાતના સાહિત્ય અને સમાજજીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષા પર એકસરખી હથોટી ધરાવતા ફાધર વાલેસ તેમના અંગ્રેજી પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઇફ’ ના પ્રકાશન અને છ ગુજરાતી પુસ્તકોના પુનઃપ્રકાશન નિમિત્તે અમદાવાદ આવ્યા છે. ઊંમરની અને ખાસ તો ગરમીની અસરથી ત્રસ્ત ફાધર સ્વસ્થ થયા પછી મુલાકાતની શરૂઆત જ ‘ગુજરાત સમાચાર’ સાથેના તેમના સંબંધની વાતથી કરે છે.
‘ગુજરાતમાં આવ્યાનાં પાંચેક વર્ષ પછી મેં ‘કુમાર’ સામયિકમાં લખવાનું શરૂ કર્યું. મારાં લખાણો લોકપ્રિય થયાં, એટલે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિભાઇએ મને રવિવારની પૂર્તિમાં લખવાનું આમંત્રણ આપ્યું. મને મહિને એક વાર લખવાની ટેવ હતી. અઠવાડિક રીતે હું લખી શકીશ કે નહીં, એ જાણતો ન હતો. મેં વચન આપ્યું ન હતું. છતાં શાંતિભાઇના આગ્રહથી ‘નવી પેઢીને’ કોલમ શરૂ કરી અને ગુજરાત છોડ્યું ત્યાં સુધી એ કોલમ લખી.’
‘નવી પેઢીને’ કોલમ એવી એવી વંચાતી અને ચર્ચાતી હતી કે ફાધરના એક મિત્રએ તેમને ગમ્મતમાં કહ્યું હતું,‘તમે ગુજરાત સમાચારમાં લખવાનું બંધ કરશો, ત્યારે મારા ઘરમાં શાંતિ થશે. દર રવિવારે પેપર આવે એટલે મારા પહેલાં મારી પત્ની તમારી કોલમ વાંચી જાય છે અને પછી મને બતાવીને કહે છે,‘લો, વાંચો. ફાધરે આ તમારા માટે લખ્યું છે.’
સ્પેનિશ અને અંગ્રેજીમાંથી ‘સવાયા ગુજરાતી’ બનેલા ફાધરના ગુજરાતી લેખન પર બે મહાનુભાવનો પ્રભાવ છેઃ કાકાસાહેબ કાલેલકર અને... બીજું નામ બોલતાં પહેલાં ફાધર સહેજ અટકીને ગ્લાનિના ભાવ સાથે કહે છે,‘દુઃખની વાત છે કે એ નામ હવે ભૂલાઇ ગયું છેઃ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા.’ કાકાસાહેબ કાલેલકરના ‘સ્મરણયાત્રા’ પુસ્તકની લેખનશૈલી અને કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’ના ચિંતનનો ફાધર પર ઊંડો પ્રભાવ પડ્યો.
‘કાકાસાહેબનું લખાણ મારી શૈલીને બહુ મળતું. સરળ. સ્પષ્ટ. શરૂઆતમાં હું લગભગ તેમનું અનુકરણ- અનુકરણ નહીં, પણ એમનું લખાણ સામે રાખીને એ જાતની સરળતા, સ્પષ્ટતા માટે પ્રયાસ કરતો. એ શૈલી મારામાં આવી. ત્યાર પછી પ્રિય તો બધા થયા, પણ લેખક તરીકે મારી પર અસર કાકાસાહેબ અને કિશોરલાલની. એ બેનો હાથ પકડીને હું ચાલ્યો. પછી કાકાસાહેબ સાથે તો મિત્રતા થઇ, પણ કિશોરલાલને કદી મળવાનું ન થયું.’
