Sunday, May 08, 2011

ભારત-અમેરિકા વચ્ચે સેતુરૂપ બનેલા ગુજરાતી કવિ-નાટ્યકાર, અંગ્રેજી લેખક-પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી

Krishnlal Shridharani

અમેરિકા જનારા ભારતીયો અમેરિકામાં ભારત વિશે કે ભારતમાં અમેરિકા વિશે વાત કરે, ત્યારે તેમાં ભાગ્યે જ પ્રમાણભાન જળવાતું જોવા મળે છે. વૈશ્વિકીકરણના જમાનામાં આ સ્થિતિ હોય, તો ૧૯૩૦ના દાયકામાં કેવી હાલત હશે તેની કલ્પના જ કરવી રહી! પરંતુ કૃષ્ણલાલ શ્રીધરાણીની વાત જુદી હતી.

ગુજરાતી કવિ-નાટ્યકાર અને દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે પ્રતિષ્ઠિત શ્રીધરાણી ૧૯૩૪માં અમેરિકા ગયા પછી બન્ને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વો વિશે સમતાપૂર્વક વિચારતા-વાત કરતા રહ્યા. ભારતમાં એ કારકુનો પેદા કરતી અંગ્રેજ કેળવણીના નહીં, દક્ષિણામૂર્તિ-વિદ્યાપીઠ-શાંતિનિકેતન જેવી રાષ્ટ્રિય શાળાઓના અને સવાઇ રાષ્ટ્રિય શાળાઓની ગરજ સારતી અંગ્રેજ જેલના ‘વિદ્યાર્થી’ રહી ચૂક્યા હતા. (આગળ જતાં અમેરિકાની કેળવણી વિશે તેમણે લખ્યું: ‘અમેરિકામાં વિદ્યાર્થીને શું આવડે છે એ જાણવા માટે પરીક્ષા લેવાય છે અને ભારતમાં વિદ્યાર્થીને શું નથી આવડતું એ જાણવા માટે!’ )

અમેરિકામાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. પરંતુ પોતાનાં મૂળીયાં ચાવી ગયા વિના, અમેરિકાની ઉત્તમ બાબતોને તેમણે આત્મસાત્‌ કરી. તેનું પરિણામ એટલે શ્રીધરાણીનું યાદગાર પુસ્તક: ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧).

સત્યાગ્રહના સિદ્ધાંત વિશેના તેમના અગાઉના પુસ્તક ‘વોર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯)ની જેમ આ પુસ્તક પણ અમેરિકા અને બ્રિટન એમ બે ઠેકાણેથી પ્રકાશિત થયું, પ્રજ્ઞાચક્ષુ વાચકો માટે તેની બ્રેઇલ આવૃત્તિ તૈયાર થઇ. અમેરિકામાં રંગભેદ સામે લડતી ખ્યાતનામ સંસ્થા ‘કોંગ્રેસ ફોર રેશિઅલ ઇક્વાલિટી’ (‘કોર’) માટે શ્રીધરાણીનું પુસ્તક ‘સેમીઓફિશ્યલ બાઇબલ’ બની ગયું હોવાનું અભ્યાસીઓએ નોંઘ્યું છે.

અમેરિકામાં ભારત વિશેની છાપ ગણીગાંઠી અંગ્રેજી ફિલ્મો કે કેટલાક અંગ્રેજ-અમેરિકન લેખકોની તુક્કાબાજીથી ઉભી થયેલી હતી. પરંતુ શ્રીધરાણીએ લખાણ તથા પ્રવચનો દ્વારા અમેરિકાના લોકો સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કર્યું. સાથોસાથ તેમણે ભારત-અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામોની સરખામણી કરી. એટલું જ નહીં, અમેરિકામાં વસનારા પહેલા ભારતીયો (શીખો) ત્યાં કેવી રીતે સ્થાયી થયા અને અમેરિકાના મુક્ત વાતાવરણમાં ‘ગદર પક્ષ’ની સ્થાપના દ્વારા ભારતની આઝાદીની લડાઇને કેવી રીતે પ્રોત્સાહન મળતું થયું, તેની વિગતો પણ શ્રીધરાણીએ આપી. વિશ્વયુદ્ધમાં અમેરિકા બ્રિટનનું સાથી રાષ્ટ્ર બન્યા પછી ભારતીય ક્રાંતિકારીઓ પર ઉતરેલી તવાઇ વિશે પણ તેમણે લખ્યું અને ભારતમાં ગાંધીજીના સત્યાગ્રહની બોલબાલા પછી અમેરિકાના ક્રાંતિકારી ભારતીયોની દયનીય હાલત પણ પૂરા આદર સાથે નોંધી. ભારતની આઝાદીની લડાઇમાં વિદેશ વસતા ક્રાંતિકારીઓનો ક્યારેક સગવડીયો અને ખપજોગો ઉલ્લેખ થાય છે, પણ તેમાં અમેરિકા તરફથી મળેલા અને પાછા ખેંચાયેલા ટેકાનો ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. એ દૃષ્ટિએ શ્રીધરાણીનું પુસ્તક ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અને ભારત-અમેરિકા સંબંધના ઓછા જાણીતા ખૂણા પર પ્રકાશ પાડે છે.

અમેરિકા જતાં પહેલાં કિશોરાવસ્થામાં કુંવારા રહેવા માટે કરવો પડેલો સંઘર્ષ અને ‘મારે સારા હિંદુ બનવું હતું, પણ ઇસવી સન પૂર્વે ૧૯૨૫ના હિંદુ નહીં, ઇસવી સન ૧૯૨૫ના હિંદુ!’ એવું વિધાન શ્રીધરાણીની વૈચારિક સ્પષ્ટતાનો ખ્યાલ આપે છે. રાષ્ટ્રવાદી સંસ્કારોને કારણે તે ગાંધીજીના ભક્ત બન્યા હતા અને તેમનો એ ભાવ છેક લગી ટકી રહ્યો. પણ ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા પછી ‘વર્ગોમાં મઝા આવતી ન હતી. તે નીરસ અને અકારણ ગંભીર લાગતા હતા’ અને ‘ભણેલા યુવાનોમાં ફક્ત રોમાંચ ખાતર સત્યાગ્રહમાં જોડાનારાનું પ્રમાણ મોટું હતું’ એવી ટીપ્પણી તે કરી શક્યા હતા.

ગાંધીજી પ્રત્યેનો તેમનો અહોભાવ ‘માય ઇન્ડિયા,માય અમેરિકા’માં તેમણે પૂરા સદ્‌ભાવથી કરેલા ડો.આંબેડકરના ચરિત્રચિત્રણમાં જોઇ શકાય છે. તેમણે ગાંધી-આંબેડકર સંઘર્ષ વિશે કે આંબેડકરના ગાંધી વિશેના અભિપ્રાયો વિશે ઉલ્લેખ સુદ્ધાં કર્યા વિના, ચોટડુક શબ્દોમાં પ્રશંસાના ભાવ સાથે લખ્યું છે, ‘આંબેડકર અને તેમના સાથીદારો અત્યાચારીઓને માયાળુ થવાની તક આપ્યા વિના પોતાની બેડીઓ ભાંગવા નીકળ્યાા હતા.’

અલબત્ત, જ્ઞાતિપ્રથાના અંત વિશે શ્રીધરાણીનાં વિધાનો આજે વઘુ પડતાં આશાવાદી અથવા ગાંધીપ્રભાવથી ગ્રસ્ત લાગે. તેમણે ૧૯૪૧માં લખ્યું હતું, ‘(ગાંધીજીની ચળવળથી) અસ્પૃશ્યતાએ તેની ઘણીખરી સામાજિક માન્યતા ગુમાવી દીધી છે. અસ્પૃશ્યતાનો ઉકેલ આણવાનું કાર્ય અમેરિકાના નીગ્રો પ્રોબ્લેમ કરતાં ઓછું ગંજાવર નીવડ્યું છે. સદીઓ જૂની (અસ્પૃશ્યતાની) પ્રથા એમ એક પેઢીમાં સમાપ્ત ન થઇ જાય, પણ ભારત અસ્પૃશ્યોની અમાનવીય સ્થિતિ ભૂંસી નાખવાના રસ્તે આગળ વધી રહ્યું છે.’

અમેરિકા જતાં પહેલાં ગુજરાતમાં કવિ તરીકે નામ કાઢનારા અને ૧૯૩૧ના કોંગ્રેસ અધિવેશનમાં ‘પ્રજાબંઘુ’ના ખબરપત્રી તરીકે હાજર રહેનાર શ્રીધરાણી એક વાર દેશ છોડ્યા પછી ગુજરાતી ભાષાથી જાણે દૂર જતા રહ્યા. ‘મે, ૧૯૩૪માં ભારતનો કિનારો છોડ્યા પછી હજુ મનમાં ભારત ગુંજતું હતું અને તેનો પડઘો મારી કવિતામાં પડતો હતો, પણ યુરોપની નજીક પહોંચ્યા પછી કાવ્યો રચાવાં બંધ થઇ ગયાં. મારી સામે નવી દુનિયા પડી હતી, જેનાં ગીત રચતાં પહેલાં તેને ઓળખવી જરૂરી હતી.’

છેલ્લી ગુજરાતી કવિતા જૂન, ૧૯૩૪માં પેરિસમાં લખ્યા પછી ૧૯૪૬માં તે ભારત પાછા આવ્યા ત્યારે, તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘જીવનનાં બે પાસાં વચ્ચે ખૈબરખાટ પડ્યો હતો.’ જેલના કેદીઓ વિશેની કથા ‘ઇન્સાન મીટા દૂંગા’ની બીજી આવૃત્તિ (૧૯૫૦)ની ‘અભિજ્ઞાન શ્રીધરાયણમ્‌- એક પ્રસ્તાવના’ માં તેમણે યાદ કર્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી કરાચીમાં સભા થઇ હતી. તેમાં ‘ત્રીશ કોટી શિશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ-ધજા, નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ કર્મ-ધજા’ એ ગીત ગવાયું. ગીત પસંદ આવતાં શ્રીધરાણીએ તેના કવિનું નામ પૂછ્‌યું. ત્યારે તેમને જવાબ મળ્યો કે આ તો એમની જ (શ્રીધરાણીનું જ ) રચના છે!

ભારત પાછા ફર્યા પછી થોડો સમય તેમણે પંજાબના શરણાર્થીઓ વચ્ચે કામ કર્યું. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયમાં જવાહરલાલ નેહરુના ‘ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી’ તરીકે સેવાઓ આપી. કોલકાતાના ‘અમૃતબઝાર પત્રિકા’ના દિલ્હીના પ્રતિનિધી તરીકે રહ્યા. સાથોસાથ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને જાપાનના ‘ટોકિયો શિમ્બુન’ જેવાં નામી અખબારોમાં અને ‘વોગ’ અને ‘સેટરડે રીવ્યુ ઓફ લિટરેચર’ જેવાં સામયિકોમાં તેમણે લખ્યું.

ભારત પાછા ફર્યા પછી ‘ગુજરાતીનો રણકાર પાછો પ્રાપ્ત કરવા માટે બે-ત્રણ વર્ષ નીકળી ગયાં.’ એવું શ્રીધરાણીએ કહ્યું છે. પણ એ રણકાર, જરા જુદા સ્વરુપે અને વચ્ચેના સમયગાળાના અનુભવોમાંથી રસાઇને, પ્રગટ થયો ખરો. ભારત પાછા આવ્યા પછીનું તેમનું કાવ્ય ‘આઠમું દિલ્હી’ (૧૯૫૬) શ્રીધરાણીની યાદગાર કૃતિ ગણાય છે. ‘નવા’ શ્રીધરાણીના મિજાજનો ખ્યાલ આપતી ‘આઠમું દિલ્હી’ની કેટલીક પંક્તિઓઃ

સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ / જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ/ પદવી છે, પહેરામણ છે, છે બિલ્લા એક અનેક/રાજ્યસ€ભા છે, લોકસભા છે ને જાવું જો છેક/ રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર/ નવ દિલ્હીના આકાર!

આ કાવ્યના અંતે ‘ભવિષ્યની કોદાળી જ્યારે નમશે’ ત્યારે પાદર થયેલા દિલ્હીમાંથી શું જડશે? કવિએ લખ્યું હતુ: ‘જડશે ચંદ્રક એક અનેક/ નહીં જડશે શુદ્ધ વિવેક’.

દિલ્હીમાં શ્રીધરાણી દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીના પરિચયમાં આવ્યા અને પરણ્યા. ત્યાર પછી શ્રીધરાણીએ ૧૯૬૦માં ૪૯ વર્ષની વયે અકાળે વિદાય લીધી, પણ નવ દાયકા વટાવી ચુકેલાં સુંદરીબહેન તેમની ખ્યાતનામ કળાસંસ્થા ‘ત્રિવેણી કલાસંગમ’ સાથે હજુ દિલ્હીમાં મોજૂદ છે. તેમના પુત્ર અમર શ્રીધરાણી મુંબઇમાં અને પુત્રી કવિતા અમેરિકા છે. સુંદરીબહેન બિનગુજરાતી હોવાને કારણે અને સંતાનોનો ઉછેર દિલ્હીમાં થવાને લીધે, તે ગુજરાતી વાંચી કે બોલી શકતાં નથી. પરંતુ શ્રીધરાણીના ભત્રીજાઓ મયુરભાઇ અને પંકજભાઇ તેમના કાકા વિશે ગુજરાતીમાં વાત કરી શકે છે.

શ્રીધરાણીની જન્મશતાબ્દિ ઉજવાઇ રહી છે ત્યારે તેમનાં અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકો ઉપરાંત સાત-આઠ અંગ્રેજી પુસ્તકો અને દાંડીકૂચ વખતે તેમણે લખેલી- ‘સિનેમાના પડદે રજૂ થતી કોઇ ભવ્ય કથા સમી તાદૃશ’- ડાયરી ઉપલબ્ધ બને તો શતાબ્દિની ઉજવણી વધારે સાર્થક બને.

2 comments:

  1. મજ્જા પડી.... કંઇક નવું જ માણવા મળ્યું.. !

    ReplyDelete
  2. What a superb post on someone I had absolutely no clue about. Thanks a ton Urvish for taking us along on a fascinating journey of this man's life and work.

    ReplyDelete