Sunday, February 26, 2012
અન્ના આંદોલનની પાકિસ્તાની આવૃત્તિ: ઇમરાનખાન
(caricature: Mario Miranda)
ઇજિપ્તમાં ને ભારતમાં, યુરોપમાં ને અમેરિકામાં- બધે ‘ક્રાંતિ’ થઇ (પછી શું થયું એ ન પૂછવું), તો પાકિસ્તાન કેમ બાકી રહી જાય? ત્યાં પણ ક્રાંતિ ચાલી રહી છે, જેના નાયક છેઃ લોકપ્રિય ક્રિકેટરમાંથી લોકપ્રિય નેતા બનેલા ઇમરાનખાન.
‘પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ’ પક્ષ સ્થાપ્યા પછી પંદર વર્ષ સુધી રાજકારણમાં ઇમરાનખાનનો ગજ ન વાગ્યો, પણ થોડા મહિનાથી તેમના નામનાં એવાં નગારાં વાગવા લાગ્યાં છે કે તેની સામે બીજા રાજકીય પક્ષોની હસ્તી તતુડી જેવી લાગે. લાહોર-કરાચીમાં ઇમરાનખાનની રેલીમાં લાખો માણસ ભેગા થાય છે. મહત્તમ સંખ્યાનો એક અંદાજ પાંચ લાખનો છે. તેમાં યુવાનો અને સ્ત્રીઓની મોટી સંખ્યા હોય છે. તેમના ઉત્સાહનો પાર નથી. ‘કૌન બચાયેગા પાકિસ્તાન, ઇમરાનખાન, ઇમરાનખાન’ના નારા હવામાં ગૂંજે છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં ફક્ત એક જ - અને એ પણ પોતાની- બેઠક જીતી શકેલા ઇમરાનખાનના આવતા વર્ષે થનારી ચૂંટણી માટે વડાપ્રધાનપદના સૌથી સબળ દાવેદાર બની ગયા છે.
વડાપ્રધાનો તો પાકિસ્તાનમાં કંઇક આવ્યા ને ગયા. ઇમરાનખાન એ કતારમાં નથી. તેમના સમર્થકો તેમને ઝીણા અને ઝુલ્ફીકારઅલી ભુત્તોની હરોળમાં મૂકે છે. (પાશ્ચાત્ય ઢબછબ અને રહેણીકરણીમાંથી ઇસ્લામી નેતા બની જવાનું સામ્ય બાદ કરીએ તો) પાકિસ્તાનને તેના કપરા સમયમાંથી ઉગારનાર- ઉદ્ધારક. ઝીણાએ ૧૯૪૭માં અને ભુત્તોએ ૧૯૭૧માં (ભારત સામેના પરાજય પછી) પાકિસ્તાનને સ્થિર (?) કર્યું. ઇમરાનખાન ચોમેરથી ઘેરાયેલા અને ‘ફેઇલ્ડ સ્ટેટ’, ‘મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી ઓન ધ અર્થ’ જેવાં લેબલ કમાઇ ચૂકેલા પાકિસ્તાનને સન્માન અપાવશે, ત્રાસવાદની ધરતી તરીકેની તેની કુખ્યાતિ દૂર કરશે, લોકશાહી સરકારમાં લશ્કરની દખલઅંદાજી નહીં ગણકારે, અમેરિકાની દાદાગીરી નહીં ચલાવે, નેતાઓનો ભ્રષ્ટાચાર દૂર કરશે...
