Sunday, February 19, 2012
ફેસબુકઃ ઇન્ટરનેટની ‘ઓટલા પરિષદ’માંથી કરોડો ડોલરનો કારોબાર
ઇ.સ.નો અર્થ ઇસવી સનને બદલે ‘ઇન્ટરનેટ સંવત’ થતો હોત તો તેમાં દર દાયકે યુગ બદલાતો હોત. યાહુ-યુગ, ગુગલ-યુગ...અને વર્તમાન સમય ‘ફેસબુક યુગ’ ગણાયો હોત. ૧૯ વર્ષના છોકરડા માર્ક ઝકરબર્ગે ૨૦૦૪માં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ તરીકે ‘ફેસબુક’/Facebookની શરૂઆત કરી ત્યારે તેનો આશય ફક્ત એટલો જ હતો કે કોલેજિયનો એકબીજાના સંપર્કમાં રહી શકે. એકબીજા સાથે અને એકબીજા વિશેની વિગતોની આપ-લે (‘શેરિંગ’) કરી શકે. પરંતુ સિલિકોન વેલીની સાચી પડેલી પરીકથાઓની માફક ‘ફેસબુક’નું કદ-કાઠું એટલું વઘ્યું કે સ્કૂલો-કોલેજોની મર્યાદિત સૃષ્ટિ ક્યાંય પાછળ રહી ગઇ અને તે વિશ્વની સૌથી વઘુ સભ્યસંખ્યા ધરાવતી સાઇટ બની ગઇ. હવે ‘ફેસબુક’ પાંચ અબજ ડોલરનો પબ્લિક ઇસ્યુ લાવીને ખાનગી મટીને જાહેર કંપની બની રહી છે, ત્યારે કંપની અને તેના માલિક ઝકરબર્ગ/ Mark Zuckerberg વિશે અત્યાર લગી અજાણી - ઓછી જાણીતી રહેલી ઘણી વિગતો બહાર આવી છે. તેનાથી ‘ફેસબુક’ના પ્રભાવ અને સરવાળે ઇન્ટરનેટ માઘ્યમની પ્રચંડ ક્ષમતાનો વધારે નક્કર ખ્યાલ આવી શકે છે.
‘ફેસબુક’ની સૌથી મોટી તાકાત છે તેની સભ્યસંખ્યા અને એ સભ્યોને લાગેલું ‘ફેસબુક’નું બંધાણ. ડિસેમ્બર, ૨૦૧૧ના આંકડા પ્રમાણે, ‘ફેસબુક’ના એક્ટિવ યુઝર્સ- એટલે કે ફક્ત ખાતું ખોલાવીને બેસી રહેવાને બદલે ડિસેમ્બર, ૨૦૧૧માં જેમણે એકાદ વાર પણ ‘ફેસબુક’ પર પોતાનું ખાતું જોયું હોય એવા લોકોની સંખ્યા છેઃ ૮૪.૫ કરોડ. મહિનાને બદલે રોજેરોજ ‘ફેસબુક’ વાપરનાર લોકોનો આંકડે પણ તોતિંગ છેઃ ૪૮.૩ કરોડ. એટલે જ કહેવાય છે કે ‘ફેસબુક’ના સભ્યોનો અલગ દેશ બનાવવામાં આવે તો વસ્તીની રીતે એ (ચીન-ભારત જેવા અપવાદો બાદ કરતાં) દુનિયાના મોટા ભાગના દેશોને પાછળ પાડી દે. ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ‘ફેસબુક’ પર દરરોજ (૨૪ કલાકમાં) સરેરાશ ૨.૭ અબજ ‘લાઇક’ અને ‘કમેન્ટ’ થયાં. એટલે ૧ કલાકની સરેરાશ ૧૦૦ કરોડથી પણ વઘુ થઇ.
