Wednesday, February 29, 2012

સઆદત હસન મંટોને વ્યંગ-અંજલિ

એક માણસ મરે તો એ કરુણતા કહેવાય, પણ મરનારા વધારે હોય તો એમનાં મોત કેવળ સંવેદનશૂન્ય ‘આંકડો’ બની રહે, એવી કહેણી દસ વર્ષ પહેલાં ગુજરાતમાં વઘુ એક વાર સાચી પડી. કોમી હિંસાના દાવાનળમાં માણસોની સાથે સીધીસાદી, કોઇ લેબલ વગરની સંવેદના પણ જાણે બળીને રાખ થઇ. એ માહોલના ઊંડા આઘાત અને ક્ષુબ્ધ માનસિક અવસ્થામાં લખાયેલી કેટલીક વ્યંગકથાઓ માણસની હેવાનિયતનો ભોગ બનેલા સૌ મૃતકો ઉપરાંત એ મહાન કથાકારને પણ અંજલિરૂપ છે, જેનું નામ હતું સઆદત હસન મંટો.

ભારતના ભાગલા સમયે માણસની પાશવતાથી સ્તબ્ધ મંટોએ ખુલ્લી આંખે જે જોયું, તેને કઠણ કાળજે અને સાહિત્યકારની સંવેદનશીલતા સાથે આલેખ્યું. તેમાંથી નીપજી ‘સ્યાહ હાશિયે’ની ટચૂકડી વ્યંગકથાઓ. એ તરાહ પર લખાયેલી આ કથાઓનો હેતુ સનસનાટી પ્રેરવાનો કે લાગણી ઉશ્કેરવાનો હરગીઝ નથી. એક માણસ બીજા માણસ સાથે કેટલો ક્રૂર બની શકે તેનું બયાન તેમાં છે. આશય એટલો જ કે આટલી દેખીતી અમાનવીય વર્તણૂંક પહેલાં ન સમજાઇ હોય તો કદાચ હજુ સમજાય અને તેના વિશે પસ્તાવો થાય. પોતાની કથાઓ વિશે મંટોએ જે કહ્યું હતું, એવું જ કંઇક આ લધુકથાઓ વિશે કહેવાનું થાય કે ‘એ તમને અસહ્ય (નાકાબિલે બરદાશ્ત) લાગે તો માનજો કે વાસ્તવિકતા જ અસહ્ય હતી.’

***
સમજણ

સળગતી ટ્રેન અને બળેલા મૃતદેહો જોઇને બાળકે માતાને પૂછ્‌યું, ‘આ લોકોને કોણે માર્યા?’

‘મુસ્લિમોએ.’

‘કેમ?’ બાળકે પૂછ્‌યું.

‘બેટા, એ લોકો મુસ્લિમ છે અને આ લોકો હિંદુ હતા એટલે.’

‘પણ મમ્મી, બેન્ચ પર મારી સાથે બેસતો આરિફ મુસ્લિમ છે. તો પણ અમે કદી લડ્યા નથી.’

‘બેટા, તમે લોકો હજુ અણસમજુ છો.’
***

ક્રૂરદર્શન

૬૦ લોકોને જીવતા જલાવી દેવાનું ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી, કડકમાં કડક સજાને પાત્ર કૃત્ય.
- એક દિવસના સમાચાર
ગઇ કાલે થયેલી ૬૦ નિર્દોષોની હત્યાના ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી કૃત્યથી ભભૂકી ઉઠેલા રોષમાં બીજી કોમના ૨૫૦થી વધારે લોકોની હત્યા. ધીમે ધીમે ઠંડો પડી રહેલો લોકોનો રોષ.
- બીજા દિવસના સમાચાર
***

પસંદગી

કપડાંનો એક વૈભવી શો રૂમ તૂટ્યો. ટોળું અંદર ફરી વળ્યું. લૂંટ મચી. અપ ટુ ડેટ કપડાંવાળી એક યુવતીએ કહ્યું, ‘મને પસંદગીમાં જરાય વાર નહીં લાગે. હું પરમ દિવસે જ અહીં આવી હતી.’

***

પૂર્વતૈયારી

‘એ લોકોનું ટોળું આવે છે. જે હોય તે, લાકડી-ધારિયાં-પાઇપો લઇને તૈયાર રહેજો. આ વખતે ખબર પાડી દેવી છે.’

‘પણ તમને કોણે કહ્યું?’

‘કહેવાનું કોણ હતું? કાલે જ અમે એમની દુકાનો સળગાવી છે. હવે એ લોકો થોડા શાંત બેસી રહેશે?’

***

ભાઇચારો
‘સાંજે પૂરીઓ વણવા આવી જજો.’

‘કેમ? પ્રસંગ કાઢ્‌યો છે?’

‘ના રે. બાજુના ગામમાં એ લોકોના પાંચ જણને જીવતા સળગાવી દેવા બદલ પોલીસ આપણા પચીસ ભાઇઓની ધરપકડ કરીને અહીં લઇ આવી છે. રોજ જુદી જુદી પોળવાળા તેમને જમાડે છે. આજે આપણો વારો છે.’
***

બચ્ચાંનો ખેલ નથી

નવ વર્ષની એક છોકરી રાત્રે મમ્મીને પૂછતી હતી, ‘આપણે મેળામાંથી ગદા ને તલવાર લાવ્યા હતા, એ ક્યાં છે?’

‘અત્યારે મને તારાં રમકડાં શોધવાનો ટાઇમ નથી. સૂઇ જા છાનીમાની.’ મમ્મીએ છણકો કર્યો.

‘ના, મારે અત્યારે જ જોઇએ. હું બહાર રમતી હતી ત્યારે બધા કહેતા હતા કે રાત્રે એમનાવાળા તલવારો લઇને આપણાવાળાને મારવા આવવાના છે. મારે મારી તલવાર લઇને બારી આગળ બેસી રહેવું છે.’

***

ડંખઃ જૂતાંનો અને આત્માનો

‘આ કોની દુકાન છે?’

ટોળામાંથી જવાબ મળ્યો, ‘એ લોકોની.’

આ સાથે જ બૂટચંપલની દુકાનનું શટર તૂટ્યું. ટોળું કામે લાગી ગયું. સૌએ સાથે લઇ શકાય એટલાં બૂટચંપલ લીધાં. એવામાં ટોળાના આગેવાનની નજર એક ખૂણે લટકતી ભગવાનની છબી પર પડી. તરત એ બોલ્યો,

‘ભાઇઓ, તમારું કામ પતી ગયું હોય તો બહાર નીકળી જઇએ. આ દુકાન આપણા ભાઇની જ લાગે છે.’

***

ફરજપરસ્તી

‘મને જવા દો. મારા પાર્ટનર તમારી કોમના છે. મારા મિત્રો તમારી કોમના છે. મારા પાડોશી તમારી કોમના છે. મારી છોકરીની બહેનપણીઓ પણ તમારી કોમની છે.’

‘એમ? તો તને ઉપર પહોંચાડવાની ફરજ પણ અમારી કોમની જ કહેવાય.’

બીજી મિનિટે આગના ભડકા દેખાયા અને કારમી ચીસો સંભળાઇ. ફરજ અદા થઇ ચૂકી હતી.
***

કોશિશ

‘સળગાવી દો આ લોન્ડ્રી. એ બી એમની જ છે.’ એવા પોકાર થતાં, લોન્ડ્રીની આજુબાજુ રહેતા લોકો બારીમાં આવી ગયા. તેમણે ટોળાને કહ્યું, ‘રહેવા દો ભાઇ, લોન્ડ્રી એમની છે, પણ એમાં કપડાં તો આપણા લોકોનાં જ છે.’

‘તો શું થયું? લોન્ડ્રી તો બળશે જ.’

‘એમ? તો પછી અમને અંદરથી અમારાં કપડાં કાઢી લેવા દેશો?’

***

માનવતા

લોકોને જીવતા જલાવવાનો આતંક પુરબહારમાં હતો. કોઇએ ટ્રેનમાં જલાવ્યા તો કોઇએ બહાર.

‘એ લોકોએ તો ટ્રેનમાં બૈરાં-છોકરાં બધાને જીવતાં સળગાવ્યાં હતાં, પણ આપણાવાળાએ થોડી માનવતા રાખી છે.’ એક જાણકારે પૂરી ગંભીરતાથી કહ્યું, ‘નાનાં બાળકોને પોલીસ સ્ટેશને છોડીને ફક્ત મોટાંને જ સળગાવ્યાં છે.’
***

Tuesday, February 28, 2012

‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’

કેટલીક વાતો એટલી સાદી ને પાયાની હોય છે કે એ તરત ન પણ સમજાય. તેમને સમજવામાં- અંકે કરવામાં બે-પાંચ-સાત-દસ વર્ષ નીકળી જાય. ત્યાં સુધીમાં ઉશ્કેરાટ-આવેગો શમ્યા હોય અને માણસ હળવો - સ્વસ્થ થયો હોય.

જેમ કે, ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસાની વાત.

આટલા ઉલ્લેખમાત્રથી મુખ્ય મંત્રીના ચાહકો બાંયો ચઢાવીને લડવા અને વિરોધીઓ તેમનો મુકાબલો કરવા તૈયાર થઇ જશે. પણ દસ વર્ષના ગાળા પછી, પહેલો સવાલ, મુખ્ય મંત્રી દોષી હતા કે નહીં એ નથી. ન હોઇ શકે.

એક નાગરિક તરીકે સૌથી પહેલો અને પ્રાથમિક, પોતાની જાતને પૂછવાનો સવાલ છેઃ દસ વર્ષ પહેલાં જે થયું તે, પક્ષ કે કોમના ભેદ વગર, માણસ તરીકે બિનશરતી શરમ, અફસોસ અને પસ્તાવો પ્રેરે એવું હતું? એ સમયે ક્રૂરતા અને ઘાતકીપણું વાજબી ઠરાવવા માટે મનમાં અનેક કારણો ઊભાં થઇ ગયાં હોય, તો પણ આજે દસ વર્ષ પછી એ હિંસાને આપેલા સક્રિય કે મૂક ટેકા વિશે ફરી વિચારવા જેવું લાગે છે? ‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?

માણસ જેવા માણસ એકબીજાને કોઇ વાંકગુના વિના, ફક્ત એક યા બીજી કોમના હોવાને કારણે સળગાવે, મારે, કાપે, એ વિશે આટલાં વર્ષ પછી, ‘આપણાથી એવું ન કરાય- એવું કરનારનું ઉપરાણું ન લેવાય’ એવો માનવ-સહજ, માનવતા-સહજ વિચાર આવે છે? કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? કોમી હિંસા ઠારવા માટે ગુજરાત આવેલા કેપીએસ ગિલ જે શબ્દ રમતો મૂકીને ગયા તે - ‘કલિંગબોધ’- શાસકોની વાત શાસક જાણે, પણ આપણામાં- નાગરિકોમાં જાગ્યો છે? વચ્ચેનાં વર્ષોમાં હુલ્લડબાજીમાં-હિંસામાં સીધો ભાગ લેનારા થોડા લોકોમાં અને પોલીસતંત્રના થોડા સભ્યોમાં ભીની આંખે પસ્તાવાની - અને ‘અમે ભાન ભૂલ્યા હતા’ એવી લાગણી પેદા થઇ છે. તેમની સાથે સીધો અને કાયમી પરિચય ધરાવતા કેટલાક પત્રકારમિત્રો એ સુખદ પરિવર્તનના સાક્ષી છે.

બાકીના, ‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’-એટલે કે આપણામાંથી ઘણા બધાએ - ‘એક વાર પાગલપણાને ટેકો આપ્યા પછી હવે શાણપણની વાત કરીએ તો ટીકાકારો તૂટી ન પડે?’ એવી ચિંતા કે શરમ રાખવાની જરૂર નથી. ભાન ભૂલાય નહીં તે શ્રેષ્ઠ સ્થિતિ છે, પણ અમુક સમયગાળા પૂરતું એવું થયું હોય, તો ભૂલ સ્વીકારીને પસ્તાવો કરવો અને ફરી સજાગ રહેવું એ માણસ હોવાની નિશાની અને સાબિતી છે. આપણે લાશોનો વેપાર કરતાં મતલાલચુ શિયાળ નહીં, પણ માણસ જ હોઇએ તો પછી ભૂતકાળની અમાનવીય વર્તણૂંક બદલ પસ્તાવો વ્યક્ત કરીને, માણસ પુરવાર થવામાં શરમ-સંકોચ કેવાં?

૧૯૮૪ અને ૨૦૦૨
ગુજરાતની ૨૦૦૨ની હિંસાની વાત ઉખળતાં જ ઘણાને દિલ્હીમાં ઇંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલો શીખ હત્યાકાંડ યાદ આવી જાય છે. એવી ભયાનક હિંસક ઘટના શી રીતે ભૂલી શકાય? હત્યાકાંડના આરોપીઓનો ન્યાય તોળાયો ન હોય ત્યારે તો ખાસ.

પરંતુ બન્ને ઘટનાઓ સાથે યાદ કરતી વખતે, નાગરિકોના બે ભાગ પડી જાય છેઃ પક્ષીય વફાદારી, વિચારધારાના ચશ્મા કે ગોખેલી દલીલના ભાગરૂપે શીખવિરોધી હિંસા યાદ કરનારા કહે છે, ‘કોંગ્રેસના રાજમાં આટલી જ ભયંકર ખૂનામરકી થઇ હતી. આરોપીઓને સજા પણ ન થઇ. ત્યારે તમને (કોંગ્રેસવાળાને,‘સેક્યુલર’ લોકોને) શરમ આવી હતી? ના. તમે એનો વિરોધ કર્યો હતો? ના. તો પછી અમે ગુજરાતનો ૨૦૦૨નો હિંસાચાર યાદ કરીને શા માટે શરમાઇએ? શા માટે તેનો વિરોધ કરીએ?’

કોંગ્રેસ પ્રત્યે વફાદારી ધરાવતા અથવા ‘શિસ્તબદ્ધ’ (અંતરાત્માને તાળું મારીને ચાવી હાઇકમાન્ડને સોંપનારા) લોકો કહેશે કે ‘પહેલાં તમે ૨૦૦૨નો હિસાબ તો આપો! અમારા નેતાઓ એકથી વઘુ વાર શીખોની માફી માગી ચૂક્યા છે. બે મુદતથી એક શીખ વડાપ્રધાન અમારી સરકાર ચલાવે છે. જ્યારે તમારા નેતા માફી માગવાને બદલે- લાજવાને બદલે ગાજતા ફરે છે.’

૨૦૦૨ની કોમી હિંસા પછીના રાજકીય વાતાવરણમાં, આગળ જણાવેલી બે દલીલોમાંથી જ કોઇ એક- મોટે ભાગે પહેલી (‘અમે શા માટે શરમાઇએ?’) કરનારા મોટી સંખ્યામાં હતા. એવું માની લેવામાં આવ્યું- એવો ભારે પ્રચાર થયો કે લોકો બે જ પ્રકારના હોયઃ કોંગ્રેસ પ્રત્યે ઢળેલા-સ્યુડો સેક્યુલારિસ્ટ અથવા ભાજપી મુખ્ય મંત્રીના ટેકેદારો-તરફદારો.

સમીકરણ એવું રચાયું કે જે ગુજરાતની હિંસાનો વિરોધ કરે છે તે કોંગ્રેસતરફી, સ્યુડો-સેક્યુલારિસ્ટ, હિંદુવિરોધી, બેવડાં ધોરણવાળા. જેને હિંસા માટે કોઇ અફસોસ નથી, બલકે ‘૨૦૦૨ની હિંસા બદલ શરમ આવવી જોઇએ’ એવું કહેનારા ‘ગુજરાતશત્રુઓ’ને જે ધિક્કારે છે તે ‘સાચા ગુજરાતી’.

આ જાતના રાજકીય લાભથી પ્રેરિત પ્રચારમાં એક ત્રીજા, સમજુ નાગરિકોના વર્ગનું અસ્તિત્ત્વ સદંતર ભૂલી જવાયું. એ વર્ગ ત્યારે પણ માનતો હતો અને હજુ પણ માને છે કે ‘૧૯૮૪નો શીખ હત્યાકાંડ કોંગ્રેસનું કદી ન ધોવાય એવું પાપ છે. તેના ડાઘ બે મુદત સુધી એક શીખને વડાપ્રધાન બનાવ્યા પછી કે એકથી વઘુ વાર માફી માગ્યા પછી ધોવાઇ ન જાય. શીખવિરોધી હિંસાનો ભોગ બનેલાને ન્યાય મળે, આરોપીઓને સજા થાય, ન્યાયપ્રક્રિયામાં કોંગ્રેસ પહેલ ન કરે તો કમ સે કમ પસ્તાવાભેર સહકાર આપે, તો જ એ ડાઘ હળવો થાય. આરોપીઓને અદાલત સજા કરે તે પહેલાં કોંગ્રેસે પક્ષીય ધોરણે કડક પગલાં ભરવાં પડે. તો જ શીખોની માફી માગવાનો અર્થ સરે. બાકી, ખૂનખરાબો કરી લીધા પછી લૂલી હલાવીને માગેલી માફી ‘ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે પકડવા જા’ એવી, સાવ ઠાલી અને બોદી ગણાય.’

ગુજરાતના સમજુ નાગરિકો આટલી જાગૃતિ બતાવે ત્યાં સુધી સરસ. પણ એ લોકો દિલ્હીમાં કોંગ્રેસ પાસે રાખેલી અપેક્ષાઓ જેવી ગુજરાતની ભાજપ સરકાર માટે રાખવા માંડે કે તરત ‘ગુજરાતવિરોધી’, ‘સ્યુડો-સેક્યુલર’, ‘હિંદુવિરોધી’નું બૂમરાણ શરૂ.

દિલ્હીના શીખ હત્યાકાંડ વખતે અનેક નાગરિક સંગઠનો અને જાગ્રત-અગ્રણી નાગરિકોએ તેની આકરી ટીકા કરી હતી. એ મુદ્દો કોંગ્રેસે દાખવેલી જડતા અને બેશરમીના તે આજ લગી ટીકાકાર રહ્યા છે. આવા લોકોને-સંસ્થાઓ ગુજરાતની વાત કરે ત્યારે, ‘શીખ હત્યાકાંડ વખતે તમે ક્યાં હતા?’એવું પૂછનારાની તકલીફ એ છે કે તે જવાબ સાંભળવા ઊભા રહેતા નથી. કારણ કે તેમને જવાબમાં નહીં, પથ્થરની જેમ પ્રશ્ન ફેંકીને નાસી જવામાં રસ હોય છે. બીજી હંમેશાં ભૂલી જવાતી વાત એ છે કે દિલ્હીના શીખ હત્યાકાંડનો રાજીવ ગાંધી સહિતના થોડા કોંગ્રેસી નેતાઓ અને ગુંડાઓ સિવાયના બીજા કોઇએ બચાવ કર્યો ન હતો. તેને વાજબી ઠરાવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો.

તમે શું કર્યું?
‘અમે કોમવાદી નથી, પણ બેવડાં ધોરણના વિરોધી છીએ’ એમ કહીને ઘણા ગુજરાતની હિંસાનો બચાવ કરે છે અથવા તેની ટીકા કરનારાને ગાળો દે છે. એવા ‘બેવડાં ધોરણના વિરોધીઓ’એ ‘શીખવિરોધી હિંસા પછી પીડિતોને ન્યાય અપાવવા માટે તમે શું કર્યું?’ એ સવાલ કોઇ ભાજપી નેતાને પૂછ્‌યો છે?

વાત બેવડાં ધોરણના વિરોધની જ હોય તો, ગુજરાતની હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવા ઉત્સુક લોકોમાંથી કોઇએ ગુજરાતના ભાજપી નેતાઓને પૂછ્‌યું કે ‘૧૯૮૪માં થયેલી શીખવિરોધી હિંસાની અને તેના પીડીતોને થયેલા અન્યાયની દુહાઇઓ આપો છો, તો તમારા રાજમાં ૨૦૦૨માં જે થયું તેનું શું? તેના પીડિતોને ન્યાય મળે એ માટે તમે શું કર્યું?’

એક રાજકીય પક્ષ પોતાનાં પાપ સરભર કરવા માટે - તેમનો છેદ ઉડાડવા માટે સામેના પક્ષનાં પાપ ગણાવે એ સમજાય એવું છે. કારણ કે કોઇ રાજકીય પક્ષને ન્યાય ખપતો નથી. ભલે તે વિરોધ પક્ષ હોય. ન્યાયની લડત તેના માટે છેવટે પોતાના હરીફને પછાડવાનું હથિયારમાત્ર છે. પીડિતોને ન્યાય અપાવવો એ કદી તેમનું અંતિમ ઘ્યેય હોતું નથી.

દિલ્હીના શીખોને ન્યાય અપાવવા માટે ભાજપ અને ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ શું ઉકાળીને ઉંધી વળી ગઇ, એ આપણે સૌ જાણીએ છીએ. એ બન્ને પક્ષો ઇચ્છે છે કે આપણે નાગરિકો તેમનાં પાપ- તેમની રાજકીય હિંસાખોરીનો સામસામો છેદ ઉડાડી દઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે નાગરિકો ‘તું કોંગ્રેસી, તું ભાજપી’ એવી પક્ષીય હૂંસાતૂંસી-આરોપબાજીમાં પડે, ધોળા ધરમે જેનો બચાવ ન થઇ શકે એવાં કરતૂતોનો પક્ષીય વફાદારી કે કાલ્પનિક ડરથી દોરવાઇને બચાવ કરે અને પોતાના જેવા બીજા નાગરિકો માટે ન્યાય માગવાનું ભૂલી જાય.

આગળ વધો
દસ વર્ષ પછી સૌથી સ્વાભાવિક લાગણી અને પ્રતિક્રિયા એ મળે છે કે ‘હવે ક્યાં સુધી જૂનું યાદ રાખશો? જૂનું ભૂલીને આગળ વધો.’ (આવું કહેનારા ૨૮ વર્ષ જૂનાં શીખવિરોધી રમખાણોને સગવડે યાદ કરી લે છે એ જુદી વાત છે.)

હકીકત એ છે કે દિલ્હીના શીખો કે ગુજરાતના મુસ્લિમો કે બીજા પીડિતો લોકોની સલાહની રાહ જોયા વિના આગળ વધી જ રહ્યા છે. પરંતુ આગળ વધવાનો અર્થ ‘ન્યાયની આશા-અપેક્ષા રાખ્યા વિના આગળ વધવું’, એવો તો ન જ હોઇ શકે. કમનસીબી એ છે કે ૨૦૦૨ની હિંસાના કેસમાં ગુજરાત સરકાર પોતે પીડિતોને ન્યાય અપાવવાના પક્ષે હોય એવું બિલકુલ લાગતું નથી અને તેમના છડીદારો આગળ વધી જવાના ઉપદેશો ફટકારે છે.

ગુજરાતમાં ન્યાયની વાત આવે ત્યારે તેમાં વિકાસનો મુદ્દો નાખીને વાતને ગુંચવવા જેવી નથી. ગુજરાતનો વિકાસ કેવો, કેટલો અને કોના પ્રતાપે થયો છે, એ જુદી ચર્ચા માગી લેતો મુદ્દો છે. વિકાસ થયો હોય તો પણ એ ન્યાયના વિકલ્પ તરીકે ન હોઇ શકે, એટલી સાદી વાત નાગરિક તરીકે આપણને સમજાવી જોઇએ.

છેલ્લો મુદ્દો ગુજરાતની હિંસામાં મુખ્ય મંત્રીની ભૂમિકાનો. થિયરીબાજીમાં પડ્યા વિના કે કોઇ તપાસપંચ રચ્યા વિના એટલું સ્પષ્ટ છે કે તેમના શાસનમાં સાબરમતી એક્સપ્રેસમાં હિંદુઓ અને ત્યાર પછીના તોફાનમાં સંખ્યાબંધ મુસ્લિમો તથા બીજા લોકો માર્યા ગયા. આ બન્ને માટેની નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની છે. ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના સ્વાભાવિક હૈ. ન હમ ક્રિયા ચાહતે હૈં, ન પ્રતિક્રિયા.’ એટલું કહીને બેસી જવાને બદલે, રાજ્યના ચૂંટાયેલા વડા તરીકે તેમણે તોફાનીઓ સામે કડકાઇથી કામ લીઘું હોત અને કોઇ કાયદાથી ઉપર નથી એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હોત તો? અફસરશાહી અને પોલીસતંત્ર પોતાના ‘સાહેબ’ના વણકહ્યા આદેશ પારખવામાં બહુ પાવરધાં હોય છે. તે અપવાદરૂપે નહીં, પણ નિયમલેખે હિંસા રોકવામાં વધારે સક્રિય બન્યાં હોત.

હિંસાનાં દસ વર્ષ પછી હજુ ઘણા લોકો કારણ-રીઝન અને વાજબીપણું- જસ્ટીફિકેશન વચ્ચેનો તફાવત ધરાર સ્વીકારતા નથી. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતો માણસ અકસ્માતે પટકાઇને મૃત્યુ પામે, તો તેના મૃત્યુના કારણમાં અકસ્માત ઉપરાંત હેલ્મેટ પહેરી ન હતી, એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ ‘એણે હેલ્મેટ પહેરી ન હતી, એટલે એ મરવાને જ લાયક હતો અને હેલ્મેટ ન પહેરનારા બધા મરવાને લાયક છે’ એવું કહી શકાય?

ગોધરા-અનુગોધરા હિંસા અને રીઝન-જસ્ટિફિકેશનના તફાવત અંગે આ રીતે વિચારી જોજો.

Sunday, February 26, 2012

અન્ના આંદોલનની પાકિસ્તાની આવૃત્તિ: ઇમરાનખાન

(caricature: Mario Miranda)

ઇજિપ્તમાં ને ભારતમાં, યુરોપમાં ને અમેરિકામાં- બધે ‘ક્રાંતિ’ થઇ (પછી શું થયું એ ન પૂછવું), તો પાકિસ્તાન કેમ બાકી રહી જાય? ત્યાં પણ ક્રાંતિ ચાલી રહી છે, જેના નાયક છેઃ લોકપ્રિય ક્રિકેટરમાંથી લોકપ્રિય નેતા બનેલા ઇમરાનખાન.

‘પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ’ પક્ષ સ્થાપ્યા પછી પંદર વર્ષ સુધી રાજકારણમાં ઇમરાનખાનનો ગજ ન વાગ્યો, પણ થોડા મહિનાથી તેમના નામનાં એવાં નગારાં વાગવા લાગ્યાં છે કે તેની સામે બીજા રાજકીય પક્ષોની હસ્તી તતુડી જેવી લાગે. લાહોર-કરાચીમાં ઇમરાનખાનની રેલીમાં લાખો માણસ ભેગા થાય છે. મહત્તમ સંખ્યાનો એક અંદાજ પાંચ લાખનો છે. તેમાં યુવાનો અને સ્ત્રીઓની મોટી સંખ્યા હોય છે. તેમના ઉત્સાહનો પાર નથી. ‘કૌન બચાયેગા પાકિસ્તાન, ઇમરાનખાન, ઇમરાનખાન’ના નારા હવામાં ગૂંજે છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં ફક્ત એક જ - અને એ પણ પોતાની- બેઠક જીતી શકેલા ઇમરાનખાનના આવતા વર્ષે થનારી ચૂંટણી માટે વડાપ્રધાનપદના સૌથી સબળ દાવેદાર બની ગયા છે.

વડાપ્રધાનો તો પાકિસ્તાનમાં કંઇક આવ્યા ને ગયા. ઇમરાનખાન એ કતારમાં નથી. તેમના સમર્થકો તેમને ઝીણા અને ઝુલ્ફીકારઅલી ભુત્તોની હરોળમાં મૂકે છે. (પાશ્ચાત્ય ઢબછબ અને રહેણીકરણીમાંથી ઇસ્લામી નેતા બની જવાનું સામ્ય બાદ કરીએ તો) પાકિસ્તાનને તેના કપરા સમયમાંથી ઉગારનાર- ઉદ્ધારક. ઝીણાએ ૧૯૪૭માં અને ભુત્તોએ ૧૯૭૧માં (ભારત સામેના પરાજય પછી) પાકિસ્તાનને સ્થિર (?) કર્યું. ઇમરાનખાન ચોમેરથી ઘેરાયેલા અને ‘ફેઇલ્ડ સ્ટેટ’, ‘મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી ઓન ધ અર્થ’ જેવાં લેબલ કમાઇ ચૂકેલા પાકિસ્તાનને સન્માન અપાવશે, ત્રાસવાદની ધરતી તરીકેની તેની કુખ્યાતિ દૂર કરશે, લોકશાહી સરકારમાં લશ્કરની દખલઅંદાજી નહીં ગણકારે, અમેરિકાની દાદાગીરી નહીં ચલાવે, નેતાઓનો ભ્રષ્ટાચાર દૂર કરશે...

બસ, આ બઘું કેવી રીતે થશે, એવો સવાલ ન પૂછવો. કારણ કે તેનો જવાબ ઇમરાનખાન પાસે નથી અને તેમના પક્ષમાં નેતા એક જ છેઃ ઇમરાનખાન. બાકીના બધા સમર્થકો-ટેકેદારો છે. થોડા સમય પહેલાં તેમના પક્ષમાં એક વજનદાર નેતા શાહ મહેમૂદ કુરેશી જોડાયા છે, જે ભૂતપૂર્વ મંત્રી અને બુદ્ધિશાળી માણસ તરીકે જાણીતા છે. પરંતુ તેમના જેવા નેતાઓ આગળ પાકિસ્તાનમાં લાગતું વિશેષણ છેઃ લોટા. ગુજરાતી જણને આ શબ્દનો અર્થ સમજવામાં જરાય તકલીફ નહીં પડે. વજન હોય એ બાજુ ઢળી જનાર જણ- આપણા ‘આયારામ-ગયારામ’ જેવા લોકો- માટે પાકિસ્તાનમાં જાહેરમાં, અંગ્રેજી લખાણોમાં સુદ્ધાં ‘લોટા/Lota’ શબ્દ વપરાય છે. કુરેશી એવા ‘લોટા’ છે, પણ ‘વન મેન પાર્ટી’ ઇમરાનખાન પાસે બીજું કોઇ નથી, એટલે અગાઉ બે પક્ષોની હવા ખાઇ આવેલા કુરેશીને ઇમરાને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા છે. પાકિસ્તાની અણુકાર્યક્રમના પિતા અને વિવાદાસ્પદ વિજ્ઞાની ડો. અબ્દુલ કાદીર ખાને ઇમરાનને એક લેખમાં આ શબ્દોમાં અંજલિ આપી છેઃ ‘નો ટીમ, નો વિઝન, નો મિશન.’

છતાં ઇમરાનખાન અત્યારે લોકપ્રિયતાનાં તોતિંગ મોજાં પર સવાર છે, (જેના માટેનો બહુ ગવાયેલો શબ્દપ્રયોગ છે ‘ત્સુનામી ઓફ પોપ્યુલારિટી’). જાહેર રેલીમાં દેખાતી હજારો-લાખોની ભીડ જોઇને ફક્ત દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પહેલી વાર ઇમરાનખાનની રાજકારણી તરીકે ગંભીરતાથી નોંધ લેવાતી થઇ છે. તેમની લોકપ્રિયતાનું મોજું કેટલું શક્તિશાળી અને ટકાઉ છે એ વિશે મતમતાંતર છે, પણ એ મોજું જેની પર ફરી વળવાનું છે એ પક્ષો સદંતર તકલાદી અને ખોખલા પડી ચૂક્યા છે.

મુખ્ય ત્રણ પક્ષોની વાત કરીએ તો ‘પાકિસ્તાની પીપલ્સ પાર્ટી’ના આસિફઅલી ઝરદારી ‘મિસ્ટર બેનઝીર ભુત્તો’ કરતાં ‘મિસ્ટર ટેન પરસન્ટ’ તરીકે વધારે જાણીતા છે. તેમની સામે સ્વિસ બેન્કમાં કરોડો રૂપિયા ખડકવાનો આરોપ છે. વડાપ્રધાન ગીલાની સામે અદાલતના અપમાનના સંગીન આરોપ છે, જેની સામે લડવાનું તેમને આકરું પડી રહ્યું છે. કાનૂની દાવપેચથી તે બચી જાય તો પણ લોકનજરમાં એ માન અને સ્થાન ગુમાવી ચૂક્યા છે. બીજો પક્ષ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફનો છે. સ્વૈચ્છિક દેશવટો ભોગવી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના મામલે ખાસ જુદા નથી. બાકી રહ્યા પરવેઝ મુશર્રફ, જે પોતાની સલામતી ખાતર વિદેશની હવા ખાઇ રહ્યા છે. ચૂંટણીમાં ઉતરવા માટે એ પાકિસ્તાન પાછા ફરે તો તેમના માથે જાનનું જોખમ છે. અનેક લોકો તેમનો જીવ લેવા ટાંપીને બેઠા છે. એક નેતાપુત્ર બુગતીએ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે મુશર્રફના માથા સાટે ઇનામ જાહેર કર્યું છે.

વિપક્ષો રેતીના કિલ્લા જેવા હોય ત્યારે ઇમરાનખાનની લોકપ્રિયતા ‘ત્સુનામી’ને બદલે ચોપાટી પરનાં મોજાં જેવી હોય તો પણ તે ફરી વળે. પરંતુ રેતના કિલ્લા નેસ્તનાબૂદ કરવાથી વધારે ચોપાટીના મોજાની વિસાત કેટલી?

ઇમરાનખાનની લોકપ્રિયતાનો પારો સતત ચડાવનાર એક મુદ્દાનો કાર્યક્રમ છેઃ ભ્રષ્ટાચારનો વિરોધ. એ મુદ્દે અન્ના હઝારે આંદોલન સાથે તેની સરખામણીની ભૂમિકા ઊભી થાય છે. બન્ને આંદોલનો ભ્રષ્ટાચારનાબૂદીને મહદ્‌ અંશે સાધનને બદલે સાઘ્ય ગણે છે. તે એવી મુગ્ધ માન્યતામાં રાચે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એટલે ઘણી બધી સમસ્યાઓ ઉકલી જશે. તેમની લોકપ્રિયતાનું મોટું રહસ્ય પણ તેમની તાકાત કરતાં તે જેમની સામે પડ્યા છે તેમની સામે લોકોનો અસંતોષ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સામાન્યથી અસામાન્ય તમામ પ્રકારના લોકોને સમજાય છે- સ્પર્શે છે. એટલે ઇમરાનખાન કહે કે ‘ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને નેતાઓ કરવેરા ભરતા થશે, એટલે ધનવાનો પણ કરવેરા આપશે અને એ નાણાંમાથી દેશમાં સુવિધાઓ ઊભી કરાશે. અમેરિકાની મદદ લેવાની અને તેની ગુલામી કરવાની જરૂર નહીં પડે.’ ત્યારે ‘આવું કેવી રીતે થશે?’ એવો સવાલ પૂછવાને બદલે, લોકો ઇસ્ટમેન કલરની સ્વપ્નસૃષ્ટિમાં પહોંચીને તાળીઓ પાડે છે.

અન્ના આંદોલનની જેમ ઇમરાનખાનની ઝુંબેશમાં પણ યુવાનો સાથે છે એ વાતનો બહુ મહિમા છે. કોઇ પણ પ્રકારના પરિવર્તનશીલ વિચાર યુવાનો પ્રમાણમાં ઝડપથી સ્વીકારી લે એવું મનાય છે. તેમની મુગ્ધતા એક હદ સુધી મૂલ્ય હોઇ શકે, પણ બીજા કોઇ મૂલ્ય વગર ફક્ત યુવાનીને એક સ્વતંત્ર મૂલ્ય બનાવી દેવાની ફેશન ગેરમાર્ગે દોરનારી ને ગેરસમજણો પેદા કરનારી છે. ભ્રષ્ટાચારવિરોધ જેવા મુદ્દે, સામાજિક મૂલ્યોની સ્પષ્ટતા વગર, યુવાનોનાં ટોળાં ભેગાં થાય તેનાથી ક્રાંતિ તો ઠીક, સાર્થક પરિવર્તન પણ આવતું નથી. ઉલટું, ઘણી વાર બકરું કાઢતાં ઊંટ પેસે એવું થાય છે.

એનો અર્થ એ નહીં કે પરિવર્તનના પ્રયાસનો વિરોધ કરવો. પણ એ પ્રયાસના પહેલા પગથિયે જ તેનો જયજયકાર બોલાવીને ઇતિશ્રી માની લેવાને બદલે, તેને વધારે નક્કર, વધારે સંગીન બનાવવો અને ફક્ત‘યુવાની’ને બદલે સામાજિક મૂલ્યોમાં તેનાં મૂળીયાં ઊંડા ઉતરે એવા પ્રયાસ કરવા પડે. પરંતુ દોઢ દાયકા પછી પહેલી વાર પોતાનું રાજકીય અસ્તિત્ત્વ પુરવાર કરી રહેલા ઇમરાનખાન માટે અત્યારનો સમય સંખ્યાબળથી હરખાવાનો છે. અન્ના આંદોલનની જેમ જમણેરીઓ અને કટ્ટરવાદીઓ સાથેની સાંઠગાંઠ કે તેમનું સમર્થન હોવાના આરોપ પણ ઇમરાન પર થાય છે. છતાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારની ઉચ્ચ ભૂમિકાએ અન્નાની જેમ ઇમરાન જે બોલે તે કશા આધારપુરાવા કે તાર્કિક ચકાસણી વિના સત્ય બની જાય છે અને તેનો વિરોધ કરનારા દેશવિરોધી કે ક્રાંતિવિરોધી કે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના સમર્થકમાં ખપી જાય છે.

વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ થતા ઇમરાનખાનના ચોપડે અત્યાર સુધી મુખ્ય બે સિદ્ધિ બોલે છેઃ ૧૯૯૨ના વિશ્વકપમાં તેમની આગેવાની હેઠળ પાકિસ્તાની ટીમનો વિજય અને તેમનાં માતા શૌકત ખાનમની સ્મૃતિમાં ઊભી કરેલી અને ગરીબ દર્દીઓને મફત સારવાર પૂરી પાડતી અત્યાઘુનિક કેન્સર હોસ્પિટલ. ભ્રષ્ટાચારનો વિરોધ કરતી વખતે પોતાની પ્રામાણિકતા અને વહીવટી ક્ષમતાનો પુરાવો આપતાં ઇમરાન હોસ્પિટલની વાત કરે છે. દેશવિદેશમાંથી નાણાં ઉઘરાવીને ઉભી કરાયેલી હોસ્પિટલનું તંત્ર ખરેખર નમૂનેદાર છે, પણ એ જાતની લાયકાતના આધારે દેશના વડાપ્રધાન નક્કી કરવાના હોય, તો પાકિસ્તાનમાં બીજા ઘણા ઉમેદવાર છે.
વિદેશનીતિની બાબતે ઇમરાન ભારત સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે અને પાકિસ્તાની ધરતી પરથી ત્રાસવાદનો અંત આણવાની વાત કરે છે. તાલિબાનો સામે બળથી નહીં, પણ મંત્રણાથી કામ લેવાનો તેમનો ઇરાદો છે. અમેરિકાના ખંડિયા દેશ તરીકેનો દરજ્જો અને અમેરિકાની સહાય ફગાવીને તે નવેસરથી, કદાચ ચીન સાથે, સ્વમાનભેર જોડાવા ઇચ્છે છે. વાંચવા-સાંભળવામાં આ બઘું સારું લાગે છે, પરંતુ દાયકાઓથી વર્ચસ્વ ધરાવતું લશ્કર, ઊંડાં મૂળીયાં ઘાલી ગયેલા અંતીમવાદીઓ અને ધાર્મિક કટ્ટરવાદીઓની મજબૂત પકડ વચ્ચે કેવળ સ્વપ્ન સેવવાથી અને ભ્રષ્ટાચારવિરોધી નારા લગાવવાથી પાયાનું પરિવર્તન કેવી રીતે શક્ય બનશે, તેનો જવાબ ઇમરાનના ટીકાકારોને મળતો નથી અને તેમના પ્રશંસકોને હમણાં શોધવો નથી.

Friday, February 24, 2012

ઇરાન વિરુદ્ધ ઇઝરાઇલ-અમેરિકાઃ તનાવ અને તંગદિલી

ગયા સપ્તાહે ભારત સહિત જુદા જુદા ત્રણ બનાવોમાં હુમલાખોરોએ ઇઝરાઇલના અફસરોની હત્યાના પ્રયાસ કર્યા. દિલ્હીમાં ચાલુ ટ્રાફિકે સિગ્નલ પાસે ઊભેલી ઇઝરાઇલી અફસરની કાર પાછળ એક બાઇકસવાર ધસી આવ્યો અને છડેચોક કારની પૂંઠે બોમ્બ લગાડીને જતો રહ્યો. લીલી બત્તી થતાં કાર આગળ વધી અને વિસ્ફોટ સાથે બોમ્બ ફાટ્યો. આ પદ્ધતિ ઇઝરાઇલની જ શોધ છે, જેનો ઉપયોગ તે ઇરાનના પરમાણુવિજ્ઞાનીઓ પર હુમલા માટે કરી ચૂક્યું છે અને હવે ઇરાન એ જ શૈલીમાં વળતા પ્રહાર કરી રહ્યું હોવાનો અંદાજ છે.

સાપ-નોળિયા જેવા કે વાયરસ-એન્ટીવાયરસ જેવા ઇરાન-ઇઝરાઇલના સંબંધ ઘ્યાનમાં રાખતાં નવાઇ હોય તો એટલી જ કે તેમની વચ્ચેની ગરમાગરમી ભારત જેવા ‘મિત્રરાષ્ટ્ર’ની ધરતી સુધી પહોંચી ગઇ. ત્રણ હુમલાની સાથોસાથ ઇરાન તેની પરમાણુ શસ્ત્રક્ષમતાના મુદ્દે પણ ગયા સપ્તાહે સમાચારોમાં રહ્યું, જે ઇઝરાઇલ-અમેરિકા અને ઇરાન વચ્ચેની દુશ્મનાવટનો - અને એ દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાનો-એક મુખ્ય મુદ્દો છે.

પોતપોતાની પીડા

પરમાણુ શસ્ત્રોની અનિચ્છનિયતા અને વિનાશકતાથી માંડીને દેશના ગરીબ નાગરિકોની સુવિધાના ભોગે પરમાણુ શસ્ત્રોની હોડમાં ઉતરવાની છીછરી વૃત્તિ વિશે ભાગ્યે જ બેમત હોય, પરંતુ પરમાણુ શસ્ત્રો બનાવતા દેશોને અમેરિકા ઉપદેશ કે દાટી આપે, એ બંધ આંખે પણ જોઇ શકાય એવો વિરોધાભાસ છે. આખી માનવજાતનો અસંખ્ય વખત નાશ કરી શકાય એટલાં પરમાણુશસ્ત્રોનો ખડકલો ધરાવતું અમેરિકા બીજા દેશોની શસ્ત્રદોડમાં રોડાં નાખે, ત્યારે તેનો મુખ્ય આશય વિશ્વશાંતિનો નહીં, પણ પોતાની અને પોતાના પરમાણુસત્તા તરીકેના દરજ્જાની ચિંતાનો હોય છે.

અમેરિકાની શાંતિની વ્યાખ્યા સગવડીયા અને આર્થિક હિતોના આધારે નક્કી થાય છે. નીદા ફાઝલીનો એક શેર ‘સાત સમંદર પારસે કોઇ કરે વ્યાપાર/ પહલે ભેજે સરહદેં, ફિર ભેજે હથિયાર’ અમેરિકાની વિદેશનીતિને બરાબર લાગુ પડે છે. ચોતરફ દુશ્મન રાષ્ટ્રોથી ઘેરાયેલા અને કાયમ પોતાના અસ્તિત્ત્વની કટોકટી અનુભવતા ઇઝરાઇલને અમેરિકાનો કાયમનો બિનશરતી ટેકો છે, તેનું મુખ્ય કારણ એ નથી કે તેને વિશ્વશાંતિની પરવા છે. પરંતુ ઘરઆંગણે વગદાર યહૂદી લોબીનું દબાણ અને ક્રુડ ઓઇલના ભંડાર જેવા અખાતી દેશોમાં પોતાના વર્ચસ્વની બાદબાકી ન થઇ જાય, એ કારણે તે ઇઝરાઇલને અઢળક આર્થિક મદદ અને શસ્ત્રસરંજામ પૂરાં પાડે છે. (વર્ષ ૨૦૧૧માં અમેરિકાએ ઇઝરાઇલને ૩ અબજ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી હતી.)

ઇઝરાઇલની વાત કરીએ તો, અસ્તિત્ત્વના છ દાયકા પછી પણ તેનો સંઘર્ષ ઓછો થયો નથી. મોસાદ જેવી પરાક્રમી જાસૂસ સંસ્થા અને મક્કમ મનોબળ ધરાવતા નેતાઓને કારણે ભારતમાં ઇઝરાઇલની આક્રમક નીતિનો એવો ચાહકવર્ગ ઊભો થયો છે, જે બન્ને દેશો વચ્ચેના આભજમીન જેવા તફાવતો ગણકાર્યા વિના માને છે કે ભારતે પણ પાકિસ્તાનની બાબતમાં ‘ઇઝરાઇલવાળી’ કરવી જોઇએ. કાલ્પનિક નવલકથાને ટક્કર મારે એવાં મોસાદનાં સનસનીખેજ કારનામાં અહોભાવ ઉપજાવે તેમાં નવાઇ નથી, પણ યાદ રાખવા જેવો બોધપાઠ એટલો છે કે તમામ કાબેલિયત અને હંિસક કાર્યવાહી પછી પણ ઇઝરાઇલને જંપીને બેસવા મળ્યું નથી. તેનું અસ્તિત્ત્વ ટકી રહ્યું છે એ સિદ્ધિ મોટી છે. છતાં છ દાયકા પછી હજુ ક્યાં સુધી એને સિદ્ધિ ગણ્યા કરવી એ સવાલ છે.

દુશ્મનને પાઠ શીખવવાના અને તેને એડી તળે કચડેલો રાખવાના તમામ પ્રયાસ ઇઝરાઇલ કરી છૂટે છે અને તેના પ્રતિભાવ તરીકે આવતાં હિંસક પરિણામો-સામાજિક અશાંતિ વેઠે છે. ઇઝરાઇલની સાદી સમજણ છે કે કોઇ પણ ભોગે દુશ્મન રાષ્ટ્રો પાસે પરમાણુ હથિયારો આવવાં ન જોઇએ. નહીંતર માંડ મેળવેલી યહૂદીઓની ભૂમિનું અસ્તિત્ત્વ મીટાવી નાખતાં દુશ્મન રાષ્ટ્રોને બિલકુલ ખચકાટ નહીં થાય. તેની આ બીક સાવ અસ્થાને પણ નથી. કારણ કે ઇરાનના વર્તમાન પ્રમુખ મહમૂદ અહમદીનેજદ ભૂતકાળમાં ઇઝરાઇલનું નામોનિશાન મીટાવવાની ધમકી ઉચ્ચારી ચૂક્યા છે. ઘરઆંગણે આર્થિક સમસ્યા, હરીફાઇ અને અસલામતીથી પીડાતા અહમદીનેજદ જેવા નેતાની દાટી ઘણી વાર બીજાને બીવડાવવાને કરતાં, ‘આપણે કોઇથી બીતા નથી’ એવું પોતાના લોકોને બતાવવા માટે વધારે હોય છે. છતાં ઇરાન કે ઇઝરાઇલ કોઇ એકબીજાને હળવાશથી લઇ શકે એમ નથી અને બીજા દેશો તેમને સાવ લડતા મૂકીને આંખ આડા કાન કરી શકે એમ પણ નથી.

ઇઝરાઇલઃ આક્રમકતા અને મર્યાદા
પોતાના પાડોશી ઇસ્લામી દેશોની કોઇ પણ લશ્કરી હિલચાલ બાબતે ઇઝરાઇલે બંદૂકનો જવાબ મશીનગનથી આપવાનું ધોરણ રાખ્યું છે. એમાં પણ મામલો પરમાણુહથિયાર બનાવવાની ક્ષમતાનો હોય, ત્યારે ઇઝરાઇલ જવાબી કાર્યવાહીમાં કોઇની પરવા કરતું નથી. (અમેરિકાના છૂપા કે પ્રગટ આશીર્વાદ તેની સાથે સદાય હોવાને કારણે તેને આ પરવડે છે.)

ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની દિશામાં આગળ વઘ્યું તેના દાયકાઓ પહેલાં સદ્દામ હુસૈન શાસિત ઇરાકે પરમાણુશસ્ત્રોનું સ્વપ્ન જોયું હતું. એ માટે અણુરીએક્ટર સ્થાપ્યું હતું, પરંતુ સદ્દામના આશ્ચર્ય અને આઘાત વચ્ચે ૧૯૮૧માં ઇઝરાઇલે એક દુઃસાહસી હવાઇ હુમલા દ્વારા ઇરાકનું અણુરીએક્ટર તોડી પાડ્યું અને ઇરાકના પરમાણુસ્વપ્નને રોળી નાખ્યું. ઇઝરાઇલનો સંદેશો સ્પષ્ટ હતોઃ ‘પરમાણુ હથિયાર સામે જોયું છે તો ખબરદાર! ઇરાકના રીએક્ટર જેવા હાલ થશે.’

લગભગ અઢી દાયકા પછી ૨૦૦૭માં સિરીયાએ ખાનગી રાહે ઉભા કરેલા રીએક્ટર પર મધરાતે ભેદી હુમલો થયો અને રીએક્ટરને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું. હજુ સુધી આ હુમલાનો સત્તાવાર જશ ઇઝરાઇલે લીધો નથી. છતાં, આ તેનું જ કામ હોઇ શકે એવું બધા માને છે.

આ જાતનો ઇતિહાસ ધરાવતું ઇઝરાઇલ એકાદ દાયકાથી જાહેર થયેલા ઇરાનના પરમાણુ સજ્જતા કાર્યક્રમ સામે પગ વાળીને બેસી રહે એ વાતમાં શું માલ છે? પરંતુ હકીકત એ છે કે ઇરાનને પરમાણુ રસ્તેથી પાછું વાળવા માટે ઇઝરાઇલે જે મનસૂબા ઘડ્યા હોય તે, પણ તેમાંથી એકેયનો અમલ થઇ શક્યો નથી. ઇરાનની પરમાણુ સજ્જતા પર થયેલો એક હુમલો યુદ્ધવિમાનો કે કમાન્ડો મિશન દ્વારા નહીં, પણ સ્ટક્સનેટ નામના રહસ્યમય કમ્પ્યુટર વાયરસ દ્વારા થયો હતો.

ચોક્કસ ઝડપે ફેરફુદરડી ફરીને યુરેનિયમનું શુદ્ધિકરણ કરતાં સેન્ટ્રીફ્‌યુજની ગતિ કમ્પ્યુટર નિયંત્રીત હોય છે અને એ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલાં હોતાં નથી. એટલે કે તેમાં ચેડાં કરવાં કે તેનું હેકંિગ કરવું અશક્ય છે. છતાં, ઇરાનના એક પ્લાન્ટમાં પેનડ્રાઇવની મદદથી ફેલાવેલા મનાતા સ્ટક્સનેટ વાયરસની અસરથી સેન્ટ્રીફ્‌યુજની ગતિમાં અનિયંત્રીત વધઘટ થવા લાગી. તેના કારણે (‘ઇન્સ્ટીટ્યુટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી’ના અહેવાલ પ્રમાણે) એકાદ હજાર સેન્ટ્રિફ્‌યુજનો ખુરદો બોલી ગયો છે અને બીજાં પાંચેક હજાર સેન્ટ્રિફ્‌યુજ ચાલુ કરવાનું ટાઇમટેબલ ખોરવાઇ ગયું. ખુદ અહમદીનેજદે પત્રકાર પરિષદમાં સ્વીકારવું પડ્યું કે ‘તેમણે ગોઠવેલા સોફ્‌ટવેર (વાયરસ)ની મદદથી મર્યાદિત સંખ્યામાં અમારાં સેન્ટ્રિફ્‌યુજમાં તકલીફો ઉભી કરવામાં તેમને સફળતા મળી હતી.’

