Monday, November 02, 2009

ભૌતિકવિજ્ઞાની હોમી ભાભાની જન્મશતાબ્દિઃ અણુશક્તિના આશક અને આદ્યસ્થાપકને અંજલિ

ઉપગ્રહવિદ્યા અને અણુશક્તિ - આ બન્ને ક્ષેત્રોમાં ભારત આંગળીના વેઢે ગણાય એટલા ચુનંદા દેશોની હરોળમાં સ્થાન ધરાવે છે. એ સ્થાને ભારતને પહોંચાડવામાં નોંધપાત્ર હિસ્સો ધરાવતાં બે ગુજરાતી નામ એટલે ડો.વિક્રમ સારાભાઇ / dr.vikram sarabhai અને ડો.હોમી ભાભા/dr.Homi Bhabha. ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલા અને વિદેશી કેળવણીનો લાભ મેળવનાર આ બન્ને વૈજ્ઞાનિકોએ સંશોધનકાર્ય ઉપરાંત માતબર સંસ્થાઓ સ્થાપીને સ્વતંત્ર ભારતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.

ભૌતિકવિજ્ઞાની તરીકે વૈશ્વિક ખ્યાતિ મેળવનાર અને ભારતના અણુકાર્યક્રમના આદ્યસ્થાપક તરીકે જાણીતા ડો.ભાભાની ૧૦૦મી જન્મતિથી ૩૦ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ ગઇ. તેમનું આયુષ્ય માત્ર ૫૬ વર્ષનું (૧૯૦૯-૧૯૬૬). લગ્ન કર્યું ન હોવાથી કથામાં કોઇ મુખ્ય સ્ત્રી પાત્ર નહીં. આર્થિક સમૃદ્ધિને કારણે ગરીબીમાંથી આગળ આવવાની કોઇ સંઘર્ષકથા નહીં. છતાં ડો.ભાભાનું જીવન એવું હર્યુંભર્યું હતું કે તેના આધારે એકાદ સરસ ફિલ્મ બની શકે.

હોમી ભાભાને તાતા પરિવાર સાથે કૌટુંબિક સંબંધ અને જવાહરલાલ નેહરૂ સાથે ગાઢ સ્નેહસંબંધ હતો. પાશ્ચાત્ય રહેણીકરણી ધરાવતા કુટુંબનો મુક્ત અને મજબૂત ટેકો પણ ખરો. છતાં, હોમી ભાભાએ સંશોધનના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે તેમના પિતાને ચિંતા થઇ. સામાન્ય રીતે યુવાનોને પ્રેમિકા બાબતે કુટુંબ સાથે સંઘર્ષ થતો હોય ત્યારે હોમીને ભૌતિકવિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા કુટુંબની કસોટીમાંથી પાર ઉતરવું પડ્યું.

૧૮ વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના અભ્યાસ માટે પહોંચેલા હોમીએ એક વર્ષ પછી પિતાને લખેલા પત્રમાં જાહેર કરી દીઘું કે ‘કોઇ ઠેકાણે એન્જિનિયર તરીકે નોકરી કરવી અથવા ધંધો કરવો એ મને ગમતી વાત નથી, એવું હું બહુ ગંભીરતાપૂર્વક કહું છે. એ મારી પ્રકૃતિમાં જ નથી અને મારા મિજાજ તથા અભિપ્રાયોથી સાવ વિપરીત છે. મારી લાઇન તો ફિઝીક્સ છે...ફિઝીક્સમાં આગળ વધવાની ઇચ્છા મારામાં ભડભડે છે...’

પિતા જહાંગીર ભાભાએ દુનિયા જોઇ હતી. ભૌતિકવિજ્ઞાનમાં આગળ ભણીગણીને ભારતની કોઇ ઇન્સ્ટીટ્યુટમાં જોડાવાથી છોકરાનો દહાડો નહીં વળે, એવું એમને લાગ્યું. પિતા-પુત્ર વચ્ચે થોડો પત્રાચાર થયા પછી આખરે એવું નક્કી થયું કે હોમી કેમ્બ્રિજમાં એન્જિનિયરિંગના કોર્સમાં ફર્સ્ટ ક્લાસ લાવે તો તેના વઘુ બે વર્ષના ભણતરનો ખર્ચ પિતા ઉપાડશે. ભણવામાં તેજસ્વી હોમીએ ફર્સ્ટ ક્લાસ લાવીને પોતાના પ્રેમ-ભૌતિકશાસ્ત્રને અપનાવવાનો માર્ગ મોકળો કરી લીધો.

કેમ્બ્રિજમાંથી પીએચ.ડી. થયેલા હોમી ભાભા યુરોપના અનેક પ્રતિષ્ઠિત ભૌતિકશાસ્ત્રીઓના પરિચયમાં આવ્યા. કડક પરીક્ષક ગણાતા વુલ્ફગેન્ગ પાઉલીના માર્ગદર્શન હેઠળ હોમીએ ૧૯૩૩માં તેમનું પહેલું રીસર્ચ પેપર લખ્યું. આગળ જતાં અમેરિકાના અણુબોમ્બ બનાવવાના પ્રોજેક્ટમાં સક્રિયપણે સંકળાયેલા એન્રીકો ફર્મીને ઇટાલીમાં અને અણુના બંધારણ અંગે પાયાનું સંશોધન કરનાર નીલ્સ બોહરને તે ડેન્માર્કમાં મળ્યા. કોસ્મિક કિરણો વિશે સંશોધનમાં આગળ વધનાર ડો.ભાભા ૧૯૩૯માં વેકેશન ગાળવા માટે ભારત આવ્યા, ત્યાં સુધીમાં તેમનું અનુભવવિશ્વ ઘણું સમૃદ્ધ અને વૈશ્વિક બની ચૂક્યું હતું.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં, યુરોપના દેશોમાં હિટલરનો આતંક પથરાવા લાગ્યો. ડો.ભાભા માટે યુરોપ પાછા ફરવાનો પ્રશ્ન રહ્યો નહીં. ભારતમાં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ(આઇ.આઇ.એસસી) સાથે ભાભા પરિવારનો પુરાણો નાતો હતો. સી.વી. રામન જેવા પ્રખર (નોબેલવિજેતા) વૈજ્ઞાનિક ત્યાં ભૌતિકશાસ્ત્રનો વિભાગ સંભાળતા હતા. કેમ્બ્રિજમાં ભણતા વિક્રમ સારાભાઇ બીજા વિશ્વયુદ્ધ સમયે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને ડો.રામનના માર્ગદર્શન તળે ભારતમાં પોતાનું પીએચ.ડી.નું સંશોધન આગળ ધપાવી રહ્યા હતા. આ વાતાવરણમાં ડો.ભાભા આઇ.આઇ.એસસીમાં જોડાઇ જાય એવું રામન ઇચ્છતા હતા, પણ સંસ્થાના માળખામાં તેમને કેવી રીતે બેસાડવા? આખરે, તાતા ટ્રસ્ટે આઇ.આઇ.એસસીમાં ‘સ્પેશ્યલ રીડર ઇન કોસ્મિક રે રીસર્ચ યુનિટ’ એવો હોદ્દો ઉભો કર્યો અને એ હોદ્દે ડો.ભાભાની નિમણૂંક થઇ.

ડો.ભાભા અને વિક્રમ સારાભાઇ વચ્ચે દસ વર્ષનો તફાવત હોવા છતાં, બન્ને વચ્ચે સારો મેળ જામ્યો. બન્ને પાકા સંશોધકો હોવા ઉપરાંત નખશીખ કળાપ્રેમી હતા. ભાભા પોતે પિયાનો અને વાયોલિન વગાડી શકતા હતા અને ચિત્રો પણ દોરતા હતા. બન્ને સંશોધકો જીવનના આનંદોથી વિમુખ થયા ન હતા. ડો.ભાભા અને વિક્રમભાઇ વચ્ચેના મનમેળનાં સારાં પરિણામો સમગ્ર દેશને મળવાનાં હતાં.