પરદેશમાં જ નહીં, ગુજરાતમાં પણ અંગ્રેજીના આક્રમણને ગુજરાતી ભાષાની સ્થિતિ કફોડી બની છે. એ વિશે તાજો દાખલો આપતાં ફાધરે કહ્યું,‘કાલે મને એક ભાઇએ એક સારા પ્રતિષ્ઠિત ગણાતા માસિકનો અંક આપ્યો. એના એક શીર્ષકમાં જો પાંચ શબ્દો હતા, તો તેમાંથી ચાર શબ્દો અંગ્રેજી અને એક ગુજરાતી! હું તો આભો થઇ ગયો. માની શકતો ન હતો. કારણ કે પેલા અંગ્રેજી શબ્દો માટે પૂરેપૂરા અને વધારે સારા ગુજરાતી શબ્દો હતા.’
ફાધર કહે છે,‘મુખ્ય વાત છે સમન્વય. બીજાનું અપનાવો, પણ પોતાનું શા માટે છોડી દો છો? અંગ્રેજી શીખો, પણ ગુજરાતી છોડીને નહીં. તમારી પાસે એક મોટર હોય તો સારૂં, પણ બે મોટર હોય તો વધારે સારૂં છે ને! બીજી મોટર તમે છોડી દો છો? ગુજરાતમાં આવીને મેં સ્પેનિશ કે અંગ્રેજી ભાષાનો ત્યાગ કર્યો નથી, પણ ગુજરાતીનો સ્વીકાર કર્યો. તેની ઉપરથી તમે જુઓ કે મારૂં જીવન કેવું સમૃદ્ધ બન્યું છે.’
ગુજરાતમાં સંસ્કૃતિ અને અસ્મિતના વાતો બહુ થાય છે, પણ ગુજરાતી ભાષાની વાત બહુ થતી નથી. ફાધર કહે છે,‘મારા એક પુસ્તક ‘પરદેશ’માં એક પ્રકરણનું મથાળું હતું ભાષા જાય તો સંસ્કૃતિ જાય.’ સામાન્ય રીતે મૃદુ, સૌમ્ય અને મંગલ વલણ ધરાવતા ફાધર ભાષાને મામલે એકથી વધારે વાર, સ્પષ્ટ રીતે કહે છે,‘તમે અંગ્રેજી બોલો તો અંગ્રેજ બની જશો- તમારા વિચારમાં ને વર્તનમાં. કોઇ એમ કહેતું હોય કે ‘હું અંગ્રેજીમાં બોલીશ, પણ દિલ ગુજરાતી હશે’ તો એ શક્ય નથી.
અંગ્રેજી બોલો એટલે અંગ્રેજી સંસ્કાર આવે. એ ખોટા છે એમ નથી કહેતો, પણ એ જુદા છે. તમે અંગ્રેજી સંસ્કાર જરૂર અપનાવો, પણ ગુજરાતી ભૂલશો નહીં. બન્ને અપનાવો તો તમારૂં જીવન સમૃદ્ધ થશે ને એક માટે બીજાને છોડી દેશો તો કંગાળ બની જશો.’
પોતાના વતન સ્પેનમાં ‘ઇન્ડિયન’ તરીકે ઓળખાતા ફાધર વાલેસ કહે છે,‘હું પચાસ ટકા સ્પેનિશ ને પચાસ ટકા ગુજરાતી એ પ્રકારની ઓળખમાં માનતો નથી. અહીં હું સો ટકા ગુજરાતી છું ને સ્પેનમાં સો ટકા સ્પેનિશ.’ હીરાનો દાખલો આપતાં ફાધર કહે છે,‘હીરાના અનેક પાસા હોય છે, પણ એક સમયે હીરાનું એક જ પાસું આપણી સામે હોય છે. જેટલા પાસા વધારે, એટલો હીરો વધારે કિમતી.’
(interview for GS)

