Friday, February 17, 2012

ફકીરીના બાદશાહઃ ખાન અબ્દુલ ગફ્ફાર ખાન
આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત નીકળે ત્યારે કોંગ્રેસવિરોધી તરીકે મહંમદઅલી ઝીણાને કે કોંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબ્દુલ ગફ્‌ફારખાનને યાદ કરાતા નથી. ‘અહિંસક પઠાણ’ જેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહેબને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ ‘સરહદના ગાંધી’ તરીકે, જે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપેકિંગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય. 


અખંડ ભારતના સરહદ પ્રાંત- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. ‘સિંહ ઘાસ ખાય તો પઠાણ અહિંસક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારો-અનુયાયીઓ કરતાં એ રીતે જુદા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાંથી પોતાની રીતે સાદગી અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનું હતું. એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઇ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું. 

‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્‌ફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુદા પડે. ગાંધીજીના કોઇ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુલમ સહન કરવો પડ્યો ન હતો. ૨૧ વર્ષની વયે જાહેર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહેલી ધરપકડ ‘રોલેટ એક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઇ, ત્યારે તેમની ઊંચાઇ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઇઓએ સૌથી મોટી બેડીને થોડું જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહેવા લાગ્યું. એટલે જેલરે કહ્યું, ‘આ પહેલી વખતની જેલ છે ને! ધીમે ધીમે ટેવ પડી જશે.’


ત્રણ વર્ષની જેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જેટલું ઘટી ગયું હતું. છતાં અહંિસા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જેવા લાગતા આ માણસની અહિંસા તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઉગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ‘ખુદાઇ ખિદમતગાર’- ખુદાના સેવકો-નું સંગઠન રચ્યું. ખિદમતગારો માટે શરૂઆતમાં સફેદ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલ્દી મેલો થઇ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચિંતા કર્યા વિના પોશાકને ગેરુ રંગે રંગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ‘લાલ ખમીસવાળા’ તરીકે પણ ઓળખાયા. 

અંગ્રેજ શાસકોએ પહેલાં ખિદમતગારોના લાલ રંગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂનું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઇ કે થોડા સમયમાં સરહદપ્રાંતની જેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્‌યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા. 

બાદશાહખાનની અહિંસાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રંગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી- શરીર પરથી ગેરુ રંગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહિંસક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજું કંઇ ન સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હિંસાની મદદ વિના શસ્ત્રધારીઓને કઇ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદી-બિનકોંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું.


ગાંધીજીને સાબરમતી જેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહેરવાની જરૂર ન જોઇ, પણ હિંદુ-મુસ્લિમ એકતા અને અહિંસા જેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના- ઘણી વાર તો એકમાત્ર- સાથી બની રહ્યા. મનુબહેન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંઘ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હું આવી છું. પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઇ હોય તો તે ખાનસાહેબ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કિંમત હતી.’ સાબરમતી જેલમાં ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો.


ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી રાજીનામું આપી દીઘું. કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઇ ખિદમતગારોનો માર્ગ નથી...અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી. ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’

‘ગાંધીજીની કોંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરંતુ એક બાદશાહખાન પર્વતની જેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા..ધૈર્ય એ બાદશાહખાનની પોલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઇચારો અને ધૈર્યમાં છે.’બાદશાહખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.આઝાદી વખતે તેમને પઠાણો માટે ‘પખ્તૂનિસ્તાન’ જોઇતું હતું.  ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને બંગાળ જેમ અનુક્રમે પંજાબી, સિંધી, બલુચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઇએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જે કંઇ માગણી છે તે નામ અંગેની છે.’ પરંતુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી. 

સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઇએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે, પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે  સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો.  કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્‌ગાર કાઢતાં કહ્યું હતું,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’

(photo: Homai Vyarawala)
પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફેરવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુલમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે. ખુદાઇ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી. ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દિ વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરંજિત હતું. એ જોઇને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇંદિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઇને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો. 

