Friday, October 23, 2009

મહાત્મા અને મોં બ્લાં: એક ‘શાહી’ કથા

રંગભેદ સામેની લડતમાં આખી જિંદગી ખર્ચી નાખનાર નેલ્સન મેન્ડેલના નામનું ‘ફેરનેસ ક્રીમ’- ત્વચા ગોરી બનાવવાનું ક્રીમ- બજારમાં મૂકાય તો કેવું લાગે? કંઇક એવી જ લાગણી વિખ્યાત પેન કંપની ‘મોં બ્લાં’ના ‘ગાંધી કલેક્શન’ વિશે જાણીને થઇ શકે.
પાંચ- છ- સાત આંકડા સુધીની કિંમતની ધરાવતી ‘મોં બ્લાં’ની પેન સંપત્તિનો દેખાડો કરનારા વર્તુળમાં જાણીતી જણસ છે. વખતોવખત કંપની દ્વારા નવાં ‘લિમિટેડ એડિશન’ કલેક્શન મૂકવામાં આવે છે. જેમ કે, ગાંધી કલેક્શન અંતર્ગત રૂ.૧૧.૩૯ લાખની કિંમતની પેન તૈયાર કરવામાં આવી છે. આ જાતનાં ફક્ત ૨૪૧ નંગ બનાવાયાં છે. (કારણ? અમદાવાદથી દાંડીનું અંતર ૨૪૧ કિ.મી. થાય છે.)

રૂ.૧૧.૩૯ લાખની એક પેન ન પોસાય એવા લોકો જરા સસ્તા ભાવે ગાંધીસ્મૃતિનો ઓચ્છવ કરવા માગતા હોય તો તેમના માટે રૂ.૧,૬૭,૫૦૦ની કિંમતની પેનનાં ૩ હજાર નંગ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. (અહીં લખેલી કિંમત ૩ હજાર નંગની નહીં, એક નંગની છે.)

મોં બ્લાંનું ગાંધી કલેક્શન ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના હાથે મૂકવામાં આવ્યું એ તો બે કારણથી કદાચ બહુ વિરોધાભાસ ન લાગે. ૧) ગાંધીજી જેવી હસ્તીના પ્રપૌત્ર પણ ગાંધીજીના માર્ગે ચાલે એવી અપેક્ષા રાખવી વઘુ પડતી કહેવાય ૨) તુષાર ગાંધી ભૂતકાળમાં એવું ઘણું કરી ચૂક્યા છે, જે ગાંધીજી તો ઠીક, તેમના પૌત્રો રાજમોહન ગાંધી કે દેવદાસ ગાંધીની ગરીમા કરતાં પણ ઘણું ઉતરતું હતું. મોંઘો પેનસેટ બજારમાં મૂકવાનું કામ તો તેમની લાંબી યાદીમાં વઘુ એકનો ઉમેરો છે.

ગાંધીજીના કાગળો કે તેમની ચીજવસ્તુઓની હરાજી થાય ત્યારે ઝાઝી કાગારોળ મચાવવા જેવું કે દુઃખી થવા જેવું પણ લાગતું નથી. કારણ કે એક દેશ તરીકે, એક પ્રજા તરીકે વારસાની જાળવણીમાં આપણે કેટલા રેઢિયાળ છીએ તેનો પૂરેપૂરો ખ્યાલ છે. પરંતુ ગાંધીજીના બ્રાન્ડ નેમ સાથે, ભલે તેમને અંજલિ આપવાનો ઉમદા આશય આગળ ધરીને પણ, રૂ. ૧૧ લાખની ની પેન બજારમાં મૂકાય, એ વાત કોઇ રીતે હજમ થાય એવી લાગે છે?
ધારો કે મોં બ્લાંને બદલે કોઇ ચાલુ કંપની પંદર લાખ રૂપિયાને બદલે પંદર રૂપિયાની કિંમતની પેન ગાંધીજીના ચિત્ર સાથે બહાર પાડે અને તેને ‘ગાંધી કલેક્શન’ નામ આપે તો? એમાં પણ ગાંધીજીના વ્યાવસાયીકરણનો મુદ્દો તો ઉભો જ રહે છે. પરંતુ ગાંધીજીના નામે મહામોંઘી પેન વેચવી એ લગભગ ગાંધી બ્રાન્ડનો શરાબ વેચવાની કક્ષાનો દોષ છે. કારણ કે તેમાં ગાંધીજીના નામનું વ્યાવસાયીકરણ તો થાય છે જ. સાથોસાથ, તેમનું નામ એવી ચીજ સાથે જોડવામાં આવે છે, જે તેમના જીવનદર્શનથી વિરૂદ્ધ હતી. વરવા વ્યાપારીકરણની આ ચરમ નહીં તો પણ, સીમા તો છે જ.

