Wednesday, October 28, 2009
શબ્દકોશમાં ન હોય એવા પ્રચલિત ‘ગુજરાતી’ શબ્દોનો ઇ-સંગ્રહઃ લોકકોશ
Lokkosh team with Ashok Karania (standing extreme right)(sitting L to R) Pradip Khandwalla, Ratilal Chandaraya, Nita Shah |
Ratilal Chandaraya / રતિલાલ ચંદરયા
અંગ્રેજી વિશ્વભાષા બની તેનું રહસ્ય શું છે? વિશ્વભરમાં પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્ય ઉપરાંત અંગ્રેજી ભાષાનું ખુલ્લાપણું તેની સૌથી મોટી તાકાત છે. એક અંદાજ પ્રમાણે, દર ૯૮ મિનીટે અંગ્રેજી ભાષામાં એક નવો શબ્દ ઉમેરાય છે, જે મોટે ભાગે અંગ્રેજી નથી હોતો. દર ૯૮ મિનીટને બદલે ૧૯૮ કે ૨૯૮ મિનીટે નવો શબ્દ ઉમેરાતો હોય તો પણ મૂળ મુદ્દામાં કશો ફરક નથી પડતો. એ મુદ્દો છે પરિવર્તનશીલતા અને ગતિશીલતાનો. ગુજરાતી ભાષા એ બાબતમાં ઘણી પાછળ રહી છે.
ગાંધીજીપ્રેરિત સાર્થ જોડણીકોશ પહેલી વાર ૧૯૨૯માં બન્યો. ત્યાર પછી છેક સમય સાથે ઉમેરા કરવામાં તે ઘણો પાછો અને કાચો પુરવાર થયો છે. ગુજરાતનાં ઈંગ્લીશ ડિક્શનેરી વાપરતાં કેટલાં ઘરમાં સાર્થ જોડણીકોશ વાપરવાના રિવાજ હશે એ તો વળી જુદો જ મુદ્દો છે. આ સ્થિતિમાં, ભાષાના વહેતા પ્રવાહને શબ્દકોશના સ્વરૂપે નોંધવા અને હાલના શબ્દકોશમાં ન હોય છતાં બોલચાલમાં કે લખવામાં વપરાતા હોય એવા શબ્દોને સંગ્રહિત કરવા માટે ‘લોકકોશ’નો વિચાર કરવામાં આવ્યો.
ઇન્ટરનેટ પર ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, જોડણીકોશ અને ભગવદ્ગોમંડલ શબ્દકોશ જેવાં ભગીરથ કામ પાર પાડી ચૂકેલા ૮૮ વર્ષના રતિલાલ ચંદરયા અને અશોક કરણીયાની આગેવાની હેઠળ તેમની ટીમે એક મહિનામાં આ કોશનું માળખું ઇન્ટરનેટ પર મૂકી દીઘું છે. આજે તે વેબસાઇટનું વિધિવત્ રતિકાકા, પ્રદીપ ખાંડવાલા, નીતાબહેન શાહ, અશોક કરણીયા અને તેમની ટીમની હાજરીમાં વિધિવત્ લોન્ચિંગ થયું.
અશોક કરણીયાએ તેમના મુદ્દાસરના પ્રેઝન્ટેશનમાં લોકકોશને વિકીપીડિયા, યુટ્યુબ જેવા એક ઓપન પ્લેટફોર્મ તરીકે ઓળખાવ્યો. કારણ કે તેમાં લોકો દ્વારા બોલાતા શબ્દો, લોકો પોતે મોકલી શકશે. ‘લોકો દ્વારા, લોકો માટે, લોકોના’ આ કોશમાં નવો શબ્દ ઉમેરવાની સાથે, તે મોકલનારનું નામ પણ સાથે મૂકવામાં આવશે. લોકો દ્વારા મોકલવામાં આવેલો દરેક શબ્દ કોશમાં સામેલ કરતાં પહેલાં નિષ્ણાતોની એક સમિતિ એ શબ્દ અને તેના પ્રયોગોના ઔચિત્ય વિશે નિર્ણય લેશે.
રતિકાકાએ તેમના પ્રવચનમાં કહ્યું તેમ, ‘સાક્ષરો આવા શબ્દો ઉમેરીને પોતાની ચોપડી બગાડવા તૈયાર નથી.’ એટલે લોકકોશમાં સામેલગીરી માટેના માપદંડો ઉન્નતભ્રુ નહીં હોય. રતિકાકાએ પોતાના પ્રવચનમાં જ્યારે ઠેકઠેકાણથી જાકારો મળતો હતો ત્યારે પહેલી વાર પ્રોત્સાહન આપવા બદલ નીતાબહેન શાહનો આભાર માન્યો, ગુજરાતી લેક્સિકોન વાપરનારાની સંખ્યા ૩૫ લાખ સુધી પહોંચી તેનો સંતોષ વ્યક્ત કર્યો અને (એમના શબ્દોમાં) ‘ફૂલીને ફાળકો થવાને બદલે’, આખા પ્રોજેક્ટ પર કામ કરનાર અશોક કરણીયા અને પાંચ યુવતીઓની બનેલી તેમની ટીમને પોતાની સાથે બોલાવીને બિરદાવી.