ફેસબુકના ડાયરેક્ટર ઓફ એન્જિનિયરિંગ આદિત્ય અગ્રવાલના લગ્નમાં ભારતીય પોશાકમાં (ગરબા કરતા?) માર્ક ઝકરબર્ગ અને તેમની ગર્લફ્રેન્ડ. પૂના, જાન્યુઆરી 2010
વર્ષ ૨૦૧૧માં ‘ફેસબુક’નો વકરો ૩.૭ અબજ ડોલર અને ચોખ્ખી આવક ૧ અબજ ડોલર હતી. હવે તે અંદાજે ૨૯.૭૩ ડોલરની કિંમતના એક શેર લેખે કંપનીના શેર વેચીને બજારમાંથી પાંચ અબજ ડોલરની રકમ ઉભી કરવા માગે છે. ઇન્ટરનેટ-જગતનો આ સૌથી મોટી રકમનો પબ્લિક ઇશ્યુ બની રહેશે. તેના પરિણામે એક કંપની તરીકે ‘ફેસબુક’નું મૂલ્ય ૭૫ અબજ થી ૧૦૦ અબજ ડોલર જેટલું અંકાશે એવી ધારણા છે.
આ તો થઇ કંપનીના રાક્ષસી કદની વાત. પણ લાખ રૂપિયાનો, બલ્કે ૧૦૦ અબજ ડોલરનો, સવાલ એ થાય કે ‘ફેસબુક’ પર તેના સભ્યો મનમાં આવે તે લખે, તસવીરો-વિડીયો મૂકે, ‘ફેસબુક ફ્રેન્ડ્સ’ સાથે ‘શેર’ કરે, એકબીજાએ મૂકેલી ચીજો જુએ, એના વિશે કંઇક કહે, ફાર્મવીલ જેવી રમતો રમે, પ્રેમ કરે ને લડે, પરણે ને છૂટાછેડા લે, ડેટિંગ કરે ને લાળ ટપકાવે - તેનાથી ‘ફેસબુક’ અને ઝકરબર્ગને કેવી રીતે કરોડો ડોલરની કમાણી થાય? ઝકરબર્ગ એવું તે શું વેચે છે? અવ્વલ નંબરનું સર્ચ એન્જિન ગુગલ સર્ચનાં પરિણામોની સાથે સુસંગત હોય એવી જાહેરખબરો પણ દર્શાવીને, જાહેરખબરો આપનાર કંપનીઓ પાસેથી નાણાં વસૂલ કરે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરખબરની આવક છે, તો છેલ્લાં ત્રણેક વર્ષથી નફો કરતી ‘ફેસબુક’ શી રીતે કમાય છે?
તેનો જવાબ મુલ્લા નસીરુદ્દીનના નામે ચડેલી એક રમૂજની યાદ અપાવે છે. મુલ્લા રોજ ગધેડા પર માલ લાદીને એક પ્રદેશની સરહદ વટાવીને બીજા પ્રદેશના બજારમાં એ વેચવા જાય. સરહદ પરના કસ્ટમ અધિકારીએ મુલ્લાને માલ લઇ જવાની ના પાડી, તો મુલ્લા ફક્ત ગધેડો લઇને આવ-જા કરવા લાગ્યા. છતાં તે કમાણી કરી રહ્યા હતા. થોડા દિવસ તાલ જોયા પછી ન રહેવાતાં અધિકારીએ મુલ્લાને તેમની આવકનું રહસ્ય પૂછ્યું, એટલે મુલ્લાએ કહ્યું, ‘હું માલ નથી વેચતો. આખેઆખો ગધેડો જ વેચું છું ને રોજ નવો ગધેડો લઇને આવું છું.’
એક સમીક્ષકે આ જ વાત જરા જુદી રીતે કહી છેઃ ‘જો તમે કોઇ ચીજ મફતમાં મેળવતા હો, તો સમજવું કે (તમને મફત ચીજ આપનાર કંપની માટે) તમે પોતે જ એક પ્રોડક્ટ છો (અને કંપની તમને વેચે છે).’ કરોડો સભ્યોએ સ્વેચ્છાએ- હોંશે હોંશે ‘ફેસબુક’ પર મૂકેલી પોતાની વિગતો ‘ફેસબુક’ બીજી કંપનીઓને વેચે છે અને તેમાંથી અઢળક કમાણી કરે છે, એવો આરોપ વારંવાર થતો રહે છે. પબ્લિક ઇસ્યુ માટે અમેરિકાના ‘સિક્યોરિટી એન્ડ એક્ચેન્જ કમિશન’માં રજૂ કરેલી કંપનીની સત્તાવાર માહિતીમાં જણાવ્યા પ્રમાણે, કુલ આવકમાંથી ૮૫ ટકા જેટલો મોટો હિસ્સો જાહેરખબરોમાંથી આવે છે. ફક્ત બે જ વર્ષ પહેલાં કંપનીની ૯૮ ટકા આવક જાહેરખબરોમાંથી આવતી હતી, પરંતુ ‘ફેસબુક’ પર ફાર્મવીલ જેવી ગેમ્સ એટલી લોકપ્રિય બની છે કે ગેમ્સ બનાવનાર કંપની પોતાની આવકમાંથી ‘ફેસબુક’ને જે કમિશન ચૂકવે છે તેનો હિસ્સો ‘ફેસબુક’ની કુલ આવકમાં ૧૨ ટકા જેટલો મોટો થયો છે.
આંખો પહોળી થઇ જાય એવા આંકડા ધરાવતી ‘ફેસબુક’ના પબ્લિક ઇશ્યુની જાહેરાત થતાં કંપનીની કાર્યપદ્ધતિ-અસરકારકતા અને ભવિષ્ય વિશે પણ ચર્ચા ચાલી છે. એ ભવિષ્યવાણીમાંથી બધી કંપનીના વર્તમાન જેટલી ભવ્યતાસૂચક નથી. ‘ફેસબુક’નો પબ્લિક ઇશ્યુ આવતાં, મોટી સંખ્યામાં તેના શેર ધરાવતા કંપનીના ઘણા કર્મચારીઓ કરોડપતિ બની જાય એવી પૂરેપૂરી સંભાવના છે. તેમાંથી ઘણા ‘ફેસબુક’ની નોકરી છોડીને પોતપોતાના વ્યવસાય કે વેબસર્વિસ શરૂ કરે એવી ધારણા અને ભૂતકાળનો અનુભવ પણ છે.
‘ફેસબુક’ તરફથી અત્યાર લગી એવું આશ્વાસન અપાતું રહ્યું છે કે સભ્યોની અંગત વિગતોનો વેપલો કરવામાં આવતો નથી કે તે કોઇને પૂરી પાડવામાં આવતી નથી. પરંતુ અંગત વિગતોના આધારે સભ્યોની ઓળખને ઘ્યાનમાં લઇને, તેને અનુરૂપ- ટાર્ગેટેડ- જાહેરખબરો મૂકવામાં આવે છે અને તેના પેટે રકમ વસૂલવામાં આવે છે. પરંતુ ‘ફેસબુક’ પર મૂકેલી જાહેરખબરો ખાસ અસરકારક નીવડતી નથી, એવી છાપ આઇ.ટી.વર્તુળોમાં વધારે પ્રચલિત બની રહી છે. ‘ફેસબુક’ના ઘરેડ બંધાણીઓમાંથી ભાગ્યે જ કોઇ જાહેરખબર પર ક્લિક કરે છે.
સતત વધતી સભ્યસંખ્યાને કારણે હજુ સુધી ‘ફેસબુક’ને નવા સભ્યો મળી રહે છે અને તેમની વિગતોના આધારે, ‘ચોક્કસ જૂથના લોકો સમક્ષ તમારી જાહેરાત રજૂ કરી શકાશે’ એવું ગાજર લટકાવીને કંપનીઓને જાહેરખબર આપવા આકર્ષી શકાય છે. પરંતુ વ્યાપક બનતી જતી છાપ પ્રમાણે, ‘ફેસબુક’ પરની જાહેરખબરો અકસીર નહીં નીવડે તો તેની કમાણીનો મોટો સ્ત્રોત ભવિષ્યમાં કાચો પડવાની આશંકા વ્યક્ત થાય છે. ‘ફેસબુક’ના સભ્યો સાઇટ પર વઘુમાં વઘુ સમય વીતાવે અને ‘શેરિંગ’ સિવાય તેમના માટે બીજાં આકર્ષણો પણ ઊભાં થતાં રહે, એવો ‘ફેસબુક’નો પ્રયાસ રહેશે. બજારમાંથી ઊભા કરાનારા પાંચ અબજ ડોલરનો મોટો હિસ્સો પણ ‘ફેસબુક’નો વિસ્તાર કરવામાં- તેને ભવિષ્યના કઠણ પડકારો સામે સજ્જ બનાવવામાં થશે એવું અનુમાન છે.
