Tuesday, July 12, 2011
ધર્મસ્થાનોની ધનદોલત અને ‘ઇશ્વરેચ્છા’
‘બચ્ચા બોલા દેખકર મસ્જિદ આલીશાન/ અલ્લા તેરે એકકો ઇતના બડા મકાન!’- નીદા ફાઝલીની આ પંક્તિઓ ઘણાંખરાં ધર્મસ્થાનોને લાગુ પાડી શકાય.
પ્રચલિત (ગેર)સમજણ પ્રમાણે, જેટલું આલીશાન-સમૃદ્ધ ધર્મસ્થાન, એટલો પ્રભાવશાળી ધર્મ. કળિયુગમાં લોકોને આંજવા માટે ફક્ત સાદગી-સજ્જનતા-સચ્ચરિત્ર- સંતોષ-સેવાના ઉપદેશથી કંઇ ન થાય. આ બધા ઉપદેશ વરસાવનારે આલીશાન ગાડીઓમાં ફરવું પડે, મલ્ટીનેશનલ કંપનીઓના વૈભવને શરમાવે એવી ભપકાદાર ઇમારતો ખડી કરવી પડે, મોટા ગજાના સત્તાદલાલો પણ પાછા પડે એવા રાજકીય ખેલ ખેલવા પડે, નફાખોર કંપનીઓને સારી કહેવડાવે એ હદે સામાન્ય-ગરીબ પ્રજાની સ્થિતિની ઉપેક્ષા કરવી જોઇએ.
છેવાડાના માણસનાં દુઃખદર્દનું દર્શન નેતાઓની જેમ વિમાનમાંથી ન કરવું હોય તો વ્યાસપીઠનો વિકલ્પ છે જ. ભારતમાં ઘણી વાર વિમાન કરતાં વ્યાસપીઠ વધારે ‘અદ્ધર’, વાસ્તવિકતાથી વધારે છેટી હોય છે. ગાંધી બનવા જતાં ગાદી નહીં, ગોળી મળે એ બરાબર સમજતા ધર્મગુરૂઓ ધનના ઢગલા વચ્ચે રહીને, ધર્મના રસ્તે પોતે ચાલવાના અને બીજાને દોરવાના દાવા કરે છે. તેમના અનુયાયીઓ એ માની લેવા ઉત્સુક હોય છે.
‘સંસ્થા’ બની ગયેલા ધર્મની અઢળક સંપત્તિથી માંડીને તેમાં થતા કાવાદાવા, ખૂનખરાબાથી માંડીને તમામ પ્રકારના ગોરખધંધા ‘ધાર્મિક લાગણી’ના મજબૂત કવચનું રક્ષણ ધરાવે છે. અનુયાયીઓનાં ટોળાંની ધાર્મિક લાગણી દુભાશે, એ બીકે સમજુ લોકોમાંથી મોટા ભાગના મૌન ધારણ કરે છે અથવા લોકોની ધાર્મિક લાગણીનો પોતાની લોકપ્રિયતા/લોકમાન્યતા/સત્તા વધારવા માટે કેવી રીતે ઉપયોગ થઇ શકે, તે શોધી કાઢે છે.
એટલે જ, સ્વિસ બેન્કમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં આણવાના રસ્તામાં રહેલી કાનૂની અને ટેકનિકલ અડચણો અવગણીને, ‘એ નાણાં આવે તો દેશનું કેવું કલ્યાણ થઇ જાય’ એવાં ટુક્કલ સૌ પોતપોતાની અનુકૂળતા અને સ્વાર્થ પ્રમાણે ચગાવે છે. પણ આપણા જ દેશનાં ધર્મસ્થાનોમાં કેદ અઢળક સંપત્તિનો દેશના કલ્યાણમાં ઉપયોગ કરવાના વિચાર એટલા ઉમંગથી આવતા નથી- જાણે ધર્મમાં આવવાથી કાળાં નાણાં ધોળાં થઇ જતાં હોય અને ધર્મ એ ધનની સંઘરાખોરી કરવાનું લાયસન્સ હોય!
