Tuesday, February 14, 2012

‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ મુખ્યત્વે તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું નામ પ્રસાર માઘ્યમોમાં અવળાં કારણથી ચડ્યું અને ચગ્યું છે.

વિવાદના કેન્દ્રમાં છે ‘ઇસરો’ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ’ (હિંદીમાં ‘એન્ટ્રિક્સ’) તથા ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં થયેલો સોદો. ‘સસ્તા ભાવે અને યોગ્ય પ્રક્રિયા-વિધીને અનુસર્યા વિના’ થયેલા આ સોદાથી દેશને રૂ.બે લાખ કરોડ જેટલું નુકસાન થયું હોત, એવો અંદાજ ‘કેગ’ દ્વારા રજૂ થતાં ‘વઘુ એક સ્પેક્ટ્રમ કૌભાંડ’નું બૂમરાણ મચ્યું.

સોદાનાં જુદાં જુદાં પાસાંની તપાસ માટે બે વર્ષમાં ત્રણ સમિતિઓ નીમાઇ અને તેમના અહેવાલ પણ આવી ગયા. તેનાં તારણોના આધારે ગયા મહિને ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા જી.માધવન નાયર તથા બીજા ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અફસરો સામે શિક્ષાત્મક પગલાં લીધાં: તેમને કોઇ પણ પ્રકારના સરકારી હોદ્દા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા- ‘બ્લેકલિસ્ટ’ કરી દેવાયા.

આટલું વર્ણન બીજા કોઇ સરકારી ખાતા વિશે વાંચ્યા પછી લાગે કે ‘બરાબર છે. આમ જ થવું જોઇએ.’ પરંતુ ‘ઇસરો’ ભારત સરકારનો કોઇ સામાન્ય સરકારી વિભાગ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અંતરિક્ષ વિભાગ)ની સીધી દેખરેખ અને વડાપ્રધાનની કચેરી સાથેના સીધા સંપર્કથી ચાલતું ‘ઇસરો’નું તંત્ર રાષ્ટ્રિય સુરક્ષાથી માંડીને રાષ્ટ્રિય ગૌરવના મુદ્દે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઇ પણ સરકારી તંત્ર માટે ઇર્ષ્યાજનક કહેવાય એવી નામના તેણે મેળવી છે. ચંદ્રયાન મિશન સહિતની અનેક સફળતાઓ સાથે પ્રતાપી કારકિર્દી ધરાવતા ‘ઇસરો’ના પ્રતાપી અઘ્યક્ષ જી.માધવન નાયરને ભારત સરકાર ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરી ચૂકી છે.

રાષ્ટ્રનું બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન મેળવનારને થોડાં જ વર્ષોમાં સરકારી હોદ્દેથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તે આંચકાજનક ગણાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીનો નબળો ઇતિહાસ ધરાવતા ભારત માટે આંચકાની સાથે આશ્ચર્ય પણ ભળે. તેમાં પણ માધવન નાયર તરફથી એવો આક્ષેપ થાય કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને આ વિવાદ પાછળ ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનો દોરીસંચાર છે, ત્યારે આશ્ચર્ય અને આંચકાની સાથે આઘાતની લાગણી ઉમેરાય છે. નાયરના આરોપ અને સરકારી પક્ષની રજૂઆતો ઘ્યાનમાં લેતાં એટલું સમજાય છે કે બન્નેમાંથી કોઇ પક્ષ સદંતર નિર્દોષ નથી.

દલીલો-પ્રતિદલીલોનો સિલસિલો બહુ લાંબો અને ગૂંચવાનારો છે, પણ તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દે બન્ને પક્ષોની રજૂઆતઃ

ત્રણ સમિતિના નિર્ણયોની તકરાર
નવાઇ લાગે એવી વાત છે કે અંતરિક્ષ-દેવાસ સોદા અંગે નીમાયેલી ત્રણે તપાસસમિતિના અહેવાલ જુદા જુદા છે- અથવા એ જુદા હોવાની છાપ ઉભી થઇ છે. સૌથી પહેલો, બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ જાહેર કરાયો નથી. ‘એ અહેવાલ મેં બિનસત્તાવાર રીતે જોયો છે.’ એમ કહીને માધવન નાયરે દાવો કર્યો છે કે ‘તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક છે અને સોદો સ્થાપિત ધારાધોરણો મુજબ જ થયો છે. તેના વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર નથી.’ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ અહેવાલ જાહેર કરીને નાયરના દાવાને ખોટો સાબીત કરી શકે છે.

