Monday, February 26, 2024

કૃષ્ણ, સુદામા અને તાંદુલ

વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત. 

સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા. 

ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા. 

એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે. 

વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય. 

વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી. 

કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે? 

આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?

આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?

1 comment:

  1. Anonymous10:48:00 PM


    He is not a Krishna or Sudama but he is Bahuroopi, who cheats people with different attire at different different time.

    ReplyDelete