Tuesday, February 07, 2012
ડો.સુબ્રમણ્યન્ સ્વામી: કોયડા જેવો ઉકેલ
ડો. સુબ્રમણ્યન્ સ્વામી/ Subramanian Swamy અને પ્રશાંત ભૂષણની રજૂઆત પછી, સર્વોચ્ચ અદાલતે ૮ કંપનીઓને ૨૦૦૮માં ફાળવાયેલાં ૧૨૨ ટુ-જી લાયસન્સ રદ કરવાનો ચુકાદો આપ્યો. ડો.સ્વામીએ આ ચુકાદાને ‘બેસ્ટ પોસિબલ જજમેન્ટ’ ગણાવ્યો. ‘જનલોકપાલ’ખ્યાત- અન્નામંડળનાં સભ્ય કિરણ બેદીએ ટ્વીટર પર લખ્યું,‘અભિનંદન, ડો.સ્વામી. તમે આ દેશની નીયતી બદલી રહ્યા છો.’
યુપીએ સરકારનું નાક (જો રહ્યું હોય તો) કાપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જ નહીં, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર લાવવાનું અને તેની પાછળ મચ્યા રહેવાનું મોટું શ્રેય ડો.સ્વામીને જાય છે. ૭૨ વર્ષની વયે તેમનો જુસ્સો અને લડાકુ વૃત્તિ દાદ માગી લે એવાં છે. તે ઇચ્છે એના વિશે સાડા બારી રાખ્યા વિના બોલી શકે છે. એ જુદી વાત છે કે કોના વિશે એવું ઇચ્છવું તે જાહેર હિત નહીં, પણ અંગત પસંદગીના આધારે નક્કી થાય છે અને એ સતત બદલાતું રહે છે.
ક્યારેક તે કરૂણાનિધિને પાડવા માટે જયલલિતાને મદદ કરી શકે છે, તો ક્યારેક જયલલિતાને પછાડવા માટે કરૂણાનિધિની સાથે બેસી શકે છે. વાજપેયી સરકારને ગબડાવવા માટે તે સોનિયા ગાંધી સાથે હાથ મિલાવી શકે છે અને હિંદુત્વની રાજકીય લોબી સાથે રહીને તે સોનિયા ગાંધી વિશે તે બેફામ આરોપો કરી શકે છે. સ્વામીને વર્ષોથી જાણતા લોકોને આ બઘું નવાઇભર્યું લાગતું નથી. એ જાણે છે કે સુબ્રમણ્યન્ સ્વામી આજ સુધી પોતાના સિવાય બીજા કોઇના થયા નથી અને થાય એવું લાગતું પણ નથી.
સ્વામી જેની સામે પડી જાય, તેના વિરોધીઓને તે મહાન લડવૈયા- દેશભક્ત- ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર- હિંદુહિતરક્ષક અને એવું ઘણું બઘું લાગી શકે છે. પક્ષીય વફાદારી કે ખેંચાણ ન ધરાવતા લોકો માટે સ્વામી અનેક વિરોધાભાસી લક્ષણોનું પડીકું છે. તેમને ન્યાય માટે ઝઝૂમતા ‘હીરો’ ગણીને ખભે બેસાડી શકાય એમ નથી ને કુટિલ ખલનાયકમાં ખપાવીને હાંસિયાની બહાર કાઢી મૂકાય એમ નથી. તેમને ક્યારે ગંભીરતાથી લેવા અને ક્યારે ન લેવા એ કોયડો છે, પણ છેલ્લા થોડા સમયમાં તેમની રજૂઆતોને અદાલતમાંથી મળેલો ટેકો અને સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આણવાનું તેમનું ઝનૂન જોતાં તેમને અવગણી શકાય એમ પણ નથી.
‘વન મેન પાર્ટી’ : કાવતરાંકથાનો ભંડાર
સુબ્રમણ્યન્ સ્વામી વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટે તેમની વેબસાઇટ જોઇએ, ત્યારે સૌથી પહેલાં જનતા પક્ષનું એક સમયે બહુ જાણીતું અને હવે વિસરાઇ ગયેલું ચિહ્ન- હળધારી ખેડૂત- નજરે પડે છે. તેના પરથી યાદ આવે કે કટોકટી પછીની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડનાર જનતા પક્ષ ખંડિત થતો થતો છેવટે ડો.સ્વામીના ભાગમાં આવ્યો છે અને ‘વન મેન પાર્ટી’ તરીકે અસ્ત પામ્યો છે. (‘વન મેન આર્મી’ની જેમ, ‘વન મેન પાર્ટી’નો શબ્દપ્રયોગ ડો.સ્વામી માટે પણ થાય છે.)
