Tuesday, July 05, 2011
‘સેલિબ્રિટી’ બનવાના સહેલા અને સચોટ ઉપાય
જમાનો ‘ટીપ્સ’નો છેઃ મિત્રો કેમ બનાવવા, લોકોને પ્રભાવિત કેમ કરવા, સ્વપ્ન કેમ સિદ્ધ કરવાં, રૂપિયા કેમ કમાવા...વગેરે અનેક બાબતોનાં પુસ્તક-કેસેટ-સીડી-સેમિનાર-ક્લાસથી બજાર ઉભરાય છે. એમાંથી મોટા ભાગની ચીજોનો સમાવેશ ‘હાસ્ય’ના ખાનામાં કરવા જેવો હોય છે. પરંતુ લોકો એને એટલી ગંભીરતાથી લે છે કે આપણે પણ એના વિશે શક્ય એટલા ગંભીર થઇને, થીયરી અને ફોર્મ્યુલાની, ટીપ્સ અને ચાવીઓની પરિભાષામાં વાત કરવી પડે.
ઘાસલેટ રિક્ષા અને સેલિબ્રિટી
સીએનજીથી ચાલતી રિક્ષાઓની વચ્ચે ઘાસલેટીયા રિક્ષા ઘુમાડા કાઢતી નીકળે ત્યારે મોટા ભાગના લોકોને મનમાં ભલે ત્રાસની લાગણી થતી હોય, પણ ઘાસલેટ-રિક્ષા મનોમન પોરસાય છેઃ ‘જોયું? રોડ પર આપણો કેવો છાકો પડી ગયો? બધા આપણી બાજુ જ જુએ છે.’ તેના ઘુમાડાથી લોકો આંખો ચોળે કે ઘોંઘાટથી ત્રાસીને કાન બંધ કરી દે ત્યારે ઘાસલેટ-રિક્ષા માને છે,‘જોયું? આપણો પ્રતાપ એવો જોરદાર છે કે લોકો આંખો ચોળીને જોયા કરે અથવા આપણી પ્રતિભાનો વિસ્ફોટ એવો પ્રચંડ છે કે લોકોને કાન બંધ કરી દેવા પડે.’
આઘુનિક માપદંડ પ્રમાણે ઘાસલેટીયા રિક્ષા ‘સેલિબ્રિટી’ કહેવાય. તેના ઘોંઘાટથી અંજાઇને કે ઘુમાડાથી કંટાળીને મોટા ભાગના લોકો માનવા માંડે છે કે ‘કહો ન કહો, પણ આ રિક્ષા છે સેલિબ્રિટી. કેવી આખા રસ્તા પર છવાઇ ગઇ!’ ઘોંઘાટ-ઘુમાડાને દૂષણ ગણનારાની લાગણી જાણવાની ઘાસલેટીયા રિક્ષાને શી જરૂર? એ પોતાના ઘોંઘાટ ઉપર મોહિત થઇને, દુનિયા પર પોતાના ‘પ્રભાવ’ના નશામાં ઝૂમતી આગળ વઘ્યે જાય છે.
ઘાસલેટીયા-રિક્ષાના કુળની સેલિબ્રિટી થવા માટે કેટલાક સોંઘા અને ‘ચીપ’- એમ બન્ને રીતે સસ્તા ઉપાયો બજારમાં મોજૂદ છે. એવી કેટલીક ‘ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ’ તરકીબો, પ્રામાણિક - એટલે કે માર્કેટિગની નહીં એવી- ભાષામાં:
તરકીબ-૧ : હું, ગાંધીજી ને અમિતાભ
મહાન કે પ્રખ્યાત માણસો સાથે ક્ષુલ્લક બાબતોમાં પોતાનું સામ્ય શોધી કાઢવું (જે ખરેખર તો બીજા કોઇ પણને લાગુ પડતું હોઇ શકે) અને વખતોવખત બેશરમીથી તેની જાહેરાત કરવી. જેમ કે, ‘હું, ગાંધીજી અને અમિતાભ. અમે ત્રણે વહેલા ઉઠવાવાળા.’ અથવા ‘અમર્ત્ય સેન, નારાયણ મૂર્તિ અને હું- અમારું ત્રણેની સ્ટાઇલ સરખી છે. અમારે ત્રણેને સવારે ઉઠીને બ્રશ કરવા જોઇએ.’ જેમના આંજવાના છે એવા લોકોની બૌદ્ધિકતાનો બાધ ન હોય તો ચેતન ભગતથી ચંદ્રકાંત બક્ષી સુધીનાં ચલણી નામ પણ આ કામ માટે વાપરી શકાય.
બહુમતિ પ્રજા આગળનાં મોટાં નામ સાથે (તમે ગોઠવી દીધેલું) તમારું નામ વાંચીને અહોભાવથી અરધી થઇ જશે. તેની પાછળ મુકાયેલી વિગત કેટલી ક્ષુલ્લક કે તુચ્છ છે એની કોને પરવા છે? અને ધારો કે કોઇ સમજુ જણ વાંધો પાડે તો ‘હું ગમ્મત કરતો હતો. તમે એટલું પણ ન સમજ્યા?’ એવો આક્રમક બચાવ હાથવગો છે.
તરકીબ-૨ : મૃતકના મોઢે મોંફાટ વખાણ
‘જીવતો લાખનો અને મરેલો સવા લાખનો’ એ નિયમ ફક્ત હાથી જ નહીં, તમામ પ્રકારની ‘હસ્તી’ઓ માટે લાગુ પડે છે. કેટલાક હિમતબાજો હસ્તીઓના મૃત્યુ સુધી રાહ જોતા નથી અને તેમની હયાતીમાં જ તેમના મોઢે પોતાના માટેનાં મનગમતાં નિવેદનો મૂકી દે છે. એમ કરવામાં થોડું જોખમ ખરું, પણ એક વાર તે હસ્તી દુનિયામાંથી વિદાય લઇ લે પછી માર્ગ મોકળો થઇ જાય છે. કોઇ પણ હસ્તીના મોઢે પોતાના વિશેનું ગમે તેવું પ્રશંસાત્મક નિવેદન ચોંટાડી શકાય છે. એમ કરવામાં સાંભળનાર-વાંચનારની સામાન્ય બુદ્ધિ સિવાય બીજો કોઇ અવરોધ રહેતો નથી.
જેમ કે, ‘એક વાર રાજ કપૂરના પિકચરમાંથી મેં એની ભૂલ ચીંધી બતાવી ત્યારે એ કાન પકડી ગયો હતો. એણે મને મુંબઇ બોલાવ્યો, આર.કે.સ્ટુડિયોમાં ફેરવ્યો, જમાડ્યો અને કહ્યું કે ‘હવે મારી ઉંમર થઇ. તમે મારી જગ્યાએ આવી જાવ. આજથી આ સ્ટુડિયો તમારો. ડબ્બુને હું સમજાવી દઇશ.’ પણ એમ કોઇ આપે ને આપણાથી થોડું લઇ લેવાય? મેં એમને ના પાડી અને કહ્યું કે બસ, તમે ભૂલ કબૂલી એ જ આપણા માટે બહુ છે.’
ફિલ્મનું ઉદાહરણ એ માઘ્યમની લોકપ્રિયતાને ઘ્યાનમાં રાખીને આપ્યું છે. બાકી, ‘નરસિહ રાવ મારું અર્થશાસ્ત્રનું જ્ઞાન જોઇને છક થઇ ગયા અને કહ્યું કે તમે આવતા હો તો મનમોહનસિઘને તગેડી મૂકું’ અથવા ‘ધીરુભાઇ અંબાણીએ મને કહ્યું હતું કે તમે મુંબઇમાં હોત તો મુકેશ-અનિલને હું તમારા ભરોસે છોડીને શાંતિથી નિવૃત્ત થઇ ગયો હોત’ એવું કંઇ પણ કહી શકાય.
આ જાતના દાવામાં અધધ અતિશયોક્તિ હોય કે હળાહળ બનાવટ, લોકો માનશે કે નહીં તેની ચિતા રાખવાની જરૂર નથી. આવા દાવા આંખ મીંચીને માની લેનારા હંમેશાં વઘુમતીમાં હોય છે અને સેલિબ્રિટી બનવું હોય તો બુદ્ધિશાળી લધુમતીની પરવા કરવાની જરૂર નથી.
