Tuesday, July 07, 2020

માસ્ક પ્રમોશન

ના, આ લેખને સ્કૂલો-કોલેજોમાં કોરોનાને લીધે અપાયેલાં માસ પ્રમોશન સાથે કશી લેવાદેવા નથી. તે કોરોનાકાળમાં માથે પડેલા ને શબ્દાર્થમાં મોઢે ચઢાવાયેલા માસ્ક વિશે છે. હોલિવુડની બે ફિલ્મોમાં માસ્ક ઉર્ફે એક જાદુઈ મહોરાની કથા હતી, જે પહેરવાથી માણસ સર્વશક્તિમાન થઈ જાય. એમ તો સર્વશક્તિમાન બનવાની ઝંખનાથી ચહેરા ઉપર મહોરું (માસ્ક) પહેરીને ફરતા મહાનુભાવોની આપણને પણ ક્યાં નવાઈ છે? પરંતુ આજે વાત કરવાની છે કોરોનાને કારણે ફરજિયાતપણે ધારણ કરવા પડેલા માસ્કની.

ભદ્રંભદ્રે જેને ‘સૂક્ષ્માતિસૂક્ષ્મ મુકુટવિષાણુ આગમનનિર્ગમનઅવરોધક મુખોષ્ટનાસિકાદીરક્ષણાર્થ કર્ણદ્વયસમર્થિત વસ્ત્રપટ્ટીકા’ કહ્યો હોત, તે માસ્ક વર્તમાન વેશભૂષાની વિશિષ્ટતા છે. ‘ગામના મોઢે ગળણું ન બંધાય’—એવી કહેણીમાં પરિવર્તન કરીને પોલીસ તથા સરકાર ગામના મોઢે માસ્ક બંધાવવા ઇચ્છે છે.  કોરોનાની વાસ્તવિક બીકને કારણે હાલના સમયમાં માસ્ક પહેરવા માટે કોઈ કારણની જરૂર નથી. હા, તે ન પહેરવા માટે અને ન પહેરીને પણ પોલીસની કરડી નજર કે દંડાત્મક કાર્યવાહીમાંથી બચવા માટે મજબૂત કારણની જરૂર પડી શકે છે. કેમ કે, માસ્ક પહેરવો (કે ન પહેરવો) એ કેવળ આરોગ્યનો નહીં, કાયદો-વ્યવસ્થાનો પણ પ્રશ્ન હોઈ શકે છે. ભારતમાં ઘણી વાર કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો સિવાયની બધી જ બાબતો કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન બની શકે છે અને નિર્દોષો પર પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારોને કારણે ઘણી વાર કાયદો-વ્યવસ્થાના જાળવનારા ખુદ કાયદો-વ્યવસ્થા માટે પ્રશ્ન બની રહે છે. 

ઘણા ભારતીયો તો મોટા માણસ પણ એટલે જ બનવા ઇચ્છે છે કે જેથી તે કાયદાનો બેધડક ભંગ કરી શકે- તેમને ક્ષુલ્લક કાયદા નડે નહીં અને કાયદાને તે ક્ષુલ્લક ગણી શકે. આવી મહત્ત્વાકાંક્ષાઓથી દોરવાઈને પણ કેટલાક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે. કોઈ પૂછે તો તે કહી દે છે કે ‘આવું કંઈ પણ થાય ને કોઈ ટેં ટે કરે તો ફલાણા સાહેબને ફોન લગાડી દેવાનો. એ સંભાળી લેશે.’

ઘણા આસ્તિકો અત્યાર સુધી એમ માનતા હતા કે ભગવાને કાન ચશ્મા પહેરવા આપ્યા છે. પણ કોરોનાના કેર વચ્ચે નવપલ્લવિત થયેલી શ્રદ્ધાથી તે કહે છે, ‘જોઈ હજાર હાથવાળાની લીલા? તે કોરોના આપે છે તો માસ્ક પહેરવા માટે કાન પણ આપે છે.’ આ સાંભળીને જેમનાં પ્રિયજનો કોરોનામાં મૃત્યુ પામ્યાં હોય કે હેરાન થયાં હોય એ સિવાયનાં સૌ કોઈ હજાર હાથવાળાની લીલા આગળ નતમસ્તક કે નતમાસ્ક થઈ જાય છે. પરંતુ બધા આટલી આસ્તિકતા ક્યાંથી લાવે? એવા લોકોને પોતાની અશ્રદ્ધા માસ્કને કારણે પડતી અગવડો દ્વારા વ્યક્ત કરે છે. 

વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં સફેદ એપ્રન પહેરતી વખતે જેમ ડૉક્ટર જેવી કામચલાઉ ‘કીક’ આવે છે, એવું જ માસ્ક પહેર્યા પછીની શરૂઆતની મિનિટોમાં બનવા સંભવ છે. શરૂ શરૂમાં માસ્ક પહેરનારને એવું લાગી શકે છે કે તે ઑપરેશન થીએટરમાં કે રીસર્ચ લેબોરેટરીમાં કાર્યરત છે. પરંતુ માસ્ક પહેર્યા પછી થોડી વારમાં લાગે છે કે આપણે ડૉક્ટર ન બન્યા, તે સારું જ થયું—આરોગ્યક્ષેત્રનું તો ખરું જ, આપણું પોતાનું પણ. બાકી, કેટલો બધો સમય માસ્ક પહેરી રાખવો પડત? 

દેખીતું છે કે માસ્ક પહેરીને ફરવાનું પહેલી તકે ફાવી ન જાય. હેલમેટ ફરજિયાત પહેરવાનો કાયદો થયો ત્યારે તેના વિરોધમાં જાતજાતનાં કારણ રજૂ કરવામાં આવતાં હતાં. તેની સરખામણીમાં માસ્ક સામે બહુ દલીલો થઈ નથી. બંને નહીં પહેરવાનું જોખમી જ છે. છતાં, હેલમેટ નહીં પહેરવાથી થતું જોખમ વ્યક્તિ પૂરતું મર્યાદિત છે, જ્યારે માસ્ક નહીં પહેરવાથી પોતાને તેમ જ બીજાને પણ અસલામતી અને જોખમ લાગે છે. પરંતુ ‘ખતરોંકે ખિલાડી’નો કે ‘આપણને કંઈ ન થાય’નો વહેમ ધરાવતા ઘણા લોકો માસ્ક પહેર્યા વગર નીકળી પડે છે. કેટલાક અશિસ્તપ્રેમી વળી હાથમાં માસ્ક ઝુલાવતા ઝુલાવતા ‘મારી પાસે છે, પણ હું નહીં પહેરું. જાવ, થાય તે કરી લો’—એવો સંદેશો પ્રસારિત કરતા હોય તેમ નીકળે છે. 

માસ્ક ધારણ કરવાની સૌથી લોકપ્રિય સ્ટાઇલ તેને નીચો, ગળા સુધી ઉતારવાની છે. ઘણા લોકોને જેમ ચશ્મા જરૂર ન હોય ત્યારે તેને કપાળે ચડાવીને વાતચીત કરવાની (અને ક્યારેક તો એ રીતે ચશ્મા શોધવાની) ટેવ હોય છે. એવું જ માસ્કની બાબતમાં બને છે. આ રીત સલાહભરેલી નથી અને જોખમી છે, એવાં બોધવચનો તેમના માસ્કના એક છેડેથી પ્રવેશીને બીજા છેડેથી નીકળી જાય છે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દર્શન આપતા મોટા માણસોથી માંડીને સડક પર ફરતા લોકો સુધી માસ્કની આ શૈલી પ્રચલિત છે. શક્ય છે કે તે શબ્દોનો ઉપયોગ કર્યા ‘અમે માસ્કથી ગળે આવી ગયા છીએ’ એવું દર્શાવવા માગતા હોય. વધારે આશાવાદી કલ્પના કરીને કહી શકાય કે તે કદાચ પ્રતીકાત્મક રીતે માસ્કનો નહીં, કોરોના વાઇરસનો વિરોધ કરી રહ્યા હોય. પરંતુ તેમના અને આપણા સૌના કમનસીબે કોરોના વાઇરસની કળાદૃષ્ટિ એટલી વિકસિત નથી. એટલે આવા પ્રતિકાત્મક સંદેશાની તેમની પર કશી અસર થવા સંભવ નથી. ઉલટું, માસ્ક ગળે લટકતો રાખવાથી વાઇરસ પણ ગળે પડે એવી ભીતિ રહે છે. 

વિલન જેવા કોરોના સામે બચ્ચનગીરી (કે શશિ કપૂરગીરી) કરવી હોય તો માસ્ક મોં-નાક સરખાં ઢંકાય એમ પહેરવો પડે. પછી જ કહી શકાય કે ‘મેરે પાસ માસ્ક હૈ’.

1 comment:

  1. સૂક્ષ્માતિસૂક્ષ્મ મુકુટવિષાણુ આગમનનિર્ગમનઅવરોધક મુખોષ્ટનાસિકાદીરક્ષણાર્થ કર્ણદ્વયસમર્થિત વસ્ત્રપટ્ટીકા

    ReplyDelete