વેબસાઇટ પર ચીસો પાડીને ઘ્યાન ખેંચતી બીજી હકીકત છેઃ ડો.સ્વામીનો સોનિયા ગાંધી પરિવાર અને કોંગ્રેસ માટેનો તેમનો હળાહળ દુર્ભાવ, જે ભાજપતરફી સહાનુભૂતિ ધરાવતા લોકોને બહુ ભાવે છે. ‘ડુ યુ નો યોર સોનિયા?’ (સોનિયા ગાંધીને તમે બરાબર ઓળખો છો?) એ મથાળા હેઠળ પોતાની વેબસાઇટ પર સ્વામીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ગંભીર આરોપો કર્યા છે. તેમાં સોનિયા ગાંધીના રશિયાની જાસુસી સંસ્થા કેજીબી સાથેના સંબંધોથી માંડીને અનેક એવી વાતો છે, જેને માની લેવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી ન થાય. એ માટે ભાજપ જેવા કોઇ પક્ષની વિચારધારાનાં ચશ્માં પહેરવાં પડે કે કોન્સ્પીરસી થિયરી- કાવતરાંબાજી માટેનો ઊંડો રસ કેળવવો પડે.
સોનિયા ગાંધીને આઘુનિક રોબર્ટ ક્લાઇવ સાથે સરખાવનારા ડો.સ્વામીનો આરોપ છે કે બોફર્સ કૌભાંડથી માંડીને સ્પેક્ટ્રમ કૌભાંડ સુધીની રકમોનો મોટો હિસ્સો છેવટે સોનિયા ગાંધીને જ પહોંચ્યો છે. તેમના આરોપ વાંચીને સોનિયા ગાંધીના રાજકીય વિરોધીઓ કે ફેસબુક-ટ્વીટર પર કોંગ્રેસના વિરોધને દેશભક્તિનું પ્રમાણ ગણાવીને તાળીઓ ઉઘરાવનારાને મઝા પડે એ તો સમજી શકાય એવું છે. સાથોસાથ, બીજો નાનો વર્ગ પણ સ્વામીને ગંભીરતાથી લે છે- અથવા તેને ગંભીરતાથી લેવા જોઇએ એવું માને છે. એ વર્ગની દલીલ છે કે ‘સોનિયા ગાંધી વિશે ડો.સ્વામીએ કરેલા આરોપોમાં કશું તથ્ય ન હોય, તો સોનિયા તેમની સામે બદનક્ષીનો આરોપ શા માટે નથી કરતાં? મતલબ સાફ છેઃ ડો.સ્વામીના આરોપોમાં તથ્ય છે.’
આ દલીલ ક્ષણ-બે ક્ષણ સામેવાળાને વિચારતા કરી મૂકે એવી છે. છતાં, સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. સોનિયા ગાંધી બદનક્ષીનો દાવો ન કરે એટલા માત્રથી તેમની પરના આરોપ શી રીતે વજૂદભર્યા માની શકાય? રાજકારણમાં દરેક વખત મૌનને સંમતિ તરીકે ખપાવી શકાતું નથી. ઘણી વાર તે આરોપ પ્રત્યે ઉપેક્ષા અને આરોપ કરનારને પ્રોત્સાહન નહીં આપવાની વૃત્તિ સૂચવતું હોય છે.
સોનિયા ગાંધી વિશેના આક્ષેપોનું બેફામપણું જોતાં, ડો.સ્વામીને ગંભીરતાથી લેવાનું ભાગ્યે જ મન થાય. પરંતુ આગળ જણાવ્યું તેમ, ડો.સ્વામીને સાવેસાવ હળવાશથી લઇ શકાય એમ નથી. તેમની વાતોમાં આડેધડ આરોપો અને વજૂદ ધરાવતા આરોપોનું અજાયબ અને છૂટું પાડી ન શકાય એવું મિશ્રણ જોવા મળે છે. તેમાં સ્વામીનું રાજકારણ, તેમનો તકવાદ અને સ્વાર્થ ભળતાં એ લગભગ ન ઉકેલી શકાય એવો કોયડો બની રહે છે.
