Wednesday, May 11, 2011

હવે દાઉદનું શું થશે?

ઓસામા પર અમેરિકાએ ધડબડાટી બોલાવી એટલે ભારતમાંથી પણ ‘દાઉદનું કંઇક કરવું જોઇએ’ એવી માગણી ઉઠી. તે વ્યાપક સ્વરૂપ પકડે -અને પાછું કોઇ જંતરમંતર પર જઇને ઉપવાસ કરવા બેસી જાય- એ પહેલાં ભારતના નેતાઓની એક સર્વપક્ષીય બેઠક મળે, તો તેમાં કેવી ચર્ચા થાય?
***
નેતા ૧ : આપ સૌને ખ્યાલ હશે, છતાં યાદ કરાવી દઉં કે આપણે કોઇ કૌભાંડની ચર્ચા માટે ભેગા થયા નથી. આ ઓલ પાર્ટી મિટિગ એક ટોપ સિક્રેટ મિશન માટેની છે. તેની કોઇ વિગત ‘વિકિલિક્સ’માં પહોંચી ન જાય, એટલે મિટિગ દરમિયાન આપણે એકબીજાને નામથી નહીં બોલાવીએ.

નેતા ૨ : ટૂંકમાં કહી દો ને કે આજની મિટિગની વિગતો આપણે સ્વિસ બેન્કના ખાતા નંબરની જેટલી ગુપ્ત રાખવાની છે. બધા સમજી જશે.

નેતા ૩ : પણ ટોપ સિક્રેટ મિશન કયું છે? કોમનવેલ્થ ગેમ્સ પછી હવે ઓલિમ્પિક યોજવાની છે? ૪-જી સ્પેક્ટ્રમની ફાળવણીની કોઇ સ્કીમ છે? ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડતનો કોઇ નવો મોરચો ખોલવાનો છે?

નેતા ૧ : ના. આ ત્રાસવાદવિરોધી મિશન છે.

નેતા ૪ : કેમ? અત્યારથી ત્રાસવાદનું શું છે? ચૂંટણીની તો હજી બહુ વાર છે. વખત આવે ત્યારે બે-ચાર ગુંડાને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમનાં ફેક એન્કાઉન્ટર કરતાં કેટલી વાર લાગવાની છે? ‘ગુંડાને માર્યો એમાં શું ખોટું કર્યું?’ એવું કહેનારા ચીયરલીડરો તો આપણને મળી રહેવાના છે.

નેતા ૧ : એવું નથી. આ મિશન રાષ્ટ્રહિત માટે છે.

નેતાઓ (સમુહમાં) : હં...રાષ્ટ્રહિત...શબ્દ ક્યાંક સાંભળેલો લાગે છે.

નેતા ૧ : મિશનનો હેતુ આપણા રાષ્ટ્રપ્રેમને અમલમાં મુકવાનો અને રાષ્ટ્રિય ગૌરવની પુનઃસ્થાપના કરવાનો છે.

બે-ચાર બોલકા નેતાઃ એક મિનીટ...તમારી કંઇક ગેરસમજ થાય છે. આ લાલ કિલ્લો નથી અને આજે ૧૫મી ઓગસ્ટ નથી. આ બધી કવિતાઓ શું કામ કરો છો?

નેતા ૧ : પ્લીઝ, થોડી ધીરજ તો રાખો. મિશન ટોપ સિક્રેટ છે.

નેતાઓ (સમુહમાં) : ધીરજ ક્યાંથી રાખે? એ.રાજાએ ધીરજ રાખી. તેમને શું મળ્યું? જેલ? કલમાડીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? ધરપકડ? કનિમોઝીએ ધીરજ રાખી. એમને શું મળ્યું? સીબીઆઇનું ચાર્જશીટ? જે હોય તો જલ્દી બોલી જાવ. હવે કોઇ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રપ્રેમની વાત કરે એટલે અમને ધંધો જોખમમાં લાગવા માંડે છે.

નેતા ૧ : સારું. તો સાંભળો. આપણે વિચારીએ છીએ કે અમેરિકા પાકિસ્તાનમાં ધૂસીને લાદેનને ખતમ કરે છે, તો આપણે એ રીતે દાઉદનો ખેલ ખતમ ન કરીએ?

નેતા ૪ : આઇડીયા સારો છે. કોનો છે? જેનો હોય એનો, પણ હું તો એમ જ કહીશ કે આ આઇડીયા મેં આપેલો. મારી પ્રજા માની પણ જશે.

નેતા ૧ : હજુ આઇડીયા પર ઘણું કામ કરવાનું છે. તેમાં તમારા સૌનાં સૂચનો લેવા માટે આજની બેઠક યોજી છે.

નેતા ૫ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ‘રિસ્ક એસેસમેન્ટ’ અને ‘ફિઝીબિલિટી રીપોર્ટ’ તૈયાર કરાવવા જોઇએ. મારા સાળાની મલ્ટિનેશનલ કંપની રિસ્ક મેનેજમેન્ટનું કરે છે. એનું દિવસ-રાત કામ જ આ છે. કહેતા હો તો...

થોડા નેતાઃ કેમ ભાઇ? તમારે એકલાને જ સાળા હોય? અરે, રાજકારણમાં તો અપરણીતોને પણ સાળા હોય છે- મુંહબોલા ને મોંએ ચઢાવેલા...બધાને કમાવાનો સરખો અધિકાર છે. આ લોકશાહી છે.

નેતા ૧ : ઓ.કે.. આગળ વધો.

નેતા ૬ : દાઉદ પાકિસ્તાનમાં સંતાયો છે એવું માની લઇએ તો, સૌથી પહેલાં પાકિસ્તાનના નકશાની જરૂર પડશે. હું સૂચવું છું કે પાકિસ્તાનનો આપણી જરૂરિયાત પ્રમાણેનો નકશો બનાવવા માટે એક કમિટી નીમવી જોઇએ.

નેતા ૧ : પાકિસ્તાનના નકશા જોઇએ એટલા બજારમાં મળે છે.

નેતા ૬ : ત્યાં જ તમે થાપ ખાઇ જાવ છો. આપણે એવો નહીં, ખાસ નકશો જોઇએ. એવો નકશો, જેને તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપવો પડે અને જેને તૈયાર થતાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગે.

નેતા ૧ : પણ ત્યાં સુધી શું કરવાનું?

નેતા ૭ : એનો આઇડીયા મારી જોડે છે. પાકિસ્તાનનો આખો નકશો તૈયાર થતો હોય ત્યાં સુધી તેનાં મુખ્ય શહેરો અને જિલ્લા મથકોના નકશા તૈયાર કરવાના કોન્ટ્રાક્ટ પણ આપવા. એવા નકશાની અને કોન્ટ્રાક્ટની સંખ્યા એટલી તો હશે કે અહીં બેઠેલા કોઇને ફરિયાદ કરવાનું કારણ નહીં રહે.

નેતા ૧ (તેમના સહાયકને) : લખ્યું? શહેર પ્રમાણે નકશા. બરાબર. હવે?

નેતા ૨ : તમે લોકો હજુ નકશાની પાછળ પડ્યા છો, પણ હુમલો કેવી રીતે કરશો?

નેતા ૪ : મેં ક્યારનું વિચારી રાખ્યું છે. હું મારા ઉદ્યોગપતિઓને કહી દઇશ તો એ દાઉદ જોડે વેપારના કરાર કરી નાખશે. પછી તેને મારવાની ઝંઝટ નહીં રહે.

નેતા ૧ : પણ એ યોગ્ય રસ્તો નથી. હવે દાઉદનો ખેલ ખતમ કર્યે જ પાર.

નેતા ૪ : તો અમારી પોલીસને કહી દઇશું. એ પાકિસ્તાનમાંથી એવા વેપારીઓને શોધી કાઢશે, જે દાઉદથી અસંતુષ્ટ હોય. તેમની પાસે એ દાઉદની સોપારી લેવાની ઓફર મુકશે અને દાઉદનો ફેંસલો કરીને રૂપિયા ઘરભેગા કરી લેશે. આપણું કામ થઇ જશે ને આપણી પોલીસ બે પૈસા કમાશે. અમારી પોલીસ બહુ કાર્યક્ષમ છે.

નેતા ૬ : મને લાગે છે કે સૌથી પહેલાં આપણે ઓપરેશન માટે અદ્યતન શસ્ત્રો ખરીદવાં જોઇએ. લેટેસ્ટ હેલિકોપ્ટર, એમાંથી છોડી શકાય એવાં મિસાઇલ, અત્યાઘુનિક બંદૂકો, મિશનમાં લઇ જવાના ખાસ કૂતરા...અમુક હજાર કરોડનો મામલો થઇ જશે.

નેતા ૨ : વાહ, મઝા પડી જશે. અત્યાર સુધી આપણને દાઉદની પાછળ પડવાનો આઇડીયા કેમ ન આવ્યો?

નેતા ૩ : આટલી મોટી રકમનો સોદો હોય તો આપણે દૂરંદેશી રાખીને અત્યારથી જ એ સોદામાં ગોટાળાના આરોપની તપાસ માટે ‘એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ’ની રચના કરી નાખવી જોઇએ.

નેતા ૭ : એમ થોડું ચાલે? હું પણ કહી દઉં છું. ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની કામગીરીથી અમને સંતોષ નહીં જ થાય. એટલે સંયુક્ત સંસદીય સમિતિ- જેપીસી-પણ અત્યારથી નીમી દેવી જોઇએ. આટલા મોટા કામમાં આપણે સંસદીય લોકશાહીની ઉજ્જવળ પરંપરાઓ શી રીતે કોરાણે મૂકી શકીએ?

નેતા ૧ : ઓકે. ડન. અમે તમારી માગણીનો પહેલાં વિરોધ કરીશું અને પછી સ્વીકાર કરીશું. બસ? પછી?
બધા નેતાઃ પણ આ રીતે ઓપરેશન કેટલું લાંબું ચાલશે?

નેતા ૧ : હું જાણું છું કે તમને બધાને ઓપરેશન જલ્દી પૂરું ન થઇ જાય એની બહુ ફિકર છે. ગભરાશો નહીં. આપણું ઓપરેશન લગભગ પંદર -વીસ વર્ષ સુધી ચાલશે. ત્યાં સુધી આપણો બધાનો વારો આવી જશે.

થોડા નેતાઃ પણ આટલું મોડું થશે તો લોકો લોહી પી જશે.

નેતા ૧ : એનો ખુલાસો પણ મારી પાસે તૈયાર છેઃ અમેરિકા જેવા સુપરપાવરને ઓપરેશન ઓસામા પાછળ આઠેક વર્ષ લાગ્યાં, તો આપણને પંદર-વીસ વર્ષ લાગે એમાં શી નવાઇ? ત્યાં સુધીમાં દાઉદ કુદરતી રીતે આપણા રસ્તામાંથી કે એના ધંધામાંથી રવાના થઇ ગયો હશે. એટલે આપણું મિશન સક્સેલફુલ!

બધા નેતા (સમુહમાં) : દાઉદ ઇબ્રાહિમકી..ના, ના, ભારતમાતાકી...

(ઉત્સાહના ઘોંઘાટમાં જયનાદ ડૂબી જાય છે.)

No comments:

Post a Comment