Sunday, May 22, 2011
ઓસામાને ખતમ કરવાનું ‘ઓપરેશન જરોનિમો’ :અમેરિકાના આદિવાસી હીરોને વિલન ગણવાનો વિવાદ
લંડનની ભૂગર્ભ રેલવેમાં બોમ્બવિસ્ફોટ કરનાર ત્રાસવાદીઓને શોધીને સાફ કરી દેવાની કાર્યવાહીને બ્રિટિશ સૈન્ય ‘ઓપરેશન તાત્યા ટોપે’ જેવું નામ આપે તો?
અથવા ગુજરાતમાં કોઇ સાચા ત્રાસવાદીને પૂરો કરવાના મિશનનું નામ ‘ઓપરેશન જોગીદાસ ખુમાણ’ આપવામાં આવે તો?
ઓસામાનો અંત આણનાર ‘ઓપરેશન જરોનિમો’માં કંઇક એવું જ કાચું કપાયું હોવાના સમાચાર, જીતની ખુશાલીમાં ખૂણે હડસેલાઇ ગયા, પરંતુ અમેરિકાની ‘ઇન્ડિયન’ (રેડ ઇન્ડિયન/આદિવાસી) પ્રજામાંથી કેટલાકે તેમના હીરો જરોનિમોને ઓસામા સાથે સરખાવવા બદલ ખેદ અને રોષની લાગણી વ્યક્ત કરી. વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે એક-દોઢ સદી પહેલાં પોતાની આઝાદી જાળવવા યુદ્ધે ચડેલા જરોનિમો અને બીજા અનેક ‘ઇન્ડિયન’ને અમેરિકા હજુ દુશ્મન ગણે છે- દુશ્મન તરીકે જુએ છે.
લાગણીનું દુભાવું લગભગ લધુઉદ્યોગ બની ચૂક્યો હોય, ત્યારે ‘ઓપરેશન જરોનિમો’ બાબતે અમેરિકાના ઇન્ડિયનની દુભાયેલી લાગણી કદાચ ગળે ન ઉતરે. ‘નામમાં શું બળ્યું છે?’ એવાં ફિલસૂફી વચનો પણ સાંભરે. એ વખતે લેખના આરંભે મૂકેલા બે સવાલ વિશે વિચારી જોવાથી ‘ઇન્ડિયન’ લોકોનો વાંધો કદાચ સમજાય.
આદિવાસી ‘ઇન્ડિયન’ અને અમેરિકન સહિતના ધોળા લોકો વચ્ચેના સંઘર્ષનો લગભગ ચાર સદીનો ઇતિહાસ ‘સુધરેલી’ માનવજાતના ઇતિહાસનાં સૌથી કાળાં પ્રકરણોમાં સ્થાન પામે એવો છે. (ભારતમાં સદીઓથી દલિતો સાથે થયેલા ભયાનક દુર્વ્યવહાર સામે એ ઝાંખો પડી જાય, એ વળી જુદી વાત થઇ.)
ભારત જવા નીકળેલો સ્પેનનો ક્રિસ્ટોફર કોલંબસ ભૂલથી અમેરિકા પહોંચ્યો અને ૧૨ ઓક્ટોબર, ૧૪૯૨ના રોજ સાન સાલ્વાડોરના કિનારે ઉતર્યો, ત્યારથી ધોળા લોકોનાં શરમજનક અને અમાનવીય કારનામાંનો સિલસિલો શરૂ થયો. અમેરિકાની મૂળનિવાસી નિષ્કપટ આદિવાસી પ્રજાએ કોલંબસને મહેમાન ગણીને આવકાર આપ્યો. બદલામાં સ્વાર્થી કોલંબસ મિત્રતાભર્યો વ્યવહાર કરનાર દસ આદિવાસીઓને છેતરીને, તેમનું અપહરણ કરીને પોતાની સાથે સ્પેન લઇ ગયો. ત્યાં આદિવાસીઓને ‘સંસ્કારી માણસ’ બનાવવાના ભાગરૂપે તેમને ખ્રિસ્તી ધર્મમાં દાખલ કરવામાં આવ્યા.
પણ ધોળા લોકોના સંસ્કારના પરચા આદિવાસીઓને ઝડપથી મળવા લાગ્યા. લોભીયા અને ઘાતકી લોકો આવીને આદિવાસીઓની સુખી-સંતોષી જિંદગીને ખેદાનમેદાન કરવા લાગ્યા. કિંમતી ધાતુઓ કે ચીજવસ્તુઓના લોભે ચડી આવવું, જે હાથ લાગે તે ઉશેટી જવું અને પાછળ બચે તેને સળગાવી દેવું- આ હતાં ‘સુધરેલા’ ધોળાઓનાં લક્ષણ. અભ્યાસીઓએ નોંઘ્યું છે કે કોલંબસના આગમનના એક જ દાયકામાં ધોળાઓનાં ધાડાંએ સમૃદ્ધિના લાલસા ખાતર સેંકડો-હજારો નિર્દોષ આદિવાસીઓને બેરહમીથી મોતને ઘાટ ઉતારી દીધા.
સંઘર્ષની, બલ્કે આદિવાસી જાતિઓના માથે આવનારી આફતની, આ શરૂઆત હતી, જેનો અંત ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીના શરૂઆતના ભાગમાં આવ્યો. જરોનિમો (૧૮૨૯-૧૯૦૯) પોતાની સ્વતંત્રતા અને છેવટે અસ્તિત્ત્વ માટે ઝઝૂમનારા છેલ્લા આદિવાસી નાયકોમાંનો એક હતો.
Geronimo
પંડિત સુંદરલાલ લિખિત ‘ભારતમાં અંગ્રેજી રાજ’ના બે દળદાર ભાગ વાંચનાર કોઇ પણ વ્યક્તિને એક જ લાગણી થાયઃ ભારતમાં સામ્રાજ્ય સ્થાપવા અને વિસ્તારવાની અંગ્રેજોની પદ્ધતિ કેટલી સાદી અને એકધારી હતી! પ્રકરણોમાં પાત્રોનાં નામ ભલે જુદાં હોય, પણ દગાફટકા, વિશ્વાસઘાત, જૂઠાં વચનો, ખોટી લાલચ- આ બઘું દરેક પ્રકરણમાં જાણે એકસરખું જ લાગે.
એવી જ લાગણી અમેરિકાના ‘વાઇલ્ડ વેસ્ટ’ તરીકે ઓળખાતા - અને હોલિવુડની ફિલ્મોમાં કાઉબોય કલ્ચરથી જાણીતા બનેલા- પ્રદેશના ઇતિહાસ પર નજર ફેરવતી વખતે થાય. વિશાળ વિસ્તારમાં ફેલાઇને કુદરતના ખોળે સુખેથી જીવતી જુદી જુદી આદિવાસી જાતિઓ, તેમના લડાયક યોદ્ધા અને તેમનાં કુટુંબપરિવારો સાથે અમેરિકાના અફસરોનો વ્યવહાર, ભારતમાં અંગ્રેજોની કુટિલતા કરતાં જરાય જુદો ન હતો. અંગ્રેજો ભારતીયોને અસંસ્કારી અને ગુલામીને લાયક ગણતા હતા. એ રીતે અમેરિકાના ધોળા લોકો પણ મૂળનિવાસી ‘ઇન્ડિયન’ પ્રજાને માણસમાં ગણતા ન હતા.
આદિવાસીઓ સદીઓથી પરંપરાગત રીતે જ્યાં રહેતા હતા, એ જમીન, તેમાંથી મળી આવતી કિમતી ધાતુઓ અને કુદરતી સંપત્તિ- આ બઘું ધોળાઓને સુધરેલા હોવાની રૂએ પોતાની બાપીકી મિલકત જેવું લાગતું હતું. આદિવાસીઓ આ જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેસી ગયા હોય અને તેમને હાંકી કાઢવા એ પરમ ધર્મ કે ઇશ્વરી આદેશ હોય, એવા ઝનૂનથી તેમણે આદિવાસીઓનો સફાયો કરવા માંડ્યો. કોઇ પ્રાણીને મારતાં થાય એટલો ખચકાટ પણ એક આદિવાસીને કે તેના સ્ત્રી-બાળકને મારી નાખતાં મોટા ભાગના ધોળાઓને થતો ન હતો. આદિવાસીઓને જંગલી ગણીને તેમની પર ધોળા લોકોએ કરેલા અત્યાચારની કથની વાંચતાં હૃદય હચમચી ઉઠે અને એક જ સવાલ થાયઃ ઇતિહાસ આ જ હોય, તો ખરેખરા જંગલી કોણ કહેવાય? જંગલમાં રહીને, શાંતિભર્યું જીવન જીવતા આદિવાસીઓ કે ટૂંકા સ્વાર્થ ખાતર તેમને પશુવત્ ગણીને રહેંસી નાખનારા- તેમને ગુલામીભર્યું બંધિયાર જીવન જીવવાની ફરજ પાડનારા ધોળાઓ?
‘ઇન્ડિયન’ લોકો પરના અત્યાચાર વિશે ચાર સદી પછી અને એ પણ ફક્ત વાંચીને દઝારો લાગતો હોય, તો એ વખતે આ પરિસ્થિતિમાંથી પસાર થનારા બહાદુર અને ખુમારીવાળા આદિવાસીઓ કેવી રીતે શાંત રહી શકે? જરોનિમો અને તેની પહેલાં મંગસ કોલોરાડો જેવા અપાચી કબીલાના આદિવાસીઓ સહિત બીજાં અનેક આદિવાસી જૂથોએ અમેરિકા અને મેક્સિકોની સૈનિક ટુકડીઓને હંફાવી. તેમના અફસરોને નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યો અને આદિવાસીઓની આઝાદીની આશા જીવતી રાખી.
ભારતના ૧૮૫૭ના સંગ્રામમાં જેમ કાનપુરમાં થયેલી અંગ્રેજ સ્ત્રી-બાળકો-પુરૂષોની હત્યાને સતત આગળ ધરીને, અંગ્રેજોના અનેક ગણા વધારે પ્રમાણમાં અને વધારે ઘાતકી અત્યાચારોને સંતાડવામાં આવે છે, એવું જ જરોનિમો જેવા અનેક ‘ઇન્ડિયન’ નાયકોના મામલે પણ જોવા મળે છે. અમેરિકનોને મારી નાખનારા ઘાતકી હત્યારા તરીકેની તેમની છબી ઉભી કરવામાં કોઇ કસર છોડવામાં આવી નથી. છતાં, જેમ એ સમયે, તેમ પછીનાં વર્ષોમાં પણ કેટલાક ધોળા લોકોએ આદિવાસીઓને મદદ કરવાના અને તેમના ઇતિહાસની અધિકૃત નોંધ રાખવાના નક્કર પ્રયાસ કર્યા. તેના પરિણામે, આદિવાસીઓનું નિકંદન કાઢી નાખવાની ધોળા લોકોની ક્રૂર કાર્યવાહી વિશે તથા આદિવાસીઓની રહેણીકરણી અને તેમના સંઘર્ષ વિશે અનેક અધિકૃત દસ્તાવેજો અને પુસ્તકો ઉપલબ્ધ બન્યાં છે. માત્ર જરોનિમો વિશે જ ડઝનબંધ પુસ્તકો લખાયાં છે. જરોનિમો તથા અમેરિકાના આદિવાસીઓના સંઘર્ષ અને તેમની અવદશા વિશે દસ્તાવેજી અને ફીચર ફિલ્મો પણ બની છે.
ઓસામાને ખતમ કરવાના ઓપરેશન સાથે જરોનિમોનું નામ સાંકળવાને કારણે વિવાદ થયા પછી કેટલાક ખુલાસા કે સુધારા પણ કરવામાં આવ્યા. એક સ્પષ્ટતા એવી થઇ છે કે આ કાર્યવાહીનું સત્તાવાર નામ ‘ઓપરેશન નેપ્ચુયન સ્પીઅર’ હતું અને જેરોનિમોનું સાંકેતિક નામ ઓસામા માટે નહીં, પણ તેની ધરપકડ કે મૃત્યુ સૂચવવા વપરાયું હતું. અબોટાબાદમાં ઓસામાને ખતમ કર્યા પછી અમેરિકાના કમાન્ડોએ મોકલેલો સાંકેતિક સંદેશો હતોઃ ‘જરોનિમો ઇકેઆઇએ’ (એનીમી કિલ્ડ ઇન એક્શન). ગુંચવાડામાં અટવાયેલી હકીકત જે હોય તે, પણ જરોનિમોના નામોલ્લેખે અમેરિકાના ઇતિહાસની અળખામણી યાદો તાજી કરી દીધી.
જીવનના છેલ્લા બે દાયકાનો મોટો હિસ્સો ‘રિઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં કે જેલમાં ગાળનાર જરોનિમો અને બીજા ‘ઇન્ડિયન’ યોદ્ધાઓની આઝાદી માટેની લોહિયાળ સંઘર્ષકથાના કેટલાક પ્રસંગ આવતા સપ્તાહે.
Labels:
Geronimo,
history/ઇતિહાસ,
us
Subscribe to:
Post Comments (Atom)
પટારા માહેના હાડપિન્જરો બહાર આવે એટલે એની સાથે દુર્વ્યવહારની દુષિત ધુળ પણ આવે..
ReplyDeleteઝેરોનીમોના વારસદારોની માંગ છે કે એની દફનવિધિ એના જ વિસ્તારમાં થવી જોઈએ. એમેએ ખોટી જગ્યાએ દફનાવી દીધા છે! એવું તો થશે કે નહિ એની તો ખબર નથી. પણ થાય તો એને દફનાવ્યા પછી ત્યાં મેઘાણીની પંક્તિ લખવી જોઈએ -
ReplyDeleteએની ભસ્માંકિત ભૂમિ પર રચજો આરસ ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’
ઉર્વીશ ભાઇ,
ReplyDeleteઆભાર. ખુબ અગત્યની માહીતી બદલ