પ્રાથમિક વિકલ્પો
ધર્મસ્થાનોની સંપત્તિનો મુદ્દો ચર્ચામાં આવવાનું કારણ છે કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાંથી નીકળેલો-નીકળી રહેલો ખજાનો. એ ખજાનાની ઓછામાં ઓછી કંિમત એક લાખ કરોડ રૂપિયા જેટલી મનાય છે. (આટલી મોટી રકમ સાંભળીને કેન્દ્ર સરકારનું સ્પેક્ટ્રમ કૌભાંડ કે ગુજરાતના લોકોને સરકારી એમઓયુની રકમની યાદ આવી શકે છે.) યાદ રહે, એક લાખ કરોડ રૂપિયા તો ખજાનાની કેવળ ‘કિમત’ છે, તેનું ‘મૂલ્ય’ નથી. આ ખજાનાને વેચવાનું નક્કી થાય તો કિમતી ધાતુઓ-નંગ-હીરામોતી વગેરેની કિમતની સાથોસાથ તેની પ્રાચીનતા/એન્ટીક વેલ્યુને પણ ઘ્યાનમાં લેવી પડે- અને એમ કરવાથી ખજાનાની કિમત ઘણી વધી જાય.
સામાન્ય સ્થિતિમાંથી સમૃદ્ધ થયેલા લોકોને જાતઅનુભવે ખબર હશે કે રૂપિયાની મઝા હોય, તેમ એની વિશિષ્ટ મુશ્કેલીઓ પણ હોય છે. ખાસ કરીને, અઢળક દલ્લો ઓચિતો હાથ લાગે ત્યારે! સમૃદ્ધિનો વરસાદ થતાં સૌથી પહેલો વિચાર તેની સલામતીનો અને પછી તેના વહીવટનો કરવો પડે છે.
મંદિરના કે ધર્મસ્થાનના મોટા દલ્લાના વહીવટની વાત આવે ત્યાંથી મતાંતરની શરૂઆત થાય છે. પદ્મનાભસ્વામી મંદિરના રેકોર્ડબ્રેક ખજાના વિશે વિચારતાં, સાવ પ્રાથમિક તબક્કે આટલા વિકલ્પ હોઇ શકેઃ
૧) સરકાર એ ખજાનો હસ્તગત કરી લે અને તેનો ‘દેશના કલ્યાણ માટે’ કે ‘ગરીબો માટે’ ઉપયોગ થાય.
2) એ ખજાનો ત્રાવણકોરના રાજપરિવારના ટ્રસ્ટીઓને હસ્તક રહે અને તેને ‘ભગવાનની અમાનત’ ગણીને સહીસલામત જાળવી રાખવામાં આવે.
3) મૂડીનો અસરકારક વહીવટ કરી જાણતા અને મૂલ્યના નામનું સાવ નાહી નાખ્યું ન હોય એવા ઉદ્યોગસાહસિકોને (અઝીમ પ્રેમજી, નારાયણમૂર્તિ જેવાને) સાથે રાખીને ટ્રસ્ટ માનવકલ્યાણની પ્રવૃત્તિ ચલાવે.
4) ખજાનો હિદુ ધર્મસ્થાનનો હોવાથી તે ફક્ત હિદુઓ માટે જ વપરાવો જોઇએ, એવો સૂર ક્યાંકથી સંભળાય અને એ દિશામાં કોઇને વિચારવું હોય તો, અસ્પૃશ્યતા જેવું હિદુ ધર્મનું સદીઓ જૂનું - ખજાનાથી પણ ઘણું વધારે જૂનું- અનિષ્ટ દૂર કરવામાં અને તેનો ભોગ બનેલા દલિતોને ગૌરવભેર પુનઃસ્થાપિત કરવામાં તેનો અમુક હિસ્સો વાપરી શકાય.
રાજીપોઃ ઇશ્વરનો અને આસ્તિકોનો
પરંપરાગત રીતે ધર્મપ્રેમી એવી જનતાની લાગણી એવી રહેવાની કે ‘આ ખજાનાને અડાય નહીં. કેમ કે, એ ભગવાનનો છે.’ તેમની ધાર્મિક લાગણીની પૂરી કદર સાથે એટલું કહેવું પડે કે ખજાનો ભગવાનનો છે, પણ ભગવાન કોના છે?
સીધી વાત છેઃ ભગવાન તેમના સ્થાનકના વહીવટદારોના નહીં, તેમના ભક્તોના- તેમની પર શ્રદ્ધા રાખનારા લોકોના છે. ભારત જેવા આસ્તિકોની બહુમતી અને ભગવાનો-માતાજીઓની ભીડ ધરાવતા દેશમાં તેમના લાખો શ્રદ્ધાળુઓ ગરીબીમાં અને અભાવમાં સબડે છે. ભગવાન પાસે અઢળક મિલકત હોય અને ભગવાન પોતાના ભક્તો-શ્રદ્ધાળુઓનું દુઃખ જોઇને બેસી રહે, એવી સ્થિતિ પેદા કરવામાં કરૂણાસાગર ઇશ્વરનું અપમાન નથી?
શ્રદ્ધાળુઓનું દુઃખ એટલે શું, એની જરા ચોખવટ કરી લઇએઃ અમેરિકાનો વિઝા ન મળવો કે બંગલાનો કેટલોક હિસ્સો કપાતમાં જવો કે ઇન્કમટેક્સ રિટર્નની ક્વેરી નીકળવી કે ડ્રોઇંગરૂમમાં પાણી ટપકવું, એવાં દુઃખની અહીં વાત નથી. બે ટંકના રોટલા પૂરા પાડે એટલા કામનો અભાવ, શિક્ષણ-આરોગ્યની મૂળભૂત સુવિધાની અછત- એવી પ્રાથમિક અમાનવીય મુસીબતોની વાત છે. ભગવાન પરની શ્રદ્ધાથી તે દૂર થાય કે ન થાય, પણ ભગવાનની સંપત્તિથી એ દુઃખોને નિશ્ચિતપણે દૂર કરી શકાય છે- અને આસ્તિકો માની શકે છે કે ‘મારા ભક્તોએ મારું નામ ઉજાળ્યું’ એમ વિચારીને ભગવાન નારાજ નહીં, રાજી થશે.
વિચારશીલ હોય એવા આસ્તિકો (હા, આસ્તિકો પણ વિચારશીલ હોઇ જ શકે. વિચારવું એ ફક્ત નિરીશ્વરવાદીઓનો ઇજારો નથી) એમ પણ વિચારી શકે કે ઇષ્ટદેવ માટે આલીશાન મહાલયો ઉભાં કરીને તેમને મુકેશ અંબાણીની હરોળમાં મુકી દેવાને બદલે, તેમની સંપત્તિમાંથી માનવકલ્યાણનાં નક્કર કાર્યો થાય, તેમાં જ ઇષ્ટદેવની મહત્તા છે.
સાર એટલો જ કે ભગવાનના નામે ભેગી થયેલી અઢળક ધનદોલતમાંથી વર્તમાન અને ભાવિ ખર્ચ માટે જરૂર પૂરતી રકમ રાખીને બાકીની રકમ લોકકલ્યાણ કે દેશકલ્યાણના કામમાં વાપરવામાં આસ્તિકો કે નિરીશ્વરવાદીઓ, કોઇને વાંધો હોવો ન જોઇએ.
શોષણ નહીં, સેવા
લાખ નહીં, બલકે હવે તો લાખ કરોડ રૂપિયાનો સવાલ એ છે કે ધાર્મિક સંસ્થાઓની અઢળક સંપત્તિ દેશકલ્યાણમાં કે ગરીબો માટે કે જરૂરતમંદો માટે કોણે અને કેવી રીતે વાપરવી?
આ કામ માટે (પરંપરાગત રીતે) સૌથી પહેલાં સરકાર યાદ આવે અને અત્યાર લગીના અનુભવોને આધારે સૌથી મક્કમતાપૂર્વક ચોકડી પણ સરકારના નામ પર જ વાગે. નૈતિકતા અને પ્રામાણિકતાના મામલે એક પણ રાજકીય પક્ષનો ચોપડો ચોખ્ખો નથી. એટલે તેમના ભરોસે અઢળક સંપત્તિનો વહીવટ છોડી શકાય નહીં. એમ કરવા જતાં દેશનું અને પ્રજાનું બીજા અર્થમાં ‘કલ્યાણ’ (અહિત) થઇ જાય.
સરકારોના પક્ષે વિચારીએ તો, એમને ધર્મસ્થાનોનો ખજાનો પડાવી લેવાની ઇચ્છા તો બહુ થાય, પણ લોકોની ધાર્મિક લાગણી દુભાવાની બીકે તે અંતરની લાગણી જાહેર ન કરે. પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાના મુદ્દે કેરળના મુખ્ય મંત્રીએ ખોંખારીને કહી દીઘું છે કે સરકાર આ ખજાનો હસ્તગત કરવા ઇચ્છતી નથી. (તેમનું વાતનું ગુજરાતી ‘દ્રાક્ષ ખાટી છે’ એવું કરી શકાય.)
સરકાર પર ચોકડી વાગ્યા પછી બીજો વિકલ્પ મંદિરના અને એ ન્યાયે ખજાનાના મૂળ ટ્રસ્ટીઓનો આવે. આટલી મોટી રકમનો વ્યાપક જનહિતમાં ઉપયોગ કરવા જેટલી ક્ષમતા એકાદ કુટુંબનું પ્રભુત્વ ધરાવતા ટ્રસ્ટ પાસે હોય કે કેમ એ પ્રશ્ન છે. એ સ્થિતિમાં ઉત્તમ વિકલ્પ એ હોય કે તે જુદાં જુદાં ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા લોકોની વ્યાવસાયિક સેવા લે અને તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને અમલમાં મૂકી શકાય એવા દેશહિત-જનહિતના કાર્યક્રમોની યાદી થોડાં અઠવાડિયાંમાં તૈયાર કરે. તેના આધારે કોઇ પ્લાન્ટ કે ફેક્ટરી માટે થતું હોય એવું પાકું આયોજન થાય. આ કામમાં મૂલ્યો સાથે ઠીક-ઠીક લેવાદેવા ધરાવતા ઉદ્યોગસાહસિકોથી માંડીને આઇ.ટી.યુગના ખેરખાંઓ અને અન્ના હઝારે જેવા જાહેર ક્ષેત્રના લોકોની પણ મદદ લઇ શકાય. સ્વિત્ઝર્લેન્ડથી કાળાં નાણાં ભારત લાવવા માટે ઉત્સુક બાબા રામદેવ પાસે પણ નજર સામે રહેલાં નાણાંને (યોગકેન્દ્રો ખોલવા સિવાય) બીજાં કયાં લોકહિતનાં કામ માટે વાપરવાં, તેનાં સૂચન મેળવી શકાય.
અગાઉ જણાવ્યું તેમ, સેવાના કામ સાથે સંકળાયેલા સૌએ ‘સેવા’ જ આપવી જોઇએ, એવું નૈતિક બંધન હોવું ન જોઇએ. ‘અમે સેવાનું કામ કરીએ છીએ’ એવો દાવો સાચો હોય તો પણ, એવું કહેનાર ટ્રસ્ટો કે સંસ્થાઓને પોતાના કર્મચારીઓનું શોષણ કરવાનો અધિકાર મળી જતો નથી. સેવાનો ભેખ જો લીધો હોય તો એ સંસ્થાએ લીધો છે. તેમાં કોઇ સામેથી સ્વૈચ્છિક રીતે સેવા આપવા ઇચ્છે તો ઉત્તમ, પણ તે ન ઇચ્છે તો તેમને બજારભાવ પ્રમાણે મહેનતાણું ચૂકવીને સંસ્થાના સેવાના કામમાં જોતરવા જોઇએ. તો સેવાના કામમાં ભલીવાર આવે એવી શક્યતા વધી જાય છે. કામ કરનાર માણસની જવાબદારી અને ઉત્તરદાયિત્વ ઊભું કરવા માટે ઘણી વાર મહેનતાણું જરૂરી બને છે. ‘માનદ્’ મહાનુભાવો રગશિયા ગાડાની ગતિએ ચાલે કે ટાઢાબોળ થઇને બેસી જાય તો પણ તેમના માનદ્પણાને માન આપીને તેમને ટપારી શકાતા નથી.
