Monday, October 12, 2009

લતા મંગેશકરઃ ભક્તિભાવના સમુહગાન સામે આદરનું એકલગીત

મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરની પ્રશંસામાં પ્રમાણભાન ચૂકવું, પગ નીચે કેળાની છાલ આવ્યા પછી લપસી પડવા જેટલું સહજ છે. તેમના અવાજની મઘુરતા અને સજ્જતા વર્ણવવા માટે વાપરી શકાય એટલાં બધાં વિશેષણો વપરાઇ, બલ્કે ઠલવાઇ અને ઘસાઇ ચૂક્યાં છે. એ માટે તેમની એંસીમાં વર્ષગાંઠ સુધી કોઇએ રાહ જોઇ નથી. એટલે જ તેમની એંસીમી વર્ષગાંઠ (જન્મઃ29-9-1929) નિમિત્તે ખડકાયેલી સામગ્રીમાં ગળપણના હદ બહારના અતિરેક સિવાય ભાગ્યે જ બીજું કંઇ વાંચવા-સાંભળવા મળે છે.


‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ અને ‘ભારતરત્ન’ એમ બન્ને સર્વોચ્ચ સન્માન શોભાવતાં લતા મંગેશકરની પ્રશંસાની એકની એક ઘસાયેલી રેકર્ડ વગાડવાને બદલે, એ સિવાયની પણ થોડી વાત થવી જોઇએ. તેમના અવાજને અને સ્થાનને જરાય ઓછાં આંક્યા વિના, તેની આજુબાજુ બાઝેલાં અહોભાવસર્જીત ગેરમાન્યતાઓનાં જાળાં દૂર કરવાં જોઇએ. લતા મંગેશકરની પ્રતિમા અને પ્રતિભા એવાં મામૂલી નથી કે આટલીસરખી સાફસફાઇથી ખંડિત થઇ જાય. લતા મંગેશકરના કંઠના- પણ માત્ર તેમના જ નહીં, સમગ્રપણે ફિલ્મસંગીતના ચાહક તરીકે, કેટલીક દંતકથાઓ અને તેની સચ્ચાઇ જોઇએ.


લતા મંગેશકર એકમેવ અને અનન્ય છે


તદ્દન સાચી વાત, પણ એ ફક્ત લતા મંગેશકર માટે જ નહીં, કોઇ પણ મહાન કલાકાર માટે સાચી હોય છે. ફિલ્મસંગીતની વાત કરીએ તો, ફક્ત લતા જ નહીં, આશા ભોસલે પણ એકમેવ છે ને શમશાદ બેગમ પણ એક જ! લતા મંગેશકર પહેલાંની પેઢીમાં કાનનદેવી પણ એકમેવ હતાં ને ખુર્શીદ-નૂરજહાં-સુરૈયા પણ અનન્ય! રાજકુમારી, પારૂલ ઘોષ, અમીરબાઇ કર્ણાટકી, ગીતા દત્ત...આ બધાં ગાયિકાઓ એકમેવ અને અનન્ય હતાં, એવું તેમનાં ગીત સાંભળનાર કોઇ પણ સંગીતપ્રેમી ભારપૂર્વક કહેશે.


અટપટી ઘૂનને મઘુરતા ગુમાવ્યા વિના, સાહજિકતાથી અને સફાઇથી અદા કરવામાં લતા મંગેશકર અવ્વલ નંબરે આવે. તેમની આ ખૂબીને કારણે કેટલાંક ગીતો એવાં છે, જેમને ફક્ત લતા જ ન્યાય આપી શકે. લતા મંગેશકર જેવાં ગાયિકા નજર સામે ન હોય તો સંગીતકાર કદાચ એવી ઘૂન બનાવવાની હિંમત ન કરે. પરંતુ ફિલ્મસંગીત કેવળ શાસ્ત્રીય સજ્જતાનો મામલો નથી. કુદરતી બક્ષિસ કહેવાય એવું ગળું પણ કોઇ ચીજ છે. જેમ ઘણાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાઇ શકે, તેમ કેટલાંક ગીતો એવાં પણ છે જે માત્ર નૂરજહાંના કે ગીતા દત્તના કે આશા ભોસલેના કે મુબારક બેગમના અવાજમાં જ શોભે.