તેજસ્વીતા અને તકવાદ
જાહેર ક્ષેત્રની કોઇ પણ વ્યક્તિ કરતાં ડો.સ્વામીને જુદાં જુદાં ખાનાંમાં ઓળખવાનું વધારે જરૂરી છે. ડો.સ્વામીનાં વિવિધ પાસાં ‘તહલકા’ (૩૧ ડિસેમ્બર, ૨૦૧૧)ની કવર સ્ટોરીમાં અશોક મલિકે ચીવટપૂર્વક આલેખ્યાં છે. એક તરફ એ તેજસ્વી વિદ્યાર્થી અને અભ્યાસી અઘ્યાપક તરીકે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે અને તેમાં કશી અતિશયોક્તિ નથી. ચોવીસમા વર્ષે ગણિતમાં પીએચ.ડી. થયેલા, ગણિતશાસ્ત્રી પિતાના પુત્ર સ્વામી સિત્તેરના દાયકામાં ચીન વિશેના નામી અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનાં ગણિત અંગેનાં પેપરની ગુણવત્તાથી હાર્વર્ડ જેવી વિશ્વખ્યાત યુનિવર્સિટીએ તેમને ફેલોશીપ આપી હતી. ઉદારીકરણ અને અમેરિકા-ઇઝરાઇલ સાથે સારા સંબંધો રાખવાના આગ્રહી સ્વામીને ભારતમાં રાજકારણ સિવાયનાં ક્ષેત્રોમાં વ્યાપેલા રાજકારણનો કડવો સ્વાદ પણ પહેલેથી ચાખવા મળતો રહ્યો. એવા પ્રસંગોએ સ્વામીમાં રહેલી તેજસ્વીતાને સ્વકેન્દ્રી બનાવવામાં અને ‘આક્રમણ દ્વારા સ્વબચાવ’ તરફ વાળવામાં કેટલો ભાગ ભજવ્યો એ કહેવું અઘરું છે, પરંતુ તેમનામાં લડાકુ વૃત્તિને પહેલીથી કમી ન હતી.
દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં અઘ્યાપક તરીકે તેમને રાજકારણનો અને પોતાના રાજકીય વિચારોને કારણે થતા અન્યાયનો સામનો કરવો પડ્યો- વેઠવું પણ પડ્યું. સિત્તેરના દાયકામાં ૧૦ ટકા આર્થિક વિકાસ દરની વાત કરનાર સાંસદ સુબ્રમણ્યન્ સ્વામી માટે ઇંદિરા ગાંધીએ ‘સાન્ટાક્લોઝ વિથ અનરિઆલિસ્ટીક આઇડીયાઝ’ (શેખચલ્લી) જેવા શબ્દો વાપર્યા હતા. (પછીનાં વર્ષોએ બતાવી આપ્યું કે એ માન ખરેખર ઇંદિરા ગાંધીને પોતાને મળવું જોઇતું હતું.)
તેજસ્વી અને કેવળ જુદા વિચારોને કારણે અન્યાયનો ભોગ બનેલા સ્વામીનું બીજું પાસું રાજકીય છે. પક્ષીય વફાદારી જેવો શબ્દ તેમના શબ્દકોશમાં નથી. એનો અર્થ એવો પણ નથી કે પ્રજાહિતને કારણે તે પક્ષીય વફાદારીમાં બંધાઇ શકતા નથી. ભાજપના માતૃપક્ષ જનસંઘે પહેલી વાર તેમને ૧૯૭૪માં રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી એ પક્ષ સાથે તેમના સંબંધોમાં ચડાવઉતાર થતા રહ્યા છે. ભાજપના ટોચના નેતા વાજપેયીને સ્વામી માટે જરાય ભાવ ન હતો. અશોક મલિકે નોંઘ્યા પ્રમાણે, કટોકટી પછી ઇંદિરા ગાંધીને હરાવીને જનતા પક્ષની સરકાર બની ત્યારે મોરારજી દેસાઇએ ડો.સ્વામીને રાજ્યકક્ષાના નાણાંમંત્રી બનાવવા સૂચવ્યું હતું, પણ વાજપેયીએ તેમનો પ્રસ્તાવ ઉડાડી દીધો. ડો.સ્વામી પોતાના વિરોધીનો વિરોધ કરતા હોય ત્યાં સુધી સૌને સારા લાગે છે, પણ તેમની સાથે બેસનારાને એટલું સમજાઇ જાય છે કે સ્વામીની બંદૂકને ધડો નથી. અત્યારે આપણી બાજુ રહીને ફૂટતી હોય તે ક્યારે આપણી સામે ફૂટવા માંડે, કહેવાય નહીં. એટલે રીઢા રાજકારણીઓ સ્વામીથી સલામત અંતર રાખે છે.