Khan Abdul Gjaffar Khan- Moraraji Desai 

જાન્યુઆરી ૨૦,૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય  હિંમતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરંતુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઇ ગઇ છે. મુસ્લિમોમાં  રૂઢિચુસ્તોને વકરાવીને મુસ્લિમહિતનો ડોળ કરતા કે મુસ્લિમવિરોધી લાગણીની રોકડી કરવા તલપાપડ- કોઇ પક્ષોને બાદશાહખાનનો ખપ નથી.11 comments:

 1. સાડા છ ફૂટ ઉંચા આ વિરાટ વ્યક્તિત્વને મે માત્ર બે ફૂટના અંતરથી સાવ નાની-માસુમ આંખોથી વ્યારા રેલ્વે સ્ટેશન પર નિહાળ્યું હતું..૧૯૬૯ માં અમદાવાદ સાથે વ્યારા પણ કોમી રમખાણોનો ભોગ બન્યું હતું.ત્યારે મારા દાદા જુગતરામ દવે સાથે ખાન અબ્દુલગફાર ખાન વ્યારા આવ્યા હતા. ખુદાઈ ખીતમદગારે કહેલા એક એક શબ્દો હજુ યાદ છે...
  ઉર્વીશભાઈ..ઇતિહાસમાં ડોકિયું કરાવવા બદલ આભાર..હું આજે પણ માનું છું કે જે દેશની પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ દેશની ભૂગોળ બદલાઈ જાય છે...

  ReplyDelete
  Replies
  1. શ્રી અજયભાઈ, શ્રી જુગતરામભાઈ દવે તમારા દાદા થાય તે જાણીને આનંદ થયો. તેઓ પણ ખરા ગાંધીવાદી હતા. એમનાં ત્યાગ અને નિષ્ઠા પણ ગજબ હતાં. આ દેશના પાયાના પથ્થરોમાં એમની હું ગણતરી કરૂં છું. આજે આપણે ઇમારતો જોઈએ છીએ ત્યારે ખાન અબ્દુક ગફ્ફારખાન અને શ્રી જુગતરામ ભાઈ દવેને એક સાથે અંજલી આપવાની મને તક મળી એને હું મારૂં સૌભાગ્ય ગણું છું.

   Delete
 2. Lovely pictures and a fantastic portrait of the sub-continent's arguably most selfless leader. Khan Abdul Gaffar Khan's latter day isolation is indeed a sad comment on what human civilisation is.

  ReplyDelete
 3. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ત્યાગી નેતા હતા. એમને દુઃખ રહ્યું કે કોંગ્રેસે એમને દગો દીધો. બન્ને ખાન ભાઈઓની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા રહી છે.
  તમે ૧૯૬૯નો ઉલ્લેખ કર્યો છે, પણ આજે તો સ્થિતિ એનાથી પણ વધારે ખરાબ છે. આ દિવ્સોમાં બાચા ખાનને યાદ કરીને આપણે કઈંક 'કૅથાર્સિસ'્જેવું અનુભવતા થઈએ એમાં આ લેખની સાર્થકતા છે.

  ReplyDelete
 4. Thanks for reminding about practical leader & person who struggled for harmony & peace in plural society, that too with a differance.

  ReplyDelete
 5. SALIL DALAL (TORONTO)6:51:00 PM

  Superb write up on a man who could have made all the difference to the History and Geography of the sub continent, had leaders of his time had heard his plea in right earnest.
  In 1969 when he had come to Gujarat his faith in Gandhian principles was absolutely loud and clear as always. One doubts if anyone took him that seriously for future potential conflicts between the two religious communities.
  Physically speaking, seeing him one was reminded of Indulal Yagnik, another TALL leader in every sense of the word of those troubled times of '69. Both are rightly known as Fakirs who had simplicity as their second skin.
  Afghan issue's outcome would have been different if Khan saab's road was taken. Today the kind of local support to terrorism in the boarder areas of Pakistan one sees, is the effect of reverse propaganda let loose by Islamic fundamentalists in NWFP and supported by various Govt.s internationally for their respective interests at one time or another.
  In the process the great work done by Badshahkhan and his devoted followers is not remembered today even by countries like India.
  What a pity!