ધર્મસ્થાનોની સંપત્તિના જાહેર ઉપયોગ માટે સરકારના એકાદ પ્રતિનિધિને વહીવટી ગૂંચ ઉકેલવા પૂરતો રાખી શકાય. બાકી સમાજનો વિચાર કરી શકે એવા જુદા જુદા લોકોને સાંકળીને પાકું આયોજન કરવામાં આવે તથા આદર્શ નહીં, પણ પાર પાડી શકાય એવાં લક્ષ્યાંક નક્કી કરવામાં આવે, તો અઢળક ધાર્મિક સંપત્તિનો માનવકલ્યાણ માટે સદુપયોગ થઇ શકે અને ભારતમાં રહેલી કારમી આર્થિક વિસંગતતાનું મહેણું હળવું બનાવી શકાય.
ધાર્મિક સંસ્થાઓ લોકકલ્યાણ માટે નાણાં ખર્ચવા તૈયાર થાય તો આગળ જણાવ્યું એ રીતે તેનું આયોજન, અઘરૂં હોવા છતાં અશક્ય નથી.
પણ ધાર્મિક સંસ્થાઓ ભપકા સિવાયનાં કામમાં નાણાં વાપરવા તૈયાર ન હોય તો? દેશની બહુમતી ગરીબ પ્રજાએ તેમના અબજો રૂપિયાના ખજાનાની વાતો અલીબાબા ચાલીસ ચોરની કથાઓની જેમ સાંભળવાની અને પેટમાં પગ નાખીને સૂઇ જવાનું.
Labels:
anna hazare,
baba ramdev,
politics,
religion
Subscribe to:
Post Comments (Atom)
'Lakh nahi pan lakh karod rupiya no savaal' - liked this one!
ReplyDeleteSorry urvisbhai,pan ahiya gujaratima j lakhvanu faavse.tame saras ne sacho muddo uthavyo chhe.aavo vichar aave-ae j manav ni sachi parakh chhe,baki badha pasu j kahevay.ne khajanano upyog tame chindhyo ae marge thay,aej yogy chhe,ne ichchhni y pan.aavu vicharvama kyay aastikta jokhmati nathi.ne ek vat kahu? Bhagvan kyay lokona dukh-dard dur karva sadehe nahi j aave,aene y manas na haath ni jarur pade chhe j.mane to tamara vicharoma y parmatmaano j padgho sambhlay chhe.ae tamara vicharothi raaji raaji thai javano,ae chokkas!
ReplyDeleteખુબ સરસ.... માસ્ટર સ્ટ્રોક....
ReplyDeletelet's hope for the best... fingers crossed ;-)
ઉર્વિશભાઇ, મંદિરોમા રહેલા ખજાનાઓના યોગ્ય ઉપયોગ વિશે જરુર વિચારી શકાય. પરંતુ પહેલો એ વિચાર આવે છે આ ખજાનાઓ એકત્ર કેવી રીતે થયા? આ માટે આપણેજ જવાબદાર છીએ. સારા કાર્ય માટે ધનનો યોગ્ય ઉપયોગ કરવાની જવાબદારી લેવાને બદલે એ ધન ભગવાનના નામે ભગવાનના બની બેઠેલા ‘માલિકો’ અને ધર્મના ‘દલાલો’ ને આપીને આપણે સંતોષ માની લઇએ છીએ. અને એ લોકો એ ધનનો ઉપયોગ પોતાના એશો-આરામ માટે કરે છે. ભગવાનને તો આપણા ધનની જરુર જ નથી. (Read more on this issue at http://navin-2010.blogspot.com/2011/06/bribing-god.html). ખરેખર તો ધાર્મિક સ્થાનોમા ધન વેડફવાને બદલે આપણે જ એ ધનનો ઉપયોગ સાચા જરુરતમંદો માટે કરવો જોઇએ.
ReplyDelete