Tuesday, November 10, 2009

માથા પરથી વહેતાં માઓવાદનાં પાણી

‘બધા મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધા આતંકવાદીઓ મુસ્લિમ હોય છે’ એવાં ચબરાકીયાં સૂત્રો સાથે જોરશોરથી ભારતમાં ત્રાસવાદની જાહેર ચર્ચાઓ થતી હતી, ત્યારે માઓવાદનો આતંક ભારતમાં ચૂપચાપ અને ચિંતાજનક ગતિએ પ્રસરી રહ્યો હતો.

‘ચૂપચાપ’ તો ખરેખર ન કહેવાય, કારણ કે માઓવાદી હિંસાનો સિલસિલો કોઇને પણ સંભળાય એવા ધડાકાભડાકા સાથે વણથંભ્યો જારી હતો- એ જેલમાંથી ધોળા દિવસે કેદીઓ ઉઠાવી જવાની ઘટના હોય કે સુરક્ષાદળો પર થતા ઘાતકી હુમલાના બનાવ. રાજકીય પક્ષો ત્યારે સાંસદોના સરવાળા-બાદબાકીમાં અને ચૂંટણીઓ જીતવામાં વ્યસ્ત હતા. કેટલાક નેતાઓ બોમ્બધડાકાના પગલે સર્જાતી કોમી તંગદીલી સર્જાય છે કે નહીં એ તપાસવામાં અને શક્ય હોય તો તેની રોકડી કરવાની વેતરણમાં હતાં.

એ સમયગાળા દરમિયાન શું થયું? તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે આપેલા આંકડામાંથી મળે છેઃ ગયા મહિને ચિદમ્બરમે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે, નક્સલવાદી-માઓવાદી હિંસા ભારતનાં ૨૦ રાજ્યોના ૨૨૩ જિલ્લાનાં ૨૦૦૦થી પણ વઘુ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેલાઇ ચૂકી છે. ૨૦૦૮માં નક્સલવાદી હિંસાના ૧૫૯૧ બનાવો નોંધાયા હતા, જેમાં ૭૨૧ના જાન ગયા હતા. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં જાનહાનિનો આંકડો ૫૮૦ સુધી પહોંચી ગયો હતો. ૨૦૦૮માં નક્સલવાદી-માઓવાદી હિંસામાં ૨૩૧ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા, જ્યારે આ વર્ષે ૨૫૦થી પણ વઘુ સુરક્ષાકર્મીઓ નક્સલવાદી-માઓવાદી હિંસાનો ભોગ બની ચૂક્યા છે. આ તો સત્તાવાર આંકડા છે. સચ્ચાઇ એના કરતાં ઘણી વધારે ખોફનાક હશે.

વાદના નામે ત્રાસવાદ

ડાબેરી રાજકારણના લોહિયાળ સ્વરૂપ જેવા નક્સલવાદ-માઓવાદનો આરંભ ૧૯૬૭માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામે થયો. એ ગામના નામ પરથી જમીનદારો સામે શ્રમિકોનો સશસ્ત્ર વિદ્રોહ ‘નક્સલ ચળવળ’ તરીકે ઓળખાયો અને સમય જતાં તે નક્સલવાદ બન્યો.

નક્સલબારી આંદોલનના નેતા ચારૂ મઝુમદારે ૧૯૬૯માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓઇસ્ટ-લેનિનિસ્ટ)- ટૂંકમાં સીપીઆઇ (એમ-એલ)- ની સ્થાપના કરી. તેમાંથી અનેક પેટાસંગઠનો રચાયાં. આ પક્ષની સમાંતરે માઓઇસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર (એમસીસી)નો પણ આરંભ થયો, જેમાં સીપીઆઇ (એમ-એલ)થી અસંતુષ્ટ એવા નક્સલવાદીઓ જોડાયા. ૧૯૮૦માં આંધ્ર પ્રદેશમાં પીપલ્સ વોર ગુ્રપ (પીડબલ્યુજી) અસ્તિત્ત્વમાં આવ્યું. વેરવિખેર સ્વરૂપે કામ કરતાં આ સંગઠનો ૨૦૦૪માં એક થઇ ગયાં અને તેમાંથી સીપીઆઇ (એમ) તરીકે ઓળખાતું માઓવાદી હિંસક સંગઠન અસ્તિત્ત્વમાં આવ્યું, જે અત્યારે સરકારોની ઊંઘ હરામ કરી રહ્યું છે. એ દૃષ્ટિએ જોતાં નક્સલવાદ અને માઓવાદ વચ્ચે હવે કશો તાત્ત્વિક કે વાસ્તવિક ફરક રહ્યો નથી. બન્ને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરી શકાય છે

માઓવાદનો સૌથી વધારે ઉપાડો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં છે. હકીકતે, ભારતના નકશામાં આ રાજ્યોનો આખો પટ્ટો બિનસત્તાવાર રીતે ‘રેડ બેલ્ટ’ તરીકે ઓળખાવા લાગ્યો છે.

નક્સલવાદી આંદોલનનો આરંભ શોષણ અને ગરીબી સામેના વિદ્રોહમાંથી થયો, પણ ત્યાર પછી સમય અને સંજોગો ઘણા બદલાયાં છે. હવેનો માઓવાદ સામાજિક-આર્થિક પ્રશ્ન પણ છે અને કાયદો-વ્યવસ્થાનો સવાલ પણ! માઓવાદનો ખતરો વર્ણવવા માટે ‘કાયદો-વ્યવસ્થા’ જેવા શબ્દો ટાંચા પડે. વાસ્તવમાં તે સમગ્ર દેશના માથે તોળાઇ રહેલો આંતરિક સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.

તેમ છતાં ઘણા બૌદ્ધિકો માઓવાદીઓ પ્રત્યે ઓછેવત્તે અંશે સહાનુભૂતિ ધરાવે છે. આ લાગણીના મૂળમાં ગરીબોને થયેલા અન્યાયનો અને તેમના સામાજિક-આર્થિક પછાતપણાનો અહેસાસ કારણભૂત હોય છે. એ જ અપરાધભાવ તેમને માઓવાદી હિંસાની ખોંખારીને, બિનશરતી ટીકા કરતાં રોકે છે. સિદ્ધાંતચર્ચામાં પડી જતા બૌદ્ધિકો એ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી કે માઓવાદીઓનું ઘ્યેય કોઇ કાળે ગરીબોના ઉત્કર્ષનું અને સમાનતા સ્થાપવાનું હશે, પણ હવે તેમની લડાઇ બહુ જુદી દિશામાં ફંટાઇ ચૂકી છે. તેમનો મુખ્ય રસ હવે સરકારી તંત્રને ઉથલાવીને પોતાની સમાંતર સત્તા જમાવવામાં, રૂપિયા ઉઘરાવવામાં અને ધાક જમાવવામાં રહી ગયો છે. જે ગરીબ, શોષિત સમુદાયના હિતનો વિચાર કરીને બૌદ્ધિકો માઓવાદ વિશે સહાનુભૂતિ સેવે છે, એ સમુદાયની વાસ્તવિક સ્થિતિ વિશે વિચાર કરવામાં આવતો નથી. માઓવાદીઓના ગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબોની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. એક તરફ માઓવાદીઓની બંદૂક અને બીજી તરફ સાલ્વા છત્તીસગઢ સરકારના જૂડુમ કે એવાં જ બીજાં સરકારી દળોની બંદૂક. એમાં જીવનનિર્વાહની મૂળભૂત સુવિધાઓ અને ગરીમાપૂર્વક જીવન જીવવાના અધિકારની ક્યાં વાત રહી? ગોળી ન વાગે એ જ ગનીમત.

માઓવાદીઓની બોલબાલા હોય એવાં સ્થળોની પરિસ્થિતિ કેવી છે? પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં માઓવાદીઓ કોઇ પણ નવા પ્રોજેક્ટ સામે વાંધા પાડે છે. વિરોધ પાછળ દેખીતું કારણ આમજનતાના હિતનું આપવામાં આવે છે, પણ અસલી ખતરો પોતાનું રજવાડું ગુમાવવાનો હોય છે. નક્સલવાદીઓની આણ ધરાવતા વિસ્તારમાં તેમનું શબ્દાર્થમાં રજવાડું ચાલે છે ઃ એ લોકો રાજ ચલાવે છે, કરવેરા ઉઘરાવે છે, ન્યાય તોળે છે અને સજા ફરમાવે છે. બદલામાં પ્રજાને શું મળે છે? માઓવાદીઓના ખોફમાંથી કામચલાઉ મુક્તિ, જે કોઇ પણ સમયે માઓવાદીઓ તરફથી કે સરકારી દળો તરફથી જીવના જોખમમાં પરિવર્તીત થઇ શકે છે. માઓવાદીઓને કારણે સંબંધિત વિસ્તારનો વિકાસ થવાનું બાજુ પર રહ્યું, તેમનો પ્રભાવ ધરાવતા ઇલાકા વઘુ ને વઘુ પાછળ ધકેલાતા જાય છે. જરાસરખી શંકાના આધારે માઓવાદીઓ આત્યંતિક પગલાં લેતાં ખચકાતા નથી.

