Wednesday, February 22, 2012

બોધકથાઓઃ સદ્‌ભાવના આવૃત્તિ

મુખ્ય મંત્રીના સદ્‌ભાવના સમારંભોથી ધન્ય બનેલી ધરાગુર્જરીના કેટલાક અભ્યાસીઓને સંશોધન દરમિયાન બોધકથાઓની એક અપ્રકાશિત હસ્તલિખિત નકલ મળી આવી છે. અગાઉ જાહેરમાં નહીં આવેલી આ નકલ પર ‘બોધકથાઓ’ (સદ્‌ભાવના આવૃત્તિ) એવા શબ્દો સોનેરી રંગમાં લખાયેલા છે. તેની પર ‘૨૦૦૨’ એવા આંકડા પણ ચીતરેલા છે. એ ઇસવી સન છે, વિક્રમ સંવત છે કે શક સંવત, એ સંશોધનનો વિષય છે.

એ પુસ્તકમાં વાંચવા મળેલી કેટલીક કથાઓ.

***

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બન્નેનાં નામ વિચિત્ર. એકનું નામ ‘નંબર વન’ અને બીજાનું ‘નંબર ટુ’.

બન્ને મિત્રો એક દિવસ જંગલમાંથી પસાર થતા હતા. એવામાં સામેથી એક રીંછ આવતું દેખાયું. દેખાવ પરથી જ તે ખૂંખાર લાગતું હતું. તેને જોઇને નંબર ટુ ગભરાયો. તેણે નંબર વનની સામે જોયું. આખી દુનિયામાં- એટલે કે પોતાના ગામમાં- તે પોતાની બહાદુરીની મોટી મોટી વાતો કરતો હતો, પણ સામે કદાવર રીંછ જોઇને એ દોડ્યો અને લાકડી નીચે નાખીને ઝાડ પર ચડી ગયો.

નંબર ટુને ઝાડ પર ચડતાં આવડે નહીં. એટલે તે જમીન પર શ્વાસ રોકીને સૂઇ ગયો. રીંછ ત્યાં સુધી નજીક આવી ગયું હતું. તેણે દોડીને ઝાડ પર ચડી જતા નંબર વનને જોયો. એટલે પહેલાં તે નંબર વન તરફ ધસ્યું.
નંબર વન ગભરાયો. પોતાનો જીવ બચાવવો હોય તો રીંછનું ઘ્યાન બીજે વાળવું પડે. એ માટે તેણે દોડતાં દોડતાં વીણી લીધેલા બે-ચાર પથ્થર સૂતેલા નંબર ટુ પર ફેંક્યા.

પથ્થરમારાથી નંબર ટુ ઉભો થયો એટલે રીંછ એની તરફ ધસ્યું. રીંછને આવતું જોઇને નંબર ટુ ફરી શ્વાસ રોકીને સૂઇ ગયો, પણ આ રીંછ ભણેલુંગણેલું હતું. સૂતેલા માણસને મરેલો માનીને આગળ જતા રહેલા તેના પૂર્વજ જેવું કાચું-અભણ ન હતું. તેણે નંબર ટુ પર હંિસક હુમલો કર્યો અને પીંખી નાખ્યો.

રીંછથી બચવા નંબર ટુ ઝાડ તરફ જોઇને નંબર વનને મદદ માટે પોકારતો હતો, પણ નંબર વન જાણે ઝાડ પર હતો જ નહીં. બચાવ માટે વલખાં માર્યા પછી નંબર ટુ મરણને શરણ થયો. તેના મૃતદેહને છોડીને રીંછ જતું રહ્યું.
નંબર વન કપડાં ખંખેરતો ખંખેરતો ઝાડ પરથી નીચે ઉતર્યો, જમીન પર ફેંકેલી લાકડી હાથમાં લીધી અને નંબર ટુના મૃતદેહ પર એક નજર નાખી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હતી. અચાનક નંબર વનને કંઇક સૂઝ્‌યું. તેનું મોં મલકાયું. તેણે ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્‌યો, તેની પર લખ્યું ‘સદ્‌ભાવનાની સુવાસ’ અને હાથરૂમાલને ઘ્વજની જેમ લાકડી સાથે બાંધીને નંબર ટુના મૃતદેહ પાસે લાકડી ખોડી દીધી.

