Tuesday, June 02, 2020

ઉઘડતા લૉક ડાઉને

સદીમાં એકાદ વાર આવે એવી મહામારી અને એવા અસાધારણ સંજોગોમાં લેવાયેલા લૉક ડાઉનના નિર્ણયથી ભારત જેવા દેશનાં ચક્રો ચાલતાં બંધ થઈ ગયાં. આટલા લાંબા સમય સુધી દેશભરમાં રેલવે બંધ રહી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. દેશવાસીઓના મોટા હિસ્સાએ જાણે નજરકેદ વેઠવાની આવી—ભલે તેનો આશય પોતાની ને કુટુંબની સલામતીનો હતો. છેલ્લા થોડા વખતથી તબક્કાવાર લૉક ડાઉનની સાંકળ ઢીલી કરાઈ રહી હતી હતી, છેવટે આજથી જાહેર પરિવહન, એસ.ટી. બસ અને સીટી બસ શરૂ થઈ છે. કેટલીક ટ્રેનો પણ. આટલા લાંબા સમયથી જકડાયેલાં સૌને મુક્તિનો આનંદદાયક અહેસાસ લાગશે. જૂજ કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં પણ આખો વિસ્તાર આવરી લેવાને બદલે તેમને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે, મર્યાદિત પેટાવિસ્તાર પૂરતા ચાલુ રખાયા છે.

આ તબક્કે આશા એવી રહે છે કે ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત્ બને અને કુદરતી કારણોથી વાઇરસનો પ્રસાર કાબૂમાં આવે. સરકાર પણ એવી આશા રાખી રહી છે. કેમ કે, શરૂઆતનાં લૉક ડાઉન જો કેન્દ્ર સરકારની નિર્ણયશક્તિનું—આયોજનનું નહીં, નિર્ણયશક્તિનું—પ્રતીક હતાં, તો છેલ્લાં બે-એક લૉક ડાઉન સરકારની ગુંચવાડાગ્રસ્ત દશાના નમૂના બની રહ્યાં. અગાઉના લૉક ડાઉનની મુદત પૂરી થતી હોય, પરિસ્થિતિમાં ઝાઝો સુધારો ન થયો હોય, છતાં કંઈક તો કરવાનું જ હોય અને શું કરવું તેની ખબર પડતી ન હોય, એવી સ્થિતિમાં સરકારે ધકેલ પંચા દોઢસો કરીને આદેશોના ખડકલા સાથે લૉક ડાઉન આગળ ધપાવ્યે રાખ્યાં. હવે બધું ખુલી રહ્યું છે અને સમુસૂતરું ચાલે એવી આશા રાખીએ તો, જોતજોતાંમાં વિગતો ભૂલાવા લાગશે અને લૉક ડાઉન એ સરકારે લીધેલા સમયસર અગમચેતીના પગલા તરીકે, તેની મહાન વ્યૂહરચના તરીકે અને અમેરિકાની સરખામણીમાં કોરાના સામેના જંગમાં આપણી જીત તરીકે ઉલ્લેખાવા લાગશે. તેની શરૂઆત તો થઈ જ ચૂકી છે. વડાપ્રધાને તેમની બીજી મુદતના પહેલા વર્ષના સરવૈયામાં કોરોના સામેની લડાઈનો સફળતાની રીતે જ ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાનનું કામ પોતાની તથા સરકારની પહાડ જેવડી નિષ્ફળતાઓને ઢાંકવાનું છે. તેમની પાસેથી આત્મખોજ કે પ્રામાણિક એકરારની અપેક્ષા રખાય એમ નથી. પરંતુ આજે નહીં ને થોડા મહિના કે વરસ પછી, કોરોનામુદ્દે તેમના વિજય સરઘસમાં જોડાઈ જતી વખતે એટલું યાદ રાખવાનું ભૂલતા નહીં કે પહેલા લૉક ડાઉનનો નિર્ણય યોગ્ય હોવા છતાં, વડાપ્રધાનની આત્મમુગ્ધતા અને મિથ્યાભિમાની અવિચારીપણાને કારણે, આ દેશના લાખો સ્થળાંતરિત શ્રમિકોને તેમણે દાયકાઓમાં નહીં જોવા મળેલી આફતમાં ધકેલી દીધા. એટલું જ નહીં, ત્યાર પછી બે મહિના સુધી તેમની પીડાને ગણકારી સુદ્ધાં નહીં. શાસકીય નિષ્ફળતા અને તેના અહંકારનો આ નમૂનો આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાનને તેમની અપેક્ષા કરતાં જુદા પ્રકારના અવ્વલ સ્થાને જરૂર મૂકી દેશે. તેમના સમર્થકોનો આક્રમક બચાવ કે પંડિતોની થિયરી—આ કશું ઇતિહાસમાંથી તેમનું આ સ્થાન છીનવી નહીં શકે. કેમ કે, એ તેમની આપકમાઈ છે. 