એક આશંકા એવી પણ છે કે શેરબજારમાં દાખલ થયા પછી ‘ફેસબુક’ પર નફાનું ઊંચું ધોરણ જાળવી રાખવા માટે રોકાણકારોનું દબાણ વધશે, તેમ બીજા રસ્તા ઉપરાંત સભ્યોની અંગત માહિતીનો રોકડી કરવાની લાલચ પણ વધી શકે છે. થોડાં વર્ષ સક્રિય રહ્યા પછી ‘ફેસબુક’નું બંધાણ ઉતરવા લાગ્યું હોય એવા લોકો પણ છે. ‘દરેકનો દસકો હોય’ એવી દેશી કહેણી પ્રમાણમાં ચીલઝડપી પરિવર્તનની પરંપરા ધરાવતા ઇન્ટરનેટ જગતમાં ઘણી વાર સાચી પડે છે- સિવાય કે કંપની પરિવર્તનની ઝડપ કરતાં એક ડગલું આગળ રહી શકે. વેબસાઇટ-વિશ્વમાં ‘વફાદારી’ જેવો શબ્દ હોતો નથી. જેના વિના દિવસ ઉગતો કે આથમતો ન હોય એવી સર્વિસ કરતાં થોડી વઘુ સારી, જુદી કે નવી સર્વિસ મળે તો તે અજમાવવામાં સાઇટના જૂના સભ્યોને કશો ખચકાટ થતો નથી.
અત્યાર સુધી ‘ફેસબુક’ પરિવર્તન અને હરિફાઇના પડકાર ઝીલવામાં સમર્થ રહી છે, પરંતુ આવનારાં એક-બે વર્ષમાં ૭૫ અબજ-૧૦૦ અબજ ડોલરની કંપની તરીકેની આભા અને પરિવર્તનના મોજા પર સવાર થવાને બદલે, પોતે જ પરિવર્તનનો પ્રવાહ પેદા કરવાની તેની ક્ષમતા કેવીક ટકશે તે જોવાનું રહે છે.
Labels:
it,
mark zuckerberg
Subscribe to:
Post Comments (Atom)
very nice story sir i like mullah nasrudis sell gadheda
ReplyDeleteYes, Urvishbhai, we are individually & collectively on sale........ 24x7.......without our tacit knowledge & consent.What can we do?
ReplyDeleteહવે આ ઇ.નેટ યુગમાં ગુપત્ત્તા છીનવાઈ ગઈ છે.
ReplyDeleteભણવામાં ડબ્બો પણ નિષ્ણાત હેકર બની શકે છે.
ડાકૂગીરી માટે હતિયાર અને ચંબલની ખીણની જરૂરત નથી.
ફેઅબૂકે ઘણાનાં ચહેરાઓ દેફેસ કરી દીધા છે.
સહુથી વધુ એનો દુર્પયોગ કોમ્યુટર વિહોણા નોબાઇલ મસ્ટરો કરે છે.
સબસે બચ સકતે હં હમ
યે આયનેસે કૈસે બચે.
ઊર્વીશભાઈ,
ReplyDeleteખરેખર સાચી વાત! ઈ-બિઝનેસનું એક સફળ ઉદાહરણ પૂરું પાડતાં કિસ્સાઓમાં 'ફેસબુક' અગ્રેસર છે.
સુંદર લેખ!
Hello Mr. Urvish Kothari,
ReplyDeleteI have liked the content given for Face book. thanks.
I am a senior citizen,please show me the legitimate system to work from home on Internet to earn money. Please do and oblige. thanks.
bhaskar.thakar@hotmail.com
ગુજરાત ના અઠંગ ધંધાદારીઓ કરતા આ છોકરડો ક્યાય ટપી ગયો...
ReplyDelete