Friday, October 30, 2009

દિવાળી પછી કામના પહેલા દિવસે

અષાઢસ્ય પ્રથમ દિવસે, ઘેરાયેલાં વાદળો જોઇને વિરહી યક્ષના હૈયામાં થઇ હશે, એવી જ ઉથલપાથલ વેકેશન પછીના ઉઘડતા (પહેલા) દિવસે અનેક લોકોના મનમાં થાય છે. ખોટ હોય તો એ લાગણીને મહાકાવ્ય સ્વરૂપે ઢાળનાર કાલિદાસની.

‘ડોન ઝખ્મી હૈ તો ક્યા હુઆ, ડોન આખિર ડોન હૈ’ એવા ડોન-ન્યાયે, વેકેશન લાંબું હોય કે ટૂંકું, વેકેશન આખરે વેકેશન હોય છે- એ પછી વિદ્યાર્થી અવસ્થામાં આવતું દોઢ મહિનાનું હોય કે નોકરિયાત અવસ્થામાં આવતી બે-ચાર દિવસની રજાઓનું. લાંબાટૂંકા વેકેશનની મઝા ઓછીવત્તી હોઇ શકે, પણ એ પૂરૂં થયા પછી કામે ચડવાનો દિવસ આવે ત્યારે એકસરખી કીડીઓ ચડે છે.

‘મોડાં ઉઠશું, મોડાં જમશું, કાલે કરશું સારાં કામ’ એ વેકેશન દરમિયાન મોટા ભાગના લોકોનો જીવનમંત્ર હોય છે. રોજ જે સમયે માણસ કર્મચારી બની જાય, એ સમયે વેકેશનમાં તેનો માણસ અવતાર ચાલતો હોય છે. સવારે આઠ-નવ વાગ્યે પથારીમાં પડી રહેલા માણસનાં નસકોરાંના અવાજમાંથી પણ જાણે ‘ઘરેડ... ભાંગ...ઘરેડ...ભાંગ’ એવો ઘ્વનિ સંભળાય છે. સરકારી આયોજનોમાં પાંચમી યોજનામાં ધારેલાં કામનાં છઠ્ઠી યોજનામાં ઠેકાણાં ન હોય, એવું વેકેશનમાં થાય છે. રોજના પરવારવાના સમયે માણસ ઉઠેલો પણ હોતો નથી અને રોજના ઓફિસમાં પહોંચીને ચા પીવાના સમયે વેકેશનમાં ઘરની ચાનું ઠેકાણું હોતું નથી. આખા સમયપત્રક પર જાણે ‘વેકેશન હોવાથી રદ’નો મોટો, લંબચોરસ લાલ રંગનો સિક્કો મારીને તેને વાંધાજનક દસ્તાવેજો સાથે ફાઇલ કરી દીઘું હોય એવો માહોલ સર્જાય છે.

દિવાળીના વેકેશનમાં સમયપત્રક ખોરવી નાખવાનું ઘણાને ખટકે છે. ‘સપરમા દહાડે અઘોરીની જેમ પડી રહેવાતું હશે? ઉઠો, સાત વાગી ગયા’ એવાં પ્રેરક વચનોથી દિવાળીના તહેવારોમાં વેકેશનગ્રસ્ત સભ્યોને ઉઠાડવાના પ્રયાસ થાય છે, પણ સૂતેલાંને જગાડવાનું કામ કેટલું અઘરૂં છે એ સૌ જાણે છે. તેમાં જગાડનાર સૂઇ જાય એવી પૂરી શક્યતાઓ રહે છે. ‘દિવાળીના દિવસોમાં એક વાર તૈયાર થઇને બેસી જાવ. પછી તમારે જે કરવું હોય તે કરજો.’ એવી આભાસી લાલચ ઘરનો મહિલાવર્ગ આપે છે, પણ અનુભવીઓ જાણે છે કે સૌથી મોટું અને મુખ્ય કામ પથારીમાંથી ઉઠવાથી તૈયાર થવા સુધીનું જ હોય છે. એમાં વિલંબ થાય તો જ વેકેશન જેવું લાગે. બાકી, આઠ વાગ્યામાં પરવારી ગયા પછી ‘જે કરવું હોય તે’માં બાકી શું રહે?

ઘણા ખરા નોકરિયાતો માટે ‘દિવાળી છે માટે રજા છે’ એમ નહીં, પણ ‘રજા છે એટલે દિવાળી છે’ એ વાક્ય વધારે સાચું હોય છે. કાલિદાસે ભલે ભારતીયોને ઉત્સવપ્રિય ગણાવ્યા હોય, પણ સરેરાશ ભારતીય નોકરિયાતો ઉત્સવપ્રિય કરતાં રજાપ્રિય વધારે હોય છે. તેમના માટે દરેક રજા ઉત્સવ હોય છે ને રજા ન હોય એવો કોઇ ઉત્સવ તેમનામાં ઉલ્લાસ પેદા કરી શકતો નથી.

દિવાળીનો ઉત્સવ અને તેનું વેકેશન બીજી રજાઓ કરતાં કેટલીક બાબતોમાં જુદાં પડે છે. કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મની જેમ દિવાળી માટે ‘આવે છે...આવે છે...ટૂંક સમયમાં આવે છે’નો પ્રચાર બહુ વહેલો શરૂ થઇ જાય છે. કેટલાક ઉત્સાહીઓ નવા વર્ષે નવું કેલેન્ડર (કે નવો દટ્ટો) લાવે ત્યારે સૌથી પહેલાં આવતા વર્ષે દિવાળી ક્યારે- કયા વારે છે એ જોઇ લે છે. દિવાળી આડે પહેલાં મહિના, પછી અઠવાડિયાં અને છેવટે દિવસો ગણાય છે. બીજી ચીજોની સાથે ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’, ‘બજારમાં ગઇ સાલ જેવો માહોલ લાગતો નથી’ એ પ્રકારના સંવાદો પણ મનના માળીયામાંથી ઘૂળ ખંખેરીને કાઢવામાં આવે છે. વી.આઇ.પી.ની ગાડી પહેલાં આવતી પાયલોટ કારની જેમ દિવાળી પહેલાં નવરાત્રિ આવે છે અને દિવાળીના આગમન વિશે સૌને ઢંઢોળી મૂકે છે. શરદપૂનમથી જાણે દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે અને દિવાળી પહેલાંની અગિયારસથી વેકેશનોત્સુક હૈયાંને થાય છે,‘બસ, હવે બે-ચાર દિવસ કામ કર્યું- ન કર્યું ને પછી વેકેશન.’

ઉર્દુ શાયરીમાં ‘વસ્લકી રાત’ (મિલનની રાત)ની જે સ્થિતિ હોય છે, એવું જ કંઇક મોટા ભાગના લોકોને દિવાળીની બાબતમાં લાગે છેઃ ‘દિન ગિને જાતે થે જીસ દિન કે લિયે’ એ દિવસો આટલા ટૂંકા! આટલા ઓછા! બે-ત્રણ દિવસની રજા હોય એવા લોકોને તો ‘વેકેશન’ શબ્દ વાપરવામાં પણ સંકોચ થાય છે. એમને દિવાળી વરસાદની શક્યતા ધરાવતાં પણ વરસ્યા વગર જતાં રહેલાં વાદળો જેવી લાગે છે- ‘આવે છે...આવે છે..’ વાળી મલ્ટીસ્ટાર ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધી પડે ત્યારે તે ક્યારે આવીને ક્યારે જતી રહી એની ખબર પડતી નથી. દિવાળીની રજાઓ માટે પણ એવું બની શકે છે. દિવાળીમાં ફક્ત બે દિવસની રજા હોય તો ‘દો આરઝૂમેં કટ ગયે, દો ઈંતઝારમેં’ની જેમ, એક દિવસ આગલા દિવસોનો ભાર ઉતારવામાં જતો રહે છે અને બીજો દિવસ આવનારા કામના દિવસોના માનસિક ભાર તળે વીતે છે. એમ કરતાં નવા વર્ષમાં પહેલી વાર ઓફિસે જવાની ઘડી આવી પહોંચે છે.

દિવાળીમાં લાંબી રજા ભોગવનારા અને સુખી થવાની ક્ષમતા ધરાવતા લોકો લગભગ ભૂલી ગયા હોય છે કે એ ક્યાંક નોકરી કરે છે. રજાઓ પૂરી થવા આવે એટલે તેમને ફરી યાદ આવે છે અને ‘ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ’ જેવી પણ તેનાથી સાવ અવળી લાગણી (ફરી એ જ સવાર, એ જ બોસ, એ જ કકળાટ) તેમને ઘેરી વળે છે. ‘લીટી ભેગો લસરકો’ કરવાની- આટલી રજાઓ ભેગી એક વઘુ રજા ખેંચી કાઢવાની- તેમને ઇચ્છા થાય છે, પણ ઘરમાંથી કોઇ અને કોઇ ન મળે તો તે જાતે શ્રીકૃષ્ણની ભૂમિકા ધારણ કરે છે અને ‘ઉઠ, જાગ અને કામધંધે જા. એ તારો ધર્મ છે અને તેમાં તારૂં શ્રેય છે’ એવો ઉપદેશ પ્રસારિત કરે છે.

આખરે એ દિવસ આવી પહોંચે છે, જ્યારે અગાઉથી વિવિધ યુક્તિપ્રયુક્તિઓ દ્વારા તૈયાર કરેલું મન કામે ચડવા માંડ તૈયાર થાય છે. સવારે વહેલા ઉઠ્યા પછી રણમેદાને ચડતા યોદ્ધાની અદાથી અને ‘પાછો આવું કે ન પણ આવું’ની ગંભીરતા સાથે ચા-પાણીનો કાર્યક્રમ ચાલે છે. નોકરીએ જવા માટે સ્નાન કરતી વખતે આખા વેકેશનના નામનું નાહી નાખ્યું હોય એટલો શોક થાય છે. વેકેશન પછીના પહેલા દિવસે સફેદ કે કાળાં વસ્ત્રો પહેરીને ઓફિસે જવાની ઇચ્છા થાય છે, પણ વ્યવહારની બીકે એ વિચાર માંડવાળ કરવો પડે છે. બસમાં ઓફિસે જવાનું હોય અને થોડા વખત સુધી બસ ન આવે તો ‘આજે બધી બસો બગડી ગઇ હશે? બસસર્વિસ બંધ હશે? કોઇ વીવીઆઇપીનું મૃત્યુ થયું હશે? રજા પડી ગઇ હશે? હું ઘેર જતો રહું?’ એવા પ્રશ્નો હારમાળા સ્વરૂપે મનમાં જાગે છે. વાહન લઇને ઓફિસે જતા લોકો, વાહન ચાલુ થવામાં થોડી પણ વાર લગાડે એટલે વિચારે છે,‘વાહનની ઇચ્છા લાગતી નથી. પાડી દઊં રજા?’ કોઇ બળ તેમને ઘર તરફ ખેંચતું હોય એવું લાગે છે, પણ અદૃશ્ય હાથ જાણે પાછળથી ધક્કા મારીને ઓફિસ તરફ મોકલે છે.

એ નાજુક છતાં બળવાન હાથ લક્ષ્મીના હોય છે અને ખિસ્સામાંથી નીકળીને પેટ સુધી પહોંચે છે.

1 comment:

  1. utkantha9:52:00 AM

    દિવાળીમાં લાંબી રજા ભોગવનારા અને સુખી થવાની ક્ષમતા ધરાવતા લોકો લગભગ ભૂલી ગયા હોય છે કે એ ક્યાંક નોકરી કરે છે. :) very true.. :(

    ReplyDelete