Thursday, May 19, 2011

ઓપરેશન ઓસામા, ગુજરાતના સત્તાવાર અંદાજમાં

અમેરિકાએ પાકિસ્તાનમાં ધૂસી જઇને ખૂંખાર ત્રાસવાદી ઓસામાને ખતમ કર્યો, તેનાથી ઘણાની કલ્પનાશક્તિ જાગી અને ખીલી ઉઠી છે. કોઇ કાળે અસહકારની ભૂમિ તરીકે જાણીતું ગુજરાત છેલ્લાં થોડાં વર્ષથી એન્કાઉન્ટરની ભૂમિ તરીકે ખ્યાતિ પામ્યું છે. તેની છ કરોડ જનતામાં એક લાગણી એવી પણ છે કે અમેરિકાએ ઓસામાને ખતમ કરવા માટે ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોની સેવા લેવાની જરૂર હતી.

ધારો કે એવું થયું હોત તો? અને મિશન સફળ થયા પછી શું કરવું એના માર્ગદર્શન માટે ઓબામાએ ગુજરાતના મુખ્ય મંત્રીનો સંપર્ક સાઘ્યો હોત તો?

ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાર છે. ઓબામા તેમને ન પૂછે, તો પણ અમેરિકાને સલાહ આપવા તે આતુર હોય છે. તેમની સલાહ લેવા માટે ઓબામાએ વિઝા મંજૂર કરવાની પણ જરૂર નથી. ગાંધીનગરમાં બેસીને વિડીયો કોન્ફરન્સિગથી અમેરિકામાં ભાષણ આપવાનું મુખ્ય મંત્રીશ્રીને સરસ રીતે ફાવી ગયું છે.

- તો કલ્પનાની પાંખે, ઓપરેશન ઓસામા, ગુજરાત સરકારના અંદાજમાં!

***
પત્રકારોથી ખીચોખીચ ભરેલી વ્હાઇટ હાઉસની લોનમાં પત્રકાર પરિષદ- જેને લાડમાં પત્તરફાડ પરિષદ પણ કહેવાય છે- શરૂ થવામાં છે. પ્રમુખ ઓબામા અને તેમના અમેરિકન અફસરોની સાથે બે-ત્રણ ગુજરાતી પોલીસ અફસરો દેખાય છે.

ઓબામાએ છેલ્લા થોડા વખતમાં ગુજરાતના મુખ્ય મંત્રીને દ્રોણાચાર્ય માનીને, અર્જુનભાવે કે એકલવ્યભાવે ઘણું ગ્રહણ કર્યું હોવાની જોરદાર હવા છે. તેની ખરાઇ તો કેમ કરવી? પણ ઓબામાની સ્ટાઇલમાં આવેલો બદલાવ નોંધપાત્ર છે. પરિષદ શરૂ થતાં પહેલાં બધા પત્રકારોને દસ-દસ વાર ‘ઓસામા’ લખવાનું લેસન આપવામાં આવ્યું છે, જેથી કોઇ ‘ઓસામા’ને બદલે ‘ઓબામા’ ન લખી નાખે.

પરિષદ શરૂ થતાં પહેલાં ઓબામાએ લશ્કરી ગણવેશ પહેરીને બાવડાં ફુલાવ્યાં હોય એવી તસવીરોનો એક પોર્ટફોલિયો ઉપસ્થિત તમામ પત્રકારોને વહેંચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના જાણકારો કહે છે કે ઓબામાની નવી ‘શિષ્યવૃત્તિ’નું આ પરિણામ છે. એવું પણ જાણવા મળે છે કે આગલી રાતે ઓબામાએ વ્હાઇટ હાઉસમાં અરીસા સામે વારાફરતી ડાબા અને જમણા હાથનાં બાવડાં ફુલાવી જોયાં હતાં. તેમાંથી કયો પોઝ વઘુ સારો લાગે છે, એ નક્કી કર્યા પછી ફોટા રીલીઝ કરવામાં આવ્યા છે.

પરિષદના આરંભે ઓબામા લશ્કરી કાર્યવાહીની અને ઓસામાના મૃત્યુની જાહેરાત કરે છે. ઉપસ્થિત પત્રકારોમાં આનંદ અને ઉત્તેજના ફેલાય છે. ઓબામા કહે છે, ‘મારી સાથે ફોટો પડાવવા ઇચ્છતા પત્રકારો પરિષદ પૂરી થયા પછી મારા સચિવને મળીને ગોઠવણ કરી શકે છે.’

સત્તાવાર જાહેરાત પૂરી થયા પછી વઘુ વિગતો માટે ગુજરાતી જણાતા પોલીસ અફસરને આગળ કરવામાં આવે છે. પત્રકારોને અપાયેલા તેમના ટૂંક પરિચયમાં જણાવાયું છે કે એ ગુજરાત સરકારના ચાહીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે અને આ ઓપરેશન ડીઝાઇન કરવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.

ગુજરાતી અફસર માઇક સંભાળીને ઓપરેશન ઓસામા વિશે ‘મનોહર કહાનિયાં’નો આરંભ કરે છે. તેમના વર્ણન પ્રમાણે ઓપરેશન ઓસામા આ રીતે પાર પાડવામાં આવ્યું :

‘ઇન્ટેલીજન્સનો રીપોર્ટ હતો કે ઓસામા પાકિસ્તાનમાં બેસીને સાહેબને મારવાની યોજના ઘડી રહ્યો છે... સાહેબ એટલે અત્યારે ઓબામાની વાત થાય છે.’

‘સાહેબને મારવા આવતા ત્રાસવાદીઓને ખતમ કરવાનો અમને બહોળો અનુભવ છે- અહીં સાહેબ એટલે અમારા મુખ્ય મંત્રીશ્રીની વાત થાય છે- હા, એટલે અમારો અનુભવ એવું કહે છે કે ત્રાસવાદીને સામેથી મારવા જવાને બદલે, એ આપણી ધરતી પર આવે એની રાહ જોવી. એની પાછળની ભાવના એટલી જ કે કદાચ એ સફળ થઇ જાય તો!... આ તો જસ્ટ જોકિગ..હોં. મને સાહેબે કહ્યું હતું કે અમેરિકાના લોકોની સેન્સ ઓફ હ્યુમર સારી હોય છે. એટલે સાવ સરકારી ભાષામાં ન બોલતા.’

‘હું સેન્સ ઓફ હ્યુમરની વાત કરતો હતો. એ તો ઘણા લોકોમાં હોય, પણ અમારા ગુજરાતના લોકોની રીવર્સ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે.’

ઓસામા વિશેના બ્રીફિગમાં સેન્સ ઓફ હ્યુમર અને એ પણ રીવર્સ. અમેરિકન પત્રકારો મૂંઝાયા. એક-બે જણે આંગળી ઉંચી કરીને પૂછ્‌યું, ‘રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે?’

ઓબામાએ સવાલ પૂછનાર પત્રકારો સામે જોઇને ડોળા કકડાવ્યા. અગાઉ એમણે આવું કદી કર્યું ન હતું. પણ એ પત્રકારો ગુજરાતના નહીં, અમેરિકાના હતા. એટલે તેમણે પ્રશ્ન દોહરાવ્યો. તેમને જવાબ આપતાં ગુજરાતી અફસરે કહ્યું, ‘મને ખબર જ હતી કે તમને ખબર નહીં હોય. રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે હસવા જેવી વાત ગંભીરતાથી લેવી તે.’

એ સાંભળીને અમેરિકાના પત્રકારો હસી પડ્યા. પણ બ્રીફિગ આગળ ચાલ્યું એટલે તે ફરી ગંભીર થઇ ગયા.

અફસરે આગળ ચલાવ્યું, ‘અમે સાહેબને કહ્યું કે કે ઓલો ઓસામો વાં બેઠો બેઠો તમને મારવાના કારસા ઘડી રહ્યો છે. એ સાંભળીને સાહેબ રંગમાં આવી ગયા. મુઠ્ઠી વાળીને હાથ ઉંચો કરીને કહે, અમેરિકાની ૩૦ કરોડ જનતા માટે હું જાનની બાજી લગાડવા તૈયાર છું. મને મારા જીવની નહીં, મારા ૩૦ કરોડ લોકોની ચિતા છે.’

‘અમે એમને કહ્યું કે સાહેબ, હજુ ચેનલવાળા આવ્યા નથી. આ બઘું એ લોકો આવે ત્યારે કહેવાનું છે. એટલે તરત એમણે મુઠ્ઠી ખોલી નાખી, હાથ મ્યાન કરી દીધો અને પોતાની સુરક્ષાવ્યવસ્થા વધારવાની ચિતામાં લાગી ગયા.’

‘ઓસામા જેવા ત્રાસવાદી પર હુમલાનું પાકું આયોજન કરવું પડે. અમે કોઇ ચાન્સ લેવા માગતા ન હતા. વળી અમેરિકાની લેટેસ્ટ શસ્ત્રસામગ્રી સાથે અમારે ગુજરાતની અહિસક પરંપરાનો પણ વિચાર કરવાનો હતો. એટલે અમે કેટલાક ગુજરાતી સંચાલકોને પણ સાથે રાખવાનું વિચાર્યું હતું. ઓસામા ઘેરાઇ ગયા પછી કોઇ રીતે શરણે ન આવે તો તેની પર જાહેર કાર્યક્રમોના સંચાલકોને છૂટા મૂકી દેવા. એમને સહન કરવા કરતાં શરણે આવવાનું ઓસામા વઘુ પસંદ કરશે, એવી અમારી ગણતરી હતી. પણ હેલિકોપ્ટરોમાં જગ્યા ન રહી, એટલે સંચાલકોવાળો આઇડિયા પડતો મૂકવો પડ્યો.’

‘ઝીણવટભર્યા આયોજન પછી અમે ઓસામાને અબોટાબાદથી ઉઠાવ્યો અને હેલિકોપ્ટરમાં અમદાવાદ લઇ આવ્યા. રસ્તામાં હેલિકોપ્ટર ઉતારીને અમે ઓસામાને પોલીસની જીપમાં બેસાડ્યો. અમારો કાફલો કોતરપુર (અમદાવાદ) હાઇ વે આગળથી પસાર થતો હતો એ વખતે ઓસામાએ હાથનું દોરડું છોડીને બાજુમાં બેઠેલા પોલીસ ઓફિસરની રિવોલ્વર ખેંચી લીધી અને ચાલુ જીપે કૂદકો માર્યો. તરત અમે બધાએ મોરચો સંભાળી લીધો. દસેક મિનિટ સુધી સામસામા ગોળીબાર થયા. એમાં અમારા બે કમાન્ડો ઘાયલ થયા અને ઓસામાનું મોત થયું.’

‘પણ તેના શરીરનું તમે શું કર્યું?’ એક પત્રકારે પૂછ્‌યું.

‘ધાર્મિક વિધિથી નિકાલ કરી નાખ્યો. માણસ જ ન રહે, પછી શરીરનો શો મોહ? આત્મા વિનાનું શરીર તો પક્ષી વિનાનું પિજરુ છે.’

‘પણ અમદાવાદમાં કોઇને આ વાતની ખબર પણ ન પડી?’ હજુ અસંતુષ્ટ પત્રકારે ફરી પૂછ્‌યું.

તરત બાજુમાં બેઠેલા ઓબામાએ ઉશ્કેરાઇને પેલા પત્રકારને પૂછ્‌યું,‘તમારા છાપાનું સર્ક્યુલેશન કેટલું છે?’

પત્રકારે આંકડો કહ્યો, એટલે ઓબામા કહે,‘આટલા સર્ક્યુલેશનમાં એક જ સવાલ પૂછાય.’

પત્રકારો દિગ્મૂઢ થઇને ઓબામાનું નવું સ્વરૂપ જોઇ રહ્યા અને આ જ્ઞાન તેમણે ક્યાંથી મેળવ્યું તેની અટકળ કરવા લાગ્યા, પણ સંશયાત્મા પત્રકારે ઓબામાને વળતો સવાલ પૂછ્‌યો, ‘અમે તમારા જૂઠાણાંની લિમિટ નક્કી કરીએ છીએ? એક પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં અમુક વાર જ જૂઠું બોલાય- અમુક જ પ્રશ્નોના જવાબ ગુપચાવી દેવાય, એવું કહીએ છીએ?’

પરંતુ વાત વણસે તે પહેલાં સંશયનિવારણ નિષ્ણાત પોલીસ અફસરે જવાબ આપ્યો, ‘અમે એટલી સિફતથી ઓપરેશન પાર પાડ્યું કે અમારી સાથે આવેલા ઘણા કમાન્ડોને પણ તેની ખબર પડી નથી. ડાબો હાથ જે કરે તે જમણો હાથ પણ ન જાણે, એ અમારી સંસ્કૃતિ છે. જવા દો, તમને ધીમે ધીમે સમજાશે. નો મોર ક્વેશ્ચન્સ, પ્લીઝ.’

એ સાથે જ પત્રકાર પરિષદ પૂરી થઇ અને ત્રાસવાદવિરોધી લડતના ઇતિહાસમાં ઓપરેશન ઓસામા સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.

4 comments:

 1. Hilarious and engagingly black. Loved it!

  ReplyDelete
 2. 1- aa kalpanik kathaa ma tame vastavik prasango mukya chhe...
  2- kharekhar osama ne maarva ne badale te loko pahela koi nana gunda nu khun kari, tene atankvadi ma khapave...
  3- pattar faad parishad have band thai gai chhe.... "nivedano j bahar pade chhe... ha, interview gothavai shake chhe (poorv tapaas ane prashn parikshan pachhi)

  ;-) mane pan bhulo shodhata avdi gayu... he he..

  ReplyDelete
 3. Sorry, but this article is not of Urvish Kothari level, from any angle, even humor.

  ReplyDelete
 4. Anonymous7:12:00 PM

  andaaj acchha hai

  ReplyDelete