બસ, આ બઘું કેવી રીતે થશે, એવો સવાલ ન પૂછવો. કારણ કે તેનો જવાબ ઇમરાનખાન પાસે નથી અને તેમના પક્ષમાં નેતા એક જ છેઃ ઇમરાનખાન. બાકીના બધા સમર્થકો-ટેકેદારો છે. થોડા સમય પહેલાં તેમના પક્ષમાં એક વજનદાર નેતા શાહ મહેમૂદ કુરેશી જોડાયા છે, જે ભૂતપૂર્વ મંત્રી અને બુદ્ધિશાળી માણસ તરીકે જાણીતા છે. પરંતુ તેમના જેવા નેતાઓ આગળ પાકિસ્તાનમાં લાગતું વિશેષણ છેઃ લોટા. ગુજરાતી જણને આ શબ્દનો અર્થ સમજવામાં જરાય તકલીફ નહીં પડે. વજન હોય એ બાજુ ઢળી જનાર જણ- આપણા ‘આયારામ-ગયારામ’ જેવા લોકો- માટે પાકિસ્તાનમાં જાહેરમાં, અંગ્રેજી લખાણોમાં સુદ્ધાં ‘લોટા/Lota’ શબ્દ વપરાય છે. કુરેશી એવા ‘લોટા’ છે, પણ ‘વન મેન પાર્ટી’ ઇમરાનખાન પાસે બીજું કોઇ નથી, એટલે અગાઉ બે પક્ષોની હવા ખાઇ આવેલા કુરેશીને ઇમરાને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા છે. પાકિસ્તાની અણુકાર્યક્રમના પિતા અને વિવાદાસ્પદ વિજ્ઞાની ડો. અબ્દુલ કાદીર ખાને ઇમરાનને એક લેખમાં આ શબ્દોમાં અંજલિ આપી છેઃ ‘નો ટીમ, નો વિઝન, નો મિશન.’
છતાં ઇમરાનખાન અત્યારે લોકપ્રિયતાનાં તોતિંગ મોજાં પર સવાર છે, (જેના માટેનો બહુ ગવાયેલો શબ્દપ્રયોગ છે ‘ત્સુનામી ઓફ પોપ્યુલારિટી’). જાહેર રેલીમાં દેખાતી હજારો-લાખોની ભીડ જોઇને ફક્ત દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પહેલી વાર ઇમરાનખાનની રાજકારણી તરીકે ગંભીરતાથી નોંધ લેવાતી થઇ છે. તેમની લોકપ્રિયતાનું મોજું કેટલું શક્તિશાળી અને ટકાઉ છે એ વિશે મતમતાંતર છે, પણ એ મોજું જેની પર ફરી વળવાનું છે એ પક્ષો સદંતર તકલાદી અને ખોખલા પડી ચૂક્યા છે.
મુખ્ય ત્રણ પક્ષોની વાત કરીએ તો ‘પાકિસ્તાની પીપલ્સ પાર્ટી’ના આસિફઅલી ઝરદારી ‘મિસ્ટર બેનઝીર ભુત્તો’ કરતાં ‘મિસ્ટર ટેન પરસન્ટ’ તરીકે વધારે જાણીતા છે. તેમની સામે સ્વિસ બેન્કમાં કરોડો રૂપિયા ખડકવાનો આરોપ છે. વડાપ્રધાન ગીલાની સામે અદાલતના અપમાનના સંગીન આરોપ છે, જેની સામે લડવાનું તેમને આકરું પડી રહ્યું છે. કાનૂની દાવપેચથી તે બચી જાય તો પણ લોકનજરમાં એ માન અને સ્થાન ગુમાવી ચૂક્યા છે. બીજો પક્ષ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફનો છે. સ્વૈચ્છિક દેશવટો ભોગવી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના મામલે ખાસ જુદા નથી. બાકી રહ્યા પરવેઝ મુશર્રફ, જે પોતાની સલામતી ખાતર વિદેશની હવા ખાઇ રહ્યા છે. ચૂંટણીમાં ઉતરવા માટે એ પાકિસ્તાન પાછા ફરે તો તેમના માથે જાનનું જોખમ છે. અનેક લોકો તેમનો જીવ લેવા ટાંપીને બેઠા છે. એક નેતાપુત્ર બુગતીએ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે મુશર્રફના માથા સાટે ઇનામ જાહેર કર્યું છે.
વિપક્ષો રેતીના કિલ્લા જેવા હોય ત્યારે ઇમરાનખાનની લોકપ્રિયતા ‘ત્સુનામી’ને બદલે ચોપાટી પરનાં મોજાં જેવી હોય તો પણ તે ફરી વળે. પરંતુ રેતના કિલ્લા નેસ્તનાબૂદ કરવાથી વધારે ચોપાટીના મોજાની વિસાત કેટલી?
ઇમરાનખાનની લોકપ્રિયતાનો પારો સતત ચડાવનાર એક મુદ્દાનો કાર્યક્રમ છેઃ ભ્રષ્ટાચારનો વિરોધ. એ મુદ્દે અન્ના હઝારે આંદોલન સાથે તેની સરખામણીની ભૂમિકા ઊભી થાય છે. બન્ને આંદોલનો ભ્રષ્ટાચારનાબૂદીને મહદ્ અંશે સાધનને બદલે સાઘ્ય ગણે છે. તે એવી મુગ્ધ માન્યતામાં રાચે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એટલે ઘણી બધી સમસ્યાઓ ઉકલી જશે. તેમની લોકપ્રિયતાનું મોટું રહસ્ય પણ તેમની તાકાત કરતાં તે જેમની સામે પડ્યા છે તેમની સામે લોકોનો અસંતોષ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સામાન્યથી અસામાન્ય તમામ પ્રકારના લોકોને સમજાય છે- સ્પર્શે છે. એટલે ઇમરાનખાન કહે કે ‘ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને નેતાઓ કરવેરા ભરતા થશે, એટલે ધનવાનો પણ કરવેરા આપશે અને એ નાણાંમાથી દેશમાં સુવિધાઓ ઊભી કરાશે. અમેરિકાની મદદ લેવાની અને તેની ગુલામી કરવાની જરૂર નહીં પડે.’ ત્યારે ‘આવું કેવી રીતે થશે?’ એવો સવાલ પૂછવાને બદલે, લોકો ઇસ્ટમેન કલરની સ્વપ્નસૃષ્ટિમાં પહોંચીને તાળીઓ પાડે છે.
અન્ના આંદોલનની જેમ ઇમરાનખાનની ઝુંબેશમાં પણ યુવાનો સાથે છે એ વાતનો બહુ મહિમા છે. કોઇ પણ પ્રકારના પરિવર્તનશીલ વિચાર યુવાનો પ્રમાણમાં ઝડપથી સ્વીકારી લે એવું મનાય છે. તેમની મુગ્ધતા એક હદ સુધી મૂલ્ય હોઇ શકે, પણ બીજા કોઇ મૂલ્ય વગર ફક્ત યુવાનીને એક સ્વતંત્ર મૂલ્ય બનાવી દેવાની ફેશન ગેરમાર્ગે દોરનારી ને ગેરસમજણો પેદા કરનારી છે. ભ્રષ્ટાચારવિરોધ જેવા મુદ્દે, સામાજિક મૂલ્યોની સ્પષ્ટતા વગર, યુવાનોનાં ટોળાં ભેગાં થાય તેનાથી ક્રાંતિ તો ઠીક, સાર્થક પરિવર્તન પણ આવતું નથી. ઉલટું, ઘણી વાર બકરું કાઢતાં ઊંટ પેસે એવું થાય છે.
એનો અર્થ એ નહીં કે પરિવર્તનના પ્રયાસનો વિરોધ કરવો. પણ એ પ્રયાસના પહેલા પગથિયે જ તેનો જયજયકાર બોલાવીને ઇતિશ્રી માની લેવાને બદલે, તેને વધારે નક્કર, વધારે સંગીન બનાવવો અને ફક્ત‘યુવાની’ને બદલે સામાજિક મૂલ્યોમાં તેનાં મૂળીયાં ઊંડા ઉતરે એવા પ્રયાસ કરવા પડે. પરંતુ દોઢ દાયકા પછી પહેલી વાર પોતાનું રાજકીય અસ્તિત્ત્વ પુરવાર કરી રહેલા ઇમરાનખાન માટે અત્યારનો સમય સંખ્યાબળથી હરખાવાનો છે. અન્ના આંદોલનની જેમ જમણેરીઓ અને કટ્ટરવાદીઓ સાથેની સાંઠગાંઠ કે તેમનું સમર્થન હોવાના આરોપ પણ ઇમરાન પર થાય છે. છતાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારની ઉચ્ચ ભૂમિકાએ અન્નાની જેમ ઇમરાન જે બોલે તે કશા આધારપુરાવા કે તાર્કિક ચકાસણી વિના સત્ય બની જાય છે અને તેનો વિરોધ કરનારા દેશવિરોધી કે ક્રાંતિવિરોધી કે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના સમર્થકમાં ખપી જાય છે.
વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ થતા ઇમરાનખાનના ચોપડે અત્યાર સુધી મુખ્ય બે સિદ્ધિ બોલે છેઃ ૧૯૯૨ના વિશ્વકપમાં તેમની આગેવાની હેઠળ પાકિસ્તાની ટીમનો વિજય અને તેમનાં માતા શૌકત ખાનમની સ્મૃતિમાં ઊભી કરેલી અને ગરીબ દર્દીઓને મફત સારવાર પૂરી પાડતી અત્યાઘુનિક કેન્સર હોસ્પિટલ. ભ્રષ્ટાચારનો વિરોધ કરતી વખતે પોતાની પ્રામાણિકતા અને વહીવટી ક્ષમતાનો પુરાવો આપતાં ઇમરાન હોસ્પિટલની વાત કરે છે. દેશવિદેશમાંથી નાણાં ઉઘરાવીને ઉભી કરાયેલી હોસ્પિટલનું તંત્ર ખરેખર નમૂનેદાર છે, પણ એ જાતની લાયકાતના આધારે દેશના વડાપ્રધાન નક્કી કરવાના હોય, તો પાકિસ્તાનમાં બીજા ઘણા ઉમેદવાર છે.
વિદેશનીતિની બાબતે ઇમરાન ભારત સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે અને પાકિસ્તાની ધરતી પરથી ત્રાસવાદનો અંત આણવાની વાત કરે છે. તાલિબાનો સામે બળથી નહીં, પણ મંત્રણાથી કામ લેવાનો તેમનો ઇરાદો છે. અમેરિકાના ખંડિયા દેશ તરીકેનો દરજ્જો અને અમેરિકાની સહાય ફગાવીને તે નવેસરથી, કદાચ ચીન સાથે, સ્વમાનભેર જોડાવા ઇચ્છે છે. વાંચવા-સાંભળવામાં આ બઘું સારું લાગે છે, પરંતુ દાયકાઓથી વર્ચસ્વ ધરાવતું લશ્કર, ઊંડાં મૂળીયાં ઘાલી ગયેલા અંતીમવાદીઓ અને ધાર્મિક કટ્ટરવાદીઓની મજબૂત પકડ વચ્ચે કેવળ સ્વપ્ન સેવવાથી અને ભ્રષ્ટાચારવિરોધી નારા લગાવવાથી પાયાનું પરિવર્તન કેવી રીતે શક્ય બનશે, તેનો જવાબ ઇમરાનના ટીકાકારોને મળતો નથી અને તેમના પ્રશંસકોને હમણાં શોધવો નથી.
Labels:
anna hazare,
pakistan,
sports
Subscribe to:
Post Comments (Atom)
વન્ડરફૂલ.
ReplyDeleteપરીકથાઓ દરેક દેશના લોકોને ગમતી હશે એવું લાગે છે.
ReplyDeleteઈમરાન ખાનની એક 'સિદ્ધિ' પેકર સર્કસમાં જોડાવાની પણ ખરી. 'યુવાનો'ને પાંખમાં લેવાની લાઈન તમામ ક્ષેત્રમાં ચાલતી હોય છે- રાજકારણ હોય કે સમાજસેવા કે લેખન. લાંબે ગાળે કદાચ એમ થાય ખરું કે યુવાનો સમજણા થઈ જાય અને આ વર્તુળમાંથી બહાર નીકળી જાય. પણ તેમનું સ્થાન બીજા યુવાનો લઈ લે છે. કાલે ઉઠીને 'અન્ના-ઇમરાન ભ્રષ્ટાચાર નાબૂદી મંચ' રચાય તો નવાઈ નહીં.