તરકીબ-૩: મોં-માથા વગરની માહિતીનાં માવઠાં
ફક્ત આવડતથી જ સેલિબ્રિટી બની જવાય એવું કોણે કહ્યું? ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા માટે કોઇ પણ વિગત ખપમાં લઇ શકાય. તેનું ઔચિત્ય વિચારવાની કશી જરૂર નહીં. જેમ કે, ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા ઇચ્છતો ચિત્રકાર કે નાટ્યકાર કે નેતા કહી શકે, ‘હું જે શહેરમાં રહું છું તેમાં દસ ફ્લાયઓવર છે’ અથવા ‘હું જે લાયબ્રેરીનો સભ્ય છું, ત્યાં મહિને ૧૫૦ મેગેઝીન આવે છે’ અથવા ‘મારી ગાડી ૧૫ની એવરેજ આપે છે’ અથવા ‘મારું વજન એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના બધા ભાગના કુલ વજન કરતાં પણ વધારે છે.’ આ બધી બાબતોને ચિત્રકળા કે નાટક કે નેતાગીરી સાથે શી લેવાદેવા? પણ આવા દાવા ફેંક્યા હોય તો તેને ઝીલીને અહોભાવિત થનારી જનતા મળી રહેવાની છે.
યાદ છે ને? ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા માટે પોતે વિચારવાની તો ઠીક, બીજા વિચારશે એવું વિચારવાની પણ મનાઇ છે.
તરકીબ-૪ : કાલ્પનિક હરીફો સાથે ‘જંગ’
ડોન કિહોટેની કથાથી પરિચિત લોકો જાણે છે કે બહાદુરી બતાવવા માટે, દુશ્મન કે હરીફનું હોવું બહુ જરૂરી છે. ખરેખર કોઇ હરીફ કે દુશ્મન ન હોય તો શું થયું? મનોમન બે-ચાર-પાંચ કાલ્પનિક હરીફો ઉભા કરી લેવા, તેમને દુશ્મન ગણી લેવા અને તેમની સાથે એકપક્ષી યુદ્ધ જાહેર કરીને, તેમને સતત પછાડ્યા કરવા. ડોન કિહોટેની હાસ્યાસ્પદ લડાઇઓ કરતાં આ ‘લડાઇ’ ખાસ જુદી નથી હોતી, પણ તેના થકી પોતાની ‘શૂરવીરતા’ બતાવવાની અમૂલ્ય તક મળે છે અને એ ‘બહાદુરી’થી ઘણા લોકો પર પોતાના સેલિબ્રિટીપણાની ધાક બેસાડી શકાય છે.
ડોન કિહોટેની પ્રિયતમા ઘઉં વીણતી હતી, ત્યારે કિહોટે ધારતા હતા કે તે પોતાના શૂરવીર પતિ માટે વિજયની વરમાળા ગૂંથી રહી હશે. એવી જ રીતે, આ તરકીબ અપનાવનારે માની લેવું કે લોકો મારી ‘શૂરવીરતા’ના દેખાડાની હાંસી ઉડાડવાને બદલે મારા માટે વિજયની વરમાળા ગૂંથી રહ્યા હશે.
તરકીબ-૫ : સ્વાવલંબન
દુનિયા બહુ ક્રૂર છે. એ આપણી મહાનતાની નોંધ લે ત્યાં સુધીમાં આપણે ન હોઇએ તો? એટલે, વેળાસર પોતાનાં વખાણ શરૂ કરી દેવાં, એની એકેય તક ચૂકવી નહીં અને તક ન હોય ત્યાં તક ઊભી કરી લેવી.
વખાણ કેવી રીતે કરવાં, એ આગળની તરકીબોમાંથી જાણી શકાય છે. એ માટે તક ન હોય તો તે કેવી રીતે ઉભી કરી શકાય તેનો નમૂનોઃ ધારો કે કોઇ સામે મળી જાય અને પૂછે, ‘કેમ છો?’ તો કહી દેવાનું, ‘બસ, જુઓને! અદાણીને ત્યાં લંચ માટે જવાનું હતું. ત્યાં વચ્ચે મોદીસાહેબનો ફોન આવ્યો. હવે એમનો ફોન તો લેવો જ પડે. એ મને કહે કે મંત્રીમંડળના વિસ્તરણનું વિચારું છું. તમે એજ્યુકેશન મિનિસ્ટર થશો? એમનો ફોન પૂરો કર્યો ત્યાં દિલ્હીથી મેસેજ આવ્યો કે ‘અમેરિકા જતા ડેલીગેશનમાં તમારું નામ મૂક્યું છે. વાંધો નથી ને?’ બોલો, આવું છે! અને તમે પૂછો છો, ‘કેમ છો.’ તમે જ કહો, મારે શો જવાબ આપવો?
