Monday, June 01, 2020

મોટિવેશનનો વેશ

વેશ સામાન્ય રીતે ભવાઈમાં હોય છે. એમ તો ભવાઈમાં મોટિવેશન પણ હોય છે ને મોટિવેશનમાં ભવાઈ પણ. બધો આધાર તમારી ઉપર છે. મોટિવેશનવાળા પણ એવું જ કહે છે ને કે બધો આધાર તમારી ઉપર હોય છે.

એક સમય હતો જ્યારે ગુજરાતમાં છોકરીઓ ‘બ્યુટીપાર્લરનું’ કરતી હતી અને છોકરાઓ ‘કમ્પ્યુટરનું’ કરતા હતા.  શું કરતા હતા, એ ગૌણ છે, પણ તેમની પ્રવૃત્તિ વિશે પૂછવામાં આવે ત્યારે વિના વિલંબે આવો જવાબ મળતો. એમ તો એક સમયે ઘણા લોકો ‘બિલ્ડરનું’ કે ‘કૉન્ટ્રાક્ટરનું’ કે તેની પહેલાં ‘ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું’ પણ કરતા હતા. હવે ઘણા લોકો મોટિવેશનનું કરે છે. એટલે કે તે કાં મોટિવેશનલ ગુરુ છે, કાં મોટિવેશન વગરના શિષ્ય; કાં મોટિવેશનલ સ્પીકર છે, કાં મોટિવેશન ઝંખતા શ્રોતા.

મોટિવેશનલ સ્પીકર કે ગુરુ એટલે શું? એવો સવાલ જાગ્યો હોય તો મનમાં જ શમાવી દેજો. કારણ કે, તેનો કોઈ એક ચોક્કસ જવાબ નથી. મોટિવેશનલ સ્પીકરની સફળતા તેની આવડત કરતાં શ્રોતાઓની ‘જાવડત’ પર વધારે આધાર રાખે છે. નેતાની જેમ મોટિવેશનલ સ્પીકર બનવા માટે કોઈ ઔપચારિક લાયકાતની જરૂર નથી. મનોચિકિત્સક બનવા માટે ભણવું પડે, પણ મોટિવેશનલ સ્પીકર અને નેતા બનવા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. આ બંને પ્રજાતિઓમાં બીજું પણ કેટલુંક સામ્ય છે. લોકોને આંબાઆંબલી બતાવીને પોતાનું હિત સાધી લેવું—એ બંને વ્યવસાયોની કેન્દ્રીય પ્રવૃત્તિ છે. તેમાં સામેવાળાની નબળાઈ એ જ પોતાની મુખ્ય શક્તિ હોય છે ‘આપણને આવડે તો જિંદગી આરામથી ચાલી જાય એટલા લોકો, હોંશેહોંશે, રૂપિયા ખર્ચીને મૂરખ બનવા તૈયાર છે’—આવું માનનારા મોટિવેશનલ ગુરુ તરીકે સફળ થાય એવી સંભાવના ઘણી ઊંચી હોય છે. બલ્કે, એમ કહી શકાય કે આવી માન્યતા જ તેમને મોટિવેશનલ ગુરુ કે સ્પીકર બનવાનું મોટિવેશન પૂરું પાડતી હશે.

ધન્ય ધરા ગુજરાતમાં નિશાળમાં પ્રાર્થના પછી બોલવા ઊભા થતાં બાળકોથી માંડીને એક વ્યાખ્યાનના અઢળક રૂપિયા લેતા વક્તાઓ છે. તેમાંથી મોટિવેશનલને અલગ કેવી રીતે પાડવા? ચોખલિયા ગમે તે કહે, કક્ષાની કે ગુણવત્તાની ફુટપટ્ટી દરેક વખતે કામ લાગતી નથી. એ વાપરવા જતાં પ્રાર્થના પછી બોલવા ઊભા થનારા ને તોતિંગ રૂપિયા લેનારના વક્તવ્યમાં ઝાઝો ફેર ન લાગે, એવું બને. એટલે મોટિવેશનલ તરીકે જાણીતા વક્તાઓને તેમના લેબલની રૂએ ઉત્તમ ગણી લેવામાં આવે છે. સેલિબ્રિટીની સચોટ વ્યાખ્યા છેઃ સેલિબ્રિટી એટલે એક એવી વ્યક્તિ, જે જાણીતી હોવા માટે જાણીતી હોય. એવું જ મોટિવેશનલ સ્પીકરોનું હોય છે. તે મોટિવેશનલ બોલતા નથી. તે મોટિવેશનલ હોય છે.

