Monday, June 29, 2020

ખમણ અને કોરોના

ખમણ અને કોરોના—બંને વચ્ચે એટલો જ સંબંધ છે, જેટલો ગૃહ મંત્રી અમિત શાહને વતન પરત ફરવા માગતા શ્રમિકો જોડે હતો. (એટલે કે, કશો જ નહીં) તેમ છતાં, અમિત શાહ ગૃહ મંત્રી રહી શકતા હોય, તો ખમણ અને કોરોના મથાળામાં સાથે કેમ ન રહી શકે? પછી તો એવું છે કે અમિત શાહ ગૃહ મંત્રી હોય એટલે શ્રમિકો સાથે તેમનો કંઈ ને કંઈ સંબંધ જોડી કઢાય. એવી જ રીતે, કોરોના અને ખમણ સાથે મુક્યા પછી તેમની વચ્ચેનો સંબંધ પણ કેમ ન જોડી શકાય? 

આજકાલ કોરોનાની સાથે જુદાં જુદાં ઉત્પાદનો એવું પણ કહી રહ્યાં છે કે અમારાથી કોરોના ફેલાતો નથી. જેમ કે, કેટલાંક છાપાં. એ જુદી વાત છે કે ઘણાં છાપાંને ખતરનાક બનવા માટે કોરોના ફેલાવવાની જરૂર પડતી નથી. તેમની સામગ્રી જ એવી હોય છે કે તેનાથી જાહેર જીવન પંગુ બને-નાગરિકવૃત્તિને શ્વાચ્છોશ્વાસની તકલીફ પડવા માંડે. તો છાપાં કે બીજાં કેટલાંક ઉત્પાદનોની જેમ ખમણ વેચનારા પણ એવો દાવો કરી શકે કે અમારાં ખમણથી ફક્ત સ્વાદ ફેલાય છે, કોરોના નહીં. જેન્ડર-બૅલેન્સ એટલે કે નર-નારી સમાનતાનો ખ્યાલ રાખીને આગળના વિધાનમાં ખમણ સાથે ખમણીને પણ સામેલ કરી લેવી. લોચાનું શું કરવું, એ અલગથી નક્કી કરવું પડે. જરૂર પડ્યે તેના માટે સરકાર હુકમ-અધિનિયમ-માર્ગદર્શિકા જેવું કંઈક બહાર પાડી શકે. તેમાં પણ અવઢવ લાગતી હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અમલમાં લોચાનો, વધુ એક લોચાનો, સમાવેશ કરી શકાય. એક જમાનામાં લોચો ફક્ત સુરતનો વખણાતો, પણ કોરોનાકાળમાં દિલ્હી-ગાંધીનગરના લોચાએ સુરતને ક્યાંય પાછળ રાખી દીધું છે—એવું ફક્ત સુરતીઓ જ નહીં, ગુજરાતભરના અને દેશભરના લોકો પણ કરી શકે છે.

કોરોનાકાળમાં માસ્કની જેમ આયુર્વેદિક ચીજવસ્તુઓનું બજાર પણ ઉંચકાયું છે. તેનો લાભ લઈને ખમણવાળા ‘આયુર્વેદિક ખમણ’નો એક પ્રકાર ઉમેરી શકે છે અથવા ‘બહુખમણા વસુંધરા’ એવી ગુર્જરભૂમિના સાહસિક દુકાનદારો ખમણના દરેક પ્રકાર આગળ ‘આયુર્વેદિક’ વિશેષણ ઔચિત્ય જોયા વિના લગાડી શકે છે, (જેમ ઘણા હોદ્દેદારોનાં નામની આગળ તેમની પાત્રતા જોયા વિના, કેવળ હોદ્દાની રૂએ માનનીય કે ઓનરેબલ લખવામાં આવે છે.) એવું થાય તો ટૂંક સમયમાં બજારમાં આયુર્વેદિક મરીવાળાં ખમણ, આયુર્વેદિક દહીં ખમણ, આયુર્વેદિક વાટી દાળનાં ખમણ, આયુર્વેદિક રસાદાર ખમણ—જેવાં નામ ઠેકઠેકાણે વાંચવા મળશે. પહેલાં દરેક વસ્તુની ‘ઑર્ગેનિક’ આવૃત્તિ બજારમાં મૂકવાની કોશિશ રહેતી હતી. હવે દરેકમાં, કમ સે કમ માર્કેટિંગ પૂરતો, આયુર્વેદનો વઘાર કરવાનું વલણ વધી શકે છે. 

સરેરાશ ભારતીયોને સંસ્કૃતમાં ‘આજે રવિવાર થયો’ એમ કહો તો પણ તેમના ચહેરા પર પવિત્ર શ્લોક સાંભળ્યા જેવો અહોભાવ પથરાઈ જશે. એવું જ ઘણાના મનમાં આયુર્વેદ માટે હોય છે. આયુર્વેદની ચિકિત્સાપદ્ધતિ વિશેના કોઈના અભ્યાસી ભાવની વાત નથી, પણ કેવળ આંખ મીંચીને હાથ જોડી દેવાની વૃત્તિ હોય તેમને સામે આયુર્વેદ છે કે આસારામ, તેનાથી ઝઝો ફરક પડતો નથી. આસારામથી માંડીને રામદેવ સુધીના ઘણા વેપારીઓ ધર્મ-યોગ-આયુર્વેદ-સંસ્કૃતિ-પરંપરા-સ્વદેશીની સાથે આયુર્વેદની ભેળ બનાવીને તેને સફળતાથી વેચી રહ્યા છે. આયુર્વેદમાં મોટા મોટા વિદ્વાનો થઈ ગયા-હજુ પણ કેટલાક વિદ્યમાન હશે. પણ અત્યારનો જમાનો ચરક-સુશ્રુતનો નહીં, બાબા રામદેવનો છે. તેમની ગુજરાતની કોઈ શાખાએ હજુ સુધી ખમણ બનાવવાની પહેલ કેમ નહીં કરી હોય? તે (વિવાદો સિવાયની) ગરમ વસ્તુઓ નથી બનાવતા એ જાણીએ છીએ, પણ આયુર્વેદિક, સ્વદેશી ખમણલોટનાં પેકેટ તો વેચી શકાય ને? કે એ ધંધામાં પણ કોઈ બહુરાષ્ટ્રીય કંપની ઝંપલાવે, પછી જ વિચારવાનું?

કેમય કરીને ગળે ન ઉતરી શકે એવા સરકારી દાવા હોંશેહોંશે ગળી જનારા ઘણાને ખમણ જેવી ખાણીપીણીની બાબતમાં દુનિયાભરની પૂછપરછ કરવાની ટેવ હોય છે. તેમાં પણ ‘આયુર્વેદિક ખમણ’ વાંચીને તેમનાં એન્ટેના ઊંચાં થઈ શકે છે. માટે આયુર્વેદિક ખમણનો અખતરો કરનારાએ આવા જિજ્ઞાસુઓના એલોપથિક—એટલે કે તત્કાળ અસર ઇચ્છતા, તત્કાળ જવાબ માગતા—સવાલો માટે તૈયાર રહેવું. એવા ઉત્સાહીઓ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’માં ‘યુનિટી’ ક્યાં છે એવું પૂછે કે ન પૂછે, પણ આયુર્વેદિક ખમણમાં આયુર્વેદિક શું છે, તે જરૂર પૂછશે અને ભલું હશે તો પોતાનો આયુર્વેદપ્રેમ-કમ-આયુર્વેદજ્ઞાન દર્શાવવા માટે બે સૂચન પણ કરશે. કોઈ આકરા વળી ‘ખમણ તે વળી આયુર્વેદિક હોતાં હશે?’ એવો આત્યંતિક સવાલ-કમ-અભિપ્રાય વ્યક્ત કરી બેસશે. તેમને લેખના આરંભે સૂચવેલા જવાબથી સંતોષ નહીં થાય (કે શ્રમિકોનું ધ્યાન ન રાખવા છતાં અમિત શાહ ગૃહ મંત્રી હોઈ શકે, તો ખમણ આયુર્વેદિક કેમ ન હોઈ શકે?) એવા સંશયાત્માઓના મનનું સમાધાન કરવા માટે ‘આર્યાભિષેક—હિંદુસ્થાનનો વૈદરાજ’ જેવા કોઈ મહાગ્રંથનો હવાલો આપી શકાય છે. ભોગેજોગે કોઈ પાના નંબર પૂછી પાડે તો કહી શકાય કે ‘તમે એક વાર ઑર્ડર તો આપો, તમને એ જ પાનામાં ખમણ પૅક કરેલાં મળશે, બસ?’

તેમ છતાં કોઈ છાલ ન છોડે તો છેલ્લો વિકલ્પ તો છે જઃ આ ખમણ ખાધા પછી તમારે ઘણું પાણી પીવું પડશે (અથવા પાણી જ નહીં પીવું પડે) અને આયુર્વેદમાં લખ્યું છે કે જમ્યા પછી પાણી પીવું સારું (કે સારું નહીં). એ રીતે, તમે જ કહો, આ ખમણ આયુર્વેદિક થયાં કે નહીં? 

No comments:

Post a Comment