દા.ત. મુબારક બેગમનું અતિપ્રખ્યાત ગીત ‘કભી તન્હાઇયોંમેં યું હમારી યાદ આયેગી’ કે ગીતા દત્તનું જાણીતું ગીત ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ લતા મંગેશકરના કે બીજી કોઇ પણ ગાયિકાના અવાજમાં કલ્પી શકાય? કલ્પના કરીએ તો પણ એ ગાયિકાઓના અવાજની ખૂબી લતા મંગેશકરના અવાજમાં આવી શકે? શાસ્ત્રીય તૈયારીની બાબતમાં લતા મંગેશકરનો અવાજ એ ગાયિકાઓના અવાજ કરતાં ચડિયાતો હોઇ શકે, પણ ચોક્કસ ગીતોમાં અસર પેદા કરવાની બાબતમાં લતા મંગશકરનો અવાજ ગીતા દત્ત કે મુબારક બેગમની તોલે ન જ આવી શકે. એની જરૂર પણ નથી. એનાથી લતા મંગેશકરના સ્વતંત્ર માર્કમાં એક ટકાનો ફરક પડતો નથી.
હા, ફક્ત લતા મંગેશકર જ એકમેવ છે ને બાકીના બધા ત્રાંબિયાના તેર, એવા અંધ ભક્તિભાવને તે પડકારે છે. લતા પ્રત્યેનો કોઇ પણ હદનો ભક્તિભાવ અંગત પસંદગી હોય ત્યાં સુધી કંઇ કહેવાનું નથી, પણ અંગત પસંદગીને ઐતિહાસિક ધોરણ કે સનાતન સત્ય તરીકે સ્થાપી શકાય નહીં.


લતા મંગેશકરે સૌથી વધારે ગીતો ગાયાં છે


શું ફરક પડે છે? આપણને ખરેખર કંઇ ફરક નથી પડતો. ગીતોની યાદી કંપનીની બેલેન્સશીટ નથી કે છેવટના આંકડાના આધારે ‘પરફોર્મન્સ’ નક્કી કરવાનું હોય. છતાં, લતા મંગેશકર એંસી-નેવુના દાયકામાં ગૌરવપૂર્વક એવું માનતાં હતાં કે તેમણે સૌથી વઘુ- પચીસ હજાર- ગીતો ગાયાં છે. એટલું જ નહીં, આ વિક્રમસર્જક સિદ્ધિ બદલ થોડાં વર્ષ સુધી ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ’માં પણ તેમનું નામ રહ્યું.


ભક્તમંડળનું સમૂહગાન એવું ચાલ્યું કે કોઇને સાદી ત્રિરાશી માંડવાનો વિચાર ન આવ્યોઃ ચાળીસ વર્ષ સુધી લાગલગાટ એક પણ દિવસ પાડ્યા વિના લતા મંગેશકરે રોજનું એક ગીત રેકોર્ડ કર્યું હોય (અથવા કોરા ગયેલા દિવસો સામે એક દિવસમાં એકથી વઘુ રેકોર્ડંિગ સરભર થતાં હોય) તો પણ તેમનાં ગીતોની કુલ સંખ્યા ૧૪,૬૦૦ થાય! આ કેવળ ગાણિતીક બાબત છે, જેને લતા મંગેશકરની ગાયનપ્રતિભા સાથે કશી લેવાદેવા નથી. પણ ખુદ લતા તેને પોતાની મહાનતા સાથે સાંકળી બેઠાં હતાં.