માર્ચ, ૨૦૧૧માં આવેલો બી.કે.ચતુર્વેદી-પ્રો.નરસિંહા સમિતિનો અહેવાલ સરકારે આખેઆખો જાહેર કર્યો છે, જ્યારે સપ્ટેમ્બર, ૨૦૧૧માં પાંચ સભ્યોની બનેલી પ્રત્યુશ સિંહા સમિતિના અહેવાલમાંથી ફક્ત ‘તારણો અને ભલામણો’ જાહેર કરવામાં આવ્યાં છે.

ચતુર્વેદી-નરસિંહા અહેવાલમાં સોદાના મુદ્દે ‘ઇસરો’ના પક્ષે રહેલી કેટલીક ખામીઓ, ચોક્સાઇનો-પારદર્શકતાનો અભાવ, નાણાંકીય તથા વ્યૂહાત્મક બાબતોમાં કેટલાંક ગાબડાંની નોંધ લેવાઇ છે. સાથોસાથ, એ વાત બરાબર ખોંખારીને કહેવામાં આવી છે કે ‘દેવાસને સસ્તા ભાવે સ્પેક્ટ્રમ ફાળવવાનો આરોપ સદંતર ખોટો અને પાયા વગરનો છે.’ તેનાં મુખ્ય બે કારણ આપવામાં આવ્યાં છે.

૧) રૂ.બે લાખ કરોડના નુકસાનનો આસમાની આંકડો થ્રી-જી સ્પેક્ટ્રમની હરાજીના આધારે ઉપજાવવામાં આવ્યો હતો. પરંતુ જમીની (ટેરેસ્ટ્રીયલ) સ્પેક્ટ્રમની અને આસમાની (ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર થકી મળતા) સ્પેક્ટ્રમની કિંમતો સરખાવી શકાય નહીં.

આ તફાવતની વાત કરીને નાયરની જીભનો કૂચો વળી ગયો, પણ ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ના ઉત્સાહમાં એમને કોણ ગણકારે? તેમણે એમ પણ કહ્યું કે આખા ‘ઇસરો’નું વાર્ષિક બજેટ રૂ.૪ હજાર કરોડ છે. બે ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડરના ભાડામાંથી રૂ. બે લાખ કરોડ મળી જવાના હોય તો હું ફક્ત ‘ઇસરો’ જ નહીં, આખી દુનિયાની અંતરિક્ષ સંસ્થાઓ ચલાવી શકું.

સમિતિના અહેવાલમાં એવું પણ નોંધાયું કે ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર લીઝ પર આપ્યા પછી ‘અંતરિક્ષ’ને વળતર તરીકે ૧૦ ટકા કરતાં વધારે રકમ મળવાની હતી. નાયરનો દાવો છે કે ‘ઇસરો’ને આ રોકાણ પર ૧૨ થી ૧૫ ટકાનો ફાયદો મળવાનો હતો, જે ૫-૬ ટકાના આંતરરાષ્ટ્રિય દર કરતાં વધારે હોવાથી નુકસાન થવાનો સવાલ ઉભો થતો નથી.

૨) ‘અંતરિક્ષ’ સાથે સોદા થકી એક વાર ટ્રાન્સ્પોન્ડર લીઝ પર મેળવી લીધા પછી પણ ‘દેવાસ’ને (મોબાઇલ સર્વિસ શરૂ કરવા માટેની) એન્ટ્રી ફી, સ્પેક્ટ્રમ ચાર્જીસ, સર્વિસ લાયસન્સ ફી જેવી રકમો ચૂકવવાની રહેતી હતી, જેના માટે તેને કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે પનારો પાડવાનો રહેત.

મતલબ કે ‘અંતરિક્ષ’ સાથે થયેલા સોદામાં ટ્રાન્સ્પોન્ડરની લીઝની રકમનો જ સમાવેશ થતો હતો અને જેના નામે ભ્રષ્ટાચારના છાજિયા લેવાયા તે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના ચાર્જીસ ચૂકવવાના બાકી જ રહેતા હતા. આ વાત સમિતિના અહેવાલમાં જાહેર થઇ તે પહેલાંથી માધવન નાયર ગાઇ વગાડીને કહી રહ્યા છે, પણ તેમને ખાસ લેવાલ મળતા નથી.

વિવાદ ચરમસીમાએ પહોંચ્યા પછી મૌન ધારણ કરીને બેઠેલા ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા કે.કસ્તુરીરંગને ગયા વર્ષે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના સોદામાં કશો ‘ફિઆસ્કો’ નથી અને પ્રસાર માઘ્યમો પૂરું સમજ્યા-કારવ્યા વિના લઇ મંડ્યાં છે.