જવાહરલાલ નેહરૂને ‘ભાઇ’ તરીકે સંબોધવા જેવો આત્મીયં સંબંધ ધરાવતા હોમી ભાભા, એ સંબંધના કારણે સરકારી બાબુશાહીમાંથી પોતાનો રસ્તો કાઢી શક્યા અને સરકારી માન્યતા ધરાવતી સંસ્થાઓ સ્થાપીને તેને પોતાની રીતે ચલાવી શક્યા. સરકારી બાબુઓનું વૈજ્ઞાનિકો પ્રત્યેનું વલણ કેવું હતું તેનો એક કિસ્સો ડો.વિક્રમ સારાભાઇનાં ચરિત્રકાર અમૃતા શાહે નોંઘ્યો છેઃ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેઘનાદ સાહા અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના વડા હતા, ત્યારે તેમણે લાયબ્રેરી માટે કેટલાંક પુસ્તકો મંગાવ્યાં. પુસ્તકોની યાદી ‘સાહેબ’ સુધી પહોંચ્યા પછી મેઘનાદ સાહાને જવાબ મળ્યો,‘પહેલાં લાયબ્રેરીમાં જેટલાં છે તેટલાં પુસ્તકો વાંચો. પછી બીજાં ખરીદવાની વાત કરજો.’

આઝાદી પછી પણ સરકારી બાબુઓની માનસિકતા એમ બદલાવાની ન હતી. પણ નેહરૂના આમંત્રણથી ડો.ભાભાને આઝાદ ભારતની એટમિક એનર્જી રીસર્ચ કમિટીના અને ત્યાર પછી એટમિક એનર્જી કમિશનના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા. સરકારમાં અણુશક્તિનો અલાયદો વિભાગ (ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી) અસ્તિત્ત્વમાં આવ્યો, ત્યારે ડો. ભાભાને તેના સચિવ તરીકે નીમવામાં આવ્યા. ભાભાની જ સલાહથી નેહરૂ સરકારે અવકાશ સંશોધનના દરવાજા ખોલ્યા અને એ ક્ષેત્રને ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અંતર્ગત સામેલ કરવામાં આવ્યું. આ ક્ષેત્રમાં સંશોધન માટે યોગ્ય સંસ્થાની પસંદગી કરવાની આવી ત્યારે ડો.ભાભાએ યોગ્ય રીતે જ ડો.વિક્રમ સારાભાઇ દ્વારા સ્થપાયેલી પીઆરએલ (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ને સરકારી માન્યતા આપી. એટલું જ નહીં, વિક્રમભાઇને એટમિક એનર્જી કમિશનના બોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યા.

વિક્રમભાઇ સ્પેસ રીસર્ચની અને તેમાં રહેલી શક્યતાઓની વાત કરતા હતા, ત્યારે તેમના કેટલાક સહકાર્યકરોને લાગતું હતું કે ‘સરકારી તંત્રમાં વિક્રમભાઇના વિચારોનો અમલ થાય એ શક્ય નથી.’ પરંતું ડો.ભાભાના પ્રતાપે વિક્રમભાઇ સરકારી બાબુઓના ગઢમાં સહજતાથી પ્રવેશી શક્યા અને ૧૯૬૨માં ડો.ભાભાના અઘ્યક્ષપદ હેઠળ ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીએ ‘નેશનલ કમિટી ફોર સ્પેસ રીસર્ચ’ની સ્થાપના કરી, ત્યારે તેના અઘ્યક્ષ તરીકે ડો.વિક્રમ સારાભાઇને નીમવામાં આવ્યા. એ રીતે સરકારી તંત્ર જોડે લમણાંકૂટમાં પડ્યા વિના કે નેતાઓની દાઢીમાં હાથ નાખ્યા વિના, વિક્રમભાઇ સરકારી અવકાશ સંશોધન કાર્યક્રમના અઘ્યક્ષ બની શક્યા. અણુશક્તિ ક્ષેત્રે પ્રદાન માટે જાણીતા ડો. ભાભાનું આ અવકાશ સંશોધન ક્ષેત્રનું પ્રદાન હતું.

ડો.ભાભા અણુશક્તિના પ્રખર હિમાયતી હતા. યુરોપના દેશોમાં અણુશક્તિ વિશે શંકા સેવાતી હતી, ત્યારે ડો.ભાભા નેહરૂને અણુશક્તિ માટે સંમત કરી શક્યા હતા. ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (ટીઆઇએફઆર) અને ટ્રોમ્બેના અણુમથક જેવી સંસ્થાઓ ડો.ભાભાની દીર્ઘદૃષ્ટિની દેન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડો.ભાભાએ વિયેનાસ્થિત ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની પહેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું અઘ્યક્ષપદું શોભાવ્યું હતું. તેમના આમંત્રણથી જ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી નીલ્સ બોહર સજોડે ૩ જાન્યુઆરી, ૧૯૬૦ના રોજ ભારતની મુલાકાતે આવ્યા.

ડો.ભાભા પર અણુશક્તિનાં વઘુ પડતાં ગુણગાન ગાવાનો, તેના ફાયદા બઢાવીચઢાવીને રજૂ કરવાનો આરોપ વૈજ્ઞાનિક સમુદાયમાંથી ક્યારેક મૂકાતો હોય છે. એ નિષ્ણાતોની ચર્ચાનો વિષય છે, પણ તારાપુર અણુવિદ્યુત મથક તથા (ચીનના અણુધડાકા પછી) ભારતની અણુશક્તિ માટે તૈયારી અને તત્પરતા દાખવનારા ડો.ભાભાનો વારસો હજુ જીવંત છે. ભારતમાં અત્યારે ૧૭ અણુરીએક્ટર કાર્યરત છે, બીજાં ૬ બંધાઇ રહ્યાં છે, વધારાનાં ૪ મથકોનું આયોજન છે અને બીજાં ૧૫ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. (તેમ છતાં ભારતની વીજળીની જરૂરિયાતને પૂરેપૂરી સંતોષી શકાય એમ નથી. )

દુઃખદ સંયોગ એવો કે અણુશક્તિના કાર્યક્રમના પાયામાં રહેલા ડો.ભાભા પોતાનું સ્વપ્ન સાકાર થતું જોઇ શક્યા નહીં. તારાપુરનું અણુવિદ્યુતમથક કાર્યરત થાય, તે પહેલાં જ હોમી ભાભા જેમાં મુસાફરી કરતા હતા તે એર ઇન્ડિયાનું ‘કાંચનજંઘા’ વિમાન ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ આલ્પ્સ પર્વતના મોં બ્લાં શીખરને અથડાઇને તૂટી પડ્યું. ડો. ભાભાના અકાળ અવસાન માટે કારણભૂત એ અકસ્માત પાછળ કોઇ કાવતરૂં જવાબદાર હતું, એવી અટકળો વર્ષો સુધી ચાલતી રહી. પરંતુ ડો.હોમી ભાભાને તેમના મૃત્યુ વિશેની અટકળોથી નહીં, તેમણે કરેલા વૈવિઘ્યપૂર્ણ પ્રદાનથી યાદ રાખવાનું વધારે યોગ્ય છે.

1 comment:

  1. નીલ્સ બોર્હનો ઉલ્લેખ વાંચી 'કોપન હેગન સ્પીરીટ' યાદ આવી ગયો.

    તમારી પાકટ કલમે તે વીશે વાંચવું ગમશે .. અને મુકત મનની ચર્ચા કોને કહેવાય, તે વીશે વાચકોને સરસ માહીતી પણ આપી શકશો.

    ReplyDelete