Thursday, May 26, 2011

અમે બરફના ગોળા, ચુસ્કીએ ચુસ્કીએ ઓગળ્યા

કાળઝાળ ઉનાળો ચાલતો હોય ત્યારે બરફનો ગોળો ન ખાવો, એ ઘણાને આગ્રા જઇને તાજમહાલ ન જોવા જેવી વાત લાગે છે. ઉનાળામાં દિવસે આગના ગોળાની (સૂરજની) અને સાંજે-રાત્રે બરફના ગોળાની આણ વર્તે છે. ઉનાળાની બપોર વિશે અનેક વાર નિબંધો પૂછાયા અને લખાયા છે, પણ ઉનાળાની રાત વિશેનો નિબંધ પૂછવા જેટલી મૌલિકતા પરીક્ષકો બતાવી શક્યા નથી. એવું થયું હોત તો ઉનાળાની બપોરના નિબંધમાં જે મહત્ત્વ વૃક્ષના છાંયડાને મળ્યું, તે ઉનાળાની રાત્રે બરફગોળાની લારીને મળ્યું હોત.

ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. સુવાક્ય-શૈલીમાં કહી શકાય કે કઠોર પરિશ્રમની જેમ બરફગોળાનો પણ કોઇ વિકલ્પ નથી. અલબત્ત, બરફગોળો ખાવા માટે સારો એવો પરિશ્રમ કરવો પડે છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. એટલે જ, બરફ ખાવાના પરિશ્રમથી કાયર થતા લોકો બરફગોળાને બદલે તેનું શરબત પીને સંતોષ માની લે, ત્યારે બરફભક્તોનું હૃદય પોકારી ઉઠે છેઃ ‘ગોળાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.’

લોકલાજથી, હાઇજિનની ચિતાથી કે કાલ્પનિક પ્રતિષ્ઠાના ખ્યાલથી પીડાતા લોકો માટે સૌથી પહેલો પડકાર લારી સુધી જવાનો હોય છે. ‘હું અને લારી પર ઉભો રહું? કોઇ જુએ તો કેવું લાગે?’

બીજા લોકો તેમને આશ્વાસન આપે છે,‘ચિતા ન કરો. કોઇ તમને બરફની લારીવાળા નહીં ગણીને ‘ચાર ઓરેન્જ’ એવો ઓર્ડર નહીં આપે. કોઇને એવું પણ નહીં લાગે કે તમે તમારો મૂળ ધંધો છોડીને બરફની લારી શરૂ કરી છે. તમે કંઇ છેક એવા નથી લાગતા. ચાલો, એમ ઢીલા ન પડાય.’

સમજાવટ પછી પણ મનનું સમાધાન ન થતાં એ કહે છે, ‘એક કામ કરો. તમે લોકો ગોળો ખાઇ આવો અને મારા માટે ઘેર લઇ આવજો.’

પરંતુ ગોળાના પ્રેમીઓ આવાં છાનગપાતિયાંને પ્રોત્સાહન આપતા નથી. છાશ લેવા જવું ને દોણી શા માટે સંતાડવી? બરફગોળો ખાવા જવું ને જાત શા માટે સંતાડવી?

સામાજિક કારણો નિષ્ફળ જતાં વાંધો પાડનાર પાટો બદલીને આરોગ્યના રસ્તે વળે છે. ‘એમ મને બહાર ગોળો ખાવાનો વાંધો નથી, પણ બહારના ગોળા કેવા હોય? એમાં વપરાતો બરફ કેવો હોય? મેં તો સાંભળ્યું છે કે એ લોકો ગટરના પાણીનો બરફ બનાવે છે.’

આવી દલીલ સાંભળીને બરફપ્રેમીઓનું જૂથ ઘણુંખરું વળતી દલીલ કરવાને બદલે, ‘અત્યાર લગી ખોટો સમય બગાડ્યો. એટલી વારમાં એક ગોળો ખાઇ લીધો હોત.’ એવા ભાવ સાથે મોં મચકોડીને, પગ પછાડીને તે ગોળાની લારી તરફ ડગ માંડે છે. હકીકતે એ પગલાં વિશ્વશાંતિ તરફનાં હોય છે. કારણ કે ગોળાપ્રેમીઓ સાથે હાઇજિનની ચર્ચા વિશ્વયુદ્ધને નિમંત્રણ આપવા બરાબર છે.