Monday, October 12, 2009

લતા મંગેશકરઃ ભક્તિભાવના સમુહગાન સામે આદરનું એકલગીત

મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરની પ્રશંસામાં પ્રમાણભાન ચૂકવું, પગ નીચે કેળાની છાલ આવ્યા પછી લપસી પડવા જેટલું સહજ છે. તેમના અવાજની મઘુરતા અને સજ્જતા વર્ણવવા માટે વાપરી શકાય એટલાં બધાં વિશેષણો વપરાઇ, બલ્કે ઠલવાઇ અને ઘસાઇ ચૂક્યાં છે. એ માટે તેમની એંસીમાં વર્ષગાંઠ સુધી કોઇએ રાહ જોઇ નથી. એટલે જ તેમની એંસીમી વર્ષગાંઠ (જન્મઃ29-9-1929) નિમિત્તે ખડકાયેલી સામગ્રીમાં ગળપણના હદ બહારના અતિરેક સિવાય ભાગ્યે જ બીજું કંઇ વાંચવા-સાંભળવા મળે છે.


‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ અને ‘ભારતરત્ન’ એમ બન્ને સર્વોચ્ચ સન્માન શોભાવતાં લતા મંગેશકરની પ્રશંસાની એકની એક ઘસાયેલી રેકર્ડ વગાડવાને બદલે, એ સિવાયની પણ થોડી વાત થવી જોઇએ. તેમના અવાજને અને સ્થાનને જરાય ઓછાં આંક્યા વિના, તેની આજુબાજુ બાઝેલાં અહોભાવસર્જીત ગેરમાન્યતાઓનાં જાળાં દૂર કરવાં જોઇએ. લતા મંગેશકરની પ્રતિમા અને પ્રતિભા એવાં મામૂલી નથી કે આટલીસરખી સાફસફાઇથી ખંડિત થઇ જાય. લતા મંગેશકરના કંઠના- પણ માત્ર તેમના જ નહીં, સમગ્રપણે ફિલ્મસંગીતના ચાહક તરીકે, કેટલીક દંતકથાઓ અને તેની સચ્ચાઇ જોઇએ.


લતા મંગેશકર એકમેવ અને અનન્ય છે


તદ્દન સાચી વાત, પણ એ ફક્ત લતા મંગેશકર માટે જ નહીં, કોઇ પણ મહાન કલાકાર માટે સાચી હોય છે. ફિલ્મસંગીતની વાત કરીએ તો, ફક્ત લતા જ નહીં, આશા ભોસલે પણ એકમેવ છે ને શમશાદ બેગમ પણ એક જ! લતા મંગેશકર પહેલાંની પેઢીમાં કાનનદેવી પણ એકમેવ હતાં ને ખુર્શીદ-નૂરજહાં-સુરૈયા પણ અનન્ય! રાજકુમારી, પારૂલ ઘોષ, અમીરબાઇ કર્ણાટકી, ગીતા દત્ત...આ બધાં ગાયિકાઓ એકમેવ અને અનન્ય હતાં, એવું તેમનાં ગીત સાંભળનાર કોઇ પણ સંગીતપ્રેમી ભારપૂર્વક કહેશે.


અટપટી ઘૂનને મઘુરતા ગુમાવ્યા વિના, સાહજિકતાથી અને સફાઇથી અદા કરવામાં લતા મંગેશકર અવ્વલ નંબરે આવે. તેમની આ ખૂબીને કારણે કેટલાંક ગીતો એવાં છે, જેમને ફક્ત લતા જ ન્યાય આપી શકે. લતા મંગેશકર જેવાં ગાયિકા નજર સામે ન હોય તો સંગીતકાર કદાચ એવી ઘૂન બનાવવાની હિંમત ન કરે. પરંતુ ફિલ્મસંગીત કેવળ શાસ્ત્રીય સજ્જતાનો મામલો નથી. કુદરતી બક્ષિસ કહેવાય એવું ગળું પણ કોઇ ચીજ છે. જેમ ઘણાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાઇ શકે, તેમ કેટલાંક ગીતો એવાં પણ છે જે માત્ર નૂરજહાંના કે ગીતા દત્તના કે આશા ભોસલેના કે મુબારક બેગમના અવાજમાં જ શોભે.


