Thursday, July 23, 2020

સાબુનું સમાજશાસ્ત્ર

કોરોનાકાળમાં સેનિટાઇઝરો, પેલી ઐતિહાસિક ઉક્તિની જેમ, આવ્યાં અને છવાઈ ગયાં. તેમાં જૂનાપુરાણા તંદુરસ્તીની ને સૌંદર્યની ને આરોગ્યની ને એવી કંઈક રક્ષા કરનારા સાબુ જાણે ધોવાઈ ગયા. સામાન્ય સંજોગોમાં તો સાબુનો મહિમા ગાવાનો ન થાય. કેમ કે અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં લઈને સાબુનાં અપ્રમાણસરનાં ગુણગાન ગાતાં જ હોય છે. પરંતુ અચાનક ખાબકતા પરગ્રહની જેમ ત્રાટકેલાં સેનિટાઇઝરોએ સાબુને હાંસિયામાં ધકેલી દીધા છે, ત્યારે તેમના વિશે વિચાર કરવાનો આ યોગ્ય સમય છે. આમ પણ, લદ્દાખ સરહદે શું થયું તેનો વિચાર કરી શકીએ તેમ નથી. કારણ કે સરકાર તરફથી કશી સત્તાવાર માહિતી મળતી નથી. ચીન અને કોરોનાના ધમપછાડા વચ્ચે ધારાસભ્યોના ખરીદવેચાણની પ્રવૃત્તિ શી રીતે ચાલતી હશે, એ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસના મગજમાં બેસે એવું નથી. પોલીસ અને પ્રધાનપુત્રમાંથી કોણ કોના બાપનું નોકર છે કે નથી, એ વિશે સુનિતા યાદવે સ્પષ્ટતા કરી દીધા પછી કોઈએ વિચારવાનુંj રહ્યું નથી. કોરોનાના કેસ સીધા લાખમાં વધી રહ્યા છે. એ વિશે સરકાર કશું વિચારતી હોય એવું લાગતું નથી, તો લોકો વિચારીને શું કરવાના? માટે, નાગરિકોએ વિચારવા માટે સાબુમહિમા જેવા મુદ્દા સૌથી સલામત છે.

શ્રીશ્રી નહીં, અસલી રવિશંકર મહારાજનું લોકો દ્વારા અઢળક ટંકાયેલું ને ભાગ્યે જ આચરાયેલું સૂત્ર હતું, ‘ઘસાઈને ઉજળા થઈએ.’ સાબુનું થોડુંક જુદું જીવનસૂત્ર છેઃ ‘ઘસીને ઉજળા કરીએ’. આ સૂત્ર અસલમાં કપડાંને લાગુ પડતું હતું, પણ ભારતીય યુવતીઓ વિશ્વસુંદરી બનવા માંડી, એટલે સૌંદર્ય પ્રત્યેની લોકોની જાગૃતિ એટલી વધી ગઈ કે સાબુ મેલ કાઢવા નહીં, ઉજળા થવા માટે વપરાવા લાગ્યો. ભારતમાં ધોળા હોવું એ સોંદર્યનો પર્યાય છે અને એ ગેરમાન્યતા પ્રસારવામાં સાબુએ ઘણો ભાગ ભજવ્યો છે. ટીવી પર સાબુની જાહેરખબરો જોતાં લાગે કે માણસોને ખાવાનું નહીં મળે તો ચાલી જશે, પણ ચોક્કસ બ્રાન્ડનો સાબુ મેળવવો એ તેમનો નાગરિકસિદ્ધ અધિકાર છે.

લોકોને લોકશાહીના નામનું નવડાવી નાખવા આતુર નેતાઓ માટે આ ગમતી વાત છે. કેમ કે, એક વાર માણસ પોતાના વિકાસને સાબુ થકી માપતો થઈ જાય, એટલે તેનામાં રહેલા નાગરિક વિશે નેતાઓને કદી ચિંતા કરવી પડતી નથી. તે એમ જ વિચારે છે કે ‘મારાં મા-બાપ પથ્થર ઘસીને નહાતાં હતાં, હું મોટો થયો ત્યારે બે રૂપિયાના લાલ સાબુના બે ભાગ કરીને, તેના એક અડધીયાથી નહાતો, પણ અત્યારે હું સુડતાલીસ રૂપિયાનો સાબુ વાપરું છું અને સિત્તેર રૂપિયાવાળો એક સાબુ મારા ધ્યાનમાં જ છે. મારી બેબી માટે તો હું ઇમ્પોર્ટેડ સાબુ લાવીશ. મેં જે વેઠ્યું છે તે એને નહીં વેઠવા દઉં.’

ઉદારીકરણ પહેલાંના સમયમાં ગ્રાહકો પાસે પસંદગી ઘણી મર્યાદિત હતી. ત્યારે પરદેશી સગાંવહાલાં ઘણી વાર આકર્ષક સુગંધવાળા સાબુ લઈને આવતાં. જેમની જિંદગી આખી લાલ સાબુ જોઈને ગઈ હોય અને સાબુમાંથી સુગંધ આવે એ વાત જેમને નેતા સાચું બોલે એવી આશ્ચર્યજનક લાગતી હોય, તેમની પાસે આવા પરદેશી સાબુ આવતાં તે સુખદ મૂંઝવણમાં મુકાઈ જતા. ગીતમાં હીરો હીરોઇનને ‘તુઝે દેખું કે પ્યાર કરું?’ એવું પૂછે, તેમ આ લોકોને સાબુ માટે થતું: આ સાબુની સુગંધ લઉં કે તેનાથી સ્નાન કરું? સુગંધ લીધા કરવામાં એ સાબુના સ્નાનથી વંચિત રહી જવાની બીક રહેતી અને સ્નાન કરી નાખવામાં સાબુ ગુમાવી દેવાની બીક. ટૂંકમાં કહીએ તો, લોક ડાઉન ચાલુ રાખવું કે નહીં, એ પ્રકારની મૂંઝવણ જેના બંને વિકલ્પોમાં નુકસાન જ હોય અને જે વિકલ્પ પસંદ કરીએતે ઓછો ખરાબ ધારીને અપનાવવાનો હોય.

એક સ્નેહી દ્વારા ઇંગ્લેન્ડથી સુગંધિત સાબુ આવ્યા પછી એક મિત્ર તેના પ્રેમમાં એવા પડ્યા હતા કે તેમણે સાબુ બાથરૂમને બદલે કબાટમાં મૂક્યો હતો. જ્યારે કબાટ ખોલે ત્યારે તે રૅપરની આરપાર આવતી (કે રૅપરની) સુગંધનો ‘કશ’ લઈ લેતા હતા. ‘સાબુ કેવો છે?’ એવું મિત્રો પૂછે ત્યારે તે છપ્પન ઇંચનું સ્મિત કરીને કહેતા, ‘બહુ ટૉપ છે... વાપરવાનું મન જ નથી થતું.’ સાબુ હોય કે સમજ, તેને વાપરવાને બદલે તેની સુગંધીના નશામાં રહેવાનું જ મન થયા કરતું હોય તો તે નકામું. પણ આવી બાબતમાં કોઈ સમજાવ્યું સમજે? ઘણા મહિના પછી મિત્રોના સતત આગ્રહને માન આપીને તેમણે આખરે સાબુનું અનાવરણ કર્યું, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સાબુની સુગંધી નહીં, તેનું સ્વરૂપ પણ વર્તમાનકાળ મટીને ભૂતકાળ બની ચૂક્યું હતું. સાબુ પથ્થર જેવો થઈ ગયો હતો અને તેને શરીરે લગાડતાં જૂના જમાનાના પથ્થર-સ્નાન જેવો જ અહેસાસ થતો હતો. દિલ પર સુકાયેલા સાબુનો નહીં, અસલી પથ્થર મૂકીને તેમણે એ સાબુને ફેંકી દેવો પડ્યો ત્યારે કેટલાક મિત્રોને લાગ્યું હતું કે દુઃખી મિત્ર ક્યાંક સાબુની શોકસભા ન રાખી દે. એ વખતે ફેસબુક ન હતું. બાકી તેમણે ‘મારા સાબુનું અવસાન’ એવું સ્ટેટસ લખ્યું હોત તો પણ નીચે પચાસ-સો ‘આર.આઇ.પી.’ની કમેન્ટ આવી ગઈ હોત.

ફક્ત સ્નાન-દ્રવ્યોના જ નહીં, સૌંદર્ય પ્રસાધનોના બજારમાં દબદબો ભોગવ્યા પછી કોરોનાકાળની પેદાશ જેવાં સેનિટાઇઝરના મુકાબલે સાબુ હાંફી ગયા છે. એ હાંફને કારણે નીકળતા ફીણને લોકો સાબુમાંથી નીકળતું સીધુંસાદું ફીણ ગણી લે છે, એ સાબુ-સમાજની કમનસીબી છે.

1 comment:

  1. ઉર્વીશ ભાઈ, સાબુ વિશેનું તમારું વિવેચન અને કથન આજના ચાલતા સમયમાં સાવ સાચું છે.સાબુનું વિશેનું જાહેરમાં લેખિત રમુજી વિવેચન મારા વાંચવામાં આજ દિવસ સુધીમાં પ્રથમ આવ્યું છે.સાબુનાં સન્ધાનમાં જે હિન્દુસ્તાનની આજની સાધારણ અને રાજકીય પરિસ્થિતિ
    વિષેની જે ચર્ચા કરી છે એ લેખે લાગે છે.કોરોનાવાઈરસના અને ચાલતા લોકડાઉન સમયે વાંચકોને આવા હાસ્યમિશ્રિત વાંચન પીરસવા માટે તેમનાં કપરા સમય જરૂર સહાય કરશે.
    ચિંતા અને કપરા સમયમાં આવું વાંચન તેમને ગમશે.
    હાસ્ય પણ તમે કરી જાણો છો તે વાંચીને અનુભવ્યું.
    આભાર.

    ReplyDelete