ગાંધીજી શરાબના વિરોધી હતા, તો ભપકાને પણ તે અનિષ્ટ લેખતા હતા. બીજી બાબતો છોડો, ફાઉન્ટન પેન વિશે ગાંધીજીના વિચારો મોં બ્લાંની રૂ. ૧૧ લાખની ની પેન સાથે તીવ્ર વિરોધાભાસ ઉભો કરે એવા છે. ગાંધીજી સાથે બે-અઢી દાયકાનો સંપર્ક ધરાવતા અને મહાદેવભાઇના અવસાન પછી થોડા સમય માટે તેમના મદદનીશ રહેલા બ્રજકૃષ્ણ ચાંદીવાલાએ નોંઘ્યું છે કે ‘તેઓ (ગાંધીજી) કદી ફાઉન્ટન પેનથી લખતા નહોતા. તેમની સહી લેવા માટે ઉતાવળમાં હું તેમને ફાઉન્ટન પેન આપી દેતો, તો પણ તે ન વાપરતાં તેઓ હોલ્ડરથી સહી કરતા. એમનો શાહીનો ખડિયો પણ બહુ નાનો હતો. પ્રવાસમાં જવાનું હોય ત્યારે એ ખડિયામાંની શાહી કોઇ શીશીમાં ભરી લેવાતી અને મુકામે પહોંચીને પાછી ખડિયામાં કાઢવામાં આવતી. એક કલમદાનમાં એમની કલમો, પેન્સિલ, ચપ્પુ ને બીજી જરૂરી વસ્તુઓ રહેતી. તે કલમદાન એમની ખાદીની થેલીમાં રહેતું અને એ થેલી હંમેશાં એમની સાથે રહેતી. એ એમનું દફતર કહેવાતું.’ જરૂરી કાગળપત્રો અને કલમ-શાહી ધરાવતું એ દફતર હંમેશાં ગાંધીજીની સાથે રહેતું હતું. ચાંદીવાલાએ લખ્યું છે કે ‘પ્રવાસમાં બીજી બધી વસ્તુઓ પાછળ રહે તો ચાલે, પણ થેલી તો રેલગાડીમાં કે મોટરમાં એમની સાથે જ રહેવી જોઇએ. સામાન ઉતારતી વખતે સૌથી પહેલાં થેલી સંભાળવામાં આવતી હતી.’

એ તો જાણીતી વાત છે કે ગાંધીજી બસમાં અને મોટરમાં પણ નવા જમાનાની ફાઉન્ટન પેનને બદલે જૂની પદ્ધતિની લાકડાની કલમથી લેખનકાર્ય ચાલુ રાખતા હતા અને જમણો હાથ થાકે ત્યારે ડાબા હાથે લખવાનું શરૂ કરતા હતા. ‘મોં બ્લાં’ને દેખીતી રીતે જ આ બધી બાબતો સાથે કશી લેવાદેવા ન હોય. પણ એટલો ખ્યાલ ન હોવો જોઇએ કે જે માણસે દૃઢ નિર્ધારપૂર્વક કદી ફાઉન્ટન પેન વાપરી જ ન હોય, એના નામની ફાઉન્ટન પેન કાઢવામાં- અને એ પણ અંજલિના નામે- ઔચિત્યનો ભંગ થાય છે. આ પેન કલેક્શન - અને આ વ્યાવસાયિક પ્રપંચને બજારમાં મૂકવાનું સ્વીકારીને તુષાર ગાંધી પણ દોષના ભાગીદાર બન્યા છે. આ કિસ્સામાં તુષાર ગાંધી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તરીકેની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.