ત્રીજો અને છેલ્લો અહેવાલ પ્રત્યુશ સિંહા સમિતિનો છે. તેના પાંચ સભ્યોમાં ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સોદો રદ કરાવવા માટે તે પાછળ પડી ગયા હોવાનો માધવન નાયરનો આરોપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે હોદ્દો સંભાળ્યાના એક મહિનામાં જ તેમણે સોદાની નવેસરથી તપાસના આદેશો આપ્યા અને બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં તો વડાપ્રધાનની કચેરીને આ સોદો રદ કરવા માટે લખી દીઘું હતું (‘એવું મેં જાણ્યું છે’ : નાયર)

સિંહા સમિતિના અહેવાલનાં તારણો અને ભલામણો સૌથી વધારે આકરાં અને આક્ષેપાત્મક છે. (તેમાં રાધાકૃષ્ણનની હાજરીથી કેટલી ધાર ઉમેરાઇ હશે તે અટકળનો વિષય છે)

સાપેક્ષ નિર્દોષતા
સિંહા સમિતિએ સોદામાં ‘સિરીયસ લેપ્સીસ ઓફ જજમેન્ટ’ (નિર્ણય લેવામાં ગંભીર ભૂલો)થી માંડીને ‘ક્યારેક તો નીતિનિયમોના ભંગ અને બ્રીચ ઓફ પબ્લિક ટ્રસ્ટ (જાહેર હિતને નુકસાન)ની હદે પહોંચતાં પગલાં’ હોવાનું નોંઘ્યું છે. આટલા આકરા શબ્દો ન વાપરનાર ચતુર્વેદી-નરસિંહા સમિતિએ પણ સોદામાં રહેલાં ગાબડાં અંગે ઘ્યાન દોરીને વધારે પારદર્શકતા- જવાબદાર વહીવટ માટેનાં સૂચન કર્યાં છે. કેટલાક મહત્ત્વના આરોપાત્મક મુદ્દા એવા છે, જેના જવાબ માધવન નાયરની અત્યાર સુધીની દલીલોમાં સંતોષકારક રીતે કે સંપૂર્ણપણે મળતા નથી. જેમ કે,

૧) ‘ઇસરો’એ રૂ.૮૦૦ કરોડના ખર્ચે બે ઉપગ્રહો બનાવવાનો સોદો ‘દેવાસ’ સાથે કર્યો, ત્યારે ‘દેવાસ’નું ભંડોળ ફક્ત રૂ.૧ લાખ હતું, જે રૂ.૧૦ના એક એવા ૧૦ હજાર શેર સ્વરૂપે હતું. તેમાંથી ૯ હજાર શેર ‘ઇસરો’ના ભૂતપૂર્વ કર્મચારી ડી.વેણુગોપાલ પાસે અને ૧ હજાર શેર ઉમેશ એમ. પાસે હતા.

‘અંતરિક્ષ’ સાથે સોદો થયા પછી ૨૦૦૯-૧૦ના વર્ષમાં ‘દેવાસ’ના દસ રૂપિયાના એક શેરનું પ્રીમિયમ સવા લાખ રૂપિયાથી પણ વધારે (રૂ.૧,૨૬,૮૨૧) સુધી પહોંચી ગયું. કંઇ પણ કર્યા વિના અને ૩૧ માર્ચ, ૨૦૧૦ના રોજ રૂ.૧૮ લાખનું શેરભંડોળ ધરાવતી ‘દેવાસ’ રૂ.૫૭૮ કરોડ જેટલું શેર પ્રીમિયમ ધરાવતી કંપની બની ગઇ. તેના ભાગીદારોમાં જર્મન કંપની ડ્યુશ ટેલીકોમ (૨૦ ટકા હિસ્સો), નાણાંનાં કાળાંધોળાં માટે જાણીતા મોરેશિયસનું સરનામું ધરાવતી બે કંપનીઓ (પ્રત્યેકનો હિસ્સો ૧૭ ટકા), ‘ઇસરો’ના ભૂતપૂર્વ વિજ્ઞાની ડો.ચંદ્રશેખર (૧૯ ટકા)નો સમાવેશ થતો હતો. વેણુગોપાલે પોતાના રૂ.૧૦ની કંિમતના શેર મોરેશિયસની કંપનીઓને રૂ.૨૫,૫૦૫ના ભાવે વેચીને તગડી કમાણી કરી હતી.

