Wednesday, February 15, 2012
કડકડતી ઠંડી પડે ત્યારે
ઠંડક અને ઠંડી વચ્ચે, ટાઢક અને ટાઢ વચ્ચે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળવા અને ત્યાં બેસીને પોર્નોગ્રાફી જોવા જેટલો ફરક છે. એક શાયરે ‘સુખ તો અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે’ એમ કહ્યું હતું. એવી રીતે અમુક હદ સુધીની ટાઢ પડે, તો એને ‘ગુલાબી ઠંડી’નું શાયરાના માન મળે, પણ આ વર્ષે પડેલી ઠંડી શાયરાના મિજાજ વટાવીને કાતિલાના અંદાજ સુધી પહોંચી ગઇ. યુપીએ સરકારના ભ્રષ્ટાચારની જેમ આ વરસની ઠંડી વિશે પણ લોકોને થવા લાગ્યું, ‘હોય ભાઇ, અમે સમજીએ છીએ, પણ એની હદ તો હોય કે નહીં?’
ભ્રષ્ટાચાર વિશે ‘આટલો બધો ન હોય’ની લાગણીથી પ્રેરાઇને અન્ના હજારે આણિ મંડળીએ આંદોલન ચલાવ્યું, પરંત ભ્રષ્ટાચાર અને ઠંડીમાં એટલો ફરક છેઃ ‘આટલી બધી ન હોવી જોઇએ’ એવી ઠંડી સામે મોરચો માંડવા માટે કોઇ અન્ના હજારેની રાહ જોતું નથી. સૌ પોતપોતાની રીતે રસ્તા શોધી કાઢે છે.
ઠંડી ગુલાબી હોય ત્યાં સુધી એ ફેશન મારવાની ૠતુ છે. તેમાં ઠંડી છે એટલે નહીં, પણ આપણી પાસે ગરમ કપડાં છે, એટલે એ પહેરવામાં આવે છે. પણ ઠંડીનો રંગ ગુલાબીમાંથી ઘેરો- લાલ થવા લાગે એટલે માણસમાં રહેલી સ્વ-સુશોભન વૃત્તિ પર સ્વ-બચાવની વૃત્તિ પ્રભાવી થવા લાગે છે. સ્વેટર, જેકેટ, કોટ, મફલર, શાલ, ટોપી જેવાં વસ્ત્રોમાં તે મેચિગની નહીં, પણ અસરકારકતાની ચિતા કરતો થાય છે.
ગુજરાતમાં પહેલાં રણવિસ્તારની નજીક આવેલા પ્રદેશોમાં આકરી ઠંડી પડતી હતી. હવે પ્રમાણમાં ખુશનુમા આબોહવા ધરાવતા શહેરી વિસ્તારોમાં પણ પાંચ-સાત-આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. કેટલાક લોકો આ જાતના શિયાળાને કુદરતનું એન.આર.આઇ. લોકો સામેનું કાવતરું ગણાવે છે. આ મોસમમાં દેશમાં ઉમટી પડતાં એન.આર.આઇ. પાસે પહેલાં અહીંના લોકોને આંજવા માટે ઘણાં સાધન હતાં: ‘ત્યાં’ની વાતો, ચીજવસ્તુઓ, ઉપકરણો ..
ઉદારીકરણ પછીના યુગમાં બઘું અહીં મળતું થઇ ગયું. બસ, એક ઠંડીની કસર હતી. ‘અમારે ત્યાં તો એવી ઠંડી પડે...’ એવી એન.આર.આઇ.- કથા માટે અવકાશ રહ્યો હતો, પરંતુ છેલ્લાં બે-પાંચ વર્ષથી ગુજરાતમાં જે પ્રકારની ઠંડી પડી છે એ જોતાં, દેશી લોકો પર પ્રભાવ પાડવાનું એન.આર.આઇ.નું છેલ્લું શસ્ત્ર પણ છિનવાઇ ગયું હોય એમ લાગે છે. એમાં ‘ભગવાનના ગમ્યું તે ખરું’ સિવાયનું કોઇ આશ્વાસન કામ લાગે એમ નથી. હવે ગૌરવવંતા અમદાવાદીઓ એન.આર.આઇ.ને કહી શકે છે, ‘અમારે ત્યાંની ઠંડી એટલે? બઘું થિજવી નાખે. અમારે તમારી માફક હીટરમાં ફરવાનું ન હોય. લોકો પાસે ઘર જ માંડ હોય, ત્યાં હીટર ક્યાંથી લાવે? તો પણ લોકો વેઠી જાય છે. બોલો!’
શિયાળાના દિવસમાં સૌથી અકસીર છતાં મફત ચીજ છે તડકો. સૂર્યપ્રકાશના જોરે સામાન્ય લોકોને ઠંડીનો મુકાબલો કરતા જોઇને ક્યારેક એવી આશંકા પણ ઝબકી જાય કે સરકારના ઘ્યાને આ વાત ન ચડે તો સારું. નહીંતર કોઇક મંત્રીવર્યને એવો વિચાર આવી શકે છે કે જમીન-જંગલો અને સ્પેક્ટ્રમની જેમ સૂર્યનો તડકો પણ કુદરતી સંસાધન હોવાથી એ સરકારની માલિકીનો ગણાવો જોઇએ. વિકાસના પ્રોજેક્ટ પાર પાડવા માટે સરકારો તડકા પર ટેક્સ નાખવાનું વિચારી શકે. પુખ્ત વયના દરેક નાગરિકને એક-એક મીટર આપી દેવામાં આવે, જે દરેકે પહેરી રાખવાનું. તેનાથી દિવસ દરમિયાન માણસે કેટલો તડકો ‘ડાઉનલોડ’ કર્યો તે ખબર પડી જાય અને મહિને તેનું બિલ મોકલી શકાય. ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે તડકાનું બિલ માફ કરીને સરકાર પોતે ગરીબો પ્રત્યે કેવી દયાળુ છે- કેવી ગરીબલક્ષી છે, તેની જાહેરાત પણ કરી શકે.
સરકારો બહુ મૌલિક હોઇ શકે છે. તેમનું ચાલે તો એ ઠંડી ઉપર પણ ટેક્સ નાખે. અમદાવાદમાં રહેતા માણસને એક પણ ફદિયું ખર્ચ્યા વિના આબુનું વાતાવરણ ‘મફ્ફત’ મળતું હોય, તો કોર્પોરેશનને એવું મન ન થાય કે આ લોકોએ આબુ જવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા હોત તેનો અમુક હિસ્સો આપણે ટેક્સ તરીકે શા માટે ન વસૂલવો?
સાહિત્યકારો અને જાહેર જીવનમાં રહેલા લોકો માટે આકરી ઠંડી આવકારદાયક અને અમુક અંશે આશીર્વાદરૂપ સાબીત થાય છે. જ્યાં ને ત્યાં શાલથી સન્માનિત થયેલા આ મહાનુભાવો પાસે શાલનો એટલો જથ્થો હોય છે કે તે એમ્પોરિયમ ખોલી શકે. ઠંડી ન પડતી હોય તો એ શાલનું શું કરવું? પણ કડક ઠંડી પડે ત્યારે રોજ જુદી જુદી અથવા સવાર-સાંજ જુદી જુદી શાલ ઓઢીને, એ બહાને પોતાને મળેલાં સન્માનની હૂંફ ફરીથી તાજી કરી શકે છે.
ગરીબો અને અમીરો બન્ને માટે શિયાળામાં તાપણાનું ઘણું માહત્મ્ય હોય છે. (સાહિત્યકારો પાસે પોતાનાં ન વેચાયેલાં પુસ્તકોનું કે ભેટમાં મળેલાં નકામાં પુસ્તકોનું તાપણું કરવાના વધારાના વિકલ્પ હોય છે.) સામાન્ય રીતે જીવનસાથીના રૌદ્ર રૂપની જેમ દઝાડતો અગ્નિનો તાપ રાતના કે વહેલી સવારના તાપણામાંથી નીકળે ત્યારે પ્રિયજનની યાદ જેવો મીઠો લાગે છે. તેની વધારે નજીક જવાથી દઝાઇ જવાય અને દૂર જવાથી મીઠાશ જતી રહે એવું સત્ય પણ ત્યારે પામી શકાય છે.
વૈજ્ઞાનિક રીતે એ ભલે સિદ્ધ ન થયું હોય, પણ હકીકત એ છે કે બધાને આખા શરીરમાં એકસરખી ઠંડી લાગતી નથી. ‘બહુ ઠંડી છે’ની બૂમો પાડનારા લોકો વિશે સહેજ ઊંડાણથી વાતચીત કરતાં ખ્યાલ આવશે કે દરેક જણના શરીરમાં ‘શીતબિદુઓ’ (કોલ્ડ સ્પોટ્સ) જુદાં જુદાં હોય છે.
‘આપણાથી ગમે તેટલી ઠંડી સહન થાય, પણ કાનમાં પવન ન જવો જોઇએ.’ એવું કહેનારા લોકોનું ચાલે તો એ કાનને શટર નંખાવીને તેને ડબલ તાળાં મરાવે. ઠંડા પવનને બોસના ઠપકાની જેમ એક કાનેથી અંદર લઇને બીજા કાનેથી બહાર કાઢી શકાતો નથી, એનો તેમને ભારે વસવસો થાય છે.
