Monday, March 04, 2024

ગુસ્સો આવે ત્યારે...

 હાસ્ય માણસ અને બીજાં પ્રાણીઓને જુદાં પાડનારું પરિબળ છે એવું કહેવાય છે. પ્રચલિત અને વૈજ્ઞાનિક રીતે ખોટી માન્યતા પ્રમાણે, બીજાં પ્રાણીઓ હસી શકતાં નથી, જ્યારે મનુષ્યપ્રાણી હસી શકે છે. તેનાથી સાવ જુદા પાટે એમ પણ કહી શકાય કે, ગુસ્સો માણસ અને બીજાં પ્રાણીઓને એકરૂપ કરનારું, એક હરોળમાં બેસાડનારું લક્ષણ છે. કેટલાક તો આગળ વધીને એમ પણ કહે છે કે ગુસ્સો માણસનું પ્રાણીમાં—વધુ ચોક્સાઈથી કહીએ તો, અસામાજિક પ્રાણીમાં--રૂપાંતર કરી નાખે છે. કેટલાક માણસોનો ગુસ્સો જોઈને એવો વિચાર પણ આવે કે તેમના તે સ્વરૂપને પાશવી-પશુ જેવું ગણાવવામાં પશુઓને અન્યાય થવા સંભવ છે.

પ્રાણીઓ વિના કારણે ગુસ્સે થતાં નથી. તે ચા પીતાં ન હોવાથી, તેમને ખરાબ ચાના કારણે ગુસ્સો આવવાનો સવાલ રહેતો નથી. તે ઓફિસમાં કામ કરતાં નથી. એટલે તેમને કર્મચારીઓ પર ગુસ્સો આવવાની સંભાવના પણ નીકળી જાય છે. તે (સરકસ સિવાય) વાહન ચલાવતાં નથી. એટલે તેમને રોડ રેજ પ્રકારનો, વાહનચાલકસહજ ગુસ્સો ચડતો નથી. તેમનામાં લગ્નસંસ્થા નથી, જમણવારો નથી, કપડાં નથી, હાઉસિંગ સોસાયટી અને ફ્લેટની મિટિંગો નથી, રમતગમત નથી, રાજકારણ નથી, ... ટૂંકમાં, ગુસ્સો પ્રેરનારાં પરિબળોમાંથી ઘણાંખરાં પ્રાણીસૃષ્ટિમાં ગેરહાજર હોય છે. છેલ્લા થોડા સમયના ગુજરાતના પ્રવાહો ધ્યાનમાં રાખતાં એ પણ ઉમેરવું જોઈએ કે પ્રાણીઓ ફિલ્મો બનાવતાં નથી. એટલે તેમની ફિલ્મો જોઈને બીજાં પ્રાણીઓને કે ફિલ્મ જોનાર પ્રાણીઓની ટીકાથી ફિલ્મ બનાવનારાં પ્રાણીઓને ગુસ્સો આવે, એવી શક્યતા નથી.

સામાન્ય માણસોને ગુસ્સે થવા માટે કારણ જોઈએ છે, જ્યારે મહાજનો એવી રીતે વિચારતા નથી. તે પહેલાં ગુસ્સે થઈ જાય છે અને પછી તેનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢે છે. કોઈ કારણ ન જડે તો, બસ યું હી, પોતાના હોવાની રૂએ અથવા દિવસનો ક્વોટા પૂરો કરવા માટે પણ તે ગુસ્સે થઈ શકે છે. અલબત્ત, એવો ગુસ્સો મુખ્યત્વે સુખીસંપન્ન માણસોને વધારે આવે છે. મોટી માછલી નાની માછલીને ખાય, એવો માત્સ્યન્યાય સૃષ્ટિનો ક્રમ ગણાય છે. તેમાં ઉમેરો કરતાં કહી શકાય કે દરેક સાહેબ તેની નીચેના કર્મચારી પર ગુસ્સો ઠાલવે, એ પણ સૃષ્ટિનો નિયમ છે. જેમની નીચે કોઈ કર્મચારી નથી, એવા કર્મચારીઓ ઓફિસમાંથી પેકેજમાં છેવટે ગુસ્સો મળે છે. ફક્ત અમુક કંપનીના કે તમુક સ્ટોરમાં જ વાપરી શકાય એવા ગીફ્ટ વાઉચરની જેમ, એવો ગુસ્સો ઘરે જ ચાલી શકે એવો હોય છે. એવા લોકોનાં પરિવારજનોને તેનો ભરપૂર લાભ મળે છે.

કોઈની પર અકારણ પ્રેમ ઢોળવાનું કહેવામાં આવે તો તે અજૂગતું લાગી શકે, પણ કોઈની પર અકારણ ગુસ્સે થવાની વાત એટલી વિચિત્ર નથી લાગતી. આ વાતનાં ઉદાહરણ તરીકે ભાડૂતી ટ્રોલથી માંડીને સાહેબલોકો સુધીના અનેક નમૂના સાંભરી આવશે. પીનેવાલોંકો પીનેકા બહાના ચાહિએ—એવી જ રીતે, ગુસ્સે થનારાને ગુસ્સે થવા માટે ઘણી વાર કારણ નહીં, ફક્ત બહાનું જ જોઈતું હોય છે. તે કોઈના બોલવા પર કે મૌન પર, ચાલવા પર કે ઊભા રહેવા બદલ, હસવા બદલ કે ન હસવા બદલ—ઇચ્છે તે બાબત પર ગુસ્સે ભરાઈ શકે છે.

કહેવાય છે કે માણસ ગુસ્સામાં ભાન ભૂલે છે. એમ તો, પ્રેમમાં પણ તે ભાન ક્યાં નથી ભૂલતો? ફક્ત એટલી હકીકતથી ગુસ્સાને પાશવી કે આસુરી ઠેરવવાનું યોગ્ય નથી. વ્યવહારમાં ઘણા લોકો ચહેરા પર એટલાં મહોરાં ચડાવીને રાખતા હોય છે કે તેમનું સાચું સ્વરૂપ તેમની ભાન ભૂલાયેલી અવસ્થામાં જ જોવા મળે છે. તે દારૂના નશામાં ચકચૂર જણની જેમ લથડિયાં નથી ખાતાં એટલું જ.  તેમના વ્યક્તિત્વની, તેમના શિષ્ટાચાર અને સભ્યતાની ખરી કસોટી તે ગુસ્સામાં હોય ત્યારે થાય છે. ગુસ્સે ભરાયા પછી તે ઉશ્કેરાઈને (ઘોડા-ગધેડા જેવાં) કયાં પ્રાણીઓનું આવાહન કરે છે કે સામેવાળાનાં કયાં મહિલા કુટુંબીજનોનું સ્મરણ કરે છે, તેની પરથી તેના ગુસ્સાનું અને વ્યક્તિત્વના એક અંશનું પણ માપ નીકળી જાય છે. ગાળ એ ગુસ્સાની મસિયાઈ બહેન છે, એવું આ ચિંતનલેખ હોત તો જરૂર લખ્યું હોત. ઘણા ચિંતનલેખો હાસ્યલેખ જ હોય છે, પણ આ ખરેખર હાસ્યલેખ છે. એટલે એવી સરખામણી ટાળીને કહેવું જોઈએ કે ગાળ એ ગુસ્સાની આડપેદાશ નહીં, સીધી જ પેદાશ છે.

ગુસ્સો આવે છે એમ કહેવાથી એવો સવાલ પણ થાય કે બજેટના રૂપિયાની જેમ ગુસ્સો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ગુસ્સો પેદા મગજમાં થાય એ તો જાણે સમજ્યા, પણ ત્યાર પછી તે કોઈની આંખોમાં, કોઈના નાક પર, કોઈની જીભ પર, તો કોઈના આખા ચહેરા પર તે આવે છે. ગુસ્સાના કારણે કોઈની આંખમાંથી અંગારા વરસે છે (જે સગડી સળગાવવા કે શક્કરિયાં શેકવા જેવા કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી), કોઈના નાકનું ટેરવું વગર લિફ્ટે ઉપર ચડી જાય છે, તો કોઈની આખો ચહેરો તેની પર કોઈએ વઘાર કર્યો હોય એવો તમતમી જાય છે. ઘણાના શરીરમાં ગુસ્સાનું સૌથી પહેલું સ્થાપન જ હાથ કે પગમાં થાય છે. અલબત્ત, હાથ-પગમાં સ્થપાતો ગુસ્સો ચેપી નીવડે અને તેનો ચેપ સામેવાળાને લાગે એવી પૂરી સંભાવના રહે છે. એવું થાય ત્યારે માણસને એટલું અર્ધસત્ય ચોક્કસ સમજાય છે કે ગુસ્સો ખરાબ તો છે—ખાસ કરીને સામેના માણસને આવે ત્યારે.

No comments:

Post a Comment