Sunday, February 05, 2012
સૌથી સસ્તું ટેબ્લેટ કમ્પ્યુટર ‘આકાશ’: હિટ કે ફ્લોપ?
સસ્તી કિંમતમાં ટેકનોલોજીના પરચા આપતાં કમ્પ્યુટરની વાતો દોઢેક દાયકાથી સંભળાયા કરે છે. ભારત જેવા વિશાળ અને ગરીબોની બહુમતી ધરાવતા દેશમાં ઇન્ટરનેટ- કમ્પ્યુટરથી પરિવર્તન આણવું હોય, તો ઓછી કિંમત વિના છૂટકો પણ નથી. વીસ-પચીસ-પચાસ હજાર રૂપિયાનાં કમ્પ્યુટર કેટલા લોકોને પોસાય?
અલાયદાં અને સસ્તાં સીડી-ડીવીડી પ્લેયર આવી જતાં, ગીતસંગીત ને ફિલ્મો માટે કમ્પ્યુટરની મોહતાજી મટી ગઇ. તેના પરિણામે સીડી શાકભાજીની જેમ -અને તેના કરતાં સસ્તા ભાવે- લારીમાં વેચાવા લાગી. મોબાઇલ સસ્તા થયા છે, પણ તેનો ઉપયોગ મોટે ભાગે પ્રાથમિક મનોરંજન પૂરતો મર્યાદિત છે. નાના સ્ક્રીનને કારણે વધારે વાંચવા કે જોવાના કામોમાં તે ખાસ ખપમાં લાગતા નથી.
ફક્ત પોસાણ ધરાવતા વર્ગને કમ્પ્યુટર-ઇન્ટરનેટ ટેકનોલોજીના ફાયદા મળે અને બાકીનો મોટો વર્ગ તેનાથી વંચિત રહી જાય, એ પરિસ્થિતિ માટે ‘ડિજિટલ ડીવાઇડ’ (ડિજિટલ ભેદભાવ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે. આ ભેદભાવની ખાઇ પૂરવા માટે વખતોવખત પ્રયાસ થતા રહે છે. એકાદ દાયકા પહેલાં થોડા ભારતીય સંશોધકોએ મળીને કમ્પ્યુટરની સરખામણીમાં સોંધું અને વાપરવામાં સરળ એવું ‘સિમ્પ્યુટર’-સિમ્પલ કમ્પ્યુટર- બનાવ્યું હતું. બે કંપનીઓએ લાયસન્સ મેળવીને વ્યાવસાયિક ધોરણે (આશરે રૂ.૧૨ હજારમાં) સિમ્પ્યુટરનું વ્યાવસાયિક ઉત્પાદન કર્યું હતું. પરંતુ તેને ખાસ સફળતા મળી નહીં.
ઓછા ખર્ચે કમ્પ્યુટરની સુવિધાઓ સામાન્ય માણસ સુધી પહોંચે એ માટે કેન્દ્ર સરકારે આઇ.આઇ.ટી.-જોધપુરને રૂ.૪૭.૭૨ કરોડ આપ્યા હતા. તેનું કામ હતું :સસ્તાં કમ્પ્યુટરનાં ૧ લાખ નંગ પ્રયોગાત્મક ધોરણે તૈયાર કરાવવાં અને તેમની કાર્યક્ષમતા ચકાસવી. એ સંતોષકારક જણાય તો લાખોની સંખ્યામાં તેમનું ઉત્પાદન કરાવીને વિદ્યાર્થીઓ માટે ઓછા ભાવે- રાહત દરે પૂરાં પાડી શકાય. આઇ.આઇ.ટી. (જોધપુર)નો કોન્ટ્રાક્ટ મેળવવાની સ્પર્ધામાં કેનડાની કંપની ‘ડેટાવિન્ડ’ મેદાન મારી ગઇ. તેના ભારતીય માલિક સુનીતસિંઘ તુલી/ Suneetsingh Tullyની ટીમે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની માગ અને આઇ.આઇ.ટી. જોધપુરે ટેન્ડરમાં દર્શાવેલાં ધારાધોરણ મુજબનું ટેબ્લેટ કમ્પ્યુટર તૈયાર કરી દીઘું. પહેલાં તેનું નામ ‘સાક્ષાત’ વિચારાયું હતું, પણ તૈયાર થયા પછી તે ‘આકાશ’/ Aakash નામે ઓળખાયું. તેનું કંપનીએ આપેલું નામ હતું ‘યુબીસ્લેટ ૭’./ Ubislate 7 (ટેબ્લેટ અથવા સ્લેટ તરીકે ઓળખાતાં કમ્પ્યુટરમાં ‘ઇનપુટ’ માટે- એટલે કે કી બોર્ડને બદલે- ટચસ્ક્રીન કે સ્ટાયલસ વપરાય છે. ટેબ્લેટમાં અલગથી કી-બોર્ડ જોડી શકાય ખરું.)