ત્યારથી ગામમાં નંબર વનની સદ્‌ભાવનાનો જયજયકાર થઇ ગયો છે. લોકો કહે છે કે ‘સદ્‌ભાવના હોય તો આવી. માણસ પ્રત્યે સદ્‌ભાવના તો સૌ રાખે. આપણા નંબર વને રીંછ પ્રત્યે સદ્‌ભાવના દાખવી. સદ્‌ભાવના ઝંિદાબાદ.’
***

એક માણસ તેની ઘાયલ બકરી ખભે નાખીને શહેરના દવાખાને જતો હતો. બકરીને પગે કંઇક વાગ્યું હતું, પણ બાકી બધી રીતે તંદુરસ્ત હતી. માણસને એ બકરી બહુ વહાલી હતી. એક દિવસ એને ત્યાં શહેરમાંથી મહેમાન આવ્યા. એ ભણેલાગણેલા હતા. તેમણે કહ્યું કે આપણી પ્રિય વસ્તુઓનું કંઇક ને કંઇક નામ હોવું જોઇએ.

ગામના માણસે કહ્યું, ‘તો તમે જ કહો. મારે આ બકરીનું શું નામ પાડવું?’

શહેરના માણસે થોડું વિચારીને જવાબ આપ્યો,‘એનું નામ બિનસાંપ્રદાયિકતા રાખો.’

આવું અઘરું નામ સાંભળીને ગામનો માણસ મૂંઝાઇ ગયો. એ કહે,‘આવું અઘરું નામ અમને ન ફાવે- સમજાય પણ નહીં. એનો શો અર્થ થાય?’

શહેરી માણસે તેને આશ્વાસન આપતાં કહ્યું,‘ચંિતા ન કરશો. એનો કશો ખરાબ અર્થ થતો નથી. ઉપરથી બહુ સારો અર્થ થાય છે. કોઇ સાંભળશે તો એને થશે કે વાહ, આટલું સરસ નામ? અને આવા ગામડાગામમાં આવા ભવ્ય નામવાળી બકરી રહે છે? બકરીનો અને તમારો બન્નેનો વટ પડી જશે.’

ગામના માણસે મનોમન ‘બિનસાંપ્રદાયિકતા’ એવું નામ ગોખવાનો પ્રયાસ કર્યો, પણ એને બહુ ફાવ્યું નહીં. એને તો એટલી જ ખબર હતી કે ‘આ મારી બકરી છે અને મને એ બહુ વહાલી છે. જેને જે નામ આપવું હોય તે આપે. નામમાં શું બળ્યું છે?’

આ બકરી ઘાયલ થઇ ત્યારે શહેરના ડોક્ટર પાસે લઇ જતી વખતે એક ગઠિયાએ તેને જોયો. એની અને એના સાગરિતોની નજર ક્યારની આ બકરી પર બગડેલી હતી. જેટલી વાર બકરી જુએ, એટલી વાર તેમને થતું હતું કે ‘કેવી હૃષ્ટપુષ્ટ બકરી! તેને રાંધીએ તો કેવી ભવ્ય મિજબાની થાય! પણ આ ગામડીયાને તે એટલી વહાલી છે કે તેની પાસે સીધેસીધી આવી વાત કરીએ તો રમખાણ મચે.’ એટલે તેમણે યુક્તિ વિચારી.

શહેરે જતા ગામડિયાને રસ્તામાં સૌથી પહેલાં ગઠિયો પોતે ભટકાયો. તેનો પોશાક જોઇને કોઇને એવું જ લાગે, જાણે એ કેટલોય ધાર્મિક ને દેશપ્રેમી હશે: કપાળે ટીલું, ખભે ખેસ, શર્ટના ખિસ્સાની ધારે ‘વંદે માતરમ્‌’ લખેલા ત્રિરંગાનું બક્કલ સેફ્‌ટી પીનથી ખોસેલું...