આ વાતનું સૌથી નમૂનેદાર ઉદાહરણ છેઃ સોનિયા ગાંધી સાથે ડો.સ્વામીના સંબંધ. એ પોતે રાજીવને પોતાના મિત્ર ગણાવે છે. બોફર્સ કટકીમાં સોનિયા ગાંધી ઉપરાંત વી.પી.સિંઘથી માંડીને બીજા ઘણા લોકો સંકળાયેલા હોવાનો તેમનો આરોપ છે. પરંતુ ૧૯૯૮માં ભાજપ સરકારને ટકી રહેવા માટે જયલલિતાના ટેકાની જરૂર હતી, ત્યારે જયલલિતાના પ્રતિનિધિ તરીકે ડો.સ્વામીએ વાજપેયી સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવાની તક ઊભી કરી લીધી. (સ્વામીને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર તરીકે ઓળખાવવા આતુર લોકોએ, સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમની ભૂમિકાનો એક પણ માર્ક ઘટાડ્યા વિના જાણવું જોઇએ કે એ જયલલિતાના પણ સાથીદાર હતા.)
જયલલિતાના ટેકાના બદલામાં ડો.સ્વામીએ વાજપેયી પાસે નાણાં મંત્રાલયની માગણી કરી. વાજપેયીએ માગણી કબૂલ રાખી કે નહીં એ વિશે મતાંતર છે, પણ ટેકો મળ્યો ને સરકાર બની ગઇ પછી સ્વામીને મંત્રીપદું ન મળ્યું. છંછેડાયેલા સ્વામીએ દિલ્હીની એક હોટેલમાં પાર્ટી રાખીને જયલલિતા અને સોનિયાને મેળવ્યાં. ત્યાર પછી વાજપેયીની સરકાર જયલલિતાના ટેકા વિના ગબડી પડી. સ્વામીનો એવો પણ દાવો છે કે સોનિયા ગાંધીએ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હતું. ટૂંકમાં, એ વખતે સ્વામીને સોનિયા સામે વાંધો ન હતો- અથવા તેમની શૈલીમાં કહીએ તો, સોનિયા સામે વાંધો ક્યારે પાડવો એ તેમના મનમાં નક્કી હતું.
ફરીથી ભાજપની સરકાર બની ત્યારે જયલલિતા-સોનિયા ગાંધીના પક્ષોએ ચૂંટણીજોડાણ કર્યું, પણ ડો.સ્વામીને તેમણે દૂર જ રાખ્યા. એટલે ૧૯૭૪ થી ૧૯૯૯ સુધી સાંસદ રહેલા સ્વામીને ચૂંટણીના રાજકારણથી છેટું પડી ગયું. ત્યાર પછી એ ચૂંટણી લડ્યા ખરા, પણ જીતી શક્યા નથી.
સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે લડત ઉપાડીને સ્વામી ફરી એક વાર પ્રકાશમાં આવી ગયા છે. હવે તેમણે સોનિયા ગાંધી અને પી.ચિદમ્બરમ્ સામે નિશાન તાક્યાં છે અને અંશતઃ સફળતા પણ મેળવી છે. ગુજરાતની કોંગ્રેસ જેવા ખોખલા કેન્દ્રના ભાજપને ડો.સ્વામીમાં મજબૂત સાથીનાં દર્શન થાય તો નવાઇ ન લાગવી જોઇએ. બાકી રહ્યા સામાન્ય નાગરિકો. તેમણે સ્વામીની લડતની આડપેદાશોથી જેટલું જનહિત સધાય તેનો આનંદ માણવો જોઇએ, પણ સ્વામીની લડતનાં મુખ્ય નિશાન અને તેની પાછળનાં કારણ નજરઅંદાજ કર્યા વિના.
Labels:
corruption,
politics,
sonia gandhi
Subscribe to:
Post Comments (Atom)
There are two things here to understand.
ReplyDelete1) First, there is not only Sonia or congress obsession. If you able to see larger picture (which you are not seeing currently or don’t want to accept it), he is fighting against the corruption(2g, black money), ideology(ram sethu, LTTE, Muslim appeasement and many more), Govt policies (reservation)
2) His efforts are in one particular direction and gives end results unlikely ANNA’s flop movement, your type of secular movement which is directionless as well as without any end result. There are so many cases where he has won single handed.
I am sure that you know all the things and you will consider me also blind follower, but I believe in accept the right person as he is based on ideology not on one or two particular things and ignoring other.
So in nutshell, you, yourself confused and trying to make others confused.