કેટલાક લોકો ફક્ત કાનની નહીં, પણ આખેઆખા માથાની ચિતા કરતા હોય છે. માથામાં પવન ભરાય તો શું થાય, એ બાબતે આયુર્વેદથી માંડીને ઇન્ટરનેટ પર શું લખેલું છે, એ બઘું તેમના માથામાં ભરાયેલું હોય છે. ‘સર સલામત તો પઘડીયાં બહોત’ એવી કહેવતના વિસ્તાર તરીકે તે સર સલામત રાખવા માટે જાતજાતની પાઘડીઓ બાંધે છે, આડાં-ઊભાં મફલર વીંટાળે છે, માણસટોપી-બુઢિયાટોપી જે મળે તે માથે ચડાવી દે છે. એમ કરવાથી ઉમરમાં દસ-વીસ વર્ષ વધારે લાગશે, એવી લોકનંિદાને પણ તે ગણકારતા નથી. હથેળીમાં કે પગના તળીયે ઠંડી લાગે તો બે હથેળી કે બે તળીયાં એકબીજા સાથે ઘસીને ગરમાયો પેદા કરી શકાય, પણ ઘસવા માટે બે માથાં ક્યાંથી લાવવાં?
ઠંડી ઘણા લોકો માટે શબ્દાર્થમાં નાકનો સવાલ બની જાય છે. બહુ ઠંડી હોય ત્યારે નાક એટલું ઠરી જાય છે કે એ, વડાપ્રધાનની જેમ, છે કે નહીં એની જ ખબર પડતી નથી. ગરમ કપડાંનું આટલું વૈવિઘ્ય હોવા છતાં, ફક્ત નાક પર પહેરી શકાય એવું કોઇ ગરમ કપડું હજુ સુધી બન્યું નથી. એટલે લોકોને ફિલ્મોમાં જોયેલા ડાકુઓની જેમ, નાક ઢંકાય એવી બુકાનીઓ બાંધવી પડે છે. નાકને કહ્યામાં રાખવા માટે તેને બ્રેડની સ્લાઇસ સમજીને, બ્રેડ પર બટર લગાડતા હોય એટલી ઉદારતાથી લોકો નાક પર વિક્સ જેવા પદાર્થો લગાડવામાં આવે છે. તેનાથી ‘મેં તો મારાથી બનતું બઘું કર્યું’નું આશ્વાસન મળે છે.
ઠંડા પવનના આક્રમણનું એક મોટું કેન્દ્ર છે: છાતી. ગરદનની નીચેના ભાગમાં જાણે છાતીનું નહીં, પણ જાળીવાળા દરવાજા ધરાવતું પિજરુ હોય અને તેમાં પવન ભરાઇ જવાનો હોય, એવી ચંિતા ઘણા લોકો કરે છે. તેનાથી બચવા માટે સ્વેટરથી માંડીને છાપાં સુધીની ચીજો ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ કેટલાક બહાદુરો એવી પળોજણમાં પડવાને બદલે ‘વીર સામી છાતીએ પવનના ઘા ઝીલવાવાળા’ બનવાનું પસંદ કરે છે.
ઠંડી દૂર કરવા માટે ઘણા લોકો કસરત કરે છે કે દોડે છે. તેમને જોઇને લાગે કે ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ એ સુભાષિતમાં જે સિદ્ધિની વાત છે, તે ઠંડી ભગાડવાની જ સિદ્ધિ હશે.
Subscribe to:
Post Comments (Atom)
મજ્જો આવી ગીયો...તમારી શૈલી થોડા ઘણા અંશે સ્વ.જ્યોતિન્દ્રભાઈને મળતી આવે છે;એમના લેખમાં અને તમારા લેખમાં ઉડીને આંખે વળગે એ એકમાત્ર તફાવત સંવાદોનો છે...એમના લેખોમા એકાદ સંવાદ તો હોય જ;જ્યારે તમારામા એ લગભગ નથી હોતા...બાકી કટાક્ષ કહેતા સટાયર;વિટ;અને ક્યારેક વળી બ્લેક હ્યુમર...બધુ જ હાજર... જો કે આ મારી માન્યતા છે...એક બીજુ પણ નોધ્યુ છે(જે કદાચ ૧૦૦% ખોટુ પણ હોય)કે છેલ્લા કેટલાક લેખોમા ગુજરાત સરકાર અને 'ન.મો.' નુ લેખમા આવવાનુ ઓછુ થતુ જાય છે...
ReplyDelete@પરિક્ષીતભાઇ: આભાર. એક જ સ્કૂલમાં ભણનારા બધા એક ધોરણમાં-સાથે નથી હોતા. હું હાસ્યનિબંધ લખું એટલે હાસ્યનિબંધ લખતા જ્યોતીન્દ્ર યાદ આવે-એટલું જ.
ReplyDeleteઅને ગુજરાત સરકાર અને તેના મુખ્ય મંત્રી વિશે હું મને લખવા જેવું લાગે ત્યારે લખું જ છું ને લખવાનો છું. એનું ઓછું કે વધારે થવું એ વ્યક્તિગત અભિપ્રાયનો મામલો છે.
ઠંડી ની સાથે સાથે અન્ય મુદ્દાઓ વણી લેવાથી લેખ નું નિરૂપણ સુંદર લાગ્યું,,,
ReplyDelete