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી-કમ-આરોગ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતી રવિ વડાપ્રધાનના અહંકારમાંથી અને વાસ્તવિકતાનો ઇન્કાર કરવામાંથી જાણે પ્રેરણા લેતાં હોય તેમ આ મહિનાઓમાં વર્તતાં રહ્યાં છે. સાવ શરૂઆતમાં ઘરે ઘરે ફરીને કેટલા લોકોનાં સર્વેક્ષણ કરી નાખવામાં આવ્યાં, તેને લગતા માની ન શકાય એવા દાવાથી આરોગ્ય સચિવ જયંતી રવિએ શરૂઆત કરી હતી. તેમણે કરેલું અમદાવાદની પરિસ્થિતિનું હેન્ડલિંગ મૅનેજમેન્ટનાં પાઠ્યપુસ્તકોમાં મૂકવું પડે એવું છે—મૅનેજમેન્ટ કેવી રીતે ન કરવું તે માટે. ઇમેજઘેલી રાજ્ય સરકારથી અલગ તરીને કંઈક ઠેકાણાસરની વાત કરનારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી પણ એ અહંકારી મિસમૅનેજમેન્ટનો જ હિસ્સો જણાઈ હતી, જેના પગલે નહેરાને નિષ્ફળ ઠરાવવા માટે ભાજપના સાયબર સેલની સેવાઓ પણ લેવામાં આવી. અમદાવાદ કોરોના જેટલું જ અહંકારભર્યા મિસમૅનેજમેન્ટની મહામારીનો ભોગ બન્યું. બીમાર માણસ પોતાના ખર્ચે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ઇચ્છતો હોય તો તેને સરકાર પાસેથી પરવાનગી લેવી પડે અને સરકાર તે આપવામાં ઠાગાઠૈયા કરે. કારણ કે, તેને આંકડો ઓછો બતાવવાની લ્હાય લાગી હોય. પછી હાઇ કોર્ટને વચ્ચે પડવું પડે, ત્યારે આપણે આનંદ મનાવવાનો, એમ? આપણે હાઇ કોર્ટને ચૂંટી હતી કે સરકારને? શાસનની સાદી બાબતોમાં હાઇ કોર્ટે આદેશ આપવા પડવાના હોય, તો આ ચૂંટાયેલા નમૂનાઓને શું કરવાના? જાહેરખબરોમાં ને હોર્ડિંગોમાં તેમનાં થોબડાં જોઈને જ રાજી થવાનું? અને જયંતી રવિ ગમે તેટલાં મોટાં અફસર હોય, લોકોએ તેમને ચૂંટીને મોકલ્યાં નથી. તેમના સાહેબો તેમનું જે કરવું હોય તે કરે, પણ નાગરિકોએ આ જવાબ તેમના સાહેબો પાસે માગવાનો છે. (એ જુદી વાત છે કે જયંતી રવિ ૨૦૦૨માં ગોધરાના કલેક્ટર તરીકે ઇતિહાસના પાને ચડેલાં અને ૨૦૨૦માં ફરી વાર, મહામારીમાં રાજ્યનાં આરોગ્ય સચિવ તરીકે તેમનું નામ ઇતિહાસના ચોપડે ચડ્યું છે—કેવી રીતે, એ તો સૌ જાણે છે.)

રાષ્ટ્રીય સ્તરે સ્થળાંતરિત શ્રમિકોની પીડા પ્રત્યે સરકારની ગુનાઈત ઉદાસીનતા-અસંવેદનશીલતા અને અમદાવાદમાં (હજુ તો ચાલુ વર્તમાનકાળ ગણાય એવા) કોરાનાના ખતરા વચ્ચે રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતા—આ બંને એવા બોધપાઠ છે, જે લૉક ડાઉન ખૂલી ગયાની ઉજવણીમાં ભલે ઘડી-બે ઘડી બાજુ પર રખાય, પણ ત્યાર પછી એ ભૂલવા જેવા નથી. એ ભૂલી જવાનો અને ‘આપણે કેવો જોરદાર મુકાબલો કર્યો’ના વરઘોડામાં જોડાઈ જવાનો મતલબ થશેઃ જડ, અહંકારી, અસંવેદનશીલોની યાદીમાં કેટલાક શાસકો અને કેટલાક અફસરોની સાથે પોતાનું નામ પણ હોંશે હોંશે નોંધાવી દેવું.
(નિરીક્ષક વેબવિશેષ,  ૦૧-૦૬-૨૦૨૦)

No comments:

Post a Comment