Friday, July 15, 2011

ગુરૂપૂર્ણિમા કે ‘વિદ્યાસહાયક પૂર્ણિમા’?

લાંબી ગુરુ-શિષ્ય પરંપરા ધરાવતા ભારતમાં ગુરુપૂર્ણિમાનું આગવું મહત્ત્વ છે. ભારતમાં ગુરૂઓનું સ્થાન એટલું મજબૂત છે કે ગુરૂ પર છેતરપીંડીથી માંડીને ખૂન-બળાત્કાર જેવા આરોપ મુકાય, તો પણ તેમના ચેલાઓ ધામઘૂમથી ગુરૂપૂર્ણિમા ઉજવવાની હોંશ મોળી પડવા દેતા નથી.

સતયુગના ગુરૂઓ પોતાના શિષ્યોને મુખ્યત્વે શિક્ષણ અને જીવન સંબંધિત જ્ઞાન આપતા હતા. કળિયુગમાં ગુરૂ અને શિષ્યો બન્નેની રેન્જ બહુ વિશાળ થઇ ગઇ છે. નાસ્તાપ્રેમીઓને યાદ હશે કે એક સમયે ‘ખાખરા’ માગતાં ફક્ત સાદા ખાખરા મળતા હતા અને એ પણ મોટે ભાગે ઘરગથ્થુ બનાવટના. હવે ખાખરાની દુકાને જઇને પાટિયા પર તેના પ્રકાર વાંચતાં અચ્છોખાસો માણસ મનમોહનસિઘ જેવી અનિર્ણાયક લાચારીમાં સરી પડે એવી ભીતિ રહે છે. કારણ કે ડબલ ચીઝ ખાખરાથી માંડીને ભાજીપાંઉ ખાખરા, પાણીપુરી ખાખરા અને પિત્ઝા ખાખરા જેવા પ્રકારો ઉપલબ્ધ હોય છે.

ખાખરા જેવું જ વૈવિઘ્ય ગુરૂઓમાં પણ જોવા મળે છે. ‘નિશાળમાં ભણાવે એ જ ગુરૂ’ એ વ્યાખ્યા હવે સાદા ખાખરા જેવી અપૂરતી જણાય છે. ઘણાં વિદ્યાર્થીરત્નો- ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ લઇ રહેલાં- એવાં હોય છે કે તેમને સ્કૂલ-કોલેજમાં ભણાવનાર શિક્ષક સામે મળે તો ઓળખતાં તકલીફ પડે. સીધી વાત છેઃ કોઇ પણ અજાણ્યા માણસનો ચહેરો મનમાં ઉતારવા માટે એને પાંચ-દસ વાર જોવો પડે કે નહીં! અને કોલેજમાં એક જ અઘ્યાપકના પાંચ-દસ પિરીયડ ભરવા જેટલી ધીરજ આઘુનિક અર્જુનો પાસે હોય, તો કોલેજ કેમ્પસમાં ‘તીરંદાજી’ કોણ કરે?

ફક્ત સ્કૂલ-કોલેજમાં ભણાવનાર જ ગુરૂ કહેવાય, એવી ગેરસમજણ નવા જમાનામાં ગુરૂપૂર્ણિમાની પરંપરાને હાનિ પહોંચાડી શકે છે. એ પરંપરા ચાલુ રાખવા માટે અને તેમાં નવો ઉત્સાહ ઉમેરવા માટે, કેન્દ્રીય મંત્રીમંડળની જેમ ગુરૂમંડળનું વિસ્તરણ કરવું જરૂરી છે. એકવીસમી સદીમાં પરંપરાગત હર્ષોલ્લાસથી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી શકાય એ માટે ગુરૂઓના કેટલાક વાસ્તવિક છતાં બિનપરંપરાગત પ્રકારો:

વિદ્યાસહાયક
અઘ્યાપકના એક મહિનાના પગાર કરતાં પણ ઓછો વાર્ષિક પગાર ધરાવતા વિદ્યાસહાયકો મહિનાના પગારમાંથી અવરજવરનો ખર્ચો કાઢવો, ઘર ચલાવવું કે બાળકો ભણાવવાં એની મૂંઝવણમાં હોય છે. કારણ કે એ ત્રણે કામ વિકલ્પે નહીં પણ સમાંતરે કરવા પડે છે અને સરકાર તરફથી મળતો પગાર કોઇ પણ એક કામ થાય એટલો હોય છે.