  ReplyDelete
 6. ઘણોજ સુંદર અને માહિતી સભર લેખ.ઘણી મહેનતથી ઐતિહાસિક માહિતી અને ફોટા સાથે લેખ છ્પાયો છે.
  1969નાં ગુજરાતનાં રમખાણ સમયે ભારત આવ્યા હતા.સાથે એમની પૌત્રી પણ હતી.અને સાથે સામાનમાં એક ફકત નાની પોટલી હતી.
  શી ઉમાશંકર જોષી લિખિત લેખ(મેં આયા હું)-જે એમનાં પુસ્તક -હૃદયમાં પડેલી છ્બીઓમાં છે.બઝમેવફા માં એ રી પોસ્ટ થયો છે.
  આ સદરહુ લેખ બઝમેવફા માં ફરી મુદ્રિત કરવા અનુમતિ આપવા વિનંતી છે.
  સહ્રદયી
  મુહમ્મદઅલી વફા
  www.bazmewafa.wordpress.com
  E.mail:
  abhaidu@yahoo.com

  ReplyDelete
 7. ભરતકુમાર11:41:00 AM

  પ્રિય ઉર્વિશભાઈ,ખાનસાહેબ સાચા નેતા હતા.આજે નેતાની આગળ પણ 'સાચા' નું જરૂરી વિશેષણ લગાવવું જ પડે,એ દેશવાસી તરીકે આપણા સૌનું દુર્ભાગ્ય છે.જે દેશો આવા મૂલ્યવાન રત્નોને ભૂલી જાય છે,એ દેશની હાલત જતેદહાડે દયા ખાવા જેવી થઇ જાય એમાં કોઈને નવાઈ ન લાગવી જોઈએ.ઈતિહાસના આવા કંઇક અંશે હાંસિયામાં ધકેલાઈ દીધેલા કે ધકેલાઈ દેવાયેલા આવા વ્યક્તિત્વો વિશે તમે લખો છો,ત્યારે આનંદ થાય છે.પાત્રતા ધરાવતા લોકપ્રતિનિધિને ક્યારેક ક્યારેક આમ પ્રકાશમાં લાવવા એ પણ સાચા પત્રકારની નિશાની છે.તમે એ નિભાવી રહ્યા છો,એ માટે અભિનંદન.

  ReplyDelete
 8. one of the best articles from you urvishbhai, once again a perfect tribute from you to the owner of Selfless and divine personality of our nation, here is some memorable speeches of khan abdul gaffar khan :

  " My religion is truth, love and service to God and humanity. Every religion that has come into the world has brought the message of love and brotherhood. Those who are indifferent to the welfare of their fellowmen, whose hearts are empty of love, they do not know the meaning of religion. "


  " It has not, no more than our prosperity will drop from heaven. There secret of their prosperity is that they have men and woman who sacrifice their luxuries, their pleasures, and their comfort for the sake of the prosperity of the nation. We do not have such men amongst us. We look only to our own self-interest and let the country go to the devil. In other countries, people have learnt that no man is an island. But in our country every one lives in a dream-world of his own – like the animals. Any animal can find a place to live, find a mate, rear it's young. Can we call ourselves the crown of creation if we do just that and nothing more " ?

  ReplyDelete
 9. બાદશાહખાન ની સાથે માથે કપડું અને કમરે હાથ મુકીને ઉભેલા ગાંધીજી ની તસ્વીર સુપર્બ છે

  ReplyDelete
 10. બાદશાહ ખાન અને એમના સાદા જીવન અને અસાધારણ વિચારો વિષે અદ્ભુત લેખ. જુના નેતાઓ ખરેખર અત્યંત અદ્ભુત વિચારસરણી ધરાવતા હતા. સુંદર લેખ બદલ આભાર. ચિત્રો પણ ઈતિહાસની ભવ્યતાની યાદ અપાવી જાય છે.

  ReplyDelete