Showing posts with label railway. Show all posts
Showing posts with label railway. Show all posts

Tuesday, December 15, 2015

બુલેટ ટ્રેન : સુવિધા કે શો-બાજી?

ભારત જેવા દેશે અંદાજે રૂ.૧ લાખ કરોડનો ખર્ચ કોઇ એક પ્રૉજેક્ટ માટે કરવાનો હોય, ત્યારે ઠંડા કલેજે વિચારવું પડે. પરંતુ એ વાત બુલેટ ટ્રેનbullet train / ની હોય, તો ચર્ચા તરત રાજકીય રંગ ધારણ કરે છે અને તુ તુ મૈં મૈંશરૂ થઇ જાય છે. તેનાથી દૂર રહીને, ફક્ત હકીકતોની દૃષ્ટિએ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચકાસવા જેવો છે.

ભારત જેવા પ્રાથમિક સુવિધાઓનો વ્યાપક અભાવ ધરાવતા દેશ માટે, તપાસની એક મુખ્ય રીત સરખામણીની અને ખર્ચ-લાભની છે : બુલેટ ટ્રેન પાછળ જે ખર્ચ થવાનો છે, તેનાથી કોને કેટલો ફાયદો થશે? એટલા જ ખર્ચમાં બીજું શું થઇ શકે? અને તેનાથી કયા વર્ગના કેટલા લોકોને ફાયદો થાય? આ રીતે વિચારતાં બુલેટ ટ્રેન નાણાંના અવિચારી અને દેખાદેખીમાં કરાતા બગાડ જેવી લાગે છે--ભલે જાપાન તેના માટેની લગભગ ૮૧ ટકા રકમ ઉદાર શરતે લોન પેટે આપવાનું હોય.

સ્ક્રોલવેબસાઇટ પર રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, ચાલુ વર્ષનું ભારતીય રેલવેનું બજેટ રૂ.૪૨ હજાર કરોડ છે અને રેલવેતંત્રની સલામતી માટે રૂ.૨૫ હજાર કરોડ ફાળવાયા છે. આમ બધું મળીને ૨૦૧૫-૧૬માં રૂ.૬૭ હજાર કરોડ આખા દેશની રેલવે પાછળ વપરાવાના છે, જ્યારે અમદાવાદ-મુંબઇના એક જ રૂટની બુલેટ ટ્રેન પાછળ રૂ.૯૮ હજાર કરોડ ખર્ચાશે (જો બઘું ધાર્યા મુજબ પૂરું થાય તો).

આ વર્ષે બજેટમાં શાળાઓ પાછળ રૂ.૪૨ હજાર કરોડ અને આરોગ્ય માટે રૂ.૩૦ હજાર કરોડ ફાળવાયા છે. આમ, દેશના સાચા વિકાસ માટે સૌથી મહત્ત્વનાં બે ક્ષેત્રો-- શાળાઓ (શિક્ષણ) અને આરોગ્ય-નું કુલ વાર્ષિક બજેટ રૂ.૭૨ હજાર કરોડ છે, જ્યારે એક જ બુલેટ ટ્રેન માટે રૂ.૯૮ હજાર કરોડ. રેલવે અને હાઇવે, એ બન્ને મહત્ત્વની માળખાકીય સુવિધાઓ માટેનું કુલ વાર્ષિક બજેટ અનુક્રમે રૂ.૪૨ હજાર કરોડ અને રૂ.૪૩ હજાર કરોડ છે. તેમનો સરવાળો પણ બુલેટ ટ્રેનના ખર્ચ કરતાં ઓછો થાય છે. જાપાને આપેલી તોતિંગ અને ઉદાર શરતની લોનનો હિસ્સો બાદ કરીએ તો પણ ભારતે બુલેટ ટ્રેન પાછળ (અત્યારના અંદાજ પ્રમાણે) સત્તર-અઢાર હજાર કરોડ રૂપિયા ખર્ચવાના થાય. આ રકમ કેટલી મોટી કહેવાય તે આગળ ટાંકેલા બજેટના આંકડા સાથે સરખાવીને જોઇ શકાય. ટૂંકમાં, એક તરફ રામ ને એક તરફ ગામ જેવો આ હિસાબ છે.

તેની સામે, આશરે રૂ. ત્રણેક હજારની આસપાસની ટિકિટ ધરાવતી બુલેટ ટ્રેનનો લાભ કયો વર્ગ લેશે એ સાફ છે. આ વર્ગ પાસે શતાબ્દિ-દુરાન્તો-ડબલડેકર જેવી મોંઘી-સુવિધાદાયક ટ્રેનોથી માંડીને વિમાન જેવા વિકલ્પ હાલમાં મોજૂદ છે અને બુલેટ ટ્રેન શરૂ થતાં લગી તેમાં બીજા ઉમેરા પણ થતા રહેશે. તેમાં વઘુ એક, સૌથી મોંઘી-સૌથી ઝડપી સુવિધા આવવાથી રેલવેને અને અર્થતંત્રને શો ફાયદો થશે એ તો ખબર નથી, પણ એ ન આવે તો દેશની આર્થિક પ્રગતિમાં કશો અંતરાય આવવાનો નથી. એક તરફ રેલવેની ઓછામાં ઓછી ટિકિટ રૂ.પાંચમાંથી સીધી રૂ.૧૦ અને પ્લેટફૉર્મ ટિકિટની કિંમત પણ રૂ.૧૦ કરી નાખવામાં આવે છે, જેથી સામાન્યમાં સામાન્ય માણસનું ખિસ્સું વેતરી શકાય અને ટીપે ટીપે કમાણીનું સરોવર ભરાય. બીજી તરફ, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ માટે જાવકનો ધોધ ચાલુ કરી દેવાય છે.

આટલું જાણ્યા પછી પણ ના, અમારે તો બુલેટ ટ્રેન જોઇએએવી બાળહઠ કરી જ શકાય. હકીકતમાં નાગરિકો માગે કે ન માગે, વડાપ્રધાનને આ મોંધુંદાટ રમકડું આણવું છે. કારણ કે તેનાથી ઝાઝી ખટપટમાં ઉતર્યા વિના વિકાસદેખાડી શકાય છે. કહી શકાય કે અમારે ત્યાં રૂ.૩ હજાર કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું છે ને રૂ.એક લાખ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન આણી છે. એટલે અમારા દેશમાં વસ્તીના મોટા હિસ્સા માટે શૌચાલયોનાં ઠેકાણાં નથી, એમ કહેનારા વાંકદેખા છે.

બુલેટ ટ્રેન’ (ટેક્‌નિકલ નામ : હાઇ સ્પીડ રેલ High Speed Rail / HSR)ની દેશનાં મહાનગરોને સાંકળવાની યોજના ગયા દસકામાં આરંભાઇ હતી. તેના માટે ૨૦૧૨માં ભારતીય હાઇ સ્પીડ રેલ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જે કેન્દ્ર સરકારના જાહેર સાહસ રેલ વિકાસ નિગમ લિમિટેડનો હિસ્સો છે. એનડીએ સરકાર વખતે બનેલા હાઇ-વે ચતુષ્કોણની જેમ, હાઇ સ્પીડ રેલના ચતુષ્કોણથી મુંબઇ-અમદાવાદ-દિલ્હી-ચેન્નઇ-કોલકાતાને જોડવા માટેની યોજના છે. બધા રૂટના ફિઝીબીલીટી રીપોર્ટ એટલે કે એ રસ્તે હાઇ સ્પીડ ટ્રેન ચલાવવા માટે કયાં પાસાં ધ્યાનમાં રાખવાં પડે વગેરે વિગતોના અભ્યાસનું જુદી જુદી કંપનીઓને સોંપાઇ ગયું છે.

આ વર્ષે ઇન્ડોનેશિયાએ હાઇ સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટનો આખો કૉન્ટ્રાક્ટ જાપાનને પડતું મૂકીને ચીનને આપ્યો. ઘણા સમયથી એ કામ માટે ફિલ્ડિંગભરતા જાપાનને તેનાથી આંચકો લાગ્યો હતો, જે અમદાવાદ-મુંબઇનું કામ મળ્યા પછી થોડો હળવો થયો હશે. ઇન્ડોનેશિયામાં પણ જાપાને ૦.૧ ટકા વ્યાજે ૪.૪ અબજ ડૉલરની લોન ઉપરાંત સંબંધિત ટેકનોલોજી આપવાની અને દરિયાઇ વ્યાપારના સંબંધોમાં વધારાની વાત કરી હતી. અલબત્ત, લોન સામે તેમણે સરકારી ગેરન્ટી માગી હતી, જ્યારે ચીને આવી કોઇ ગેરન્ટી વિના ૫.૨૭ અબજ ડૉલર આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ઉપરાંત ટ્રેનને લગતી ઉત્પાદન કામગીરી માટે ઇન્ડોનેશિયામાં ક્ષમતા ઊભી કરીને, ૪૦ હજાર લોકોને રોજગારી આપવાનો વાયદો પણ કર્યો. ચીન માટે નાણાંની સમસ્યા નથી. તેને પોતાનો પ્રભાવ (કે પંજો) વિસ્તારવાનો લોભ છે. એટલે ભારતમાં પણ તે બીજા રૂટ પર કામ મેળવવા બઘું કરી છૂટશે.

મુંબઇ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન માટે જાપાના સાથે રોકાણના કરાર થઇ ગયા પછી હવે સરકાર એ પ્રોજેક્ટમાં પાછી પાની કરે એમ લાગતું નથી. એ સંજોગોમાં કેટલાક નિષ્ણાતોએ તેના અધધ ખર્ચને સાર્થક બનાવવા માટે કેટલાંક સૂચન કર્યાં છે. બુલેટ ટ્રેન માટે હાલના પાટા કામમાં લાગવાના નથી. તેના માટે અલગ લાઇન બિછાવવાની હોય તો અમદાવાદથી મુંબઇ વચ્ચેના વર્તમાન રૂટની સમાંતરે કરવાને બદલે, આખો રૂટ અલગ કરી શકાય. તેનાથી અત્યારના રૂટ સાથેની તેની હરીફાઇ નહીં રહે અને રૂટમાં ન આવરી લેવાતાં કેટલાંક શહેરોને સાંકળી શકાશે. ઉદાહરણ તરીકે એક નિષ્ણાતે અમદાવાદ-મુંબઇના રૂટને ધોલેરા-ખંભાત-સુરત-નાશિક-થાણે-નવી મુંબઇ-મુંબઇનો રૂટ સૂચવ્યો છે. 

બીજો મુદ્દો ટેકનોલોજી ટ્રાન્સફર અને મેક ઇન ઇન્ડિયાનો છે. ૦.૧ ટકાના દરે પચાસ વર્ષ માટે લોન આપનાર જાપાને ઠરાવ્યું છે કે આ ખર્ચના ૩૦ હિસ્સાની ખરીદી ભારતે જાપાની કંપનીઓ પાસેથી કરવાની રહેશે. સામે પક્ષે, ભારત હાઇસ્પીડ ટ્રેનને લગતી સઘળી ટેક્‌નોલોજી જાપાન પાસેથી મેળવીને, ભારતમાં જ તેનું ઉત્પાદન કરવાનો આગ્રહ રાખે, તો ભવિષ્યના પ્રોજેક્ટમાં તેને બીજા દેશો પર આધારિત ન રહેવું પડે.  આ બાબતમાં ભારતનો ટ્રેક રેકોર્ડ (સંરક્ષણના સોદાઓમાં) નબળો છે.

બુલેટ ટ્રેન આવી જ પડવાની હોય તો તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે અને મોંઘા રમકડા તરીકે કે શો પીસતરીકે નહીં, પણ માળખાકીય સુવિધાના એક અંગ તરીકે જોવી પડે અને એ રીતે તેના રૂટનું આયોજન કરવું પડે. રાજનેતાઓને જો કે એ બહુ ફાવતું નથી.   

Friday, July 18, 2014

(બુ)લેટ ટ્રેન : અસુવિધા કે લિયે ખેદ હૈ

ભારતમાં લેટ ટ્રેેનની જેમ બુલેટ ટ્રેનની- એટલે કે તેના વાયદાની- પણ નવાઇ રહી નથી. જે રીતે વર્ષોથી બુલેટ ટ્રેનના નામે લોકોને ગોળીઓ ગળાવવામાં આવે છે, એ જોતાં તેનું નામ ‘કેપ્સુલ ટ્રેન’ રાખવામાં આવે તો પણ ખોટું નથી.

બુલેટ ટ્રેન જોઇ ન હોય એવા ઘણા લોકો  પોતપોતાની રીતે તેનો અર્થ સમજવા કે બેસાડવા પ્રયાસ કરે છે. સત્તાધારી પક્ષના કેટલાક વીઆઇપીઓ આ પ્રોજેક્ટને ‘સાહેબનો’ ગણીને જાહેરમાં તેનાં ગુણગાન ગાતા હશે, પણ અંદરખાને તેમને ચિંતાભર્યો સવાલ થાય છે : ‘બુલેટપ્રૂફ બખ્તર પહેરીને બુલેટ ટ્રેનમાં બેસી શકાય? અને જો બેસીએ તો બુલેટપ્રૂફ બખ્તર કામ આપવાનું ચાલુ રાખે ખરું?’ કેટલાક પોલીસ અફસરોને લાગે છે કે નકલી એન્કાઉન્ટરો વખતે છોડેલી બુલેટોનો હિસાબ આપવા માટે અમદાવાદથી મુંબઇની અદાલતોમાં ધક્કા ખાવાનું સહેલું પડે, એટલા માટે સરકાર ઝડપથી આ વ્યવસ્થા ઊભી કરવા માગે છે અને એટલે જ તેને ‘બુલેટ ટ્રેન’ જેવું સૂચક નામ આપ્યું છે. શક્ય છે કે તેને અમદાવાદથી નહીં, પણ સાબરમતી સ્ટેશનેથી ઉપાડવામાં આવે.

રેલવે ક્રોસિંગ બંધ થઇ ગયા પછી, તેની નીચેથી ઝૂકીને પોતાનાં વાહનો સાથે પાટા ક્રોસ કરનારા સાહસિકો અત્યારથી બુલેટ ટ્રેનના સ્વાગત માટે થનગની રહ્યા છે. કલ્પના કરો : ક્રોસિંગ બંધ થાય, બુલેટ ટ્રેન ધસમસતી આવી રહી હોય અને મોતને મુઠ્ઠીમાં લઇને ફરતા અમદાવાદના જાંબાઝ વાહનચાલકોમાંનો કોઇ, રૂ.૬૦ હજાર કરોડના ખર્ચે બનેલી બુલેટટ્રેનની આબરૂની ઐસીકી તૈસી કરીને, તેની સામેથી બિનધાસ્ત સાયકલ કે સ્કૂટર દોરીને પાટા ઓળંગી જાય...

‘બુલેટ ટ્રેનના રસ્તામાં ક્રોસિંગ ન હોય’ - એવી ટેક્‌નિકલ દલીલ અહીં અસ્થાને છે. (એટલે તો કલ્પના કરવાનું કહ્યું છે.) પણ આવું થાય તો જોનારાને કેવો એક્શન-પેક્‌ડ રોમાંચ મફતમાં અનુભવવા મળે? અને પાટા ઓળંગનારને (જો એ જીવીત હોય તો) એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, ઘરઆંગણે એડ્‌વેન્ચર સ્પોર્ટ્‌સનો કેવો લહાવો પ્રાપ્ત થાય? આટલી હિંમત ન ધરાવતા સાધારણ મનુષ્યોને બુલેટ ટ્રેન પસાર થતી જોઇને જ હરખઘેલા થઇ જશે. આમ પણ, પોતાને સીધો કશો ફાયદો  ન હોય એવા ઝળહળાટથી રાજી થવાની અમદાવાદના-ગુજરાતના લોકોને હવે ખાસ્સી પ્રેક્ટિસ પડી ગઇ છે - પછી તે સાબરમતી નદીમાં ઠલવાયેલું નર્મદાનું પાણી હોય કે કાંકરિયામાં  મુકાયેલું હિલીયમ બલુન. તેની સરખામણીમાં બુલેટ ટ્રેન તો રૂ.૬૦ હજાર કરોડનો મામલો છે.

ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે સરકાર રૂ.૬૦ હજાર કરોડ જેટલી તોતિંગ રકમ લાવશે ક્યાંથી? મોટા ભાગના લોકો માટે લાખ રૂપિયાથી ઉપરની રકમો સાક્ષાત્કાર કે અનુભૂતિનો નહીં, શ્રદ્ધાનો વિષય હોય છે. એટલે રૂ.૬ હજાર કરોડ, રૂ.૬૦ હજાર કરોડ અને રૂ.૬૦ લાખ કરોડમાં તેમને ખાસ ફરક લાગતો નથી. ‘હજાર કરોડ’ એ બે શબ્દો સાથે બોલતાં જ મોઢું એટલું ભરાઇ જાય છે કે બાકીની વિગતો ગૌણ બની જાય.  છતાં સંશયાત્માઓની જાણ માટે : ગયા વર્ષનું આખા દેશનું આરોગ્ય માટેનું બજેટ રૂ.૩૭ હજાર કરોડ ને શિક્ષણનું બજેટ લગભગ રૂ.૬૫ હજાર કરોડ હતું.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો અત્યારનો અંદાજ રૂ.૬૦ હજાર કરોડનો છે, પણ જો એ ખરેખર બનશે તો, ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે તેની પાછળ થયેલું ખર્ચ ઘણું વધી ચૂક્યું હશે. એ સમયના ભારતીયો ગૌરવથી કહી શકશે કે દેશના એક વર્ષના શિક્ષણ બજેટ જેટલા રૂપિયા તો અમે ફક્ત અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનમાં નાખ્યા છે. વઘુ પડતા સંવેદનશીલ માણસોને આ વાત બંદૂકની ગોળીની જેમ લમણે વાગશે- અને તેમને ‘બુલેટ ટ્રેન’નું નામ સાર્થક લાગશે. ખર્ચના હિસાબે કેટલાક તેને ‘તાજમહાલ ઑન વ્હીલ્સ’ કહેવા પણ લલચાશે.

બુલેટ ટ્રેનને અમદાવાદથી મુંબઇ પહોંચતા બે-ત્રણ કલાક લાગશે એવું કહેવાય છે. તેની પર ‘શરતો લાગુ’ની ફુદડી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. મુખ્ય શરત એ હોઇ શકે છે કે ‘બે-ત્રણ કલાકનો સમય અમદાવાદથી મુંબઇ પહોંચવાનો ‘નેટ’ સમય છે. ટ્રેન લેટ થાય એ સંજોગોમાં અમારી કોઇ જવાબદારી રહેશે નહીં અને એ સંજોગોમાં ગ્રાહકે ડ્રાયવર કે ટીટી સાથે તકરાર કરવી નહીં.’ કૌંસમાં એવું પણ સૂચવવામાં આવશે કે તમને મફત ખાવાપીવાનું તો આપીએ છીએ. પછી ‘ટાઇમ, ટાઇમ’ શું કરો છે? હિંદુસ્તાની છો કે અંગ્રેજ?

આટલા ઓછા સમયમાં મુસાફરી પૂરી થઇ જતી હોવાથી, બુલેટ ટ્રેનના મુસાફરો માટે એક આખું હિંદી પિક્ચર જોવા જેટલો ટાઇમ પણ નહીં રહે. પિક્ચરનો એન્ડ બાકી હશે ને મુંબઇ આવી જશે, એટલે ગ્રાહક તરીકેના હક માટે સદાજાગ્રત એવા કેટલાક મુસાફરો ટિકિટના કેટલાક હિસ્સાનું વળતર મેળવવા કકળાટ મચાવશે. તેમાંથી લાંબા ગાળે બુલેટ ટ્રેનની મુસાફરી જેટલી જ લંબાઇની ફિલ્મો બનાવવાનો નવો દૌર શરૂ થશે.

બુલેટ ટ્રેનને કારણે મુંબઇ નોકરી કરતા લોકો અમદાવાદમાં રહેવા આવી શકશે. અમદાવાદમાં પણ ‘ન્યૂ મણિનગર’ની જેમ ‘નવી મુંબઇ’ જેવા વિસ્તારો અસ્તિત્ત્વમાં આવશે. મુંબઇનું ભૌગોલિક અંતર ઘટી જતાં  અમદાવાદમાંથી દારૂબંધી દૂર કરવાની માગ ઊભી થશે. એ ન સ્વીકારાય ત્યાં સુધી બુલેટ ટ્રેનના ટાઇમે પ્લેટફોર્મ પર કડક પોલીસ ચેકિંગ રહેેશે. દારૂની બોટલમાં પાણી ભરતા અમદાવાદના મુસાફરો તથા પાણીની બોટમાં દારૂ ભરતા મુંબઇના મુસાફરોના ‘માલ’ની ચાખ્યા વિના ચકાસણી શી રીતે કરવી? એવી મૂંઝવણ અનુભવીને પોલીસ એ સૌ પાસેથી ‘મૂંઝવણવેરો’ વસૂલ કરશે.

બુલેટ ટ્રેનમાં બારી ખુલ્લી રાખવી કે બંધ, એવી વિશ્વશાંતિ માટે ખતરારૂપ સમસ્યાઓ (બંધ રહેતી બારીઓને લીધે) ટળી જશે, પણ બુલેટ ટ્રેનમાં અપ-ડાઉન કરનારા રોજિંદા નોકરિયાતો અમદાવાદથી ઉપડેલી ટ્રેનમાં ખાલી જગ્યાઓ રાખી મૂકશે? અને એ જગ્યા તરફ અપેક્ષાભરી નજરે જોનારને ‘આવે છે?’ કહીને ખાળી શકશે? અને ‘હવે તો ટ્રેન સીધી મુંબઇ જ ઊભી રહેવાની છે. પછી કોણ આવવાનું છે?’ એવી તાર્કિક દલીલોને ડોળા કાઢીને ફગાવી શકશે? બુલેટ ટ્રેનમાં ચાલુ ગાડીએ ચઢવા કે ઉતરવાનું શક્ય નહીં બને, એ તેની એક મોટી મર્યાદા બનશે. તેના કારણે હીરો કે હીરોઇનમાંથી એક જણ ટ્રેનમાં ચડી ગયું હોય ને બીજું પ્લેટફોર્મ પર હાથ લાંબો કરીને દોડતું હોય એવી ફિલ્મ રોમેન્ટિક સિચ્યુએશનો શક્ય નહીં બને.

શતાબ્દિ પ્રકારની ટ્રેનોમાં બેઠકો હોય એટલી જ ટિકિટ આપવામાં આવે છે. પરંતુ બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ બે-ત્રણ કલાકમાં પહોંચી શકાતું હોય તો, મુંબઇગરાઓને એ થાણા-મુંબઇ જેવું લાગશે. એ સંજોગોમાં તે બુલેટ ટ્રેનમાં ઊભાં ઊભાં મુસાફરી કરી શકાય- અને શક્ય હોય તો દરવાજે ઊભા રહેવાય- એ માટે રજૂઆતો કરશે. એ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક હશે તો આ માગણીઓ કદાચ સ્વીકારાઇ પણ જશે.

પવનવેગી મુસાફરીમાં સ્વાદ અને ગંધ ઉમેરવા માટે ચણાની દાળ, કાકડી, શિંગોડાં, સફરજન, ખારી સિંગ જેવી ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને બુલેટ ટ્રેનમાં પરવાનગી આપી શકાય. એમ કરવાથી બુલેટ ટ્રેનનો સમાજના છેવાડાના વર્ગ સાથે નાતો સ્થાપ્યાનો સંતોષ લઇ શકાશે  અને તેમાં પ્રવાસ કરનારા હાઇ-ફાઇ મુસાફરોને મફતમાં વાસ્તવિક ભારતદર્શન કરાવી શકાશે. 

Wednesday, November 28, 2012

‘ટિકિટકારણ’ : ચિંતા અને ચિંતન


ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય રીતે કન્યા માટે ‘કોડભરી’ એવું વિશેષણ વધારે પ્રચલિત છે. સાથોસાથ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય’ એવી કહેવત પણ ખરી. પરંતુ વાત ચૂંટણીમાં ટિકિટ મેળવવાની હોય ત્યારે તાલાવેલી, મૂંઝારો, અનિશ્ચિતતા, સુખદ અને દુઃખદ કલ્પનાઓ વચ્ચેનાં ઝોલાં વગેરેના મિશ્રણ જેવી ઉમેદવારોની માનસિકતા માટે ‘કોડભરી’થી વધારે શુભ શબ્દ જડતો નથી.

‘વિના ટિકિટે મુસાફરી કરવી એ ફક્ત કાનૂની જ નહીં, સામાજિક અપરાધ પણ છે’ એવું રેલવેતંત્ર ભારપૂર્વક જાહેર કરે છે. પરંતુ  ‘ટિકિટ’ વગરના નેતા હોવું એ કેવી ગંભીર સામાજિક-રાજકીય (સોશ્યો-પોલિટિકલ) પરિસ્થિતિ છે, એ ભાગ્યે જ કહેવામાં આવે છે. એટલે ટિકિટવિહોણા ‘ઘાયલો’ની ગત તેમના જેવા બીજા ભૂતપૂર્વ કે વર્તમાન ‘ઘાયલ’ સિવાય બીજા બહુ સમજી શકતા નથી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીમાં એક ભાવિ વૈજ્ઞાનિક, ઇજનેર, સી.એ. કે એમ.બી.એ. છુપાયેલો હોય છે એવું સૈદ્ધાંતિક રીતે કહી શકાય. એવી જ રીતે, દરેક ટિકિટવાંચ્છુમાં સૈદ્ધાંતિક રીતે રાજ્યનો ભાવિ પ્રધાન કે મુખ્ય પ્રધાન છુપાયેલો હોઇ શકે છે. પરંતુ આ સિદ્ધાંતસુખની અસર પરિણામ જાહેર થતાં સુધી જ ટકે છે. એક વાર ટિકિટની યાદી બહાર પડી ગયા પછી ‘રીચેકિંગ’ની તક ભાગ્યે જ મળે છે.

ચૂંટણીની જાહેરાત થાય એ સાથે જ, કોઇ દેશી કન્યા એક અઠવાડિયા માટે પરદેશથી પરણવા આવવાની હોય એવું વાતાવરણ ઊભું થાય છે. કન્યાના પરિવારની જેમ સંભવિત ટિકિટવાંચ્છુઓએ તડામાર તૈયારીમાં લાગી જવું પડે છે. એ વખતે કોઇ તેમને પૂછે તો એ કહે છે, ‘બઘું ફાઇનલ જ છે. બસ, મુરતિયો મળી જાય એટલે...’ હકારાત્મક વિચારસરણીની ગોળીઓ પીવડાવનારા કહે છે તેમ, દુનિયા આશા પર ટકેલી છે. એટલે ટિકિટ-વાંચ્છુઓ ચૂંટણી લડવાની જ છે એ આશાએ તૈયારી કરવા લાગે છે. લગ્નપ્રસંગ માટે મંડપવાળા ને બેન્ડવાજાથી માંડીને ગોરમહારાજ સુધી બધાની વ્યવસ્થા  કરવી પડે, તેમ ટિકિટ માટે પોતાના સ્થાનિક ટેકેદારોથી માંડીને છેક ટોચ સુધી જ્યાં છેડા અડતા હોય એ બધા છેડા ચેક કરી લેવા પડે. એની પર ઘૂળ જામી હોય કે કનેક્શન ઢીલાં થયાં હોય તો તેમને નવેસરથી હલાવીને ચેતનવંતાં બનાવવાં પડે. પહેરવેશથી માંડીને વાતેવાતે બે હાથ જોડીને ‘હેં..હેં..હેં.., હું તો તમારો પ્રતિનિધિ છું.’ વાળી મુદ્રા ધારણ કરવાની પ્રેક્ટિસ પાડવી પડે.

ચૂંટણી નજીક આવે અને તારીખોની જાહેરાત થાય, એટલે લગ્નોત્સુક કન્યા દેશમાં આવી ગઇ હોય એ તબક્કો શરૂ થાય. ત્યાર પછી ‘બાકી બદ્ધું ગોઠવાઇ ગયું છે’ના રટણને બદલે, જે એકમાત્ર ચીજ બાકી છે ત્યાં સુધી પહોંચવાના સીધા પ્રયાસ શરૂ થાય. ત્યારે ઘણી વાર બાળકો માટે આવતાં ‘રસ્તો શોધો’નાં ચિત્રો જેવી સ્થિતિ સર્જાય છે.  ‘સસલાને ગાજર સુધી પહોંચાડી આપો’ની ભૂલભૂલામણીમાં સસલું ને ગાજર આમનેસામને હોવા છતાં, તેમની વચ્ચેના રસ્તા એટલા ગૂંચવાડાભર્યા હોય છે કે વચ્ચે રસ્તો જરાક જ ફંટાય તો સસલું ગાજર સુધી પહોંચી ન શકે.

એવી જ રીતે, ટિકિટ સુધી પહોંચવાના અનેક રસ્તા દેખાતા હોય, કોને કહેવાથી ને ક્યાં છેડા અડાડવાથી ટિકિટ હસ્તગત કરી શકાય એનો ખ્યાલ હોય. છતાં, કયો રસ્તો અધવચ્ચેથી ફંટાઇને અચાનક પૂરો થઇ જાય છે અને કયો છેવટે ટિકિટ સુધી પહોંચે છે, એ નક્કી કરવાનું લગભગ અશક્ય લાગે. આશાવાદીઓ હંમેશાં ગની દહીંવાલાના અંદાજમાં વિચારતા હોય, ‘મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ (પણ) ટિકિટ સુધી’, જ્યારે નિરાશાવાદીઓને બધા પ્રયાસ કર્યા પછી પણ રાત્રે એવાં સ્વપ્ન આવતાં હોય કે ટિકિટની ફાઇનલ યાદીમાં એમનું નામ જાહેર થયા પછી અને મીઠાઇઓ વહેંચી લીધા પછી, બીજા દિવસે યાદીમાં સુધારો થાય છે અને તેમનું નામ કમી થઇ જાય છે.

રેલવેની ટિકીટની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટમાં પણ કન્ફર્મ્ડ, આરએસી  (રીઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન) અને વેઇટિંગ જેવા પ્રકારભેદ પાડી શકાય. દરેક પક્ષમાં કેટલાક નેતાઓની ઉમેદવારી નક્કી હોય છે. કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા કે ભાજપમાંથી આનંદીબહેન પટેલ કે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી કેશુભાઇ પટેલને ટિકિટ મળશે કે નહીં, એવી એવઢવ કોઇને હોતી નથી. આ બધા કન્ફર્મ્ડ ટિકિટધારકો છે. અલબત્ત, અમુક કન્ફર્મ્ડ ટિકિટધારકોને ટિકિટની ચિંતા ન રહે એટલે પછી તે અપર બર્થ છે કે લોઅર, તેની ચિંતા કરવામાં પડી જાય છે. કારણ કે ટિકિટસંબંધિત ચિંતા કરવામાં ન આવે ત્યાં સુધી લોકશાહી અને ચૂંટણીની રસમ પૂરી થઇ ન ગણાય એવું તેમને લાગે છે.

બીજો પ્રકાર છે આરએસી-નેતાઓનો. બેઠક પરના ચાલુ ઉમેદવારનું ‘રીઝર્વેશન કેન્સલ થાય’- પત્તું કપાય, તો તેમને તક મળે. વાંચ્છુકોની યાદીમાં તેમનું નામ પહેલું તો નહીં, પણ અગ્રતાક્રમે જરૂર હોય છે અને ‘આશા અમર છે’ના વચનમાં તેમના જેટલી શ્રદ્ધા ભાગ્યે જ બીજા કોઇને હશે. હાડોહાડ આશાવાદીઓ ટિકિટની ફાઇનલ યાદી બહાર પડી ગયા પછી પણ, ચૂંટણીના આગલા દિવસ લગી ચૂંટણી રદ થવાની અને નવેસરથી ચૂંટણીમાં પોતાને તક મળવાની આશા છોડતા નથી. ‘આજકાલ ગમે તે ઉંમરે માણસોને હાર્ટએટેક આવે અને રસ્તા પરનો બેફામ ટ્રાફિક તો તમને ખબર છે. ગયા અઠવાડિયે જ અમારા એક ઓળખીતા ગાડીમાં જતા હતા ને સામેથી આવીને કોઇ ઠોકી ગયું...આપણે કોઇનું ખરાબ ન ઇચ્છીએ. પણ  શું છે કે જમાનો ખરાબ છે.’ વગેરે.

વેઇટિંગવાળા સૌથી છેલ્લે આવે. રેલવેની જેમ વિધાનસભાના ‘વેઇટિંગ’ ટિકિટધારકોને ઉપરથી કોઇ જ ખાતરી અપાતી નથી. પરંતુ કોઇ પણ માણસ ગમે તેવી ટ્રેનની વેઇટિંગની ટિકિટ લઇને, તેના મુસાફર હોવાનો સુખદ ભ્રમ પંપાળી શકે છે. એવી જ રીતે, ‘વેઇટિંગ’ ઉમેદવારો જાતે ને જાતે પોતાનું નામ આશાસ્પદ ઉમેદવાર તરીકે તરતું મૂકાવે છે. ‘ગઇ વખતે અમે મુંબઇ ગયા ત્યારે ૧૮૯ વેઇટિંગ હતું. તો પણ છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મ થઇ ગઇ.’ એવી રેલવેની પરચા-છાપ આશ્વાસનપદ્ધતિ વિધાનસભાની ટિકિટમાં પણ કામે લગાડી શકાય છે. જેમ કે, ‘ગઇ વખતે ફલાણી બેઠક પર ઢીકણાભાઇનું નામ છેવટ સુધી ક્યાંય સંભળાતું જ ન હતું. કોઇને આશા પણ ન હતી કે એમને ટિકિટ મળે. પણ યાદી બહાર પડી ત્યારે એમનું નામ સૌથી પહેલું હતું. આ વખતે આપણું પણ એવું જ છે. હજુ સુધી આપણું નામ ક્યાંય સંભળાતું નથી. એટલે ટિકિટ મળવાના ચાન્સીસ જોરદાર છે.’ વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થાય તો એનાં કારણ શોધવા જેટલી મૌલિકતા- અને ફરી વખત ટિકિટ માટે મેદાનમાં ઉતરીશું ત્યારે આવું નહીં થાય એવી શ્રદ્ધા- દરેકમાં હોય છે, પછી તે રેલવેની ટિકિટ હોય કે વિધાનસભાની.

રેલવેની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટોમાં ‘એજન્ટપ્રથા’ નાબૂદ થઇ ચૂકી હોવાના દાવા જોરશોરથી થાય છે, પણ તેની અસલિયત શી છે, એ જાણનાર  જાણે છે.

Wednesday, March 21, 2012

રેલવે બજેટઃ સીધી આવક માટેના આડા રસ્તા

રેલવે બજેટ આવી જાય એટલે મુસાફરીનાં ભાડાંમાં કેટલો વધારો થયો ને કેટલી નવી ટ્રેનો શરૂ થઇ એની ચર્ચા થવા લાગે છે. આવક માટે રેલવેએ ભાડાં વધારવાં જોઇએ કે નહીં, એ મુદ્દે બિચારા રેલવેમંત્રીની કફોડી દશા થાય છે. એક બાજુ આમઆદમી ને બીજી બાજુ ખાસ જરૂરિયાતો. આ પરિસ્થિતિમાંથી ઉગરવું હોય અને ભાડાંમાં વધારો ‘ઝીંક્યા’ વિના આવક ઊભી કરવી હોય તો કેટલાક ખાસ પ્રકારના વેરા દ્વારા એ કામ થઇ શકે છે. જેમ કે,

બારણાવેરો

ટ્રેનના કાયમી મુસાફરોમાંથી કેટલાક બારણાપ્રેમી હોય છે. ચિંતકો અને ગદ્યકારોએ ટ્રેનના ડબ્બાની બારીનો મહિમા કર્યો છે. એકે તો બારીને ‘મુસાફરની મા’ કહેવાની છૂટ લીધી છે. અતિશયોક્તિનો એ સિલસિલો આગળ વધારવો હોય તો કહી શકાય કે ટ્રેનના ડબ્બાનું બારણું ઘણા મુસાફરો માટે પિતાસમાન હોય એવું લાગે છે. ગમે તેવી ભીડમાં પિતાની આંગળી પકડી રાખતા પુત્રની જેમ, ગમે તે થાય, પણ એ લોકો બારણાનો સાથ છોડતા નથી. વચ્ચે આવતાં સ્ટેશનેથી ટોળાબંધ લોકો ચઢે, બારણામાં કુરૂક્ષેત્ર સર્જાઇ જાય, તો પણ બારણાપ્રેમીઓ કોઇ અલૌકિક સિદ્ધિના બળે એવા પારદર્શક બની જાય છે કે આખું ટોળું જાણે તેમનામાંથી પસાર થઇને ડબ્બાની અંદર પહોંચી ગયું હોય એવું લાગે. ગાડી ઉપડે ત્યારે ફરી એક વાર એ લોકો પોતાની જગ્યાએ - બારણે- યથાવત્‌ ઊભેલા જોવા મળે છે.

રાજાશાહીના જમાનામાં આજ્ઞાપાલક સ્વામીભક્તોને રાજાએ કહી દીઘું હોય કે ‘તમારે જીવતાંજીવ કદી કિલ્લો કે ચોકી છોડીને જવાનું નહીં.’ એટલે એ લોકો પ્રાણાંતે પણ વચનનું પાલન કરતા. ટ્રેનના બારણે ઉભેલા લોકોને જોઇને જૂના વખતની ટેકની યાદ તાજી થાય છે. ‘ગમે તેટલા ધક્કા ખાઇને -અપમાન સહીને પણ અમે બારણું નહીં છોડીએ’ એવું વચન તેમણે રેલવેમંત્રીને આપ્યું હશે? એવો વિચાર આવી જાય છે.

આખો ડબ્બો ખાલી હોય તો પણ બારણે ઊભા રહે તો જ સંતોષ થાય, એવો પણ એક વર્ગ હોય છે. (જેમ અમુક લોકોને દાળભાતથી જ ‘જમ્યાનો સંતોષ’ થતો હોય છે.) શાણા લોકો એટલે જ દરવાજે લટકતા લોકોને જોઇને અંદરની ભીડથી ગભરાતા નથી. તેમને ખબર છે કે દરવાજા પરની ગીરદી ભારતના ભાવિ સુપરપાવર તરીકેના દરજ્જા જેવી છેઃ બહારથી બીજાને ડરાવે એવી-પ્રભાવશાળી અને અંદરથી ખાલી.

બારણાપ્રેમીઓ વિશે આટલી વિગતે વાત કરવાનું કારણ એ કે હવે પછીના રેલવે બજેટમાં બારણે ઊભા રહેનારા લોકો પાસેથી બારણાવેરો વસૂલવાની દરખાસ્ત મૂકી શકાય. ટિકિટબારી પરથી સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસની જેમ ડોર ક્લાસની- બારણાની અલગ ટિકિટ જ મળતી હોય, જેની કિંમતમાં બારણાવેરો ઉમેરી દેવામાં આવ્યો હોય. એમ કરવાથી ડબ્બાની અંદર મુસાફરી કરતા આમઆદમી પર વધારાનો બોજ નહીં વધે અને સરકારને આવક થશે.

હવાવેરો

આમ તો એને બારણાવેરા સાથે પેટાવેરા તરીકે સંલગ્ન કરી શકાય. કારણ કે બારણે ઊભા રહેનારા ઘણા લોકો પોતાના બારણાપ્રેમના મૂળમાં હવાપ્રેમને કારણભૂત ગણાવે છે. ‘અંદર ગુંગળામણ થાય છે. એટલે હવા ખાવા અમે દરવાજે ઊભા રહીએ છીએ.’ આવો ખુલાસો ગમે એટલો તાર્કિક લાગે, પણ એ વધારાના વેરાના પાત્ર છે એમાં બેમત ન હોઇ શકે. ગીરદીથી છલકાતા ડબ્બામાં એક તો બારણે ઊભા રહેવાનું અને એ પણ હવા આવે એવી રીતે- આ લગભગ ફર્સ્ટ ક્લાસ સમકક્ષ સુવિધા થઇ અને મુંબઇની ટ્રેનોમાં તો ફર્સ્ટ ક્લાસમાં પણ ભારે ભીડ હોય ત્યારે તે ફર્સ્ટ ક્લાસથી પણ ઉપરના ક્લાસની સુવિધા કહેવાય. ‘હવા ખાવી એ મૂળભૂત, પ્રાથમિક અને કુદરતી જરૂરિયાત છે’ એ વાત ટ્રેનના ડબ્બાના સંદર્ભે માન્ય રાખી શકાય નહીં. ત્યાં એને ‘લક્ઝરી’નો દરજ્જો આપીને, તેના માટેનો વેરો એસી ક્લાસ સમકક્ષ રાખવાનું વિચારી શકાય.

ઘોંઘાટવેરો

ટ્રેનના ડબ્બામાં ‘સાયલેન્સ ઝોન’નું પાટિયું ન લગાડી શકાય એ તો દેખીતું છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શશિ થરૂરનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને તેને ‘કેટલક્લાસ’ (ઢોરઢાંખરનો ડબ્બો) ન કહી શકાય એ પણ દેખીતું છે. એટલા માટે નહીં કે તેમાં માણસોનું અપમાન થાય, પણ ખાસ તો એટલે કે પશુઓ ઘણા મુસાફરોની જેમ અકારણ, પોતાની હાજરી સિદ્ધ કરવા, નારીરત્નોનું ઘ્યાન ખેંચવા, સમય પસાર કરવા કે પછી માત્ર ‘નિજાનંદ માટે’ ઘોંઘાટ મચાવતાં નથી અને આજુબાજુના લોકોને ત્રાસ આપતાં નથી.

‘સરકાર ઘોંઘાટ ઘટાડવાની દિશામાં વિચારશે?’ એવી ચર્ચાપત્રીસહજ અપેક્ષા તો ન રાખીએ, પણ ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાની માફક, ઘોંઘાટ માટે વેરો લઇને તેને દેશહિતનો દરજ્જો આપવાનું પગલું ભરી શકાય છે. ઘોંઘાટવેરા પેટે મળેલાં નાણાં રેલવે તંત્રની સલામતી અને સુવિધાઓ વધારવા માટે વપરાશે, એમ કહીને લોકોને ઘોંઘાટ દ્વારા દેશસેવા કરવાના રસ્તે દોરી શકાય. એમ કરવાથી દેશભક્ત નાગરિકોની સંખ્યામાં મોટો વધારો થશે, જે ભારતને કમ સે કમ ઘોંઘાટના મુદ્દે સુપરપાવર બનાવવાની દિશામાં દોરી જશે.

પલાંઠીવેરો

ભારતના હાર્દ જેવી અસમાનતામાંથી ટ્રેનના ડબ્બા પણ શા માટે બાકાત રહે? એક તરફ લોકોને પગ મુકવા જગ્યા નથી હોતી, ત્યારે જગ્યાની બાબતમાં મૂડીવાદી એવા કેટલાક લોકો સીટ પર પલાંઠી મારીને બેઠા હોય છે (જે ઊભેલા લોકોને ‘પલાંઠો’ લાગે છે.) પલાંઠાપ્રધાન મુસાફરો એવું માને છે કે ટિકીટ ખરીદીને મેળવેલા મુસાફરીના હકમાં પલાંઠી વાળવાનો હક પણ સમાવિષ્ટ છે. નાગરિકશાસ્ત્રની તેમની આવી સમજણને કારણે ઘણી વાર બંધારણીય તો નહીં, પણ (મારામારી સ્વરૂપે) કાયદો-વ્યવસ્થાની કટોકટી ઊભી થાય છે.

ફક્ત સીટ પર બેઠેલા લોકો જ પલાંઠીવાદી હોય છે એવું માનવાની જરૂર નથી. ટ્રેનમાં આજુબાજુના લોકો એક પગે તપ કરનાર ઘુ્રવને લધુતાગ્રંથિ થઇ જાય એવી મુદ્રામાં પોતાના પગ ટેકવીને ઊભા હોય, ત્યારે ડબ્બાના ભોંયતળીયે, દરવાજા નજીક કે ખુલ્લા પેસેજમાં કેટલાક માથાભારે લોકો બિનધાસ્ત પલાંઠી વાળીને બેસી જાય છે. તેમાં બહેનોનું નોંધપાત્ર પ્રમાણ જોઇને સ્ત્રીસશક્તિકરણના પ્રેમીઓનો રાજી થઇ શકે છે- શરત એટલી કે તે આજુબાજુમાં ઊભેલા ન હોવા જોઇએ. અનરીઝર્વ્ડ- સાદા ડબ્બામાં પલાંઠી વાળીને બેસવું એ ટિકિટસિદ્ધ અધિકાર છે કે નહીં, તેની ઉગ્ર ચર્ચાઓ થાય અને કવચિત તેમાંથી હિંસા પણ ફાટી નીકળતી હોય, એને બદલે પલાંઠીવેરો લઇને લોકોને સત્તાવાર રીતે પલાંઠી વાળવાની પરવાનગી શા માટે ન આપવી? તેનાથી કકળાટ ટળશે અને રેલવેને આવક થશે.

લટકવેરો

બારણાનો દંડો પકડીને શાંતિથી ઊભા રહેવામાં પોતાની સાહસવૃત્તિનું અપમાન લાગતું હોય એવા કેટલાક લોકો બારણાનો એક બાજુનો દંડો પકડીને અડઘું શરીર હવામાં ઘ્વજની પેઠે લહેરાવે છે. આ પ્રવૃત્તિને એડવેન્ચર સ્પોર્ટ્‌સનો દરજ્જો મળ્યો નથી કે તેને જીમનાસ્ટીકમાં ગણવામાં આવતી નથી, એમાં લટકનારાનો શો વાંક?
આવી રીતે લટકવાની પ્રવૃત્તિને સામાજિક દૃષ્ટિએ નીચી નજરથી જોવાને બદલે કે લટકનારાને મવાલી ગણી લેવાને બદલે, તેમની પાસેથી રેલવે લટકવેરો વસૂલ કરી શકે છે. કેમ? માણસ જીમ્નેશિયમમાં જાય તો ફી ન ચૂકવે? એડવેન્ચર સ્પોર્ટ્‌સ મફતમાં થાય છે?

‘એરણની ચોરી ને સોયનું દાન કરતી કોર્પોરેટ કંપનીઓની સ્ટાઇલમાં, લટકવેરાની આવકનો થોડો હિસ્સો બારણે લટકવાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને વળતર આપવામાં પણ વાપરી શકાય.

Wednesday, October 19, 2011

હમ ભી ખડે હૈં રાહોંમેં

સૂતેલાનું નસીબ સૂતું રહે ને બેઠેલાંનું બેઠું, એવું વર્ષો પહેલાં સુભાષિતમાં આવતું હતું. પરંતુ તેમાં ઊભેલા લોકો વિશે ચોખવટ કરવામાં આવી ન હતી. ભારતવર્ષમાં સૂતેલા અને બેઠેલા લોકોની સરખામણીમાં ઊભેલા (મુસાફરી દરમિયાન ઊભા રહેનારા) લોકોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલે જ કદાચ તેમને લોકશાહીની ઉજ્જવળ પરંપરા પ્રમાણે નજરઅંદાજ કરાયા હશે.

ટ્રેનમાં કે બસમાં મુસાફરી દરમિયાન ઊભા રહેવું એ કેવી સ્થિતિ છે? આ સવાલના જવાબનો આધાર જવાબ આપનારામાં રહેલી આઘ્યાત્મિકતા, દાર્શનિકતા, ચિતનપ્રિયતા કે વિચારજડતા પર નિર્ભર છે. એક પ્રચલિત ખ્યાલ પ્રમાણે, ઊભા રહેવું એ મજબૂરી સૂચવે છે અને ઊભા રહેનારને દયાને પાત્ર ગણવામાં આવે છે. તેના માટે અપાતું કારણ એવું છે કે ‘માણસને બેસવાની જગ્યા ન મળી, ત્યારે એને ઊભા રહેવાનો વારો આવ્યો ને!’

પરંતુ રોજ અવરજવર કરનારા ઘણા લોકોને આ માન્યતા પાછળ રહેલી વૈચારિક ગરીબી પર, ઊભાં ઊભાં, દયા છૂટે છે. સમાજનો નોંધપાત્ર વર્ગ ઊભા રહેવાનું માહત્મ્ય સમજી શક્યો નથી, એ બદલ તેમને પારાવાર અફસોસ થાય છે અને ક્યારેક તો ‘આ સમાજ કેવી રીતે આગળ આવશે?’ એવાં વચનો પણ તપમગ્ન અવસ્થામાં- એટલે કે ઊભાં ઊભાં- તેમના મુખેથી નીકળી જાય છે.

કારણ? તેમના માટે ઊભા રહેવું એ તપ છે, સિદ્ધિ છે, હક છે. શોખ, શક્તિ અને શાન છે. ગૌરવ ને ગરીમા છે. ઓળખ ને અસ્મિતા છે. ઊભા રહેવું એ તેમના માટે અધિકાર છે ને કર્તવ્ય પણ. આવા લોકોને કોઇ માણસ બેસવાની જગ્યા આપવાની વાત કરે તો, લાંચની દરખાસ્તથી છેડાઇ જતા પ્રામાણિક અફસરની જેમ, તે ખળભળી ઊઠે છે. પોતાના ઊભા રહેવાના હક પર તરાપ વાગી હોય અથવા પોતાની ઊભા રહેવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોય, એવો અપમાનબોધ તેમને થાય છે.

પોતાના રોષ પર માંડ કાબૂ રાખતાં એ જગ્યા આપનારને કહે છે, ‘ના રે. આપણા ક્યાં ભાંગી પડ્યા છે? એવું તે કેવું પોપલાપણું કે અડધો કલાક-કલાક ઊભા ન રહેવાય? આમ ને આમ જ લોકોનાં હાડકાં હરામ થઇ જાય છે ને દેશ આગળ આવતો નથી.’ આમ કહીને પોતાના ગહન રાષ્ટ્રચિતનની યોગ્ય નોંધ લેવાઇ કે નહીં, એ જોવા માટે તે આજુબાજુ નજર ફેરવે છે. પરંતુ બેસવા જેવી હીન ક્રિયામાં રત લોકો આવાં સોનેરી વચન ઝીલવાની પાત્રતા ક્યાંથી લાવે? તેમનો સમય મુખ્યત્વે ઊંઘવામાં, પત્તાં રમવામાં, બારીની બહાર જોવામાં, અળાસાવામાં કે ડાફોળિયાં મારવા જેવી વ્યર્થ ક્રિયાઓમાં વેડફાતો હોય છે. આવી ક્ષુલ્લક ક્રિયાઓ કરવા માટે બેઠક હાંસલ કરવા તેમણે કેટલાં વાનાં કર્યાં હશે, એ વિચારે ઊભા રહેલા જ્ઞાનીજનોના અંતરમાં કરુણા ઉભરાય છે.

ઊભા રહેવાના આગ્રહી લોકોને મન બેસવું એ શબ્દાર્થમાં જ નહીં, ઘ્વન્યાર્થમાં પણ અધઃપતન છે. બીજા અનેક દેશબાંધવો-ભગિનીઓ ઊભાં હોય ત્યારે પોતે એકલા બેઠા રહેવું એ તેમને લગભગ દેશદ્રોહ સમકક્ષ અને લોકવિરોધી કૃત્ય લાગે છે. ‘જગ્યા મળી નથી કે ધબાક દઇને પોદળાની માફક પડ્યા નથી! એવી તે કેવી વૃત્તિ? આટલા બધા ઊભા છે, તો તમને પણ ઊભા રહેતાં શું થાય છે?’ એવો પુણ્યપ્રકોપ તેમના મનમાં ફુંફાડા મારે છે. પરંતુ તેની પાછળ લહેરાતાં, બેઠેલાઓ પ્રત્યેની અનુકંપાનાં મોજાં ઝટ કળી શકાતાં નથી.

‘ઊભા રહેવું એ મારો મુસાફરીસિદ્ધ અધિકાર છે’ એવું માનનારા કેટલાક લોકો ત્રણની બેઠક પર ચોથા કે પાંચમા જણ તરીકે બેસવા માટેની ઝુંબેશ આદરે, ત્યારે બેઠેલાને તેમાં દુરાગ્રહ કે દુષ્ટતા કે દાદાગીરીનાં દર્શન થાય છે. તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? બાકી, અગવડપૂર્વક બેસવા માટે તકરાર કરતો માણસ હકીકતે આરામથી - ‘પહોળા થઇને’- બેઠેલા લોકોના પાપમાં ભાગીદાર થવા ઇચ્છે છે. કમનસીબે, બેઠેલા લોકોનાં અંતરદ્વાર બંધ હોવાથી, તેમને આવો વિચાર આવતો નથી અને આખી ઘટનાને તે ‘અપડાઉનિયાઓની લુખ્ખાગીરી’ જેવું દુન્યવી નામ આપે છે.

આનાથી ઊલટું પણ ક્યારેક બને છે. મહાભારતના ધર્મ-અધર્મવાળા પેલા વિખ્યાત શ્વ્લોકની જેમ, કેટલાક મુસાફરો બેઠેલા હોય છે, પણ આમ કરીને પોતે અધઃપતન વહોર્યું છે એ તે જાણે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા અને બીજા થોડા લોકોને પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એ પોતાની જગ્યા પર થોડા સંકોચાય છે અને ઇઝરાઇલના નકશામાંથી ગાઝા પટ્ટી જેટલી જગ્યા કાઢીને ઊભેલા કોઇ જણને ઇશારાથી નિમંત્રે છે. ઊભો રહેલો માણસ પોતાના તપથી અજાણ હોય તો તે આ તક ઝડપી લે છે અને પાંચ-દસ મિનીટ પછી ‘આના કરતાં તો ઊભાં ઊભાં સારું હતું, પણ સામેથી બોલાવીને જગ્યા આપી, એટલે હવે ઊભા પણ શી રીતે થઇ જવાય? ખરાબ ન લાગે?’ એવું વિચારીને કોચવાયા કરે છે. તેમની સરખામણીમાં, ઊભા રહેવાના મામલે યોગી અવસ્થાએ પહોંચી ચૂકેલા લોકો આવાં પ્રલોભનોથી ચળતા નથી. આછું હસીને અને ગાઝાપટ્ટીના ભવિષ્યની આગોતરી કલ્પના કરીને તે સાંકડમાંકડ બેસવાનો પ્રસ્તાવ, એકાદ સારું બહાનું કાઢીને, ઠુકરાવે છે.

મુસાફરીમાં ઊભા રહેવાનો આટલો મહિમા જાણીને ઘણાને નવાઇ લાગી શકે છે. ઊચ્ચ ભૂમિકા ધરાવતી ઘણીખરી વાતો વ્યવહારુ દુનિયાનાં લોકોને પચાવવી અઘરી પડે છે. મોટા ભાગના લોકોએ જગ્યા માટે ઝઘડાઝઘડી થતી જોઇ હોય, એટલે ઊભા રહેવાના મહત્ત્વથી તે અજાણ રહી ગયાં હોય એવું પણ બને. ઊભા રહેવું અને ત્યાર પછી પણ આનંદમાં રહેવું તે એક કળા અને સિદ્ધિ છે. ગીતાની પરિભાષા જ માફક આવતી હોય એવા લોકો તેને ‘યોગ’ પણ ગણી શકે. એ દૃષ્ટિએ, બેસવાની જગ્યા મળવા છતાં, ‘આપણને ઊભા ઊભા વધારે ફાવશે’ અથવા ‘કલ્લાક માટે કોણ બેસે?’ એવાં વચનો ઉચ્ચારનારને ‘હઠયોગી’નો દરજ્જો આપી શકાય.

ઊભા રહેવાના સમર્થકો અઘ્યાત્મની રાહે વિવેકાનંદ-વચન ટાંકીને કહી શકે છે, ‘સ્વામીજીએ શું કહ્યું હતું? જરા યાદ કરો. તે ઊભા રહેવાને બદલે બેસવાની તરફેણમાં હોત તો એમણે કહ્યું હોત કે ‘જાગો, બેસો અને ઘ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મચી પડો. પણ એમણે તો ઊઠવાની એટલે કે ઊભા થવાની વાત કરી.’ નવા જમાનામાં ઘરે કે જિમમાં કસરત પાછળ હજારો રૂપિયા ખર્ચનારા લોકો પણ મુસાફરીમાં ઊભા રહેવા જેવી સીધીસાદી છતાં અસરકારક કસરતને બદલે ‘બેઠાડુ જીવનશૈલી’ પસંદ કરે છે. સરકાર લોકોની સુખાકારી અને તંદુરસ્તી ઇચ્છતી હોય તો તેણે, રેલવેની સાવ શરૂઆતના ગાળાની જેમ, બધા ડબ્બામાંથી બેઠકો કાઢી નાખવી જોઇએ અને કેવળ ઊભા રહેતી વખતે પકડવાના ટેકા જ રાખવા જોઇએ. ફક્ત ટ્રેનોમાં કે બસોમાં જ શા માટે, વિમાનોમાં પણ આ પ્રથાની શરૂઆત તરીકે ઊભ્ભડ મુસાફરોને જગ્યા પ્રમાણે લેવા જોઇએ. વિમાનમાં બેસનારા એ વાતે સંમત થશે કે એ મુસાફરીમાં અમુક સમય પછી, બેસી રહેવા કરતાં ઊભા રહેવાનું વધારે આરામદાયક લાગી શકે છે અને બીજું કંઇ ન થાય તો પણ, ઊભા રહેવાના ‘તપ’નું પુણ્ય તો ખાતામાં ટીપે ટીપે જમા થતું રહે છે.

કંઇ પણ કર્યા વિના કેવળ ઊભા રહેવાથી પુણ્ય મળતું હોય, છતાં લોકો મોહાંધ થઇને બેસવા માટે પડાપડી કરે એનું નામ તો હળાહળ કળિયુગ.

Friday, July 01, 2011

600મી પોસ્ટઃ સુખદ સંયોગોનો સિલસિલો અને થોડું ‘અપડાઉન’


ગયા અઠવાડિયે આ બ્લોગ ત્રણ વર્ષ પૂરાં કરીને ચોથા વર્ષમાં પ્રવેશ્યો. એ જ વખતે 600મી પોસ્ટ આવી. તેની સાથે સંભારવા જેવી બીજી પણ બે અંગત વાત છે. 1) 2011ની નવી કોલેજ ટર્મ સાથે મારા મહેમદાવાદ-અમદાવાદ અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થયું. 2) છેલ્લાં નવેક વર્ષથી હું જેનું સંપાદન કરું છું તે ‘દલિતશક્તિ’ માસિકનો હવે (જુલાઇ, 2011માં) 100મો અંક પ્રકાશિત થશે. આ બધાં નિમિત્ત ભેગાં કરીને કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે પ્રેમપૂર્વક દોરી આપેલું મસ્તીચિત્ર ઉપર મૂક્યું છે. તેમાં દેખાતી મારી ઇર્ષ્યાજનક ‘તંદુરસ્તી’ મસ્તીચિત્રની માગ અને કાર્ટૂનિસ્ટની ફળદ્રુપ કલ્પનાશક્તિનું પરિણામ છે. તેથી ‘તંદુરસ્તીકા રાઝ’ ન પૂછવા વિનંતીઃ-)
ચાળીસ વર્ષે અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થઇ જાય, એ મહેમદાવાદમાં રહેનારા ઘણા લોકોની નીયતી હશે. કારણ કે 12મું ધોરણ ભણી લીધા પછી ‘વધુ અભ્યાસ માટે’ ઇંગ્લેન્ડ-અમેરિકાની જેમ નડિયાદ-આણંદ કે અમદાવાદ જવું પડે. એ સાથે શરૂ થયેલો અપડાઉનનો સિલસિલો આજીવન – અથવા ઘણા લોકોના કિસ્સામાં તે ‘છોકરાંના અભ્યાસ માટે’ બહાર રહેવા ન જાય ત્યાં સુધી ચાલે.
***
‘અપ-ડાઉન’ શબ્દ ‘હાફ પેન્ટ’ની જેમ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ઇંગ્લીશનો ઉત્તમ નમૂનો છે. ‘ગૂગલ’ ‘સર્ચ’નો કે ‘ડાલડા’ વનસ્પતિ ઘીનો પર્યાય બન્યાં, ત્યાર પહેલાંથી ટ્રેનની દિશા સૂચવતા શબ્દો ‘અપ’ અને ‘ડાઉન’ એક થઇને ટ્રેનમાં નિયમિત અવરજવર માટે વપરાતા હતા. દરેક ટ્રેનનો એક નંબર હોય અને તેની સાથે અપ કે ડાઉનનું લટકણીયું લાગેલું હોય. ટ્રેનના નંબર ચાર (અને હવે પાંચ) આંકડાના થયા તે પહેલાં, એ નંબર વધારે આત્મીય અને લગભગ ટ્રેનના ઓલ્ટર ઇગો જેવા-ટ્રેનની સંસ્કૃતિના પ્રતીક જેવા લાગતા હતા.
રેલવેની અલગ સંસ્કૃતિ હોય, પણ દરેક ટ્રેનની અલગ સંસ્કૃતિ? હા. અપડાઉન કરનારા માટે જુદી જુદી ટ્રેનોની જુદી છટા અને અલગ મિજાજ હતાં. ટ્રેનોનાં લગભગ સત્તાવાર બની ચૂકેલાં, લાડકાં-લોકપ્રિય નામ પણ ખરાં. રાત્રે મુંબઇ જતી અમદાવાદ જનતા એક્સપ્રેસ ‘જનતા’ કે ‘બીજો ફાસ્ટ’ કહેવાય. તેની પહેલાં આવતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ‘ડુપ્લીકેટ’ અથવા ‘પહેલો ફાસ્ટ’. સાંજે સાતેકની આસપાસ આવતી લોકલ વડોદરાને બદલે ફક્ત આણંદ સુધી જતી હોવાને કારણે ‘અડધિયું’ તરીકે ઓળખાય. સવારે એ જ અડધિયું આણંદથી અમદાવાદ જાય.
‘ગુજરાત ક્વિન’ ફક્ત ‘ક્વિન’ તરીકે જાણીતી. મોટા ભાગના અપડાઉન કરનારાને ઘરની ‘ક્વિન’ કરતાં ગુજરાત ક્વિન સાથે વધારે આત્મીયતા લાગે. ‘ક્વિન ટુ ક્વિન’ (સરકારી ઓફિસટાઇમ)ની નોકરી મહેમદાવાદમાં ભણતા છોકરાનું સ્વપ્ન હોય અને અડધિયાથી અડધિયાની (સવારે સાત-સાડા સાતથી સાંજે સાત-સાડા સાતની) નોકરી વટવા નોકરી કરતા ‘કારીગર વર્ગ’ સાથે સંકળાયેલી. સ્કૂલમાં એક શિક્ષિકા હંમેશાં એ મતલબની ચીમકી આપતાં કે બરાબર નહીં ભણો તો અડધિયામાં વટવા નોકરી કરવાનો વારો આવશે.

ક્વિનમાં નિયમિત અપડાઉન કરનારા પોતે કાયમના છે એવો છાકો પાડવા માટે ક્વિનનો ઉલ્લેખ તેના નંબરથી, ‘નાઇન ડાઉન’ તરીકે કરે. સાંજની ક્વિનને જોકે કોઇ ‘ટેન અપ’ કહેતું ન હતું. છેક હમણાં ભગવતીકુમાર શર્માની આત્મકથામાં વાંચ્યું કે ગુજરાત ક્વિનની શરૂઆત ગુજરાત રાજ્ય સ્થપાયું એ દિવસથી થઇ હતી અને ભગવતીભાઇ ક્વિનની અમદાવાદથી સુરતની પહેલી સફરના યાત્રી હતા. ક્વિન બહુ લાંબી, કદાચ અઢારેક ડબ્બાની ટ્રેન. તેના ફર્સ્ટ ક્લાસ સિવાયના બધા કોચ સળંગ, એકબીજા સાથે જોડાયેલા. કેટલાક સૌંદર્યપિપાસુઓ ક્વિનમાં પાછળના ડબ્બામાં ચડે અને ધીમે ધીમે એક પછી એક ડબ્બા વીંધતા, તેમાં બેઠેલી સુંદરીઓનો દર્શનલાભ મેળવીને ધન્ય થતા આગળ વધે. ક્યાંક લાગે કે ‘સ્વર્ગ ક્યાંય હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે’ તો એ આગળ જવાનું માંડી વાળે. સાંજની ક્વિનમાં અમદાવાદથી મહેમદાવાદ વચ્ચે મોહનની ગરમ સિંગનું વધારાનું આકર્ષણ. (મોહનની સિંગ વિશેની પોસ્ટ માટે ક્લિક કરો )
ક્વિનમાં ટ્રેનની જ નહીં, કેટલાક ડબ્બાની પણ આગવી ખાસિયતો. રોજ ડબ્બા અમુક સિકવન્સમાં આવતા હોય. ચોક્કસ ડબ્બામાં બેસનારા તેના ચાર આંકડાના નંબર યાદ રાખે અને ‘ચાલો, 6808 આવી ગયો’ અથવા ‘આજે 7848 બહુ આગળ ગયો’ એવા ઉદગાર કાઢે. છેલ્લાં ઘણાં વર્ષોથી સવારની ક્વિનમાં એક ડબ્બો આરતીનો હોય છે. એ ડબ્બામાં મહેમદાવાદથી ચડનારું મોટું ઝુંડ સામાન લટકાવવાની જગ્યાએ માતાજીની ફોટોફ્રેમ લટકાવીને રોજ ‘જય આદ્યશક્તિ’, ‘વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા’ જેવી આરતીઓ અને થાળ ગાય. સામાન્ય રીતે થાળ સૌથી છેલ્લો ગાવાનો હોય, પણ અપડાઉનનો તકાદો ધ્યાનમાં રાખીને બે આરતી પછી થાળ ગાઇ કાઢવામાં આવે, જેથી સીંગ-સાકરિયા જેવો પ્રસાદ ડબ્બામાં ફરતો થઇ જાય. ત્યાર પછી નિરાંતે બીજી આરતીઓ ગવાય.
મહિનાઓ સુધી મહેમદાવાદ અમારા ઘરે રહીને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં (એન્થ્રોપોલોજી ક્ષેત્રમાં) પીએચ.ડી.નું ફિલ્ડવર્ક કરનાર અમેરિકન મિત્ર કેરોલીન (કેરી) થોડા દિવસ સુધી ચાહીને, કૌતુકથી ક્વિનના આરતીવાળા ડબ્બામાં જતી હતી. મુંબઇની ટ્રેનોની જેમ અહીં આરતીની સાથે ઢોલ-મંજીરા હજુ આવ્યા નથી એટલું સારું છે. છતાં આરતીના ડબ્બામાં ભૂલથી ચડી ગયેલા શાંતિપ્રિય લોકોના મનમાં આરતીની એક જ પંક્તિ ચોંટી જાયઃ ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો’.
ગુજરાત મેઇલનો નંબર એ જ તેની બ્રાન્ડ. એ જ તેનું લાડકું નામઃ ‘વન ડાઉન’. (રાત્રે આવતી ‘ટુ અપ’ ગુજરાત મેઇલના નામમાં એ વજન ક્યાં?) ‘વન ડાઉન’ વહેલી સવારે સાડા પાંચની આસપાસ મહેમદાવાદ આવે. તેમાં કોમર્સ કોલેજનાં છોકરા-છોકરીઓ – અને અઠવાડિયે એકાદ વાર, મારા જેવા શનિવારે સવારની કોલેજ ધરાવતા સાયન્સવાળા- અપડાઉન કરે. નવરાત્રિમાં એક જગ્યાએ મોટા પાયે ગરબા રમાતા થયા, ત્યારે શોખીન જીવડા સવારે પાંચેક વાગ્યા સુધી ગરબા રમે અને પછી ઓઢણી કમરે બાંધીને નાહ્યા વિના સવારે ‘વન ડાઉન’ પકડવા આવી પહોંચે. (‘ક્લાસમાં જઇને ઉંઘી જવાનું’ એવું એકાદ વાર તેમની વાતચીતમાં સાંભળેલું.) હું સ્કૂલ-કોલેજમાં હતો એ વખતે વન ડાઉનમાં અપડાઉન કરનારાનું ગ્રુપ એવું જામેલું કે એ વખતની ફેશન પ્રમાણે યોજાતાં ક્રિકેટનાં ‘રાઉન્ડ’ (ટુર્નામેન્ટ)માં એક ટીમનું નામ હતું, ‘વન ડાઉન’. મુખ્યત્વે ગુજરાત મેઇલમાં અપડાઉન કરનારા એ ટીમમાં હતા. થોડા સમય ‘વન ડાઉન’ આખા મહેમદાવાદમાં ચેમ્પિયન તરીકે દબદબો ધરાવતી હતી.
***
ગામથી નજીક આવેલા મહેમદાવાદના સ્ટેશન પર ટ્રેનનું હોર્ન વાગે એટલે મહેમદાવાદનાં અનેક ઘરમાં સંતાનો મમ્મીને કે મમ્મી સંતાનોને કહેતાં હશે, ‘પપ્પાની ગાડી બોલી.’ લગભગ અડધા ગામમાં ટ્રેનનું હોર્ન સંભળાય. વીસ-પચીસ વર્ષ પહેલાં અમારા ઘરના ધાબેથી ટ્રેનો દેખાતી હતી. હજુ ‘વિકાસ’ થયા પછી પણ, ઉનાળાની રાતે ધાબે સૂતા હોઇએ અને રાતની ‘પાછલી ખટઘડી’એ આંખ ખુલી જાય તો ટ્રેનનો અવાજ અને ઘંટનો રણકાર સંભળાય. એ.આર.રહેમાનને કટ-પેસ્ટ કરવાનું મન થઇ જાય એવી રીધમ સાથે ફાસ્ટ ટ્રેન એક દિશામાંથી આવે, મહેમદાવાદ સ્ટેશન પસાર કરે અને બીજી તરફ નીકળી જાય તે હજુ પણ મોડી રાત્રે ‘સાઉન્ડ શો’ની જેમ, અવાજથી અનુભવી શકાય.
***
Up-Down Memorablia

1938માં બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (બીબી એન્ડ સીઆઇ) રેલવેએ બે સ્ટેશનો માટે નહીં, પણ આખા ઝોનની બાર લાઇનો માટે કાઢેલી 15 દિવસની સીઝન ટિકીટ. કિંમત છે રૂ.10. આ સિઝન ટિકીટ અમારા પરિવારમાં દાદા જેવું સ્થાન ધરાવતા, પપ્પા-કાકા-ફોઇના શિક્ષક અને 90 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને વિદાય લેનાર કનુકાકાના પપ્પા નટવરલાલ પંડ્યાની છે.



મારા દાદા ચીમનલાલ કોઠારીની છેલ્લી સિઝન ટિકીટ. 15 માર્ચ, 1965ના દિવસે એ પૂરી થાય, તેના અઠવાડિયા પહેલાં, 8 માર્ચ, 1965ના રોજ (બિરેનના જન્મના એકાદ મહિના પહેલાં) દાદાનું અવસાન થયું હતું.


બે દિવસ પહેલાં મેં કઢાવેલી લેટેસ્ટ સીઝન ટિકિટ

અપ-ડાઉનવાળાના ઘણા પ્રકાર. મોટે ભાગે તે સમુહજીવી તરીકે કુખ્યાત. જૂથમાં હોય ત્યારે મિલિટરીવાળા સાથે પણ દાદાગીરી કરે અને એકલદોકલ હોય ત્યારે પણ ‘ફરી ક્યારેક મળજે. બતાવી દઇશ’ એવી લુખ્ખી આપવામાંથી ન જાય. નજીવી બાબતોમાં ઝઘડો અને મારામારી માટે જાણીતા. ખાસ કરીને વળતાંની ટ્રેનોમાં. આખો દહાડો કંટાળેલા હોય. અને કોઇક મુસાફર જગ્યા બાબતે ‘ઐડગીરી’ કરે (જડતા દાખવે) એટલે ખલાસ. કેટલાક અનિયમિત મુસાફરો પણ એવા ચોખલિયા હોય જાણે ટ્રેનમાં નહીં, વિમાનના બિઝનેસ ક્લાસમાં સફર કરતા હોય. પરંતુ સરેરાશ પ્રસંગોમાં અપડાઉનવાળાનો વાંક વધારે હોય. તેમની વચ્ચે અંદરોઅંદર પણ જામે. એ વખતે જે જૂથનું સ્ટેશન વચ્ચે આવતું હોય તે દાદા. કારણ કે તે પોતાના સ્ટેશને કોઇ પણ હદનો સીન ઉભો કરી શકે. ગાડી રોકાવી શકે. ગામમાંથી દાદાઓ બોલાવી શકે અને સામેના જૂથના સભ્યોને વચ્ચે ઉતારીને મારી શકે. આ હદની મારામારી હવે ઘણી ઓછી થઇ છે, પણ તેના અંશ ક્યારેક જોવા મળી જાય.
અમુક ગ્રુપ પત્તાવાળાં હોય. ટ્રેનમાં ચડે એટલે ઉભાં ઉભાં પણ તે મીંડીકોટ, રમી જેવી રમતો રમે. તેમની તાલાવેલી જોઇને એવું લાગે, જાણે એ ટ્રેનમાં પત્તાં રમવા મળે એટલા માટે નોકરી કરવા જતા હશે. કેટલાક મોટા ખેલી હોય. મહેમદાવાદથી અમદાવાદ સુધીમાં તે બસો-પાંચસો-હજારની ઉથલપાથલ કરી નાખે. છેક ઉતરવાનું સ્ટેશન આવે ત્યાં સુધી તે પત્તાં રમતાં હોય. સ્ટેશન આવવાની બે-પાંચ મિનીટની વાર હોય તો પણ ‘હજુ એક બાજી પડી જશે. ફટાફટ.’ કહીને તે છોડે નહીં. એટલે ઘણી વાર સ્ટેશન આવે ત્યારે ઉતાવળમાં બધો સંકેલો કરીને ઉતરવું પડે અને પોઇન્ટનો ફાઇનલ હિસાબ પ્લેટફોર્મ પર થાય.
કેટલાક લોકોને કોઇ પણ રીતે, ન્યૂસન્સ ઊભું કરીને પણ, પોતાની હાજરી બતાવવાની હોંશ હોય. (આ રિવાજ ફેસબુકથી પણ પહેલાંનો છેઃ-) એવાં જૂથના કેટલાક દોઢડાહ્યા મોટે મોટેથી આડીઅવળી કમેન્ટ કરે, આખા ડબ્બામાં સંભળાય એવું અટ્ટહાસ્ય કરે, અંદરોઅંદર ખાલીખાલી (પણ કોઇક દિવસ આવનારાને સાચું લાગે) એવી રીતે ઝઘડે, અજાણ્યા મુસાફરોને ગૂંચવવા માટે ‘આજે કયો વાર? શુક્રવાર ને? તો તો આજે મણિનગર નહીં ઊભી રહે.’ એવું મોટેથી કહે. એ સાંભળીને એકાદ મુસાફર પણ બાજુવાળાને પૂછે કે ‘ભઇ, આ મણિનગર ઊભી રહેશે ને?’ તો એ લોકોને મઝા પડી જાય. ટ્રેન વચ્ચે ઊભી રહે એટલે ‘પંક્ચર પડ્યું’ જેવી સદીઓ જૂની જોક પહેલી વાર કહેતા હોય એવી રીતે મોટેથી કહીને હસે. એમાં પણ આજુબાજુમાં કોઇ યુવતી બેઠી હોય અને એ થોડીઘણી દેખાવડી હોય તો થઇ રહ્યું.
એમ તો તમામ ઉંમરના લોકો ધરાવતા સામાજિક જૂથો પણ હોય. એ સિવાય એકલદોકલ નમૂનાઓમાં રંગીલા કાકાઓ, હોંશેહોંશે બારેજડી સ્ટેશને દોડીને સમોસા લેવા જનારા, પોતાના ઘરની કે ઓફિસની ઝીણીઝીણી વિગતો કહેનારા, મંત્રની નોટો ભરનારા, (કેટલાક ફેસબુકીયાઓની જેમ) ફક્ત ચર્ચા કરવા ખાતર ચર્ચા કરીને આજુબાજુવાળાને ઇમ્પ્રેસ કરવા કોશિશ કરનારા...આવા કંઇક હોય. મારો સમાવેશ એકલપેટા નમૂનાઓમાં થાય. આટલાં વર્ષમાં ટ્રેનમાં મારું કોઇ ગ્રુપ નહીં. બહુ ઓછા લોકો સાથે ઔપચારિકથી વધારે વાતચીત થાય. વર્ષો પહેલાં સલીલભાઇ આણંદથી અમદાવાદ આવે ત્યારે મહેમદાવાદથી હું જોડાઉં અને અમે દુનિયાભરની વાતો કરીએ. ક્યારેક મહેમદાવાદથી કોઇ મિત્ર સાથે હોય તો તેની સાથે વાતો કરવાની થાય. બાકી, ટ્રેનમાં મોટે ભાગે વાંચવાનું ચાલતું હોય. ઘણી વાર વાંચવાનું એવું જોરદાર હોય તો તાલાવેલી રહે કે ક્યારે સ્ટેશને પહોંચું અને વાંચવાનું ચાલુ કરી દઉં.
છેલ્લાં ચોવીસ વર્ષ દરમિયાન મારું અપડાઉન મહેમદાવાદ-અમદાવાદ વચ્ચે એકધારું રહ્યું નથી. કોલેજ પછી અને પત્રકારત્વમાં આવતાં પહેલાં દોઢ વર્ષ ગુજરાત રીફાઇનરીમાં હતો, ત્યારે મહેમદાવાદથી કરચિયા યાર્ડ (અને વડોદરા) અપડાઉન કર્યું. એ વખતે રીફાઇનરીથી છૂટીને ટ્રેન પકડવાનું કામ એક ઝુંબેશથી કમ ન હતું. રીફાઇનરીના ગેટથી મોટે ભાગે સાયકલ લઇને અથવા કોઇની લિફ્ટ લઇને કરચીયા યાર્ડ પહોંચવાનું. ત્યાંથી કઠાણા પેસેન્જર નામની ભેદી ગાડી પકડીને વાસદ. (આ ગાડી ભેદી એટલા માટે કે તેમાં બહુ ઓછા ડબ્બા અને એક પાણીનું ટેન્કર આવતાં હતાં. કરચીયાથી વાસદ માંડ ત્રણેક સ્ટેશન થાય, પણ આ ગાડી ઘણી વાર કલાક કાઢી નાખતી.)

વાસદમાં એ વખતે બસસ્ટેન્ડ રેલવે સ્ટેશનની બિલકુલ બહાર હતું (હવે દૂર હાઇ વે પર છે) એટલે ત્યાંથી બસ પકડીને આણંદ અને આણંદથી સાંજે પાંચની લોકલમાં મહેમદાવાદ. આ ક્રમ હંમેશાં ઘડિયાળના કાંટે ચાલતો હોય, સતત ગાડી ચૂકી જવાની તલવાર માથે લટકતી હોય. છતાં, ‘ગાડી આપણને લીધા વિના નહીં જાય’ એવી અપડાઉન-સહજ (ખોટી) શ્રદ્ધા મનમાં રહે.
રીફાઇનરીની ટ્રેનિંગ અંતર્ગત છ મહિના મુંબઇ રહેવાનું થયું ત્યારે મુંબઇની બહુચર્ચિત ટ્રેનોમાં ભીંસંભીંસા અપડાઉનનો સ્વાદ લીધો. પત્રકારત્વના રસ્તે આવતાં પહેલાં એકાદ વર્ષ બેકારીનું હતું. એ વખતે અપડાઉન બંધ હતું. બાકી, ‘અભિયાન’માં (અને પત્રકારત્વમાં) મુંબઇ જોડાયા પછી નવ-દસ મહિને અમદાવાદ પાછો આવ્યો ત્યાર પછીના એક-બે મહિના એવા હતા, જ્યારે મુંબઇ લગભગ અપડાઉન જેવું ચાલતું. અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદ, બે દિવસ મુંબઇ અને બે દિવસ રજા એટલે મહેમદાવાદ. (એ વખતે મુંબઇ ઓફિસે ‘ડેસ્ક’ પર કોઇ હતું નહીં, એટલે આ રીતે જવાનું થતું હતું.) ત્યારે ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસ અશ્વિનીભાઇના ઘરે હતી. તે મજાકમાં મને ‘રોવિંગ એડિટર’ કહેતા હતા. (એ વખતે હું પત્રકારત્વમાં માંડ એકાદ વર્ષનો અનુભવી અને હોદ્દાની રીતે ‘રીપોર્ટર-કમ-સબએડીટર’ હતો.)
છેલ્લાં પંદર-સોળ વર્ષથી મહેમદાવાદ-મણિનગર અપડાઉન એકધારું ચાલે છે, પણ વરસાદી દિવસો સિવાય અપડાઉનમાં કદી કંટાળો આવતો નથી. મારા માટે અપડાઉનનો સમય ‘એક્ટિવિટી પિરીયડ’ છે. એ દરમિયાન ઘણું વંચાય છે, વિચારવા-લખવાનું કામ થાય છે. મોબાઇલ યુગ પછી ટ્રેનમાં મેસેજ કે ફોન પણ ચાલતા હોય. જોકે ઘોંઘાટને લીધે અને સિગ્નલની વધઘટને લીધે વાત કરવાની બહુ મઝા આવતી નથી, પણ લાંબો સત્સંગ હોય તો સમયનો ઉપયોગ થઇ જાય છે.
અપડાઉનમાં કાળક્રમે મળેલો બોધપાઠ એ છે કે ટ્રેન પકડવાનો ઉત્તમ પ્રયાસ કરવોઃ કોલેજકાળમાં કટોકટ ટાઇમે અમદાવાદ સ્ટેશનેથી ખાસ્સી દૂર ઉભી રહેતી બસમાંથી ઉતરીને ચાર નંબરના પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન પકડવા માટે ઉત્તમ પ્રયાસથી ઓછું કંઇ જ ન ચાલે. એવું જ ઉપર લખેલા કરચીયાથી આણંદની મુસાફરી માટે કહેવાય. ટ્રેન પકડવા માટે, હિંદીમાં જેને ‘એડીચોટીકા જોર’ કહે છે તે લગાડવું પડે. પણ સ્ટેશને આવ્યા પછી ખબર પડે કે ટ્રેન જતી રહી છે તો?
કંઇ નહીં. ક્ષણિક નિરાશા પછી (બસ જેવા) બીજા રસ્તા શોધવામાં લાગી જવું અથવા ભૂખ લાગી હોય તો શાંતિથી નાસ્તો કરીને, પછીની ટ્રેન આવે ત્યાં સુધીના સમયનો મસ્ત ઉપયોગ કરવો. વાંચવું. મિત્રો જોડે ફોન પર વાતો કરવી. મુદ્દે, એક ટ્રેન – કે એક તક- ચૂકી જવાથી આભ તૂટી પડવાનું નથી એની ખાતરી રાખવી.
આપણાપણું જળવાઇ રહ્યું હોય તો તો ચૂકાયેલી ટ્રેન કે તક પણ આશીર્વાદરૂપ કે ફળદાયી નીવડી શકે છે.
(અઢી દાયકાના અપડાઉન વિશે હજુ ઘણું વધુ લખી શકાય એમ છે, પણ ફરી ક્યારેક.)


Tuesday, May 03, 2011

અંગ્રેજ ચલે ગયે, કટલેટ છોડ ગયે


કેટલીક વસ્તુઓ કેમ ચાલતી હશે, તેની કાયમ નવાઇ લાગે. તેમના ચાલવા પાછળનું એક જ કારણ જડેઃ બસ, તે ચાલે છે - અને કોઇએ તેમાં ફેરફાર કર્યો નથી, એ જ.

વાત 'કટલેસ' તરીકે લોકપ્રિય એવી 'વેજ કટલેટ'ની છે. ટ્રેનમાં મુસાફરી કરનારાએ આ દૃશ્ય જોયું જ હશેઃ ડાઇનિંગ કારનો યુનિફોર્મ પહેરેલા માણસો હાથમાં પ્લાસ્ટિકની ટ્રે, એની અંદર એલ્યુમિનિયમની ફોઇલમાં વીંટાળેલી કટલેટ, બ્રેડની સ્લાઇસ અને કેચ-અપનાં પાઉચ લઇને 'ગરમાગરમ કટલેસ' કહેતા એક ડબ્બેથી બીજે ડબ્બે ફરતા હોય. કર્ણાવતી એક્સપ્રેસ પ્રકારની કે ગુજરાત ક્વીન પ્રકારની ટ્રેનોમાં આવાં દૃશ્ય સામાન્ય હોય છે.

જેટલી વાર ગુજરાતની-ભારતની ટ્રેનમાં કટલેટ -ઔર કટલેટ કે સિવા કુછ ભી નહીં- વેચાતી જોઉં, ત્યારે મને હંમેશાં નવાઇ અને ત્રાસ થાય છે. ભારતનો કયો જણ એવો હશે, જે નાસ્તામાં બ્રેડની સ્લાઇસ સાથે કટલેટ અને કેચ-અપ ખાતો હોય? ભારતીય નાગરિકોને ટ્રેનમાં આપી શકાય એવા ભજિયાં, ગોટા, સમોસાથી માંડીને ઇડલી-ઉપમા કે પરાઠા જેવી અનેક ચીજો મોજૂદ છે, જેનો સ્વાદ આમ અને ખાસ તમામ પ્રકારના લોકો માણી શકે છે.

ટ્રેનમાં વેચાતી વેજ કટલેટ ક્યારેક ભૂખના માર્યા કોઇ ખરીદે તો ત્યાર પછીની તેમની મૂંઝવણ જોવાલાયક હોય છે. બ્રેડની બે-ચાર સ્લાઇસ, કેચ-અપ અને કટલેટને કેવી રીતે મઝા પડે એમ ખાઇ શકાય, તેની મથામણ અઘરી હોય છે. સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસ વચ્ચે કટલેટ મૂકીને તેની પર પાઉચમાંથી કેચ-અપ રેડીને તેને આરોગવાનો પ્રયાસ થાય છે. તેમાં ફાવે નહીં કે મઝા ન આવે એટલે બ્રેડ-કટલેટને અલગ પાડી દેવામાં આવે છે અને શુદ્ધ દેશી પદ્ધતિએ તેને ખાવાનો વારો આવે છે.

તો પછી ભારતીય ખાણીપીણીની પદ્ધતિ સાથે બિલકુલ મેળ ન ધરાવતી કટલેટ શા માટે હજુ ટ્રેનોમાં એકાધિકાર ભોગવે છે? ટેકનિકલ કારણ તો ખબર નથી, પણ ધારી શકાયઃ કટલેટ અસલમાં અંગ્રેજ સાહેબોની પસંદ હશે. તેમનું જોઇને ભારતીય સાહેબોએ તેને અપનાવી હશે અને 1947 પછી એને ટ્રેનના મેનુમાંથી દૂર કરવાનું કે તેની સાથે બીજી ભારતીય વાનગીઓ ઉમેરવાનું ભૂલી ગયા હશે. એટલે મંત્રીના તુક્કાથી પ્લેટફોર્મ પર ચા પીરસવામાં કપને બદલે કુલડી સુધી જઇ શકાય, પણ કટલેટનું એકચક્રી શાસન અડીખમ રહ્યું છે.

કટલેસને ટપોરી બોલીમાં 'કટ લે' કહેવાનો વખત ક્યારનો આવી ગયો નથી? કે એના માટે પણ કોઇ અન્ના હઝારેના ઉપવાસની રાહ જોવાય છે?

Friday, April 15, 2011

‘શહેનશાહ’ અને મોહનઃ બે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

‘ઠક, ઠક, ઠક...આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ એવા પોકારથી સવારની ગુજરાત ક્વિનના મુસાફરોનું ધ્યાન અવાજ ભણી ખેંચાય. તેમની નજર પડે સફેદ કપડાં, સરેરાશથી વધારે ઉંચાઇ અને તેના પ્રમાણમાં નાનો ચહેરો ધરાવતા માણસ પર.

પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતો એ જણ લાંબા પટ્ટાવાળું કાળું પાકિટ ડબ્બાની બારી પાસેના હુક પર ભરવીને ઊંચા અવાજે બોલવાનું શરૂ કરે, ‘આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ પછી એ ખ્યાલ આપે કે ચાલુ પ્રવાસે લીંબુ, મોસંબી, સંતરાં વગેરેનો રસ કાઢવો હોય તો એક અદભૂત મશીન હાજર છે. ‘એમાં લાઇટની જરૂર નહીં, પાવરની જરૂર નહીં. ઓટોમેટિક ચાલે...ઓટોમેટિક’. એમ ‘ઓટોમેટિક’ શબ્દ પર આરોહ-અવરોહ સાથે પુનરાવર્તન કરીને બોલે.

એના હાથની બે આંગળીનાં ટેરવાં સ્ટીલના બે પોલા નાના નળાકારમાં ખોસેલાં હોય. બે સીટ વચ્ચેના પાટિયા પર કાચનો નાનો ગ્લાસ માંડ સ્થિર રહી શકે એટલી જગ્યામાં તે નેનો સાઇઝનો કાચનો ગ્લાસ ગોઠવે, પછી લીંબુ અને મોસંબી કે નારંગી કાઢે અને ત્યાં ગોઠવે. રોજિંદા ન હોય એવા મુસાફરોમાં જાણે જાદુનો ખેલ થવાનો હોય એવું વાતાવરણ સર્જાઇ જાય અને રોજના અપ-ડાઉનવાળા માટે ઓન ધ વ્હીલ્સ, સ્ટેન્ડ અપ શો.

શહેનશાહ પૃથ્વી જેવી ચપટી મોસંબીના ‘ધ્રુવપ્રદેશ’માં સ્ટીલના પોલા નળાકારનો અણીવાળો ભાગ ખૂંપાવે, પછી તેના બીજા છેડે કાચનો ગ્લાસ રાખીને મોસંબીને દબાવતા જાય અને ગોળગોળ ફેરવતા જાય. જોતજોતાંમાં મોસંબી નીચોવાઇ જાય અને તેના રસથી ગ્લાસનો ત્રીસ-ચાળીસ ટકા હિસ્સો ભરાઇ જાય. પછી લીંબુનો વારો આવે. તેમાંથી એ જ પ્રમાણે રસ કાઢવામાં આવે. પ્યાલામાં રહેલા મોસંબીના રસમાં લીંબુનો રસ ઉમેરાય. સમગ્ર કાર્યવાહી દરમિયાન શહેનશાહની અસ્ખલિત, વિલંબિત લયવાળી, પુનરાવર્તિત, સહેજ ગ્રામ્ય છાંટ ધરાવતી અને અપ-ડાઉન કરનારામાં ગલગલિયાંયુક્ત હાસ્ય જગાડે એવી દ્વિઅર્થી વાકધારા ચાલુ હોય.

સ્ટીલના બન્ને નળાકારોને શહેનશાહ ‘જુસ મશીન’ તરીકે ઓળખાવે અને તેના ફાયદા ગણાવેઃ લાઇટની જરૂર નથી, મુસાફરીમાં ગમે ત્યાં વાપરી શકાય, ગ્લાસ ન હોય તો રસ સીધો મોઢામાં પણ પાડી શકાય, લીંબુ-મોસંબી અંદરથી એકદમ સાફ થઇ જાય (એના ‘ડેમો’ તરીકે એ રસ નીકળ્યા પછીનું લીંબુ ખુલ્લું કરીને બતાવે.) ‘લીંબુ, નારંગી, મોસંબી, સંતરા, માલ્ટા, ઓરેન્જ’- આ બધાનો જુસ કાઢી આપતાં બન્ને મશીનની કિંમત તો 15 રૂ છે, પણ ‘પરચાર’ (પ્રચાર) માટે તે 10 રૂપિયામાં આપવામાં આવશે- એમ કહે.

‘શો’ પૂરો થાય એટલે એકાદ ખૂણેથી દસની નોટ આવે. બે ‘મશીન’ પેક કરેલી કોથળી શહેનશાહ આપે. ત્યાર પછી, ‘લઉં કે ન લઉં’ના વિચારમાં પડેલા બે-ચાર-પાંચ લોકો એક જણની પહેલ જોઇને દસની નોટ લંબાવે. એમ કરતાં મણીનગર આવી જાય- અને વાર હોય તો શહેનશાહ આગળના કમ્પાર્ટમેન્ટમાં જાય.

આ વાત 25 વર્ષ પહેલાંની. ચોક્કસ કહું તો 1987ની. મહેમદાવાદમાં 12મું ધોરણ પાસ કરીને કોલેજ માટે અમદાવાદ અપ-ડાઉન શરૂ કર્યું, ત્યારે પહેલી વાર શહેનશાહનાં દર્શન થયાં હતાં. થોડાં લાંબા અંતરાલ પછી તેમને એવા જ ઉત્સાહથી દસ-પંદર રૂપિયાની સોનેરી ચેઇનો વેચતાં જોયા હતા. વળી થોડાં વર્ષ વીત્યા પછી, આ મહિને સવારે સાડા દસ વાગ્યાની મેમુ ટ્રેનમાં ફરી એક વાર ‘જુસ મશીન’નો ડેમો જોયો. એ જ માણસ. હવે એ પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતા નથી એટલું જ. બાકી એ જ ચહેરો, એ જ ઢબછબ. વચ્ચેનાં પચીસ વર્ષ તેમના દેખાવ પર જાણે વરતાય જ નહીં. તેમને જોઇને એક રીતે ટાઇમટ્રાવેલ જેવી લાગણી થઇ.

શહેનશાહથી સાવ સામા છેડાનું, પણ એ જ ગાળાનું યાદ કરવું પડે એવું એક પાત્ર મોહન સિંગવાળો. તેમની ઉંમર એ વખતે પચાસ આસપાસ હશે. પણ રફીને કે કિશોરકુમારને જેમ આત્મીયતાર્થે એકવચનમાં ઉલ્લેખવામાં આવે છે, એવું જ મોહનનું. ગુજરાત ક્વિનના જ નહીં, ટ્રેનના ફેરિયાઓમાં મોહનનું નામ ‘લેજન્ડરી’ કહેવાય એવું.

એ માણસ કાળુપુર સ્ટેશને એક નંબરના પ્લેટફોર્મના દાદર પાસે, ઉભા પગે બેઠો હોય. સામે ગરમાગરમ સિંગનો ટોપલો, છાપાંના લંબચોરસ ટુકડા અને એક નાની પ્યાલી. રૂપિયા પ્રમાણે પ્યાલી ભરીને એ સિંગ આપે. ફેરિયાઓના જગતમાં પણ પત્રકારો-કોલમિસ્ટોની જેમ ‘બોલે તેનાં બોર વેચાય’ એ સત્ય પ્રચલિત., પણ મોહન તેમાં મજબૂત અપવાદ હતો. સાંજે છ ને દસે ક્વિન ઉપડે ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર એક જ જગ્યાએ હોય. સિંગ વેચવા ક્યાંય ફરવાનું નહીં. લોકો તેને શોધતા શોધતા પહોંચી જાય. પછી એ ટ્રેનમાં ચડે અને અમદાવાદથી મહેમદાવાદ સુધી, એક પણ શબ્દ બોલ્યા વિના, ચૂપચાપ ડબ્બામાં આગળ વધતો રહે. મોહનનો અવાજ ભાગ્યે જ કોઇએ સાંભળ્યો હશે. પણ તેને બોલવાની જરૂર જ નહીં. લોકો તેની રાહ જોતા હોય.

મહેમદાવાદ સ્ટેશને મોહન ઉતરી પડે. એમાં પણ એની ખાસ સ્ટાઇલ. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યાં સુધી એ સિંગ વેચે. ટ્રેન ચાલુ થાય એટલે તે ચાલતી ટ્રેને સહેજ દોડીને ટોપલા સાથે ઉતરી જાય. ચાલુ ક્વિનમાંથી ઉતરતો મોહન પ્લેટફોર્મ પર ફરવા જતા ઘણા મહેમદાવાદીઓ માટે, સૂરજના આથમવા જેવું કાયમી દૃશ્ય. કેટલાક ખાસ મોહનની સિંગ લેવા માટે ક્વિન પર જાય. બીરેન એ વખતે આઇપીસીએલમાં નોકરી કરતો અને મહેમદાવાદ રહેતો હતો. નાઇટ શિફ્ટ હોય ત્યારે એ ક્વિનમાં વડોદરા જાય. ભાભી કામિની તેડવા જેવડી શચિને લઇને બીરેન સાથે સ્ટેશને જાય. વળતાં એ મોહનની સિંગ લેતાં આવે. નાની શચિને જોઇને મોહન પ્રેમથી એકાદ રૂપિયાની સિંગનું અલગ ‘છોટા પેક’ આપે. અડધો-પોણો કલાક મહેમદાવાદ પ્લેટફોર્મ પર બેઠા પછી એ ઇન્ટરસીટી એક્સપ્રેસ પકડીને અમદાવાદ પાછો. ધંધાનો આ જ ટાઇમઃ ક્વિનથી ઇન્ટરસીટી. ઇન્ટરસીટીમાં પણ લોકો મોહનની રાહ જોતા હોય.

ભાવ વધારવો હોય ત્યારે પેકેટ નાનું કરવાને બદલે જથ્થો ઘટાડી નાખવો, એ ફન્ડા વેફરોવાળા કરતાં વીસેક વર્ષ પહેલાં મોહનને આવડતો હતો. એટલે ભાવ ગમે તેટલા વધે, મોહનની માપની ડબ્બી એની એ જ રહે. હા. એના તળીયે મુકાતાં કાગળનાં પેકિંગ ઉમેરાતાં જાય. મોહનની સમૃદ્ધિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત હતી. એમાંની એકાદ તો શબ્દાર્થમાં દંતકથા હતી. કારણ કે મોહનનો એક દાંત સોનાનો હતો. છોકરા વેલ સેટલ્ડ હોવા છતાં મોહન સિંગ વેચે છે અથવા મોહનનો મસ્ત બંગલો છે, એવું ઘણી વાર સાંભળવા મળતું હતું.

‘આપણી ક્વોલિટી હશે તો લોકો સામેથી શોધતા આવશે. આપણી સરસ ચીજ વેચવા માટે લાઉડ કે ચીપ થવાની જરૂર નથી’ એવી ‘મોહન-સ્કૂલ’થી તદ્દન વિપરીત ‘શહેનશાહ-સ્કૂલ’ - લાઉડ, લોકરંજક, ગલગલિયાં કરાવીને માલ વેચનારી. જાતે ને જાતે મોટા દાવા કરનારી અને પોતાની આવડત કરતાં વધારે સામેવાળાના ‘ભોળપણ’ પર શ્રદ્ધા રાખીને પિચિંગ કરનારી. (વાચકોને છાપાં-મેગેઝીન-કોલમિસ્ટો સહિત બીજાં ક્ષેત્રોમાં પણ ‘મોહન-સ્કૂલ’ અને ‘શહેનશાહ-સ્કૂલ’ વાળાં નામ યાદ આવી શકે છે)

શહેનશાહને ખબર હોય કે આપણા પ્રચાર પછી એક જણ ખરીદશે, એટલે પાછળ બીજા લોકો પણ આવશે. એ માટે અમારા ગામના એક છોકરાને તેમણે પહેલી ખરીદી માટે કહી રાખેલું. ડેમો પૂરો થાય એટલે એ છોકરો દસની નોટ કાઢીને શહેનશાહને આપે. એ જોઇને બીજા પણ પ્રેરાય. મણિનગર ઉતરીને શહેનશાહ છોકરાને દસની નોટ પાછી આપી દે અને ‘મશીન’નું પેકેટ લઇ લે. બદલામાં ક્યારેક બીજા અપ-ડાઉનવાળાની જેમ એ છોકરાને પ્યાલામાં ભેગો થયેલો લીંબુ-મોસંબીનો રસ પીવા મળે.. શહેનશાહની કાર્યપદ્ધતિની ઝલક આપતી કેટલીક ‘રસ’પ્રદ તસવીરો-





Thursday, December 16, 2010

જનતા ‘પાર્ટી’?

રેલવે સ્ટેશનના સ્ટોલ પર ‘જનતા ખાના’નું પોસ્ટર જોઇને નવાઇ લાગી. ફક્ત 10 રૂપિયામાં 7 પુરી, 150 ગ્રામ ભાજી, અથાણું અને એક લીલું મરચું- આ તો ખરેખર સસ્તું કહેવાય, પણ આવું હોય ખરું? ભલું પૂછવું. રેલવેમાં મંત્રીઓને તુક્કા બહુ આવતા હોય છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવાની તૈયારી તરીકે આખા દેશમાં આવી કોઇ સ્કીમ કાઢી હોય તો કોને ખબર?

મનમાં આવા વિચારો સાથે સ્ટોલના માલિકને જનતા ખાના વિશે પૂછ્યું. એ ચહેરેથી ઓળખે. એટલે ખુલ્લાશથી વાત કરી. ‘આવું જનતા ખાના મળે છે?’ એવું પૂછ્યું, એટલે એ હસીને ‘આવું તે કંઇ હોતું હશે? કેવી વાત કરો છો’ના અંદાજમાં કહે છે, ‘ના રે ના. આ તો રેલવેવાળાને લીધે લગાડવું પડે. બાકી કેવી રીતે પોસાય?’ મને બીજા પણ પેટાસવાલ થયાઃ જનતા ખાના કોને મળે? બહારથી કોઇ પ્લેટફોર્મ પર લેવા આવે તો તેને અપાય?

મેં પૂછ્યું, ‘પોસ્ટર લગાડીને જનતા ખાના આપો નહીં તો કોઇ કકળાટ ન કરે?’ એટલે સ્ટોલના માલિકે ભારોભાર આદર સાથે કહ્યું, ‘આપણી પબ્લિક સમજુ છે. એ પણ સમજે છે કે આટલા રૂપિયામાં તો કંઇ આટલું ખાવાનું મળતું હશે? એટલે કોઇ તકરાર કરતું નથી.’

પબ્લિક ખરેખર બહુ સમજુ છે...

Tuesday, November 23, 2010

જન ગણ મન કળાનાયક...

Nobel Prize Citation

Gandhiji & tagore at Shantiniketan

translations of Geetanjali

Hellen Keller with Tagore; her 'touching' impression of Tagore in her own handwritings

Sanskriti yatra train

રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલવેએ પાંચ ડબ્બાની એક ખાસ ટ્રેનમાં પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશમાં ફરતું ફરતું એ પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો. (એ યાદ કરાવતો મુ.મહેન્દ્રભાઇ મેઘાણીનો ફોન પણ એમની રાબેતા મુજબની ભાર વગરની ચોક્સાઇ સાથે આવી ગયો.) એટલે આજે સવારે અમદાવાદ સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ પર ગોઠવાયેલું ‘એક્ઝિબિશન ઓન વ્હીલ્સ’ જોયું.

રવીન્દ્રનાથ ટાગોર જેવી કળાક્ષેત્રની હસ્તીને યાદ કરીને તેમના માટે આવું પ્રદર્શન વિચારવામાં આવે, એ અભિનંદનને પાત્ર છે. પ્રદર્શનમાં રવીન્દ્રનાથ, તેમનાં પરિવારજનો અને શાંતિનિકેતન ઉપરાંત વિવિધ મહાનુભાવો સાથે રવીન્દ્રનાથની ઘણી તસવીરો જોવા મળી. ‘ગીતાંજલિ’ના વિવિધ ભાષામાં પ્રકાશિત અનુવાદોનાં મુખપૃ્ષ્ઠ બહુ રસ પડે એવાં હતાં.

એક ડબ્બો રવીન્દ્રનાથનાં ચિત્રોનો જ હતો. પાંચે ડબ્બામાં ફરતી વખતે બંગાળી અવાજોમાં રવીન્દ્રસંગીતની સુરાવલિઓ સંભળાતી હતી. છેલ્લા ડબ્બામાં રવીન્દ્રનાથની છબી કે ચિત્રો ધરાવતી કેટલીક ચીજો ઉપરાંત શાંતિનિકેતનની હસ્તકલા તરીકે શોપિંગપ્રિય પ્રજાને ગમે એવી કેટલીક ચીજો –પર્સ ઇત્યાદિ- પણ હતી. ભલું થાવ આયોજકોનું કે શાંતિનિકેતનમાં બનેલાં સંદેશ-રસગુલ્લાં વેચાતાં ન હતાં.

આ પ્રકારના ઉપક્રમને આવકાર્યા પછી પણ તેમાંથી કેટલીક મૂળભૂત અપેક્ષાઓ મોટે ભાગે સંતોષાયા વગરની રહેતી હોય છે. ટાગોર-ટ્રેનમાં પણ એવું જ બન્યું.

  • ઇ.સ.2010નું પ્રદર્શન હોય અને તે ઇન્ટરએક્ટિવ કેમ ન હોય?
  • આખા પ્રદર્શનમાં ક્યાંય રવી્ન્દ્રનાથનો અવાજ અને ફિલ્મ (હાલતાચાલતા રવીન્દ્રનાથ) ક્યાંય ન દેખાય એ કેમ ચાલે? એક જાણીતી ડોક્યુમેન્ટરીમાં રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું જનગણમન... છે. પ્રદર્શનમાં ચારે અંતરાવાળું આખું જનગણમન... મૂકેલું હતું. તેની નીચે બટન દબાવવાથી રવીન્દ્રનાથના અવાજમાં એ સાંભળવા મળે એવી વ્યવસ્થા ન થઇ શકે? ટેકનોલોજીની રીતે એ કરવું અઘરું નથી.
  • આપણાં ઘણાં સંગ્રહસ્થાનોમાં બને છે તેમ, તસવીરોની નીચે ફોટોલાઇન ન હોય અથવા અધૂરી હોય એવું શા માટે? શાંતિનિકેતનની એક તસવીરમાં વિદ્યાર્થીઓ એક વડીલને વીંટળાઇને બેઠા હોય અને એની કશી ફોટોલાઇન જ ન હોય (- અને એ વડીલ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન હોય)...
  • આ પ્રકારનાં પ્રદર્શનોની કક્ષા જોતાં એવું લાગે, જાણે તે સ્કૂલનાં બાળકોને ધ્યાનમાં રાખીને યોજાતાં હશે. જો એમ જ હોય તો આયોજકોએ સ્કૂલનાં બાળકોની કક્ષા વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. કેમ કે ડિજિટલ યુગનાં બાળકોને આવાં પ્રદર્શનોથી કેટલી હદે આકર્ષી શકાય એ સવાલ., આ જાતનાં પ્રદર્શનમાં કોઇ ઉત્સાહી જ નહીં, જાણકાર પણ હોય એવા શિક્ષક સાથે હોય તો જ વિદ્યાર્થીઓને પણ કંઇક જાણવા મળે- અને વડીલો માટે તો એ વિકલ્પ પણ નથી
Photo Reproductions : courtesy : Sanskriti Yatra Train Exhibition

Sunday, October 10, 2010

કોમન છતાં અનકોમન-વેલ્થ ગેમ્સ


ઉપરની બન્ને તસવીરો ટ્રેનમાં રોંગ સાઇડથી ચડી જવા માટે તત્પર સંખ્યાબંધ લોકોની છે. તેમાં સ્ત્રી-પુરૂષના ઝાઝા ભેદભાવ નથી. ટ્રેન જે પ્લેટફોર્મ પર આવતી હોય ત્યાં પુષ્કળ ગીરદી હોય, એટલે જગ્યા મળવાની અને ધક્કામુક્કીથી બચવાની લાલચે ઘણા લોકો રોંગ સાઇડ પર, પ્લેટફોર્મ વિના ઉભા રહીને ત્યાંથી ટ્રેનમાં ચડવાનો જોખમી વિકલ્પ અપનાવે છે.
અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારમાં, ટ્રેન ઉભી હોય ત્યારે તેમાં રોંગસાઇડથી ચડવું ઇચ્છનીય નથી, તેમ બહુ જોખમી પણ નથી. પરંતુ ખરું જોખમ ત્યારે સર્જાય છે, જ્યારે બીજી તરફથી પણ ટ્રેન આવતી હોય. કેટલીક વાર તો એવું બને કે બીજી તરફથી આવતી ટ્રેન ઉભી રહેવાને બદલે સડસડાટ પસાર થઇ જવાની હોય અથવા તે ખુલ્લાં બારણાં ધરાવતી ગુડ્સ ટ્રેન હોય. એ સંજોગોમાં રોંગ સાઇડથી ચડવા નીચે ઉતરી પડેલા લોકોને બન્ને તરફથી ટ્રેનના સુસવાટાનો સામનો કરવો પડે છે. બન્ને ટ્રેક વચ્ચેની જગ્યા કેટલી ઓછી હોય છે તે ઉપરની તસવીરોમાં જોઇ શકાય છે. છતાં, પ્લેટફોર્મ પર ચડવાનો વિકલ્પ જતો કરીને ફક્ત સુવિધા ખાતર (એક વાર થોડી તકલીફ વેઠી લઇને!) અંદર જગ્યા મળે એ માટે લોકો આવું જોખમ લે છે.
રોડ આ તસવીરમાં દેખાય છે એટલો પણ ખાલી નથી. કેમ કે તે મણીનગર બીઆરટીએસનો મુખ્ય રસ્તો છે. છતાં બંધ બાઇકવાળા મિત્ર નિરાંતે રિક્ષાના સહારે 'ગંતવ્ય સ્થાન' ભણી જઇ રહ્યા છે. ક્યાં જવું છે એની તમેને ખબર હશે, પણ તે ક્યાં પહોંચી શકે તેમ છે તેનો બાઇકબહાદુરને જરાય વિચાર આવતો હશે?
આ જરા 'લો કી' પ્રકારનું સાહસ છ. તેમાં મરી ન જવાય, પણ મચકોડ આવી શકે- હાડકાં પણ ભાંગી શકે. છતાં, મણિનગર સ્ટેશન સામે બીઆરટીએસના બસ સ્ટેન્ડ માટે જગ્યા કરવા એએમટીએસનું પદ્ધતિસરનું બસસ્ટેન્ડ કાઢી નાખ્યું ત્યારથી બસમાં ચડવા માટે આવી જ સ્થિત હોય છે. ડરે તે મરે તો નહીં, પણ રહી જાય ખરું.

સૌથી નિર્દોષ પ્રકાર. લાંબા અરસા સુધી મણિનગર સ્ટેશનની બરાબર બહાર નીકળવા માટે આવી 'વૈતરણી' પાર કરવી ફરજિયાત હતી. બે-ત્રણ ચોમાસાંથી આવી સ્થિતિ હતી. આખા મણિનગર સ્ટેશનનું રીનોવેશન થઇ ગયું ને ઝગમગાટ કરતી લાઇટો મુકાઇ ગઇ, ત્યાર પછી પણ આ પાણીનું કંઇ થતું ન હતું. ટ્રેન આવી હોય, અસંખ્ય મુસાફરો બહાર જવા માટે ઉતાવળા હોય ત્યારે રામનામ વિના તરતા હોય એવા જણાતા આ પથ્થર પુલની ગરજ સારતા હતા. આખરે કોઇને બત્ત્તી થઇ શે એટલે પાણી ભરાતું હતું એ ભાગમાં આરસીસીનું લેયર કરી નાખ્યું. ત્યાર પછી પાણી ભરાતું અટક્યું.