Tuesday, May 03, 2011

અંગ્રેજ ચલે ગયે, કટલેટ છોડ ગયે


કેટલીક વસ્તુઓ કેમ ચાલતી હશે, તેની કાયમ નવાઇ લાગે. તેમના ચાલવા પાછળનું એક જ કારણ જડેઃ બસ, તે ચાલે છે - અને કોઇએ તેમાં ફેરફાર કર્યો નથી, એ જ.

વાત 'કટલેસ' તરીકે લોકપ્રિય એવી 'વેજ કટલેટ'ની છે. ટ્રેનમાં મુસાફરી કરનારાએ આ દૃશ્ય જોયું જ હશેઃ ડાઇનિંગ કારનો યુનિફોર્મ પહેરેલા માણસો હાથમાં પ્લાસ્ટિકની ટ્રે, એની અંદર એલ્યુમિનિયમની ફોઇલમાં વીંટાળેલી કટલેટ, બ્રેડની સ્લાઇસ અને કેચ-અપનાં પાઉચ લઇને 'ગરમાગરમ કટલેસ' કહેતા એક ડબ્બેથી બીજે ડબ્બે ફરતા હોય. કર્ણાવતી એક્સપ્રેસ પ્રકારની કે ગુજરાત ક્વીન પ્રકારની ટ્રેનોમાં આવાં દૃશ્ય સામાન્ય હોય છે.

જેટલી વાર ગુજરાતની-ભારતની ટ્રેનમાં કટલેટ -ઔર કટલેટ કે સિવા કુછ ભી નહીં- વેચાતી જોઉં, ત્યારે મને હંમેશાં નવાઇ અને ત્રાસ થાય છે. ભારતનો કયો જણ એવો હશે, જે નાસ્તામાં બ્રેડની સ્લાઇસ સાથે કટલેટ અને કેચ-અપ ખાતો હોય? ભારતીય નાગરિકોને ટ્રેનમાં આપી શકાય એવા ભજિયાં, ગોટા, સમોસાથી માંડીને ઇડલી-ઉપમા કે પરાઠા જેવી અનેક ચીજો મોજૂદ છે, જેનો સ્વાદ આમ અને ખાસ તમામ પ્રકારના લોકો માણી શકે છે.

ટ્રેનમાં વેચાતી વેજ કટલેટ ક્યારેક ભૂખના માર્યા કોઇ ખરીદે તો ત્યાર પછીની તેમની મૂંઝવણ જોવાલાયક હોય છે. બ્રેડની બે-ચાર સ્લાઇસ, કેચ-અપ અને કટલેટને કેવી રીતે મઝા પડે એમ ખાઇ શકાય, તેની મથામણ અઘરી હોય છે. સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસ વચ્ચે કટલેટ મૂકીને તેની પર પાઉચમાંથી કેચ-અપ રેડીને તેને આરોગવાનો પ્રયાસ થાય છે. તેમાં ફાવે નહીં કે મઝા ન આવે એટલે બ્રેડ-કટલેટને અલગ પાડી દેવામાં આવે છે અને શુદ્ધ દેશી પદ્ધતિએ તેને ખાવાનો વારો આવે છે.

તો પછી ભારતીય ખાણીપીણીની પદ્ધતિ સાથે બિલકુલ મેળ ન ધરાવતી કટલેટ શા માટે હજુ ટ્રેનોમાં એકાધિકાર ભોગવે છે? ટેકનિકલ કારણ તો ખબર નથી, પણ ધારી શકાયઃ કટલેટ અસલમાં અંગ્રેજ સાહેબોની પસંદ હશે. તેમનું જોઇને ભારતીય સાહેબોએ તેને અપનાવી હશે અને 1947 પછી એને ટ્રેનના મેનુમાંથી દૂર કરવાનું કે તેની સાથે બીજી ભારતીય વાનગીઓ ઉમેરવાનું ભૂલી ગયા હશે. એટલે મંત્રીના તુક્કાથી પ્લેટફોર્મ પર ચા પીરસવામાં કપને બદલે કુલડી સુધી જઇ શકાય, પણ કટલેટનું એકચક્રી શાસન અડીખમ રહ્યું છે.

કટલેસને ટપોરી બોલીમાં 'કટ લે' કહેવાનો વખત ક્યારનો આવી ગયો નથી? કે એના માટે પણ કોઇ અન્ના હઝારેના ઉપવાસની રાહ જોવાય છે?

2 comments: