Thursday, October 22, 2009
વિક્રમ સંવતના નવા વર્ષે
નવું વર્ષ હવે 1 જાન્યુઆરીથી અને નવું નાણાંકીય વર્ષ 1 એપ્રિલથી ગણાય છે. છતાં દિવાળી પછી આવતા વિક્રમ સંવતના બેસતા વર્ષનો ઉત્સવ-મહિમા ઓછો થયો નથી. આગળપાછળની રજાઓ, ઔપચારિક-અનૌપચારિક શુભેચ્છાઓની આપ-લે, કુટુંબીઓ-મિત્રો સાથે મસ્તીમઝા...આ બધાં કારણથી દિવાળીનો ખાસ આનંદ ટકી રહ્યો છે.
ઘણા સમય સુધી પોસ્ટ કાર્ડ પર હસ્તાક્ષરોમાં એકાદ સારો શેર લખીને દિવાળીની શુભેચ્છા મોકલવાની પદ્ધતિ રાખી હતી. સો-સવા સો પોસ્ટ કાર્ડ હાથથી લખવાનું કામ દિવાળીના એક-બે અઠવાડિયાં પહેલાં – અને યોગ્ય શેર શોધવાનું કામ એથી વહેલું શરૂ થઇ જતું હતું.
પહેલાં કેટલાક સંપર્કો કેવળ દિવાળી કાર્ડના તંતુ પર ટકી રહેતા હતા. રતિલાલ બોરીસાગર જેવા વડીલ હાસ્યલેખક તરફથી દર વર્ષે એકાદ કવિતાની ઉત્તમ પેરડી દિવાળીકાર્ડના સ્વરૂપે મળતી હતી. કાર્ડ લખવાનું બંધ થયા પછી એની ખોટ અવશ્ય સાલે છે. પણ કાર્ડલેખનમાં ઔપચારિકતાનું તત્ત્વ ઘણું વધારે લાગતાં એ ધીમે ધીમે બંધ થયું. બલ્કમાં એસ.એમ.એસ.- મેઇલ મોકલવાનું મન થાય પણ ખરું અને મન પાછું પણ પડે. આ વખતે કોઇને શુભેચ્છા મોકલી નથી. કેટલાંક સગાંસ્નેહીમિત્રો સાથે ફોનથી વાત થઇ જાય તો ઠીક. બાકી આખું વર્ષ નવું જ છે.
બ્લોગની આ બીજી દિવાળી છે. તેમાં ઉત્તરોત્તર વધતી મિત્રોની સામેલગીરી અને કમેન્ટ્સનું ઉતરતું સ્તર અત્યાર સુધી મોટે ભાગે સાક્ષીભાવે જોઇ રહ્યો છું. નવા વર્ષમાં સૌને શુભેચ્છા સાથે, થોડી મુદ્દાની વાતો પણ કરી લેવા ઇચ્છું છું.
- બ્લોગ શરૂ કર્યો ત્યારે મારો આશય એક મારું પોતાનું અભિવ્યક્તિ માધ્યમ ઉભું કરવાનો હતો.
- અભિપ્રાયાત્મક લખાણ હોય ત્યારે વિચારભેદ માટે તૈયાર રહેવું પડે. મારો પ્રયાસ મુદ્દાસર, શાલીનતાથી અને મુદ્દાસર (હા, બે વાર ‘મુદ્દાસર’) વિચારભેદની ચર્ચા થઇ શકે એ દિશામાં હતો. ગુજરાતમાં એ લુપ્ત થઇ રહેલી પરંપરા છે. એને ટકાવી રાખવામાં કોઇ પણ રીતે, ગમે તેટલા નાના પાયે નિમિત્ત બની શકાતું હોય તો ઠીક.
- મૈત્રીભાવે સહેજ ગરમાટાથી ચર્ચા થાય તે એક વાત અને દ્વેષભાવથી કે બીજી કોઇ માનસિકતાથી- કેવળ પોતાની હાજરી પુરાવવા કે સામેવાળાને ઝુડવા માટે થતી ટીકા બીજી વાત છે. કમેન્ટ્સમાં એ પ્રકારની ટીકાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને મુદ્દાની વાતો ભાગ્યે જ થાય છે.
- બેફામ કે આડેધડ ટીકા કરનારા મિત્રોને એટલું જ કહેવાનું કે મારે કશું સાબીત કરવાનું ન હતું અને નથી- મારી તટસ્થતા પણ નહીં ને ખુલ્લાપણું પણ નહીં. માટે, એ બાબતમાં ખોટેખોટા પડકારો ફેંકવાની તસ્દી લેવી નહીં.
- સીધો હિસાબ છેઃ જેમને ગમે તેમનું ઉમળકાભર્યું સ્વાગત, ન ગમે તેમને ભાવભીની વિદાય. મેં માત્ર ખુલાસા કરવા કે આરોપીના પાંજરામાં ઉભા રહેવા માટે બ્લોગ શરૂ કર્યો છે, એવી ગેરસમજણ કોઇએ રાખવી નહીં. આપણે સૌ અંશતઃ સરખા કે જુદા વિચારવાળા મિત્રો છીએ. મિત્રોની જેમ વર્તીએ એમાં મઝા છે.
- સૌને વિનંતી કે કમેન્ટ્સ અવશ્ય લખો, પણ તમારે ખરેખર કંઇક કહેવાનું હોય તો અને આ બ્લોગની પૂરી ગરીમા જાળવીને. સાચું કહેવામાં કોઇની આમન્યા રાખવાની જરૂર નથી, પણ મોઢે જે કહેતાં ખચકાટ થાય એવું કંઇ પણ લખતાં પહેલાં વિચાર કરવો જોઇએ.
- છેલ્લા ઘણા વખતથી અકારણ મોકૂફ રહેલો વિભાગ ‘શબ્દાર્થપ્રકાશ’ (પ્રકાશ ન.શાહની શબ્દસૃષ્ટિ) ટૂંક સમયમાં ફરી શરૂ કરવા ધારું છું. એમાં પડેલો ખાડો મનમાં ખટકે છે, કારણ કે એ બ્લોગને કારણે શરૂ થયેલું એક મઝાનું કામ હતું, જેમાં પ્રકાશભાઇના ચાહક ન હોય એવા ઘણા લોકોને પણ રસ પડતો હતો.
- નવા વર્ષથી બ્લોગ પરની મારી જૂની તસવીર બદલીને, મિત્ર સંજય વૈદ્યે પાડેલી એક તસવીર મૂકું છું. (આમ તો એ તસવીરને પણ એકાદ વર્ષ થશે.) તસવીર બદલાઇ છે. માણસ એનો એ જ રહેશે એની ખાતરી.
tamari vaat gami. abhinandan ke loko ne muddasar ane asalinta sabahar charcha mate atlu saras platform api rahya cho. tamaro blog sara audiance thi samrudha bane tevi subhecha.
ReplyDeletecurrent affairs vadhu sthan api tena vishe tamaru thinking janvani echha khari
ReplyDeleteઉર્વીશભાઈ,
ReplyDeleteતમારો બ્લોગ વાંચવાનું હવે વ્યસન જેવું થઇ ગયું છે. તેથી થોડી અપેક્ષાઓનું wish list મુક્યું છે.
'જોવા કે ન જોવા જેવી ફિલ્મ' વાળો વિભાગ નિયમિત થાય અને એમાં ફિલ્મોના ચયનનો વિસ્તાર વધે. 'વાંચવા કે ન વાંચવા જેવા પુસ્તકો' જેવો વિભાગ શરુ કરી શકાય કે કેમ? અમે ઘણા કાર્યક્રમોતો તમારો બ્લોગ વાંચીને જ જોયા-માણ્યા છે. તેથી 'શહેરમાં આજે' પ્રકારના બ્રેકીંગ ન્યુઝ અમને મળતા રહે અને કાર્યક્રમ પછી તેનો અહેવાલ માણવા મળે તેવી નવા વર્ષે આશા યથાવત રહે છે. રાજકીય મુદ્દાઓ સાથે સાથે સામાજિક અને શહેરી વિકાસ કે (અ)વિકાસના મુદ્દાઓની સંખ્યા વધે. તે સિવાય દલિત સાહિત્ય, શિક્ષણ, austerity, climate change, cultural identity, નક્સલવાદ, ગાંધીગીરી કે વાદ જેવા વખતો વખત જાહેર જીવનમાં ચર્ચાતા મુદ્દાઓ વિષે અંગત રીતે જાહેરમાં શું માનો છો તે જાણવાની જીજ્ઞાસા ખરી.
હું હંમેશા તમારી વિષય પસંદગી અને શૈલીના વૈવિધ્યનો ચાહક રહ્યો છું. તમારી કોલમ પછી આ બ્લોગ પણ મને કાયમ ગુજરાતી બ્લોગવિશ્વનો બેનમૂન બ્લોગ લાગ્યો છે. એટલા માટે જ, છેલ્લા કેટલાક સમયથી અહીં કોમેન્ટનાં નામે થતી કુસ્તીથી અકળામણ અનુભવાતી હતી અને વધુ એક સારી જણસની અમે- એટલે કે વાચકો- પથારી ફેરવી રહ્યાં હોઈએ એવું લાગતું હતું. તમે આપેલી આચારસંહિતાનું પાલન થાય એ જ નૂતન વર્ષની પ્રાર્થના.
ReplyDelete- ધૈવત ત્રિવેદી
Jeevan ni ghatmad ma pasar thae rahel varsh tamne ane saathe safar karta saune navin urja aptu rahe tevi subheccha.
ReplyDeleteNarendra
લોકો મન ફાવે એવી (ફતવા જેવી)કોમેન્ટ કરીને શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી... સાહિત્યકાર, પત્રકાર લોકોને તો આનાથી કોઇ ફરક ન પડે પરંતુ આવો હુમલો થતો જોઇને (અ)સામાન્ય વાંચક પોતાની સાદી અને સામાન્ય કોમેન્ટ લખવાંનું ટાળતો હોય છે એ પાસુ વિચારવા જેવું ખરૂં.
ReplyDeleteઉપર નરેન્દ્રભાઈએ કોમેન્ટ કરી તે આપણા માનનીય ન.મો.એ તો નથી કરીને? ઉર્વિશભાઈ તમારો બ્લોગ હવે ખરેખર લોકપ્રિય અને રાજપ્રિય બન્યો કહેવાય ;)
ReplyDeleteKartik, the comment you have mentioned was posted by me and not NaMo(this is for clarification only)
ReplyDeleteNarendra Mistry (Envy)