@himanshu acharya: After all these (jaylalitha etc) details, if you still want to think of him as `a fighter against corruption', I have nothing to say. I'm rather happy being confused with eyes open than being confident otherwise.
ReplyDeleteઉર્વીશભાઈ:
ReplyDeleteસ્વામીના વિરોધાત્મક વ્યક્તિત્વનુ સુંદર વિશ્લેષણ. આમ છતા તેમના તાજેતરમાં પ્રકાશિત લેખનો ઉલ્લેખ જરૂરી હતો. લેખમાં દર્શાવેલ તેઓનુ મુસ્લિમ સમુદાય પ્રત્યેનું વલણ તેઓની સંકુચિતતા બતાવે છે અને આ લેખથી તેઓને હર્વાર્દનો કોર્સ ખોવો પડ્યો. અભાર
કેશવ
સ્વામી મૂળ તો જનસંઘના જ, અને બલરાજ મધોકને કદી ભારતીય જનતા પાર્ટીએ પાસે ન આવવા દીધા તે જ રીતે સ્વામીને પણ પાસે આવવા નથી દીધા.
ReplyDeleteઇન્દિરા ગાંધીની કટોકટી પછી જે સ્થિતિ પેદા થઈ તેમાં બધાં ઇન્દિરા વિરોધી તત્વો એકઠાં થયાં એ વખતે સ્વામી ઉપર ચડ્યા. એ હંમેશાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડતા રહ્યા એમ માનવાનું કોઈ કારણ નથી.
વળી, એમની પાર્ટીની સભ્યસંખ્યા પણ તમારા વાચકો કરતાં વધારે નહીં હોય. આ સંજોગોમાં સ્વામી એકલા હાથે, પોતાને પૈસે આટલા મોટા કેસો લડતા હોય એ શક્ય નથી. એમની પાસે, એટલા પૈસા હશે પણ નહીં અને હોય તો પણ ગાંઠના ગોપીચંદન ખર્ચીને તેઓ કરે છે એમ ન માની ન શકાય. એમન વકીલો પણ ફી લીધા વિના જ લડે છે? તો એમને પણ 'દેશભક્ત' જ ગણવા જોઈએ.
આનો અર્થ એ જ થાય છે કે એમની પાછળ એક મોટી આર્થિક શક્તિ છે. આ પોતે જ એક ભ્રષ્ટાચાર છે. જે લોકો જાણે છે તે બીજીપીવાળાઓએ ૨-જી સ્પેક્ટ્રમનો ચુકાદો આવ્યો તે પછી પણ સ્વામીની પ્રશંસામાં એક પણ શબ્દ નથી કહ્યો. શા માટે? એમાં જ સ્વામીનું રાજકીય વજન કેટલું છે તે દેખાય છે.
તમારૂં વિશ્લેષણ બહુ સારૂં છે. અભિનંદન.
स्वामी ने १९७२मां पहेली वार सांभळ्यु। तेओ जयप्रकाश नारायणे राष्ट्रीय परिस्थितीनी चर्चा करवा बोलावेली एक उच्चस्तरीय बेठकमां आव्या हता। तेमनुं मानवुं हतुं के भारतनी गरीबी दूर करवा माटे एटम बोंब बनाववुं जोइए। आ सांभळ्या पछी तेमनी तेजस्विता प्रत्ये अने हार्वर्ड प्रत्ये जे शंकाओ ऊभी थयेली ते आज लगी मटी नथी।
ReplyDeleteGood analysis Urvishbhai and Dipakbhai. I didn't think about monetary aspect of his 'fight against corruption'.
ReplyDeletehis remarks against muslims or non-hindus really make him darling of right wing people.
although short, dipak dholakia's comment is a welcome value addition to this balanced and very elaborate piece. any objective - i mean unbiased - reader now can know the real Swamy and his complex motives.
ReplyDeletebut alas, we will still have many Himanshu Acharyas and that is thanks to their innate commitment to the class they belong.
स्वामी वाकही मेँ एक जटिल व्यक्तित्व है। किसी भी व्यक्ति या विषय के बारे मेँ कुछ मानने या मनवाने से पेहले उससे जुडे सारे पेहलुओ का तलस्पर्शी अभ्यास होना चाहिए,तब जाकर सत्य प्रकट होता है। अन्यथा जो प्रकट होता है वो आंशिक सत्य ही होता है। स्वामी के बारे मेँ भी आंशिक सत्य ही उजागर हुआ है। आपने कुछ छिपे पेहलुओ पर रोशनी डालने की जो कोशिश की है,वो सराहनीय है। अभिनंदन।
ReplyDelete