Ratikaka with Karania Jr.- symbol of GenNext Gujarati-- for whom he has envisaged Lokosh; Mrs. Karania looks on |
પ્રદીપ ખાંડવાલાએ મેનેજમેન્ટના દૃષ્ટિબિંદુથી વાત માંડતાં કહ્યું કે શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં અડધોઅડધ જેટલું ઓછું છે. આ ઘટ મુખ્યત્વે આઘુનિક અને પ્રોફેશનલ ક્ષેત્રોના શબ્દોની છે. જો એ ખોટ સરભર થાય તો ગુજરાતી છોડીને અંગ્રેજી તરફ વળી ગયેલો લોકોનો પ્રવાહ ફરી ગુજરાતી તરફ વળી શકે. કારણ કે ગુજરાતીમાં તેમને એ બધું મળી રહે, જે અત્યારે ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. યુરોપના દેશોએ પોતાની સ્થાનિક ભાષાઓ છોડ્યા વિના, તેમાં નવા જમાનાના અંગ્રેજી શબ્દો ઉમેરીને ભાષાઓને વઘુ સમૃદ્ધ અને વઘુ અદ્યતન બનાવી છે. ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશનના જમાનામાં લોકકોશ ગુજરાતીને સમૃદ્ધ કરે, તો ગુજરાતની પ્રગતિમાં તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે એવું પ્રદીપભાઇએ કહ્યું.
વક્તવ્ય પૂરૂં કરતાં તેમણે અંગ્રેજી કોશકાર સેમ્યુઅલ જોન્સનને યાદ કર્યા અને કહ્યું કે શબ્દકોશના કામમાં ગળાડૂબ રહેતા જોન્સનને સ્નાન કરવાનો પણ સમય મળતો ન હતો. છતાં, તેમનો દરજ્જો એવો હતો કે લોકો તેમની ‘સુવાસ’ નિભાવી લેતા હતા. એક વાર પાર્ટીમાં તેમની બાજુમાં કોઇ ડચેસ બેઠાં હતાં. પંદર-વીસ મિનીટ સુધી વાસ સહન કર્યા પછી ડચેસથી ન રહેવાતાં તેમણે કહ્યું,‘સર, યુ સ્મેલ.’ શબ્દકોશકાર જોન્સને તરત જવાબ આપ્યો,‘યુ સ્મેલ, મેડમ. આઇ સ્ટીન્ક.’ (વાસ તમારામાંથી આવે છે. હું તો ગંધાઊં છું) પ્રદીપભાઇએ હળવાશથી અશોકભાઇને કહ્યું કે જોન્સન જેવી સ્થિતિ થાય એટલા વ્યસ્ત ન થઇ જશો.
લોકકોશના કામની એક વિશિષ્ટતા એ છે કે તેની ટીમમાં પાંચેપાંચ યુવતીઓ છે. રતિકાકાએ કહ્યું તેમ, ફક્ત ‘નોકરી’ કરનારાથી આ કામ થાય એવું નથી. કાર્યક્રમ પૂરો થયા પછીની વાતચીતમાં પાંચે જણે સારા કામનું શ્રેય ટીમ વર્ક અને એકબીજા સાથેના સરસ ટ્યુનિંગ (મનમેળ)ને આપ્યું.
લોકકોશ વિશે વિસ્તૃત વર્ણન લખવાને બદલે, તેની સાઇટ પર જઇને જોવામાં વધારે મઝા છે. કોશ પર શરૂઆત પૂરતા ૫૧ શબ્દો મૂકવામાં આવ્યા છે. તેમાં આ બ્લોગના ‘શબ્દાર્થપ્રકાશ’ વિભાગમાંથી પ્રકાશ ન. શાહ દ્વારા વપરાયેલા અવનવા શબ્દો પણ છે.
લોકકોશની આખી ટીમને અભિનંદન.
Subscribe to:
Post Comments (Atom)
વાહ વાહ! ખોટેખોટી ગુજરાતી ભાષા બચાવોની દંભી બુમરાણ કરતા 'વિદ્વાનો'એ રતિલાલ અને તેની તેમના આ કામ માંથી શીખ લેવી જોઈએ. ગુજરાતમાં કોઈ નોબેલ ઇનામ હોય તો એ રતિલાલને મળે એવું એમને કામ કર્યું છે. જે કામ ગુજરતી ભાષાનો ઠેકો લઈને બેથી છે એ સંસ્થાઓએ કરવું જોઈએ એ કામ રતિલાલ અને એની ટીમે કર્યું છે. નવા શબ્દો ને ખુલ્લાપાણા વગર ભાષા સમૃદ્ધ ન થાય એવું બધા સમજી શકતા નથી અથવા સમજવા તૈયાર નથી એ આપની કમનસીબી છે. પણ આ લોકકોશ નવી પેઢીને ભાષાનો ઉપયોગ કરવાની બહુ મજા કરાવશે એ વાત નક્કી છે.
ReplyDeleteNice-Constructive action by GL team-Conratulations to Ashok Karania -Maitri Shah and team-and Ofcourse to the Boss Ratibhai-
ReplyDeleteThank you for the coverage UrvishKumar.
આ માહિતી અને લિંક બદલ આભાર.
ReplyDelete