Monday, June 29, 2020

ખમણ અને કોરોના

ખમણ અને કોરોના—બંને વચ્ચે એટલો જ સંબંધ છે, જેટલો ગૃહ મંત્રી અમિત શાહને વતન પરત ફરવા માગતા શ્રમિકો જોડે હતો. (એટલે કે, કશો જ નહીં) તેમ છતાં, અમિત શાહ ગૃહ મંત્રી રહી શકતા હોય, તો ખમણ અને કોરોના મથાળામાં સાથે કેમ ન રહી શકે? પછી તો એવું છે કે અમિત શાહ ગૃહ મંત્રી હોય એટલે શ્રમિકો સાથે તેમનો કંઈ ને કંઈ સંબંધ જોડી કઢાય. એવી જ રીતે, કોરોના અને ખમણ સાથે મુક્યા પછી તેમની વચ્ચેનો સંબંધ પણ કેમ ન જોડી શકાય? 

આજકાલ કોરોનાની સાથે જુદાં જુદાં ઉત્પાદનો એવું પણ કહી રહ્યાં છે કે અમારાથી કોરોના ફેલાતો નથી. જેમ કે, કેટલાંક છાપાં. એ જુદી વાત છે કે ઘણાં છાપાંને ખતરનાક બનવા માટે કોરોના ફેલાવવાની જરૂર પડતી નથી. તેમની સામગ્રી જ એવી હોય છે કે તેનાથી જાહેર જીવન પંગુ બને-નાગરિકવૃત્તિને શ્વાચ્છોશ્વાસની તકલીફ પડવા માંડે. તો છાપાં કે બીજાં કેટલાંક ઉત્પાદનોની જેમ ખમણ વેચનારા પણ એવો દાવો કરી શકે કે અમારાં ખમણથી ફક્ત સ્વાદ ફેલાય છે, કોરોના નહીં. જેન્ડર-બૅલેન્સ એટલે કે નર-નારી સમાનતાનો ખ્યાલ રાખીને આગળના વિધાનમાં ખમણ સાથે ખમણીને પણ સામેલ કરી લેવી. લોચાનું શું કરવું, એ અલગથી નક્કી કરવું પડે. જરૂર પડ્યે તેના માટે સરકાર હુકમ-અધિનિયમ-માર્ગદર્શિકા જેવું કંઈક બહાર પાડી શકે. તેમાં પણ અવઢવ લાગતી હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અમલમાં લોચાનો, વધુ એક લોચાનો, સમાવેશ કરી શકાય. એક જમાનામાં લોચો ફક્ત સુરતનો વખણાતો, પણ કોરોનાકાળમાં દિલ્હી-ગાંધીનગરના લોચાએ સુરતને ક્યાંય પાછળ રાખી દીધું છે—એવું ફક્ત સુરતીઓ જ નહીં, ગુજરાતભરના અને દેશભરના લોકો પણ કરી શકે છે.

કોરોનાકાળમાં માસ્કની જેમ આયુર્વેદિક ચીજવસ્તુઓનું બજાર પણ ઉંચકાયું છે. તેનો લાભ લઈને ખમણવાળા ‘આયુર્વેદિક ખમણ’નો એક પ્રકાર ઉમેરી શકે છે અથવા ‘બહુખમણા વસુંધરા’ એવી ગુર્જરભૂમિના સાહસિક દુકાનદારો ખમણના દરેક પ્રકાર આગળ ‘આયુર્વેદિક’ વિશેષણ ઔચિત્ય જોયા વિના લગાડી શકે છે, (જેમ ઘણા હોદ્દેદારોનાં નામની આગળ તેમની પાત્રતા જોયા વિના, કેવળ હોદ્દાની રૂએ માનનીય કે ઓનરેબલ લખવામાં આવે છે.) એવું થાય તો ટૂંક સમયમાં બજારમાં આયુર્વેદિક મરીવાળાં ખમણ, આયુર્વેદિક દહીં ખમણ, આયુર્વેદિક વાટી દાળનાં ખમણ, આયુર્વેદિક રસાદાર ખમણ—જેવાં નામ ઠેકઠેકાણે વાંચવા મળશે. પહેલાં દરેક વસ્તુની ‘ઑર્ગેનિક’ આવૃત્તિ બજારમાં મૂકવાની કોશિશ રહેતી હતી. હવે દરેકમાં, કમ સે કમ માર્કેટિંગ પૂરતો, આયુર્વેદનો વઘાર કરવાનું વલણ વધી શકે છે. 

સરેરાશ ભારતીયોને સંસ્કૃતમાં ‘આજે રવિવાર થયો’ એમ કહો તો પણ તેમના ચહેરા પર પવિત્ર શ્લોક સાંભળ્યા જેવો અહોભાવ પથરાઈ જશે. એવું જ ઘણાના મનમાં આયુર્વેદ માટે હોય છે. આયુર્વેદની ચિકિત્સાપદ્ધતિ વિશેના કોઈના અભ્યાસી ભાવની વાત નથી, પણ કેવળ આંખ મીંચીને હાથ જોડી દેવાની વૃત્તિ હોય તેમને સામે આયુર્વેદ છે કે આસારામ, તેનાથી ઝઝો ફરક પડતો નથી. આસારામથી માંડીને રામદેવ સુધીના ઘણા વેપારીઓ ધર્મ-યોગ-આયુર્વેદ-સંસ્કૃતિ-પરંપરા-સ્વદેશીની સાથે આયુર્વેદની ભેળ બનાવીને તેને સફળતાથી વેચી રહ્યા છે. આયુર્વેદમાં મોટા મોટા વિદ્વાનો થઈ ગયા-હજુ પણ કેટલાક વિદ્યમાન હશે. પણ અત્યારનો જમાનો ચરક-સુશ્રુતનો નહીં, બાબા રામદેવનો છે. તેમની ગુજરાતની કોઈ શાખાએ હજુ સુધી ખમણ બનાવવાની પહેલ કેમ નહીં કરી હોય? તે (વિવાદો સિવાયની) ગરમ વસ્તુઓ નથી બનાવતા એ જાણીએ છીએ, પણ આયુર્વેદિક, સ્વદેશી ખમણલોટનાં પેકેટ તો વેચી શકાય ને? કે એ ધંધામાં પણ કોઈ બહુરાષ્ટ્રીય કંપની ઝંપલાવે, પછી જ વિચારવાનું?

કેમય કરીને ગળે ન ઉતરી શકે એવા સરકારી દાવા હોંશેહોંશે ગળી જનારા ઘણાને ખમણ જેવી ખાણીપીણીની બાબતમાં દુનિયાભરની પૂછપરછ કરવાની ટેવ હોય છે. તેમાં પણ ‘આયુર્વેદિક ખમણ’ વાંચીને તેમનાં એન્ટેના ઊંચાં થઈ શકે છે. માટે આયુર્વેદિક ખમણનો અખતરો કરનારાએ આવા જિજ્ઞાસુઓના એલોપથિક—એટલે કે તત્કાળ અસર ઇચ્છતા, તત્કાળ જવાબ માગતા—સવાલો માટે તૈયાર રહેવું. એવા ઉત્સાહીઓ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’માં ‘યુનિટી’ ક્યાં છે એવું પૂછે કે ન પૂછે, પણ આયુર્વેદિક ખમણમાં આયુર્વેદિક શું છે, તે જરૂર પૂછશે અને ભલું હશે તો પોતાનો આયુર્વેદપ્રેમ-કમ-આયુર્વેદજ્ઞાન દર્શાવવા માટે બે સૂચન પણ કરશે. કોઈ આકરા વળી ‘ખમણ તે વળી આયુર્વેદિક હોતાં હશે?’ એવો આત્યંતિક સવાલ-કમ-અભિપ્રાય વ્યક્ત કરી બેસશે. તેમને લેખના આરંભે સૂચવેલા જવાબથી સંતોષ નહીં થાય (કે શ્રમિકોનું ધ્યાન ન રાખવા છતાં અમિત શાહ ગૃહ મંત્રી હોઈ શકે, તો ખમણ આયુર્વેદિક કેમ ન હોઈ શકે?) એવા સંશયાત્માઓના મનનું સમાધાન કરવા માટે ‘આર્યાભિષેક—હિંદુસ્થાનનો વૈદરાજ’ જેવા કોઈ મહાગ્રંથનો હવાલો આપી શકાય છે. ભોગેજોગે કોઈ પાના નંબર પૂછી પાડે તો કહી શકાય કે ‘તમે એક વાર ઑર્ડર તો આપો, તમને એ જ પાનામાં ખમણ પૅક કરેલાં મળશે, બસ?’

તેમ છતાં કોઈ છાલ ન છોડે તો છેલ્લો વિકલ્પ તો છે જઃ આ ખમણ ખાધા પછી તમારે ઘણું પાણી પીવું પડશે (અથવા પાણી જ નહીં પીવું પડે) અને આયુર્વેદમાં લખ્યું છે કે જમ્યા પછી પાણી પીવું સારું (કે સારું નહીં). એ રીતે, તમે જ કહો, આ ખમણ આયુર્વેદિક થયાં કે નહીં? 

Wednesday, June 24, 2020

લદ્દાખના મોરચે ભારત-ચીન સંઘર્ષ : ઇતિહાસનું નાના પાયે, પણ ચેતવા જેવું પુનરાવર્તન

ભારત-ચીન વચ્ચે ઉત્તરી સરહદે લદ્દાખમાં થયેલા ઘર્ષણની વિગતો જાણવાનું નાગરિક તરીકે જરૂરી છે- સત્તાધીશો સંતોષકારક માહિતી આપતા ન લાગે ત્યારે તો ખાસ. સચ્ચાઈની શક્ય એટલી નજીક પહોંચવાના પ્રયાસ તરીકે આ સંકલન. વાતની શરૂઆત કરીએ જૂન ૨૦૧૭ના દોકલામથી. કેમ કે, વર્તમાન સંઘર્ષમાં ચીનનું જે વર્તન છે, તેનું સૌથી નજીકનું પગેરું દોકલામમાં મળે છે.

દોકલામ : દગલબાજી વિ. પ્રચારપ્રેમ
દોકલામ ભૂતાનનો હિસ્સો છે, ચીન તેની પર દાવો ધરાવે છે. ભારતનો દોકલામ પર કોઈ દાવો નથી. પણ દોકલામ પર ભૂતાનનો કબજો રહે, તેમાં ભારતનું હિત હતું. કારણ કે દોકલામ પર ચીનનો કબજો થાય, તો ઈશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા સિલિગુડી કૉરિડોરના નાનકડા વ્યૂહાત્મક હિસ્સા (‘ચિકન્સ નેક’) પર ચીનનો ખતરો બહુ વધી જાય. ભૂતાન સાથે મૈત્રીસંબંધો-કરારોને કારણે તેને લશ્કરી મદદ કરવામાં પણ ભારતને કશી અડચણ ન હતી. 

અગાઉ દોકલામ વિસ્તારમાં ચીની સિપાહીઓ વર્ષે એકાદ-બે વાર આંટા મારી જતા હતા. પણ જૂન, ૨૦૧૭માં તેમણે દોકલામમાં ધામા નાખ્યા. એટલે ભારતનું સૈન્ય પણ ભૂતાનના—અને સાથોસાથ ભારતના—હિતની જાળવણી માટે દોકલામ પહોંચ્યું. બંને સૈન્યો ૭૨ દિવસ સુધી યુદ્ધ કર્યા વિના, સ્ટેન્ડ ઑફ કે ફેસ ઑફની સ્થિતિમાં આમનેસામને મંડાયેલાં રહ્યાં. દરમિયાન ભારત-ચીન વચ્ચે વાટાઘાટો ચાલુ રહી. છેવટે, ચીને પોતાનું સૈન્ય પાછું ખસેડ્યું. ભારતે પણ પોતાનું સૈન્ય પાછું ખસેડી લીધું. 

સ્ટેન્ડ ઑફની સમાપ્તિ પછી ભારતમાં એ મતલબનો પ્રચાર કરવામાં આવ્યો કે ચીનને આપણે હંફાવી દીધું. તેને ટક્કર આપી. જરાય નમતું ન જોખ્યું, ચીને પીછેહઠ કરવી પડી, વગેરે.. હકીકતમાં ચીને ચોક્કસ પોઇન્ટ પરથી સૈન્ય પાછું ખસેડ્યું, પણ બંને સૈન્યો પાછાં હઠી ગયા પછીથી, બાકીના દોકલામ વિસ્તાર પર કાયમી વર્ચસ્વ જમાવી દીધું. બાંધકામો બનાવ્યાં, રસ્તા બાંધ્યા, હેલિપેડ તૈયાર કર્યાં. એટલે દોકલામ ચીનના સકંજામાં આવી ગયું. તો વિચારો, સરવાળે જીત કોની થઈ?  

નિષ્ણાતોના મતે, ખંધા ચીને આ ઘટના પરથી એવો બોધપાઠ લીધો હશે કે ભારતના પ્રચારઘેલા વડાપ્રધાનને પ્રચારયુદ્ધમાં જીતનો સંતોષ આપી દેવામાં આવે, તો વાસ્તવિક જમીન પર ધાર્યું કરી શકાશે. એટલે કે, નાની પીછેહઠ માટે સંમત થવાથી મોટો ટુકડો હાંસલ કરી શકાશે.  ‘બે ડગલાં આગળ, એક ડગલું પાછળ’ એ આમ પણ ચીનની જૂની પદ્ધતિ છે, જે હજુ એટલી જ અસરકારતાથી વપરાઈ રહી છે. 

સારઃ ચીનની ‘પીછેહઠ’ની વાતો સાંભળીને, આખું ચિત્ર જોયા વિના કદી ઉત્સાહમાં ન આવી જવું. એ અચૂક તપાસી લેવું કે ચીનની નાની પીછેહઠની સામે આપણને વધુ મોટું નુકસાન તો નથી ને? એવું નુકસાન જે ચીન તો બતાવવા ન જ ઇચ્છે-આપણી પોતાની સરકાર પણ પોતાના રાજકીય ફાયદા ખાતર કે ગેરફાયદો અટકાવવા છુપાવી રહી હોય?

ચીની ચાલબાજીનો નવો મોરચો : લદ્દાખ
પૂર્વ લદ્દાખનો ૧૩ હજાર ફીટથી ૧૬ હજાર ફીટ ઊંચો બર્ફીલો, વિષમ પહાડી ઇલાકો. તેમાં વળી વધારાની કઠણાઈ એ છે કે ત્યાં ભારત-ચીન વચ્ચેની સરહદ નથી નકશા પર અંકાઈ કે નથી જમીન પર. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. ત્યાર પછીના દાયકાઓમાં એ સરહદ નક્કી કરવાના અનેક પ્રયાસ થયા. તેમાંના કેટલાક આગળ પણ વધ્યા. પરંતુ અંત સુધી પહોંચ્યા નહીં. ખરેખર તો ચીને તેમને પહોંચવા ન દીધા. પરિણામે પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા-લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) કાલ્પનિક જ રહી. તેની સ્પષ્ટ વ્યાખ્યા ન થઈ. તેના કારણે ચીનને મનમરજીના વિસ્તારો પર દાવા કરવા માટેનું મેદાન મોકળું રહ્યું. 

હજુ વર્તમાન ઘટનાક્રમમાં જતાં પહેલાં પૂર્વ લદ્દાખનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળો વિશે અછડતી જાણકારી. 
Courtesy : Rohit Vats / સૌજન્યઃ રોહિત વત્સ
DSDBO રોડ 
ઉપર આપેલા નકશામાં દેખાતી ભૂરી રેખા ભારતે સરહદ નજીક બાંધેલો રોડ દર્શાવે છે. તે  Darbuk અને Shyok (શ્યોક) ગામને છેક ઉપર દૌલતબેગ ઓલ્ડી (DBO) સાથે જોડે છે. લેહથી છેક બીજા ભારત-ચીન સરહદે દોલતબેગ ઓલ્ડી સુધીની અવરજવર માટે આ રસ્તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. ટૂંકમાં DSDBO તરીકે ઓળખાતો ૨૫૫ કિ.મી. લાંબો આ રોડ બંધાતાં ૧૯ વર્ષ થયાં. એક તો સરકારી કામ અને બર્ફીલા પહાડી વિસ્તારમાં રોડ બાંધવાનું કામ વર્ષમાં ચાર-પાંચ મહિના જ થઈ શકે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી આ રોડનું કામ વધુ ઝડપી બન્યું. જુદી જુદી લંબાઈના આઠ પુલ ધરાવતો DSDBO રોડ લગભગ LACની સમાંતરે ચાલે છે. એ દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ ધોરી નસ જેવું છે. 

દૌલતબેગ ઓલ્ડી (DBO) 
છેક ઉપર કારાકોરમ ઘાટ પાસે આવેલું, હવાઈ પટ્ટી ધરાવતું ભારતનું છેલ્લું લશ્કરી થાણું છે. ત્યાંથી ચીનની સરહદ અને LAC સાવ નજીક છે. 

ગલવાન નદી અને ગલવાન વૅલી 
નદી, ખીણ અને પહાડીનો પ્રદેશ. DSDBO રોડ તેની પાસેથી પસાર થાય છે. ગલવાન વૅલી પ્રદેશને DSDBO રોડ સાથે જોડતા કેટલાક કડી-રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. ગલવાન નદી અને ગલવાન વૅલીની પહાડી ઊંચાઈઓ પર ભારતીય સૈન્યનો કબજો વ્યૂહાત્મક સરસાઈ માટે જરૂરી છે. ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીન વિસ્તાર ઉપર પણ થોડો દાબ રાખવામાં પણ આ ઊંચાઈઓ ઉપયોગી નીવડે એવી છે.  બીજી તરફ, એ ઊંચાઈઓ પર ચીની સૈન્યનો કબજો DSDBO રોડને ખતરામાં મૂકી શકે છે. અત્યાર લગી ગલવાન વિસ્તાર શાંતિપૂર્ણ રહ્યો હતો. કેમ કે, ચીને આ વિસ્તાર પર સક્રિયપણે પોતાનો દાવો કર્યો ન હતો કે LACથી પોતાની હદના વિસ્તારમાં મોટા પાયે લશ્કરી હિલચાલ પણ કરી ન હતી. પરંતુ કેટલાક અભ્યાસીઓના મતે ભારતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી અક્સાઈ ચીનને ભારતમાં સમાવવાની વાત કરી, તેના પગલે ભારતને વધુ આગળ વધતું અટકાવવા માટેની ચેતવણીરૂપ આ પ્રતિક્રિયા છે. અલબત્ત, આવાં હિંસક પગલાં પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. તેથી એક ને એક બે જેવું સમીકરણ તેમાં માંડી શકાતું નથી.

પેન્ગોન્ગ ત્સો ઉર્ફે પેન્ગોન્ગ લેક 
ઘણાં વર્ષો સુધી અજાણ્યું રહ્યું ને પછી ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે જાણીતું બનેલું આ સરોવર હવે અણગમતાં કારણોસર સમાચારોમાં છે. પેન્ગોન્ગ લેક પાસે પણ બર્ફીલી પહાડી છે, જેમનાં જુદાં જુદાં ટોપકાં ફિંગર-૧થી માંડીને ફિંગર-૮ સુધીનાં નામે ઓળખાય છે. ભારતીય સૈન્ય ફિગર-૧ થી ફિંગર-૪ સુધીના વિસ્તાર પર કબજો ધરાવે છે, પરંતુ ભારતનો દાવો છેક ફિંગર-૮ સુધીના વિસ્તાર પર છે. ફક્ત દાવો જ નહીં, ભારતીય સૈન્યના જવાનો ફિંગર-૮ સુધી પેટ્રોલિંગ કરતા રહ્યા છે. આમ, દાવો ફક્ત શબ્દો પૂરતો મર્યાદિત નથી. જમીન પર તેની ‘બજવણી’ થતી રહી છે. ભારતીય સૈન્યનું છેલ્લું થાણું ફિંગર-૪ના વિસ્તારમાં છે.
***

હવે પછીનો ઘટનાક્રમ સૈન્યમાં અફસર તરીકે કામ કરી ચૂકેલા અને પછીનાં વર્ષોમાં બિઝનેસ સ્ટાન્ડર્ડમાં લખતા સંરક્ષણ નિષ્ણાત અજય શુક્લના બ્લોગ ajaishukla.blogspot.comમાં જે તે સમયે લખેલી જુદી જુદી પોસ્ટના તથા બીજા કેટલાક સમાચારો-અહેવાલોના આધારે.

પૂર્વ લદ્દાખમાં અંકાયેલી સરહદ ન હોવાથી, પેટ્રોલિંગ દરમિયાન એકબીજાના વિસ્તારોમાં જવાના બનાવોની નવાઈ નથી. પરંતુ એપ્રિલ,૨૦૨૦ના મધ્યમાં જે બન્યું તે વધારે ગંભીર હતું. એપ્રિલના ત્રીજા સપ્તાહથી ચીની પક્ષે સૈન્ય હિલચાલ શરૂ થઈ હતી. એપ્રિલના અંતમાં એ વિસ્તારમાં ચાઇનીઝ હેલિકોપ્ટરની ‘એક્ટિવિટી’ હોવાનું એર ચીફ માર્શલ ભદૌરિયાએ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય વાયુદળ ‘જરૂરી કાર્યવાહી’ કરી રહ્યું છે (૨૩-૫-૨૦), જેનાં આખરી પરિણામ મે, ૨૦૨૦માં જોવા મળ્યાં.

મે ૫, ૨૦૨૦
આશરે પાંચેક હજાર ચીની સૈનિકોનું ધાડું લદ્દાખમાં પાંચ ઠેકાણે ઘૂસી આવ્યું. તેમાં ચાર ઠેકાણાં ગલવાન નદી પાસેના ઇલાકામાં અને એક પેનગોન્ગ લેકનો ઇલાકો. (બીજી ઘણી વિગતોની જેમ સૈનિકોનો આંકડો અજય શુક્લે આપેલો છે. કોઈ ઇચ્છે તો તેને ન માને. પરંતુ તેનાથી પાયાની વાસ્તવિકતામાં ખાસ ફરક પડતો નથી.) ગલવાન નદી પાસેના વિસ્તાર એવા હતા, જેના વિશે અત્યાર લગી કોઈ વિવાદ ન હતો. આ વખતે ત્યાં પણ ચીની સૈનિકો LACથી ભારતની હદમાં ત્રણ-ચાર કિલોમીટર સુધી આવી ગયા. થોડા કિલોમીટર ઘૂસી આવવાની કે કામચલાઉ કબજો જમાવવાની ગુસ્તાખી ચીની સૈનિકો ભૂતકાળમાં કરી ચૂક્યા છે. તે અનિચ્છનીય છતાં સાધારણ છમકલાં તરીકે ગણાતું હોય છે. પણ આ વખતે ત્રણ બાબતો નવી અને ચિંતાજનક હતીઃ 

૧) ગલવાન વિસ્તાર ઘણાં વર્ષોથી ચીની છેડછાડથી મુક્ત હતો. તે આ વખતે ચીની સૈન્યના નિશાન પર આવ્યો.

૨) સૈનિકોની સંખ્યા. આશરે પાંચ હજાર સૈનિકો. 

૩) ચીની સૈનિકોએ ખાઈઓ ખોદવાનું અને બંકરો બનાવવાનું શરૂ કર્યું. એટલે કે લાંબા ગાળાના સંરક્ષણ માટેની તૈયારી. સાથોસાથ, ચીની કબજાના વિસ્તારોમાં ભારે વાહનો અને તોપો પણ તહેનાત કરી.  ગલવાન નદી પાસેના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ અને ગોગરા વિસ્તાર વચ્ચે સોએક તંબુ બાંધી દીધા. 
ઉપરાંત, પાંચમી મે પહેલાં ભારતીય જવાનો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. ત્યાર પછી ચીની સૈનિકો તેમને ફિંગર ૪થી જ અટકાવવા લાગ્યા. 
પેન્ગોન્ગ લેકની સાથે ફિંગર ૧ થી ફિંગર ૮ના સ્થળનો ખ્યાલ આપતો નકશો
મે ૯, ૨૦૨૦
ચીને લદ્દાખની સાથોસાથ ઉત્તરી સિક્કિમમાં, સિક્કિમ-તિબેટ સરહદે ઘુસણખોરી કરી. આ વિસ્તારમાં સરહદ અંગે કોઈ વિવાદ કે મતભેદ નથી. છતાં આશરે ૨૦૦ ચીની સૈનિકો ભારતીય વિસ્તારમાં ચડી આવ્યા, કામચલાઉ ધોરણે કબજો જમાવ્યો. થોડા દિવસ પછી તે કબજો છોડીને પાછા જતા રહ્યા અને ચીનની હદમાં તંબુ તાણ્યા.

મે ૧૨/૧૩, ૨૦૨૦
પેનગોન્ગ લેક વિસ્તારમાં હજારો (આશરે પાંચેક હજાર) ચીની સૈનિકો આવી ગયા અને ફિંગર ૮ થી લઈને ફિંગર ૪ સુધીના ભારતીય હદમાં ગણાતા આશરે આઠ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવી દીધો.

૩૦ મે, ૨૦૨૦ સુધીમાં
ચીની સૈન્યે પોતાની પકડ મજબૂત બનાવવા માટે અને સંભવિત ભારતીય જવાબ સામે રક્ષણ માટે ખાઈઓ ખોદવા જેવી કામગીરી ચાલુ રાખી. ગલવાન વિસ્તારમાં ચાર ઠેકાણે અને પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ભારતની હદમાં ચીની સૈન્ય કોન્ક્રીટનાં બંકર બનાવતું હોવાનું સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું. મળ્યું. ઉપરાંત, પેન્ગોન્ગ લેકના ઉત્તરી કાંઠે ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેનો આશરે ત્રણેક કિલોમીટરનો રસ્તો પણ ચીની સૈન્યે બનાવી દીધો અને પોતાની હદમાં બખ્તરિયાં વાહનો અને તોપો ગોઠવ્યાં, જે ભારતની હદમાં ઘૂસેલા ચીની સૈનિકોને મદદ પૂરી પાડી શકે. 

દરમિયાન, ભારતના સરકારી બયાનમાં સરહદે શાંતિ સ્થાપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી અને સૈન્ય નેતાઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે વર્તી રહ્યું હોવાનું જણાવાયું. સાથોસાથ, ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. અહેવાલો પ્રમાણે, પરિસ્થિતિ તેનાથી વિપરીત હતી.

૩ જૂન, ૨૦૨૦
સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથ સિંઘે CNN News 18ને આપેલી એક મુલાકાતમાં સરહદી સ્થિતિને અત્યાર સુધી થયેલી અનેક તંગદિલી જેવી ગણાવી અને વર્તમાન સ્થિતિ વિશે તેમણે કહ્યું, “ફિલહાલકી જો ઘટના હૈ, યહ બાત સચ હૈ કિ ચીનકે લોગ ભી, ઉનકા દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ભારતકા યહ દાવા હૈ કિ હમારી સીમા યહાં તક હૈ. ઔર ઉસકો લેકર એક મતભેદ હુઆ હૈ ઔર અચ્છીખાસી સંખ્યામેં ચીનકે લોગ ભી આ ગયે હૈં. લેકિન ભારતને ભી અપની તરફસે જો કુછ ભી કરના ચાહિયે, ભારતને ભી કિયા હૈ.’ 

આ નિવેદનમાં દેખીતી રીતે જ રાજનાથ સિંઘે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો એકરાર કર્યો હતો. તેનો વિવાદ થયો. એટલે CNN News 18એ ઔપચારિક ખુલાસો કરતાં જણાવ્યું કે ‘સંરક્ષણ પ્રધાને તેમની વાતમાં પૂર્વી લદ્દાખનો ઉલ્લેખ કર્યો ન હતો.’ સરકારનું વાજું વગાડતી વેબસાઇટ opindiaએ મથાળું ચલાવ્યું, CNN News 18 withdraws fake news misquoting Defence Minister Rajnath Singh on Ladakh standoff. 

પણ ઉપર આપેલી લિન્કમાં ખુદ રાજનાથસિંઘના મોઢેથી સાંભળી લીધા પછી સમજાઈ જશે કે એકેય ખુલાસો કે opindiaનો બચાવ કેમ પોકળ છે. 

મતલબ એ થયો કે સરકારને જૂન ૩ના રોજ પરિસ્થિતિની જાણ હતી. રાજનાથસિંઘે કહ્યું પણ ખરું કે મિલિટરીના સ્તરે વાતચીત થઈ રહી છે અને ૬ જૂનના રોજ મિલિટરીના મોટા અફસરો વચ્ચે વાતચીત થવાની છે. રાજનાથસિંઘે કહ્યું, “ભારતકી એક નીતિ બહુત હી સ્પષ્ટ હૈ. ભારત દુનિયામેં કિસી ભી દેસકે સ્વાભિમાન પર ન ચોટ પહુંચાના ચાહતા હૈ, ન ભારત અપને દેસકે સ્વાભિમાન પર કિસી ભી સુરતમેં ચોટ બરદાશ્ત કર સકતા હૈ. બસ, સ્પષ્ટ નીતિ હૈ. ઇસસે જીસકો જો અર્થ નિકાલના હો, અર્થ નિકાલ લે.” રાજનાથ સિંઘ આ કહી રહ્યા હતા તે પહેલાંથી ચીની સૈન્ય ફિંગર ૮ અને ફિંગર ૪ વચ્ચેનો આઠેક કિલોમીટરનો વિસ્તાર કબજે કરીને બેઠું હતું. એ સિવાય ગલવાન નદીના વિસ્તારમાં પણ ભારતની હદમાં આવી ચૂક્યું હતું.

૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યના લેહ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ તથા ચીની સૈન્યના મેજર જનરલ વચ્ચે ચુશુલ ખાતે વાતચીત થઈ. (સૈન્યમાં લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો મેજર જનરલ કરતાં ઊંચો હોય છે.) ત્યારે ચીને ગલવાન નદીનો વિસ્તાર પોતાનો ગણાવ્યો. બંને અફસરો વચ્ચે કોઈ મુદ્દે એકમતી ન થઈ. એટલે ડેલિગેટ સ્તરની વાતચીત ચલાવવામાં આવી. તેમાં મતભેદનાં પાંચ ઠેકાણાં નક્કી થયાં: પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭, પેન્ગોગ લેકનો ઉત્તરી કાંઠો અને ચુશુલ. (આવું અજય શુક્લના અહેવાલમાં છે. તેમાં ચુશુલનો ઉલ્લેખ કેમ હશે, તે સ્પષ્ટ થતું નથી) ચીને ગલવાન ખીણ પ્રદેશમાં કેટલાંક એવાં ઊંચાં સ્થળો પર કબજો જમાવ્યો કે જ્યાંથી DSDBO રોડ પર નજર અને જાપ્તો રાખી શકાય. 
એ સિવાય સિક્કિમમાં નકુ લા અને ઉત્તરાખંડમાં લિપુ લેખમાં ચીની સૈન્યે સતત હરકતો ચાલુ રાખી, જે ધ્યાન બીજે વાળવાની તરકીબ પણ હોઈ શકે. 