સ્ટક્સનેટ જેવો મહાપેચીદો અને વિનાશક વાયરસ કોણે બનાવ્યો એ હજુ સુધી રહસ્ય રહ્યું છે, પણ સૌથી પ્રબળ શંકા ઇઝરાઇલ-અમેરિકા પર જાય તે સ્વાભાવિક છે. સ્ટક્સનેટની ધારી અસર છતાં વાસ્તવિકતા એ પણ છે કે તેનાથી ઇરાનના પરમાણુ કાર્યક્રમમાં ફક્ત થોડો ઝોલ પાડવાનું જ શક્ય બન્યું છે- તેને સદંતર ખોરવી શકાય એમ નથી.

ઇરાનઃ પહોળો પથારો

ઇરાકના અને સિરીયાના રીએક્ટર પર ઇઝરાઇલના ઘાતક હુમલામાંથી બોધપાઠ શીખીને ઇરાને પોતાની પરમાણુ સજ્જતાને એક જગ્યાએ કેન્દ્રિત રાખવાને બદલે, વિશાળ વિસ્તારમાં વહેંચી દીધી છે. ‘ટાઇમ’ સામયિકના અહેવાલ પ્રમાણે, ઇરાનની પરમાણુ સજ્જતામાં એક યા બીજી રીતે સક્રિય ભૂમિકા અદા કરતાં સ્થળો ૧૩ લાખ ચો. કિલોમીટરમાં પથરાયેલાં છે. એટલે એક જ હુમલામાં તેમનો ઘડોલાડવો કરવાનું અશક્ય છે. કેટલીક મહત્ત્વની સુવિધાઓ ઇરાને ભૂગર્ભમાં રાખી છે, જેમાં એક સેન્ટ્રીફ્‌યુજ યુનિટ એવી રીતે ઊભું કરાશે કે બંકર બસ્ટર બોમ્બ પણ તેને નુકસાન પહોંચાડી ન શકે.

વર્ષો પહેલાં આશરે ૧૫૦૦ કિલોમીટરની દૂરી પર આવેલા ઇરાન પર હવાઇ હુમલા કરવાનું ઇઝરાઇલ માટે શક્ય ન હતું. હવે તેની પાસે આટલું લાંબું અંતર એક ઉડાનમાં કાપી શકે આવાં યુદ્ધવિમાન છે. છતાં, અમેરિકા અને ઇઝરાઇલના સૈન્યવડાઓ એ બાબતે સ્પષ્ટ છે કે હવાઇ આક્રમણ દ્વારા ઇરાનની પરમાણુ સજ્જતા નષ્ટ કરવાનું કામ ઇઝરાઇલી હવાઇ દળ માટે શક્ય નથી. એક સંરક્ષણ નિષ્ણાતે તેના માટે ‘મિશન ઇમ્પ્રોબેબલ’- અસંભવ મિશન- જેવો શબ્દપ્રયોગ વાપર્યો છે. અશક્યને શક્ય કરી બતાવવા માટે જાણીતું ઇઝરાઇલ ઇરાન પર હુમલો તો કરી પાડે, પણ તેની પરમાણુશક્તિનો ખાતમો બોલાવવા માટે દિવસો સુધી વારંવાર હવાઇહુમલા કરવા પડે અને ઇઝરાઇલની એ ક્ષમતા નથી. અમેરિકા પાસે છે એવું અત્યાઘુનિક હવાઇ દળ આ પડકાર ઉપાડી શકે, પણ મંદીમાંથી માંડ પાછા વળી રહેલા અને અફઘાનિસ્તાન-ઇરાકનાં દુઃસાહસોમાં બેવડ વળી ગયેલા અમેરિકા માટે વઘુ એક લશ્કરી કાર્યવાહીનો મતલબ છેઃ આર્થિક પાયમાલીને નોતરુ. સામે પક્ષે, ઇરાનને વિશ્વમતની અવગણના કરીને પરમાણુ સજ્જતા કેળવવાનું મોંધું પડી રહ્યું છે. તેની પર ફટકારવામાં આવેલા આકરા આર્થિક અને બીજા પ્રતિબંધોની ભીંસ ફક્ત નેતાઓને જ નહીં, પ્રજાને પણ અનુભવાય એટલે આંતરિક દબાણ વધવાનું જ છે.

આમ, બળાબળનો મુકાબલો જોતાં અમેરિકા-ઇઝરાઇલ વિરુદ્ધ ઇરાનનું શીત યુદ્ધ બરાબરીનું છે. બન્ને પક્ષો પોતપોતાની બીક છુપાવીને, બહાદુરીનો દેખાવ કરીને એકબીજા સામે ધૂરકિયાં કરી રહ્યા છે. ઇરાન માટે પહેલો ઘા કરવાનો પ્રશ્ન નથી. કારણ કે તે પ્રતિબંધો ઠેકીને પોતાને ઠીક લાગે એ રસ્તે આગળ વધી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાઇલ પહેલો ઘા કરવા આતુર હોવા છતાં, તેનાં અઘૂરાં-અધકચરાં પરિણામો નજર સામે દેખાતાં હોવાથી, તે સમસમીને બેઠાં છે. બાકીનું જગત કંઇક અદ્ધરજીવે આ તાલ જોઇ રહ્યું છે.

Wednesday, February 22, 2012

બોધકથાઓઃ સદ્‌ભાવના આવૃત્તિ

મુખ્ય મંત્રીના સદ્‌ભાવના સમારંભોથી ધન્ય બનેલી ધરાગુર્જરીના કેટલાક અભ્યાસીઓને સંશોધન દરમિયાન બોધકથાઓની એક અપ્રકાશિત હસ્તલિખિત નકલ મળી આવી છે. અગાઉ જાહેરમાં નહીં આવેલી આ નકલ પર ‘બોધકથાઓ’ (સદ્‌ભાવના આવૃત્તિ) એવા શબ્દો સોનેરી રંગમાં લખાયેલા છે. તેની પર ‘૨૦૦૨’ એવા આંકડા પણ ચીતરેલા છે. એ ઇસવી સન છે, વિક્રમ સંવત છે કે શક સંવત, એ સંશોધનનો વિષય છે.

એ પુસ્તકમાં વાંચવા મળેલી કેટલીક કથાઓ.

***

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બન્નેનાં નામ વિચિત્ર. એકનું નામ ‘નંબર વન’ અને બીજાનું ‘નંબર ટુ’.

બન્ને મિત્રો એક દિવસ જંગલમાંથી પસાર થતા હતા. એવામાં સામેથી એક રીંછ આવતું દેખાયું. દેખાવ પરથી જ તે ખૂંખાર લાગતું હતું. તેને જોઇને નંબર ટુ ગભરાયો. તેણે નંબર વનની સામે જોયું. આખી દુનિયામાં- એટલે કે પોતાના ગામમાં- તે પોતાની બહાદુરીની મોટી મોટી વાતો કરતો હતો, પણ સામે કદાવર રીંછ જોઇને એ દોડ્યો અને લાકડી નીચે નાખીને ઝાડ પર ચડી ગયો.

નંબર ટુને ઝાડ પર ચડતાં આવડે નહીં. એટલે તે જમીન પર શ્વાસ રોકીને સૂઇ ગયો. રીંછ ત્યાં સુધી નજીક આવી ગયું હતું. તેણે દોડીને ઝાડ પર ચડી જતા નંબર વનને જોયો. એટલે પહેલાં તે નંબર વન તરફ ધસ્યું.
નંબર વન ગભરાયો. પોતાનો જીવ બચાવવો હોય તો રીંછનું ઘ્યાન બીજે વાળવું પડે. એ માટે તેણે દોડતાં દોડતાં વીણી લીધેલા બે-ચાર પથ્થર સૂતેલા નંબર ટુ પર ફેંક્યા.

પથ્થરમારાથી નંબર ટુ ઉભો થયો એટલે રીંછ એની તરફ ધસ્યું. રીંછને આવતું જોઇને નંબર ટુ ફરી શ્વાસ રોકીને સૂઇ ગયો, પણ આ રીંછ ભણેલુંગણેલું હતું. સૂતેલા માણસને મરેલો માનીને આગળ જતા રહેલા તેના પૂર્વજ જેવું કાચું-અભણ ન હતું. તેણે નંબર ટુ પર હંિસક હુમલો કર્યો અને પીંખી નાખ્યો.

રીંછથી બચવા નંબર ટુ ઝાડ તરફ જોઇને નંબર વનને મદદ માટે પોકારતો હતો, પણ નંબર વન જાણે ઝાડ પર હતો જ નહીં. બચાવ માટે વલખાં માર્યા પછી નંબર ટુ મરણને શરણ થયો. તેના મૃતદેહને છોડીને રીંછ જતું રહ્યું.
નંબર વન કપડાં ખંખેરતો ખંખેરતો ઝાડ પરથી નીચે ઉતર્યો, જમીન પર ફેંકેલી લાકડી હાથમાં લીધી અને નંબર ટુના મૃતદેહ પર એક નજર નાખી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હતી. અચાનક નંબર વનને કંઇક સૂઝ્‌યું. તેનું મોં મલકાયું. તેણે ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્‌યો, તેની પર લખ્યું ‘સદ્‌ભાવનાની સુવાસ’ અને હાથરૂમાલને ઘ્વજની જેમ લાકડી સાથે બાંધીને નંબર ટુના મૃતદેહ પાસે લાકડી ખોડી દીધી.

ત્યારથી ગામમાં નંબર વનની સદ્‌ભાવનાનો જયજયકાર થઇ ગયો છે. લોકો કહે છે કે ‘સદ્‌ભાવના હોય તો આવી. માણસ પ્રત્યે સદ્‌ભાવના તો સૌ રાખે. આપણા નંબર વને રીંછ પ્રત્યે સદ્‌ભાવના દાખવી. સદ્‌ભાવના ઝંિદાબાદ.’
***

એક માણસ તેની ઘાયલ બકરી ખભે નાખીને શહેરના દવાખાને જતો હતો. બકરીને પગે કંઇક વાગ્યું હતું, પણ બાકી બધી રીતે તંદુરસ્ત હતી. માણસને એ બકરી બહુ વહાલી હતી. એક દિવસ એને ત્યાં શહેરમાંથી મહેમાન આવ્યા. એ ભણેલાગણેલા હતા. તેમણે કહ્યું કે આપણી પ્રિય વસ્તુઓનું કંઇક ને કંઇક નામ હોવું જોઇએ.

ગામના માણસે કહ્યું, ‘તો તમે જ કહો. મારે આ બકરીનું શું નામ પાડવું?’

શહેરના માણસે થોડું વિચારીને જવાબ આપ્યો,‘એનું નામ બિનસાંપ્રદાયિકતા રાખો.’

આવું અઘરું નામ સાંભળીને ગામનો માણસ મૂંઝાઇ ગયો. એ કહે,‘આવું અઘરું નામ અમને ન ફાવે- સમજાય પણ નહીં. એનો શો અર્થ થાય?’

શહેરી માણસે તેને આશ્વાસન આપતાં કહ્યું,‘ચંિતા ન કરશો. એનો કશો ખરાબ અર્થ થતો નથી. ઉપરથી બહુ સારો અર્થ થાય છે. કોઇ સાંભળશે તો એને થશે કે વાહ, આટલું સરસ નામ? અને આવા ગામડાગામમાં આવા ભવ્ય નામવાળી બકરી રહે છે? બકરીનો અને તમારો બન્નેનો વટ પડી જશે.’

ગામના માણસે મનોમન ‘બિનસાંપ્રદાયિકતા’ એવું નામ ગોખવાનો પ્રયાસ કર્યો, પણ એને બહુ ફાવ્યું નહીં. એને તો એટલી જ ખબર હતી કે ‘આ મારી બકરી છે અને મને એ બહુ વહાલી છે. જેને જે નામ આપવું હોય તે આપે. નામમાં શું બળ્યું છે?’

આ બકરી ઘાયલ થઇ ત્યારે શહેરના ડોક્ટર પાસે લઇ જતી વખતે એક ગઠિયાએ તેને જોયો. એની અને એના સાગરિતોની નજર ક્યારની આ બકરી પર બગડેલી હતી. જેટલી વાર બકરી જુએ, એટલી વાર તેમને થતું હતું કે ‘કેવી હૃષ્ટપુષ્ટ બકરી! તેને રાંધીએ તો કેવી ભવ્ય મિજબાની થાય! પણ આ ગામડીયાને તે એટલી વહાલી છે કે તેની પાસે સીધેસીધી આવી વાત કરીએ તો રમખાણ મચે.’ એટલે તેમણે યુક્તિ વિચારી.

શહેરે જતા ગામડિયાને રસ્તામાં સૌથી પહેલાં ગઠિયો પોતે ભટકાયો. તેનો પોશાક જોઇને કોઇને એવું જ લાગે, જાણે એ કેટલોય ધાર્મિક ને દેશપ્રેમી હશે: કપાળે ટીલું, ખભે ખેસ, શર્ટના ખિસ્સાની ધારે ‘વંદે માતરમ્‌’ લખેલા ત્રિરંગાનું બક્કલ સેફ્‌ટી પીનથી ખોસેલું...

બકરીના માલિકને આવતો જોઇને તેણે મોટેથી બૂમ પાડી, ‘ભારતમાતા કી...’. બકરીના માલિકે ભોળા ભાવે જવાબ આપ્યો, ‘...જે’.

એ સાંભળીને ગઠિયો મનોમન હરખાયો, પણ ચહેરા પર અરેરાટીનો ભાવ લાવીને કહે,‘અરેરે, તમારા જેવા રાષ્ટ્રવાદી, રાષ્ટ્રભક્ત, ભારતમાતાના સુપુત્ર ને ખભે હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા? આવા હિંસક જનાવરની તે કંઇ સારવાર કરાતી હશે? એની પર તે કંઇ લાગણી રખાતી હશે? એ સાજો થશે તો કંઇકને ફાડી ખાશે ને કાળો કેર મચાવશે.’

બકરીનો માલિક ડઘાઇ ગયો. એ કહે,‘તમે શાની વાત કરો છો, મહેરબાન? દેખાતું નથી? આ તો બકરી છે!’

ગઠિયો કહે,‘તમને કોઇએ બનાવ્યા લાગે છે. બાકી, ન દેખતો માણસ પણ કહી આપે કે આ ડાઘિયો છે ને હડકાયો છે. જુઓ, એના મોંમાંથી લાળ ટપકે છે.’

એ સાંભળીને બકરીનો માલિક સહેજ તપ્યો. કહે,‘ગજબ માણસ છો તમે! આ બકરી જોડે હું આટલા સમયથી રહું છું. એને હું વધારે ઓળખું કે તમે? આ બકરીનું અમારા એક સંબંધીએ નામ પણ પાડેલું...(સહેજ યાદ કરીને, પ્રયત્નપૂર્વક) બિન..સાંપ્ર...દાયિકતા.’

ગઠિયો જાતે ને જાતે તાળી મારીને કહે, ‘મને હતું જ કે તમને કોઇએ આવી રીતે જ બનાવ્યા હશે. આ દંભી બિનસાંપ્રદાયિકતાનો હડકાયો ડાઘિયો કોઇએ તમને બિનસાંપ્રદાયિકતાની બકરી તરીકે પહેરાવી દીધો છે.’

રોષે ભરાયેલો બકરીનો માલિક ‘તમારી સાથે ચર્ચા બેકાર છે.’ એમ કહીને આગળ વધી ગયો.

આગળ જતાં યોજના મુજબ તેને ગઠિયાનો એક સાથીદાર મળ્યો. આખા ગામની પંચાત કરવી એ જ તેનો ધંધો. એ કહે, ‘શું વાત છે? આ હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા?’

બકરીનો માલિક સહેજ ખમચાયો, પણ આત્મવિશ્વાસ એકઠો કરીને તેણે કહ્યું, ‘ડાઘિયો કેવો ને વાત કેવી? આ તો બકરી છે.’

તરત ગઠિયાનો સાગરિત બોલ્યો,‘લાગે છે કે તમે છાપાં વાંચતા નથી ને ટીવી ચેનલો પણ જોતા નથી. છેલ્લા અઠવાડિયાથી છાપાં-ચેનલો બધે આવું વર્ણન આવી રહ્યું છે અને પ્રજાના હિતમાં સતત જાહેરાત થઇ રહી છે કે ‘હડકાયા ડાઘિયા કૂતરાથી સાવધાન.’ એમાં ડાઘિયા કૂતરાનું જે વર્ણન આવે છે, એ બરાબર તમારા ખભે રહેલા જાનવર જેવું જ છે. એને બકરી માનો તો તમારી મરજી. પણ પછી બીજા કોઇનો વાંક કાઢતા નહીં.’

રોષ અને થોડી મૂંઝવણથી વ્યગ્ર બકરીનો માલિક આગળ ચાલ્યો. ત્યાં એને ગઠિયાનો બીજો સાથીદાર મળ્યો. ગામમાં એની છાપ જ્ઞાની માણસ તરીકેની. વાતે વાતે ગીતા ને ઉપનિષદ ટાંકે.

એને જોઇને બકરીના માલિકને કંઇક આશા બંધાઇ, પણ એ કંઇ પૂછે તે પહેલાં જ સાથીદારે સામેથી કહ્યું, ‘અરે, તમારા જેવા માણસના ખભે લાળ ટપકતો, હડકાયો ડાઘિયો? આવા ડાઘિયા કૂતરાનું તો એન્કાઉન્ટર કરવું જોઇએ. એ જ ધર્મ છે. જ્યાં ડાઘિયો ત્યાં લાળ. જ્યાં લાળ ત્યાં હડકવા. જ્યાં હડકવા ત્યાં એન્કાઉન્ટર. તમને તો ખબર હશે, કૃષ્ણ ભગવાને પણ એન્કાઉન્ટર કરેલાં. આવા ડાઘિયા કૂતરાને ખભે લઇને ફર્યા કરીએ તો ગામમાં આતંક મચી જાય. ગામમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ-ચાર બાળકોના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારનો હું વિચારતો હતો કે એમના અકાળે મોતનું અસલી કારણ શું હશે? પણ તમારા ખભે હડકાયો ડાઘીયો જોઇને મને જવાબ મળી ગયો છે.’

એ વઘુ બોલે, તે પહેલાં જ...(શું થયું એ જણાવવાની જરૂર છે?)

Sunday, February 19, 2012

ફેસબુકઃ ઇન્ટરનેટની ‘ઓટલા પરિષદ’માંથી કરોડો ડોલરનો કારોબાર

ઇ.સ.નો અર્થ ઇસવી સનને બદલે ‘ઇન્ટરનેટ સંવત’ થતો હોત તો તેમાં દર દાયકે યુગ બદલાતો હોત. યાહુ-યુગ, ગુગલ-યુગ...અને વર્તમાન સમય ‘ફેસબુક યુગ’ ગણાયો હોત. ૧૯ વર્ષના છોકરડા માર્ક ઝકરબર્ગે ૨૦૦૪માં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ તરીકે ‘ફેસબુક’/Facebookની શરૂઆત કરી ત્યારે તેનો આશય ફક્ત એટલો જ હતો કે કોલેજિયનો એકબીજાના સંપર્કમાં રહી શકે. એકબીજા સાથે અને એકબીજા વિશેની વિગતોની આપ-લે (‘શેરિંગ’) કરી શકે. પરંતુ સિલિકોન વેલીની સાચી પડેલી પરીકથાઓની માફક ‘ફેસબુક’નું કદ-કાઠું એટલું વઘ્યું કે સ્કૂલો-કોલેજોની મર્યાદિત સૃષ્ટિ ક્યાંય પાછળ રહી ગઇ અને તે વિશ્વની સૌથી વઘુ સભ્યસંખ્યા ધરાવતી સાઇટ બની ગઇ. હવે ‘ફેસબુક’ પાંચ અબજ ડોલરનો પબ્લિક ઇસ્યુ લાવીને ખાનગી મટીને જાહેર કંપની બની રહી છે, ત્યારે કંપની અને તેના માલિક ઝકરબર્ગ/ Mark Zuckerberg વિશે અત્યાર લગી અજાણી - ઓછી જાણીતી રહેલી ઘણી વિગતો બહાર આવી છે. તેનાથી ‘ફેસબુક’ના પ્રભાવ અને સરવાળે ઇન્ટરનેટ માઘ્યમની પ્રચંડ ક્ષમતાનો વધારે નક્કર ખ્યાલ આવી શકે છે.

‘ફેસબુક’ની સૌથી મોટી તાકાત છે તેની સભ્યસંખ્યા અને એ સભ્યોને લાગેલું ‘ફેસબુક’નું બંધાણ. ડિસેમ્બર, ૨૦૧૧ના આંકડા પ્રમાણે, ‘ફેસબુક’ના એક્ટિવ યુઝર્સ- એટલે કે ફક્ત ખાતું ખોલાવીને બેસી રહેવાને બદલે ડિસેમ્બર, ૨૦૧૧માં જેમણે એકાદ વાર પણ ‘ફેસબુક’ પર પોતાનું ખાતું જોયું હોય એવા લોકોની સંખ્યા છેઃ ૮૪.૫ કરોડ. મહિનાને બદલે રોજેરોજ ‘ફેસબુક’ વાપરનાર લોકોનો આંકડે પણ તોતિંગ છેઃ ૪૮.૩ કરોડ. એટલે જ કહેવાય છે કે ‘ફેસબુક’ના સભ્યોનો અલગ દેશ બનાવવામાં આવે તો વસ્તીની રીતે એ (ચીન-ભારત જેવા અપવાદો બાદ કરતાં) દુનિયાના મોટા ભાગના દેશોને પાછળ પાડી દે. ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ‘ફેસબુક’ પર દરરોજ (૨૪ કલાકમાં) સરેરાશ ૨.૭ અબજ ‘લાઇક’ અને ‘કમેન્ટ’ થયાં. એટલે ૧ કલાકની સરેરાશ ૧૦૦ કરોડથી પણ વઘુ થઇ.

ફેસબુકના ડાયરેક્ટર ઓફ એન્જિનિયરિંગ આદિત્ય અગ્રવાલના લગ્નમાં ભારતીય પોશાકમાં (ગરબા કરતા?) માર્ક ઝકરબર્ગ અને તેમની ગર્લફ્રેન્ડ. પૂના, જાન્યુઆરી 2010

વર્ષ ૨૦૧૧માં ‘ફેસબુક’નો વકરો ૩.૭ અબજ ડોલર અને ચોખ્ખી આવક ૧ અબજ ડોલર હતી. હવે તે અંદાજે ૨૯.૭૩ ડોલરની કિંમતના એક શેર લેખે કંપનીના શેર વેચીને બજારમાંથી પાંચ અબજ ડોલરની રકમ ઉભી કરવા માગે છે. ઇન્ટરનેટ-જગતનો આ સૌથી મોટી રકમનો પબ્લિક ઇશ્યુ બની રહેશે. તેના પરિણામે એક કંપની તરીકે ‘ફેસબુક’નું મૂલ્ય ૭૫ અબજ થી ૧૦૦ અબજ ડોલર જેટલું અંકાશે એવી ધારણા છે.

આ તો થઇ કંપનીના રાક્ષસી કદની વાત. પણ લાખ રૂપિયાનો, બલ્કે ૧૦૦ અબજ ડોલરનો, સવાલ એ થાય કે ‘ફેસબુક’ પર તેના સભ્યો મનમાં આવે તે લખે, તસવીરો-વિડીયો મૂકે, ‘ફેસબુક ફ્રેન્ડ્‌સ’ સાથે ‘શેર’ કરે, એકબીજાએ મૂકેલી ચીજો જુએ, એના વિશે કંઇક કહે, ફાર્મવીલ જેવી રમતો રમે, પ્રેમ કરે ને લડે, પરણે ને છૂટાછેડા લે, ડેટિંગ કરે ને લાળ ટપકાવે - તેનાથી ‘ફેસબુક’ અને ઝકરબર્ગને કેવી રીતે કરોડો ડોલરની કમાણી થાય? ઝકરબર્ગ એવું તે શું વેચે છે? અવ્વલ નંબરનું સર્ચ એન્જિન ગુગલ સર્ચનાં પરિણામોની સાથે સુસંગત હોય એવી જાહેરખબરો પણ દર્શાવીને, જાહેરખબરો આપનાર કંપનીઓ પાસેથી નાણાં વસૂલ કરે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરખબરની આવક છે, તો છેલ્લાં ત્રણેક વર્ષથી નફો કરતી ‘ફેસબુક’ શી રીતે કમાય છે?

તેનો જવાબ મુલ્લા નસીરુદ્દીનના નામે ચડેલી એક રમૂજની યાદ અપાવે છે. મુલ્લા રોજ ગધેડા પર માલ લાદીને એક પ્રદેશની સરહદ વટાવીને બીજા પ્રદેશના બજારમાં એ વેચવા જાય. સરહદ પરના કસ્ટમ અધિકારીએ મુલ્લાને માલ લઇ જવાની ના પાડી, તો મુલ્લા ફક્ત ગધેડો લઇને આવ-જા કરવા લાગ્યા. છતાં તે કમાણી કરી રહ્યા હતા. થોડા દિવસ તાલ જોયા પછી ન રહેવાતાં અધિકારીએ મુલ્લાને તેમની આવકનું રહસ્ય પૂછ્‌યું, એટલે મુલ્લાએ કહ્યું, ‘હું માલ નથી વેચતો. આખેઆખો ગધેડો જ વેચું છું ને રોજ નવો ગધેડો લઇને આવું છું.’

એક સમીક્ષકે આ જ વાત જરા જુદી રીતે કહી છેઃ ‘જો તમે કોઇ ચીજ મફતમાં મેળવતા હો, તો સમજવું કે (તમને મફત ચીજ આપનાર કંપની માટે) તમે પોતે જ એક પ્રોડક્ટ છો (અને કંપની તમને વેચે છે).’ કરોડો સભ્યોએ સ્વેચ્છાએ- હોંશે હોંશે ‘ફેસબુક’ પર મૂકેલી પોતાની વિગતો ‘ફેસબુક’ બીજી કંપનીઓને વેચે છે અને તેમાંથી અઢળક કમાણી કરે છે, એવો આરોપ વારંવાર થતો રહે છે. પબ્લિક ઇસ્યુ માટે અમેરિકાના ‘સિક્યોરિટી એન્ડ એક્ચેન્જ કમિશન’માં રજૂ કરેલી કંપનીની સત્તાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે, કુલ આવકમાંથી ૮૫ ટકા જેટલો મોટો હિસ્સો જાહેરખબરોમાંથી આવે છે. ફક્ત બે જ વર્ષ પહેલાં કંપનીની ૯૮ ટકા આવક જાહેરખબરોમાંથી આવતી હતી, પરંતુ ‘ફેસબુક’ પર ફાર્મવીલ જેવી ગેમ્સ એટલી લોકપ્રિય બની છે કે ગેમ્સ બનાવનાર કંપની પોતાની આવકમાંથી ‘ફેસબુક’ને જે કમિશન ચૂકવે છે તેનો હિસ્સો ‘ફેસબુક’ની કુલ આવકમાં ૧૨ ટકા જેટલો મોટો થયો છે.

આંખો પહોળી થઇ જાય એવા આંકડા ધરાવતી ‘ફેસબુક’ના પબ્લિક ઇશ્યુની જાહેરાત થતાં કંપનીની કાર્યપદ્ધતિ-અસરકારકતા અને ભવિષ્ય વિશે પણ ચર્ચા ચાલી છે. એ ભવિષ્યવાણીમાંથી બધી કંપનીના વર્તમાન જેટલી ભવ્યતાસૂચક નથી. ‘ફેસબુક’નો પબ્લિક ઇશ્યુ આવતાં, મોટી સંખ્યામાં તેના શેર ધરાવતા કંપનીના ઘણા કર્મચારીઓ કરોડપતિ બની જાય એવી પૂરેપૂરી સંભાવના છે. તેમાંથી ઘણા ‘ફેસબુક’ની નોકરી છોડીને પોતપોતાના વ્યવસાય કે વેબસર્વિસ શરૂ કરે એવી ધારણા અને ભૂતકાળનો અનુભવ પણ છે.

‘ફેસબુક’ તરફથી અત્યાર લગી એવું આશ્વાસન અપાતું રહ્યું છે કે સભ્યોની અંગત વિગતોનો વેપલો કરવામાં આવતો નથી કે તે કોઇને પૂરી પાડવામાં આવતી નથી. પરંતુ અંગત વિગતોના આધારે સભ્યોની ઓળખને ઘ્યાનમાં લઇને, તેને અનુરૂપ- ટાર્ગેટેડ- જાહેરખબરો મૂકવામાં આવે છે અને તેના પેટે રકમ વસૂલવામાં આવે છે. પરંતુ ‘ફેસબુક’ પર મૂકેલી જાહેરખબરો ખાસ અસરકારક નીવડતી નથી, એવી છાપ આઇ.ટી.વર્તુળોમાં વધારે પ્રચલિત બની રહી છે. ‘ફેસબુક’ના ઘરેડ બંધાણીઓમાંથી ભાગ્યે જ કોઇ જાહેરખબર પર ક્લિક કરે છે.

સતત વધતી સભ્યસંખ્યાને કારણે હજુ સુધી ‘ફેસબુક’ને નવા સભ્યો મળી રહે છે અને તેમની વિગતોના આધારે, ‘ચોક્કસ જૂથના લોકો સમક્ષ તમારી જાહેરાત રજૂ કરી શકાશે’ એવું ગાજર લટકાવીને કંપનીઓને જાહેરખબર આપવા આકર્ષી શકાય છે. પરંતુ વ્યાપક બનતી જતી છાપ પ્રમાણે, ‘ફેસબુક’ પરની જાહેરખબરો અકસીર નહીં નીવડે તો તેની કમાણીનો મોટો સ્ત્રોત ભવિષ્યમાં કાચો પડવાની આશંકા વ્યક્ત થાય છે. ‘ફેસબુક’ના સભ્યો સાઇટ પર વઘુમાં વઘુ સમય વીતાવે અને ‘શેરિંગ’ સિવાય તેમના માટે બીજાં આકર્ષણો પણ ઊભાં થતાં રહે, એવો ‘ફેસબુક’નો પ્રયાસ રહેશે. બજારમાંથી ઊભા કરાનારા પાંચ અબજ ડોલરનો મોટો હિસ્સો પણ ‘ફેસબુક’નો વિસ્તાર કરવામાં- તેને ભવિષ્યના કઠણ પડકારો સામે સજ્જ બનાવવામાં થશે એવું અનુમાન છે.

એક આશંકા એવી પણ છે કે શેરબજારમાં દાખલ થયા પછી ‘ફેસબુક’ પર નફાનું ઊંચું ધોરણ જાળવી રાખવા માટે રોકાણકારોનું દબાણ વધશે, તેમ બીજા રસ્તા ઉપરાંત સભ્યોની અંગત માહિતીનો રોકડી કરવાની લાલચ પણ વધી શકે છે. થોડાં વર્ષ સક્રિય રહ્યા પછી ‘ફેસબુક’નું બંધાણ ઉતરવા લાગ્યું હોય એવા લોકો પણ છે. ‘દરેકનો દસકો હોય’ એવી દેશી કહેણી પ્રમાણમાં ચીલઝડપી પરિવર્તનની પરંપરા ધરાવતા ઇન્ટરનેટ જગતમાં ઘણી વાર સાચી પડે છે- સિવાય કે કંપની પરિવર્તનની ઝડપ કરતાં એક ડગલું આગળ રહી શકે. વેબસાઇટ-વિશ્વમાં ‘વફાદારી’ જેવો શબ્દ હોતો નથી. જેના વિના દિવસ ઉગતો કે આથમતો ન હોય એવી સર્વિસ કરતાં થોડી વઘુ સારી, જુદી કે નવી સર્વિસ મળે તો તે અજમાવવામાં સાઇટના જૂના સભ્યોને કશો ખચકાટ થતો નથી.

અત્યાર સુધી ‘ફેસબુક’ પરિવર્તન અને હરિફાઇના પડકાર ઝીલવામાં સમર્થ રહી છે, પરંતુ આવનારાં એક-બે વર્ષમાં ૭૫ અબજ-૧૦૦ અબજ ડોલરની કંપની તરીકેની આભા અને પરિવર્તનના મોજા પર સવાર થવાને બદલે, પોતે જ પરિવર્તનનો પ્રવાહ પેદા કરવાની તેની ક્ષમતા કેવીક ટકશે તે જોવાનું રહે છે.

Friday, February 17, 2012

ફકીરીના બાદશાહઃ ખાન અબ્દુલ ગફ્ફાર ખાન




આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત નીકળે ત્યારે કોંગ્રેસવિરોધી તરીકે મહંમદઅલી ઝીણાને કે કોંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબ્દુલ ગફ્‌ફારખાનને યાદ કરાતા નથી. ‘અહિંસક પઠાણ’ જેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહેબને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ ‘સરહદના ગાંધી’ તરીકે, જે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપેકિંગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય. 


અખંડ ભારતના સરહદ પ્રાંત- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. ‘સિંહ ઘાસ ખાય તો પઠાણ અહિંસક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારો-અનુયાયીઓ કરતાં એ રીતે જુદા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાંથી પોતાની રીતે સાદગી અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનું હતું. એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઇ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું. 

‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્‌ફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુદા પડે. ગાંધીજીના કોઇ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુલમ સહન કરવો પડ્યો ન હતો. ૨૧ વર્ષની વયે જાહેર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહેલી ધરપકડ ‘રોલેટ એક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઇ, ત્યારે તેમની ઊંચાઇ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઇઓએ સૌથી મોટી બેડીને થોડું જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહેવા લાગ્યું. એટલે જેલરે કહ્યું, ‘આ પહેલી વખતની જેલ છે ને! ધીમે ધીમે ટેવ પડી જશે.’


ત્રણ વર્ષની જેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જેટલું ઘટી ગયું હતું. છતાં અહંિસા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જેવા લાગતા આ માણસની અહિંસા તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઉગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ‘ખુદાઇ ખિદમતગાર’- ખુદાના સેવકો-નું સંગઠન રચ્યું. ખિદમતગારો માટે શરૂઆતમાં સફેદ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલ્દી મેલો થઇ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચિંતા કર્યા વિના પોશાકને ગેરુ રંગે રંગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ‘લાલ ખમીસવાળા’ તરીકે પણ ઓળખાયા. 

અંગ્રેજ શાસકોએ પહેલાં ખિદમતગારોના લાલ રંગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂનું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઇ કે થોડા સમયમાં સરહદપ્રાંતની જેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્‌યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા. 

બાદશાહખાનની અહિંસાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રંગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી- શરીર પરથી ગેરુ રંગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહિંસક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજું કંઇ ન સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હિંસાની મદદ વિના શસ્ત્રધારીઓને કઇ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદી-બિનકોંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું.


ગાંધીજીને સાબરમતી જેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહેરવાની જરૂર ન જોઇ, પણ હિંદુ-મુસ્લિમ એકતા અને અહિંસા જેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના- ઘણી વાર તો એકમાત્ર- સાથી બની રહ્યા. મનુબહેન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંઘ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હું આવી છું. પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઇ હોય તો તે ખાનસાહેબ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કિંમત હતી.’ સાબરમતી જેલમાં ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો.


ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી રાજીનામું આપી દીઘું. કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઇ ખિદમતગારોનો માર્ગ નથી...અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી. ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’

‘ગાંધીજીની કોંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરંતુ એક બાદશાહખાન પર્વતની જેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા..ધૈર્ય એ બાદશાહખાનની પોલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઇચારો અને ધૈર્યમાં છે.’



બાદશાહખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.આઝાદી વખતે તેમને પઠાણો માટે ‘પખ્તૂનિસ્તાન’ જોઇતું હતું.  ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને બંગાળ જેમ અનુક્રમે પંજાબી, સિંધી, બલુચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઇએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જે કંઇ માગણી છે તે નામ અંગેની છે.’ પરંતુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી. 

સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઇએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે, પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે  સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો.  કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્‌ગાર કાઢતાં કહ્યું હતું,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’

(photo: Homai Vyarawala)
પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફેરવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુલમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે. ખુદાઇ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી. ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દિ વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરંજિત હતું. એ જોઇને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇંદિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઇને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો. 

Khan Abdul Gjaffar Khan- Moraraji Desai 

જાન્યુઆરી ૨૦,૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય  હિંમતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરંતુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઇ ગઇ છે. મુસ્લિમોમાં  રૂઢિચુસ્તોને વકરાવીને મુસ્લિમહિતનો ડોળ કરતા કે મુસ્લિમવિરોધી લાગણીની રોકડી કરવા તલપાપડ- કોઇ પક્ષોને બાદશાહખાનનો ખપ નથી.



Wednesday, February 15, 2012

કડકડતી ઠંડી પડે ત્યારે

ઠંડક અને ઠંડી વચ્ચે, ટાઢક અને ટાઢ વચ્ચે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળવા અને ત્યાં બેસીને પોર્નોગ્રાફી જોવા જેટલો ફરક છે. એક શાયરે ‘સુખ તો અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે’ એમ કહ્યું હતું. એવી રીતે અમુક હદ સુધીની ટાઢ પડે, તો એને ‘ગુલાબી ઠંડી’નું શાયરાના માન મળે, પણ આ વર્ષે પડેલી ઠંડી શાયરાના મિજાજ વટાવીને કાતિલાના અંદાજ સુધી પહોંચી ગઇ. યુપીએ સરકારના ભ્રષ્ટાચારની જેમ આ વરસની ઠંડી વિશે પણ લોકોને થવા લાગ્યું, ‘હોય ભાઇ, અમે સમજીએ છીએ, પણ એની હદ તો હોય કે નહીં?’

ભ્રષ્ટાચાર વિશે ‘આટલો બધો ન હોય’ની લાગણીથી પ્રેરાઇને અન્ના હજારે આણિ મંડળીએ આંદોલન ચલાવ્યું, પરંત ભ્રષ્ટાચાર અને ઠંડીમાં એટલો ફરક છેઃ ‘આટલી બધી ન હોવી જોઇએ’ એવી ઠંડી સામે મોરચો માંડવા માટે કોઇ અન્ના હજારેની રાહ જોતું નથી. સૌ પોતપોતાની રીતે રસ્તા શોધી કાઢે છે.

ઠંડી ગુલાબી હોય ત્યાં સુધી એ ફેશન મારવાની ૠતુ છે. તેમાં ઠંડી છે એટલે નહીં, પણ આપણી પાસે ગરમ કપડાં છે, એટલે એ પહેરવામાં આવે છે. પણ ઠંડીનો રંગ ગુલાબીમાંથી ઘેરો- લાલ થવા લાગે એટલે માણસમાં રહેલી સ્વ-સુશોભન વૃત્તિ પર સ્વ-બચાવની વૃત્તિ પ્રભાવી થવા લાગે છે. સ્વેટર, જેકેટ, કોટ, મફલર, શાલ, ટોપી જેવાં વસ્ત્રોમાં તે મેચિગની નહીં, પણ અસરકારકતાની ચિતા કરતો થાય છે.

ગુજરાતમાં પહેલાં રણવિસ્તારની નજીક આવેલા પ્રદેશોમાં આકરી ઠંડી પડતી હતી. હવે પ્રમાણમાં ખુશનુમા આબોહવા ધરાવતા શહેરી વિસ્તારોમાં પણ પાંચ-સાત-આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. કેટલાક લોકો આ જાતના શિયાળાને કુદરતનું એન.આર.આઇ. લોકો સામેનું કાવતરું ગણાવે છે. આ મોસમમાં દેશમાં ઉમટી પડતાં એન.આર.આઇ. પાસે પહેલાં અહીંના લોકોને આંજવા માટે ઘણાં સાધન હતાં: ‘ત્યાં’ની વાતો, ચીજવસ્તુઓ, ઉપકરણો ..

ઉદારીકરણ પછીના યુગમાં બઘું અહીં મળતું થઇ ગયું. બસ, એક ઠંડીની કસર હતી. ‘અમારે ત્યાં તો એવી ઠંડી પડે...’ એવી એન.આર.આઇ.- કથા માટે અવકાશ રહ્યો હતો, પરંતુ છેલ્લાં બે-પાંચ વર્ષથી ગુજરાતમાં જે પ્રકારની ઠંડી પડી છે એ જોતાં, દેશી લોકો પર પ્રભાવ પાડવાનું એન.આર.આઇ.નું છેલ્લું શસ્ત્ર પણ છિનવાઇ ગયું હોય એમ લાગે છે. એમાં ‘ભગવાનના ગમ્યું તે ખરું’ સિવાયનું કોઇ આશ્વાસન કામ લાગે એમ નથી. હવે ગૌરવવંતા અમદાવાદીઓ એન.આર.આઇ.ને કહી શકે છે, ‘અમારે ત્યાંની ઠંડી એટલે? બઘું થિજવી નાખે. અમારે તમારી માફક હીટરમાં ફરવાનું ન હોય. લોકો પાસે ઘર જ માંડ હોય, ત્યાં હીટર ક્યાંથી લાવે? તો પણ લોકો વેઠી જાય છે. બોલો!’

શિયાળાના દિવસમાં સૌથી અકસીર છતાં મફત ચીજ છે તડકો. સૂર્યપ્રકાશના જોરે સામાન્ય લોકોને ઠંડીનો મુકાબલો કરતા જોઇને ક્યારેક એવી આશંકા પણ ઝબકી જાય કે સરકારના ઘ્યાને આ વાત ન ચડે તો સારું. નહીંતર કોઇક મંત્રીવર્યને એવો વિચાર આવી શકે છે કે જમીન-જંગલો અને સ્પેક્ટ્રમની જેમ સૂર્યનો તડકો પણ કુદરતી સંસાધન હોવાથી એ સરકારની માલિકીનો ગણાવો જોઇએ. વિકાસના પ્રોજેક્ટ પાર પાડવા માટે સરકારો તડકા પર ટેક્સ નાખવાનું વિચારી શકે. પુખ્ત વયના દરેક નાગરિકને એક-એક મીટર આપી દેવામાં આવે, જે દરેકે પહેરી રાખવાનું. તેનાથી દિવસ દરમિયાન માણસે કેટલો તડકો ‘ડાઉનલોડ’ કર્યો તે ખબર પડી જાય અને મહિને તેનું બિલ મોકલી શકાય. ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે તડકાનું બિલ માફ કરીને સરકાર પોતે ગરીબો પ્રત્યે કેવી દયાળુ છે- કેવી ગરીબલક્ષી છે, તેની જાહેરાત પણ કરી શકે.

સરકારો બહુ મૌલિક હોઇ શકે છે. તેમનું ચાલે તો એ ઠંડી ઉપર પણ ટેક્સ નાખે. અમદાવાદમાં રહેતા માણસને એક પણ ફદિયું ખર્ચ્યા વિના આબુનું વાતાવરણ ‘મફ્‌ફત’ મળતું હોય, તો કોર્પોરેશનને એવું મન ન થાય કે આ લોકોએ આબુ જવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા હોત તેનો અમુક હિસ્સો આપણે ટેક્સ તરીકે શા માટે ન વસૂલવો?

સાહિત્યકારો અને જાહેર જીવનમાં રહેલા લોકો માટે આકરી ઠંડી આવકારદાયક અને અમુક અંશે આશીર્વાદરૂપ સાબીત થાય છે. જ્યાં ને ત્યાં શાલથી સન્માનિત થયેલા આ મહાનુભાવો પાસે શાલનો એટલો જથ્થો હોય છે કે તે એમ્પોરિયમ ખોલી શકે. ઠંડી ન પડતી હોય તો એ શાલનું શું કરવું? પણ કડક ઠંડી પડે ત્યારે રોજ જુદી જુદી અથવા સવાર-સાંજ જુદી જુદી શાલ ઓઢીને, એ બહાને પોતાને મળેલાં સન્માનની હૂંફ ફરીથી તાજી કરી શકે છે.

ગરીબો અને અમીરો બન્ને માટે શિયાળામાં તાપણાનું ઘણું માહત્મ્ય હોય છે. (સાહિત્યકારો પાસે પોતાનાં ન વેચાયેલાં પુસ્તકોનું કે ભેટમાં મળેલાં નકામાં પુસ્તકોનું તાપણું કરવાના વધારાના વિકલ્પ હોય છે.) સામાન્ય રીતે જીવનસાથીના રૌદ્ર રૂપની જેમ દઝાડતો અગ્નિનો તાપ રાતના કે વહેલી સવારના તાપણામાંથી નીકળે ત્યારે પ્રિયજનની યાદ જેવો મીઠો લાગે છે. તેની વધારે નજીક જવાથી દઝાઇ જવાય અને દૂર જવાથી મીઠાશ જતી રહે એવું સત્ય પણ ત્યારે પામી શકાય છે.

વૈજ્ઞાનિક રીતે એ ભલે સિદ્ધ ન થયું હોય, પણ હકીકત એ છે કે બધાને આખા શરીરમાં એકસરખી ઠંડી લાગતી નથી. ‘બહુ ઠંડી છે’ની બૂમો પાડનારા લોકો વિશે સહેજ ઊંડાણથી વાતચીત કરતાં ખ્યાલ આવશે કે દરેક જણના શરીરમાં ‘શીતબિદુઓ’ (કોલ્ડ સ્પોટ્‌સ) જુદાં જુદાં હોય છે.

‘આપણાથી ગમે તેટલી ઠંડી સહન થાય, પણ કાનમાં પવન ન જવો જોઇએ.’ એવું કહેનારા લોકોનું ચાલે તો એ કાનને શટર નંખાવીને તેને ડબલ તાળાં મરાવે. ઠંડા પવનને બોસના ઠપકાની જેમ એક કાનેથી અંદર લઇને બીજા કાનેથી બહાર કાઢી શકાતો નથી, એનો તેમને ભારે વસવસો થાય છે.

કેટલાક લોકો ફક્ત કાનની નહીં, પણ આખેઆખા માથાની ચિતા કરતા હોય છે. માથામાં પવન ભરાય તો શું થાય, એ બાબતે આયુર્વેદથી માંડીને ઇન્ટરનેટ પર શું લખેલું છે, એ બઘું તેમના માથામાં ભરાયેલું હોય છે. ‘સર સલામત તો પઘડીયાં બહોત’ એવી કહેવતના વિસ્તાર તરીકે તે સર સલામત રાખવા માટે જાતજાતની પાઘડીઓ બાંધે છે, આડાં-ઊભાં મફલર વીંટાળે છે, માણસટોપી-બુઢિયાટોપી જે મળે તે માથે ચડાવી દે છે. એમ કરવાથી ઉમરમાં દસ-વીસ વર્ષ વધારે લાગશે, એવી લોકનંિદાને પણ તે ગણકારતા નથી. હથેળીમાં કે પગના તળીયે ઠંડી લાગે તો બે હથેળી કે બે તળીયાં એકબીજા સાથે ઘસીને ગરમાયો પેદા કરી શકાય, પણ ઘસવા માટે બે માથાં ક્યાંથી લાવવાં?

ઠંડી ઘણા લોકો માટે શબ્દાર્થમાં નાકનો સવાલ બની જાય છે. બહુ ઠંડી હોય ત્યારે નાક એટલું ઠરી જાય છે કે એ, વડાપ્રધાનની જેમ, છે કે નહીં એની જ ખબર પડતી નથી. ગરમ કપડાંનું આટલું વૈવિઘ્ય હોવા છતાં, ફક્ત નાક પર પહેરી શકાય એવું કોઇ ગરમ કપડું હજુ સુધી બન્યું નથી. એટલે લોકોને ફિલ્મોમાં જોયેલા ડાકુઓની જેમ, નાક ઢંકાય એવી બુકાનીઓ બાંધવી પડે છે. નાકને કહ્યામાં રાખવા માટે તેને બ્રેડની સ્લાઇસ સમજીને, બ્રેડ પર બટર લગાડતા હોય એટલી ઉદારતાથી લોકો નાક પર વિક્સ જેવા પદાર્થો લગાડવામાં આવે છે. તેનાથી ‘મેં તો મારાથી બનતું બઘું કર્યું’નું આશ્વાસન મળે છે.

ઠંડા પવનના આક્રમણનું એક મોટું કેન્દ્ર છે: છાતી. ગરદનની નીચેના ભાગમાં જાણે છાતીનું નહીં, પણ જાળીવાળા દરવાજા ધરાવતું પિજરુ હોય અને તેમાં પવન ભરાઇ જવાનો હોય, એવી ચંિતા ઘણા લોકો કરે છે. તેનાથી બચવા માટે સ્વેટરથી માંડીને છાપાં સુધીની ચીજો ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ કેટલાક બહાદુરો એવી પળોજણમાં પડવાને બદલે ‘વીર સામી છાતીએ પવનના ઘા ઝીલવાવાળા’ બનવાનું પસંદ કરે છે.

ઠંડી દૂર કરવા માટે ઘણા લોકો કસરત કરે છે કે દોડે છે. તેમને જોઇને લાગે કે ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ એ સુભાષિતમાં જે સિદ્ધિની વાત છે, તે ઠંડી ભગાડવાની જ સિદ્ધિ હશે.

Tuesday, February 14, 2012

‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ મુખ્યત્વે તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું નામ પ્રસાર માઘ્યમોમાં અવળાં કારણથી ચડ્યું અને ચગ્યું છે.

વિવાદના કેન્દ્રમાં છે ‘ઇસરો’ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ’ (હિંદીમાં ‘એન્ટ્રિક્સ’) તથા ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં થયેલો સોદો. ‘સસ્તા ભાવે અને યોગ્ય પ્રક્રિયા-વિધીને અનુસર્યા વિના’ થયેલા આ સોદાથી દેશને રૂ.બે લાખ કરોડ જેટલું નુકસાન થયું હોત, એવો અંદાજ ‘કેગ’ દ્વારા રજૂ થતાં ‘વઘુ એક સ્પેક્ટ્રમ કૌભાંડ’નું બૂમરાણ મચ્યું.

સોદાનાં જુદાં જુદાં પાસાંની તપાસ માટે બે વર્ષમાં ત્રણ સમિતિઓ નીમાઇ અને તેમના અહેવાલ પણ આવી ગયા. તેનાં તારણોના આધારે ગયા મહિને ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા જી.માધવન નાયર તથા બીજા ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અફસરો સામે શિક્ષાત્મક પગલાં લીધાં: તેમને કોઇ પણ પ્રકારના સરકારી હોદ્દા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા- ‘બ્લેકલિસ્ટ’ કરી દેવાયા.

આટલું વર્ણન બીજા કોઇ સરકારી ખાતા વિશે વાંચ્યા પછી લાગે કે ‘બરાબર છે. આમ જ થવું જોઇએ.’ પરંતુ ‘ઇસરો’ ભારત સરકારનો કોઇ સામાન્ય સરકારી વિભાગ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અંતરિક્ષ વિભાગ)ની સીધી દેખરેખ અને વડાપ્રધાનની કચેરી સાથેના સીધા સંપર્કથી ચાલતું ‘ઇસરો’નું તંત્ર રાષ્ટ્રિય સુરક્ષાથી માંડીને રાષ્ટ્રિય ગૌરવના મુદ્દે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઇ પણ સરકારી તંત્ર માટે ઇર્ષ્યાજનક કહેવાય એવી નામના તેણે મેળવી છે. ચંદ્રયાન મિશન સહિતની અનેક સફળતાઓ સાથે પ્રતાપી કારકિર્દી ધરાવતા ‘ઇસરો’ના પ્રતાપી અઘ્યક્ષ જી.માધવન નાયરને ભારત સરકાર ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરી ચૂકી છે.

રાષ્ટ્રનું બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન મેળવનારને થોડાં જ વર્ષોમાં સરકારી હોદ્દેથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તે આંચકાજનક ગણાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીનો નબળો ઇતિહાસ ધરાવતા ભારત માટે આંચકાની સાથે આશ્ચર્ય પણ ભળે. તેમાં પણ માધવન નાયર તરફથી એવો આક્ષેપ થાય કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને આ વિવાદ પાછળ ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનો દોરીસંચાર છે, ત્યારે આશ્ચર્ય અને આંચકાની સાથે આઘાતની લાગણી ઉમેરાય છે. નાયરના આરોપ અને સરકારી પક્ષની રજૂઆતો ઘ્યાનમાં લેતાં એટલું સમજાય છે કે બન્નેમાંથી કોઇ પક્ષ સદંતર નિર્દોષ નથી.