ઇમરાન ખાનની તાજેતર રાજકીય પ્રખ્યાતિ પાકીસ્તાનનાં ફરીથી ડહોળાઇ ઉઠેલ આંતરીક વાતાવરણમાં ફટકડીનું કામ કરશે કે નહીં તે તેના અત્યાર સુધીના અને પાકીસ્તાની રાજકારણની પરપોટીયા તાસીરના આધારે કહેવું મુશ્કેલ કહેવાય.
ReplyDeleteતેમાં મોટાભાઇ - અમેરીકા-એ તેમનું રૂસણું પાછી ખેંચી લીધું છે તેવાં એંધાણ ઇમરાનના સિતારામાટૅ સકારાત્મ્ક પરીબળ પણ ન પરવડી શકે.
ભારતમાં જેમ પારદર્શક શાસન વ્યવસ્થાનો સીતારો મતદારોનાં દિલોદીમાગ પર બુલંદ થાય તો તે પ્રકારનાં પરિણામ આવે તે પ્રકારનાં પરિણામ પાકીસ્તાનમાં આવે કે કેમ તે તો તેની તે સમયની ચુંટણી કેટલી હદે નિષ્પક્ષ થાય છે તેના પર પણ આધાર રાખે.
એક બૉલર તરીકે હું ઇમરાનનિ ચાહક હતો અને હવે ભારતના હિતમાં તે પાકીસ્તાનની લોકશાહી ને સાફ અને મજબૂત કરે તેવી દુઆ પણ હું જરૂર પાઠવું.
ઇમરાનને મળતા યુવાનોના સાથ વિશે વધારે વિચારવાની જરૂર છે. આપણે ભારતના યુવાનો અને પાકિસ્તાનના યુવાનોની સરખામણી કરીએ તો આપણે ત્યાં ઉદારીકરણની નીતિઓ અને ઉપભોગવાદી વલણૉને કારણે યુવાનોનું દૃષ્ટિબિંદુ સામાજિક મુદાઓ પરથી હટીને વ્યક્તિગત મુદ્દાઓ પર કેન્દ્રિત થયું છે.
ReplyDeleteબીજી બાજુ પાકિસ્તાનના યુવાનોએ લશ્કરની સરમુખત્યારી અને વિલાસિતા જોઈ છે. એ જ આશામાં જસ્ટિસ ઇફ્તિખાર ચૌધરીને મુશર્રફે હટાવ્યા ત્યારે આખો દેશ સંગઠિત થઈ ગયો હતો અને એમામ યુવાનો પણ આગળ હતા. તે પછી લોકશાહીની સ્થાપના થઈ પણ ભ્રષ્ટાચાર ન ઘટ્યો. યુવાનો આ રીતે ખરેખર આગળ આવ્યા છે. પરિસ્થિતિવશ એમનો દૃષ્ટિકોણ સામાજિક રહ્યો છે.
આપણી યુવાન પેઢી અને પાકિસ્તાનની યુવાન પેઢી વચ્ચે આ અંતર છે માત્ર પાકિસ્તાનના જ નહીં વિકસિત દેશોમાં પણ યુવાનો સામાજિક મુદ્દાઓ પ્રત્યે વધારે જાગૃત થવા લાગ્યા છે. આ જ કારણે વિશ્વ વ્યાપાર સમ્ઘ, ઉદારીકરણ વગેરે સામે ઠેર ઠેર થતા દેખાવોમાં યુવાનોની બહુ મોટી સંખ્યા હોય છે. આપણા યુવાનો હજી આ નીતિઓને સાચી માને છે. આ ફેર મને જણાય છે.