ધારો કે કોઇ સામેથી સંવાદ શરૂ કરે એટલી રાહ ન જોવી હોય તો તેના પણ રસ્તા છે. કોઇ દેખીતા કારણ વિના સામેના માણસનાં વખાણ કરી નાખવાં. બદલામાં તે વળતાં વિવેકવચનની દોરી લટકાવે એટલે એ પકડીને સડસડાટ આત્મપ્રશંસાના ગઢ પર ચઢી જવુ. કોઇન્ શુભેચ્છા પાઠવીને પણ આ કામ થઇ શકે. જેમ કે, ‘તમારી ત્રીસમી વર્ષગાંઠ મુબારક. મને પણ આજ સુધી ત્રીસ એવોર્ડ મળ્યા છે.’ અથવા ‘જન્મદિવસની શુભેચ્છા. મારા જન્મદિવસે તો લોકોની એટલી શુભેચ્છા આવે છે કે મારે ફૂલોના ઢગલા સાફ કરવા માટે ખટારો મંગાવવો પડે છે. પણ એની એક મઝા છે. બેસ્ટ વીશીઝ.’
તરકીબ-૬ : ઇતિહાસની વિસ્મૃતિ
ઇતિહાસનું સામાન્ય જ્ઞાન સુદ્ધાં ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા આડે બહુ મોટો અવરોધ ઉભો કરી શકે છે. કારણ કે કોઇ પણ ક્ષેત્રમાં ગુણવત્તાથી માંડીને લોકપ્રિયતા જેવી બાબતોમાં આગળ બીજા અનેક પ્રતાપી લોકો થયા જ હોય. એમને યાદ કરીએ તો આપણો ભાવ કોણ પૂછે? અને આપણી મહાનતા કેવી રીતે સ્થાપિત થાય?
પોતાની લીટી કેટલી નાની છે એનો તીવ્ર અહેસાસ હોય, ત્યારે બીજી મોટી લીટીઓ ભૂલાવી દેવી બહુ જરૂરી છે. મોટાં નામોને અંજલિ આપવાની, પણ એ રીતે કે ‘તમે બધા મહાન હતા ત્યારે હતા. હવે હું જ છું.’ તેની પેટાતરકીબ છેઃ મનગમતો ઇતિહાસ લખવો. એ માટે તરકીબ-૨ (મૃતકના મોઢે મોંફાટ વખાણ)નો ઉપયોગ કરી શકાય. ધારો કે કોઇ નવા ગઝલકારને ઘાસલેટીયા સેલિબ્રિટી થવું હોય તો એ કહી શકે, ‘મરીઝ મને કાયમ કહેતા હતા કે મારા પછી તું જ એક છે. બીજું કોઇ મને આ ક્ષેત્રે દેખાતું નથી.’
આવું લખ્યા પછી ભૂલેચૂકે એવો ખુલાસો ન કરવો કે ‘આ મરીઝસાહેબનો અભિપ્રાય છે. એમણે પ્રેમવશ કહ્યું હોય તો પણ એ સાચું નથી. મારી સાથે બીજા દસ લોકો સરસ ગઝલો લખે છે.’ આ ખુલાસો હકીકતની દૃષ્ટિએ સાચો હશે, પણ ઘાસલેટીયા સેલિબ્રિટી બનવા ઇચ્છનારે હકીકત સાથેનો પોતાનો સંબંધ બને એટલો ઓછો કરી નાખવો.
***
સહેજ ઊંડો શ્વાસ લઇને વિચારતાં, સૌને પોતાની આજુબાજુ આ તરકીબ/તરકીબો અપનાવીને સેલિબ્રિટી બની બેઠેલા અને ત્યાર પછી સેલિબ્રિટીપદું ટકાવી રાખવા માટે પણ આ જ પદ્ધતિઓ અપનાવતા ઘણા લોકો જોવા મળશે. અહીં આપેલી ચાવીઓ વાંચ્યા પછી, તેને અમલમાં મૂકીને ઘાસલેટીયા સેલિબ્રિટીની જમાતમાં જોડાઇ જવું, તેમના પ્રદૂષણકારી પ્રભાવની ચિતા કરીને વખત આવ્યે તેમને નાગરિકધર્મ લેખે ટપારવા, સસ્તી હરકતોમાં સાર્થકતા માનવા બદલ તેમની દયા ખાવી કે લાજવાને બદલે ગાજવાની તેમની નાદાની પર હસવું- એ સૌએ પોતપોતાની રૂચિ, શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે નક્કી કરવાનું રહે છે.