બકરીના માલિકને આવતો જોઇને તેણે મોટેથી બૂમ પાડી, ‘ભારતમાતા કી...’. બકરીના માલિકે ભોળા ભાવે જવાબ આપ્યો, ‘...જે’.

એ સાંભળીને ગઠિયો મનોમન હરખાયો, પણ ચહેરા પર અરેરાટીનો ભાવ લાવીને કહે,‘અરેરે, તમારા જેવા રાષ્ટ્રવાદી, રાષ્ટ્રભક્ત, ભારતમાતાના સુપુત્ર ને ખભે હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા? આવા હિંસક જનાવરની તે કંઇ સારવાર કરાતી હશે? એની પર તે કંઇ લાગણી રખાતી હશે? એ સાજો થશે તો કંઇકને ફાડી ખાશે ને કાળો કેર મચાવશે.’

બકરીનો માલિક ડઘાઇ ગયો. એ કહે,‘તમે શાની વાત કરો છો, મહેરબાન? દેખાતું નથી? આ તો બકરી છે!’

ગઠિયો કહે,‘તમને કોઇએ બનાવ્યા લાગે છે. બાકી, ન દેખતો માણસ પણ કહી આપે કે આ ડાઘિયો છે ને હડકાયો છે. જુઓ, એના મોંમાંથી લાળ ટપકે છે.’

એ સાંભળીને બકરીનો માલિક સહેજ તપ્યો. કહે,‘ગજબ માણસ છો તમે! આ બકરી જોડે હું આટલા સમયથી રહું છું. એને હું વધારે ઓળખું કે તમે? આ બકરીનું અમારા એક સંબંધીએ નામ પણ પાડેલું...(સહેજ યાદ કરીને, પ્રયત્નપૂર્વક) બિન..સાંપ્ર...દાયિકતા.’

ગઠિયો જાતે ને જાતે તાળી મારીને કહે, ‘મને હતું જ કે તમને કોઇએ આવી રીતે જ બનાવ્યા હશે. આ દંભી બિનસાંપ્રદાયિકતાનો હડકાયો ડાઘિયો કોઇએ તમને બિનસાંપ્રદાયિકતાની બકરી તરીકે પહેરાવી દીધો છે.’

રોષે ભરાયેલો બકરીનો માલિક ‘તમારી સાથે ચર્ચા બેકાર છે.’ એમ કહીને આગળ વધી ગયો.

આગળ જતાં યોજના મુજબ તેને ગઠિયાનો એક સાથીદાર મળ્યો. આખા ગામની પંચાત કરવી એ જ તેનો ધંધો. એ કહે, ‘શું વાત છે? આ હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા?’

બકરીનો માલિક સહેજ ખમચાયો, પણ આત્મવિશ્વાસ એકઠો કરીને તેણે કહ્યું, ‘ડાઘિયો કેવો ને વાત કેવી? આ તો બકરી છે.’

તરત ગઠિયાનો સાગરિત બોલ્યો,‘લાગે છે કે તમે છાપાં વાંચતા નથી ને ટીવી ચેનલો પણ જોતા નથી. છેલ્લા અઠવાડિયાથી છાપાં-ચેનલો બધે આવું વર્ણન આવી રહ્યું છે અને પ્રજાના હિતમાં સતત જાહેરાત થઇ રહી છે કે ‘હડકાયા ડાઘિયા કૂતરાથી સાવધાન.’ એમાં ડાઘિયા કૂતરાનું જે વર્ણન આવે છે, એ બરાબર તમારા ખભે રહેલા જાનવર જેવું જ છે. એને બકરી માનો તો તમારી મરજી. પણ પછી બીજા કોઇનો વાંક કાઢતા નહીં.’

રોષ અને થોડી મૂંઝવણથી વ્યગ્ર બકરીનો માલિક આગળ ચાલ્યો. ત્યાં એને ગઠિયાનો બીજો સાથીદાર મળ્યો. ગામમાં એની છાપ જ્ઞાની માણસ તરીકેની. વાતે વાતે ગીતા ને ઉપનિષદ ટાંકે.

એને જોઇને બકરીના માલિકને કંઇક આશા બંધાઇ, પણ એ કંઇ પૂછે તે પહેલાં જ સાથીદારે સામેથી કહ્યું, ‘અરે, તમારા જેવા માણસના ખભે લાળ ટપકતો, હડકાયો ડાઘિયો? આવા ડાઘિયા કૂતરાનું તો એન્કાઉન્ટર કરવું જોઇએ. એ જ ધર્મ છે. જ્યાં ડાઘિયો ત્યાં લાળ. જ્યાં લાળ ત્યાં હડકવા. જ્યાં હડકવા ત્યાં એન્કાઉન્ટર. તમને તો ખબર હશે, કૃષ્ણ ભગવાને પણ એન્કાઉન્ટર કરેલાં. આવા ડાઘિયા કૂતરાને ખભે લઇને ફર્યા કરીએ તો ગામમાં આતંક મચી જાય. ગામમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ-ચાર બાળકોના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારનો હું વિચારતો હતો કે એમના અકાળે મોતનું અસલી કારણ શું હશે? પણ તમારા ખભે હડકાયો ડાઘીયો જોઇને મને જવાબ મળી ગયો છે.’

એ વઘુ બોલે, તે પહેલાં જ...(શું થયું એ જણાવવાની જરૂર છે?)

7 comments:

 1. આર પાર સોંસરવી ઉતરી જાય તેવી કટાક્ષ કથા બદલ અભિનંદન....++++

  ReplyDelete
 2. પોતાની જાતને બધા જ વાદોથી પર માનનાર પત્રકાર, લેખક, કોલમિસ્ટ શ્રી ઉર્વીશભાઈ કોઠારીને એકજ પ્રશ્ન - જો ખરેખર મોદી અને મોદીના ચાહકો અને મોદીની પ્રજા તમારી બોધ કથા પ્રમાણે એવા નિષ્ઠુર હોય તો તમે આ રીતે જાહેરમાં તેમનો વિરોધ કઈ જીગર થી કરી શકો છો?

  ReplyDelete
 3. @viral trivedi: નિષ્ઠુરતાની ફક્ત એક જ અભિવ્યક્તિ- લોહિયાળ, હિંસક ક્રૂરતા- નથી હોતી. વાસ્તવિકતા સામે આંખ આડા કાન, મિથ્યા પ્રદેશાભિમાન, સંવેદનહીનતા અને કુતર્ક પણ એના જ પ્રકાર છે. આ યાદી હજુ લંબાવી શકાય, પણ તમારા સવાલના જવાબમાં આટલું પૂરતું છે.

  ReplyDelete
 4. Very very sarcastic stories indeed.Media is being used by Narendra Modi.Accomplices in second story are none other than Media persons.Urvish Kothari has time & again prved that he can take a just but different line and has many times displayed courage openly by his writings. Gujarat Samachar needs to be congratulated to have a writer like Urvish Kothari on its staff.

  ReplyDelete
 5. ઉર્વિશભાઈ, બહુ જ સારી રીતે, સીધી જ ગળે ઉતરી જાય એ રીતે તમે આ રાજયની સ્થિતિ અને શાસકની માનસિકતા સમજવી દીધી છે. પ્રથમ વાર્તા જ બહુ બધુ જ કહી જાય છે. આપણી કમનસીબી એ છે કે લોકો એક વખત આંખ બંધ કરી દે તો પછી તે ખોલતા જ નથી.

  ReplyDelete
 6. Anonymous10:55:00 PM

  Thanks! Congratulation Urvishbhai.Very balanced article.
  You have seen the whole episode with the eye of Justice and Humanity

  ReplyDelete