Thursday, July 07, 2011

ઉજાગરોઃ ઉંઘનો ધજાગરો

આંખો લાલ થઇ ગઇ હોય, પોપચાં દુકાનના ઢીલા શટરની જેમ ઊંચાં લીધા પછી નીચે ઢળી પડતાં હોય, માથું ચક્કરભમ્મર થતું હોય, સીધા બેસવાને કે ઉભા રહેવાને બદલે ઢળી પડવાનું કે ઢોળાઇ જવાનું મન થતું હોય...

આ બધાં લક્ષણો વાંચીને ગુજરાતમાં કોઇ પણ જાણભેદુ સલાહ-પડીકું છોડશે,‘માપમાં પીતા હો તો! અમેય પીએ છીએ, પણ અમારે કદી આવું ન થાય, સમજ્યા?’ અને માપમાં પીવાના ફાયદા વિશે હોંશભેર એક લધુવાર્તાલાપ પ્રસારિત કરી દેશે. પરંતુ ઉપર વર્ણવેલાં લક્ષણ હકીકતે કોઇ ઉજાગરાગ્રસ્ત જણનાં છે, એ જાણ્યા પછી તેમનો ઉત્સાહ ઓલવાઇ જશે અને મનમોહનસિઘની દલીલો જેવી હળવી ગણગણાટી સાથે તે વાર્તાલાપ સંકેલી લેશે.

ઉજાગરો કરનાર દૃઢતાપૂર્વક માને છે કે ‘દુનિયામાં (પોતાના) જીવ પછી સૌથી મોટું કોઇ બલિદાન હોય તો એ ઉંઘનું છે - અને એ મેં આજે આપ્યું છે. મને ‘શહીદ-એ-આઝમ’ ન ગણો તો કંઇ નહીં, પદ્મશ્રી કે વીરચક્ર ન આપો તો પણ વાંધો નથી. કમ સે કમ, એટલું તો સ્વીકારો કે ઉંઘની સ્વેચ્છાએ કુરબાની આપી હોવાથી, બીજા ઉંઘનારા લોકો કરતાં હું વધારે ઊંચો છું. પામર મનુષ્યો રાત્રે નવ-દસ-સાડા દસ વાગ્યે નિદ્રાની પ્રલોભનજાળમાં આવી જતા હોય ત્યારે મારા જેવો કોઇક વીરલો જ તપસ્યાભંગ થવા દીધા વિના ઉજાગરો ખેંચી શકે અને ઉંઘના આક્રમણના ધજાગરા ઉડાડી દે.’

ઉંઘવાની ક્રિયાનો સીધો સંબંધ આળસ, કામચોરી અને નિષ્ક્રિયતા જેવા નકારાત્મક ગુણો સાથે છે. તેની સરખામણીમાં ઉજાગરો શબ્દાર્થમાં જાગૃતિનું પ્રતીક છે. સમાજને લોકોની પ્રતિષ્ઠા કરતાં અપજશમાં વધારે રસ પડે છે. એટલે કોઇના પણ માટે ‘ઉંઘણશી’નું ટીકાત્મક લેબલ તરત લાગી જાય છે, પરંતુ રાતની રાત જાગતા લોકોને કોઇ ‘જાગણશી’ કહીને બિરદાવતું નથી.

કેટલાક ઉજાગરો કરનારા જણ મુખ્ય મંત્રી ન હોવા છતાં માને છે કે પોતે જાગે છે તેના લીધે જ બાકીની દુનિયા નિરાંતે સૂઇ શકી છે અથવા બાકીની દુનિયા આળસુના પીરની જેમ ઘોરી રહી છે ત્યારે તેમના યોગક્ષેમનું વહન કરવા માટે મારે જાગવું પડશે. તેમને ઉંઘતાં મૂકીને હું કેવી રીતે ઉંઘી જઉં? મારી દુનિયા પ્રત્યેની-સમાજ પ્રત્યેની ફરજનું શું થાય? નરસિહ મહેતાનું સ્મરણ તેમના ચિત્તમાં ગુંજી રહે છે, ‘રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાઘુપુરૂષે સુઇ ન રહેવું’.

નરસિહ મહેતાએ પાછલા પહોરે જાગીને શ્રીહરિને સ્મરવાની વાત કરી હતી, પણ મોટા ભાગના લોકોનો અનુભવ છે કે જૂજવે રૂપે અનંત ભાસતી ઉંઘના શરણે થયા પછી પાછલા પહોરે જાગવાનું બહુ કઠણ છે. ખુદ શ્રીહરિ જગાડે તો પણ ઉંઘરેટો માણસ ‘સૂવા દો ને જંપીને! અત્યારથી ઉઠીને શું દાટ્યું છે?’ એવું છાંછીયું કરી બેસે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઉંઘવું જ નહીં.

સવાલ એ થાય કે કામ વગર માણસે ઉજાગરો શા માટે કરવો? તેની સાદી સમજૂતી-કમ-ફિલસૂફી એટલી જ છે કે કામ (રાતપાળીની નોકરી) હોય ત્યારે ઉજાગરો કરવામાં શી ધાડ મારવાની? ઉજાગરા જેવી ઉમદા પ્રવૃત્તિ નોકરીના ભાગરૂપે કરવામાં ઉજાગરાનું કે નોકરીનું, કોઇનું ગૌરવ જળવાતું નથી. એટલે જ, સારી કંપનીઓમાં રાતપાળીની નોકરી કરનારા ઘણા લોકો નાઇટ શિફ્‌ટમાં સૂઇ જઇને નોકરીના ભોગે પણ ઉજાગરાનું ગૌરવ જાળવી લે છે.

ઉજાગરાનો ખરો આનંદ કોઇ ચોક્કસ હેતુ કે કામગીરી વિના, ફક્ત ઉજાગરા ખાતર ઉજાગરો કરવામાં છે. ‘હું ક્યાં તારું કે મારું કોઇનું કામ કરવા આવ્યો છું/ હું તો બસ ઉજાગરો કરવા આવ્યો છું’ એવી પંક્તિ (નિરંજન ભગતની ક્ષમા સાથે) ઉજાગરા-ગીત તરીકે મૂકી શકાય. આખી રાત જાગવાનું કામ અનેક રીતે ગૌરવપ્રદ ગણાય છે. ઉજાગરો કરનાર બીજા દિવસે ભલે ચીમળાઇ ગયેલી દેશી કેરી જેવો ચહેરો લઇને ફરે, પણ તેના મોં પરનો ઉજાગરો છાતી પર લગાડેલા માનચાંદ જેવો ઝળકી ઉઠે છે. સામે પૂછનાર માણસ ગમે તે હોય, પણ ચહેરાના હાલચાલ વિશે જરાઅમસ્તી પૃચ્છા થઇ નથી કે ઉજાગરાવીર કહેશે,‘કાલે આખ્ખી રાત જાગ્યા હતા. મટકુંય માર્યું નથી. છતાં જુઓ, અત્યારે કેવો ફ્રેશ લાગું છું ને ! કહો તો મેરેથોન દોડી બતાવું.’

વઘુ પડતા પ્રમાણમાં નશો કર્યા પછી માણસ જેમ ‘મને નથી ચઢી’નું રટણ કરવા ચડે, એવું જ ઉજાગરાવીરોના કિસ્સામાં ઉંઘ બાબતે બને છે. કોઇ એમના ઉંઘરેટા ચહેરાની સહેજ દયા ખાય એટલે તે ‘સ્પર્શ’ના નસીરુદ્દીન શાહની જેમ ઘુંધવાટભર્યું ખિજાઇ જાય છેઃ ‘મારે ઉંઘની પણ નહીં ને દયાની પણ નહીં- કશાની જરૂર નથી. મેં કાલે રાત્રે મારા શોખથી ઉજાગરો કર્યો હતો અને મને એનું ગૌરવ છે.’ તેમનો જુસ્સો જોતાં સાંભળનારને લાગે છે કે હમણાં એ ક્યાંક ‘ભારતમાતાકી જય’ બરાડી ન બેસે!

ઉંઘની તકલીફ એ છે કે તે પ્રેમની જેમ કે ગુજરાતી ગીતોમાં આવતાં ઝાંઝરની જેમ, સંતાડી રાખી રખાતી નથી. પૂરના પાણીની જેમ, ઉજાગરાગ્રસ્તના ચહેરા પર એ પોતાનો રસ્તો કરી લે છે અને પોતાનાં નિશાન પણ આંકી દે છે, જે ઉજાગરાવીર સિવાય બાકી બધાને દેખાય છે. એટલે આખી રાત જાગ્યા પછી બીજા દિવસે જાણે ઉજાગરાવીરનું એક જ મુખ્ય કાર્ય રહે છેઃ ચહેરા પર અને વર્તનમાં ઉજાગરાની અસર ન દેખાવી જોઇએ. ચાહે લાખ ઝોકાં આવે, ચાહે પીઠમાં કડાકા બોલે, ચાહે આંખો શ્રાવણનાં વાદળોની પેઠે ઘેરાય...‘ઉજાગરો કર્યો કે ના હઠવું’ એવો નર્મદીય નિર્ધાર કેટલાક ઉજાગરાકરોના વર્તનમાંથી ટપકે છે. આખો દિવસ તે ઉંઘરેટી આંખે અને લડખડાતા પગે, છતાં કોઇ પૂછે તો ‘મને કંઇ થયું નથી.’ એવું કહેનારા ઉજાગરાના અસલી બ્રાન્ડ એમ્બેસેડર બની રહે છે.

સરકારી કાર્યક્રમોની જેમ ઉજાગરો કરવામાં પણ ગૌરવભાન મુખ્ય પેદાશ છે કે આડપેદાશ એ પ્રસંગે પ્રસંગે બદલાતું રહે છે. ઘણા ઉજાગરાકરોને આખી રાત જાગીને ગપ્પાંગોષ્ઠિ કરવામાં, વાંચવા-લખવામાં કે બીજું ગમતું કામ કરવામાં એટલી ‘કીક’ નથી આવતી, જેટલી એવું જાહેર કરવામાં આવે છે કે ‘કાલે તો આપણે આખ્ખી રાત ઉજાગરો કર્યો...એકદમ નક્કોરડો ઉજાગરો. બોલો, તમારાથી થાય?’

ઉજાગરો કરવાના પંથે સંચરતા લોકોને હતોત્સાહ કરવા માટે સમાજ ઘણા પ્રયાસ કરે છે. ‘રાત્રે જાગીને શું કામ છે? એના કરતાં એક કામ કરો. અત્યારે સૂઇ જઇને સવારે વહેલા ઉઠી જજો.’ એવું પ્રલોભન અપાય છે. ‘રાતે ઉજાગરા કરશો તો બીજા દિવસે પાચનતંત્રમાં વિપ્લવ ફાટી નીકળશે’ એવી ચીમકી અપાય છે. ‘એટલું તે શું કામ છે- એવી તે કેવી વાતો છે કે આખી રાત જાગવું પડે?’ એમ કહીને ઉજાગરાકરોની મશ્કરી કરવાનો પ્રયાસ થાય છે.

જે રાજ્યમાં છોકરીઓ અડધી રાત્રે સલામતીપૂર્વક ઘરની બહાર અવરજવર કરી શકે છે, એ જ રાજ્યમાં છોકરાઓ મોડી રાત્રે ઘરની બહાર સામુહિક રીતે ઉજાગરો કરતા હોય, તો પોલીસ ઘણી વાર તેમને રાત્રે ઘરે હાંકી કાઢે છે. આ કાર્યવાહીને (ઉપવાસની જેમ) ઉજાગરો તોડાવવાનું પોલીસનું કાવતરું કહી શકાય. પરંતુ ખરો ઉજાગરાવીર કશાથી ડગતો- ડરતો નથી. તેના મનમાં એક જ રટણ હોય છેઃ ના, હું તો જાગીશ.

3 comments:

  1. હા હા હા....
    પંદર દિવસના અધકચરી ઉંઘવાળા ઉજાગરાઓ પછી એક્વાર અમે એક શુટિંગ પતાવી ને રાત્રે સાડા ત્રણ વાગે એડીટ માટે સ્ટુડિયો પર પહોચ્યા, ત્યારે અમારા એક વર્કોહોલીક મિત્ર બોલ્યા... "યાર, રાતકો યે નિંદ ક્યું આતી હૈ...?"
    એઇ, તમારી ભલી થાય...

    ReplyDelete
  2. Anonymous8:25:00 PM

    Wah Urvishbhai. Likhna to koi aapse sikhe.. Very good articles. Today I read first time your blog. But you were so fantastic, that one by one I read almost 25 blogs on a single seat.. Great Sir..

    ReplyDelete
  3. utkantha9:33:00 PM

    કેટલાક ઉજાગરો કરનારા જણ મુખ્ય મંત્રી ન હોવા છતાં માને છે કે પોતે જાગે છે તેના લીધે જ બાકીની દુનિયા નિરાંતે સૂઇ શકી છે
    શકટનો ભાર જેમ... પછી ના લખાય કેમ કે શ્વાનોને પણ લાગણી હોય અને એ પણ દુભાય.. :)

    ReplyDelete