વિખ્યાત હાસ્યનવલ ‘રાગ દરબારી’માં એક પાત્ર કહે છે, ‘સરકારી અફસર રુટ નક્કી કરીને ઑફિશિયલ પ્રવાસે નથી નીકળતા. એ જે માર્ગે પ્રવાસ કરે છે તે ઑફિશિયલ રુટ બની જાય છે.’ મોટિવેશનલ સ્પીકરોનું પણ ખાતું એવું જ હોય છે. ‘આજે રવિવાર છે’—એ વાક્યમાંથી પણ તે મોટિવેશનનાં ડબલાં ભરી ભરીને શ્રોતાઓ પર રેડી શકે છે અને શ્રોતાઓ? એ તો તરબોળ થવા માટે એટલા ઉત્સુક હોય છે કે ડબલાં ખાલી છે કે ભરેલાં, એની પણ ઘણાને પરવા નથી હોતી. ગેસ ચૅમ્બરમાં ઑક્સિજન માટે તરફડિયાં મારતા માણસને જેમ બીજું કશું સાંભરતું નથી કે બીજું કશું વિચારવાની સુધબુધ હોતી નથી, એવી જ દશા ઘણા મોટિવેશન-રહિત શ્રોતાઓની હોય છે.

આટલી વાત પરથી એટલું સ્પષ્ટ થઈ ગયું હશે કે મોટિવેશનલ સ્પીકર હોવા માટે એટલું જ વિચારવું જરૂરી છેઃ ‘હું (પણ) મોટિવેશનલ સ્પીકર છું અને કેમ ન હોઉં? કેમ ન હોઈ શકું? ફલાણી હોય, ઢીકણો હોય, તો હું પણ કેમ નહીં?’ રસીના ઘણા શોધકોએ પહેલવહેલા અખતરા પોતાની જાત પર કરવા પડેલા, તેમ મોટિવેશનલ સ્પીકરે મોટિવેશનનો સૌથી પહેલો પ્રયોગ-તેની સૌથી પહેલી અજમાઈશ પોતાની જાત પર કરવાં પડે છે. એમ કરતાં જો તેને ચાનક ચઢે અને તે મોટિવેશનલ સ્પીકર બની બેસે એટલે થઈ રહ્યું. સરકારે તો ફક્ત પ્રમાણપત્રો સ્વ-પ્રમાણિત કરવા કહ્યું હતું, મોટિવેશનલ સ્પીકરો આખેઆખી ઓળખ સ્વ-પ્રમાણિત કરી કાઢે છે અને જાતે પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાવવાનું શરૂ કરે છે. સરકારી કૃપાથી લોકોને જૂઠાણાં માની બેસવાની એટલી ટેવ પડી ગઈ છે કે ધંધો ચાલી જાય એટલા લોકો તો સંશયાત્મા બન્યા વિના મોટિવેશનલ સ્પીકરોનો ઓળખદાવો સ્વીકારી લે છે. પછી આવી ઓળખો ચેપની માફક સામાજિક વર્તુળોમાં, ક્લબોમાં, ‘રૂપિયાની ચિંતા નથી, પણ કોઈ સેલિબ્રિટી વક્તાને પકડી લાવો’—એવા સમુદાયોમાં પ્રસરી જાય છે. તેની ઝડપ કોરોના વાઇરસ કરતાં ઓછી, પણ શરદીના વાઇરસ કરતાં ઘણી વધારે હોય છે.

બજારમાં મળતું વેફરનું પડીકું (ખાસ તો, તેમાં વેફરે અને હવાએ રોકેલી જગ્યાનું પ્રમાણ) ઘણા મોટિવેશનલ સ્પીકરો માટે આદર્શરૂપ બની રહે છે. તેમને ખબર હોય છે કે એક વાર પડીકું ખરીદ્યા પછી, કચવાતા મને કે હવા વિશે કકળાટ કરતાં કરતાં પણ મોટિવેશન-ભૂખ્યો જણ પડીકું પૂરું કરશે. એટલું જ નહીં, ભવિષ્યમાં એ બીજું પણ લેશે.

આ લેખ તમને મોટિવેશનલ લાગ્યો? ન લાગ્યો હોય તો ફરી વાંચોઃ મોટિવેશનલ ગુરુ બનવા માટે તમારે આનાથી વધુ કેટલું મોટિવેશન જોઈએ? 

No comments:

Post a Comment