ઉનાળાની રાતે બરફની લારી જ્યાં ઉભી હોય તે જગ્યા ‘ફરવાલાયક સ્થળ’નો દરજ્જો પામે છે. લારીની આજુબાજુ પથરાયેલી ખુરશીઓ પર, આડાઅવળાં પાર્ક થયેલાં વાહનો સાથે અને સડક પર નાનાં જૂથોમાં ટોળે વળેલા લોકોને જોઇને એવું લાગે, જાણે ચૂંટણીનાં પરિણામોની કે કોઇ મસ્તમોટો ઝઘડો પૂરો થઇ ગયા પછીની રસિક ચર્ચા ચાલી રહી છે. પેરિસની સડકો પર ચર્ચા માટે વિખ્યાત કાફે હશે, પણ આઘ્યાત્મિક પ્રકાશની જેમ બરફના ગોળાની લારીઓ માટે ભારતના શરણે આવ્યા વિના ઉદ્ધાર નથી.

લારી પર પડેલા બરફના આખા ચોસલા અને બરફના ગોળા વચ્ચે નવલકથા અને વિવેચન જેટલો ફરક હોય છે. કહેવાય બન્ને એક જ પદાર્થનાં (કે ‘પદારથ’નાં) સ્વરૂપ, પણ એક ટાઢુંબોળ, અક્કડ, ભારેખમ પહાણા જેવું, રસ વગરનું, સંપર્કમાં આવનારને સંવેદનબધિર કરી નાખવાની ‘ક્ષમતા’ ધરાવતું અને બીજું? રસસભર, પ્રજાને આદત પાડી દેવાની ખૂબી ધરાવતું, આમજનતા જેનો આનંદ માણી શકે એવું... બરફના આખા ચોસલાને (કે વિવેચનને) બચકાં ન ભરાય, તેની ચુસ્કીઓ ન લેવાય. બહુ તો તેને કંતાન(માં) બાંધીને સાચવી રાખી શકાય.

નવલકથાની જેમ બરફનો ગોળો પણ રસપ્રધાન હોય છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો, તેમાંથી રસનિષ્પત્તિ કે રસાનુભૂતિ થવી આવશ્યક છે. ઘણી નવલકથાઓની જેમ, બરફમાં પોતાનો કોઇ રસ હોતો નથી. એ કેવળ રસ વહન કરવાનું માઘ્યમ છે. રસાનુભૂતિ સિદ્ધ કરવા માટે તેમાં ઉપરથી વિવિધ રસ રેડવામાં આવે છે- મસાલો છાંટવામાં આવે છે. સદ્‌ભાગ્યે, બરફના ગોળાના કે નવલકથાના બહુમતી ભાવકોને ઉપરથી રેડાયેલા રસ કે ભભરાવેલા મસાલા સામે વાંધો હોતો નથી.

બરફના ગોળાનો ઓર્ડર આપ્યા પછી ગોળો હાથમાં આવતાં સુધીનો સમય કસોટીનો હોય છે. એ વખતે રાહ જોનારને એવું લાગે છે, જાણે આખા જગતમાં બધા લોકો બરફગોળો ચૂસી રહ્યા છે, ચોતરફ તેમના સીસકારાનો કર્ણમંજૂલ ઘ્વનિ સંઘ્યાકાળે મંદિરમાં થતા ઘંટારવની જેમ ગુંજી રહ્યો છે અને આપણો જ ગોળો હજુ આવ્યો નથી. વાતચીતમાં મન પરોવાઇ જાય તો જુદી વાત છે. બાકી એક વાર આ ખ્યાલ મનનો કબજો લે, પછી તેના પીડિતોને ચેન પડતું નથી. વારંવાર એ બરફ બનતો હોય ત્યાં- ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર- ધસી જઇને તપાસ કરે છે. તેનાથી ગોળો બનવામાં ઝડપ થાય કે ન થાય, પણ ‘કોશિશ તો કી’ એવું આશ્વાસન મળે છે.

બરફના ગોળા હવે પડિયામાં કે બાઉલમાં મૂકીને આપવામાં આવે છે. આ વ્યવસ્થા નાનાં બાળકોની સાયકલ સાથે જોડવામાં આવતાં વધારાનાં બે પૈડાં/પોગો વ્હીલ્સ જેવી છે. બાકી બરફનો અસલી રોમાંચ કોઇ ‘બેક-અપ સીસ્ટમ’ (પડિયો-બાઉલ) વિના, કમરેથી સહેજ આગળની તરફ ઝૂકીને રસટપકતો બરફનો ગોળો ચૂસવામાં છે. એ પદ્ધતિમાં કેટકેટલા પડકાર સમાયેલા છેઃ રસનું ટીપું પણ એળે ન જાય એ જોવું, ચોતરફ પથરાયેલા રસને સરખો ન્યાય આપવો, ગોળો ચૂસવાની પ્રક્રિયામાં કોઇ ઠેકાણેથી ગચ્ચું નીકળી ન જાય તે જોવું, રસલીન અવસ્થામાં ગોળાને ભૂલથી બચકું ભરાઇ જાય તો પણ તેની ‘એકતા અને અખંડિતતા’ જાળવી રાખવી, ગોળો સળીનો સાથ છોડી ન દે એનું ઘ્યાન રાખવું, રસહીન થયેલા બરફ પર નવેસરથી- અને મફતમાં- રસ છંટાવવો...આ પડકારો વિના, રસભરેલા બાઉલમાં ટેકવાયેલો બરફનો ગોળો ખાવાનું કામ અરેન્જ્ડ મેરેજ કરવા જેવું- આનંદદાયક છતાં પરાક્રમના રોમાંચ વિનાનું- હોય છે. ‘હવે શું થશે?’નો દિલધડક અહેસાસ તેમાં મળતો નથી.

હવે તો જાણે ગોળાને રોમાંચરહિત કરવાની હોડ જામી છે. હવે મોંઘીદાટ ક્લબો, મલ્ટિપ્લેક્સ અને દુકાનોમાં પણ બરફના હાઇજેનિક (ગુજરાતી અર્થ : મોંઘા) ગોળા મળે છે. ક્યાંક વળી બરફગોળા પર કાજુ નાખવામાં આવે છે, પણ તેની ટીકા ન કરાય. સમૃદ્ધ ગુજરાતીઓ પીવાના પાણીમાં કાજુ નાખતા નથી, એ બદલ તેમનાં સંયમ અને સાદગીની પ્રશંસા કરવી રહી.

હાઇજિનના હાથી પર સવાર સજ્જનો-સન્નારીઓ મિનરલ વોટરમાંથી બનેલા બરફનો આગ્રહ રાખે છે. મિનરલ વોટર પૂરતું મોંધું આવતું હોવાથી તેની ગુણવત્તા વિશે શંકા કરવાની એમને જરૂર લાગતી નથી.

- અને ‘મોંઘી વસ્તુ સારી જ હોય’ એવી માન્યતાનાં ચોસલાં છીણે એવા રંધા બજારમાં મળતા નથી.

(શીર્ષક પંક્તઃ કવિ અનિલ જોશીની ક્ષમા સાથે)

3 comments:

 1. આ હા હા હા... હરી હરી... સાધો સાધો....

  થોડો વધુ રસ નાખી આપો... કે.. થોડો મસાલો નાખોને... એવુ કહેવાની કોઇ જગ્યા બાકી નથી છોડી...

  વિવેચન વાળી વાત... આહા...

  ..અને છેલ્લો પંચ... ‘મોંઘી વસ્તુ સારી જ હોય’ એવી માન્યતાનાં ચોસલાં છીણે એવા રંધા બજારમાં મળતા નથી.

  હા હા હા... મજા પડી...

  ReplyDelete
 2. Anonymous3:55:00 PM

  બહુ મજા પડી - ગોળૉ ખાવા ની .............
  Biren Mehta

  ReplyDelete
 3. ‘ગોળાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.’ ... તમે તો સાચે જ પુરવાર કરી દીધું...

  'હું અને લારી પર ઉભો રહું? કોઇ જુએ તો કેવું લાગે?’ - આ શબ્દો હું મારા ઘરમાં જ સાંભળી ચુકયો છું..

  આખા લેખમાં બહુ જ મજા પડી.. બરફ-ગોળા ના વિષય પર કદાચ આ પહેલું સંશોધન હશે !!!

  ReplyDelete