દલીલો-પ્રતિદલીલોનો સિલસિલો બહુ લાંબો અને ગૂંચવાનારો છે, પણ તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દે બન્ને પક્ષોની રજૂઆતઃ

ત્રણ સમિતિના નિર્ણયોની તકરાર
નવાઇ લાગે એવી વાત છે કે અંતરિક્ષ-દેવાસ સોદા અંગે નીમાયેલી ત્રણે તપાસસમિતિના અહેવાલ જુદા જુદા છે- અથવા એ જુદા હોવાની છાપ ઉભી થઇ છે. સૌથી પહેલો, બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ જાહેર કરાયો નથી. ‘એ અહેવાલ મેં બિનસત્તાવાર રીતે જોયો છે.’ એમ કહીને માધવન નાયરે દાવો કર્યો છે કે ‘તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક છે અને સોદો સ્થાપિત ધારાધોરણો મુજબ જ થયો છે. તેના વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર નથી.’ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ અહેવાલ જાહેર કરીને નાયરના દાવાને ખોટો સાબીત કરી શકે છે.

માર્ચ, ૨૦૧૧માં આવેલો બી.કે.ચતુર્વેદી-પ્રો.નરસિંહા સમિતિનો અહેવાલ સરકારે આખેઆખો જાહેર કર્યો છે, જ્યારે સપ્ટેમ્બર, ૨૦૧૧માં પાંચ સભ્યોની બનેલી પ્રત્યુશ સિંહા સમિતિના અહેવાલમાંથી ફક્ત ‘તારણો અને ભલામણો’ જાહેર કરવામાં આવ્યાં છે.

ચતુર્વેદી-નરસિંહા અહેવાલમાં સોદાના મુદ્દે ‘ઇસરો’ના પક્ષે રહેલી કેટલીક ખામીઓ, ચોક્સાઇનો-પારદર્શકતાનો અભાવ, નાણાંકીય તથા વ્યૂહાત્મક બાબતોમાં કેટલાંક ગાબડાંની નોંધ લેવાઇ છે. સાથોસાથ, એ વાત બરાબર ખોંખારીને કહેવામાં આવી છે કે ‘દેવાસને સસ્તા ભાવે સ્પેક્ટ્રમ ફાળવવાનો આરોપ સદંતર ખોટો અને પાયા વગરનો છે.’ તેનાં મુખ્ય બે કારણ આપવામાં આવ્યાં છે.

૧) રૂ.બે લાખ કરોડના નુકસાનનો આસમાની આંકડો થ્રી-જી સ્પેક્ટ્રમની હરાજીના આધારે ઉપજાવવામાં આવ્યો હતો. પરંતુ જમીની (ટેરેસ્ટ્રીયલ) સ્પેક્ટ્રમની અને આસમાની (ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર થકી મળતા) સ્પેક્ટ્રમની કિંમતો સરખાવી શકાય નહીં.

આ તફાવતની વાત કરીને નાયરની જીભનો કૂચો વળી ગયો, પણ ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ના ઉત્સાહમાં એમને કોણ ગણકારે? તેમણે એમ પણ કહ્યું કે આખા ‘ઇસરો’નું વાર્ષિક બજેટ રૂ.૪ હજાર કરોડ છે. બે ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડરના ભાડામાંથી રૂ. બે લાખ કરોડ મળી જવાના હોય તો હું ફક્ત ‘ઇસરો’ જ નહીં, આખી દુનિયાની અંતરિક્ષ સંસ્થાઓ ચલાવી શકું.

સમિતિના અહેવાલમાં એવું પણ નોંધાયું કે ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર લીઝ પર આપ્યા પછી ‘અંતરિક્ષ’ને વળતર તરીકે ૧૦ ટકા કરતાં વધારે રકમ મળવાની હતી. નાયરનો દાવો છે કે ‘ઇસરો’ને આ રોકાણ પર ૧૨ થી ૧૫ ટકાનો ફાયદો મળવાનો હતો, જે ૫-૬ ટકાના આંતરરાષ્ટ્રિય દર કરતાં વધારે હોવાથી નુકસાન થવાનો સવાલ ઉભો થતો નથી.

૨) ‘અંતરિક્ષ’ સાથે સોદા થકી એક વાર ટ્રાન્સ્પોન્ડર લીઝ પર મેળવી લીધા પછી પણ ‘દેવાસ’ને (મોબાઇલ સર્વિસ શરૂ કરવા માટેની) એન્ટ્રી ફી, સ્પેક્ટ્રમ ચાર્જીસ, સર્વિસ લાયસન્સ ફી જેવી રકમો ચૂકવવાની રહેતી હતી, જેના માટે તેને કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે પનારો પાડવાનો રહેત.

મતલબ કે ‘અંતરિક્ષ’ સાથે થયેલા સોદામાં ટ્રાન્સ્પોન્ડરની લીઝની રકમનો જ સમાવેશ થતો હતો અને જેના નામે ભ્રષ્ટાચારના છાજિયા લેવાયા તે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના ચાર્જીસ ચૂકવવાના બાકી જ રહેતા હતા. આ વાત સમિતિના અહેવાલમાં જાહેર થઇ તે પહેલાંથી માધવન નાયર ગાઇ વગાડીને કહી રહ્યા છે, પણ તેમને ખાસ લેવાલ મળતા નથી.

વિવાદ ચરમસીમાએ પહોંચ્યા પછી મૌન ધારણ કરીને બેઠેલા ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા કે.કસ્તુરીરંગને ગયા વર્ષે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના સોદામાં કશો ‘ફિઆસ્કો’ નથી અને પ્રસાર માઘ્યમો પૂરું સમજ્યા-કારવ્યા વિના લઇ મંડ્યાં છે.

ત્રીજો અને છેલ્લો અહેવાલ પ્રત્યુશ સિંહા સમિતિનો છે. તેના પાંચ સભ્યોમાં ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સોદો રદ કરાવવા માટે તે પાછળ પડી ગયા હોવાનો માધવન નાયરનો આરોપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે હોદ્દો સંભાળ્યાના એક મહિનામાં જ તેમણે સોદાની નવેસરથી તપાસના આદેશો આપ્યા અને બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં તો વડાપ્રધાનની કચેરીને આ સોદો રદ કરવા માટે લખી દીઘું હતું (‘એવું મેં જાણ્યું છે’ : નાયર)

સિંહા સમિતિના અહેવાલનાં તારણો અને ભલામણો સૌથી વધારે આકરાં અને આક્ષેપાત્મક છે. (તેમાં રાધાકૃષ્ણનની હાજરીથી કેટલી ધાર ઉમેરાઇ હશે તે અટકળનો વિષય છે)

સાપેક્ષ નિર્દોષતા
સિંહા સમિતિએ સોદામાં ‘સિરીયસ લેપ્સીસ ઓફ જજમેન્ટ’ (નિર્ણય લેવામાં ગંભીર ભૂલો)થી માંડીને ‘ક્યારેક તો નીતિનિયમોના ભંગ અને બ્રીચ ઓફ પબ્લિક ટ્રસ્ટ (જાહેર હિતને નુકસાન)ની હદે પહોંચતાં પગલાં’ હોવાનું નોંઘ્યું છે. આટલા આકરા શબ્દો ન વાપરનાર ચતુર્વેદી-નરસિંહા સમિતિએ પણ સોદામાં રહેલાં ગાબડાં અંગે ઘ્યાન દોરીને વધારે પારદર્શકતા- જવાબદાર વહીવટ માટેનાં સૂચન કર્યાં છે. કેટલાક મહત્ત્વના આરોપાત્મક મુદ્દા એવા છે, જેના જવાબ માધવન નાયરની અત્યાર સુધીની દલીલોમાં સંતોષકારક રીતે કે સંપૂર્ણપણે મળતા નથી. જેમ કે,

૧) ‘ઇસરો’એ રૂ.૮૦૦ કરોડના ખર્ચે બે ઉપગ્રહો બનાવવાનો સોદો ‘દેવાસ’ સાથે કર્યો, ત્યારે ‘દેવાસ’નું ભંડોળ ફક્ત રૂ.૧ લાખ હતું, જે રૂ.૧૦ના એક એવા ૧૦ હજાર શેર સ્વરૂપે હતું. તેમાંથી ૯ હજાર શેર ‘ઇસરો’ના ભૂતપૂર્વ કર્મચારી ડી.વેણુગોપાલ પાસે અને ૧ હજાર શેર ઉમેશ એમ. પાસે હતા.

‘અંતરિક્ષ’ સાથે સોદો થયા પછી ૨૦૦૯-૧૦ના વર્ષમાં ‘દેવાસ’ના દસ રૂપિયાના એક શેરનું પ્રીમિયમ સવા લાખ રૂપિયાથી પણ વધારે (રૂ.૧,૨૬,૮૨૧) સુધી પહોંચી ગયું. કંઇ પણ કર્યા વિના અને ૩૧ માર્ચ, ૨૦૧૦ના રોજ રૂ.૧૮ લાખનું શેરભંડોળ ધરાવતી ‘દેવાસ’ રૂ.૫૭૮ કરોડ જેટલું શેર પ્રીમિયમ ધરાવતી કંપની બની ગઇ. તેના ભાગીદારોમાં જર્મન કંપની ડ્યુશ ટેલીકોમ (૨૦ ટકા હિસ્સો), નાણાંનાં કાળાંધોળાં માટે જાણીતા મોરેશિયસનું સરનામું ધરાવતી બે કંપનીઓ (પ્રત્યેકનો હિસ્સો ૧૭ ટકા), ‘ઇસરો’ના ભૂતપૂર્વ વિજ્ઞાની ડો.ચંદ્રશેખર (૧૯ ટકા)નો સમાવેશ થતો હતો. વેણુગોપાલે પોતાના રૂ.૧૦ની કંિમતના શેર મોરેશિયસની કંપનીઓને રૂ.૨૫,૫૦૫ના ભાવે વેચીને તગડી કમાણી કરી હતી.

આ નાણાંકીય લેવડદેવડોમાં સિંહાસમિતિએ ગંભીર વહીવટી અને કાર્યપદ્ધતિનાં ગાબડાં જ નહીં, કેટલીક વ્યક્તિઓની મેળાપીપણું ધરાવતી વર્તણૂંક પણ જોઇ અને તેમની સામે સર્વિસ રુલ્સ પ્રમાણે પગલાં લેવાનું સૂચવ્યું છે. અલબત્ત, હજુ સુધી આખી નાણાંકીય લેવડદેવડમાં માધવન નાયર કે બીજા ત્રણ બ્લેકલિસ્ટેડ લોકોને કોઇ આર્થિક ફાયદો થયો હોય એવું બહાર આવ્યું નથી. સિંહાસમિતિએ યોગ્ય તપાસસંસ્થા દ્વારા તેની તપાસ કરવા જણાવ્યું છે.

ચતુર્વેદી-નરસિંહા સમિતિમાં નોંધાયેલો બીજો અગત્યનો વાંધો એ છે કે સ્પેસ કમિશન અને મંત્રીમંડળે જીસેટ-૬ અને જીસેટ-૬-એ બન્ને ઉપગ્રહોના પ્રોજેક્ટના મંજૂરી આપી, ત્યારે તેમને ખબર ન હતી કે ‘ઇસરો’ આ બન્ને ઉપગ્રહો ‘અંતરિક્ષ-દેવાસ કરાર’ અંતર્ગત, માત્ર ને માત્ર ‘દેવાસ’ માટે તૈયાર કરવાનું છે. માધવન નાયરે તેનો એવો ખુલાસો આપ્યો છે કે ઉપગ્રહ તૈયાર કરતી વખતે એનાં ટ્રાન્સ્પોન્ડર કોને લીઝ પર આપવાનાં છે તેની આગોતરી જાણ કરવાનું જરૂરી હોતું નથી. એક વાર ઉપગ્રહ તૈયાર થઇ જાય ત્યાર પછી સ્પેસ કમિશન કે કેબિનેટની જાણ વિના ઘણી કંપનીઓને ટ્રાન્સ્પોન્ડર લીઝ પર અપાતાં જ હોય છે.

નાયરની આ દલીલ ગળે ઉતરે એવી નથી. કારણ કે જીસેટ-૬ અને ૬-એના કિસ્સામાં તેનો ઉપયોગ અગાઉથી નક્કી હતો અને એ પણ લગભગ એક્સક્લુઝિવ પ્રકારનો- ‘દેવાસ’નો એકાધિકાર હોય એવો રહેવાનો હતો. એ સંજોગોમાં સ્પેસ કમિશનને કે કેબિનેટને તેના વિશે જાણકારી ન આપવાના વાજબીપણા વિશે ગંભીર શંકા રહે છે. દેશની સંરક્ષણની કે બીજી જરૂરિયાતોને ઘ્યાનમાં લીધા વિના ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડરની ૯૦ ટકા ક્ષમતા એક ખાનગી કંપનીને આપી દેવી અને એ પણ સંબંધિત વિભાગોને જાણ કર્યા વિના- એ વાત અંતરિક્ષ-દેવાસ સોદાની વિરુદ્ધમાં જાય છે.

આવા બીજા પણ મુદ્દા છે, જેમાંથી કેટલાક ‘ઇસરો’ના વહીવટી માળખામાં રહેલાં ગાબડાં પ્રત્યે આંગળી ચીંધનારા છે. (એ ભલામણોના આધારે ગયા વર્ષે ‘ઇસરો’ના માળખામાં ફેરફારો પણ થયા છે.) પરંતુ એક વાત નક્કી છેઃ માધવન નાયર અને બીજા ત્રણ ઉચ્ચ હોદ્દેદારો સામેના આરોપ તેમને પૂરતી અને સંતોષકારક તક આપ્યા વિના સ્વીકારાઇ જાય અને તેના આધારે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અજૂગતું-અધકચરું લાગે છે. એક વાત એવી પણ આવી છે કે વડાપ્રધાને આ લોકો સામે હળવામાં હળવી કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવાથી તેમની સામે ફક્ત આટલાં જ પગલાં લેવાયાં છે. એ સાચું હોય તો તેનાથી સ્થિતિ ઉપરથી વણસી છે. આરોપની ગંભીરતા પુરવાર થાય તો તેમને હળવી નહીં, પણ યથાયોગ્ય શિક્ષા અને એ પુરવાર ન થાય તો માનભેર તેમની ગરીમાની પુનઃસ્થાપના, એ બે જ વિકલ્પો હોઇ શકે.

Sunday, February 12, 2012

‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકાર


ગુજરાતી પત્રકારત્વ સાથે ઇન્ટરનેટનો પનારો પડ્યાને એક દાયકાથી ઉપર સમય વીતી ગયો. પરંતુ 1997માં ‘સિટિલાઇફ ન્યૂઝ’ના અપવાદને બાદ કરતાં, કોઇ ગુજરાતી અખબાર-સામયિકમાં ઇન્ટરનેટને લગતી ઠેકાણાસરની નિયમિત કોલમ આવી ન હતી. એ મહેણું મનીષ મહેતા સંપાદિત, ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પુર્તિમાં આવતી હિમાંશુ કીકાણી/ Himanshu Kikaniની કોલમ ‘સાયબર સફર’થી ભાંગ્યું. જાન્યુઆરી, 2012માં એ કોલમને ચાર વર્ષ પૂરાં થયાં. તેને મળેલા પ્રચંડ આવકાર પછી હિમાંશુએ એ કોલમના વિસ્તાર જેવું માસિક ‘સાયબરસફર’ કાઢવાની હિંમત કરી છે. આ નામની વેબસાઇટ cybersafar.com તો ઘણા વખતથી ચાલે જ છે.

નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં ‘સફારી’ સહિતનાં મહાભારત-કાર્યો નજર સામે રાખીને, તેમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવીને, હિમાંશુએ ‘સાયબર સફર’/ Cybersafarની શરૂઆત કરી છે. તેનાં મુખ્ય ત્રણ ધ્યેય છેઃ 
1)અમુક જ સાઇટો પૂરતું મર્યાદિત ઇન્ટરનેટ સર્ફિંગ કરતી નવી પેઢીની સામે ઇન્ટરનેટના વિશાળ દરિયામાંથી બીજાં રત્નો કાઢીને મૂકવાં 
2) કમ્પ્યુટર સાથે બિલકુલ પનારો પાડ્યો ન હોય એવા વડીલોને સાવ શરૂઆતથી, તેમને સમજાય એવી સરળ ભાષામાં ઇન્ટરનેટની દુનિયા સુધી લઇ જવા અને તેમના માટે એ વિસ્મયજનક સૃષ્ટિ ખોલી આપવી. 
3) અંગ્રેજીના હાઉને કારણે ઇન્ટરનેટથી દૂર રહેતા નવી પેઢીના લોકો ઇન્ટરનેટનો પૂરો લાભ લઇ શકે એ માટે સજ્જતા કેળવવામાં મદદરૂપ થવું.

          ટૂંકમાં, ઇન્ટરનેટ ન વાપરતા, ઓછું વાપરતા કે ભરપૂર વાપરતા- સૌ કોઇને આ સામયિકમાંથી પોતપોતાના ખપનું મળી રહે એવું હિમાંશુનું ધ્યેય છે. હજુ પહેલો અંક આવ્યો છે. એટલે આ સમય દાવાનો નહીં, પણ જેટલું થાય તે કરી બતાવવાનો અને ફેંસલો વાચકો પર છોડવાનો છે. પરંતુ ‘સાયબરસફર’થી પરિચિત ન હોય એવા વાચકોને આગ્રહપૂર્વકની ભલામણ છે કે તે ગુણવત્તાની ખાતરી કરવા માટે પહેલાં cybersafar.com પર જાય અને બે-ચાર લેખ પર નજર ફેરવી જુએ. ત્યાર પછી તેમને મેગેઝીનનું લવાજમ ભરવાનું મન થવું જોઇએ. વાચનની કથળેલી ગુણવત્તા વિશે ફરિયાદ કરતી વખતે, સારી ગુણવત્તા ધરાવતું વાચન આવે તો તેને વધાવવાની પણ વાચકો તરીકે આપણી જવાબદારી છે.