સદાશોષિત મનોદશા ધરાવતા વિદ્યાસહાયક પોતાની જાત માટે ‘ગુરૂ’ જેવું આદરણીય સંબોધન કેવી રીતે ખમી શકે? એટલે ગુરૂપૂર્ણિમાના દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓએ સ્કૂલ-કોલેજમાં જે સામે મળે તેને પગે લાગવાને બદલે સહેજ ચકાસી લેવું કે એ વિદ્યાસહાયક કે અઘ્યાપકસહાયક તો નથી ને! એમને પગે ન લાગવું એમ નહીં, પણ એવું કરવાથી તેમને માનસિક આઘાત ન લાગે, તેનું ઘ્યાન રાખવું. બને તો પહેલાં શાબ્દિક ભૂમિકા બાંધવી, ‘આજના દિવસ પૂરતું ભૂલી જાવ કે તમે સહાયક છો’ એવાં પ્રેરક વચન ઉચ્ચારવાં અને પછી જ તેમને આદરાંજલિ આપીને ગુરૂપૂર્ણિમા ઉજવવી.

ટ્યુશનગુરુ ‘સર’
કોઇને ‘સર’ કહેવા માટે એનામાં કશી પાત્રતા હોવી જરૂરી નથી. આઝાદ ભારતમાં કોઇ પણ માણસ બીજા માણસને ‘સર’ કહીને તેનું માન કે અપમાન કરી શકે છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં ‘સર’નું લટકણીયું ટ્યુશનક્લાસ ચલાવતા બંદાઓ માટે અનામત રહેતું હોય છે. ટ્યુશનક્લાસ એક એવી જગ્યા છે, જ્યાં સ્કૂલથી વઘુ મોટા ક્લાસમાં, સ્કૂલથી વઘુ સંખ્યામાં છોકરાં, સ્કૂલથી અનેક ગણી વઘુ ફી આપીને ભણવા જાય છે. ટ્યુશનક્લાસ એક એવો ધંધો છે, જેમાં સિત્તેરની બેચમાંથી એક-બે ‘તેજસ્વી તારલા’ નું (જે ટ્યુશનમાં આવ્યા વિના પણ સારું પરિણામ લાવ્યા હોત તેમના) પરિણામ ‘અમારા ટ્યુશનક્લાસનું ગૌરવ’ તરીકે છાપામાં છપાવવામાં આવે છે.

આ ટ્યુશનક્લાસના ‘સર’નું માહત્મ્ય સ્કૂલના શિક્ષક કરતાં અનેક ગણું વધારે હોય છે. કારણ સિમ્પલ છેઃ તે સ્કૂલ કરતાં અનેક ગણી વધારે ફી લે છે અને મોટા ભાગનાં છોકરાં તેમનાં માતા-પિતાની જેમ ‘મોંધું તે સારું’ની ફિલસૂફીમાં શ્રદ્ધા ધરાવતાં હોય છે. તાત્પર્ય એટલું જ કે વિદ્યાર્થીઓ માટે અસલી ગુરૂપૂર્ણિમાની ઉજવણી હવે સ્કૂલને બદલે ટ્યુશનક્લાસમાં થાય એવી સંભાવના વધારે રહે છે. પરંતુ વાલીઓનાં સર ચકરાઇ જાય એવી ફી લેતા ટ્યુશન ક્લાસના ‘સર’ને ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂદક્ષિણા આપવાની જરૂર હોતી નથી. ‘ગુરૂ’ પહેલેથી એટલી તંદુરસ્ત ફી લઇને બેઠા હોય છે કે તેમણે એ દિવસ ખરેખર ‘શિષ્યપૂર્ણિમા’ તરીકે ઉજવીને દરેક શિષ્યને ‘શિષ્યદક્ષિણા’ આપવી જોઇએ. આટલી મોટી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓમાંથી દરેકને વ્યક્તિગત રીતે વિદ્યાદાન આપવાનું તો કેવી રીતે શક્ય બને!