પોતાના રજવાડામાં સરકારની ‘દખલગીરી’ દૂર કરવા માટે નક્સલવાદીઓ સ્કૂલ-દવાખાનાં અને સરકારી મકાનો જેવી જાહેર સંપત્તિ પર હુમલા કરીને ભાંગફોડ મચાવતા રહે છે. ગયા મહિને બિહારમાંથી પકડાયેલા માઓવાદી નેતા અને કૃષિ વૈજ્ઞાનિક રવિ શર્માએ આ હુમલા વાજબી ઠરાવીને કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ આ મકાનો ખાલી નહીં કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. માઓવાદીઓ દ્વારા ઉઘરાવાતાં નાણાં ગરીબોને સુવિધા પૂરી પાડવામાં વપરાતાં હોવાનો દાવો તેમણે કર્યો હતો, પણ વ્યાપક માઓવાદી નેટવર્ક અને તેની ધમધમતી પ્રવૃત્તિઓ જોતાં નાણાંનો મોટો હિસ્સો ક્યાં વપરાતો હશે, એ કલ્પી શકાય એવું છે.

માઓવાદઃ સરહદ પાર

માઓવાદી કે નક્સલવાદી તરીકે ઓળખાતા સમુહમાં અનેક પ્રકારના લોકો હોઇ શકે છેઃ હિંસક હુમલાની વ્યૂહરચના નક્કી કરનાર ટોચના નેતાથી માંડીને તેમના હુકમોનું પાલન કરનાર-કરાવનાર બીજી હરોળના નેતાઓ, ભોળા-આદર્શઘેલા કાર્યકરો, બીજો વિકલ્પ ન હોવાથી મજબૂરીને કારણે માઓવાદીઓ સાથે ભળેલા સ્થાનિક લોકો, ‘સરકાર કરતાં માઓવાદીઓ સારા’ એવું વિચારનારા લોકો...

આ તમામને ‘માઓવાદી’નું લેબલ મારીને પહેલી તકે તેમનું ‘એન્કાઉન્ટર’ કરી નાખવાથી સમસ્યા ઉકેલાય એમ નથી અને એ શક્ય પણ નથી. કારણ કે પંજાબના ત્રાસવાદીઓની માફક માઓવાદીઓ એકાદ રાજ્ય પૂરતા સીમિત નથી.

સાથોસાથ, રીઢા અને કોઇના પણ ભોગે પોતાનું રજવાડું જાળવવા કૃતનિશ્ચયી માઓવાદી નેતાઓને તેમની શરતોએ વાટાઘાટો માટે નિમંત્રણ આપવાથી પણ ઝાઝો અર્થ સરે તેમ નથી. કારણ કે બંદૂક સિવાયની ભાષામાં વાતચીત કરવાની તેમની ટેવ છૂટી ગઇ છે. પોતાનું ધાર્યું થાય ત્યાં સુધી સુલેહભર્યું વલણ રાખવું અને પોતે નમવાનું આવે ત્યારે ટેબલનો ઉલાળીયો કરી દેવો એ તેમની પદ્ધતિ છે.

માઓવાદીઓની પ્રકૃતિ અને પદ્ધતિ જાણવા માટે પાડોશી દેશ નેપાળનું ઉદાહરણ હાથવગું છે. ત્યાં નાગરિકોના વિરોધ સહિત ઘણાં પરિબળોને કારણે રાજાશાહીનો અંત આવ્યા પછી માઓવાદીઓ ચૂંટણીપ્રક્રિયામાં જોડાયા અને સરકારમાં સામેલ થયા. પ્રચંડ તરીકે ઓળખાતા માઓવાદી નેતા પુષ્પકમલ દહલ વડાપ્રધાન પણ બન્યા. છતાં માઓવાદીઓને લોકશાહી ઢબે શાસન ચલાવવાનું ફાવતું નથી. પ્રચંડે વડાપ્રધાન તરીકે ક્યારનું રાજીનામું આપી દીઘું છે અને હવે માઓવાદીઓ બીજા રસ્તે સત્તા કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.

માઓવાદી ખતરાની ગંભીરતામાં વધારો કરનારું પરિબળ છેઃ ચીન સાથે માઓવાદીઓનો સંબંધ. ભારત સાથે સરહદોના મુદ્દે સતત તકરાર કરતું ચીન ભારતના માઓવાદીઓનું મદદગાર હોય એ મજબૂત સંભાવનાથી આખી સમસ્યા ફક્ત કાયદો-વ્યવસ્થાની ન રહેતાં, આંતરરાષ્ટ્રિય ત્રાસવાદની બને છે. આ બાબતમાં પાકિસ્તાન (યોગ્ય રીતે જ) ઘણું નામીચું છે, પણ સરહદપારના ત્રાસવાદમાં પાકિસ્તાનની સાથે ચીનની ગણતરી કરવામાં આવતી નથી. માઓવાદીઓના વધતા ઉપાડા પછી એ વિશે પણ નવેસરથી વિચારવાનું થાય છે.

પહેલું પગથિયું ચડવાના વાંધા

માઓવાદીઓ સાથે બે ધાગે કામ પાડવા માટે રાજકીય લાભાલાભનાં ગણિત બાજુ પર મૂકાય તે પહેલી શરત છે. પરંતુ એ પ્રાથમિક કસોટીમાં ભારતના રાજકીય પક્ષોનો દેખાવ અત્યાર લગી બહુ કંગાળ રહ્યો છે. માઓવાદીઓનો ઉપયોગ પોતાના ફાયદામાં કેમ કરી લેવો (રાષ્ટ્રને ભલે તેનાથી નુકસાન હોય) એની હરીફાઇ પાણી માથા પરથી વહી ગયા પછી પણ અટકી નથી. તેનો તાજો દાખલો રાજધાની એક્સપ્રેસના અપહરણ વખતે જોવા મળ્યો. મમતા બેનરજીએ શરૂઆતમાં ડાબેરીઓ પર અપહરણનો આરોપ મૂકી દીધો. ત્યાર પછી રહસ્ય ખૂલ્યું કે રાજધાનીનું અપહરણ કરનાર જૂથ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે નજીકનો સંબંધ ધરાવતું હતું. સિંગુર અને નંદીગ્રામના સંઘર્ષો વખતે પણ બંગાળની ડાબેરી સરકાર સામે મમતા બેનરજીને માઓવાદીઓ તરફથી કાર્યકરોનો ટેકો મળ્યો હોવાના મજબૂત આરોપ ઉભા છે.

મમતાના કટ્ટર વિરોધી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પણ માઓવાદીઓનો મુકાબલો કરવામાં નબળા પુરવાર થયા છે. માઓવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કેદ પકડેલા એક અફસરને છોડાવવા માટે ભટ્ટાચાર્ય સરકારે માઓવાદીની તમામ શરતો મંજૂર રાખી. એટલું જ નહીં, પ્રસાર માઘ્યમોની હાજરીમાં બંદીઓની લેવડદેવડ થઇ ત્યારે માઓવાદીઓએ પોલીસ અફસરના ગળામાં ‘પીઓડબલ્યુ’ (પ્રીઝનર્સ ઓફ વોર- યુદ્ધકેદી)નું બોર્ડ ચીતર્યું હતું. એ શબ્દપ્રયોગ સામાન્ય રીતે બે દેશ વચ્ચેના યુદ્ધ દરમિયાન પકડાયેલા કેદીઓ માટે વપરાતો હોય છે.

યુદ્ધે ચડેલા માઓવાદીઓ સામે મોડી મોડી જાગેલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે ટાંટિયા ખેંચવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી માઓવાદીઓનું રજવાડું ફૂલતુંફાલતું રહેશે.

No comments:

Post a Comment