આ નાણાંકીય લેવડદેવડોમાં સિંહાસમિતિએ ગંભીર વહીવટી અને કાર્યપદ્ધતિનાં ગાબડાં જ નહીં, કેટલીક વ્યક્તિઓની મેળાપીપણું ધરાવતી વર્તણૂંક પણ જોઇ અને તેમની સામે સર્વિસ રુલ્સ પ્રમાણે પગલાં લેવાનું સૂચવ્યું છે. અલબત્ત, હજુ સુધી આખી નાણાંકીય લેવડદેવડમાં માધવન નાયર કે બીજા ત્રણ બ્લેકલિસ્ટેડ લોકોને કોઇ આર્થિક ફાયદો થયો હોય એવું બહાર આવ્યું નથી. સિંહાસમિતિએ યોગ્ય તપાસસંસ્થા દ્વારા તેની તપાસ કરવા જણાવ્યું છે.

ચતુર્વેદી-નરસિંહા સમિતિમાં નોંધાયેલો બીજો અગત્યનો વાંધો એ છે કે સ્પેસ કમિશન અને મંત્રીમંડળે જીસેટ-૬ અને જીસેટ-૬-એ બન્ને ઉપગ્રહોના પ્રોજેક્ટના મંજૂરી આપી, ત્યારે તેમને ખબર ન હતી કે ‘ઇસરો’ આ બન્ને ઉપગ્રહો ‘અંતરિક્ષ-દેવાસ કરાર’ અંતર્ગત, માત્ર ને માત્ર ‘દેવાસ’ માટે તૈયાર કરવાનું છે. માધવન નાયરે તેનો એવો ખુલાસો આપ્યો છે કે ઉપગ્રહ તૈયાર કરતી વખતે એનાં ટ્રાન્સ્પોન્ડર કોને લીઝ પર આપવાનાં છે તેની આગોતરી જાણ કરવાનું જરૂરી હોતું નથી. એક વાર ઉપગ્રહ તૈયાર થઇ જાય ત્યાર પછી સ્પેસ કમિશન કે કેબિનેટની જાણ વિના ઘણી કંપનીઓને ટ્રાન્સ્પોન્ડર લીઝ પર અપાતાં જ હોય છે.

નાયરની આ દલીલ ગળે ઉતરે એવી નથી. કારણ કે જીસેટ-૬ અને ૬-એના કિસ્સામાં તેનો ઉપયોગ અગાઉથી નક્કી હતો અને એ પણ લગભગ એક્સક્લુઝિવ પ્રકારનો- ‘દેવાસ’નો એકાધિકાર હોય એવો રહેવાનો હતો. એ સંજોગોમાં સ્પેસ કમિશનને કે કેબિનેટને તેના વિશે જાણકારી ન આપવાના વાજબીપણા વિશે ગંભીર શંકા રહે છે. દેશની સંરક્ષણની કે બીજી જરૂરિયાતોને ઘ્યાનમાં લીધા વિના ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડરની ૯૦ ટકા ક્ષમતા એક ખાનગી કંપનીને આપી દેવી અને એ પણ સંબંધિત વિભાગોને જાણ કર્યા વિના- એ વાત અંતરિક્ષ-દેવાસ સોદાની વિરુદ્ધમાં જાય છે.

આવા બીજા પણ મુદ્દા છે, જેમાંથી કેટલાક ‘ઇસરો’ના વહીવટી માળખામાં રહેલાં ગાબડાં પ્રત્યે આંગળી ચીંધનારા છે. (એ ભલામણોના આધારે ગયા વર્ષે ‘ઇસરો’ના માળખામાં ફેરફારો પણ થયા છે.) પરંતુ એક વાત નક્કી છેઃ માધવન નાયર અને બીજા ત્રણ ઉચ્ચ હોદ્દેદારો સામેના આરોપ તેમને પૂરતી અને સંતોષકારક તક આપ્યા વિના સ્વીકારાઇ જાય અને તેના આધારે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અજૂગતું-અધકચરું લાગે છે. એક વાત એવી પણ આવી છે કે વડાપ્રધાને આ લોકો સામે હળવામાં હળવી કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવાથી તેમની સામે ફક્ત આટલાં જ પગલાં લેવાયાં છે. એ સાચું હોય તો તેનાથી સ્થિતિ ઉપરથી વણસી છે. આરોપની ગંભીરતા પુરવાર થાય તો તેમને હળવી નહીં, પણ યથાયોગ્ય શિક્ષા અને એ પુરવાર ન થાય તો માનભેર તેમની ગરીમાની પુનઃસ્થાપના, એ બે જ વિકલ્પો હોઇ શકે.

1 comment: