Friday, July 01, 2011

600મી પોસ્ટઃ સુખદ સંયોગોનો સિલસિલો અને થોડું ‘અપડાઉન’


ગયા અઠવાડિયે આ બ્લોગ ત્રણ વર્ષ પૂરાં કરીને ચોથા વર્ષમાં પ્રવેશ્યો. એ જ વખતે 600મી પોસ્ટ આવી. તેની સાથે સંભારવા જેવી બીજી પણ બે અંગત વાત છે. 1) 2011ની નવી કોલેજ ટર્મ સાથે મારા મહેમદાવાદ-અમદાવાદ અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થયું. 2) છેલ્લાં નવેક વર્ષથી હું જેનું સંપાદન કરું છું તે ‘દલિતશક્તિ’ માસિકનો હવે (જુલાઇ, 2011માં) 100મો અંક પ્રકાશિત થશે. આ બધાં નિમિત્ત ભેગાં કરીને કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે પ્રેમપૂર્વક દોરી આપેલું મસ્તીચિત્ર ઉપર મૂક્યું છે. તેમાં દેખાતી મારી ઇર્ષ્યાજનક ‘તંદુરસ્તી’ મસ્તીચિત્રની માગ અને કાર્ટૂનિસ્ટની ફળદ્રુપ કલ્પનાશક્તિનું પરિણામ છે. તેથી ‘તંદુરસ્તીકા રાઝ’ ન પૂછવા વિનંતીઃ-)
ચાળીસ વર્ષે અપડાઉનનું પચીસમું વર્ષ શરૂ થઇ જાય, એ મહેમદાવાદમાં રહેનારા ઘણા લોકોની નીયતી હશે. કારણ કે 12મું ધોરણ ભણી લીધા પછી ‘વધુ અભ્યાસ માટે’ ઇંગ્લેન્ડ-અમેરિકાની જેમ નડિયાદ-આણંદ કે અમદાવાદ જવું પડે. એ સાથે શરૂ થયેલો અપડાઉનનો સિલસિલો આજીવન – અથવા ઘણા લોકોના કિસ્સામાં તે ‘છોકરાંના અભ્યાસ માટે’ બહાર રહેવા ન જાય ત્યાં સુધી ચાલે.
***
‘અપ-ડાઉન’ શબ્દ ‘હાફ પેન્ટ’ની જેમ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ઇંગ્લીશનો ઉત્તમ નમૂનો છે. ‘ગૂગલ’ ‘સર્ચ’નો કે ‘ડાલડા’ વનસ્પતિ ઘીનો પર્યાય બન્યાં, ત્યાર પહેલાંથી ટ્રેનની દિશા સૂચવતા શબ્દો ‘અપ’ અને ‘ડાઉન’ એક થઇને ટ્રેનમાં નિયમિત અવરજવર માટે વપરાતા હતા. દરેક ટ્રેનનો એક નંબર હોય અને તેની સાથે અપ કે ડાઉનનું લટકણીયું લાગેલું હોય. ટ્રેનના નંબર ચાર (અને હવે પાંચ) આંકડાના થયા તે પહેલાં, એ નંબર વધારે આત્મીય અને લગભગ ટ્રેનના ઓલ્ટર ઇગો જેવા-ટ્રેનની સંસ્કૃતિના પ્રતીક જેવા લાગતા હતા.
રેલવેની અલગ સંસ્કૃતિ હોય, પણ દરેક ટ્રેનની અલગ સંસ્કૃતિ? હા. અપડાઉન કરનારા માટે જુદી જુદી ટ્રેનોની જુદી છટા અને અલગ મિજાજ હતાં. ટ્રેનોનાં લગભગ સત્તાવાર બની ચૂકેલાં, લાડકાં-લોકપ્રિય નામ પણ ખરાં. રાત્રે મુંબઇ જતી અમદાવાદ જનતા એક્સપ્રેસ ‘જનતા’ કે ‘બીજો ફાસ્ટ’ કહેવાય. તેની પહેલાં આવતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ‘ડુપ્લીકેટ’ અથવા ‘પહેલો ફાસ્ટ’. સાંજે સાતેકની આસપાસ આવતી લોકલ વડોદરાને બદલે ફક્ત આણંદ સુધી જતી હોવાને કારણે ‘અડધિયું’ તરીકે ઓળખાય. સવારે એ જ અડધિયું આણંદથી અમદાવાદ જાય.
‘ગુજરાત ક્વિન’ ફક્ત ‘ક્વિન’ તરીકે જાણીતી. મોટા ભાગના અપડાઉન કરનારાને ઘરની ‘ક્વિન’ કરતાં ગુજરાત ક્વિન સાથે વધારે આત્મીયતા લાગે. ‘ક્વિન ટુ ક્વિન’ (સરકારી ઓફિસટાઇમ)ની નોકરી મહેમદાવાદમાં ભણતા છોકરાનું સ્વપ્ન હોય અને અડધિયાથી અડધિયાની (સવારે સાત-સાડા સાતથી સાંજે સાત-સાડા સાતની) નોકરી વટવા નોકરી કરતા ‘કારીગર વર્ગ’ સાથે સંકળાયેલી. સ્કૂલમાં એક શિક્ષિકા હંમેશાં એ મતલબની ચીમકી આપતાં કે બરાબર નહીં ભણો તો અડધિયામાં વટવા નોકરી કરવાનો વારો આવશે.

ક્વિનમાં નિયમિત અપડાઉન કરનારા પોતે કાયમના છે એવો છાકો પાડવા માટે ક્વિનનો ઉલ્લેખ તેના નંબરથી, ‘નાઇન ડાઉન’ તરીકે કરે. સાંજની ક્વિનને જોકે કોઇ ‘ટેન અપ’ કહેતું ન હતું. છેક હમણાં ભગવતીકુમાર શર્માની આત્મકથામાં વાંચ્યું કે ગુજરાત ક્વિનની શરૂઆત ગુજરાત રાજ્ય સ્થપાયું એ દિવસથી થઇ હતી અને ભગવતીભાઇ ક્વિનની અમદાવાદથી સુરતની પહેલી સફરના યાત્રી હતા. ક્વિન બહુ લાંબી, કદાચ અઢારેક ડબ્બાની ટ્રેન. તેના ફર્સ્ટ ક્લાસ સિવાયના બધા કોચ સળંગ, એકબીજા સાથે જોડાયેલા. કેટલાક સૌંદર્યપિપાસુઓ ક્વિનમાં પાછળના ડબ્બામાં ચડે અને ધીમે ધીમે એક પછી એક ડબ્બા વીંધતા, તેમાં બેઠેલી સુંદરીઓનો દર્શનલાભ મેળવીને ધન્ય થતા આગળ વધે. ક્યાંક લાગે કે ‘સ્વર્ગ ક્યાંય હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે’ તો એ આગળ જવાનું માંડી વાળે. સાંજની ક્વિનમાં અમદાવાદથી મહેમદાવાદ વચ્ચે મોહનની ગરમ સિંગનું વધારાનું આકર્ષણ. (મોહનની સિંગ વિશેની પોસ્ટ માટે ક્લિક કરો )
ક્વિનમાં ટ્રેનની જ નહીં, કેટલાક ડબ્બાની પણ આગવી ખાસિયતો. રોજ ડબ્બા અમુક સિકવન્સમાં આવતા હોય. ચોક્કસ ડબ્બામાં બેસનારા તેના ચાર આંકડાના નંબર યાદ રાખે અને ‘ચાલો, 6808 આવી ગયો’ અથવા ‘આજે 7848 બહુ આગળ ગયો’ એવા ઉદગાર કાઢે. છેલ્લાં ઘણાં વર્ષોથી સવારની ક્વિનમાં એક ડબ્બો આરતીનો હોય છે. એ ડબ્બામાં મહેમદાવાદથી ચડનારું મોટું ઝુંડ સામાન લટકાવવાની જગ્યાએ માતાજીની ફોટોફ્રેમ લટકાવીને રોજ ‘જય આદ્યશક્તિ’, ‘વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા’ જેવી આરતીઓ અને થાળ ગાય. સામાન્ય રીતે થાળ સૌથી છેલ્લો ગાવાનો હોય, પણ અપડાઉનનો તકાદો ધ્યાનમાં રાખીને બે આરતી પછી થાળ ગાઇ કાઢવામાં આવે, જેથી સીંગ-સાકરિયા જેવો પ્રસાદ ડબ્બામાં ફરતો થઇ જાય. ત્યાર પછી નિરાંતે બીજી આરતીઓ ગવાય.
મહિનાઓ સુધી મહેમદાવાદ અમારા ઘરે રહીને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં (એન્થ્રોપોલોજી ક્ષેત્રમાં) પીએચ.ડી.નું ફિલ્ડવર્ક કરનાર અમેરિકન મિત્ર કેરોલીન (કેરી) થોડા દિવસ સુધી ચાહીને, કૌતુકથી ક્વિનના આરતીવાળા ડબ્બામાં જતી હતી. મુંબઇની ટ્રેનોની જેમ અહીં આરતીની સાથે ઢોલ-મંજીરા હજુ આવ્યા નથી એટલું સારું છે. છતાં આરતીના ડબ્બામાં ભૂલથી ચડી ગયેલા શાંતિપ્રિય લોકોના મનમાં આરતીની એક જ પંક્તિ ચોંટી જાયઃ ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો’.
ગુજરાત મેઇલનો નંબર એ જ તેની બ્રાન્ડ. એ જ તેનું લાડકું નામઃ ‘વન ડાઉન’. (રાત્રે આવતી ‘ટુ અપ’ ગુજરાત મેઇલના નામમાં એ વજન ક્યાં?) ‘વન ડાઉન’ વહેલી સવારે સાડા પાંચની આસપાસ મહેમદાવાદ આવે. તેમાં કોમર્સ કોલેજનાં છોકરા-છોકરીઓ – અને અઠવાડિયે એકાદ વાર, મારા જેવા શનિવારે સવારની કોલેજ ધરાવતા સાયન્સવાળા- અપડાઉન કરે. નવરાત્રિમાં એક જગ્યાએ મોટા પાયે ગરબા રમાતા થયા, ત્યારે શોખીન જીવડા સવારે પાંચેક વાગ્યા સુધી ગરબા રમે અને પછી ઓઢણી કમરે બાંધીને નાહ્યા વિના સવારે ‘વન ડાઉન’ પકડવા આવી પહોંચે. (‘ક્લાસમાં જઇને ઉંઘી જવાનું’ એવું એકાદ વાર તેમની વાતચીતમાં સાંભળેલું.) હું સ્કૂલ-કોલેજમાં હતો એ વખતે વન ડાઉનમાં અપડાઉન કરનારાનું ગ્રુપ એવું જામેલું કે એ વખતની ફેશન પ્રમાણે યોજાતાં ક્રિકેટનાં ‘રાઉન્ડ’ (ટુર્નામેન્ટ)માં એક ટીમનું નામ હતું, ‘વન ડાઉન’. મુખ્યત્વે ગુજરાત મેઇલમાં અપડાઉન કરનારા એ ટીમમાં હતા. થોડા સમય ‘વન ડાઉન’ આખા મહેમદાવાદમાં ચેમ્પિયન તરીકે દબદબો ધરાવતી હતી.
***
ગામથી નજીક આવેલા મહેમદાવાદના સ્ટેશન પર ટ્રેનનું હોર્ન વાગે એટલે મહેમદાવાદનાં અનેક ઘરમાં સંતાનો મમ્મીને કે મમ્મી સંતાનોને કહેતાં હશે, ‘પપ્પાની ગાડી બોલી.’ લગભગ અડધા ગામમાં ટ્રેનનું હોર્ન સંભળાય. વીસ-પચીસ વર્ષ પહેલાં અમારા ઘરના ધાબેથી ટ્રેનો દેખાતી હતી. હજુ ‘વિકાસ’ થયા પછી પણ, ઉનાળાની રાતે ધાબે સૂતા હોઇએ અને રાતની ‘પાછલી ખટઘડી’એ આંખ ખુલી જાય તો ટ્રેનનો અવાજ અને ઘંટનો રણકાર સંભળાય. એ.આર.રહેમાનને કટ-પેસ્ટ કરવાનું મન થઇ જાય એવી રીધમ સાથે ફાસ્ટ ટ્રેન એક દિશામાંથી આવે, મહેમદાવાદ સ્ટેશન પસાર કરે અને બીજી તરફ નીકળી જાય તે હજુ પણ મોડી રાત્રે ‘સાઉન્ડ શો’ની જેમ, અવાજથી અનુભવી શકાય.
***
Up-Down Memorablia

1938માં બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (બીબી એન્ડ સીઆઇ) રેલવેએ બે સ્ટેશનો માટે નહીં, પણ આખા ઝોનની બાર લાઇનો માટે કાઢેલી 15 દિવસની સીઝન ટિકીટ. કિંમત છે રૂ.10. આ સિઝન ટિકીટ અમારા પરિવારમાં દાદા જેવું સ્થાન ધરાવતા, પપ્પા-કાકા-ફોઇના શિક્ષક અને 90 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને વિદાય લેનાર કનુકાકાના પપ્પા નટવરલાલ પંડ્યાની છે.મારા દાદા ચીમનલાલ કોઠારીની છેલ્લી સિઝન ટિકીટ. 15 માર્ચ, 1965ના દિવસે એ પૂરી થાય, તેના અઠવાડિયા પહેલાં, 8 માર્ચ, 1965ના રોજ (બિરેનના જન્મના એકાદ મહિના પહેલાં) દાદાનું અવસાન થયું હતું.


બે દિવસ પહેલાં મેં કઢાવેલી લેટેસ્ટ સીઝન ટિકિટ

અપ-ડાઉનવાળાના ઘણા પ્રકાર. મોટે ભાગે તે સમુહજીવી તરીકે કુખ્યાત. જૂથમાં હોય ત્યારે મિલિટરીવાળા સાથે પણ દાદાગીરી કરે અને એકલદોકલ હોય ત્યારે પણ ‘ફરી ક્યારેક મળજે. બતાવી દઇશ’ એવી લુખ્ખી આપવામાંથી ન જાય. નજીવી બાબતોમાં ઝઘડો અને મારામારી માટે જાણીતા. ખાસ કરીને વળતાંની ટ્રેનોમાં. આખો દહાડો કંટાળેલા હોય. અને કોઇક મુસાફર જગ્યા બાબતે ‘ઐડગીરી’ કરે (જડતા દાખવે) એટલે ખલાસ. કેટલાક અનિયમિત મુસાફરો પણ એવા ચોખલિયા હોય જાણે ટ્રેનમાં નહીં, વિમાનના બિઝનેસ ક્લાસમાં સફર કરતા હોય. પરંતુ સરેરાશ પ્રસંગોમાં અપડાઉનવાળાનો વાંક વધારે હોય. તેમની વચ્ચે અંદરોઅંદર પણ જામે. એ વખતે જે જૂથનું સ્ટેશન વચ્ચે આવતું હોય તે દાદા. કારણ કે તે પોતાના સ્ટેશને કોઇ પણ હદનો સીન ઉભો કરી શકે. ગાડી રોકાવી શકે. ગામમાંથી દાદાઓ બોલાવી શકે અને સામેના જૂથના સભ્યોને વચ્ચે ઉતારીને મારી શકે. આ હદની મારામારી હવે ઘણી ઓછી થઇ છે, પણ તેના અંશ ક્યારેક જોવા મળી જાય.
અમુક ગ્રુપ પત્તાવાળાં હોય. ટ્રેનમાં ચડે એટલે ઉભાં ઉભાં પણ તે મીંડીકોટ, રમી જેવી રમતો રમે. તેમની તાલાવેલી જોઇને એવું લાગે, જાણે એ ટ્રેનમાં પત્તાં રમવા મળે એટલા માટે નોકરી કરવા જતા હશે. કેટલાક મોટા ખેલી હોય. મહેમદાવાદથી અમદાવાદ સુધીમાં તે બસો-પાંચસો-હજારની ઉથલપાથલ કરી નાખે. છેક ઉતરવાનું સ્ટેશન આવે ત્યાં સુધી તે પત્તાં રમતાં હોય. સ્ટેશન આવવાની બે-પાંચ મિનીટની વાર હોય તો પણ ‘હજુ એક બાજી પડી જશે. ફટાફટ.’ કહીને તે છોડે નહીં. એટલે ઘણી વાર સ્ટેશન આવે ત્યારે ઉતાવળમાં બધો સંકેલો કરીને ઉતરવું પડે અને પોઇન્ટનો ફાઇનલ હિસાબ પ્લેટફોર્મ પર થાય.
કેટલાક લોકોને કોઇ પણ રીતે, ન્યૂસન્સ ઊભું કરીને પણ, પોતાની હાજરી બતાવવાની હોંશ હોય. (આ રિવાજ ફેસબુકથી પણ પહેલાંનો છેઃ-) એવાં જૂથના કેટલાક દોઢડાહ્યા મોટે મોટેથી આડીઅવળી કમેન્ટ કરે, આખા ડબ્બામાં સંભળાય એવું અટ્ટહાસ્ય કરે, અંદરોઅંદર ખાલીખાલી (પણ કોઇક દિવસ આવનારાને સાચું લાગે) એવી રીતે ઝઘડે, અજાણ્યા મુસાફરોને ગૂંચવવા માટે ‘આજે કયો વાર? શુક્રવાર ને? તો તો આજે મણિનગર નહીં ઊભી રહે.’ એવું મોટેથી કહે. એ સાંભળીને એકાદ મુસાફર પણ બાજુવાળાને પૂછે કે ‘ભઇ, આ મણિનગર ઊભી રહેશે ને?’ તો એ લોકોને મઝા પડી જાય. ટ્રેન વચ્ચે ઊભી રહે એટલે ‘પંક્ચર પડ્યું’ જેવી સદીઓ જૂની જોક પહેલી વાર કહેતા હોય એવી રીતે મોટેથી કહીને હસે. એમાં પણ આજુબાજુમાં કોઇ યુવતી બેઠી હોય અને એ થોડીઘણી દેખાવડી હોય તો થઇ રહ્યું.
એમ તો તમામ ઉંમરના લોકો ધરાવતા સામાજિક જૂથો પણ હોય. એ સિવાય એકલદોકલ નમૂનાઓમાં રંગીલા કાકાઓ, હોંશેહોંશે બારેજડી સ્ટેશને દોડીને સમોસા લેવા જનારા, પોતાના ઘરની કે ઓફિસની ઝીણીઝીણી વિગતો કહેનારા, મંત્રની નોટો ભરનારા, (કેટલાક ફેસબુકીયાઓની જેમ) ફક્ત ચર્ચા કરવા ખાતર ચર્ચા કરીને આજુબાજુવાળાને ઇમ્પ્રેસ કરવા કોશિશ કરનારા...આવા કંઇક હોય. મારો સમાવેશ એકલપેટા નમૂનાઓમાં થાય. આટલાં વર્ષમાં ટ્રેનમાં મારું કોઇ ગ્રુપ નહીં. બહુ ઓછા લોકો સાથે ઔપચારિકથી વધારે વાતચીત થાય. વર્ષો પહેલાં સલીલભાઇ આણંદથી અમદાવાદ આવે ત્યારે મહેમદાવાદથી હું જોડાઉં અને અમે દુનિયાભરની વાતો કરીએ. ક્યારેક મહેમદાવાદથી કોઇ મિત્ર સાથે હોય તો તેની સાથે વાતો કરવાની થાય. બાકી, ટ્રેનમાં મોટે ભાગે વાંચવાનું ચાલતું હોય. ઘણી વાર વાંચવાનું એવું જોરદાર હોય તો તાલાવેલી રહે કે ક્યારે સ્ટેશને પહોંચું અને વાંચવાનું ચાલુ કરી દઉં.
છેલ્લાં ચોવીસ વર્ષ દરમિયાન મારું અપડાઉન મહેમદાવાદ-અમદાવાદ વચ્ચે એકધારું રહ્યું નથી. કોલેજ પછી અને પત્રકારત્વમાં આવતાં પહેલાં દોઢ વર્ષ ગુજરાત રીફાઇનરીમાં હતો, ત્યારે મહેમદાવાદથી કરચિયા યાર્ડ (અને વડોદરા) અપડાઉન કર્યું. એ વખતે રીફાઇનરીથી છૂટીને ટ્રેન પકડવાનું કામ એક ઝુંબેશથી કમ ન હતું. રીફાઇનરીના ગેટથી મોટે ભાગે સાયકલ લઇને અથવા કોઇની લિફ્ટ લઇને કરચીયા યાર્ડ પહોંચવાનું. ત્યાંથી કઠાણા પેસેન્જર નામની ભેદી ગાડી પકડીને વાસદ. (આ ગાડી ભેદી એટલા માટે કે તેમાં બહુ ઓછા ડબ્બા અને એક પાણીનું ટેન્કર આવતાં હતાં. કરચીયાથી વાસદ માંડ ત્રણેક સ્ટેશન થાય, પણ આ ગાડી ઘણી વાર કલાક કાઢી નાખતી.)

વાસદમાં એ વખતે બસસ્ટેન્ડ રેલવે સ્ટેશનની બિલકુલ બહાર હતું (હવે દૂર હાઇ વે પર છે) એટલે ત્યાંથી બસ પકડીને આણંદ અને આણંદથી સાંજે પાંચની લોકલમાં મહેમદાવાદ. આ ક્રમ હંમેશાં ઘડિયાળના કાંટે ચાલતો હોય, સતત ગાડી ચૂકી જવાની તલવાર માથે લટકતી હોય. છતાં, ‘ગાડી આપણને લીધા વિના નહીં જાય’ એવી અપડાઉન-સહજ (ખોટી) શ્રદ્ધા મનમાં રહે.
રીફાઇનરીની ટ્રેનિંગ અંતર્ગત છ મહિના મુંબઇ રહેવાનું થયું ત્યારે મુંબઇની બહુચર્ચિત ટ્રેનોમાં ભીંસંભીંસા અપડાઉનનો સ્વાદ લીધો. પત્રકારત્વના રસ્તે આવતાં પહેલાં એકાદ વર્ષ બેકારીનું હતું. એ વખતે અપડાઉન બંધ હતું. બાકી, ‘અભિયાન’માં (અને પત્રકારત્વમાં) મુંબઇ જોડાયા પછી નવ-દસ મહિને અમદાવાદ પાછો આવ્યો ત્યાર પછીના એક-બે મહિના એવા હતા, જ્યારે મુંબઇ લગભગ અપડાઉન જેવું ચાલતું. અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદ, બે દિવસ મુંબઇ અને બે દિવસ રજા એટલે મહેમદાવાદ. (એ વખતે મુંબઇ ઓફિસે ‘ડેસ્ક’ પર કોઇ હતું નહીં, એટલે આ રીતે જવાનું થતું હતું.) ત્યારે ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસ અશ્વિનીભાઇના ઘરે હતી. તે મજાકમાં મને ‘રોવિંગ એડિટર’ કહેતા હતા. (એ વખતે હું પત્રકારત્વમાં માંડ એકાદ વર્ષનો અનુભવી અને હોદ્દાની રીતે ‘રીપોર્ટર-કમ-સબએડીટર’ હતો.)
છેલ્લાં પંદર-સોળ વર્ષથી મહેમદાવાદ-મણિનગર અપડાઉન એકધારું ચાલે છે, પણ વરસાદી દિવસો સિવાય અપડાઉનમાં કદી કંટાળો આવતો નથી. મારા માટે અપડાઉનનો સમય ‘એક્ટિવિટી પિરીયડ’ છે. એ દરમિયાન ઘણું વંચાય છે, વિચારવા-લખવાનું કામ થાય છે. મોબાઇલ યુગ પછી ટ્રેનમાં મેસેજ કે ફોન પણ ચાલતા હોય. જોકે ઘોંઘાટને લીધે અને સિગ્નલની વધઘટને લીધે વાત કરવાની બહુ મઝા આવતી નથી, પણ લાંબો સત્સંગ હોય તો સમયનો ઉપયોગ થઇ જાય છે.
અપડાઉનમાં કાળક્રમે મળેલો બોધપાઠ એ છે કે ટ્રેન પકડવાનો ઉત્તમ પ્રયાસ કરવોઃ કોલેજકાળમાં કટોકટ ટાઇમે અમદાવાદ સ્ટેશનેથી ખાસ્સી દૂર ઉભી રહેતી બસમાંથી ઉતરીને ચાર નંબરના પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન પકડવા માટે ઉત્તમ પ્રયાસથી ઓછું કંઇ જ ન ચાલે. એવું જ ઉપર લખેલા કરચીયાથી આણંદની મુસાફરી માટે કહેવાય. ટ્રેન પકડવા માટે, હિંદીમાં જેને ‘એડીચોટીકા જોર’ કહે છે તે લગાડવું પડે. પણ સ્ટેશને આવ્યા પછી ખબર પડે કે ટ્રેન જતી રહી છે તો?
કંઇ નહીં. ક્ષણિક નિરાશા પછી (બસ જેવા) બીજા રસ્તા શોધવામાં લાગી જવું અથવા ભૂખ લાગી હોય તો શાંતિથી નાસ્તો કરીને, પછીની ટ્રેન આવે ત્યાં સુધીના સમયનો મસ્ત ઉપયોગ કરવો. વાંચવું. મિત્રો જોડે ફોન પર વાતો કરવી. મુદ્દે, એક ટ્રેન – કે એક તક- ચૂકી જવાથી આભ તૂટી પડવાનું નથી એની ખાતરી રાખવી.
આપણાપણું જળવાઇ રહ્યું હોય તો તો ચૂકાયેલી ટ્રેન કે તક પણ આશીર્વાદરૂપ કે ફળદાયી નીવડી શકે છે.
(અઢી દાયકાના અપડાઉન વિશે હજુ ઘણું વધુ લખી શકાય એમ છે, પણ ફરી ક્યારેક.)


25 comments:

 1. Anonymous1:57:00 PM

  તમારુ 'કાંતિભટ્ટકરણ' થાય એમા ખાસ વાંધો આવે એવુ લાગતુ નથી.વાંચકો તો લાભમાં જ છે.

  ReplyDelete
 2. ખુબ જ મઝા આવી!

  અપ- ડાઉન ની લોકો ની નજરે સજા જેવી લાગતી લાઈફ ને પણ માણી શકાય છે :)
  હું પણ આમ જ છેલ્લા ૬-૭ વર્ષ થી અપ-ડાઉન કરું છું , ટ્રેન, અને સ્ટેશન બદલાય છે , પણ અપ-ડાઉન ની સફર અવિરત છે!

  જે અનુભવ, શીખ અને સમજણ દુનિયા વિષે ભણતર ને ઉંમર ના ગણતર થી નથી આવી એ અપ-ડાઉન માં સુપેરે આવી છે!
  :)

  ReplyDelete
 3. Binit Modi (Ahmedabad)2:22:00 PM

  પોસ્ટ વાંચીને શ્યામ બેનેગલની 'યાત્રા' સીરીઅલ યાદ આવી ગઈ. અશોક અદેપાલનું બનાવેલું કેરીકેચર ચહેરાને સ્ક્રીનમાંથી બહાર લાવી મૂકી દેશે એવી અનુભૂતિ કરાવે છે. તેમને અભિનંદન. ૬૦૦મી પોસ્ટ સાથે અપડાઉનનો વિષય અને અમદાવાદની રોજીંદી મુસાફરી સાથે અમદાવાદના ૬૦૦ વર્ષ પણ યાદ આવ્યા.

  ReplyDelete
 4. 600મી પોસ્ટ અને ચાળીસમું વર્ષ..!!

  હ્યદયના ઊંડાણથી અભિનંદન શ્રીઉર્વિશભાઈ.

  ReplyDelete
 5. Bharat.zala3:58:00 PM

  Urvishbhai.Tamaru kantibhattikaran thay,ae aashirwad karta shap vdhu lage chhe,aem na thay te mate sajag rahejo.kanti bhattnu vasuki gayeli gay haji jevu-tevu dudh aapya j kare,aena jevu chhe.ae saatatya jalvvana prayasma gunvatta gumavi betha chhe.tame tamari alagta jaalvi raakho,ae j lagni sathe kahu? Tamari yatra vaanchine maro atit aankhoma farivar..ae samayma saras vaanchi sakay-ae anubhav maro y chhe j.tamari vatma hu mane j mali aavyo.smrutio sajivan karavva badal dhanyvaad.! Haa,tamaru chitr saras aalekhyu chhe.Ne yaar,kyarek to comment no javab aapo.

  ReplyDelete
 6. @bharatbhai: ‘કાંતિભટ્ટકરણ’ કોઇનું ન થજો! અને મારું નહીં જ થાય એ વિશે આશ્વસ્ત રહેજો. ‘શું ન કરવું/ન થવા દેવું’ એની મારી યાદીમાં ‘કાંતિભટ્ટકરણ’ ‘ટોપ પ’માં સ્થાન પામે છે એ ફક્ત જાણ માટે. (બીજાં નામ ના પૂછશો યાર!)

  આજે જ તમારા બે પત્ર મળ્યા છે. તેનો જવાબ લખીશ, પણ આભાર અહીં જ માની લઉં છું. અને શક્ય હોય તો આટલું લાંબું ગુજરાતી અંગ્રેજી લિપીમાં લખવાનું ટાળજો. વાંચવાની બહુ તકલીફ પડે છે.

  ReplyDelete
 7. Bharat.zala4:26:00 PM

  Urvishbhai.sorry 4 my long gujarati-english writing.I take your comment seriously.it will not repeat.by the way,heartly congretulation 4 your 600'th post.ur journey has given us good knowledge with smile.keep it up.

  ReplyDelete
 8. Bharat.zala4:50:00 PM

  Urvishbhai.as a reader I know u,and ur top 5 dont's list.its very simple.to read all ur posts and answer will come out easily.

  ReplyDelete
 9. Anonymous5:00:00 PM

  કેટલાક લોકોને કોઇ પણ રીતે, ન્યૂસન્સ ઊભું કરીને પણ, પોતાની હાજરી બતાવવાની હોંશ હોય. (આ રિવાજ ફેસબુકથી પણ પહેલાંનો છેઃ-) એવાં જૂથના કેટલાક દોઢડાહ્યા મોટે મોટેથી આડીઅવળી કમેન્ટ કરે, આખા ડબ્બામાં સંભળાય એવું અટ્ટહાસ્ય કરે, અંદરોઅંદર ખાલીખાલી (પણ કોઇક દિવસ આવનારાને સાચું લાગે) એવી રીતે ઝઘડે, અજાણ્યા મુસાફરોને ગૂંચવવા માટે ‘આજે કયો વાર? શુક્રવાર ને? તો તો આજે મણિનગર નહીં ઊભી રહે.’ એવું મોટેથી કહે. એ સાંભળીને એકાદ મુસાફર પણ બાજુવાળાને પૂછે કે ‘ભઇ, આ મણિનગર ઊભી રહેશે ને?’ તો એ લોકોને મઝા પડી જાય. ટ્રેન વચ્ચે ઊભી રહે એટલે ‘પંક્ચર પડ્યું’ જેવી સદીઓ જૂની જોક પહેલી વાર કહેતા હોય એવી રીતે મોટેથી કહીને હસે. એમાં પણ આજુબાજુમાં કોઇ યુવતી બેઠી હોય અને એ થોડીઘણી દેખાવડી હોય તો થઇ રહ્યું.

  this one is best.... and reality.

  ReplyDelete
 10. ૬૦૦ મી પોસ્ટ માટે હાર્દિક અભિનંદન ઉર્વીશભાઈ. ખરેખર મઝા પડી ગઈ. અપ ડાઉન ના દિવસો યાદ આવી ગયા. ક્વીન ટુ ક્વીન, અડધિયું ,જનતા, લોકશક્તિ, ગુજરાત મેલ,શાંતિ, મેમુ, કોઈક વાર વલસાડ લોકલ, ખરેખર મઝા ના દિવસો હતા. માત્ર ૪ વર્ષ (આમ તો ઓછા ના કેહવાય પણ ૨૫ કે તેથી પણ વધુ આગળ તો માત્ર જ છે ) પેટલાદ ટુ નડીઆદ બાય બસ /છકડો અને નડીઆદ થી ટ્રેન.શું પોસ્ટ છે એક એક વાત યાદ આવી ગઈ. ક્વીન માં ત્યારે સફર કરતાં ખબર નહતી કે અમારા પ્રિય ઉર્વીશભાઈ પણ મહેમદાવાદ ના છે અને અમારી સાથેજ કોઈ ડબ્બા માં સફર કરી રહ્યા છે.થેન્ક્સ ટુ ફેસબુક જેના દ્વારા તમારા અને તમારા બ્લોગ ના પેર્સનલ કોન્ટેક્ટ માં આવી શક્યા.ફરી વાર જયારે પણ ઇન્ડિયા આવાનું થશે ત્યારે રૂબરૂ મુલાકાત ની ચોક્કસ અપેક્ષા છે.

  ReplyDelete
 11. Jabir A. Mansuri7:33:00 PM

  Congrats for 600 Post from Jabir Mansuri.

  ReplyDelete
 12. બીરેન કોઠારી8:15:00 PM

  ૧.દાદાજીની સીઝન ટિકીટ જોઈને મારી આંખમાં (ખુશીનાં)આંસું આવી ગયાં! મારા જન્મના એકાદ મહિના અગાઉ એમનું અવસાન થયું, એ હકીકતની રીતે જાણ હતી,પણ એનો 'દસ્તાવેજી પુરાવો' જોઈને એમને સદેહે મળ્યો હોય એવું લાગ્યું.
  ૨.મહેમદાવાદના કુટુંબોમાં લોકોનો પેઢીઓનો સંબંધ 'અપડાઉન'ની રીતે પણ હોય છે. એવી વાત કોમનલી સંભળાય કે- આના દાદા અને તારા દાદા સાથે અપડાઉન કરતા. એના પપ્પા અને તારા પપ્પા સાથે અપડાઉન કરતા અને હવે તું અને એ સાથે જાવ છો. (નોંધ: અહીં સાથે અપડાઉન કરવાનો મતલબ છે એક ટ્રેનમાં જવું.)
  ૩. મેં દસ-બાર વરસ વડોદરા અપડાઉન કર્યું, પણ શીફ્ટની નોકરીના હિસાબે મારે સાંજની ક્વીનમાં મહેમદાવાદથી વડોદરા જવાનું અને સવારની ક્વીનમાં વડોદરાથી મહેમદાવાદ આવવાનું થતું. આથી ઘણા એમ માનતા કે હું મહેમદાવાદની કોઈ બેંકમાં નોકરી કરું છું.
  બાકી તો આ પોસ્ટ વાંચીને દરેકને પોતાના અનુભવનું અનુસંધાન લાગે એવું છે.

  ReplyDelete
 13. ખુબ ખુબ અભીનંદન.....

  ReplyDelete
 14. Anonymous1:07:00 PM

  સૌપ્રથમ તો ૬૦૦મી પોસ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન...
  તમારા ‘આગગાડીના અનુભવો’માંથી પસાર થવાની બહુ જ મજા પડી. એક સચિત્ર ઉપસી આવે છે. લોકોની ટ્રેન પ્રત્યેની અરુચિનો પણ અહીં છેદ ઊડે છે. એક સારું એવું પુસ્તક આ ટ્રેનમાંથી જ મળી આવે તો ગુજરાતી વાચકો તમારા ઋણી રહેશે. મેઘાણીની વાર્તા ‘બદમાશ’ની પણ યાદ આવી. ખરેખર... એક ટ્રેનમાંથી મુસાફરી દરમિયાન કેટલું મળી રહે તે તમારી પાસેથી જાણવા મળ્યું.
  ફરી એક વાર... ખૂબ ખૂબ અભિનંદન...
  suresh gavaniya

  ReplyDelete
 15. - ભારતમાં પ્રયાગરાજ એક્ષ્પ્રેસ્સ સૌથી લાંબી ગાડી છે (૨૬ ડબ્બા). તમારી પોસ્ટ એનાથી લાંબી થાય તો પણ મજા ઓસરે એમ નથી.
  - કેટલાક લોકોને કોઇ પણ રીતે, ન્યૂસન્સ ઊભું કરીને પણ, પોતાની હાજરી બતાવવાની હોંશ હોય. (આ રિવાજ ફેસબુકથી પણ પહેલાંનો છેઃ-) (અદ્ભુત કોમેન્ટ)
  - હું જુનાગઢ રહેતો ને રાજકોટ ભણતો ત્યારે ૪-૫ મહિના રેલ્વે સાથે નિયમિત પનારો પડેલો. વેરાવળથી અમદાવાદ જતી ઇન્ટરમાં બેસવાનું હોય. જગ્યાની ચિંતાતો બધાને હોય જ. એટલે અમે એવું કરતા કે ટ્રેન આવતી દેખાય એટલે પ્લેટફોર્મ પરથી ઉતરી ટ્રેનની બીજી બાજુ પહોચી જતા. ત્યાં પ્લેટફોર્મ હોય નહિ માટે ભીડ પણ હોય નહિ. ત્યાંથી જ ચડી જવાનું ને મનપસંદ જગ્યા પકડી લેવાની...
  - હમણા 'અમદાવાદ@૬૦૦' એવા મતલબના બેનર નીચે ઘણું લખાયું છપાયું એના કરતા તમારી ૬૦૦મી પોસ્ટમાં વધુ મજા પડી.

  ReplyDelete
 16. જગદીશ પટેલ1:50:00 PM

  મેં પણ અપડાઉન કર્યું છે આણંદથી નંદેસરી લગભગ દસ વર્શ શીફ્ટમાં અને જનરલ શીફ્ટ્માં થોડા થોડા વર્શ. એટલએ ઘણી વાતો પોતીકી લાગી. સાંજે નંદસરી થી છુટીને બસૢ રીકશા પકફીને કોકફી આવવાનું ત્યાંથી વાસદ ઉતરી ચાલતા ને મોટે ભાગે દોટ મુકતા સ્ટેશને પહોંચવાનું ઇંટરસીટી પકડવા મળે તો નસીબ નહ્રી તો કાકાની ચા પિવા દોસ્તારોમાંથી કોઇકને મનાવવાનો (અપડાઉનની ભાશામાં પાડવો કહેવાય) એમાં ચા પીવામાં જે સમય જાય તે કરતાં દસેક ગણૉ સમય વધુ જાય અને ઉદ્દેશ તો લોકલ આવતા સુધી સમય પસાર કરવાનો જ હોય. મજા પણા આવતી અને એમ પણ થતું કે ક્યારે છુટાશે વો દીન ભી બીત ગયે એ દીવસો તમે સંભારી આપ્યા ઉર્વીશ્ભાઇ. મજા આવી. દીલી અભીનંદન

  ReplyDelete
 17. Anonymous4:12:00 PM

  Dear Urvish bhai, First congratulations on 600th article. Word flows rigth from heart. I used to travel daily Valsad - Mumbai. I really can co relate all the characters you mentiond in article. We are reading your columns regular. All the very best. God Bless you.

  Your FB friend, Mitesh Pathak

  ReplyDelete
 18. બહુજ સરસ બહુજ સરસ બહુજ સરસ બહુજ સરસ...
  અને બીજું ઘણું બધું સુઝે છે પણ એ રૂબરૂ મળીયે ત્યારે :)

  ReplyDelete
 19. utkantha3:57:00 PM

  ખૂબ જ અભિનંદન ઉર્વીશભાઈ.. બસ, ૬૦૦ની પાછળ અવિરત શૂન્ય લગાવતા રહો એ જ શુભેચ્છા..

  ReplyDelete
 20. અભિનંદન. લેખ સ્પર્શી ગયો. હું પણ સ્ટેશનની ખૂબ નજીક મોટી થઇ અને આ જ રીતે અભ્યાસ અને પછી નોકરી માટે ગાડીઓ સાથે નાતો થયો. ગાડીના નામ ને નંબર યાદ રહેતા એટલુ જ નહીં, એની ચાલ પણ ઓળખાય એટલો નાતો હતો. જે પ્રકારનો અવાજ કરતી કોઈ ગાડી શ્રાવણના ક્ષેત્રમાં પ્રવેશે તેનાથી એ કઈ ગાડી છે તે ખ્યાલ આવતો. અપ-ડાઉન, સીઝન ટીકીટ, લેઇટ દોડતી ટ્રેઇનો.... આ બધું મને 'ફળ્યું' છે એમ કહી શકું.

  ReplyDelete
 21. Ashwinee Bhatt8:09:00 AM

  I am just proud of you. Keep it up. with love and best wishes A.B.

  ReplyDelete
 22. વાહ, ખુબ મજા આવી...
  તમારી લખાણ શૈલી એની શ્રેષ્ઠતાએ... ખુબ રસાળ...
  લગે રહો કવીવર્ય..

  ReplyDelete
 23. Salil Dalal (Toronto)2:21:00 AM

  પ્રિય ઉર્વીશ, જોત જોતામાં ૬૦૦ પોસ્ટ થઇ ગઇ! અપડાઉનની પણ સિલ્વર જ્યુબીલી થઇ.અભિનંદન દિલસે! અને હવે તું કેટલીક વખત ‘વડીલ’ એવું લટકણીયું પણ મારા નામની આગળ લગાડતો થયો હોઇ આશીર્વાદ પણ!!
  લાંબા વખતથી અપડાઉન વિશે લખવાની તારી ઇચ્છાનો એ નિમિત્તે મોક્ષ થયો એનો પણ આનંદ છે. એક પછી એક નવાં શિખરો સર થતાં જાય ત્યારે પાછા વળીને જોવાનો આનંદ અનેરો હોય છે. તે તારા લખેલા લગભગ બધા સમયગાળામાં આપણે એક યા બીજી રીતે સંપર્કમાં હતા. પરંતુ, આભાર પશ્ચિમ રેલ્વેનો કે અપ ડાઉનને કારણે આપણે ઘણા નજીક આવી શક્યા. આપણે ટ્રેઇનમાં અગણિત વાર અને લગભગ નિયમિત રૂપે સાથે પ્રવાસ કર્યો હતો. હું આણંદ રહેતો હોવા છતાં હમેશાં (૩૫-૪૦ વરસ સુધી!) વડોદરાથી અમદાવાદનો જ પાસ કઢાવતો હતો. સુરત હતો ત્યારે સુરતથી વડોદરાનો એક અને વડોદરા અમદાવાદનો બીજો એમ (ફર્સ્ટ ક્લાસના) બે પાસ કઢાવતો. ગમે ત્યારે કોઇ પણ બાજુની ટ્રેઇન પકડવાની થાય ટિકીટની ચિન્તા વગર ગાડીમાં બેસી જવાનું અને વિશેષ તો નિરાંતે વાંચનનું સરસ સુખ એમાં હતું.

  એ બધું યાદ કરતી વખતે અત્યારે આશ્ચર્ય પણ થઇ રહ્યું છે કે મોબાઇલ ફોન આવતાં પહેલાં પણ આપણે કોઇને કોઇ રીતે સહપ્રવાસનું આયોજન છેલ્લી ઘડીએ પણ ગોઠવી શકતા. મારે રોજ તો નડિયાદ જવાનું હોય. પણ જ્યારે પણ અમદાવાદ કે ગાંધીનગર ઓફીસના કામે જવાનું થાય ત્યારે ક્વીનમાં હું તારા માટે જગ્યા બોટી લાવું . મણીનગરથી તારા સ્કૂટર ઉપર આપણે રજનીકુમાર પંડ્યા કે વિનોદ ભટ્ટ્ને ત્યાં અને અગાઉનાં વરસોમાં ઘણી વાર અશ્વિનીભાઇને ત્યાં પણ સાથે જઇએ. પછી હું શહેરમાં કોઇ સ્થળે ઉતરું એ આપણો નિયમિત કાર્યક્રમ. ચાલુ સ્કૂટરે પણ વાત ચાલુ રહે અને છુટા પડતી વખતે અધૂરી રહેલી વાત વળી સાંજે ટ્રેઇનમાં આગળ ચાલે. Those were the days! મામલતદાર થયા પછી સરકારી જીપની સગવડ પણ હતી. છતાં સાથે વાતો કરી શકીએ તે હેતુથી હું ટ્રેઇનમાં જ અમદાવાદ સુધી આવું. (સ્ટાફ જીપ લઇને અમદાવાદ આવે અને હું ત્યાંથી જીપમાં જોડાઉં)

  ટ્રેઇનમાં આપણી વાતો દુનિયાભરના ટોપિકની થતી. અમુક સમય પછી આપણે ફર્સ્ટ ક્લાસના પાસ કઢાવ્યા હતા. જો કે થોડા સમય પછી તેં પાછો સેકન્ડ ક્લાસનો પાસ કઢાવ્યો.. પણ આપણી વાતોની લાલચ એવી કે જ્યારે મારું આવવાનું નક્કી હોય અને એક જ ટ્રેઇનમાં મળાય એમ હોય ત્યારે પાછો હું સેકન્ડમાં આવું. પત્તાં રમનારા અમારા જૂના મિત્રોની કંપનીમાં મહેમદાવાદ સુધી આવ્યા પછી તું મળે અને આપણે વાતે વળગીએ. ક્યારેક ‘આઉટ્લુક’ની તો ક્યારેક ‘ઇન્ડીયા ટુ ડે’ની કોઇ સ્ટોરીની ચર્ચા કદીક ટીવી પ્રોગ્રામની વાત તો વળી ક્યારેક ગાંધીજીથી લઇને કોમવાદ, સાંપ્રત રાજકારણ અને મિડીયા તથા સાહિત્ય સુધીના કેટકેટલા જાહેર મુદ્દા આપણી વાતોમાં રહેતા. તેમાં તારા વિચારો ત્યારે પણ આવા જ ઝળકતા. પછી તો તારા અને પ્રણવ અધ્યારૂના સંકલનમાં નીકળતા ‘આરપાર’ મેગેઝીનમાં ગીતકારો વિશેની મારી શ્રેણી થઇ તેમજ તેનું પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ એ બધું શક્ય બન્યું હોય તો તે માટે તું, પ્રણવ અને બિનીત જેવા મિત્રો ઉપરાંત પશ્ચિમ રેલ્વે અને તેના સસ્તા દરના માસિક પાસ (મન્થલી સિઝન ટિકીટ)નો પણ આભાર માનવો જ રહ્યો. મને યાદ છે ત્યાં સુધી તેં એ પુસ્તકના વિમોચન વખતે તારા પ્રવચનમાં પણ પશ્ચિમ રેલ્વેનો જાહેરમાં ઉલ્લેખ કર્યો જ હતો.

  તારી આજની સ્મરણયાત્રામાં એક જ વાત ના ગમી. ‘કઠાણા પેસેન્જર’ને તેં ‘ભેદી ગાડી’ કહી? તને યાદ દેવડાવું કે કઠાણાના રેલ્વે સ્ટેશનની સામે જ મારું બાળપણ વિત્યું હતું. ખરેખર તો એ બાપડી અળખામણી ગાડી કહી શકાય. વડોદરાથી વાસદ સુધીમાં બીજી બધી ગાડીઓને તરત સિગ્નલ મળે પણ અમારી કઠાણા પેસેન્જરને જ ના મળે. તેના માર્ગમાં આવતાં કેટલાંક સ્ટેશનોએ કામ કરતા રેલ્વે કર્મચારીઓના કુટુંબીજનોને પાણીની અગવડ ના પડે તે માટે તેની સાથે આવતી પાણીની ટાંકી અમારા માટે અમૃતકુંભથી પણ વિશેષ હતી. (એ બધું હું ક્યારેક રેલ્વેના ઉપકારો અંગે લખીશ ત્યાર માટે બાકી રાખું છું.)

  આજે તારી સ્મૃતિઓ વાંચતાં આપણી સહયાત્રાની સ્મૃતિઓ વટવા યાર્ડમાં કાયમ દેખાતાં અસંખ્ય વેગનો અને ડબ્બાઓની માત્રામાં શન્ટીંગ કરી રહી છે. ત્યારે તને મઝા પડે એવી વાત એ છે કે ટોરન્ટોમાં પણ અપડાઉનની એ જ પ્રથા રાખી છે. અહીંની પબ્લીક ટ્રાન્સપોર્ટ ‘T T C’નો માસિક પાસ કઢાવું છું. ફરક એટલો જ છે કે અહીંનો એ પાસ સ્થાનિક ટ્રેઇન અને બસ બેઉમાં ચાલે છે. લાંબી જર્નીમાં ચારે બાજુ ઝોકે ચઢેલા મુસાફરો વચ્ચે પણ વાંચવાનું યથાવત અને બેશુમાર ચાલે છે.... ખોટ છે તો માત્ર તારા જેવા, દરેક મુદ્દે પોતીકું મંતવ્ય ધરાવનાર, કોઇ જાગૃત હમસફરની!

  ReplyDelete
 24. Anonymous10:45:00 AM

  ખરેખર આ લેખ વાંચતા વાંચતા જાણે હુબહુ ટ્રેઈન માં પહોંચી જવાયું એટલું રસપ્રદ અને આબેહુબ વર્ણન. ધન્યવાદ ઉર્વીશભાઈ. Calvin Vipin

  ReplyDelete