૧૩ જૂન, ૨૦૨૦
સૈન્ય વડા જનરલ નરવણેએ કહ્યું કે ગલવાન વિસ્તારમાંથી ભારતીય અને ચીની સૈન્યના તબક્કાવાર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેની લશ્કરી મંત્રણાઓ ઘણી ફળદાયી રહી અને સમય જશે તેમ સ્થિતિ સુધરતી જશે. આ પ્રક્રિયા માટે તેમણે બંનેમાંથી એકેય પક્ષ માટે પીછેહઠ શબ્દ વાપરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે ડિસએન્ગેજમેન્ટ શબ્દ જ યોગ્ય છે. તેની શરૂઆત ઉત્તરે ગલવાન વિસ્તારમાંથી થઈ છે. પેન્ગોન્ગ લેકના ઉત્તરી પ્રદેશ વિશે તેમણે કશી ટીપ્પણી કરી નહીં. 

આ યાદ રાખજો. કારણ કે આજે ૨૪ જૂને પ્રગટ થયેલા સમાચારમાં પણ લગભગ આવી જ વાત છે. અલબત્ત, તે સત્તાવાર જાહેરાત નથી. આજના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ડિસએન્ગેજમેન્ટ માટે સૈદ્ધાંતિક સંમતિ થઈ છે. હજુ સુધી ચોક્કસ ટાઇમટેબલ નક્કી થયું નથી.

૧૬ જૂન, ૨૦૨૦
ભારતીય સૈન્યે સવારે જાહેર કર્યું કે “ગલવાન વૅલી વિસ્તારમાં ડીએસ્કેલેશન પ્રોસેસ (સૈન્યોની સામસામી મુકાબલાની સ્થિતિમાંથી પાછા હટવાની પ્રક્રિયા) દરમિયાન ગઈ કાલે રાત્રે હિંસક સંઘર્ષ થયો હતો. તેમાં બંને પક્ષને હાનિ પહોંચી છે. ભારતીય પક્ષે થયેલી જાનહાનિમાં એક અફસર અને બે જવાનનો સમાવેશ થાય છે. બંને પક્ષના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ હાલમાં સ્થળ પર વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.”
“During the de-escalation process under way in the Galwan Valley, a violent face-off took place yesterday night with casualties on both sides. The loss of lives on the Indian side includes an officer and two soldiers. Senior military officials of the two sides are currently meeting at the venue to defuse the situation.” (સૈન્યના નિવેદનમાંથી)

એ દિવસે મોડી સાંજે ભારતીય સૈન્ય તરફથી બીજું નિવેદન જારી કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે “સંઘર્ષના સ્થળે ફરજ અદા કરતી વેળા ૧૭ ભારતીય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઊંચાઈ પર શૂન્યથી પણ ઓછા તાપમાનના સંપર્કમાં આવતાં, તે ઇજાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે. આ સાથે સંઘર્ષમાં માર્યા ગયેલાઓની કુલ સંખ્યા ૨૦ થઈ છે…ગલવાન ખાતે, જ્યાં ૧૫/૧૬ની રાત્રે સંઘર્ષ થયો હતો ત્યાં, ભારતીય અને ચીની સૈન્યો ડિસએન્ગેજ થઈ ચૂક્યાં છે.”
“17 Indian troops who were critically injured in the line of duty at the stand-off location and exposed to sub-zero temperatures in the high altitude terrain have succumbed to their injuries, taking the total that were killed in action to 20... Indian and Chinese troops have disengaged at the Galwan area where they had earlier clashed on the night of 15/16 June 2020.” (સૈન્યના નિવેદનમાંથી)

નોંધઃ લશ્કરી નિવેદનોમાં ‘માર્ટિયર્ડ’ નહીં, ‘કિલ્ડ’ જ લખાયેલું છે. એટલે અહીં કોઈએ રાજકીય હેતુ ને રાજકીયહિતપ્રેરિત  છાપાંની વ્યાવસાયિક હરીફાઈમાંથી ચગાવાયેલી ‘ફૂંકી માર્યા વિ. શહીદ થયા’ની સ્યુડો-દેશભક્તિ છાંટવા આવી પડવું નહીં—સિવાય કે એવા ‘દેશભક્તો’ નિવેદન તૈયાર કરનાર ભારતીય સૈન્યને પણ દેશવિરોધી ગણતા હોય. 

ધીમે ધીમે ચીની સૈનિકોના ઘાતકીપણાની વિગતો બહાર આવી. ભારતીય સૈનિકો કરતાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધારે હતી. બંદૂક વિનાની હિંસક લડાઈમાં ચીન સૈનિકો બધી હદો વટાવી ગયા. તેમણે ખીલા બાંધેલા સળીયા વડે ભારતીય સૈનિકો પર હુમલા કર્યા અને તેમને નદીના ઠંડાગાર પ્રવાહમાં ફેંકી દીધા હોવાના અહેવાલો પણ આવ્યા. મૃતકો ઉપરાંત બીજા ઘણા ભારતીય સૈનિકોને ગંભીર નહીં એવી ઇજાઓ પણ પહોંચી. ખંધા ચીને તો રાબેતા મુજબ પોપટપાઠ ચાલુ રાખ્યો કે “ભારતીય સૈનિકો સોમવારે બે વાર ચીનની સરહદમાં ઘૂસી આવીને ચીની સૈનિકો પર હુમલો કર્યો. અમે કડક વિરોધ નોંધાવ્યો છે, પણ તનાવ ઘટાડવા માટેનું કામ ચાલુ છે.” દેખીતી રીતે જ ચીન જૂઠું બોલતું હતું. તે ઘૂસણખોરી કરીને પછી પોતે આક્રમણખોરને બદલે આક્રમણનો ભોગ બનનાર તરીકે રજૂ થતું હતું.

આ સંઘર્ષમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયાના સમાચાર પણ આવ્યા. દરમિયાન, જીવલેણ સંઘર્ષ પછી પણ અગાઉની સ્થિતિમાં ફરક પડ્યો નહીં. ફિંગર ૮ થી ફિંગર ૪ વચ્ચેના આઠેક કિલોમીટરના પ્રદેશમાં ચીની સૈનિકો ઘૂસેલા રહ્યા. એ સિવાય પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭ અને ગલવાન વૅલીના વિસ્તારમાં જાપ્તો રાખી શકાય એવી ઊંચાઈ પર પણ ચીની સૈનિકોનો કબજો રહ્યો. (અજય શુક્લની માહિતી પ્રમાણે)

૧૮ જૂન, ૨૦૨૦
હિંસક ઝપાઝપી દરમિયાન દસ ભારતીય જવાનો કેદ પકડાયા હતા. તેમને સંઘર્ષ પછીની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે પાછા સોંપવામાં આવ્યા. અલબત્ત, સૈનિકો કેદ પકડાયા હતા તેની જાણ તેમને છોડવાની જાહેરાત વખતે જ થઈ. આ સમાચાર પણ ૨૦ જૂને આવ્યા. 

૧૯ જૂન, ૨૦૨૦
વીસ સૈનિકોની શહીદીને કારણે મોટો હોબાળો થયો. નબળા વિપક્ષોને પણ ટાઢા પાડવા પડે એવી સ્થિતિ પેદા થઈ. એટલે વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઑલ પાર્ટી મિટિંગ યોજી. મિટિંગના આરંભે તેમણે કહ્યું, 
‘…દેશકી એક એક ઈંચ જમીનકી, દેશકે સ્વાભિમાનકી રક્ષા કરેગા. ભારત સાંસ્કૃતિક રૂપસે એક શાંતિપ્રિય દેશ હૈ. હમારા ઇતિહાસ શાંતિકા રહા હૈ. ભારતકા વૈચારિક મંત્ર હી રહા હૈઃ લોકાઃ સમસ્તાઃ સુખીના ભવન્તુ......હમ કભી કીસીકો ઉકસાતે નહીં હૈ લેકિન અપને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકે સાથ સમજૌતા ભી નહીં કરતે. જબ ભી સમય આયા હૈ હમને દેશકી અખંડતા ઔર સંપ્રભુતાકી રક્ષા કરનેમેં અપની શક્તિકા પ્રદર્શન કિયા હૈ. અપની ક્ષમતાઓંકો સાબિત કિયા હૈ. ત્યાગ ઔર તિતિક્ષા હમારે રાષ્ટ્રીય ચરિત્રકા હિસ્સા હૈ લેકિન સાથ હી વિક્રમ ઔર વીરતા ભી ઉતના હી હમારે દેશકે ચરિત્રકા હિસ્સા હૈ. મૈં દેશકો ભરોસા દિલાના ચાહતા હું હમારે જવાનોંકા બલિદાન વ્યર્થ નહીં જાયેગા. હમારે લિયે ભારતકી અખંડતા ઔર સંપ્રભુતા સર્વોચ્ચ હૈ ઔર ઇસકી રક્ષા કરનેસે હમેં કોઈ રોક નહી સકતા. ઇસ બારેમેં કિસીકો જરા ભી ભ્રમ યા સંદેહ નહીં હોના ચાહિયે. ભારત શાંતિ ચાહતા હૈ લેકિન ભારત ઉકસાને પર હલ હાલમેં યથોચિત જવાબ દેનેમેં સક્ષમ હૈ. ઔર હમારે દિવંગત શહીદ વીર જવાનોંકે વિષયમેં દેશકો ઇસ બાત કા ગર્વ હોગા કે વે મારતે મારતે મરે હૈં.’

આવી ગળી ગળી ને બડી બડી વાતો પછી મિટિંગનું સમાપન કરતાં તેમણે કહ્યું, ‘સાથીયોં, પૂર્વી લદ્દાખમેં જો હુઆ ઉસકો લેકર આપને રક્ષામંત્રીજી ઔર વિદેશમંત્રીજીકો સુના ભી ઔર પ્રેઝન્ટેશનકો ભી દેખા. ન વહાં કોઈ હમારી સીમામેં ઘુસ આયા હૈ, નહીં કોઈ ઘુસા હુઆ હૈ ન હી હમારી કીસી પોસ્ટ કોઈ દૂસરે કે કબજેમેં હૈ લદ્દાખમેં હમારે બીસ જાંબાઝ શહીદ હુએ પર જિન્હોને ભારતમાતાકી તરફ આંખ ઉઠાકર દેખા થા ઉનકો સબક સીખાકર ગયે.’ 

વડાપ્રધાનનો આ દાવો દેખીતી રીતે જ વિસંગતીથી ભરેલો હતો. તેમના દાવા પ્રમાણે આપણી સીમામાં કોઈ ઘુસી આવ્યું ન હોય કે હજુ ઘૂસેલું ન હોય, તો હિંસક ઝપાઝપીમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હોય-દસ જવાનો પકડાઈને પછી છૂટ્યા હોય એવું શી રીતે બને? તેમ છતાં વડાપ્રધાન આવું કહેતા હોય તો તેના બે સંભવિત અર્થ થાયઃ 
૧) ચીની સૈન્ય ભારતીય સીમામાં નહીં, ભારતીય સૈન્ય ચીની સીમામાં ઘૂસ્યું હતું. 
૨) ચીન હાલમાં જે વિસ્તારોનો કબજો ધરાવે છે તે ભારતીય હદમાં નથી. એટલે કે એ વિસ્તારો ચીની હદમાં હોવાનો દાવો ભારતને માન્ય છે.

વડાપ્રધાને તો તેમની રાબેતા મુજબની શૈલીમાં જુમલો ગબડાવ્યો અને વિપક્ષોને લાઇનમાં કરી દીધા. પણ તેમના જુમલાનાં અણધારેલાં અર્થઘટનો મોટા પાયે ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યાં. એટલે વક્તૃત્વકળા માટે વખણાતા વડાપ્રધાનના આ નિવેદન પછી સરકારે બે પાનાંનો ખુલાસો જારી કરવો પડ્યો. તેમાં ભારતની સરહદની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, યાદી સરકારી હોય એટલે એમ થોડી કહે કે ‘સાહેબ તો કહે...તમારે બહુ મન પર લેવું નહીં.’? એટલે તેમાં એવું કહેવામાં આવ્યું કે કેટલાક લોકોએ વડાપ્રધાનના  નિવેદનનું અવળચંડું (મિશ્ચિવિયસ) અર્થઘટન કર્યું છે. હકીકતમાં, અર્થઘટન અવળચંડું નહીં, વિધાન આપવડાઈભર્યું હતું. 

૧૯૬૨માં પંડિત નહેરુએ કરેલી ભૂલની વાતો કરી કરીને આટલે પહોંચેલા ભાજપ અને નરેન્દ્ર મોદી પોતે જ એ ભૂલનો બોધપાઠ ભૂલી જાય, તે ઇતિહાસની વક્રતા અને વડાપ્રધાનની વાસ્તવિકતા. બોધપાઠ લેવા માટે ૧૯૬૨ દૂર પડતું હોય તો ૨૦૧૭-દોકલામ હતું જ. તેમાંથી પણ વડાપ્રધાને કશો બોધપાઠ લીધો હોય એવું લાગ્યું નથી.

ઉલટું, તેમની પ્રચલિત છબી પ્રમાણે, શહીદોના સમાચારોની શાહી સુકાય તે પહેલાં, ૨૦ જૂને બિહારમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે, વીડિયો દ્વારા ગરીબકલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરતાં તેમણે કહ્યું,
“દેશ તો સેના પે ગર્વ કરતા હી હૈ, પર આજ મૈં જબ બિહારકે લોગોંસે બાત કર રહા હું તો મૈં ગૌરવકે સાથ ઇસ બાત કા જિક્ર કરનાચાહુંગા કે યે પરાક્રમ બિહાર રેજિમેન્ટકા હૈ. હર બિહારીકો ઇસકા ગર્વ હોતા હૈ ઔર જિન વીરોંને દેશકે લિયે બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ નમન કરતા હું ઔર બિહારકે ભી હમારે સાથી જિન્હોંને બલિદાન દિયા હૈ ઉનકે પ્રતિ મૈં અપને શ્રદ્ધાસુમન અર્પણ કરતા હું ઔર ઉનકે પરિવારજનોંકો ભી આજ જબ બિહારસે બાત કર રહા હું તો વિશ્વાસ દિલાના ચાહતા હું કે દેસ આપકે સાથ હૈ, દેશ સેનાકે સાથ હૈ, દેશ ઉસકે ઉજ્જવલ ભવિષ્યકે લિયે કૃતસંકલ્પ હૈ.”  https://youtu.be/5lmofK5JM7c

આ ભાષણમાં જેમને બિહાર રેજિમેન્ટના શહીદોના નામે બેશરમીભર્યો ચૂંટણીપ્રચાર ન દેખાય, તેમણે એકાંતમાં શાંતિથી બેસીને નરેન્દ્ર મોદી વિશે નહીં, પોતાના વિશે જરા વિચાર કરવો રહ્યો. 
***

દેશ પ્રત્યે સાચો ભાવ ધરાવતા સૌએ દેશભક્તિના નામે માહિતી છુપાવવાની નેતાઓની અને પ્રસાર માધ્યમોની તરકીબોથી સાવધાન રહેવા જેવું છે. સત્તાધીશો ઉપરાંત માહિતી છુપાવનારાના કે ખોટેખોટો પાનો ચડાવનારાના મુખ્ય બે પ્રકાર છેઃ 

૧) સરકારપ્રેમીઓ, જે સરકાર અને દેશ વચ્ચેનો ફરક ધરાર સમજવા માગતા નથી, સરકારની ટીકાને દેશની ટીકા સમજે છે અને દેશહિત કરતાં સરકારહિતને ઊપર મુકે છે. 

૨) દેશભક્તિનો સ્વાંગ ધરીને રજૂ થતા ધંધાદારીઓ, જે માને છે કે આવું બધું બહુ વેચાય અથવા આવું બધું કરવાથી આપણો દેશભક્ત તરીકે છાકો પડી જાય. તેના જોરે ધંધાકીય હરીફાઈમાં બહુ ફાયદો થાય. 
ઘણા ધંધાદારીઓ સરકારપ્રેમી પણ હોય છે. એટલે તેમના માટે ‘એક પંથ, દો કાજ’ જેવું થાય છે. 

આ ઉપરાંત એક નાનો વર્ગ એવો પણ છે, જે વડાપ્રધાનની ગફલતો બરાબર સમજતો હોવા છતાં, તેમની પ્રગટ ટીકા કરવા ઇચ્છતો નથી. તે ભક્તો નથી. પણ તેમને લાગે છે કે આવા વખતે સરકાર સાથે ઊભા રહેવું જોઈએ. પોતાની આવી માન્યતાની પોકળતા કે નક્કરતા ચકાસવા માટે તેમણે પોતાની જાતને એક જ સવાલ પૂછવાનો છેઃ તેમની આ ભાવના બીજી કોઈ સરકાર હોત, તો પણ આવી જ હોત? 
***

આટલી લાંબી કથા છતાં ચીનની દાંડાઈનાં કારણોથી માંડીને વ્યૂહાત્મક રીતે કેવાં પગલાં લેવાની જરૂર હતી તથા ચીનના આર્થિક બહિષ્કારથી કેટલો ફરક પડશે—એવા ઘણા મુદ્દાની ચર્ચા બાકી રહે છે. પરંતુ અત્યારે આટલું પૂરતું છે. 

છેલ્લે કેટલાક નોંધવાલાયક મુદ્દા અને પૂછવાલાયક સવાલ 
  1. દોકલામમાંથી સરકાર-વડાપ્રધાન કશો બોધપાઠ કેમ ન શીખ્યાં?
  2. જાસુસી તંત્ર અને સેટેલાઇટ મોનિટરિંગ છતાં ભારતીય સૈન્ય કેમ અસાવધ ઝડપાયું?
  3. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની આ ઘટનાક્રમમાં શી ભૂમિકા રહી?
  4. ડિસએન્ગેજમેન્ટ અને ડિસઅગ્રીમેન્ટ (મતભેદ) જેવા શબ્દોથી ચેતવું. હિંસક સંઘર્ષ થયો તેના ઘણા વખત પહેલાંથી ડિસએન્ગેજમેન્ટનો દાવો કરવામાં આવતો હતો. એવી જ રીતે, ‘સરહદ બાબતે ભારત અને ચીન વચ્ચે મતભેદ છે’—એમ કહેવાનો મતલબ થાયઃ ‘ચીન એનો દાવો કરે છે, અમે અમારો કરીએ છીએ. જોઈએ શું થાય છે.’ હકીકતમાં, ભારતના પ્રદેશ પર ચીન દાવો કરે તો તેને ‘મતભેદ’ નહીં, ‘ઘૂસણખોરીનો પ્રયાસ’ ગણવાનો હોય. 
  5. બંને દેશો વચ્ચે સરહદી તનાવને કાબૂમાં રાખવાના ભાગરૂપે થયેલી સંધિ મુજબ, હિંસક અથડામણ વખતે બંને દેશોના સૈનિકોએ બંદૂકો ન વાપરી. તેનાથી પણ ખરાબ સ્તરની મારામારી થઈ. હવે સરકારે સૈન્યને અસામાન્ય સંજોગોમાં યથાયોગ્ય કાર્યવાહીની છૂટ આપી છે. સારી વાત છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં આવું કંઈ ન થાય. પણ જો થાય તો સરકાર નૈતિક જવાબદારી લેશે? કે પછી ‘સૈન્યને બધી છૂટ આપેલી છે’ એમ કહીને છૂટી પડશે?
  6. ચીન ફક્ત ડિસએન્ગેજ થાય એટલું પૂરતું નથી. એ દોકલામના દાખલા પરથી તો સમજાઈ જ જવું જોઈએ. એ પીછેહઠ કરીને કયા પોઇન્ટ સુધી પાછું જાય છે, તેનું ધ્યાન રાખવાનું અને તે બે ડગલાં આગળ આવ્યું હોય તો તેને એક નહીં, બે ડગલાં પાછળ પાછું મોકલવાનું વધારે મહત્ત્વનું છે.
  7. કેટલાક લોકો ટેકનિકલ મુદ્દો આગળ ધરીને એવી દલીલ કરે છે કે ફિંગર ૪થી ફિંગર ૮ સુધીના વિસ્તારો પર ચીનનો કબજો એ ભારતની જમીન પર ઘુસણખોરી ન કહેવાય. કેમ કે, એ વિસ્તારોમાં ભારતનું એકેય થાણું ન હતું. આ દલીલ માન્ય રાખીએ તો પણ એ હકીકત છે કે ભારતીય સૈનિકો ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ માટે જતા હતા. મતલબ, ફિંગર ૪ થી ફિંગર ૮ સુધીનો વિસ્તાર ભારતના કબજામાં નહીં, તેમ ચીનના કબજામાં પણ ન હતો. એ બફર જેવો હતો. વર્તમાન ઘટનાક્રમથી એ બફર જતું રહ્યું છે અને હવે ચીનનો કબજો ફિંગર ૪ સુધી વિસ્તર્યો છે.
  8. આગળ જણાવ્યું તેમ, ભારત પંદર દિવસ પહેલાં પણ ‘ડિસએન્ગેજમેન્ટ ચાલુ છે’ની માળા જપતું હતું અને આજના સમાચાર પ્રમાણે હજુ પણ એ જ માળા ચાલુ છે. એવું જ વડાપ્રધાનની શબ્દાળુ હૈયાધારણોનું. તેની પર ભરોસો મૂકવા માટે વડાપ્રધાન પર અંધવિશ્વાસ જોઈએ. આ વડાપ્રધાન પર સાદો વિશ્વાસ મુકવાનાં ફાંફાં હોય ત્યાં અંધવિશ્વાસ ક્યાંથી મુકવો?
  9. રામચંદ્ર ગુહાએ માત્ર ચોક્કસ મુદ્દા પૂરતી જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરીને લખ્યું કે બંને નેતાઓ ચીની શાસકો સાથેનાં વ્યક્તિગત સંબંધોથી સમીકરણો બદલાઈ શકશે, એવા ભ્રમમાં રહ્યા. વડાપ્રધાન મોદીનો એ ભ્રમ હવે દૂર થઈ ચૂક્યો હશે. ફક્ત ચીન સાથે જ નહીં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશના વડા સાથે ભેટંભેટી કરવાથી પ્રચારમોરચે જયજયકાર થઈ જાય છે, પણ વાસ્તવમાં તેની કશી અસર થતી નથી, તે અમેરિકાના મામલે પણ એકથી વધુ પ્રસંગે પુરવાર થયેલું છે.
થોડુંક મીડિયા અને સોશિયલ મીડિયા વિશે
  1. કેટલાંક પ્રસાર માધ્યમોએ એવી લાઇન ચલાવવાની કોશિશ કરી કે ‘આ તો સૈન્યનો પ્રશ્ન કહેવાય, સરકાર થોડી પેટ્રોલિંગ કરવા જાય છે?’ મતલબ, જશ સરકારનો અને અપજશ સૈન્યનો. 
  2. સર્વપક્ષીય મીટિંગ પૂરી થાય તે પહેલાં જ તેનો વડાપ્રધાનને એકદમ અનુકૂળ આવે એવો અહેવાલ ફરતો થઈ ગયો હતો. માત્ર મુશ્કેલી એ થઈ કે તેમાં ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકને પણ ટાંકવામાં આવ્યા હતા, જેમણે આ મિટિંગમાં ભાગ જ લીધો ન હતો. સાયબરસેલનાં આવાં કંઈક કારસ્તાનો ચાલતાં હતાં.
  3. ઢાંકપિછોડા કરવાના સરકારી પ્રયાસોમાં અડચણ નાખતી અને ચીનને કશો ફાયદો ન થાય એવી માહિતી આપતા રહેલા-એવા સવાલ કરતા રહેલા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એચ. એસ. પનાગ, ભૂતપૂર્વ ફૌજી અફસર અજય શુક્લ જેવા લોકોની વાત સાંભળવાને બદલે, તેમાં દેશહિત જોવાને બદલે તેમનું ટ્રોલિંગ કરવામાં આવ્યું.
  4. કેટલાંક પ્રસાર માધ્યમોએ વીસ જવાનોની શહીદી સામે ૪૩ ચીની સૈનિકો માર્યા ગયાના સમાચાર એવી રીતે છાપ્યા કે તેનાથી વીસ જવાનોની શહીદી અને તેનાં કારણોની જવાબદારી સરકારના માથે ન આવે. લોકો સવાલો પૂછવાને બદલે ૪૩ ચીની સૈનિકોના મોતના સમાચારથી સંતોષ અનુભવીને બેસી જાય.
  5. ચીન તો બદમાશ છે ને ચીન તો દુષ્ટ છે—એવું લખી કાઢવાનું પૂરતું નથી. ચીન તો આ જ છે. તેની સામે વડાપ્રધાનના અત્યાર લગીના દાવા અને વાસ્તવિક દેખાવ કેવા રહ્યા, એ પણ કહેવાવું જોઈએ. બાકી, ચીનને ધોકા મારીને સાહેબને સાચવી લેવામાં દેશપ્રેમ નહીં, કેવળ ધંધાપ્રેમ કે સાહેબપ્રેમ રહેલો છે. 
  6. બઢાવેલાંચઢાવેલાં ભવ્ય મથાળાં મારવાં, લોકોના મિથ્યાભિમાનને પોષવું અને આડકતરી રીતે સરકારને મદદરૂપ થવું એ પણ દેશપ્રેમ નથી. એ તો વાચકોને વાસ્તવિકતાથી અંધારામાં રાખવાની છેતરપીંડી છે. એટલે એવાં કવિતાશાઈ ને એકદમ હાઇપર પ્રકારનાં મથાળાંથી ચેતવું. તે વાસ્તવિકતા ભૂલાવવા માટે વાચકોને નશાનાં ઇન્જેક્શન આપનારાં હોઈ શકે છે.
મૂળ પોસ્ટ પછીનો ઉમેરો 
તા. ૨૫ જૂન
સમાચાર પ્રમાણે ચીને ભારત-ચીન સરહદના છેલ્લા ભારતીય લશ્કરી મથક દૌલતબેગ ઓલ્ડીથી 30 કિલોમીટર દૂર, ડેસ્પાંગ પાસે વાય-જંક્શન તરીકે ઓળખાતા હિસ્સામાં સૈનિકો અને ભારે વાહનો સાથે ઘૂસણખોરી કરી છે. વાય-જંક્શન LACથી ભારતીય હદમાં આવેલું છે. ધોરી નસ જેવા DSDBO રોડ પર આવતા એક લદ્દાખી ગામથી તે સાત કિલોમીટર દૂર છે અને ભારતીય સરહદની 18 કિ.મી. અંદર. 

Thursday, June 04, 2020

પ્રેરણાનાં ખાબોચિયાં

ગયા સપ્તાહે વડાપ્રધાનનું મમરાની ગુણ જેવું, ભરચક છતાં પચવામાં હલકું ભાષણ સાંભળીને થયું કે તે કદાચ સફળ  નેતા ન બન્યા હોત તો સફળ ગુજરાતી ચિંતક જરૂર બન્યા હોત. તે ચિંતક બન્યા હોત તો રાજકારણની સેવા થઈ હોત ને ચિંતક ન બન્યા એટલે સાહિત્યની સેવા થઈ. આમ, તેમને તો દોષ દેવાપણું છે જ નહીં. તેમણે તો સેવા જ કરી છે. (તેમણે લખેલી કવિતાઓ માફ)

વડાપ્રધાન હકીકતમાં સાહિત્યજગતના, બલ્કે વાચનજગતના એક મહત્ત્વના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. એ પ્રવાહ છે પ્રેરણાત્મક, હકારાત્મક, ચિંતનાત્મક સાહિત્યનો. આપણે ત્યાં એવું સાહિત્ય બહુ વેચાય છે. અહીં ‘સાહિત્ય’ શબ્દને ઉદારતાથી, કેવળ છપાયેલાં કાગળિયાંના અર્થમાં, લેવાનો છે. દરિયાથી માંડીને ખાબોચિયાં સાઇઝનાં પ્રેરણાનાં પૅકિંગ બજારમાં ઉપલબ્ધ છે. તે ઉપલબ્ધ છે, માટે વેચાય છે કે વેચાય છે, માટે ઉપલબ્ધ છે—તે મરઘીઈંડુંપ્રશ્ન છે. એક વાર પ્રકાશન વ્યવસાય વિશે સામાન્ય જ્ઞાન આપતાં એક સજ્જને કહ્યું હતું કે ‘આજકાલ ચિંતનનું બહુ ચાલે છે.’ તેમની વાત સાંભળીને થયું કે તે કદાચ આર.આર.શેઠવાળા ચિંતન શેઠની વાત કરતા હશે. પછી તેમણે ચોખવટ કરી કે તે ચિંતનાત્મક સાહિત્યની વાત કરતા હતા. ભરકોરોના વચ્ચે થતાં વડાપ્રધાનની લોકપ્રિયતાનાં સર્વેક્ષણ જેવું એકાદ સર્વેક્ષણ કરીને કે તે કર્યા વિના પણ કહી શકાય કે એ સજ્જનની વાતમાં તથ્ય છે. અંગ્રેજીની તો ખબર નથી, પણ ગુજરાતીમાં લેખન કારકિર્દી શરૂ કરવા ઇચ્છુકો માટે બે જ રસ્તા હોય એવું લાગે છેઃ ફિલ્મ અને ચિંતન. (આ વિધાનને કારકિર્દી માર્ગદર્શનનો ભાગ ગણવું નહીં)

ફિલ્મો વિશે સોશિયલ મિડીયામાં જેટલા લોકો લખે છે, એટલા લોકો ફિલ્મો જોતા હશે કે કેમ, એવો સવાલ ઘણાને થઈ ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી લખ-વાના વિષયમાં ફિલ્મની સાથે ચિંતનનો ઉમેરો થયો છે. એક જમાનામાં ચિંતક બનવા માટે દાઢી વધારવી પડતી હતી. તેમ છતાં દરજ્જો તો નિબંધકારનો જ મળતો હતો. હવે ચિંતક તરીકેની ઓળખ આધારકાર્ડ જેવી બની ગઈ છે. વાંચતા-લખતા ને ભરેલા પેટવાળા મોટા ભાગના લોકો પાર્ટટાઇમ ચિંતક હોય છે અને પોતે ઇચ્છે તો ફુલટાઇમ ચિંતક બની શકે, પણ વ્યાવસાયિક ચિંતકોની દયા ખાઈને તે એવું કરતા નથી—એમ તે માને છે. તથાકથિત ચિંતકોનાં લખાણોની ગુણવત્તા (એટલે કે તેનો અભાવ) ધ્યાનમાં રાખતાં, બીજા લોકોનો આવો આત્મવિશ્વાસ છેક અસ્થાને પણ નથી લાગતો. પરંતુ એ લોકો વધારે મહત્ત્વનાં (એટલે કે રૂપિયા કમાવાનાં) કામમાં એવા વ્યસ્ત હોય છે કે તેમનો ચિંતનપ્રેમ ચિંતકોનાં ભાષણો સાંભળીને કે લખાણો વાંચીને જ પોષી લે છે.

વડાપ્રધાને તો હજુ ગયા અઠવાડિયે આત્મનિર્ભર બનવાનું કહ્યું, પણ ચિંતનલેખકો એ સંદેશ ક્યારનો આત્મસાત્ કરી ચૂક્યા છે. તે અવતરણો સિવાય લગભગ બધી બાબતોમાં આત્મનિર્ભર જોવા મળે છે—પ્રશંસામાં તો સવિશેષ. પ્રશંસા એવી ચેપી ચીજ છે કે કોરોનાની યાદ અપાવી શકે. એક સમુહમાં કોઈની પ્રશંસા શરૂ થાય એટલે દસમાંથી છ-સાત જણ તો તેમાં અચૂક જોડાઈ જ જાય—જાણીને કે પછી રહી જવાની બીકે કે પછી શરમેધરમે. ચિંતકો આ વાત બરાબર જાણે છે અને સફળતાપૂર્વક અજમાવે પણ છે. એમ કરવાથી ટીકાકારોને નજરઅંદાજ કરવામાં કે ‘અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા કરનારા’ તરીકે ખતવી કાઢવામાં સરળતા પડે છે, એવું થૉમસ કાર્લાઇલે કહેલું કે ઓશો રજનીશે, એ યાદ નથી આવતું.

