Saturday, January 27, 2024
દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય
દિલીપ ગોહિલ |
દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.
આ બંને અને દીપક સોલિયા--એ 'સમકાલીન'માં બનેલી ત્રિપુટી. પછી 'ઇન્ડિયા ટુડે'માં સાથે. ત્યાર પછી નોકરીમાં છૂટા પડ્યા, પણ તેમની વચ્ચેનો તાર અતૂટ રહ્યો.
દિલીપભાઈની કારકિર્દી ગુજરાતી પત્રકારત્વના અને તેમની પ્રકૃતિના ચઢાવઉતારના પ્રતિબિંબ જેવી. સૌથી વધુ પ્રતિષ્ઠિત એવા 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર અને શીલાબહેન (ભટ્ટ)ના નેજા હેઠળ ચાલતા રિડીફ.કોમની ગુજરાતી સાઇટથી માંડીને તે વેબસાઇટ, ટીવી ચેનલો અને દિવ્ય ભાસ્કર જૂથના સુરતથી નીકળેલા ટેબ્લોઇડ 'ડીબી ગોલ્ડ' સાથે પણ સંકળાયેલા રહ્યા. 'આરપાર'માં અને 'ડીબી ગોલ્ડ'માં તેમની સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કામ કરવાનું થયું. 'આરપાર'માં તેમની સાથે થોડો સંઘર્ષ પણ રહ્યો. છતાં, લાંબા સમયની બિરાદરી અને મીઠાશ ટકી રહ્યાં. 2006માં થોડા સમય માટે 'ભાસ્કર'માં મારી પાસે કશું કામ રાખવામાં ન આવ્યું, ત્યારે 'ડીબી ગોલ્ડ'ના એડિટર તરીકે દિલીપભાઈ મારી પાસે હાસ્યની અઠવાડિક કોલમ લખાવતા હતા.
પોલિટિકલી કરેક્ટ શબ્દ વાપર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે બાપુગીરી એ દિલીપભાઈનો સ્થાયી ભાવ રહ્યો. તેમને અવનવા વ્યવસાયો કેવી રીતે થઈ શકે, તે ઝીણવટથી વિચારવાનો શોખ હતો. તે 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર હતા ત્યારે નીચે કીટલી પર હિમાંશુ કીકાણી, મનીષ મહેતા અને બીજા મિત્રો સાથે ચા પીતાં પીતાં તે ટ્રકોનો ધંધો કેવી રીતે કરી શકાય, તેની વિગતવાર વાત કરતા. તે ઝડપથી બોલતા. અવાજ પ્રમાણમાં મૃદુ હતો, પણ અભિપ્રાયો આકરા. લાગણીશીલતા અને રૂક્ષતાનું વિલક્ષણ મિશ્રણ લાગે અને બંનેમાંથી એકેય બનાવટી ન લાગે.
પછીનાં વર્ષોમાં સતત, એકધારો દોસ્તીની મધુરતાવાળો સંબંધ રહ્યો. તેમણે ઘણાં અંગ્રેજી પુસ્તકોના સરસ અનુવાદ કર્યા. અમારા 'સાર્થક પ્રકાશન' માટે 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નું ગુજરાતી કરવાનું થયું, ત્યારે પણ દિલીપભાઈ જ યાદ આવ્યા. તેમણે પુસ્તકનો મોટા ભાગનો અનુવાદ કર્યો. વચ્ચેના લાંબા ઝોલ પછી હવે એ પુસ્તકનું આખરે પ્રૂફ વાંચવાનું ચાલે છે અને થોડા મહિનામાં તે પ્રકાશિત થશે, પણ એ પહેલાં તો દિલીપભાઈ ઉપડી ગયા.
તે અમદાવાદ રહ્યા ત્યાં સુધી સાર્થકના મિલનોમાં આવતા. છેલ્લાં બે-એક વર્ષથી હું તેમને 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના તેમના અનુભવો 'સાર્થક જલસો' માટે લખવા કહેતો હતો. તે તૈયાર હતા અને એકાદ વાર તો લખવાનું શરૂ પણ કર્યું છે, એમ કહેતા હતા. છેલ્લે તેમને નોકરી માટે રાજકોટ જવાનું થયું ત્યારે એવી વાત થઈ કે ત્યાં સેટ થઈ ગયા પછી તે લખી આપશે.
પણ એ તો જતા રહ્યા. સાઠની અંદર રહેલા મિત્રો જતા રહે તે બહુ આકરું લાગે છે. નિકટતા ઓછીવત્તી હોય તો પણ આંચકો એકસરખો લાગે છે અને રહી રહીને મગજમાં હથોડા વાગે છે કે એક દિવસ આમ જ ચાલુ વાક્યે, અણધાર્યું, મોટું પૂર્ણવિરામ મુકાઈ જશે અને એ સાથે જ, ધ એન્ડ.
તે અહેસાસ મિત્રો-ચાહનારાંને પ્રેમ કરવા માટે આવતી કાલની રાહ નહીં જોવાના નિર્ણયને ફરી ફરીને દૃઢ બનાવે છે. સાથે એવું પણ થાય છે કે આટલું યાદ રાખવા માટે આટલી મોટી કિંમત ચૂકવવાની?
Labels:
media,
Obit/અંજલિ
Subscribe to:
Post Comments (Atom)
નીલેશભાઈ અને દિલીપભાઈ, બંને મારે માટે પહેલાં ગુરુ, પછી મિત્ર.
ReplyDeleteએ બંને માટે હું - અને અમે બીજા ઘણા બધા - માત્ર મિત્ર. ગુરુપણાનો ક્યારેય કોઈ ભાર નહીં.
ઇન્ડિયા ટુડેમાં તરુણ તેજપાલ જેવાના આર્ટિકલ નહીં, એસે ટ્રાન્સલેટ કરવાના થાય ત્યારે અમે એ નીલેશભાઈ સામે ધરી દેતા ને એ હસીને સ્વીકારી પણ લેતા. માણસ વધુ જાણે એમ વધુ નમ્ર બને એનું એકદમ સચોટ ઉદાહરણ એનઆર.
એવું જ દિલીપભાઈનું. દિલ્હીની ઓફિસમાં પહેલી વાર કમ્પ્યૂટર પર પેજમેકર જેવા પ્રોગ્રામમાં આર્ટિકલ એડિટ કરવાનું શરૂ કર્યું ત્યારે મનમાં સતત ડર રહેતો - ક્યાંક લોચો કરી બેસશું તો? પોતાની તો ઠીક, બીજા કેટલાયની મહેનત પર પાણી ફરી વળવાનો ડર. પણ દિલીપભાઈ કાયમ કહેતા, ‘હું બેઠો છુંને. ચિંતા વગર કામ કર.’ દિલીપભાઈ, અમારે માટે ડીજી, ન હોત, તો હું ચોક્કસપણે કમ્પ્યૂટર પર કામ કરતાં ઘણું મોડો શીખ્યો હોત.
સાથે કામ કરવાનું બંધ થયું એ પછી બંને સાથે, ખાસ કરીને નીલેશભાઈ સાથેનો મારો સંપર્ક ઓછો. પણ પચીસ-ત્રીસ વર્ષના ગાળા પછી પણ જ્યારે વાત થાય ત્યારે વચ્ચેનો બધો સમયગાળો બિલકુલ ભૂંસાઈ જાય.
કમનસીબે, આવી વ્યક્તિઓ જાય એ પછી જ, આપણે માટે એ શું હતી, એ વધુ સમજાય છે.
- હિમાંશુ કીકાણી
Always miss My uncle...uma gohil
ReplyDeleteનિખાલસ અને હૃદયસ્પર્શી અંજલિ..
ReplyDeletesaras Gujarat local news
ReplyDelete