Tuesday, May 17, 2011

માનવ અધિકારઃ અર્થનો અનર્થ, અનર્થનો અર્થ

શબ્દ અનેક કારણથી પોતાનો અર્થ ગુમાવી શકે છે.

‘પાણીચું’ એટલે પાણી ભરેલું નારિયેળ. કોઇને વિદાય આપતી વખતે શુકન તરીકે નારિયેળ આપવાનો રિવાજ હતો. તેની પરથી, કોઇને નોકરીમાંથી રવાના કરવા માટે ‘પાણીચું પકડાવવું’ એવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો. ગુણ દર્શાવતા શબ્દ ‘પાણીચું’ પર આ રીતે નકારાત્મક અર્થનો સિક્કો વાગી ગયો.

‘અંતરિયાળ’નો મૂળ અર્થ છેઃ અધવચ્ચે, અરધે રસ્તે, નોંધારું. (દા.ત. એ ઓફિસે જતા હતા, ત્યારે પોલીસે તેમને અંતરિયાળ રોક્યા.) પરંતુ દૂરના-છેવાડાના પ્રદેશો માટે ‘અંતરિયાળ વિસ્તાર’ એ પ્રયોગ એટલો ચલણી બની ગયો છે કે હવે એ અર્થ સાચો લાગે અને અસલી અર્થને ક્યાંક ખૂણામાં શોધવો પડે.

કેટલાક શબ્દોના ખરા અર્થ વિવિધ છાવણીઓનાં સ્વાર્થ-સગવડ કે એજેન્ડા પ્રમાણે રહેંસાતા, પીંખાતા, વિકૃત થતા રહે છે. જેમ કે, માનવ અધિકાર, બિનસાંપ્રદાયિકતા, રેશનાલિઝમ, બૌદ્ધિકો, લોકશાહી...

એક વત્તા એક બરાબર એકવીસ
સરકાર પોતે એક યા બીજા પ્રકારનાં હિસા-દમન-કાનૂનભંગના બનાવોમાં આરોપી હોય, ત્યાં ‘માનવ અધિકાર’નો સરકારી અર્થ થાય છેઃ ‘સરકારનું અહિત ઇચ્છવું’.

ઘણી સરકારો માને છે કે એ પોતે જ દેશ (કે રાજ્ય) છે. કેટલાક સરકારી વડા થોડાં ડગલાં આગળ વધીને એવું માને-મનાવે છે કે ‘હું જ દેશ -કે રાજ્ય- છું.’ (‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ કે ‘મોદી એટલે ગુજરાત’ સિન્ડ્રોમ.) ગોટલો માને કે હું જ કેરી છું- એવી હાસ્યાસ્પદ અને સામાન્ય બુદ્ધિના અપમાન જેવી આ વાત છે. શાસક = સરકાર = રાજ્ય = પ્રજા, એટલે કે શાસક = પ્રજા. આવું તર્કવિકૃત સમીકરણ ચાલતું હોય ત્યાં માનવ અધિકારનો સત્તાવાર અર્થ છેઃ રાજ્યનો કે પ્રજાનો વિરોધ. આ પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ‘માનવ અધિકાર’ શબ્દ પ્રત્યે ભારે સૂગ, ચીડ, તુચ્છકાર અને તિરસ્કારની લાગણી ફેલાવવામાં આવે છે. માનવ અધિકારની વાત કરવી એ જાણે રાજદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ હોય એવું શાસકોના આક્રમક બચાવ પરથી લાગે.

ફક્ત શાસકો જ નહીં, તેમની આંખે જોનારા, તેમના તાલે ડોલનારા અને દેખીતા સ્વાર્થ વિના, કેવળ ‘કરપીણ મુગ્ધતા’ (સૌજન્યઃ જયંતિ દલાલ)ને કારણે શાસકોની ગાડીમાં ચડી બેઠેલા સૌ માનવ અધિકારના ઉલ્લેખમાત્રથી ભડકી ઉઠે છે. પ્રતિક્રિયારૂપે તે શેરીયુદ્ધોની શૈલી-કક્ષાની યાદ અપાવે એ રીતે માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો-પ્રવૃત્તિ સામે બખાળા કાઢે છે- માઇબાપે બાવાની બીક બતાવીને ઉછેરેલું બાળક, બાવાના ઉલ્લેખમાત્રથી ભેંકડો તાણે એ રીતે.

જુદાં જુદાં સમજણ, આશય, હેતુ અને કક્ષાથી માનવ અધિકારની વાત કરનાર સૌને એક જ લાકડીએ હાંકવાં, તેમની પ્રવૃત્તિ સામે દ્વેષ ફેલાવવો અને ‘માનવ અધિકાર’ને દેશદ્રોહ સમકક્ષ ખરાબ શબ્દ બનાવી દેવો, એ શાસકો તથા તેમની ‘ટોળકી’ (સૌજન્યઃ ગુજરાતના મુખ્ય મંત્રી)નું એક જીવનકાર્ય બની જાય છે.

ક્યાં હતા? ક્યાં છો?
માનવ અધિકારનું કામ કરનાર વ્યકિત-સંસ્થાઓના પક્ષે ઘણા પ્રશ્નો હોય છે. ડોક્ટર, વકીલ, અઘ્યાપક કે પત્રકારની જેમ માનવ અધિકારનું કામ કરતા લોકોમાં પણ સારા, મઘ્યમ અને ખરાબ પ્રકાર હોય છે. બીજાં ક્ષેત્રોની જેમ ત્યાં પણ સારાનું પ્રમાણ ઓછું હોય છે. માનવ અધિકારનું કામ કરનારા સામેના મુખ્ય આરોપ છેઃ ન હોય ત્યાંથી માનવ અધિકારના મુદ્દા ઉભા કરવા, મુદ્દાને તેના આખરી અંજામ સુધી પહોંચાડવાને બદલે એ કામમાંથી પોતાની ખીચડી (કે ખીર) પકાવતા રહેવું, પોતે ઉપાડેલા મુદ્દાને ગાજતો રાખવા માટે સાધનશુદ્ધિની દરકાર રાખવી નહીં- કોઇ પણ હદનું જૂઠાણું બોલતાં-આચરતાં અચકાવું નહીં, વિદેશી ભંડોળના જોરે રૂપિયાના ઘુમાડા કરવા, આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ-પ્રશંસા-ભંડોળ મેળવવા માટે પોતાના રાજ્ય-દેશનું ભૂંડું બોલવું, હંમેશાં લધુમતી (મુસ્લિમો-દલિતો-આદિવાસીઓ વગેરે)નું ઉપરાણું લેવું, માનવ અધિકારના બહાને વિકાસકાર્યોમાં રોડાં નાખવાં...

આરોપોની યાદી પર નજર નાખતાં જણાશે કે છેલ્લા બે આરોપ મુખ્ય અને સૌથી મહત્ત્વના છે. એ બન્ને બાબતો અંગે અસંતોષને કારણે બાકીના મુદ્દા છે એના કરતાં વધારે આંખે ચડે છે. લધુમતી અને ‘વિકાસ’ અંગે સમાજના સરેરાશ બોલકા વર્ગના મનમાં પૂર્વગ્રહની ફળદ્રુપ ભૂમિ તૈયાર હોય છે. શાસકીય કુપ્રચારનાં બીજથી એ ભૂમિમાં લૂમઝૂમ ફસલ લહેરાવા લાગે છે.

ઉદાહરણ તરીકે, બનાવટી એન્કાઉન્ટરમાં માર્‌ર્યા ગયેલા કે કોમી હંિસાનો ભોગ બનેલા મુસ્લિમોને ન્યાય મળવો જોઇએ, એવું કહેનારા વિશે અસંતોષ ફેલાવવામાં સરકારને બહુ મહેનત કરવી પડતી નથી. ‘કાશ્મીર વખતે તમે ક્યાં હતા?’ કે ‘દિલ્હીના શીખસંહાર વખતે તમે ક્યાં હતા?’ એવા સવાલ, જવાબની રાહ જોયા વિના વંિઝ્‌યે રાખનારાં ધાડાં તૈયાર હોય છે. એમને પૂછી શકાતું નથી કે ‘માનવ અધિકારની વાત કરનારા કાશ્મીર અને દિલ્હીમાં પણ સક્રિય હતા. એમને કામ કરતા જોવા માટે તમે ક્યાં હતા?’- અથવા પોતાનાં પોત ઢાંકવા જેમણે તેમને આવા સવાલ શીખવ્યા-ગોખાવ્યા છે, એવા નેતાઓના ધાડાં કદી પૂછતાં નથી કે ‘બીજાની વાત છોડો? કાશ્મીર-દિલ્હીમાં તમે ક્યાં હતા? અને તમે એ મુદ્દાના જોરે મત ઉઘરાવવા સિવાય, તેમને ન્યાય અપાવવા બીજું શું કર્યું?’

દલિતોના માનવ અધિકારની વાત આવે ત્યારે સરેરાશ બિનદલિતો ઉપરાંત પહોંચતા-પામતા વર્ગના દલિતો પણ નાકનું ટીચકું ચડાવે છે. પોતાની માનસિકતા છૂપાવવા માટે આ સૌ દલિતોના અધિકારની વાત કરનાર પર જાતજાતના આરોપ મૂકે છે. ‘હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?’ અને ‘દલિતો ભણશે એટલે આપોઆપ બઘું બદલાઇ જશે’ એવો આભાસ પંપાળતા લોકોમાંથી ઘણામાં દલિત અધિકારની કામગીરી વિશેનો અણગમો એટલો સાહજિક હોય છે કે તેમને અણગમો વ્યક્ત કર્યાની સભાનતા સુદ્ધાં રહેતી નથી.

‘વિકાસ’ની વાત આવે ત્યારે તેનાથી પીડિત-તેનાં સારાં પરિણામથી વંચિત એવા લોકોને પોતાના હક માટે સરકાર સામે ઉભા કરવાના કિસ્સા વધી રહ્યા છે. સરકારો પ્રજાકીય હકની ચળવળોને ‘વિકાસવિરોધી’ તરીકે ખપાવી દે એટલે થયું. સમાજના બોલકા બહુમતી વર્ગમાંથી મોટા ભાગના લોકો એ ચળવળથી વિમુખ રહે છે અથવા સરકારી પ્રચારના ચશ્માથી તેને જુએ છે.

ખોળામાં માથું નહીં, હાથમાં હાથ
એનો અર્થ એવો બિલકુલ નથી કે માનવ અધિકારનું કામ કરનાર લોકો-સંસ્થાઓનાં હંમેશાં અને બિનશરતી વખાણ થવાં જોઇએ અથવા તેમની ટીકા ન કરવી જોઇએ. ઉલટું, માનવ અધિકારના મુદ્દે કામ કરતી સંસ્થાઓને અઘરા પ્રશ્નો પૂછવાનું, તેમની પાસેથી જવાબો માગવાનું અને તેમના ભટકાવને અંકુશમાં રાખવાનું કામ સમાજના જાગ્રત નાગરિકો તથા નાગરિક સંગઠનોનું છે. એ તેમનો હક પણ છે અને ફરજ પણ. યાદ એટલું રાખવાનું કે આ કામ શાસકોના ખોળામાં બેસીને, શાસકોના આશીર્વાદથી કે તેમનાં હિત જાળવવા માટે કરવાનું ન હોય. સમાજે-નાગરિકોએ સરકાર અને માનવ અધિકાર સંગઠનો બન્નેને ઉત્તરદાયી રાખવાનાં છે, પણ સરકારો-શાસકો પ્રત્યે વિશેષ કડકાઇ જાળવવાની રહે છે. કારણ કે તેમની પાસે ખોટું કરવાની વ્યાપક સત્તા હોય છે.

નાગરિક સમાજ આંખ મીંચીને કોઇના ખોળે બેસી શકે નહીં. માનવ અધિકાર સંગઠનોના ખોળે પણ નહીં. પ્રજાહિતમાં સરકાર પર દબાણ રાખવા માટે નાગરિક સમાજે માનવ અધિકાર સંગઠનો સાથે હાથ મિલાવવા પડે, પણ હાથ મિલાવવા અને ખોળે બેસવા વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી લેવો જોઇએ.

માનવ અધિકારની કે ‘વિકાસ’કાર્યોને લગતી ઝુંબેશ ઘણી વાર આત્યંતિક વલણ ધરાવતી લાગે, ત્યારે ઝુંબેશને છેહ દઇને સામી પાટલીએ, સરકારના ખોળે બેસી જવાને બદલે, ચોક્કસ મુદ્દા પર વિરોધ ઉભો રાખીને બાકીના મોટા ભાગના વાજબી મુદ્દે ઝુંબેશને ટેકો આપવો,એ નાગરિક સમાજનો તકાદો છે. નર્મદા બચાવ આંદોલન સહિત અનેક ઝુંબેશો આત્યંતિક માગણીઓ માટે વગોવાઇ છે. ગુજરાતની કોમી હંિસા પછી પીડિતો માટે ન્યાય મેળવવાની લડત પણ બેદાગ રહી શકી નથી. તેની ટીકા ચોક્કસ કરીએ, પણ એટલું મનમાં રાખીને કે આટઆટલાં દબાણ પછી પણ સરકાર આ હદે નામકર જતી હોય, ન્યાયપ્રક્રિયામાં શક્ય એટલાં રોડાં નાખતી હોય અને વિસ્થાપિતોને ફરિયાદના મોકા પૂરા પાડતી હોય, તો કોઇ દબાણની ગેરહાજરીમાં તે કેટલી આપખુદ અને બેકાબૂ બને?

એટલે જ, માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો વિશે શાસકો કે તેમના ટેકેદારો ટીકા કરે ત્યારે, એમાં સચ્ચાઇનો અંશ હોય તો પણ એ તેમના મોઢે શોભતી નથી. જાણે, દલપતરામની કવિતામાં આવતું ઉંટ બીજાં પ્રાણીઓની ટીકા કરતું હોય એવું લાગે છેઃ અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.

ઓસામા અને માનવ અધિકાર
પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને ઠાર મારવાની અમેરિકી કાર્યવાહીના પગલે ફરી એક વાર માનવ અધિકાર ચર્ચામાં છે. ‘ઓસામાના માનવ અધિકારનું શું?’ એવો સવાલ ક્યાંક પૂછાયો છે. એના કરતાં અનેક ગણા વધારે ઉત્સાહથી ‘ગુજરાતનાં એન્કાઉન્ટરો વખતે માનવ અધિકારોની વાત કરનારા ક્યાં ગયા?’ એવા સવાલ રાબેતા મુજબ ઉછળ્યા છે.

માનવ અધિકારની પ્રવૃત્તિ પ્રત્યેનો રાગદ્વેષ બાજુ પર રાખીએ તો કેટલાક મુદ્દા સ્પષ્ટ રીતે જોઇ શકાયઃ અનેક નિર્દોષોની હત્યાનાં સફળ કાવતરાં કરનાર ત્રાસવાદી ઓસામાએ પોતાના ભયંકર ગુના જાહેરમાં અને ગૌરવભેર સ્વીકાર્યા છે. માનવ અધિકારના નામે તેને જરાસરખી પણ તક આપવામાં આવે અને એ જીવતો છટકી જાય, તો અનેક નિર્દોષોની જિદગી માટે તે જોખમરૂપ બની શકે. વળી, ઓસામા છૂટોછવાયો, સોપારી લઇને ખૂન કરનારો ગુંડો નહીં, પણ અલ-કાઇદા જેવી સંસ્થાનો વડો હતો. તેના મોતથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ ભલે ન થાય, પણ તેને સારો એવો ફટકો પડે. આ બાબતો ઘ્યાનમાં રાખતાં, ઓસામાને ઠાર મારવાનો કેસ એકદમ મજબૂત હતો. એવો જ મજબૂત કેસ મુંબઇ પર હુમલો કરનાર કસાબનો કહી શકાય. કસાબ મુંબઇમાં ફરતો હતો ત્યારે કોઇ પોલીસે તેને વીંધી નાખ્યો હોત તો કોઇ માનવ અધિકારવાળાએ તેનો વાંધો ન લીધો હોત. કસાબને માનવ અધિકારવાળાના કહેવાથી નહીં, પણ તેની પાસેથી કાવતરાની વઘુ માહિતી મેળવવા અને પાકિસ્તાનને ભીંસમાં આણવા જીવતો રાખવામાં આવ્યો છે, એ સહેલાઇથી ભૂલી જવાય છે.

ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી, ગુંડા અને ત્રાસવાદી વચ્ચેનો, પોલીસઆશ્રિત ગુંડા અને ‘સ્વતંત્ર’ ગુંડા વચ્ચેનો તફાવત સમજવો, રાજકીય નેતાઓના ઇશારે કે ઇશારા વિના પોલીસ કાયદો હાથમાં લે તેનો વિરોધ કરવો અને સાબીત થયેલી-થયા વગરની, નાની-મોટી બધા પ્રકારની ગુંડાગીરી માટે એક જ સજા-મોતની સજા- ન હોઇ શકે એ સ્વીકારવું...આ વાત માનવ અધિકારની છે કે સામાન્ય બુદ્ધિની?

બાકી, અમેરિકાની કાર્યવાહી પરથી ધડો લેવા તલપાપડ લોકો માટે બીજો પણ એક બોધ રાહ જુએ છેઃ સોરાબુદ્દીન કરતાં સાવ જુદી જ કક્ષાના, અનેક ગણા મોટા અને ત્રાસવાદની ધરી જેવા ઓસામાને તેના ઘરમાં ઠાર કરતી વખતે, તેની પત્નીની હાલત કૌસરબી જેવી કરવામાં આવી નથી. તેને જીવતી રાખવામાં આવી છે.

શું કરીશું? બોધ લેવો છે? કે જવા દઇએ?

17 comments:

 1. Very Very relevant article! બે સવાલ આપણે આપણી જાતને કરવા જેવા હોય છે. એક, જો આપણે 'માનવ અધિકારો'માં ન માનતા હોઈએ તો શેમાં માનીએ છીએ? શું આપણી પાસે ન્યાય-અપાવી શકે અને અન્યાયની સામે લડત આપી શકે તેવો માનવ-અધિકારથી મજબૂત બીજો કોઈ વિચાર છે? ભારતીયો પર વિદેશમાં કે બીજા કોઈ પણ પરિપેક્ષમાં હુમલા થાય ત્યારે આપણે તેને માનવ-અધિકારના ભંગ તરીકે જ તેનો વ્યાપક વિરોધ કરી શકીએ છીએ. બીજો સવાલ બહુ સીધો છે. શું આપણે પ્રજા છીએ કે નાગરીકો છીએ? જો નાગરીકો હોઈએ તો 'નાગરિક' બનતા આવડવું જોઈએ અને પછી નાગરિકશાસ્ત્રમાં આવે તેવા અઘરા પણ - ભારતનું બંધારણ, આંતર-રાષ્ટ્રીય માનવ અધિકારો જેવા વિષયો વિષે ખબર હોવી જોઈએ. તેથી આપણે આપના રાજ્ય-કર્તાઓને (ના ના, આપણા પ્રતિનિધીઓને) તેમની યાદ આપાવી શકીએ.

  ReplyDelete
 2. Anonymous5:28:00 PM

  Wah! Khub saras, Saachi bhavanathi lakhayelun ane saacha tarkthi rajoo thayelun lakhan.

  Sukumar M. Trivedi

  ReplyDelete
 3. Very good article... Pan dil thi kahu to Sohrabbudin/Koshrbi/Tulsi Prajapati koi normal manaso pan nota ke emnu police lottary kadhe ne encounter kari aave..

  koi bais vian kahu to Chhota rajan hoi ke daud hoi ene patavi devama j shanpan chhe(dam ane pakadi sakvani takat hoi to)... baki court ma case sudhi layi gaya to Tax na paisa thi jalsa kare..(e.g. Kasab haju Upma ne batta pauva roj zapte chhe... kona baap ni diwali)

  chhata bahu moto issue chhe...article vichar karta kari muke evo chhe..

  ReplyDelete
 4. Urvish, you have consistently amazed me with the clarity you bring to your pieces. The highest accolade I can give you is by citing the line from Tagore's immortal verse: "...where the clear stream of reason has not lost its way in the dreary desert sand of dead habit..." Bravo Urvish!

  ReplyDelete
 5. ઉર્વીશભાઈ,
  તમારા અસત્યો ની તો હવે હદ થાય છે!
  ૧. ઓસામા ની સાથે એક સ્ત્રીને પણ મારી નાખવામાં આવી હતી (http://www.bbc.co.uk/news/world-south-asia-13257330) !!! તો સોહરાબુદ્દીન ની પત્ની કોઈ દેશપ્રેમી હતી?!!! ઓસામાને ઘણી પત્નીઓ હતી અને માહિતી કઢાવવા માટે કોઈક ને જીવતી પણ રાખવી પડે. યાદ કરો, ઓબામાએ સામે ચાલી ને ન્યુઝ આપ્યા કે અમે ઓસામા ને મારી નાખ્યો છે! અહિયાં તો કોઈ હથિયાર લઇને રાજયમાં ઘૂસતું હોય એને મારી નાખતા પોલીસ અફસર ને પણ માનવ-અધિકાર વાળાઓ જેલમાં નાખવાની રોકકળ કરતા હોય છે.
  ૨. તીસ્તા સેતલવાડએ ફરિયાદીઓ પાસે ખોટી અરજીઓ લખાવી હતી એ તો એના સાગરીતોએ પણ કોર્ટ માં કબુલ્યું છે. આ વસ્તુ તમે 'ભૂલી ગયા' લાગો છો.
  ૩. લોકો માનવ-અધિકારવાળાઓ ને 'તમે ક્યાં હતા' એ જ પ્રશ્નો નથી પુછતા પણ 'તમે ક્યાં છો' એ પ્રશ્ન પણ પૂછે છે! અત્યારે કાશ્મીરી પંડિતો પણ દુખ ભોગવી રહ્યા છે જયારે તમે ગુજરાતમાં આવી ને તમારા ઢોલ વગાડી રહ્યા છો. જેટલા સમાચાર/વ્યુસ કે તમારા જેવા બ્લોગ ગુજરાતના રમખાણો પર લખાય છે એનાથી ફક્ત નગણ્ય સમાચાર/વ્યુસ કે બ્લોગ કાશ્મીરી પંડિતો કે શીખ-અત્યાચાર પર લખાય છે. સરખામણી 'contempory comparison' પણ છે!

  આવા લોકો ને સામાન્ય લોકો દાનવ-અધિકાર વાળા ઓ એમનેમ નથી કહેતા!
  તમે થોડું રીસર્ચ કરીને લખ્યું હોત તો આવું અપમાન નાં સહન કરવું પડત!
  નિર્મિશ

  ReplyDelete
 6. ભાઇ 'નિર્મિશ'
  બે વાત સમજી લો.
  1) નામો બદલીને એકની એક વાતો લખવાથી- મનનો બગાડ ઠાલવવાથી હકીકત બદલાઇ જતી નથી.
  2) 'રીસર્ચ'ના ઉપદેશો આપતાં પહેલાં થોડું અંગ્રેજી- અને પછી બને તો થોડું ગુજરાતી વાંચતાં શીખો. માનવ અધિકારનું કામ કરનારાના પ્રશ્નો વિશે લેખમાં ગુજરાતી ભાષામાં લખેલું છે. તમારા જેવાઓને એ ન વંચાતું હોય તો તમારા પેલા ચશ્મા ઉતારીને વાંચજો.
  - અને તમારી પેલી બીબીસીની લિન્ક- તમારી જાતને મૂરખ અને દ્વેષી સાબીત કરવાની આટલી ઉતાવળ શા માટે? તમે આપેલી લિન્કમાંથી જ હું અહીં વાક્યો ટાંકું છું. અંગ્રેજી આવડતું હોય એવા કોઇ માણસ પાસે વંચાવી લેજો.
  -On the second floor US commandos find Osama Bin Laden in a room with his wife. She is shot in the leg. Bin Laden, who is unarmed, is shot twice and killed.
  - "A woman... Bin Laden's wife, rushed the US assaulter and was shot in the leg but not killed.
  -The woman shot in the leg was believed to be Bin Laden's fourth wife, Amal al-Ahmed Sadah from Yemen, Mr Carney said.
  -Three of Bin Laden's wives, including Amal al-Ahmed Sadah, were detained, he said.
  - અને હવે આ બ્લોગ પર કમેન્ટ લખવી-પ્રકાશિત કરાવવી હોય તો સાચા નામે લખવાની હિંમત રાખજો.

  ReplyDelete
 7. ઉર્વિશભાઇ, આ લેખ પણ આપના બીજા લેખોની માફક ‘સાચો’ અને ‘સારો’ જ છે.

  જો કે ‘માનવ-અધિકાર’ વાળાઓ જેટલી સ્ફુર્તિ અને અધિરાઇ લઘુમતીઓ ના માનવ અધિકારો માટે બતાવે છે એની 50% પણ બીજાઓ માટે નથી બતાવતા. ગુજરાત નો જ દાખલો લઇએ તો પોસ્ટ-ગોધરા રમખાણોમા મુસ્લીમોને વધુ નુકશાન ( એ કેવી રીતે અને શુ કામ થયુ એનુ પિષ્ટ-પિંજણ બહુ થઇ ગયુ છે માટે એની ચર્ચા કરવાની જરુર નથી) થતા જ માનવ-અધિકારવાળઓ અને કેટલીક ન્યુઝ ચેનલોને પેટ્મા શુળ ઉપડ્યુ. ગુજરાતમા આ પહેલા પણ કોમી રમખાણો અસંખ્ય વાર થયા હતા. પણ સામન્ય રીતે એ રમખાણોમા બિન-મુસ્લીમ ( હિંદુ લખીશ તો મને ‘સાંપ્રદાયિક’ ગણવામા આવશે! આ પણ એક અદભુત વ્યવસ્થા છે આ દેશ મા. જો તમે બહુમતિની સાથે સાચી રીતે પણ હો, તો પણ તમે સાંપ્રદાયિક છો, પરંતુ જો તમે લઘુમતિ ને આંધળો સપોર્ટ પણ કરતા હો તો પણ તમે બિન- સાંપ્રદાયિક છો.) સમુદાયને વધુ નુકશાન થતુ હોવાથી માનવ-અધિકાર વાળાઓને કોઇ તકલીફ નહોતી. અરે, પોસ્ટ-ગોધરા રમખાણોમા પણ શું બિન-મુસ્લીમોને કશુ જ નુકશાન નથી થયુ? તેમના માનવ-અધિકારો નુ શું? ‘મેરા ખુન ખુન ઔર તેરા ખુન પાની......” ખેર, જવા દો. કારણ કે માનવ-અધિકાર સંસ્થાઓમા પણ ‘માણસો’ જ બેઠા છે. એ પણ ‘સરકાર’નુ નમક ખાતા હોવાથી ‘સરકાર’ની ‘પોલિસી’ને ‘ફોલો’ થવુ પડે છે.
  બીજી વાત, શા માટે લાદેનની પત્નીને કૌશરબીની મફક મારી નાખવામા ન આવી. વ્યક્તીગત રીતે હુ પણ કૌશરબીની હત્યાનો વિરોધ કરુ છુ, પરંતુ બન્ને પરિસ્થિતી મા ઘણો જ તફાવત હતો . (1) લાદેનની હત્યા અમેરીકન નેવી-સીલના કમાંડોએ કરી હતી, જ્યારે સોહરાબુદીનના એન્કાઉંટર કરનારાઓ ગુજરાત પોલીસના અધિકારીઓ હતા. બન્નેની તાલીમ, કુશળતા, માનસિક ક્ષમતા અને તેઓની બદલી-બઢતીમા થતા રાજકિય હસ્તક્ષેપની (હા, વેતનની પણ) સરખામણી કરી ન શકાય. (2) એન્કાઉંટર સાચુ હતુ કે ખોટુ એ વાત બાજુ પર રાખી દઇએ તો પણ, કૌશરબીની એક જ ફરીયાદથી આ અધિકારીઓ સામે ગુંનો દાખલ થઇ જાત ( આ કેસમા તો માનવ-અધિકાર વાળાઓ પણ કુદી પડત!) જ્યારે લાદેનની પત્નીની ફરિયાદ દુનીયાની કઇ કોર્ટ લેશે? માટે ઓબામા કે નેવી-સીલના કમાંડો માટે એ જીવે કે મરે, કોઇ ફરક નથી પડતો. ઉલટાની એને જીવતી રાખીને અમેરીકાએ શાબાશી મેળવી છે અને બે કાર્તુસ બચાવ્યા છે!

  એક વાત હુ ફરી કહીશ કે માનવ-અધિકાર સંસ્થાઓ એ તમના અધિકારોનો માનવ તરિકે નિપક્ષ ઉપયોગ કરવાની જરુર છે.

  ReplyDelete
 8. ભાઇ નિર્મિશ શાહ

  મારાં ફક્ત આ નહીં, આગળનાં અને બીજાં લખાણો વિશેનો તમારો દ્વેષ છુપ્યો છૂપાતો નથી. એટલે, મને સૂફિયાણી સલાહો કે બાળબોધી પડકારો આપીને તમે કદાચ બહાદુરીનો આનંદ લેતા હશો, પણ હું તમારી છટપટાહટની દયા ખાઉં છું.

  મારી તટસ્થતા પુરવાર કરવા મારે તમારી કચરાપેટીને લાયક કમેન્ટને પબ્લિશ કરવાની જરૂર નથી, એટલું તમે સમજી રાખજો અને આ વાત ભવિષ્યમાં બીજા કોઇ નામે તમને લખવાનું મન થાય ત્યારે પણ લાગુ પડશે એટલું યાદ રાખજો.

  ReplyDelete
 9. વિચારવુ પડે તેવી વાતો છે,આ બ્લોગ મા,

  ReplyDelete
 10. Darshit Goswami5:08:00 PM

  ઉર્વિશભાઇ :
  મને ખબર તો નથી કે નિર્મિશભાઇ શાહ કોણ છે અને એમની કઈ કમેન્ટ તમે રોકી.
  પણ આવી સંચારબંધી નું કોઇ કારણ ખરું? આપે જે લખવાનું હતુ તે લખ્યું, એ આપનુ અંગત મંતવ્ય હોઇ શકે. સહમત હોવું ના હોવું એ સામે વાળા ઉપર છોડી દો.

  કોઇ ને તમારા કોઇ મુદ્દા થી અસહમતી હોય તો તેને દર્શાવવા નો પૂરો હક્ક છે. અથવા તો તમે એવું લખી નાખો કે તમે મારી આ વાત સાથે સહમત હોવ તો અને તોજ તમારે અહિં કમેન્ટ કરવી.

  આપના જવાબ પછી આપના આર્ટિકલ ઉપર કમેન્ટ કરિશ.

  આભાર...

  ReplyDelete
 11. દર્શિતભાઇ, ‘સંચારબંધી’ જેવા શબ્દો આમ છૂટા ફેંકતાં પહેલાં તમને નથી લાગતું કે તમારે જરા વિચારવું જોઇએ? અને આગળપાછળની બીજી પણ કમેન્ટ જોવી જોઇએ?

  આ બ્લોગ પર ચર્ચાને કે ધોરણસરના અભિપ્રાયભેદને સ્થાન હોઇ શકે. નકરા આક્ષેપાત્મક અભિપ્રાયોને નહીં. દ્વેષ છલકાતા અભિપ્રાયો અને અસંમતિ વચ્ચેનો ફરક તમારે સમજવો રહ્યો.

  ReplyDelete
 12. Darshit Goswami10:18:00 AM

  ઉર્વિશભાઇ:
  આપને ઘણાં સમય થી વાંચતો આવ્યો છું નિયમિત રીતે. આપના પ્રત્યે ખુબ આદરભાવ છે.

  જે દ્વેષ ની આપ વાત કરો છો. જો આર્ટીકલ લખવામાં દ્વેષભાવ રખાયો હોય તો ? અહિં આપના આર્ટીકલમાં હું હર હંમેશ ગુજરાત સરકાર પ્રેત્યે આપની સુગ જોઇ શકું છું. હું એવું નથી માનતો કે ગુજરાત સરકાર જે કરે છે તે બધુ સારું જ છે પરંતુ બધુંજ ખરાબ છે તે ચિતરવું પણ કેટલું યોગ્ય છે.
  ઉપર નવીનભાઇ એ લખેલી વાતો થી હું સહમત છું. સરકાર જો રીએક્ટીવ બને તો આપણે સરકાર ના ગુપ્તચર તંત્ર ને ભાંડીએ છીએ. રાજીનામા પણ માગી લઈએ છીએ. અને સરકાર જો પ્રોએક્ટીવ બને તો આપણે તેના પર માનવ અધિકાર નાં નામે ચરી ખાતાં ભૂંડો ને લગાડી દઈએ છીએ.
  શું આપણે રાહ જોવાની કે સોહરાબુદ્દિન જેવો વ્યક્તિ ગુજરાત માં કોઇ કાંડ કરી જાય પછી તેને પકડી ને જેલ માં નાખવો. એ કોઇ દૂધ નો ધોયેલો તો નહોતો જ મોટાભાઇ.
  આ કોઇ પર્સનલ એટેક ના સમજશો પણ બ્લોગ પર લખવું, ફ઼ેસબૂક કે છાપા માં લખવું તેનાં કરતાં સરકાર ચલાવવી અઘરું કામ છે. અન્ય રાજ્યો ની સરખામણીમાં ગુજરાત એકંદરે વિકાસ ના માર્ગ પર અને શાંતિપ્રિય રાજ્ય છે. આપને સરકાર ની ચાપલુસી કરો એવું તો બિલકુલ નથી કહેતો પણ સરકાર ની સાથે જે લોકો ભૂંડા છે એમને ભૂંડા પણ તટશ્થ રીતે ચિતરો એવી અપેક્ષા સહ...
  દર્શિત ગોસ્વામી.

  ReplyDelete
 13. Good article. Agree with what you said. It is a different thing that politicians will use twisted word with twisted meaning and another thing when celebrated columnists start using words in such sense.
  overall I feel to-the-point discussion of issues has disappeared. The moment someone says something around these issues, it becomes you-versus-me affair. I've always felt we Gujaratis are more emotional than cerebral. :-(

  ReplyDelete
 14. દર્શિતભાઇ
  મને ઘણા સમયથી વાંચતા હો તો તમને એટલી ખાતરી હોવી જોઇએ- અને ન થઇ હોય તો હવે એ રાખજો- કે ‘પર્સનલ એટેક’ અને ‘ચર્ચા’ વચ્ચેનો તફાવત હું સમજું છું. (એ નહીં સમજનારા ફુગ્ગા ટાંકણીની બીકે નામ બદલીને આક્ષેપબાજી કરે છે)

  મારા મુદ્દાઃ

  ૧) સોરાબુદ્દીન વિશે અગાઉ હું વિગતવાર અને મુદ્દાસર લખી ગયો છું. એ અંગે જનરલાઇઝેશનથી વાત કરવાને બદલે, બ્લોગ પરથી એ લેખ સર્ચ કરીને વાંચશો તો ઠીક રહેશે.

  ૨) હું માનું છું કે પત્રકારનો ધર્મ સરકારો વિશે સાશંક નજરે જોવાનો છે. સરકારો જે સારું કરે છે તેનાં ઢોલનગારાં વગાડવા માટે આખા વિભાગો, માહિતીખાતું અને તેમના અનેક પાળીતાઓ સક્રિય હોય છે. મારા આ મત સાથે તમે અસંમત હોઇ શકો, પણ મારો આ મત રાખવાનો અધિકાર તમારે સ્વીકારવો રહ્યો.

  તેમાં ઉમેરો એટલો કે અહીં જ્યારે સરકારની વાત કરું છું ત્યારે તેમાં કોઇ પક્ષવિશેષની વાત આવતી નથી. હા, ગુજરાતમાં રહું છું અને ગુજરાતી છું, એટલે ગુજરાત વિશે સ્વાભાવિક રીતે જ વધારે લખવાનું થાય. પણ અગાઉ તમે કેન્દ્રસરકાર વિશે કે તેમનાં પરાક્રમો વિશે પણ મારી કોલમોમાં વાંચ્યું જ હશે.

  ૩)સરકાર ચલાવવી અને કોલમ લખવી એ વચ્ચેનો તફાવત સમજાવવાની જરૂર ન જ હોય. આ તો એવી વાત થઇ કે હું તમને કહું, ‘દર્શિતભાઇ, બ્લોગ પર કમેન્ટો લખવી ને કોલમ લખવી બન્ને બહુ જુદી વાત છે.’ કેમ જાણે, તમે કોલમ નથી લખતા એટલે તમારા પોતાના અભિપ્રાય જ ન હોઇ શકે! હું આવું નથી માનતો. એટલે જ આપણે વાત કરી રહ્યા છીએ.

  મારું કામ સરકાર ચલાવવાનું નથી. એટલે મારે એ શીખવાની જરૂર નથી અને એ મને આવડે એવી તમારી અપેક્ષા પણ ન હોવી જોઇએ. મારું કામ મુદ્દા ઉભા કરવાનું, એના વિશે ચર્ચા કરવાનું અને હઇસો હઇસો ચાલતું હોય તેના ઘોંઘાટ અને ઝાકઝમાળથી દૂર હટીને શાંત ચિત્તે વિચાર કરવાનું છે. એ હું યથાશક્તિ કરું છું અને કરતો રહીશ.

  છેલ્લે એટલું જ કહું કે ગુજરાત ૧૯૬૦થી વિકાસના માર્ગ પર અને ‘શાંતિપ્રિય’ રાજ્ય છે. એના માટે કોઇ વ્યક્તિવિશેષને ‘ઉદ્ધારક’નું માન આપવાનું મને મંજૂર નથી.

  ReplyDelete
 15. વિશ્વ ના કોઈ પણ દેશ કે રાજ્યના સત્તાધીશો ની ખફગી વહોરી લઈને પણ માનવ અધિકાર માટે ચળવળો ચલાવતા સાચા સંગઠનો બેશક સલામ ને પાત્ર છે. કોઈ પણ દેખીતા કારણ વગર તેમને અને તેમના ઉમદા કાર્યો ને ભાંડતા લોકો એક વાત નોંધી રાખે કે માનવ અધિકાર ના હનન ને લગતા કોઈ પણ બનાવો તેમની સાથે કે તેમના પરિવાર સાથે બને તો તેમની પડખે આ જ સંગઠનો ઉભા રેહવાના છે, આ રીત ના બોગસ એન્કાઉન્ટર નો કિસ્સો તેમના પરિવાર સાથે બને , કે રાજકીય અત્યાચાર કે અન્યાયી હેરાનગતિ વખતે જયારે એમની ......નીચે રેલો આવે ત્યારે એક લાચાર શોષિત તરીકે ની તેમની પીપુડી ગર્વિષ્ઠ સરકારો સંભાળવાની નથી, એ વખતે હ્યુમન રાઈટ સંસ્થાઓ જ કામમાં આવવાની છે. આદિકાળ થી સાહસો અને વેપાર ધંધા માટે સાત સમંદરો ખુંદી નાખતા ગુજરાતીઓ જન્મજાત મર્દ પ્રજા છે જ, " ગુજરાત ૧૯૬૦થી વિકાસના માર્ગ પર અને ‘શાંતિપ્રિય’ રાજ્ય છે. એના માટે કોઇ વ્યક્તિવિશેષને ‘ઉદ્ધારક’નું માન આપવાનું મને મંજૂર નથી. "ઉર્વીશભાઈ તમારી આ વાત સાથે હું ૧૦૧ ટકા સહમત છું

  ReplyDelete
 16. ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો,૧૯૯૩ પસાર કરવામાં આવ્યો છે.તે ધારા અન્વયે એક રાષ્ટ્રિય માનવ રક્ષણ પંચ રચાયુ છે.

  * આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂર તપાસ કરવાની સત્તા ધરાવે છે.

  * કેન્દ્ર/રાજયોનાં બધા જ તંત્રોએ પંચને મદદરૂપ થવાનું હોય છે.

  * રાજય સરકારો રાજયો માટે માનવ અધિકાર કોર્ટૉની અલગ રચના કરી શકે છે.

  પ્રવર વર્તમાન કાયદાઆંતરરાષ્ટ્રિય સંધિઓના અલ માટે પંચ માનવ અધિકારોના સંશોધન /જાગૃતિ/પ્રોત્સાહનની કામગીરી કરી શકે છે.

  રાષ્ટ્રિય પંચના જેવી જ કામગીરી માટે રાજયોનાં આગવા પંચોની રચન થઈ શકે છે.

  સરનામુ :
  ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ
  જૂની વિધાનસભા બીલ્ડીંગ
  સેકટર – ૧૭
  ગાંધીનગર (ગુજરાત)

  રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
  ફરીદકોટ ભવન
  કોપરનીકસ માર્ગ

  નવી દિલ્લી – ૧૧૦૦૦૧
  ભારત
  web site: http://nhrc.nic.in/
  e-mail : sgnhrc@nic.in
  Phone : 91-11-23384856

  આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
  Postal Address:
  Office of the United Nations High Commissioner for Human Rights (OHCHR)
  Palais des Nations
  CH-1211 Geneva 10, Switzerland
  Telephone: +41 22 917 9220

  ReplyDelete
 17. તમે માનવ અધિકારોની સારી વાત કરી.

  એક સવાલ.

  હેડલીના ખુલાસા પછી, ઇશરત જહાં કેસમાં જે પોલીસ અધિકારીઓને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવેલા. આ મુદ્દે તેમના માનવઅધિકારનું હનન ગણાય કે નહીં? શા કારણાથી? જો માનવઅધિકારનું હનન થયેલ હોય તો તેમને શું ન્યાય મળવો જોઇએ?

  ReplyDelete