ઓક્ટોબર ૫, ૨૦૧૧ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે ‘આકાશ’ ખુલ્લું મૂક્યું. તેની બજારકિંમત કંપનીએ રૂ.૨,૫૦૦ રાખી, પણ સરકાર તરફથી કોલેજોને તે લગભગ અડધી કિંમતે (રૂ.૧,૧૩૮માં) મળવાનું હતું. રૂ.૨,૫૦૦માં ઠેકાણાસરના મોબાઇલ ફોન પણ મળતા નથી, જ્યારે આ તો ટેબ્લેટ કમ્પ્યુટર કહેવાય- ભલે મર્યાદિત ક્ષમતાવાળું હોય. ગૂગલની પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સીસ્ટમ એન્ડ્રોઇડ ૨.૨ ધરાવતા ‘આકાશ’માં સાત ઇંચનો રેઝીસ્ટીવ (એટલે કે બહુ નાજુક અને સંવેદનશીલ નહીં એવો) ટચ સ્ક્રીન,૨૫૬ એમબી રેમ, આશરે ત્રણેક કલાક ચાલે એટલી બેટરી, ડોક્યુમેન્ટ- સ્પ્રેડશીટ-પીડીએફ જેવાં વિદ્યાર્થીઓને ઉપયોગી ફોર્મેટની સુવિધા, ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇની સુવિધા અને ૩૬૬ મેગાહર્ટ્ઝનું પ્રોસેસર, બે યુએસબી પોર્ટ અને મેમરી કાર્ડ માટેનો સ્લોટ.
આ બધી વિગતનો સરવાળો ને સાર એટલો કે બીજાં ટેબ્લેટ સાથે સરખાવતાં ‘આકાશ’ની સુવિધાઓ અને ક્ષમતા સાવ પ્રાથમિક અને નબળી લાગે, પરંતુ બન્ને વચ્ચે કિંમતનો મોટો અને મુખ્ય તફાવત હતો. એક પણ ટેબ્લેટ ભાવની રીતે ‘આકાશ’ની રૂ.૨,૫૦૦ની કિંમતની આસપાસ ફરકી શકે એવી ન હતી.
‘આકાશ’/Aakashનાં દસ હજાર મોડેલ પ્રયોગાત્મક ધોરણે ઉપલબ્ધ બનતાં બે પ્રકારના પ્રતિભાવ મળવા લાગ્યાઃ એક પ્રતિભાવ વિદ્યાર્થીઓ તરફથી હતો, જેમને કોલેજ તરફથી અખતરા માટે ‘આકાશ’ મળ્યું હતું. તેમને એ ક્રાંતિકારી નહીં તો પણ ઉપયોગી લાગ્યું હતું. ટેકનોલોજીના નિષ્ણાત અને રીઢા રીવ્યુકારો એટલા ઉદાર ન હતા. તેમણે ‘આકાશ’ની પાયાગત મર્યાદાઓ ચીંધીઃ રેઝીસ્ટીવ ટચસ્ક્રીન હોવાને કારણે તેની સાથે પ્રેમથી નહીં પણ જોરથી કામ લેવું પડે છે, બેટરીની આવરદા ઓછી છે, ચાર્જિંગમાં વઘુ સમય લાગે છે, સુવિધાઓ વધારી આપતી એપ્લીકેશન્સ- ‘એપ્સ’નો અભાવ છે, પ્રોસેસર ધીમું છે, ફક્ત વાઇ-ફાઇ નેટવર્ક દ્વારા જ ઇન્ટરનેટ જોડાણ શક્ય છે અને ભારતના ઘણા વિસ્તારમાં હજી વાઇ-ફાઇની સુવિધા નથી...
બન્ને પ્રકારના પ્રતિભાવ સાચા હતા. રૂ.૨,૫૦૦ની કિંમતમાં ‘એપલ’ના ‘આઇ-પેડ’ જેવું ટેબ્લેટ તો ન જ મળે. પરંતુ આટલી ઓછી કિંમતમાં ટેબ્લેટ કમ્પ્યુટરની મૂળભૂત સુવિધાઓ અને ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો ખોટું નહીં. કારણ કે તેનો આશય પાયાની જરૂરિયાત સંતોષવાનો છે. ટેકનોલોજીના અભ્યાસીઓની અપેક્ષા સ્વાભાવિક રીતે ઊંચી હોય. પરંતુ માથાકૂટ ત્યારે થઇ, જ્યારે આઇ.આઇ.ટી. જયપુરે ‘આકાશ’ સામે અસંતોષ વ્યક્ત કર્યો.
‘આકાશ’ તૈયાર કરનાર ‘ડેટાવિન્ડ’/Datawind કંપનીના સુનીતસિંઘનો જવાબ એવો હતો કે આઇ.આઇ.ટી.ના ટેન્ડરમાં ચીંધેલાં તમામ ધારાધોરણ તેમની કંપનીએ સંતોષ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે ‘આકાશ માટેનાં અત્યારે નીચાં લાગતાં ધારાધોરણ નક્કી થયાં હતાં ૨૦૦૯માં, પણ તેને લગતાં (સરકારી) ટેન્ડર છેક ફેબ્રુઆરી, ૨૦૧૧માં બંધ થયાં.’ ટેકનોલોજીના વિશ્વમાં બે વર્ષનો સમયગાળો કેટલો મોટો કહેવાય અને એ ગાળામાં કેટલી ઉથલપાથલ થઇ શકે, એ સરકારી બાબુઓને તો ઠીક, આઇ.આઇ.ટી.ને પણ નહીં સમજાતું હોય?
‘આકાશ’ ઉર્ફે ‘યુબીસ્લેટ ૭’ના પહેલા મોડેલ વિશેના પ્રતિભાવ પછી તેમાં કેટલાક જરૂરી ફેરફાર કરીને જાન્યુઆરી, ૨૦૧૨માં ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ / Ubislate 7 plusમોડેલની જાહેરાત કરવામાં આવી. તેનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું અને અત્યાર સુધીમાં તેના ૬૦ લાખ ઓર્ડર નોંધાઇ ચૂક્યા છે. સુધારેલી આવૃત્તિમાં ફક્ત રૂ.૫૦૦ વધારે લઇને, રૂ.૨૯૯૯ની કિંમતમાં ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇ ઉપરાંત જીપીઆરએસની સુવિધા, ૩-જી મોડેમ પણ વાપરી શકાય એવો વિકલ્પ, ૭૦૦ મેગાહર્ટ્ઝનું પ્રોસેસર, વધારે ચાલે એવી બેટરી, એન્ડ્રોઇડ ૨.૩ ઓપરેટિંગ સીસ્ટમ, (કંપનીના દાવા પ્રમાણે) દોઢેક લાખ એપ્સ, ટેબ્લેટને મોબાઇલ ફોન તરીકે વાપરી શકવાની જોગવાઇ...
સરકારના અને કંપનીના, બન્ને પક્ષે આ તો હજુ શરૂઆત છે. ૧ લાખ ટેબ્લેટના ઓર્ડર આપનાર માનવ સંસાધન મંત્રાલય માને છે કે ભવિષ્યમાં ૨૨ કરોડ ટેબ્લેટની જરૂર પડવાની છે. આ બજારમાં પગપેસારો કરવા માટે ‘ડેટાવિન્ડ’ સિવાયની કંપનીઓ પણ તલપાપડ છે. ‘આકાશ’ (પહેલા મોડેલ) પછી આઇ.આઇ.ટી. જોધપુરે ‘ડેટાવિન્ડ’ને નવેસરથી પોતાની અપેક્ષાઓની યાદી આપી હતી. કંપનીએ આ યાદીને ‘મિલિટરી સ્ટાઇલ’ (સૈન્યમાં વપરાશ માટે જરૂરી ગણાય એવી) ગણાવીને કહ્યું હતું કે એ પ્રકારનાં ટેબ્લેટ કમ્પ્યુટર એક લાખ રૂપિયાની આસપાસની કિંમત ધરાવે છે. અઢી હજાર રૂપિયાનાં ટેબ્લેટ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય. બન્ને વચ્ચેના વિવાદમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દરમિયાનગીરી કરીને આઇ.આઇ.ટી.ને ‘મિલિટરી સ્ટાઇલ’ની માગણીઓ પાછી ખેંચી લેવા જણાવ્યું. હવે ‘ડેટાવિન્ડ’ના સુનીતસિંઘ ઇચ્છે છે કે સરકાર ટેબ્લેટના જથ્થાબંધ ઓર્ડર આપતી વખતે ‘મેઇડ ઇન ઇન્ડિયા’નો આગ્રહ રાખે. ‘આકાશ’નું બઘું કામ હૈદરાબાદની ફેક્ટરીમાં થયું છે. એ જ રીતે, કરોડોની સંખ્યામાં સસ્તાં ટેબ્લેટ કમ્પ્યુટર બનાવવાનાં થાય તો તેનો લાભ ચાઇનીઝ કે બીજી કંપનીઓ ખાટી ન જાય- અને ‘ડેટાવિન્ડ’નો હાથ ઉપર રહે- એવી સુનીતસિંઘની લાગણી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આસામ સરકારે પોતાની જરૂરિયાત માટેનાં ટેબ્લેટ કમ્પ્યુટર માટે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની શરત અનિવાર્ય બનાવી છે.
‘આકાશ’ (યુબી સ્લેટ ૭) અને ‘યુબીસ્લેટ ૭ પ્લસ’- આ બન્ને હજુ વ્યાપક સ્તરે ઉપલબ્ધ બન્યાં નથી. તેમને મળેલા પ્રચંડ પ્રતિસાદથી ‘ડેટાવિન્ડ’ની ગ્રાહક પ્રતિસાદ વ્યવસ્થાઓ પણ ઘણે અંશે ખોરવાઇ ગઇ છે. છતાં થોડા મહિનામાં બઘું સમુંસૂતરું થઇ રહેશે એવી હૈયાધારણ કંપનીએ આપી છે. એક વાર ‘યુબીસ્લેટ ૭ પ્લસ’ મોટા પાયે વપરાતાં થાય ત્યાર પછી સૌ પોતપોતાની જરૂરિયાત મુજબ તેની સફળતા-નિષ્ફળતાની આંકણી કરી શકે. પણ ટેબ્લેટ કમ્પ્યુટરની કિંમત રૂ.૩ હજારના સ્તરે આણીને કંપનીએ પહેલો મોરચો સર કરી લીધો છે.
અત્યારના પ્રતિસાદ પછી એટલું નક્કી જણાય છે કે સિમ્પ્યુટર જેવી નિષ્ફળતા ‘યુબીસ્લેટ’ જેવા ટેબ્લેટ કમ્પ્યુટરના ભાગે નહીં આવે. તેની દશા ‘નેનો’ કાર જેવી નહીં થાય એવું પણ લાગે છે. કારણ કે કારની જેમ ટેબ્લેટ કમ્પ્યુટર મહદ્ અંશે સામાજિક મોભા સાથે સંકળાયેલી વસ્તુ નથી કે જેમાં સસ્તું વાપરવાની લોકોને શરમ આવે.
ત્રણ હજાર રૂપિયાની કિંમત જોઇને ટેબ્લેટ નોંધાવી દેવાની લાલચ થઇ આવે છે? તત્કાળ જરૂરિયાત ન હોય, તો એમાં થોડી રાહ જોવી ફાયદેમંદ નીવડી શકે છે. કારણ કે વચ્ચેના સમયગાળામાં ટેબ્લેટમાં કેમેરાથી માંડીને બીજી ઘણી સુવિધાઓ ઉમેરાય એવી સંભાવના છે- અને ‘તમે લઇ ગયા, અમે રહી ગયા’ જેવો પ્રશ્ન તેમાં થવાનો નથી. કારણ કે આ ટૂંકા ગાળા માટેની સરકારી યોજના નહીં, પણ ભારત જેવા દેશના ઓછી કિંમતના બજારને ઘ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલો વ્યાવસાયિક પ્રોજેક્ટ છે.
Subscribe to:
Post Comments (Atom)
I would like to share Nimish Dubey's poem on Aakash Tablet...
ReplyDeleteTech-ए-नादां तुझे हुआ क्या है ,
आखिर इस आकाश की दवा क्या है ! :D
You can read it full, here.
http://nimishdubey.blogspot.in/2012/01/ghazal-inspired-by-aakash-tab.html?spref=fb
૧. ..(કંપનીના દાવા પ્રમાણે) દોઢેક લાખ એપ્સ, ટેબ્લેટને મોબાઇલ ફોન તરીકે વાપરી શકવાની જોગવાઇ... - એન્ડ્રોઈડમાં માર્કેટમાં આટલી એપ્સ છે જ. એટલે એમાં કંપનીએ કોઈ નવાઈ કરી નથી. પણ, http://www.pluggd.in/aakash-tablet-review-297/ મુજબ ટેબ્લેટમાં માર્કેટમાંથી એપ્સ ડાઉનલોડ થતી નથી. ઢેણટ્ણેટે.. ફિઆસ્કો.
ReplyDelete૨. આકાશનું વહેલું-મોડું બાળમરણ થવાનું જ છે.
યોગ્ય ટાઈમિંગ પર સારો લેખ.
ReplyDelete(Research & Development) રેસેઅર્ચ અને દેવેલોપ્મેન્ત નો ફરીવાર અનુભવ થી કદાચ તેની ઉણપો દુર કરી શકાય અને કિંમત પણ વ્યાજબી હોય તો.
ReplyDeleteYe bekar hai
ReplyDelete