એન્ટ્રન્સ એક્ઝામ કોચિગ ક્લાસ ગુરૂ
આ પ્રકારના ગુરૂઓને ‘ભાદરવાના ભીંડા’ જેવા તો ન કહેવાય- ખરાબ લાગે- પણ કહેવાનો મતલબ એ કે તેમનું ગુરૂપદ કોઇ એક પ્રવેશપરીક્ષા પહેલાંનાં થોડાં અઠવાડિયાં કે થોડા મહિના પૂરતું સીમિત હોય છે. છતાં, ગુરૂ એટલે ગુરૂ! એનો કેવી રીતે ઇન્કાર કરી શકાય! ગુરૂપૂર્ણિમાના દિવસે આવા ગુરૂઓને યાદ કરવામાં એક જ વ્યવહારુ મુશ્કેલી છેઃ ગુરૂપૂર્ણિમા આવે ત્યાં સુધીમાં લગભગ બધી જ પ્રવેશપરીક્ષાઓ પૂરી થઇ ચૂકી હોય છે અને વધારે અગત્યનું એ કે, તેનાં પરિણામ પણ આવી ચૂક્યાં હોય છે. એટલે સારું પરિણામ આવ્યું હોય તો વિદ્યાર્થીની કોલેજ ચાલુ થઇ ગઇ હોવાને કારણે (અને ‘અહીં ન આવ્યો હોય તોય હું પાસ થવાનો જ હતો, પણ પપ્પા ન માન્યા’ એવી આંતરિક માન્યતાને કારણે) વિદ્યાર્થી ગુરૂને મળવા જતો નથી. ખરાબ પરિણામ આવ્યં હોય એવા વિદ્યાર્થીઓ પાસેથી આદરમાન મેળવવાં હોય તો, ગુરૂઓએ આગળ જણાવ્યું તેમ ‘શિષ્યપૂર્ણિમા’ ઉજવવી પડે.

વાહનગુરુ
કેટલાક પ્રકારના ગુરૂ જિદગીમાં એક જ વાર આવે છે, પણ જીવનના આખા પટ પર તેમની અસર છોડી જાય છે. વાહનગુરૂ એ પ્રકારમાં આવે. બહુ ઓછા લોકો પોતાની મેળે સાયકલ-સ્કૂટર ચલાવતાં શીખ્યા હશે. મોટે ભાગે કોઇક ને કોઇકે, ભાઇ-બહેને, તેમના કોઇ મિત્રએ કે પાડોશીએ ગુરૂપદ ધારણ કરીને સાયકલ-સ્કૂટર શીખવ્યું હશે. એક દંતકથા પ્રમાણે, બજાજ કંપનીનું સ્કૂટર શીખતી વખતે એટલા બધા લોકો રાણા પ્રતાપની ભૂમિકામાં આવીને સ્કૂટરને ઘોડાની જેમ આગળથી ઊંચું કરતા હતા કે એ સ્કૂટરનું નામ ‘ચેતક’ પડી ગયું.

શીખાઉ ચાલકે બજાજના કે બીજા સ્કૂટરને ઘોડાની જેમ પલાણ્યા પછી, સ્કૂટરે તેમને તેજીલા તોખારની પેઠે પોતાની પીઠ પરથી ઉલાળ્યા હશે ત્યારે પણ તેમની પડખે એક ગુરૂ રહ્યા હશે, જેમણે ‘આવું તો થયા કરે. એનાથી ગભરાઇએ તો કેમ ચાલે!’ એવી હૈયાધારણ આપીને ‘હાડવૈદ આપણને ઓળખે છે’ એવું આશ્વાસન પણ આપ્યું હશે.

સ્કૂટર કે બાઇક આવડ્યા પછી ‘ગરજ સરી એટલે હાડવૈદ વેરી’ ગણીએ તો ચાલે, પણ એ ગુરૂને કેમ ભૂલાય? દર ગુરૂપૂર્ણિમાના દિવસે વાહનગુરૂને કંઇ નહીં તો છેવટે, પોતાના વાહનની પાછળ બેસાડીને એક આંટો પણ મરાવવો જોઇએ. જેથી તે જોઇ શકે કે તેમનો પ્રતાપી શિષ્ય હવે કેટલી સહજતાથી સિગ્નલો તોડીને, લેન કૂદાવીને, જોખમી ઓવરટેક કરીને અને લાયસન્સ વિના પકડાયા પછી ટ્રાફિક પોલીસને ઉઠાં ભણાવીને ગુરૂનું નામ રોશન કરી રહ્યો છે.

8 comments:

 1. Anonymous2:52:00 PM

  Urvish bhai,
  GURU BUSINESS is The BEST Business in the world:-)

  ReplyDelete
 2. Anonymous11:27:00 PM

  વિદ્યા સહાયક ગુરુ!
  મને હતું જ કે તમે આ ટ્રેક પર આવશો જ...
  પણ એટલું કહી દઉં કે આ સહાયક પ્રથા કેમ દાખલ કરવી પડી...
  આપના સગલાઓના જમાનામાં એમ કહેવાતું કે 'નોકરી કરવી તો સરકારી' (આ કહેવત નો બીજો ભાગ તમને નહિ ગમે) - કામ ન કરો તોય પગાર મળે! અને મારા બેટા નોકરી પર હોય તો લાંચ રુશ્વત ખાય (આપણા 'રાષ્ટ્રપિતા' નહેરુજી અને પછી એમની દીકરી એ લાયસન્સ ક્વોટા/ રેશનીગ નું તૂત ઘાલ્યું 'તું ને એટલે) અને રીટાયર થાય એટલે મારતા શુધી પેન્શન ખાય એવા જમાઈઓ આ ગરીબ દેશને માથે પડ્યા... એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી જ પડે તેમ હતી.
  નવરા બેઠેલા ને બેકારી ભથ્થું આપી ને મફતનું ખાવાનું (આ કોંગ્રેસની દેન છે પ્રજાને મહેનત કરતા શીખવાડવાને બદલે મત બેંક ઉભી કરવામાટે લોન માફી, સબસીડીઓ, રોકડ સહાય, અનામતો આ ગરીબ દેશના માથે મારી! NREGA - એ એમનો નવો હથકંડો છે!) શીખવાડવું એના કરતા કૈક કામ આપી ને મહેનતની ટેવ પાડવી અને સાથે સાથે તાલીમ (મહિનાનો પગાર - વાર્ષિક પગારવાળો કટાક્ષ એ તમારી નાદાની છે બોસ! એને સ્તાઈપેન્ડ/ બેકારી ભથ્થું ગણો ને?) પણ મળે અને બીજી સારી નોકરી ન મળે ત્યાં સુધી જીવન જીવવાનો આધાર થાય! પણ તમે અને તમારા સગલા એમને સરકારી નોકરીમાં મફતનું ખાવાનું મળે (અને એમના વોટ મળે) એ માટે 'શોષણ','શોષણ'ની બુમો પાડો છો - આમ ધર્માદા કરવામાં જ દેશની પ્રજા ને મફ્ફ્ત નું ખાવાની અને આળસમાં રચવાની ટેવ પડી ગઈ બોસ! તમે ભણેલા છો તોય આટલું ન સમજ્યા?

  ReplyDelete
 3. @ anonymous: તમે સરકારના સવેતન પ્રવક્તા છો કે અવેતન- એ તો ખબર નથી, પણ કોંગ્રેસની ટીકા કરવાના - અને એ સિવાયનું બધું ઉત્તમ જ હોય એવી ઘેલી માન્યતાની લાહ્યમાં- તમને એટલી ખબર છે કે વિદ્યાસહાયકને કેટલો પગાર મળે છે? અને તેમની કેવી સ્થિતિ છે? જોકે, તમારી નોકરી સરકારનો કોઇ પણ ભોગે બચાવ કરવાની લાગે છે. એટલે તમારે એ બધું જાણવાની શી જરૂર? હવે આગળ સંવાદ કરવો હોય તો નામ લખવા જેટલી નૈતિકતા રાખજો.

  ReplyDelete
 4. utkantha10:09:00 AM

  ખૂબ વાસ્તવિક લેખ છે. શિક્ષણજગત માટે લખવા માટે તો બ્લોગના બ્લોગ અને પૂર્ણિમાઓની પૂર્ણિમાઓ ઓછી પડે. એનોનિમસશ્રી, તમે એક વાર કચ્છના અંતરિયાળ ગામોમાં રહીને ભણાવતા વિદ્યાસહાયકોને મળજો. પછી હિમત ટકે તો તમારાં નામ સાથે પ્રતિભાવ આપજો. ઘરમાં બેઠે બેઠે અથવા ઓફિસમાં સૂતે સૂતે વાતો કરવી અને સલાહ આપવી બહુ સહેલી છે મિત્ર. દિલથી વાત કરવા માટે તો અનુભવ જોઈએ. દરેક ક્ષેત્રમાં પ્રશ્નો છે જ. પણ આપણા જેવા લોકો જો ખરેખર સમજતા હોય તો ટીકા કરવાને બદલે એક જ, માત્ર એક જ પગલું ભરે તો ય ઘણું.... કહો , તમે તમારા સંતાનને ગુજરાતી માધ્યમમાં ભણાવશો? તમે તમારા બાળકને એટલે સમય આપશો કે તેને ટ્યુશન ના જવું પડે? અને દોસ્ત, રાજકારણી તો રાજકારણી જ છે. આપણે તેમને ચડાવીને ઈશ્વરનો દરજ્જો આપી દઈએ છીએ. પણ એ સત્તા ઉપર આવ્યા પછી માત્ર માણસ રહી શકે તો પણ ઘણું છે. જે આપણે જ તેને નથી રહેવા આપતા.

  ReplyDelete
 5. Bharat.zala12:08:00 PM

  Urvishbhai.I'm happy that you give a sharp answer-what are vidyasahayaks and how they discriminated by the government.I Hope the unnamed fellow will read your comment.Thanx atleast a wise man is with us.

  ReplyDelete
 6. Anonymous8:33:00 PM

  હું anonymous તરીકે જ વાત મુકીશ. કારણ કે મારે વાદ વિવાદ નથી કરવો કે કોઈ ખુલાસો નથી જોઈતો. ઉર્વીશભાઈ એ ઉદારતાથી મારો પ્રતિભાવ યથાતથ મુક્યો એને હું ખેલ દિલી ગણીશ. તટસ્થ માણસને મારા આક્રોશ પાછળ થોડુ ઘણું પણ વજુદ દેખાશે...
  - સરકાર જે વાત નહિ કહી શકે એ વાત હું કહીશ. ઉર્વીશભાઈ અને બીજાઓએ વિદ્યા સહાયકો બાબતે વિગતે પ્રકાશ પડેલો છે. અને આ યોજના ને (બીજી ફિક્ષ્ પગારવાળી) સારો એવો સમય પણ થયો એટલે કોઈ અજાણ નહિ હોય. એટલે જે જોડાય છે એ By choice જોડાય છે.
  અને પ્રજા તમે ચિતરો છો એવી બાપડી બિચારી નથી. RTIની અરજીઓ જોશો તો ભ્રમ ભાંગી જશે.
  ફિક્સ પગારની નોકરીઓમાં પાછળથી સરકારના જમાઈ તરીકે ગોઠવાઈ જવાશે એ લાલચ પણ હોય છે એની પાછળ ચુંટણી ઢંઢેરામાં 'અમને વોટ આપો અમે તમને કાયમી કરાવી દઈશું' વાળા નો હાથ હોય છે! (અત્યારે પણ તમારી જેમ દબાણ કરે છે - વેતન વધારો કરો / કાયમી કરો) ચુંટણી આવે એટલે જોજો! ૧૬૦૦૦ વીજ માફિયાઓના કેસ પાછા ખેચવાનું વચન પણ આપી ચુક્યા છે!
  વિદ્યા સહાયક ને White Collar રાહતકામ/ કે ચુકવણીને સ્તાઈપેન્ડ કેમ નથી ગણતા? એમાં રાજ્યનું કામ પણ થાય છે. (અને સરકારની કોઈ ખામી હશે તો કોર્ટ એનો નિવેડો લાવશે) પણ સરકાર એટલે સદાવ્રત એવું પ્રજાના મગજ માં ઠસાવી દેવાયું છે એટલે લોકો દરેક વાતમાં સરકારનું મો જોઈને બેસી રહે છે. આખી દુનિયા જાણે છે કે હાથ પગ મારનારને કૈક તો સફળતા મળે છે. તો શુ કામ સરકારી સખાવતો પર નજર રાખી ને બેઠા છે? સરકાર ક્યા સુધી અને કેટલે સુધી પહોચી વળવાની?

  ReplyDelete
 7. Bharat.zala10:54:00 PM

  Vidyasahayak post is a violation of minimum selery act.court interfere this policy,and ordered government to increse selery-level.after court's order,government had no choice,they increase some selery,with salute the court.and my friend,have you heard-YATHAA RAJA,TATHAA PRAJAA.when u blame someone everytimes,he changed himself into a social problem.remember that. ery act.court interfere this policy,and ordered government to increse selery-level.after court's order,government had no choice,they increase some selery,with salute the court.and my friend,have you heard-YATHAA RAJA,TATHAA PRAJAA.when u blame someone everytimes,he changed himself into a social problem.remember that.

  ReplyDelete
 8. Earlier Vidhya Sahayak was called Baal Guru. Forgot which political party brought that.

  ReplyDelete