          ‘સાયબરસફર’ માસિક સ્ટેન્ડ પર- છૂટક મળવાનું નથી. એ ફક્ત લવાજમથી ઉપલબ્ધ બનશે. 48 પાનાંના છૂટક અંકની કિંમત રૂ.20 અને વાર્ષિક લવાજમ છેઃ રૂ.220.  શરૂઆતમાં વાર્ષિક લવાજમ રૂ.200 રાખવામાં આવ્યું છે. સાથે ‘સાયબરસફર’ કોલમમાં પ્રકાશિત થયેલા લેખોનાં ચાર ઉપયોગી સંકલનો- હેન્ડીગાઇડ્સ (વિના મૂલ્યે, મર્યાદિત સમય સુધી) આપવામાં આવશે.

          લવાજમ મોકલવા માટેની વિગતઃ (અત્યારે ફક્ત ભારત માટે)
Cybersafar Edumedia
B-402, Kaivalyadham-1, Opp. Radio Mirchi Tower,Near Shyamal Cross Road, Satellite
Ahmedabad-380015

ફોનઃ 079-4006 1513  (m) 092272 51513
વધુ પૂછપરછ માટેઃ support@cybersafar.com

        
હિમાંશુ કીકાણી સાથેનો પરિચય 1997ની આસપાસ થયો. એ વખતે અમે બન્ને પત્રકારત્વમાં નવા હતા. હિમાંશુ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’માં અને હું ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં. એ વખતથી જ હિમાંશુની ભાષા અને અભિવ્યક્તિ વખણાતાં હતાં. ‘ઇન્ડિયા ટુડે’ બંધ થયા પછી ‘સિટિલાઇફ ન્યૂઝ’માં નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે અમે સાથે મળ્યા. ત્યારે હિમાંશુ રેસ્ટોરાં-રીવ્યુની કોલમ લખતો હતો અને પત્રકારત્વને બદલે કોપીરાઇટિંગના ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ‘સંદેશ’માં ફરી જોડાયા પછી મારે મંગળવારની ‘મહેફિલ’ પૂર્તિ  કરવાની થઇ, ત્યારે હિમાશું તેમાં ‘ટેક ઇટ ઇઝી’ નામે હાસ્યની કોલમ લખતો હતો. ત્યાર પહેલાં હર્ષલ, હિમાંશુ અને વડીલ પત્રકાર દિવ્યેશભાઇ ત્રિવેદી સાથે મળીને અમે ચારે જણે ‘વીસમી સદીની યાદગાર પચાસ ઘટનાઓ’ના અંક માટે લખ્યું હતું, જેના વિચારથી માડીને અમલીકરણ સુધીનું બધું જ હર્ષલનું હતું.
પછીનાં વર્ષોમાં હિમાંશુને સતત મળવાનું કે ઘણી વાર તો નિયમિત રીતે ફોન પર વાત કરવાનું પણ બનતું નથી. છતાં, જૂનો તંતુ એટલો મજબૂત છે કે તેમાં ઝોલ પડતો નથી કે રેસા છૂટા પડવા લાગતા નથી. એટલે જ હિમાંશુ નવું સામયિક લઇને આવે ત્યારે પોતાનું સામયિક શરૂ થતું હોય એટલો આનંદ થાય છે. સાથોસાથ, એટલી પણ ચોખવટ કે મારા મિત્રધર્મમાં ખોટી પ્રશંસા કરવાનું આવતું નથી. એટલે તેના લખાણની ગુણવત્તા વિશેની વાતો એકદમ ‘નરણા કોઠે’ લખાયેલી છે. સૌ કોઇ એનું લખાણ વાંચીને ખાતરી કરી શકે છે. 

Wednesday, February 08, 2012

ગાંધીયુગમાં મોબાઇલ ફોન હોત તો?

ગાંધીજી વિશે થતાં લખાણ-ચર્ચા-પુસ્તકો-સેમિનાર તેમના મૃત્યુના છ દાયકા પછી પણ ઘટ્યાં નથી. બીજું કંઇ ન સૂઝે તો ‘વર્તમાન સમયમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા’ કે ‘એકવીસમી સદીમાં ગાંધી’ જેવી, હાથવગી છતાં આયોજકોને કંઇક નક્કર કર્યાનો સંતોષ આપતી- અપરાધભાવમાંથી ઉગારી લેતી કલ્પનાઓ ક્યાં નથી? કલ્પનાઓના જોરે ગાંધીજી પર માર્કેટિંગ ગુરુથી માંડીને કમ્યુનિકેશન ગુરુ જેવી અનેક ભૂમિકાઓનું આરોપણ પર કરવામાં આવે છે. ગાંધીજીએ કમ્પ્યુટરનો વિરોધ કર્યો હોત કે તેને અપનાવ્યું હોત, તેની ચર્ચા પણ ક્યારેક થાય છે. પરંતુ ગાંધીજીના સમયકાળમાં મોબાઇલ ફોન હોત તો? એ વિશે ખાસ કામ થયું હોય એવું લાગતું નથી. અટકળના એ પ્રદેશમાં થોડાં ડગલાં.
***

એક વાત તો નક્કી છે કે ગાંધીજીએ કોઇ કંપની સાથે સોદો પાડીને તેમના તમામ અંતેવાસીઓ અને સાથીદારોને સીયુજી સ્કીમ પ્રમાણે મોબાઇલ અપાવી દીધા હોત. અલબત્ત, દરેકે હેન્ડસેટથી માંડીને માસિક બિલની રકમ જાતે ચૂકવવાની રહેત. સાબરમતી આશ્રમ કે કોંગ્રેસમાંથી તેનો ખર્ચો પડાયો ન હોત.

‘મારો એસ.એમ.એસ. એ જ મારો સંદેશ’ એવા વિધાન સાથે તેમણે પોતાના સાથીદારોને મોબાઇલનો મહત્તમ ઉપયોગ એસ. એમ. એસ. માટે કરવા જણાવ્યું હોત અને કહ્યું હોત કે ‘ફોન પર વાત કરીને આપણાં કાન અને ગળાં બગાડવાનો આપણને અધિકાર નથી. કારણ કે એ આપણી નહીં, પણ દેશની મિલકત છે.’ મોબાઇલ કંપનીઓ દ્વારા અપાતી જથ્થાબંધ એસ.એમ.એસ.ની સ્કીમની શરૂઆત જ કદાચ ત્યારથી થઇ હોત. ગાંધીજીએ કંપનીઓને સૂચવ્યું હોત કે બિલના બદલામાં એટલી રકમનું કાંતેલું સૂતર જમા કરાવવાની વ્યવસ્થા કંપનીઓએ માન્ય રાખવી જોઇએ.

સ્વાભાવિક છે કે વિદેશી કંપનીઓમાં દેશભાવના નહીં હોવાને કારણે તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હોત. જમનાલાલ બજાજ કે ઘનશ્યામદાસ બિરલા જેવા કોઇ સ્વદેશી ઉદ્યોગપતિએ મોબાઇલના વ્યવસાયમાં ઝંપલાવવાનો ઇરાદો જાહેર કરીને, તેને ગાંધીચીંઘ્યા માર્ગે ચલાવવાની જાહેરાત કરી હોત. બજારમાં આવનારી સ્વદેશી કંપનીઓના સંચાલકોને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું હોત, ‘જાતે કાંતેલા સૂતરનું મૂલ્ય આંકવામાં તેમારો ગજ કદી ટૂંકો ન પડો.’

સત્યાગ્રહના ભાગરૂપે ઉત્સાહી યુવાનો જાનનું જોખમ વેઠીને મોબાઇલ કંપનીઓના ટાવર પર ત્રિરંગો ફરકાવવા જતા હોત અને બહેનો હેન્ડસેટનાં વિદેશી મોડેલ વેચતી દુકાનોની બહાર પિકેટિંગ કરતી હોત. કેટલાક ગાંધીવાદીઓએ સૂચવ્યું હોત કે દારૂબંધીની જેમ મોબાઇલબંધી પણ જાહેર કરવી જોઇએ. કારણ કે તેનાથી પ્રજાની નૈતિકતાનું અધઃપતન થાય છે. પરંતુ આ વાત સરદાર પટેલ જેવા કોઇકે ગાંધીજી સમક્ષ હસતાં હસતાં રજૂ કરી હોત અને ગાંધીજીએ તેને હસીને ઉડાડી દીધી હોત. એ અંગેનું પોતાનું એસ.એમ.એસ. દ્વારા જ અખબારોને મોકલવા તેમણે મહાદેવભાઇને કહ્યું હોત. સાથોસાથ, ‘ખાસ કામ વિના મોબાઇલ પર વાતચીત કરવી એ જંગલીપણાની નિશાની છે’ એવું કોઇ વાક્ય પણ તેમણે ઉમેરાવ્યું હોત.

મોબાઇલ ફોન પર રીંગટોન તરીકે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ રાખવાની સાત્ત્વિક ફેશન ચાલી હોત. તેને અવિચારી ગણાવીને ગાંધીજીએ કહ્યું હોત કે રીંગટોન તરીકે એવાં ગીત રાખવાં જોઇએ, જે વાગે એટલે તેમને પહેલામાં પહેલી તકે બંધ કરવાની ઇચ્છા થાય. સરદારે એ માન બ્રિટનના ‘ગોડ સેવ ધ કિંગ’ને આપવાનું સૂચવ્યું હોત.

મોબાઇલનો સૌથી વઘુ કસ એસ.એમ.એસ.થી કાઢવાના આશયથી ગાંધીજીએ તે સુવિધાને બને એટલી સરળ બનાવવા ઝુંબેશ ઉપાડી હોત. ‘કોશિયો પણ ગુજરાતીમાં એસ.એમ.એસ. કરી શકવો જોઇએ’ એવું તેમનું ધોરણ માન્ય રાખીને મોબાઇલ કંપનીઓએ કી-બોર્ડ પર ગુજરાતી અક્ષર ધરાવતાં અને વોઇસ એક્ટિવેશન - બોલીને પણ નંબર લગાડી શકાય-મેસેજ કરી શકાય એવી સુવિધાવાળાં- મોડેલ મૂકવાં પડ્યાં હોત. વોઇસ એક્ટિવેશન સુવિધાનો એક ફાયદો એ થાત કે ચરખો કાંતતી વખતે પણ એસ.એમ.એસ. કરી શકાત. ભીની માટી વડે મોબાઇલ ફોનનું ચાર્જિંગ કરી શકાય કે કેમ, એ વિશે ગાંધીજીની દેખરેખ તળે આશ્રમમાં પ્રયોગો થતા હોત. ગાંધીજીના પ્રિય ત્રણે વાંદરાના હાથમાં એક-એક મોબાઇલ હોત, જે ‘ખરાબ એમ.એમ.એસ. જોવા નહીં, ફોન પર ફાવે તેમ બોલવું નહીં અને ગમે તેવું સાંભળવું નહીં’ એવો સંદેશો આપતા હોત.

સોમવારે મૌનના દિવસે ગાંધીજી પરબિડીયાંના કોરા ભાગની ચબરખીઓ પર લખવાને બદલે, મોબાઇલના સ્ક્રીન પર લખીને પોતાની વાત રજૂ કરતા હોત, પણ સામેનો માણસ એ જ રીતે મોબાઇલ સ્ક્રીન પર પોતાનો જવાબ લખવા બેસત ત્યારે ગાંધીજી તેમને યાદ કરાવત કે ‘મૌન મારે છે, તમારે નહીં.’ સંદેશા વ્યવહારમાં મોબાઇલ ફોનથી ગાંધીજી એટલા ટેવાઇ ગયા હોત કે નક્કી થયેલા સમયે સાથીદાર કે તેમનો સંદેશો ન આવે તો એ કહેત,‘નક્કી તે ગંભીર બિમારીમાં પટકાયા હશે અથવા તે એવી કોઇ જગ્યાએ હશે કે જ્યાં ટાવર પકડાતો ન હોય અથવા તેમના ફોનની બેટરી ઉતરી ગઇ હશે. બાકી આવું બને નહીં.’

નાણાં અને સમય બચાવીને અસરકારક સંદેશાસુવિધા પૂરી પાડતા મોબાઇલ માટે તેમણે કહ્યું હોત, ‘મારા જેવા લાખોનો ભલે ક્ષય થાય, પણ મોબાઇલની બેટરીનો કદી ક્ષય ન થજો.’ મોબાઇલના નિયમિત ચાર્જિંગ માટેની તેમની સમયપાબંદી દંતકથાનો વિષય બની હોત અને જે રૂમના પ્લગમાં તેમનો મોબાઇલ નિયમિત રીતે ચાર્જ કરવા મૂકાતો હોત તે જગ્યા ‘ચાર્જિંગમંદિર’ તરીકે ઓળખાતી હોત.

બહાર જતી વખતે અથવા મહાદેવભાઇ સાથે ન હોય ત્યારે ગાંધીજી કેડે ઘડિયાળને બદલે મોબાઇલ ફોન લટકાવેલો રાખતા હોત. જવાહરલાલ તેના માટે રેશમી ખાદીનું ફેન્સી કવર લાવ્યા હોત તો ગાંધીજીએ ‘મારા ફોન કરતાં તમારું લાવેલું કવર વધારે મોંધું છે. એ તમે મારા તરફથી ઇન્દુને આપી દેજો’ એવું કહીને પાછું વાળ્યું હોત. ભવિષ્યમાં ઇન્દુને ઇંદિરા ગાંધી તરીકે દેશમાં કટોકટી જાહેર કરતો એસ.એમ.એસ. કરવાનો થાત ત્યારે મેસેજ મોકલી દીધા પછી એ મોબાઇલ ગાંધીજીએ આપેલા કવરમાં મૂકી દેવાથી તેમના (ગાંધીજીના નહીં, ઇંદિરા ગાંધીના) જીવને જરા સારું લાગ્યું હોત.

ગાંધીજીનો મોબાઇલ મોટે ભાગે મહાદેવભાઇ પાસે રહેતો હોત. ‘મહાદેવભાઇ પાસે તેમનો અલગ મોબાઇલ હોવો જોઇએ’ એવી રજૂઆત કોઇએ ગાંધીજી પાસે કરી હોત તો એ કહી દેત,‘એને વળી મોબાઇલની શી જરૂર? હું જ એનો મોબાઇલ છું.’ પણ એ જ ગાંધીજીએ બ્રિટનની મુલાકાત વખતે સારા મોડેલનો- ઝડપથી એસએમએસ ટાઇપ થઇ શકે એવું કી પેડ ધરાવતો- મોબાઇલ મેળવીને મહાદેવભાઇને આપ્યો હોત. ગાંધીજીના મોબાઇલ ફોનમાં મેસેજ મોકલવા માટેની તૈયાર ટેમ્પ્લેટમાં ‘બાપુના આશીર્વાદ’, ‘તબિયતનું ઘ્યાન રાખજો’, ‘ઇશ્વર સુઝાડે તેમ કરવું’ જેવા શબ્દગુચ્છ મહાદેવભાઇએ કરી રાખ્યા હોત.

ગાંધીજીની લોકપ્રિયતા જોઇને મોબાઇલ ફોન કંપનીઓએ એવી ખાસ વ્યવસ્થા ગોઠવી હોત કે કોઇ માણસ પાસે ગાંધીજીનો મોબાઇલ ફોન નંબર ન હોય અને એ સ્ક્રીન પર મેસેજની જગ્યાએ ગાંધીજીનું નામ ટાઇપ કરીને ‘કોલ’નું બટન દબાવે, એટલે ગાંધીજીને ફોન લાગી જાય. તેને કારણે ગાંધીજી એટલા વ્યસ્ત રહેતા હોત કે કસ્તુરબાને તેમની સાથે વાત કરવી હોય તો એ પણ કોઇ આશ્રમવાસીના ફોન પરથી બાપુને કોલ કરતાં હોત. અલગ મોબાઇલ મેળવવા માટેનો પોતાનો કજિયો પૂરો ન થવાને કારણે હરિલાલ બળવાખોર બની ગયા હોત અને ફક્ત ગાંધીજીને દુભવવાના આશયથી કોઇની મોબાઇલ શોપમાં તે ભાગીદાર બની ગયા હોત અથવા કોઇ મોબાઇલ ફોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનીને મોંઘાદાટ સ્માર્ટફોનની જાહેરખબરમાં દેખાતા હોત. એ જોઇને ગાંધીજીએ ‘મારી શરમે કે મારા નામે કોઇએ આ ફોન લેવા નહીં’ એવા મેસેજ બલ્કમાં કરાવ્યા હોત.

ગાંધીજીની હત્યા વખતે તેમની કમરે લટકતો મોબાઇલ ફોન ઐતિહાસિક બની ગયો હોત. તેને એકાદ મ્યુઝિયમમાં રખાયો હોત અને દરે થોડાં વર્ષે એવું કહેવાતું હોત કે ‘આ ફોન પાછળથી ખરીદેલો - બનાવટી- છે. અસલી ફોન તો ક્યારનો વેચાઇ ગયો.’

ગાંધીજી જે કંપનીનો ફોન વાપરતા હતા, એ કંપનીનો ફોન રાખીને - ફક્ત એટલા જ કારણથી- ઘણા લોકો પોતાની જાતને ગાંધીવાદી તરીકે ઓળખાવતા હોત અને ‘સામાન્ય લોકોએ બીજું કંઇ ન થાય તો છેવટે ‘વૈષ્ણવજન’નો રિંગટોન રાખીને ગાંધીના પગલે ચાલવું જોઇએ’, એવો ઉપદેશ ઠાવકા મોઢે આપતા હોત.