૧૯૩૧ થી ૧૯૮૦ સુધીના હિંદી ફિલ્મ ગીત કોશના પાંચ ખંડનું મહાકાર્ય કરનાર કાનપુરના હરમંદિરસિંઘ ‘હમરાઝ’ પાસેથી સાચો આંકડો સાંભળ્યા પછી લતા કેમેય કરીને માનતાં ન હતાં. સંખ્યાત્મક રીતે લતા કરતાં આશાએ ગાયેલાં ગીતોની સંખ્યા વધારે હતી. (અત્યારે પણ એ જ સ્થિતિ છે.) મૃદુભાષી, વિવેકી ‘હમરાઝ’ને લતા મંગેશકરે સહેજ તીખાશથી કહ્યું હતું કે ‘સ્વાઝીલેન્ડના મારા એક ચાહક પાસે મારાં પચીસે પચીસ હજાર ગીતોની રેકોર્ડ છે.’ (આ પ્રસંગ હમરાઝે છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચાલતા તેમના અનોખા ત્રૈમાસિક ‘લીસ્નર્સ બુલેટિન’ના અંકમાં કોઇ પણ જાતની કટુતા વિના નોંઘ્યો હતો.)


હિંદી ફિલ્મસંગીતના બે યુગ છેઃ લતા પહેલાં અને લતા પછી


વાત ફક્ત મહિલા ગાયિકાઓની હોય, તો આ વિધાન અંશતઃ સાચું છે. અલબત્ત, હવે તેમાં સુધારો કરીને બેને બદલે ત્રણ યુગ ગણાવવા પડે લતા મંગેશકર પહેલાં, એમના આવ્યા પછી અને એમનો સુવર્ણયુગ વીતી ગયા પછી. વધારે સ્પષ્ટ ભાષામાં કહેવું હોય તો લતા મંગેશકર પહેલાં, લતાનો અવાજ મઘુર હતો ત્યાં સુધી અને ત્યાર પછી.


લતા જે અવાજ માટે લગભગ પૂજાતાં હતાં, એવો અવાજ સિત્તેરના દાયકાના અંત સુધીમાં તેમનો સાથ છોડી ગયો હતો. ત્યાર પછી અવાજની તાલીમ અને સજ્જતા બરકરાર રહ્યાં, પણ શ્રોતાને ઓળઘોળ કરી નાખે એવી કોમળ મઘુરતા ભૂતકાળ બની ગઇ.


આટલી હકીકત ફક્ત ગાયિકાઓ પૂરતી જ. વાત સમગ્રપણે ફિલ્મસંગીતની થતી હોય તો પુરૂષગાયકો ક્યાં ગયા? તેમનું કોઇ વજૂદ જ નહીં? મઘુરતા-સજ્જતા-દિવ્યતાનો સમન્વય રફીના અવાજમાં પણ ક્યાં ઓછો હતો? તલત મહેમુદ, મુકેશ, હેમંતકુમાર, મન્ના ડે જેવા ગાયકો પણ પોતપોતાની વિશિષ્ટ ક્ષમતા સાથે ફિલ્મસંગીતના રસિયાઓ પર પ્રચંડ પ્રભાવ છોડી ગયા. એ બધાની ગણતરી ફક્ત ‘લતા મંગેશકર યુગના ગાયકો’ તરીકે થાય એટલું પૂરતું છે? ન્યાયી છે?