દા.ત. મુબારક બેગમનું અતિપ્રખ્યાત ગીત ‘કભી તન્હાઇયોંમેં યું હમારી યાદ આયેગી’ કે ગીતા દત્તનું જાણીતું ગીત ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ લતા મંગેશકરના કે બીજી કોઇ પણ ગાયિકાના અવાજમાં કલ્પી શકાય? કલ્પના કરીએ તો પણ એ ગાયિકાઓના અવાજની ખૂબી લતા મંગેશકરના અવાજમાં આવી શકે? શાસ્ત્રીય તૈયારીની બાબતમાં લતા મંગેશકરનો અવાજ એ ગાયિકાઓના અવાજ કરતાં ચડિયાતો હોઇ શકે, પણ ચોક્કસ ગીતોમાં અસર પેદા કરવાની બાબતમાં લતા મંગશકરનો અવાજ ગીતા દત્ત કે મુબારક બેગમની તોલે ન જ આવી શકે. એની જરૂર પણ નથી. એનાથી લતા મંગેશકરના સ્વતંત્ર માર્કમાં એક ટકાનો ફરક પડતો નથી.
હા, ફક્ત લતા મંગેશકર જ એકમેવ છે ને બાકીના બધા ત્રાંબિયાના તેર, એવા અંધ ભક્તિભાવને તે પડકારે છે. લતા પ્રત્યેનો કોઇ પણ હદનો ભક્તિભાવ અંગત પસંદગી હોય ત્યાં સુધી કંઇ કહેવાનું નથી, પણ અંગત પસંદગીને ઐતિહાસિક ધોરણ કે સનાતન સત્ય તરીકે સ્થાપી શકાય નહીં.


લતા મંગેશકરે સૌથી વધારે ગીતો ગાયાં છે


શું ફરક પડે છે? આપણને ખરેખર કંઇ ફરક નથી પડતો. ગીતોની યાદી કંપનીની બેલેન્સશીટ નથી કે છેવટના આંકડાના આધારે ‘પરફોર્મન્સ’ નક્કી કરવાનું હોય. છતાં, લતા મંગેશકર એંસી-નેવુના દાયકામાં ગૌરવપૂર્વક એવું માનતાં હતાં કે તેમણે સૌથી વઘુ- પચીસ હજાર- ગીતો ગાયાં છે. એટલું જ નહીં, આ વિક્રમસર્જક સિદ્ધિ બદલ થોડાં વર્ષ સુધી ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’માં પણ તેમનું નામ રહ્યું.


ભક્તમંડળનું સમૂહગાન એવું ચાલ્યું કે કોઇને સાદી ત્રિરાશી માંડવાનો વિચાર ન આવ્યોઃ ચાળીસ વર્ષ સુધી લાગલગાટ એક પણ દિવસ પાડ્યા વિના લતા મંગેશકરે રોજનું એક ગીત રેકોર્ડ કર્યું હોય (અથવા કોરા ગયેલા દિવસો સામે એક દિવસમાં એકથી વઘુ રેકોર્ડંિગ સરભર થતાં હોય) તો પણ તેમનાં ગીતોની કુલ સંખ્યા ૧૪,૬૦૦ થાય! આ કેવળ ગાણિતીક બાબત છે, જેને લતા મંગેશકરની ગાયનપ્રતિભા સાથે કશી લેવાદેવા નથી. પણ ખુદ લતા તેને પોતાની મહાનતા સાથે સાંકળી બેઠાં હતાં.


૧૯૩૧ થી ૧૯૮૦ સુધીના હિંદી ફિલ્મ ગીત કોશના પાંચ ખંડનું મહાકાર્ય કરનાર કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝ’ પાસેથી સાચો આંકડો સાંભળ્યા પછી લતા કેમેય કરીને માનતાં ન હતાં. સંખ્યાત્મક રીતે લતા કરતાં આશાએ ગાયેલાં ગીતોની સંખ્યા વધારે હતી. (અત્યારે પણ એ જ સ્થિતિ છે.) મૃદુભાષી, વિવેકી ‘હમરાઝ’ને લતા મંગેશકરે સહેજ તીખાશથી કહ્યું હતું કે ‘સ્વાઝીલેન્ડના મારા એક ચાહક પાસે મારાં પચીસે પચીસ હજાર ગીતોની રેકોર્ડ છે.’ (આ પ્રસંગ હમરાઝે છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચાલતા તેમના અનોખા ત્રૈમાસિક ‘લીસ્નર્સ બુલેટિન’ના અંકમાં કોઇ પણ જાતની કટુતા વિના નોંઘ્યો હતો.)


હિંદી ફિલ્મસંગીતના બે યુગ છેઃ લતા પહેલાં અને લતા પછી


વાત ફક્ત મહિલા ગાયિકાઓની હોય, તો આ વિધાન અંશતઃ સાચું છે. અલબત્ત, હવે તેમાં સુધારો કરીને બેને બદલે ત્રણ યુગ ગણાવવા પડે લતા મંગેશકર પહેલાં, એમના આવ્યા પછી અને એમનો સુવર્ણયુગ વીતી ગયા પછી. વધારે સ્પષ્ટ ભાષામાં કહેવું હોય તો લતા મંગેશકર પહેલાં, લતાનો અવાજ મઘુર હતો ત્યાં સુધી અને ત્યાર પછી.


લતા જે અવાજ માટે લગભગ પૂજાતાં હતાં, એવો અવાજ સિત્તેરના દાયકાના અંત સુધીમાં તેમનો સાથ છોડી ગયો હતો. ત્યાર પછી અવાજની તાલીમ અને સજ્જતા બરકરાર રહ્યાં, પણ શ્રોતાને ઓળઘોળ કરી નાખે એવી કોમળ મઘુરતા ભૂતકાળ બની ગઇ.


આટલી હકીકત ફક્ત ગાયિકાઓ પૂરતી જ. વાત સમગ્રપણે ફિલ્મસંગીતની થતી હોય તો પુરૂષગાયકો ક્યાં ગયા? તેમનું કોઇ વજૂદ જ નહીં? મઘુરતા-સજ્જતા-દિવ્યતાનો સમન્વય રફીના અવાજમાં પણ ક્યાં ઓછો હતો? તલત મહેમુદ, મુકેશ, હેમંતકુમાર, મન્ના ડે જેવા ગાયકો પણ પોતપોતાની વિશિષ્ટ ક્ષમતા સાથે ફિલ્મસંગીતના રસિયાઓ પર પ્રચંડ પ્રભાવ છોડી ગયા. એ બધાની ગણતરી ફક્ત ‘લતા મંગેશકર યુગના ગાયકો’ તરીકે થાય એટલું પૂરતું છે? ન્યાયી છે?


આ મુદ્દા સાથે સંકળાયેલી એક વિલક્ષણ બાબતઃ ચાળીસીના દાયકાના અંત સુધીમાં લતા મંગેશકર ખ્યાતિના શીખરે પહોંચી ચૂક્યાં હતાં. ત્યાર પહેલાંના સમયગાળામાં ફિલ્મસંગીતમાં અનેક ઉત્તમ ગાયિકાઓ અને ગાયિકા-અભિનેત્રીઓ આવી, પણ પચાસ-સાઠના દાયકામાં લતાયુગ મઘ્યાહ્ને હતો ત્યારે ગાયિકા-વૈવિઘ્ય ઘટવા લાગ્યું. ગીતા દત્ત અને શમશાદ બેગમ જેવી અગાઉની જામેલી ગાયિકાઓ હાંસિયામાં ધકેલાવા લાગી. સુમન કલ્યાણપુર, મુબારક બેગમ જેવી નવી ગાયિકાઓ પૂરતી લાયકાત છતાં પોતાનું સ્થાન બનાવી શકી નહીં. આશા ભોસલે દાયકાઓ સુધી મોટા સંગીતકારોની બીજી પસંદગી રહ્યાં. તેમને કામ તો મળી રહેતું હતું, પણ મોટાં બહેન લતાને મળી એ પ્રકારની પ્રતિષ્ઠા ઘણે અંશે છેક એંસીના દાયકામાં ‘ઉમરાવજાન’ની ગઝલોથી મળી. સરખામણીમાં, પુરૂષગાયકોમાં રફીનું એકચક્રી રાજ હોવા છતાં મન્ના ડે, હેમંતકુમાર અને તલત મહેમૂદ પણ સમાંતરે ટકી શક્યા. એ ગાળામાં કોઇ ઉગતા પુરૂષગાયકની ફરિયાદ સાંભળવા મળી નહીં કે ‘સ્થાપિત ગાયકોમાંથી કોઇએ મને આગળ આવતો રોક્યો- મારી કારકિર્દી રૂંધી નાખી.’ લતા નવોદિત સંગીતકારોને પ્રોત્સાહન આપવા જાણીતાં હતાં. તેમની પાસે હિંદી અને ગુજરાતી ગીતો ગવડાવી ચૂકેલા ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાના જણાવ્યા પ્રમાણે, તે નવા સંગીતકારનું પહેલું ગીત મફત ગાતાં હતાં. આ પ્રકારના પ્રોત્સાહનના કિસ્સા ‘લતાયુગ’ની ગાયિકાઓ પાસેથી જાણવા મળતા નથી.
લતા મંગેશકરે સંગીતકારોને ન્યાલ કરી દીધા


આ દાવામાં તથ્ય છે, પણ તે એક જ તરફનું ચિત્ર રજૂ કરે છે. એક સમય એવો હતો, જ્યારે સંગીતકારોએ જ નવોદિત કિશોરી લતાનું મહાન ગાયિકા લતા મંગેશકર તરીકે ઘડતર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. કારકિર્દીના આરંભે લતાને ગુલામહૈદર, ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, નૌશાદ જેવા નીવડેલા સંગીતકારોનું તેમને માર્ગદર્શન મળ્યું. સાથોસાથ, સી.રામચંદ્ર, શંકર-જયકિશન, એસ.ડી.બર્મન, મદનમોહન, રોશન, સલિલ ચૌધરી જેવા પ્રતિભાશાળી યુવાન સંગીતકારો તેમની સર્જકતા ઉછાળા મારતી હતી, એવા તેમની કારકિર્દીના આરંભિક સમયગાળાથી જ તેમને મળ્યા. બન્ને પક્ષો એકબીજાથી સાર્થકતા અનુભવીને સમૃદ્ધ થયા. તે એકપક્ષીય વ્યવહાર ન હતો.


લતા મંગેશકરે અને સંગીતકારોએ ગીતકારો સાથે મળીને સંગીતપ્રેમીઓને ન્યાલ કરી દીધા, પણ લતા મંગેશકરના પ્રિય ગાયક કે.એલ.સાયગલ હતા. સાયગલના સમકાલીન સંગીતકાર-ગાયક પંકજ મલિક વિશે તેમના ચાહકો માને છે કે સાયગલ બરાબર, પણ પંકજ મલિકની તોલે ન આવે. પંકજ મલિક-સાયગલથી રફી-કિશોરકુમાર ને લતા-આશા સુધી સરખામણીનો બિનજરૂરી સિલસિલો ચાલ્યો આવે છે.


સંગીત જેવી ભાવનાત્મક બાબતમાં સરખામણીનું કશું મહત્ત્વ નથી. એક સારૂં ગીત સાંભળતી વખતે બીજા કોઇની મહાનતા યાદ આવતી નથી. એવાં ગીત આપનાર સૌ કલાકારોને - અને એવાં અસંખ્ય ગીતો આપનારાં લતા મંગેશકરને સલામ.

Friday, October 09, 2009

રાષ્ટ્રપતિ(?) અને સરદાર સ્મારક

ભારતનાં રાષ્ટ્રપ્રમુખ શ્રીમતી પ્રતિભા પાટિલ ગુજરાતની મુલાકાતે આવ્યાં, ત્યારે અમદાવાદમાં તેમણે શાહીબાગમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત લીધી અને ત્યાં એક નવા હોલનું ઉદ્ઘાટન કર્યું. (ના, એ નવા હોલને સરદાર સાથે કશી લેવાદેવા નથી. તમારે કાર્યક્રમ કરવો હોય તો તમને પણ એ હોલ મળે.)

ખબર હતી કે વિઝિટર્સ બુકમાં મહાનુભાવો ભાગ્યે જ કશા મોર ચીતરતા હોય છે. છતાં એક કૂતુહલ ખાતર અને બિનીત (મોદી)ના ધક્કાથી ગાંધી આશ્રમની લીટી ભેગો સરદાર સ્મારકનો લસરકો મારતાં ઉપરની બન્ને તસવીરો મળી છે. પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હતાં, ત્યારે તેમણે લખેલો સંદેશો પહેલાં મૂક્યો છે અને તાજી મુલાકાતનો પછી.

મહિલા રાષ્ટ્રપતિ માટે ગુજરાતી અખબારો પ્રેમથી અને ધરાર ‘રાષ્ટ્રપતિ’ શબ્દ જ વાપરે છે. તેનો ખુલાસો એવો હોઇ શકે કે એ હોદ્દાનું નામ છે, પણ તેની સામેની દલીલ એવી થઇ શકે કે એ પુરૂષોએ પાડેલું હોવાથી ‘રાષ્ટ્રપતિ’ પાડ્યું હશે. ‘રાષ્ટ્રપ્રમુખ’ લખવાનો વિકલ્પ છે.

આ સિવાયના કોઇ રાષ્ટ્રપતિના હોદ્દાને છાજે એવા, મહિલા રાષ્ટ્રપતિ માટેના વિકલ્પો સૂઝે છે?
હા? તો લખી મોકલો.

Monday, October 05, 2009

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ નામમાંથી બ્રાન્ડ

એક ઉલ્ટા ચશ્મા આપો.
લાવ, એક રૂપિયો.
આ પ્રકારનો સંવાદ અમદાવાદમાં સંભળાય તો નવાઇ ન પામશો. કારણ કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની અપરંપાર લોકપ્રિયતા પછી હવે થાય એટલું ઓછું છે.
જેમ કે, ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા બ્રાન્ડના મોટા મમરા- બોલ્સ- મૂકવામાં આવ્યા છે. અમદાવાદની એક કંપનીએ આ પ્રકારનાં પેકેટ બજારમાં મૂક્યાં છે અને એક દુકાનદાર મિત્રના કહેવા પ્રમાણે, આ પ્રકારનાં પેકેટ છોકરાં હોંશે હોંશે એક-એક રૂપિયામાં ખરીદે છે ને ખાય છે. પેકેટની ઉપર સિરીયલનાં પાત્રોની તસવીરો અને સિરીયલનો લોગો મૂકવામાં આવ્યા છે, જેથી ઓળખવાનું જરાય અઘરું ન પડે.
જથ્થાબંધમાં ત્રીસ રૂપિયાનાં ચાળીસ પેકેટના ભાવે વેચાતાં આ પેકેટ માટે સિરીયલના પ્રોડ્યુસર પાસેથી પરવાનગી લેવામાં આવી છે કે નહીં એ તો પ્રોડ્યુસર અસિતભાઇ જ કહી શકે.

Friday, October 02, 2009

સાહિત્ય પરિષદનું નિમંત્રણપત્રઃ ચાર મંત્રી, ચાર લીટી, પાંચ ભૂલો


અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગુજરાતી સાહિત્ય પરિષદ છે. આજે સાંજે ત્યાં એક કાર્યક્રમ યોજાવાનો છે, જેનું નિમંત્રણ ઉપર મૂક્યું છે. ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાના ચાર લીટીના આમંત્રણપત્રમાં પાંચ ભૂલો હોય, એ કેવી વાત કહેવાય? ઉપરના કાર્ડમાં દરેક ભૂલની નીચે હળવી લાલ લીટી દોરેલી છે. સાચું શું આવે એ લખવાની જરૂર ન પડે, એટલી મોટી ભૂલો છે. છતાં હકીકત ખાતર ભૂલસુધાર આ પ્રમાણે થઇ શકે.

૧. ‘મારૂં જીવન એ જ મારી વાણી’ના (અવતરણચિહ્ન આગળ જતું રહ્યું છે.)
૨. અંગ્રેજી અનુવાદ (વચ્ચે - ની જરૂર નથી.)
૩. સૂચિત (દીર્ઘ ઉ)
૪. વિશે
૫. ...આશિષ નંદીનાં - (વક્તવ્યો બહુવચન હોવાથી ‘નાં’ જોઇએ.)

પરિષદપ્રમુખ નારાયણભાઇ લિખિત ગાંધીચરિત્રના અંગ્રેજી અનુવાદ નિમિત્તે આ કાર્યક્રમ છે. પણ આખા આમંત્રણમાં ક્યાંય અંગ્રેજી પુસ્તક કે તેના અનુવાદ ત્રિદીપ સુહૃદનું નામ નથી. પાંચ વક્તાઓ છે, પણ તેમાં ત્રિદીપ સુહૃદની ગેરહાજરી ખટકે એવી - અથવા ‘વૈજ્ઞાનિક’ કારણો જાણવાનું મન થાય એવી- છે.