Thursday, November 05, 2009

જગદીપ સ્માર્તની અણધારી વિદાય


Jagdeep Smart; (below) 'Ma' by Jagdeep Smart

ગઇ કાલે મિત્ર સંજય ભાવેનો ફોન આવ્યો,‘સુરતના ચિત્રકાર જગદીપ સ્માર્ત ગયા.’
સુરતના અને ગુજરાતના સાંસ્કૃતિક જગતમાં જગદીપભાઇનું નામ જાણીતું હતું- પહેલાં કાકા વાસુદેવ સ્માર્ત થકી અને પછી પોતાના કામના અને ઉત્સાહી સ્વભાવના બળે. પાંચેક વર્ષ પહેલાં મિત્ર બકુલભાઇ ટેલર સાથે જગદીપભાઇના ઘરે ગયો હતો. બકુલભાઇના એ જિગરી મિત્ર. બકુલભાઇ થકી જ એમની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મળી.

માત્ર ચિત્ર જ નહીં, નાટક, કવિતા અને બીજી તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જગદીપભાઇ ઊંડાણપૂર્વક અને ઉત્સાહભેર રસ લેતા હતા. મૃત્યુ સમયે એમની ઊંમર ફક્ત ૫૩ વર્ષ હતી. અગાઉ આઠ-નવ વર્ષ પહેલાં તેમને હૃદયરોગનો એક હુમલો આવી ચૂક્યો હતો, પણ તેમનો જીવનરસ જોતાં હજુ તો આયુષ્યની સફરમાં એ અડધે પહોંચેલા લાગતા હતા.

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી શરૂ થયા પછી તેમાં જીવ રેડીને કામ કરનારા જગદીપભાઇને તેમના વિદ્યાર્થીઓએ ભવ્ય અંજલિ આપી. ગઇ કાલે તેમનું અવસાન થયા પછી અંતિમ યાત્રા આજે સવારે હતી, પણ વિદ્યાર્થીઓ આખી રાત જગદીપભાઇના ઘરે રહ્યા. પોતાના પ્રિય ગુરૂજીને અંજલિરૂપે તેમણે ચિત્રો બનાવ્યાં અને સવારે જે ખુલ્લા વાહનમાં જગદીપભાઇનો મૃતદેહ ગોઠવાયો, એ વાહનને ચારે બાજુથી વિદ્યાર્થીઓએ દોરેલાં અંજલિચિત્રોથી શણગારવામાં આવ્યું. એક કલાકારને આનાથી મોટું માન બીજું કયું હોઇ શકે? (આ અંતિમયાત્રાની તસવીરો મળશે તો ભવિષ્યમાં બ્લોગ પર મૂકવા ધારૂં છું. )

દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે સ્ટડી ટુર પર જનારા જગદીપભાઇ આ દિવાળીએ ખજૂરાહો-સાંચી જેવાં સ્થળોએ સપરિવાર અને પચાસેક વિદ્યાર્થીઓ સાથે ગયા હતા. જગદીપભાઇનો પુત્ર રાજર્ષિ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ભણાવે છે અને દીકરી કૃષ્ણપ્રિયા એ જ ફેકલ્ટીમાં ભણે છે. તેમનાં પત્ની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરે છે.

જગદીપભાઇનાં અનેકવિધ કામોમાં એમ.એફ.હુસેનની સ્મૃતિકથાનો પણ સમાવેશ થતો હતો. (એ કામ હજુ અઘૂરૂં છે.) અગાઉ હુસેનની આત્મકથાનો જગદીપભાઇએ ગુજરાતીમાં ‘દાદાનો ડંગોરો લીધો, તેનો તો મે ઘોડો કીધો’ એ નામે કર્યો છે. જગદીપભાઇના બાળપણનો મોટો હિસ્સો વારાણસીમાં વીત્યો હોવાથી ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ તે સહજતાપૂર્વક લખી શકતા હતા. મિત્રો-દોસ્તોનો ગણેશનાં જુદાં જુદાં સ્વરૂપો દોરી આપવા માટે તે જાણીતા હતા.

તેમણે અજમાવેલાં કલાસ્વરૂપોમાં કઠપૂતળીઓનો પણ સમાવેશ થાય છે. એ વિષય પર તેમણે ચિત્રો પણ કર્યાં હતાં. સાહિત્યપ્રેમને કારણે વિનોદ મેઘાણીએ કરેલા ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના અંગ્રેજી અનુવાદોમાં પણ જગદીપભાઇનાં ચિત્રો હતાં. જગદીપભાઇએ યોજેલા એક કલામહોત્સવમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો માટે આવેલા વિનોદ મેઘાણી અને હિમાંશી શેલતની મુલાકાત થઇ હતી. એ બન્નેના લગ્નમાં જગદીપભાઇએ એક સાક્ષી તરીકે સહી કરી હતી.

જગદીપભાઇના આકસ્મિક મૃત્યુનો આઘાત પચાવતાં મિત્રોને ઘણો સમય લાગશે.

1 comment:

  1. હજુ બે-ત્રણ દિવસ પહેલા તેમની સાથે વાત થઇ કથપુતલીનાં વકૅશોપ માટે,તેમણે કહ્યુ થોડા દિવસ થોભી જાઓ.ને અચાનક કાલે આ આઘાતજનક સમાચાર.નાના બાળકોની સાથે કામ લેવાની ને તેમને પ્રોત્સાહિત કરવાની ગજબ ની આવડત હતી તેમની. જગદીપ સર ની ખોટ કયારેય નહીં પુરાય.

    ReplyDelete