આ મુદ્દા સાથે સંકળાયેલી એક વિલક્ષણ બાબતઃ ચાળીસીના દાયકાના અંત સુધીમાં લતા મંગેશકર ખ્યાતિના શીખરે પહોંચી ચૂક્યાં હતાં. ત્યાર પહેલાંના સમયગાળામાં ફિલ્મસંગીતમાં અનેક ઉત્તમ ગાયિકાઓ અને ગાયિકા-અભિનેત્રીઓ આવી, પણ પચાસ-સાઠના દાયકામાં લતાયુગ મઘ્યાહ્ને હતો ત્યારે ગાયિકા-વૈવિઘ્ય ઘટવા લાગ્યું. ગીતા દત્ત અને શમશાદ બેગમ જેવી અગાઉની જામેલી ગાયિકાઓ હાંસિયામાં ધકેલાવા લાગી. સુમન કલ્યાણપુર, મુબારક બેગમ જેવી નવી ગાયિકાઓ પૂરતી લાયકાત છતાં પોતાનું સ્થાન બનાવી શકી નહીં. આશા ભોસલે દાયકાઓ સુધી મોટા સંગીતકારોની બીજી પસંદગી રહ્યાં. તેમને કામ તો મળી રહેતું હતું, પણ મોટાં બહેન લતાને મળી એ પ્રકારની પ્રતિષ્ઠા ઘણે અંશે છેક એંસીના દાયકામાં ‘ઉમરાવજાન’ની ગઝલોથી મળી. સરખામણીમાં, પુરૂષગાયકોમાં રફીનું એકચક્રી રાજ હોવા છતાં મન્ના ડે, હેમંતકુમાર અને તલત મહેમૂદ પણ સમાંતરે ટકી શક્યા. એ ગાળામાં કોઇ ઉગતા પુરૂષગાયકની ફરિયાદ સાંભળવા મળી નહીં કે ‘સ્થાપિત ગાયકોમાંથી કોઇએ મને આગળ આવતો રોક્યો- મારી કારકિર્દી રૂંધી નાખી.’ લતા નવોદિત સંગીતકારોને પ્રોત્સાહન આપવા જાણીતાં હતાં. તેમની પાસે હિંદી અને ગુજરાતી ગીતો ગવડાવી ચૂકેલા ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાના જણાવ્યા પ્રમાણે, તે નવા સંગીતકારનું પહેલું ગીત મફત ગાતાં હતાં. આ પ્રકારના પ્રોત્સાહનના કિસ્સા ‘લતાયુગ’ની ગાયિકાઓ પાસેથી જાણવા મળતા નથી.
લતા મંગેશકરે સંગીતકારોને ન્યાલ કરી દીધા


આ દાવામાં તથ્ય છે, પણ તે એક જ તરફનું ચિત્ર રજૂ કરે છે. એક સમય એવો હતો, જ્યારે સંગીતકારોએ જ નવોદિત કિશોરી લતાનું મહાન ગાયિકા લતા મંગેશકર તરીકે ઘડતર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. કારકિર્દીના આરંભે લતાને ગુલામહૈદર, ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, નૌશાદ જેવા નીવડેલા સંગીતકારોનું તેમને માર્ગદર્શન મળ્યું. સાથોસાથ, સી.રામચંદ્ર, શંકર-જયકિશન, એસ.ડી.બર્મન, મદનમોહન, રોશન, સલિલ ચૌધરી જેવા પ્રતિભાશાળી યુવાન સંગીતકારો તેમની સર્જકતા ઉછાળા મારતી હતી, એવા તેમની કારકિર્દીના આરંભિક સમયગાળાથી જ તેમને મળ્યા. બન્ને પક્ષો એકબીજાથી સાર્થકતા અનુભવીને સમૃદ્ધ થયા. તે એકપક્ષીય વ્યવહાર ન હતો.


લતા મંગેશકરે અને સંગીતકારોએ ગીતકારો સાથે મળીને સંગીતપ્રેમીઓને ન્યાલ કરી દીધા, પણ લતા મંગેશકરના પ્રિય ગાયક કે.એલ.સાયગલ હતા. સાયગલના સમકાલીન સંગીતકાર-ગાયક પંકજ મલિક વિશે તેમના ચાહકો માને છે કે સાયગલ બરાબર, પણ પંકજ મલિકની તોલે ન આવે. પંકજ મલિક-સાયગલથી રફી-કિશોરકુમાર ને લતા-આશા સુધી સરખામણીનો બિનજરૂરી સિલસિલો ચાલ્યો આવે છે.


સંગીત જેવી ભાવનાત્મક બાબતમાં સરખામણીનું કશું મહત્ત્વ નથી. એક સારૂં ગીત સાંભળતી વખતે બીજા કોઇની મહાનતા યાદ આવતી નથી. એવાં ગીત આપનાર સૌ કલાકારોને - અને એવાં અસંખ્ય ગીતો આપનારાં લતા મંગેશકરને સલામ.

1 comment: