Sunday, March 17, 2024

ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’

આજે મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને આજે સવારે થયેલો તેનો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.

મહિલા આર્ટ્સ કોલેજ અને ખાસ તો તેની એક વિશિષ્ટ પ્રવૃત્તિ વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ સાથે સંકળાયેલા હોવાનો નાતો અને કોલેજના આચાર્ય-પરમ મિત્ર હસિત મહેતા સાથે લગભગ ત્રણ દાયકાની ગાઢ દોસ્તી –આ બંને પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.

હસિત મહેતાને ઓળખતા લોકો જાણે છે કે તેમને અવનવા મૌલિક વિચાર આવે છે અને તેને સાકાર કરવા માટે પોતાનાં અને સાથીદારોનાં રાતદિવસ એક કરી-કરાવીને જ જંપે છે. એવો જ એક વિચાર હતોઃ કોલેજના ટેલેન્ટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો. જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,

  • આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
  • ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
  • ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
  • કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
  • કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.

હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે 200 ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.

અગાઉ આ પ્રકારના કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય?  તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો. તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ. થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.

યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.

કાર્યક્રમનું નામ હસિતભાઈના મનમાં ચોંટી ગયું હતુઃ સો દાડા સાસુના, એક દાડો વહુનો. તેમના મનમાં એવો ખ્યાલ હતો કે કોલેજ, શિક્ષકો અને આખો સમાજ ઘણાખરા કિસ્સામાં જૂના જમાનાની ફિલ્મી સાસુઓ જેવું વર્તન રાખતો હોવા છતાં, છોકરીઓ સંઘર્ષથી અને પોતાની આવડત વડે રસ્તો કાઢે છે. તેમને બિરદાવવા માટેનો આ એક દિવસ છે. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.

તે બાબતને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ગઈ કાલે નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું. 

કાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને 'ટીઅરજર્કર' કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને 'હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી' કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો. 

વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો. 

 વિડીયોમાં જોવા નહીં મળે એવી કાર્યક્રમની કેટલીક તસવીરોઃ

કાર્યક્રમ પહેલાં, બંધ પરદાની પાછળ, ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સામે
'પ્રોફેસર'નો ક્લાસઃ છેલ્લી સૂચનાઓ આપતા હસિત મહેતા
કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ
અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થના

હોલમાં અચાનક લાઇટો ગઈ એટલે મોબાઈલ ઝગમગી ઉઠ્યા,
પણ હોલની શાંતિ જરાય ખોરવાઈ નહીં

છેલ્લે, મંચ પર આખા સ્ટાફ સાથે, કોલેજની એનસીસી કેડેટોની
હાજરીમાં જનગણમન...


સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ અને વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સનો
આખો સ્ટાફ 

3 comments:

  1. Anonymous9:21:00 PM

    આજરોજ એક એવા અદભુત અને કદાચ ભૂલી ના શકું તેવો અવિસ્મરણીય પ્રોગ્રામ જોવા નું અરે માણવા નું સદભાગ્ય પ્રાપ્ત થયું.ભાઈ બિરેન ના ફેસબુક લિંક ઉપર થી જોડાવા માટે આમંત્રણ મળ્યું..ખરેખર આ ભારત નું ગૌરવ કહી શકાય તેવી કોલેજ એટલે સુરજબા મહિલા આર્ટસ કોલેજ... સૌ ને અભિનંદન કે જેઓ આ કાર્યક્રમ ને સફળ બનાવવા પોતાનો સમય આપ્યો

    ReplyDelete
  2. Anonymous12:04:00 PM

    સમયસર માહિતી મળી હોત તો ચોક્કસ આવ્યો હોત. ચૂકી જવાયું એનો અફસોસ.

    ReplyDelete
  3. Anonymous3:10:00 AM

    કાર્યક્રમ ની કલ્પના ને મૂર્ત રૂપ આપનાર આપ સૌ અને આપને આ કાર્યક્ર્મ માટે પોતાનું યોગદાન આપનાર સૌ બહેનો, દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન, આ આખો કાર્યક્રમ જાણે ઘરના જ સભ્યો દ્વારા થતો હોય અને વડીલો અને બાળકો સૌ એક સાથે માણતા હોય અને છેલ્લે સ્નેહ ની ઊર્મિઓથી વડીલો ભાગ લેનાર સભ્યો ને વધાવી લે એવું લાગ્યું. ઉર્વીશભાઈ અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
    મનહર સુતરીયા

    ReplyDelete