અ-ભોળા વાચકની દૃષ્ટિએ વિચારતાં એવી શંકા જાય કે ચિંતનલેખન રમત હોય કે ન હોય, તેના લેખનમાં આપણી વિસરાયેલી રમતોની ઘણી ટેકનિક વાપરવામાં આવતી હશે. જેમ થપ્પોની રમતમાં ઉસ્તાદ દાવ આપનાર આંખો ઢાંકીને એકથી ત્રીસ બોલે અને ત્યાં સુધીમાં બધા સંતાઈ જાય, એટલે પોતે ચૂપચાપ ઘરે જતો રહે, તેમ લેખક થોડા આંક બોલે એટલે વાંચનારને આશા બંધાય કે ‘હવે જોજો, બહુ મઝા આવશે.’ પણ મર્યાદિત આંક પૂરા થઈ જાય એટલે ચિંતક તો પોતાને ઘેર (હોમ પીચ પર) જતો રહે.

બીજી ટેકનિક છે સાતોડિયાની. એ રીતમાં ચિંતક સરસ ગોઠવાયેલા સાત પથ્થર પર વિચારનો દડો એવો મારે છે કે સાતેય પથ્થર વેરવિખેર. બસ, થઈ ગયો લેખ તૈયાર. વેરવિખેર પથ્થરોને એકબીજા પર સરખી રીતે ગોઠવવાનું કામ વાચક કરી લેશે. બસ, બે વાતનું ધ્યાન રાખવાનું : વાચકને ક્યાંક આઉટ ન થઈ જવાય (લેખ સમજવામાં ક્યાંક પોતાની સમજ ઓછી ન પડે) તેનું હળવું ટેન્શન રહેવું જોઈએ અને બીજું, તેને કદી આઉટ કરવાનો નહીં. તે આઉટ થઈ જશે તો પછી ચિંતક સાથે ‘રમશે’ કોણ? ત્રીજી ટેકનિક કબડ્ડીની છે. તેમાં વાચકને સામેની ટીમમાં રહેલો ખેલાડી કલ્પવામાં આવે છે અને ચિંતક તેના હાથવેંતમાં લાગવાની પણ હાથમાં નહીં આવવાની બધી પ્રયુક્તિઓ અપનાવે છે. છટકવાની કળામાં પાવરધા હોવું ચિંતન લખવાની મુખ્ય શરતોમાંની એક છે.

આટલું વાંચીને કોઈને થાય કે આ ભાઈને ચિંતન લખતાં આવડતું નહીં હોય, એટલે તે ચિંતકોની રીલ ઉતારવા બેઠા છે. તો તેમને જણાવવાનું કે હે વાચકો, આ લેખ પણ ચિંતનલેખ જ છે. મનોમન તમારી મનગમતી ચિંતનકોલમના મથાળા તળે આ લેખ ફરી વાંચી જોજો. તમને એ ચિંતનલેખ જ લાગશે. લાગ્યો ને?
(૧૭-૫-૨૦)

Tuesday, June 02, 2020

ઉઘડતા લૉક ડાઉને

સદીમાં એકાદ વાર આવે એવી મહામારી અને એવા અસાધારણ સંજોગોમાં લેવાયેલા લૉક ડાઉનના નિર્ણયથી ભારત જેવા દેશનાં ચક્રો ચાલતાં બંધ થઈ ગયાં. આટલા લાંબા સમય સુધી દેશભરમાં રેલવે બંધ રહી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. દેશવાસીઓના મોટા હિસ્સાએ જાણે નજરકેદ વેઠવાની આવી—ભલે તેનો આશય પોતાની ને કુટુંબની સલામતીનો હતો. છેલ્લા થોડા વખતથી તબક્કાવાર લૉક ડાઉનની સાંકળ ઢીલી કરાઈ રહી હતી હતી, છેવટે આજથી જાહેર પરિવહન, એસ.ટી. બસ અને સીટી બસ શરૂ થઈ છે. કેટલીક ટ્રેનો પણ. આટલા લાંબા સમયથી જકડાયેલાં સૌને મુક્તિનો આનંદદાયક અહેસાસ લાગશે. જૂજ કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં પણ આખો વિસ્તાર આવરી લેવાને બદલે તેમને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે, મર્યાદિત પેટાવિસ્તાર પૂરતા ચાલુ રખાયા છે.

આ તબક્કે આશા એવી રહે છે કે ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત્ બને અને કુદરતી કારણોથી વાઇરસનો પ્રસાર કાબૂમાં આવે. સરકાર પણ એવી આશા રાખી રહી છે. કેમ કે, શરૂઆતનાં લૉક ડાઉન જો કેન્દ્ર સરકારની નિર્ણયશક્તિનું—આયોજનનું નહીં, નિર્ણયશક્તિનું—પ્રતીક હતાં, તો છેલ્લાં બે-એક લૉક ડાઉન સરકારની ગુંચવાડાગ્રસ્ત દશાના નમૂના બની રહ્યાં. અગાઉના લૉક ડાઉનની મુદત પૂરી થતી હોય, પરિસ્થિતિમાં ઝાઝો સુધારો ન થયો હોય, છતાં કંઈક તો કરવાનું જ હોય અને શું કરવું તેની ખબર પડતી ન હોય, એવી સ્થિતિમાં સરકારે ધકેલ પંચા દોઢસો કરીને આદેશોના ખડકલા સાથે લૉક ડાઉન આગળ ધપાવ્યે રાખ્યાં. હવે બધું ખુલી રહ્યું છે અને સમુસૂતરું ચાલે એવી આશા રાખીએ તો, જોતજોતાંમાં વિગતો ભૂલાવા લાગશે અને લૉક ડાઉન એ સરકારે લીધેલા સમયસર અગમચેતીના પગલા તરીકે, તેની મહાન વ્યૂહરચના તરીકે અને અમેરિકાની સરખામણીમાં કોરાના સામેના જંગમાં આપણી જીત તરીકે ઉલ્લેખાવા લાગશે. તેની શરૂઆત તો થઈ જ ચૂકી છે. વડાપ્રધાને તેમની બીજી મુદતના પહેલા વર્ષના સરવૈયામાં કોરોના સામેની લડાઈનો સફળતાની રીતે જ ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાનનું કામ પોતાની તથા સરકારની પહાડ જેવડી નિષ્ફળતાઓને ઢાંકવાનું છે. તેમની પાસેથી આત્મખોજ કે પ્રામાણિક એકરારની અપેક્ષા રખાય એમ નથી. પરંતુ આજે નહીં ને થોડા મહિના કે વરસ પછી, કોરોનામુદ્દે તેમના વિજય સરઘસમાં જોડાઈ જતી વખતે એટલું યાદ રાખવાનું ભૂલતા નહીં કે પહેલા લૉક ડાઉનનો નિર્ણય યોગ્ય હોવા છતાં, વડાપ્રધાનની આત્મમુગ્ધતા અને મિથ્યાભિમાની અવિચારીપણાને કારણે, આ દેશના લાખો સ્થળાંતરિત શ્રમિકોને તેમણે દાયકાઓમાં નહીં જોવા મળેલી આફતમાં ધકેલી દીધા. એટલું જ નહીં, ત્યાર પછી બે મહિના સુધી તેમની પીડાને ગણકારી સુદ્ધાં નહીં. શાસકીય નિષ્ફળતા અને તેના અહંકારનો આ નમૂનો આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાનને તેમની અપેક્ષા કરતાં જુદા પ્રકારના અવ્વલ સ્થાને જરૂર મૂકી દેશે. તેમના સમર્થકોનો આક્રમક બચાવ કે પંડિતોની થિયરી—આ કશું ઇતિહાસમાંથી તેમનું આ સ્થાન છીનવી નહીં શકે. કેમ કે, એ તેમની આપકમાઈ છે. 

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી-કમ-આરોગ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતી રવિ વડાપ્રધાનના અહંકારમાંથી અને વાસ્તવિકતાનો ઇન્કાર કરવામાંથી જાણે પ્રેરણા લેતાં હોય તેમ આ મહિનાઓમાં વર્તતાં રહ્યાં છે. સાવ શરૂઆતમાં ઘરે ઘરે ફરીને કેટલા લોકોનાં સર્વેક્ષણ કરી નાખવામાં આવ્યાં, તેને લગતા માની ન શકાય એવા દાવાથી આરોગ્ય સચિવ જયંતી રવિએ શરૂઆત કરી હતી. તેમણે કરેલું અમદાવાદની પરિસ્થિતિનું હેન્ડલિંગ મૅનેજમેન્ટનાં પાઠ્યપુસ્તકોમાં મૂકવું પડે એવું છે—મૅનેજમેન્ટ કેવી રીતે ન કરવું તે માટે. ઇમેજઘેલી રાજ્ય સરકારથી અલગ તરીને કંઈક ઠેકાણાસરની વાત કરનારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી પણ એ અહંકારી મિસમૅનેજમેન્ટનો જ હિસ્સો જણાઈ હતી, જેના પગલે નહેરાને નિષ્ફળ ઠરાવવા માટે ભાજપના સાયબર સેલની સેવાઓ પણ લેવામાં આવી. અમદાવાદ કોરોના જેટલું જ અહંકારભર્યા મિસમૅનેજમેન્ટની મહામારીનો ભોગ બન્યું. બીમાર માણસ પોતાના ખર્ચે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ઇચ્છતો હોય તો તેને સરકાર પાસેથી પરવાનગી લેવી પડે અને સરકાર તે આપવામાં ઠાગાઠૈયા કરે. કારણ કે, તેને આંકડો ઓછો બતાવવાની લ્હાય લાગી હોય. પછી હાઇ કોર્ટને વચ્ચે પડવું પડે, ત્યારે આપણે આનંદ મનાવવાનો, એમ? આપણે હાઇ કોર્ટને ચૂંટી હતી કે સરકારને? શાસનની સાદી બાબતોમાં હાઇ કોર્ટે આદેશ આપવા પડવાના હોય, તો આ ચૂંટાયેલા નમૂનાઓને શું કરવાના? જાહેરખબરોમાં ને હોર્ડિંગોમાં તેમનાં થોબડાં જોઈને જ રાજી થવાનું? અને જયંતી રવિ ગમે તેટલાં મોટાં અફસર હોય, લોકોએ તેમને ચૂંટીને મોકલ્યાં નથી. તેમના સાહેબો તેમનું જે કરવું હોય તે કરે, પણ નાગરિકોએ આ જવાબ તેમના સાહેબો પાસે માગવાનો છે. (એ જુદી વાત છે કે જયંતી રવિ ૨૦૦૨માં ગોધરાના કલેક્ટર તરીકે ઇતિહાસના પાને ચડેલાં અને ૨૦૨૦માં ફરી વાર, મહામારીમાં રાજ્યનાં આરોગ્ય સચિવ તરીકે તેમનું નામ ઇતિહાસના ચોપડે ચડ્યું છે—કેવી રીતે, એ તો સૌ જાણે છે.)

રાષ્ટ્રીય સ્તરે સ્થળાંતરિત શ્રમિકોની પીડા પ્રત્યે સરકારની ગુનાઈત ઉદાસીનતા-અસંવેદનશીલતા અને અમદાવાદમાં (હજુ તો ચાલુ વર્તમાનકાળ ગણાય એવા) કોરાનાના ખતરા વચ્ચે રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતા—આ બંને એવા બોધપાઠ છે, જે લૉક ડાઉન ખૂલી ગયાની ઉજવણીમાં ભલે ઘડી-બે ઘડી બાજુ પર રખાય, પણ ત્યાર પછી એ ભૂલવા જેવા નથી. એ ભૂલી જવાનો અને ‘આપણે કેવો જોરદાર મુકાબલો કર્યો’ના વરઘોડામાં જોડાઈ જવાનો મતલબ થશેઃ જડ, અહંકારી, અસંવેદનશીલોની યાદીમાં કેટલાક શાસકો અને કેટલાક અફસરોની સાથે પોતાનું નામ પણ હોંશે હોંશે નોંધાવી દેવું.
(નિરીક્ષક વેબવિશેષ,  ૦૧-૦૬-૨૦૨૦)

Monday, June 01, 2020

મોટિવેશનનો વેશ

વેશ સામાન્ય રીતે ભવાઈમાં હોય છે. એમ તો ભવાઈમાં મોટિવેશન પણ હોય છે ને મોટિવેશનમાં ભવાઈ પણ. બધો આધાર તમારી ઉપર છે. મોટિવેશનવાળા પણ એવું જ કહે છે ને કે બધો આધાર તમારી ઉપર હોય છે.

એક સમય હતો જ્યારે ગુજરાતમાં છોકરીઓ ‘બ્યુટીપાર્લરનું’ કરતી હતી અને છોકરાઓ ‘કમ્પ્યુટરનું’ કરતા હતા.  શું કરતા હતા, એ ગૌણ છે, પણ તેમની પ્રવૃત્તિ વિશે પૂછવામાં આવે ત્યારે વિના વિલંબે આવો જવાબ મળતો. એમ તો એક સમયે ઘણા લોકો ‘બિલ્ડરનું’ કે ‘કૉન્ટ્રાક્ટરનું’ કે તેની પહેલાં ‘ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું’ પણ કરતા હતા. હવે ઘણા લોકો મોટિવેશનનું કરે છે. એટલે કે તે કાં મોટિવેશનલ ગુરુ છે, કાં મોટિવેશન વગરના શિષ્ય; કાં મોટિવેશનલ સ્પીકર છે, કાં મોટિવેશન ઝંખતા શ્રોતા.

મોટિવેશનલ સ્પીકર કે ગુરુ એટલે શું? એવો સવાલ જાગ્યો હોય તો મનમાં જ શમાવી દેજો. કારણ કે, તેનો કોઈ એક ચોક્કસ જવાબ નથી. મોટિવેશનલ સ્પીકરની સફળતા તેની આવડત કરતાં શ્રોતાઓની ‘જાવડત’ પર વધારે આધાર રાખે છે. નેતાની જેમ મોટિવેશનલ સ્પીકર બનવા માટે કોઈ ઔપચારિક લાયકાતની જરૂર નથી. મનોચિકિત્સક બનવા માટે ભણવું પડે, પણ મોટિવેશનલ સ્પીકર અને નેતા બનવા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. આ બંને પ્રજાતિઓમાં બીજું પણ કેટલુંક સામ્ય છે. લોકોને આંબાઆંબલી બતાવીને પોતાનું હિત સાધી લેવું—એ બંને વ્યવસાયોની કેન્દ્રીય પ્રવૃત્તિ છે. તેમાં સામેવાળાની નબળાઈ એ જ પોતાની મુખ્ય શક્તિ હોય છે ‘આપણને આવડે તો જિંદગી આરામથી ચાલી જાય એટલા લોકો, હોંશેહોંશે, રૂપિયા ખર્ચીને મૂરખ બનવા તૈયાર છે’—આવું માનનારા મોટિવેશનલ ગુરુ તરીકે સફળ થાય એવી સંભાવના ઘણી ઊંચી હોય છે. બલ્કે, એમ કહી શકાય કે આવી માન્યતા જ તેમને મોટિવેશનલ ગુરુ કે સ્પીકર બનવાનું મોટિવેશન પૂરું પાડતી હશે.

ધન્ય ધરા ગુજરાતમાં નિશાળમાં પ્રાર્થના પછી બોલવા ઊભા થતાં બાળકોથી માંડીને એક વ્યાખ્યાનના અઢળક રૂપિયા લેતા વક્તાઓ છે. તેમાંથી મોટિવેશનલને અલગ કેવી રીતે પાડવા? ચોખલિયા ગમે તે કહે, કક્ષાની કે ગુણવત્તાની ફુટપટ્ટી દરેક વખતે કામ લાગતી નથી. એ વાપરવા જતાં પ્રાર્થના પછી બોલવા ઊભા થનારા ને તોતિંગ રૂપિયા લેનારના વક્તવ્યમાં ઝાઝો ફેર ન લાગે, એવું બને. એટલે મોટિવેશનલ તરીકે જાણીતા વક્તાઓને તેમના લેબલની રૂએ ઉત્તમ ગણી લેવામાં આવે છે. સેલિબ્રિટીની સચોટ વ્યાખ્યા છેઃ સેલિબ્રિટી એટલે એક એવી વ્યક્તિ, જે જાણીતી હોવા માટે જાણીતી હોય. એવું જ મોટિવેશનલ સ્પીકરોનું હોય છે. તે મોટિવેશનલ બોલતા નથી. તે મોટિવેશનલ હોય છે.

વિખ્યાત હાસ્યનવલ ‘રાગ દરબારી’માં એક પાત્ર કહે છે, ‘સરકારી અફસર રુટ નક્કી કરીને ઑફિશિયલ પ્રવાસે નથી નીકળતા. એ જે માર્ગે પ્રવાસ કરે છે તે ઑફિશિયલ રુટ બની જાય છે.’ મોટિવેશનલ સ્પીકરોનું પણ ખાતું એવું જ હોય છે. ‘આજે રવિવાર છે’—એ વાક્યમાંથી પણ તે મોટિવેશનનાં ડબલાં ભરી ભરીને શ્રોતાઓ પર રેડી શકે છે અને શ્રોતાઓ? એ તો તરબોળ થવા માટે એટલા ઉત્સુક હોય છે કે ડબલાં ખાલી છે કે ભરેલાં, એની પણ ઘણાને પરવા નથી હોતી. ગેસ ચૅમ્બરમાં ઑક્સિજન માટે તરફડિયાં મારતા માણસને જેમ બીજું કશું સાંભરતું નથી કે બીજું કશું વિચારવાની સુધબુધ હોતી નથી, એવી જ દશા ઘણા મોટિવેશન-રહિત શ્રોતાઓની હોય છે.

આટલી વાત પરથી એટલું સ્પષ્ટ થઈ ગયું હશે કે મોટિવેશનલ સ્પીકર હોવા માટે એટલું જ વિચારવું જરૂરી છેઃ ‘હું (પણ) મોટિવેશનલ સ્પીકર છું અને કેમ ન હોઉં? કેમ ન હોઈ શકું? ફલાણી હોય, ઢીકણો હોય, તો હું પણ કેમ નહીં?’ રસીના ઘણા શોધકોએ પહેલવહેલા અખતરા પોતાની જાત પર કરવા પડેલા, તેમ મોટિવેશનલ સ્પીકરે મોટિવેશનનો સૌથી પહેલો પ્રયોગ-તેની સૌથી પહેલી અજમાઈશ પોતાની જાત પર કરવાં પડે છે. એમ કરતાં જો તેને ચાનક ચઢે અને તે મોટિવેશનલ સ્પીકર બની બેસે એટલે થઈ રહ્યું. સરકારે તો ફક્ત પ્રમાણપત્રો સ્વ-પ્રમાણિત કરવા કહ્યું હતું, મોટિવેશનલ સ્પીકરો આખેઆખી ઓળખ સ્વ-પ્રમાણિત કરી કાઢે છે અને જાતે પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાવવાનું શરૂ કરે છે. સરકારી કૃપાથી લોકોને જૂઠાણાં માની બેસવાની એટલી ટેવ પડી ગઈ છે કે ધંધો ચાલી જાય એટલા લોકો તો સંશયાત્મા બન્યા વિના મોટિવેશનલ સ્પીકરોનો ઓળખદાવો સ્વીકારી લે છે. પછી આવી ઓળખો ચેપની માફક સામાજિક વર્તુળોમાં, ક્લબોમાં, ‘રૂપિયાની ચિંતા નથી, પણ કોઈ સેલિબ્રિટી વક્તાને પકડી લાવો’—એવા સમુદાયોમાં પ્રસરી જાય છે. તેની ઝડપ કોરોના વાઇરસ કરતાં ઓછી, પણ શરદીના વાઇરસ કરતાં ઘણી વધારે હોય છે.

બજારમાં મળતું વેફરનું પડીકું (ખાસ તો, તેમાં વેફરે અને હવાએ રોકેલી જગ્યાનું પ્રમાણ) ઘણા મોટિવેશનલ સ્પીકરો માટે આદર્શરૂપ બની રહે છે. તેમને ખબર હોય છે કે એક વાર પડીકું ખરીદ્યા પછી, કચવાતા મને કે હવા વિશે કકળાટ કરતાં કરતાં પણ મોટિવેશન-ભૂખ્યો જણ પડીકું પૂરું કરશે. એટલું જ નહીં, ભવિષ્યમાં એ બીજું પણ લેશે.

આ લેખ તમને મોટિવેશનલ લાગ્યો? ન લાગ્યો હોય તો ફરી વાંચોઃ મોટિવેશનલ ગુરુ બનવા માટે તમારે આનાથી વધુ કેટલું મોટિવેશન જોઈએ?