કંપનીએ પેન બજારમાં મૂકવા માટે તુષાર ગાંધીની પસંદગી શા માટે કરી? સીધી વાત છેઃ ગાંધીજી એમના પરદાદા હતા એટલે! શા માટે કંપનીએ ગાંધી પરિવારમાં એક પેઢી પાછળ જઇને ગોપાલકૃષ્ણ ગાંધી કે રાજમોહન ગાંધી જેવા ગાંધીજીના પૌત્ર પાસે આ કારસો પાર ન પડાવ્યો? કંપનીએ તેમની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે નહીં, એ જાણવા મળ્યું નથી. પણ એ બન્ને એટલા ઠરેલ અને સજ્જ છે કે પોતાના દાદાના અને મહાત્મા ગાંધીના વરવા વ્યાપારીકરણમાં ન પડે.

વૈશ્વિકીકરણ અને આઘુનિકીકરણના વાયરામાં એક વર્ગ એવો પણ ઉભો થયો છે, જે એવું માને છે કે મોં બ્લાં જેવી કંપનીએ પોતાની રૂ. ૧૧ લાખ રૂપિયાની પેનની નીબ ઉપર મહાત્મા ગાંધીને સ્થાન આપ્યું, એ ગાંધીજીની સિદ્ધિ કહેવાય અને શક્ય હોય તો ગાંધીજીના વારસદારોએ અથવા ભારત સરકારે મોં બ્લાંનો આભાર માનવો જોઇએ. એ વધારે પડતું લાગતું હોય તો પણ, આપણા રાષ્ટ્રપિતાનું આવું બહુમાન જોઇને હૈયે હરખની હેલી ટાઇપનું કંઇક તો ચડવું જ જોઇએ.

આ પ્રકારના લોકોમાં કેટલાક એવાનો પણ સમાવેશ થાય છે, જે ‘મોં બ્લાં’ એવો ફ્રેન્ચ ઉચ્ચાર કરી શકવાની પોતાની આવડતને લગભગ સિદ્ધિ ગણે છે. (કેમ કે, અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે તેનો ઉચ્ચાર ‘મોન્ટ બ્લાન્ક’ થાય છે.) મોં બ્લાં ઇટાલી અને ફ્રાન્સની વચ્ચે આવેલા આલ્પ્સ પર્વતનું સૌથી ઊંચું શીખર છે. પણ મોં બ્લાંની પેનની કિંમત સુધી પહોંચવાનું ઘણાને મોં બ્લાંની ટોચ સુધી પહોંચવા કરતાં અઘરૂં લાગે છે.

ગાંધીજીના અપમાનની બૂમ પાડતી વખતે મનમાં સતત ખતરાની ઘંટડી વાગ્યા કરે એવું વાતાવરણ ઘરઆંગણે છે. ગાંધીજીના અપમાનમાં આપણને કોઇ પહોંચી શકે એમ નથી. મોં બ્લાંના સ્પેશ્યલ કલેક્શન જેવી ઘટનાઓ આ અહેસાસ વઘુ ને વઘુ તીવ્ર બનાવવાનું કામ કરે છે.

2 comments:

  1. SALIL DALAL (TORONTO)7:45:00 PM

    આ મુદ્દે થયેલી એક ચર્ચા મોટે ભાગે એન.ડી.ટી.વી. ઉપર જોઈ હતી. તેમાં તુષાર ગાંધી પણ હિસ્સેદાર હતા. પેનની બ્રેન્ડ ગાંધીજીના નામે થવા દેવાની જે રકમ (૭૦ લાખ રૂપિયા + ૧ પેન) મળવાની છે તે કોઈ સંસ્થામાં જવાની છે એવો મુદ્દો પણ આવ્યાનું યાદ છે. (સુધારો આ કે અન્ય કોઈ પણ વિગત અંગે હોય તો જાણકાર મિત્રો જણાવી શકે)
    તે વખતે એક પોઈન્ટ એવો રજુ થયો હતો કે ભારતમાં ગાંધીજી (અને ફોર ધેટ મેટર સરદાર કે શિવાજી જેવા રાષ્ટ્રીય ગૌરવના મોટાભાગના આઇકોન્સ)ને આપણી રાજકીય વ્યવસ્થા એ યોગ્ય નિયંત્રણ નહિ મુકીને એટલી હદ સુધી ઓલરેડી વટાવી ખાધા છે કે આ ૭૦ લાખ તો તેની સામે કશું જ ના કહેવાય. ગાંધીજીના નામે કોઈ પક્ષ મત માંગે ત્યારે બ્રેન્ડીંગ કહેવાય કે નહિ? ગાંધીજીનું નામ બ્રાંડ તરીકે વાપરનારા તમામ તેમના જીવનમાં કે વ્યવસાયમાં પુ.બાપુને ગમતી એવી જ પ્રવૃત્તિ કરતા હોય છે એમ ખાતરીપૂર્વક કોણ કહી શકશે? કે પછી તુષાર ગાંધી ઉઠીને આવું કેમ કરે છે એ જ એક માત્ર સવાલ છે?
    ગાંધીજી કરકસર કરતા હતા એ હકીકત છે. પરંતુ, સારા હેતુ માટે ફંડ તો એ પણ એકત્ર કરતા હતા. પોતાનો ઓટોગ્રાફ લેવા આવનાર પાસે ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લેવડાવતા કે કોઈ ફંડમાં ફાળો આપવા કહેતા.એ બ્રેન્ડીંગ કહેવાય કે નહિ? પૈસા કે પૈસાદારો સામે તેમને વિરોધ નહતો. દેશના તે વખતના સૌથી ધનાઢ્ય એવા બિરલાને ત્યાં ગાંધીજી કાયમ ઉતરતા. એટલે પેન જેમને પોસાતી હશે એવા ધનિકો તેને ખરીદશે. તેમાંથી થનારી આવક અંત્યોદય કે મહિલા ઉત્થાન જેવા કોઈ સારા - ગાંધી પ્રિય- કામમાં વપરાય તો એ ગાંધીજીને શ્રદ્ધાંજલિ ના કહી શકાય?
    એવી કોઈ વ્યવસ્થા જરૂર થવી જોઈએ કે રાષ્ટ્રીય આદરના પ્રતિક સમી તમામ વિભૂતિઓના વારસદાર તરીકે આખો દેશ ગણાય અને તેમના નામના વ્યાવસાયિક ઉપયોગ અંગે તેમના કૌટુંબિક વારસદાર ઉપરાંતના કોઈ માન્ય તકેદારી જૂથને પણ આવા પ્રસંગે વિશ્વાસમાં લેવાનું જરૂરી બનાવવું જોઈએ. પરંતુ એવી કોઈ વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી પારિવારિક વારસોના નિર્ણય ઉપર માત્ર ચર્ચા જ થઇ શકશે.
    નેશનલ એમ્બલમ એન્ડ નેમ્સ કે એવા નામવાળો કોઈ કાયદો જરૂર છે જેનો ઉલ્લેખ અરુણ શૌરીએ અંતુલેના સિમેન્ટ પ્રકરણ વખતે અપાયેલી રસીદોના સંદર્ભે તે દિવસોમાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં કર્યો હતો. તેમાં સુધારો થઇ શકે?
    સોચો ઠાકુર!

    ReplyDelete
  2. i was not aware of the whole issue. thanks for educating us on this. my argument is, when Khadi promoted by Gandhi is going to elite circles and is becoming an instrument of earning for some (i know very few) weavers somewhere, fashion shows of khadi garments being organized often, why should we shy away from Gandhi being put on luxury goods? if the royalty is really going to some development effort (we are not expecting efforts towards elimination of caste discrimination from Tushar Gandhi!), its worth it. Buddha's comodification in today's market is not a new thing.
    on the other hand, i believe, the spreading of awareness of Gandhi's message should be made more aggressive to the younger generation, so that they can make informaed choice.
    Brinda

    ReplyDelete