Subscribe to:
Post Comments (Atom)
majja padi...
ReplyDeleteસૌથી ઉચ્ચ દરજ્જે બિરાજેલ પ્રથમ પ્રકારના એક celebrity ધ્યાનમાં છે...!
પણ હવે એમને celebrity કહીશ તો એમને માઠું લાગશે...એટલે એ પાછા કહેશે પણ ખરા..."મારા અને મુકેશ અંબાણી વચ્ચે એક સામ્ય... અમને કોઈ celebrity કહે એ ના ગમે !! " (ખબર નહી મુકેશ અંબાણી ને કોઈ celebrity કહે એ ગમે છે કે નહી હો !!)
- Tushar Acharya
હા હા હા.....
ReplyDeleteજોરદાર....
આર્થીક, સામાજિક, રાજકીય અને ધાર્મિક celebrities નું પ્રદુષણ કેવી રીતે દુર કરવું તે જરૂર બીજા લેખમાં જણાવશો.
ReplyDeleteબહુ જ સરસ વ્યંગ.
ReplyDeleteસેલિબ્રિટી બનવા માટે ઘણા સરસ રસ્તા બતાવ્યા. આ સિવાય પણ એક સચોટ રસ્તો છે. મોનિકા-મારિયા રોડ. ડાયરેક્ટ તો સેલિબ્રિટી સ્ટેટસ.
એક પ્રણય-ત્રિકોણ બનાવો. બીજા ત્રિકોણની મદદ લઇને ત્ત્રીજા ત્રિકોણને પતાવી દો. પુરાવાનો નાશ કરવામા બીજા ત્રિકોણની મદદ કરો. બે-ત્રણ વર્ષ જેલમા રહો. બહાર આવો એટલે સેલિબ્રિટી. રામુઓ/ભટ્ટો કરોડોના ચેકો લઇને દુમ હલાવતા પાછળ પાછળ ફરવા માંડશે.
અથવા (સ્ત્રીઓ માટે)કોઇ અબુ/સબુ સાલેમ પકડી લો. પેલાની સાથે ધરપકડ વહોરી લો. બે-ત્રણ વર્ષ પછી જેલમાથી બહાર આવશો એટલે ટીવી પર બિગ-બોસના અને રીયલ લાઇફ મા બધાના ઘરના દરવાજા તામારી માટે ખુલ્લા જ છે.
ક્યા જઇ રહ્યા છીએ આપણે !
જય હો !
ઘણા સમય પહેલાં એક પેપરમાં વાંચેલું.
ReplyDeleteહું અને મોરારજીભાઇ એક બાબતમાં સરખા. એમને મારું drink ના ગમે અને મને એમનું.
એ પણ જોવા મળે છે કે કોઈ હસ્તી, મોટેભાગે સાહિત્યકાર હોય તો તો ખાસ, મૃત્યુ પામે પછી એને અંજલિ આપતા લેખો લખવામાં આવે. જેમાં અવસાન પામનારી વ્યક્તિ વિશેની વાતોને બદલે, લેખ લખનારી વ્યક્તિના તેના સાથેના સંબંધ કેટલા 'ગાઢ' અને 'નજીક'ના હતા તે બતાવવાના/સાબિત કરવાના હાસ્યાસ્પદ પ્રયાસો દેખાઈ આવે. જેમ કે, આ લખનારે જયારે તેની પહેલી રચના તેમની સામે રજૂ કરી ત્યારે તેમણે કહ્યું : આ તમે ફલાણા મેગેઝીનમાં (બહુ જાણીતા મેગેઝીનનું જ નામ હોય ) કેમ નથી આપતા? અથવા ૧૯૩૧નાં વર્ષમાં અમે જયારે પહેલી વાર મળેલા, ત્યારે હું તો સાવ નાનો. તો પણ તેમણે કહેલું : તું, બેટા, નામ કાઢીશ હો સાહિત્યમાં.
ReplyDelete‘જીવતો લાખનો અને મરેલો સવા લાખનો’ એ નિયમ ફક્ત હાથી જ નહીં, તમામ પ્રકારની ‘હસ્તી’ઓ માટે લાગુ પડે છે. ha ha ha... HASTI.. ane HAATHI.. nice ... :)
ReplyDelete